પારીના પ્રિય વાચક,

આ વર્ષે www.ruralindiaonline.org ખૂબ વ્યસ્ત રહ્યું છે.

2023નો અંત નજીક આવી રહ્યો હોવાથી, પારીની ટીમે આગામી નવ દિવસો સુધી દરરોજ આકર્ષક દૃશ્યોવાળી વર્ષના અંતની સમીક્ષાશ્રેણી બહાર પાડવાનું નક્કી કર્યું છે, જેમાં અમે અમારા સંપાદકોએ પસંદ કરેલી “પારીની સૌથી શ્રેષ્ઠ” વાર્તાઓ, કવિતાઓ, સંગીત અને ચિત્રો, ફિલ્મો, છબીઓ, અનુવાદો, લાઇબ્રેરી, ફેસીસ, સોશિયલ મીડિયા અને વિદ્યાર્થીઓ સાથેની અમારી ભાગીદારીમાંથી કેટલાક અંશ પ્રકાશિત કરીશું.

અમે દેશભરમાંથી વાર્તાઓ પ્રકાશિત કરવાનું આ વર્ષે પણ ચાલુ જ રાખ્યું હતું, અને વળી અમે આ વર્ષે તો ઉત્તર–પૂર્વ સહિતની નવી નવી જગ્યાઓએથી પણ ઘણી વાર્તાઓ રજૂ કરી હતી. ખેતી–સંંબંધી અમારા અહેવાલમાં હવે ચમેલી, તલ, સૂકી માછલી અને વધુ પર અપર્ણા કાર્તિકેયન દ્વારા ઝીણવટપૂર્વક સંશોધન કરાયેલ શ્રેણી હાજર છે. માનવ-પ્રાણી સંઘર્ષ અને અભયારણ્યોની નજીક રહેતા લોકો પર તેની માઠી અસરને જયદીપ હર્ડેકરની ‘આ એક નવા જ પ્રકારનો દુકાળ છે’ નામની વાચકને જકડી રાખે તેવી રસપ્રદ શ્રેણી પણ વાંચવા માટે તૈયાર છે.

પલાની કુમારે હાંસિયામાં ધકેલાઈ ગયેલા લોકો — મૂર્તિ બનાવનારાઓ, ટ્રાન્સ અભિનેતાઓ તેમજ તમિલનાડુના માછીમારો — ની અવિસ્મરણીય છબીઓ કેદ કરી હતી. રિટાયન મુખર્જી અને મુઝમ્મિલ ભટ્ટે કાશ્મીર અને લદ્દાખમાં પશુપાલકો સાથે મુસાફરી કરી હતી અને ઊંચા પર્વતોમાં કામ કરતી વખતે તેમની છબીઓ કંડારી હતી, જ્યારે તેઓ બદલાતી આબોહવાનો સામનો કરવાનો પ્રયાસ કરી રહ્યા હતા. જ્યોતિ શિનોલીએ ગ્રામીણ મહારાષ્ટ્રમાં પ્રચલિત ઘણા અન્યાયના કિસ્સાઓને આવરી લીધા — યુવા રમતવીરો, સ્થળાંતર કરનારાઓના બાળકો માટે શિક્ષણ, માસિક સ્રાવ સાથે જોડાયેલ કલંકો અને અન્ય વધુ પણ. અને સાથે સાથે પારી ફેલો ઉમેશ કે. રેની બિહારથી મુસહર સમુદાય અને દારૂ સંબંધિત મૃત્યુ પરની સખત પ્રહાર કરતી શ્રેણી પણ અમે પ્રકાશિત કરી હતી.

અમે સમુદાયો અને સંરક્ષણની આસપાસની વાર્તાઓ સાથે નવા વિષયો પર વાર્તા માંડવામાં સફળ રહ્યાં: વિશાકા જ્યોર્જે પૂર્વીય હિમાલયમાં લુપ્તપ્રાય પક્ષી બુગુન લિઓચિચલાને નડતાં જોખમો અને કેવી રીતે સ્થાનિક લોકો આ કટોકટીને ઘટાડવામાં મદદ કરી રહ્યા છે તેની જાણ કરી; પ્રીતિ ડેવિડે રાજસ્થાનમાં ગંભીર રીતે લુપ્તપ્રાય ગ્રેટ ઇન્ડિયન બસ્ટર્ડને આવરી લીધું, અને પવિત્ર ઉપવનોને નવીનીકરણીય ઉર્જા પ્લાન્ટ્સ દ્વારા કબજે કરવામાં આવ્યા હોવાથી તેઓ કેમ હવે પવિત્ર નથી ગણાતાં તેની વાત કરી હતી.

અમને જેમ જેમ સમાચારો મળ્યા તેમ તેમ અમે તેના પર કામ કર્યું — અમે મહારાષ્ટ્રમાં વિરોધ કરી રહેલા ખેડૂતો સાથે ચાલ્યાં, અને આદિવાસીઓ સાથે વાત કરી જ્યારે તેઓ તેમના અધિકારો માટે કૂચ કરી રહ્યા હતા, તેમજ હડતાળ પર ઉતરેલાં આંગણવાડી કાર્યકરો સાથે પણ અમે વાત કરી હતી. અને પછી, મધ્ય પ્રદેશ અને છત્તીસગઢમાં ડિસેમ્બર 2023ની વિધાનસભાની ચૂંટણીઓ દરમિયાન, પાર્થ એમ.એન. તેમની સાથે જમીન પર હતા, જેમણે બુલડોઝર અન્યાય, આદિવાસીઓ પર થતા અત્યાચાર અને આ રાજ્યોમાં કસ્ટોડિયલ મૃત્યુથી પ્રભાવિત લોકોની જીવંત વાસ્તવિકતાઓ વિશે રસપ્રદ શૈલીમાં લખ્યું હતું.

જ્યારે પત્રકારો રિપોર્ટિંગ કરવા માટે ફરતાં હોય છે, ત્યારે અમુકવાર મહિલાઓના ગીતો અને મુર્શિદાબાદ જિલ્લામાં બાળકોની રમત જેવા નાના મુસાફિર લેખો મળી જાય છે, જ્યાં સ્મિતા ખટોર બિડીના કામદારોની વાત કરવા ગયાં હતાં. કેટલીક વાર્તાઓ વ્યક્તિગત સ્પર્શ સાથે આવે છે કેમ કે મેધા કાલે, જેઓ પોતે એક શિક્ષક પણ છે, તેમણે વિશેષ-શિક્ષકોની કામગીરીને ઉજવતો એક લેખ લખ્યો હતો. અમારા પત્રકારોએ ગ્રામીણ ભારતમાં તહેવારો જોયા અને તેમને આવરી પણ લીધા — મા બોનબીબી, શૈલા નૃત્ય, ચાદર બદની, પિળી વેશ, વગેરે. સાથે સાથે અમે ‘દરગાહ કોની કોની?’ નામનો એક લાગણીસભર લેખ પણ રજૂ કર્યો હતો.

પારીની ટીમ આખા દેશમાં વિવિધ સ્થળોએ ફેલાયેલી હોવાથી, અમે તેમની મદદથી ભારતભરમાં કામ કરતા અસહાય કામદારો, અનુવાદોની વેદના અને ભાવાવેશ, સ્થળાંતરિત કામદારો અને તેમના સાથે આવતા સ્થળાંતરિત શબ્દો, અને ગ્રામીણ ભારતમાં મહિલાઓ તેમનો 'ફુરસદનો' સમય કેવી રીતે વિતાવે છે તેના પર પણ કામ કરીએ છીએ. અમે આવતા વર્ષે આ પ્રકારની વધુ વાર્તાઓ રજૂ કરવાની આશા રાખીએ છીએ.

PHOTO • Nithesh Mattu
PHOTO • Ritayan Mukherjee

અમે (ડાબે) પિળી વેશ જેવા તહેવારોને આવરી લીધા, જે દરિયાકાંઠાના કર્ણાટકમાં એક લોકકલા ઉત્સવ છે, અને લદ્દાખના ઝાંસ્કર પ્રદેશમાં યાક પશુપાલકો (જમણે) સાથે પણ પ્રવાસ કર્યો હતો

નમિતા વાયકર દ્વારા સંચાલિત ગ્રાઇન્ડમિલ સોંગ્સ પ્રોજેક્ટ (જી.એસ.પી.), જેના પર પારીને ખૂબ ગર્વ છે, તે એક એવી ભેટ છે જે દરવખતે આપણને કંઈને કંઈ નવું આપતી જ રહે છે, જેવું કે આ વખતે તેના ઇતિહાસ પરના એક અદ્ભૂત વીડિયોમાં આપણને જોવા મળ્યું. 2023માં, અમે કચ્છના રણમાંથી રેકોર્ડ કરેલાં ગીતોને કચ્છી ગીતોના સંગ્રહ સ્વરૂપે પણ ઉમેર્યાં છે, જેને અમારાં આગવાં કવયિત્રી પ્રતિષ્ઠા પંડ્યા દ્વારા તૈયાર કરવામાં આવ્યા હતા.

એક અન્ય એવી વસ્તુ કે જેની શરૂઆત પારીએ કરી છે, તે છે આદિવાસી બાળકોનાં ચિત્રો. ગ્રામીણ ઓડિશામાં શાળાના બાળકો દ્વારા દોરેલાં ચિત્રોને કનિકા ગુપ્તા દ્વારા સંપૂર્ણ રીતે ચકાસીને અને સખત મહેનતથી એકસાથે મૂકીને રજૂ કરવામાં આવ્યાં છે. કલાકાર લબાની જાંગીએ પશ્ચિમ બંગાળમાં દેવચા પચામી કોલસાની ખાણોમાં વિરોધ પ્રદર્શનનું નેતૃત્વ કરતી મહિલાઓ પર ચિત્રો દ્વારા કહેવાએલી અમારી પ્રથમ વાર્તા પણ રજૂ કરી હતી.

પારી એમ.એમ.એફ.ના ફેલોએ જોખમમાં મૂકાયેલા કારીગરોની વિતક સંભળાવી હતી: મહારાષ્ટ્રમાં, સંકેત જૈને નાના ગામડાઓમાં ઓછા જાણીતા કારીગરોની વાત રજૂ કરી હતી જેઓ જોપડી, જાળી અને બીજી વસ્તુઓ બનાવે છે; ભારતનાં રમતનાં મેદાનોમાંથી; શ્રુતિ શર્માએ આપણને માત્ર હસ્તકલાનું જ નહીં, પરંતુ મહત્ત્વપૂર્ણ રમતગમતનાં સાધનોની આસપાસના ઐતિહાસિક અને સામાજિક-સાંસ્કૃતિક સેટિંગનું પણ નજરોનજર દૃશ્ય ખડું કરી આપ્યું હતું; પ્રકાશ ભુયને આસામના માજુલીમાંથી ત્યાંની રાસ પરંપરા પર લખ્યું હતું; સંગીત શંકરે ઉત્તર કેરળની તોલપાવાકુતુ પરંપરાઓ પર લખ્યું હતું, અને ફૈસલ અહમદે કર્ણાટકના તુલુનાડના ભૂતોની પરંપરાની વાત રજૂ કરી હતી.

આંધ્રપ્રદેશથી અહેવાલ આપતાં, પારી ફેલો અમૃતાની દેવામાં ડૂબેલા પરિવારો પરની વાર્તાઓએ લિંગ પર ધ્યાન કેન્દ્રિત કરીને વાર્તાઓના અમારા વધતા કવરેજમાં સોનેરી સુગંધ ભેળવી હતી.

આ ઉપરાંત, કહેવાની જરૂર નથી કે પારી ખાતેના નિયમિત અને જૂના સહયોગીઓએ અમારા વાર્તાના સંગ્રહમાં યોગદાન આપવાનું ચાલુ જ રાખ્યું હતું: પુરુષોત્તમ ઠાકુરે છત્તીસગઢ અને ઝારખંડમાંથી આદિવાસી સમુદાયોના જીવન, આજીવિકા અને તહેવારોને લગતા ફોટા અને વીડિયો મોકલીને તેમની વાતને વાચા આપી હતી; શાલિની સિંહે યમુના નદીના વિસ્થાપિત ખેડૂતોને અનુસરવાનું ચાલુ રાખ્યું હતું અને ઉર્વશી સરકારે કરચલાની માછીમારી અને સુંદરવનમાં ચાલતા એક આગવા ત્રિમાસિક સામયિક પર લખ્યું હતું. કવિતા ઐય્યરે ઓડિશામાં ગ્રામીણ શાળાઓ બંધ કરવા પર, એસ. સેંથાલિરે બેલ્લારીમાં મહિલા ખાણિયાઓ પર, શ્વેતા ડાગાએ હિમાચલ પ્રદેશમાં યોજાયેલ પ્રાઇડ માર્ચ પર, જિજ્ઞાસા મિશ્રાએ લાડીઓના સોદા પર, અને ઉમેશ સોલંકીએ પરબીડિયા અને ચાળણી જેવી આવશ્યક ચીજવસ્તુઓ બનાવતા લોકો પર, અને પછી આકાંક્ષાએ મુંબઈના સ્થાનિક સંગીતકારો પર, અને સ્મિતા તુમુલુરુએ તમિલનાડુના ઇરુલર લોકોના જીવન પર લખ્યું હતું.

તદુપરાંત, આપણને પાસે ડૉ. નિત્યા રાવ અને ડૉ. ઓવી થોરાટ જેવાં વિદ્વાનોના કુડ્ડાલોરમાં માછીમારી અને હિમાલયમાં પશુપાલન પર ઘણા લેખોનો રસાસ્વાદ મળ્યો હતો. સાથે સાથે સ્નાતક અને સ્નાતકનો અભ્યાસ કરતા ઘણા વિદ્વાનોએ પણ તેઓ જે લોકો અને સમુદાયોનો અભ્યાસ કરી રહ્યા છે તેમને વધુ સારી રીતે સમજવા માટે પારીમાં તેમની કૃતિઓ આપી હતી — જેમાં બિન-સૂચિત આદિવાસીઓ, ગ્રામીણ બિહારમાં મહિલા નર્તકો, કોચીમાં ધોબી પુરુષો અને મહિલાઓ, અને એક ઉચ્ચ શાળાના વિદ્યાર્થીએ ગ્રામીણ ભારતમાં એક ટપાલી વિષે બખૂબી લખ્યું હતું.

PHOTO • PARI Team
PHOTO • Ishita Pradeep

અમે આદિવાસી બાળકોના ચિત્રોનો નવો સંગ્રહ શરૂ કર્યો છે (ડાબે) અને મુંબઈમાં આરેથી આદિવાસીઓ દ્વારા ચાલી રહેલા વિરોધને પણ આવરી લીધો (જમણે)

હવે આગામી સપ્તાહમાં “2023માં પારીની સૌથી શ્રેષ્ઠ” ની એક ઝલક જોવા મળશે, જેનું દૃશ્યસોંદર્ય મન મોહીલે તેવું છે.

અમે શરૂઆત કરીશું “ બેસ્ટ ઓફ મોઝેઇક ” વડે, જે આ વર્ષે અમારી કવિતા, સંગીત અને ગીતની પસંદગી છે જેણે અમારા સંગ્રહને વિસ્તૃત અને ઊંડો કર્યો છે. તે પછી લાઇબ્રેરી ટીમ આપણને જણાવશે કે તેઓએ આ વર્ષે પારી લાઇબ્રેરીમાં ઉમેરેલા સેંકડો દસ્તાવેજોમાંથી કયા કયા દસ્તાવેજો પર તેઓ પ્રકાશ પાડવા ઇચ્છે છે. પારી ફિલ્મ ટીમે બોક્સ ઓફિસ પર સફળ ફિલ્મો આપી છે, અને અમારી યુટ્યુબ પ્લેલિસ્ટ પર ઘણા ફિલ્મ નિર્માતાઓ અને વીડિયોગ્રાફર્સને પણ રજૂ કર્યા છે. સૌથી અદ્ભૂત ફિલ્મોમાંની એક હતી પારીનાં પોતાનાં ફિલ્મ મેકર, શ્રેયા કાત્યાયીની દ્વારા રજૂ કરાયેલ મદ્રેસા અઝીઝિયાના દહન પરની ફિલ્મ અને જેસલમેરના ઓરાણને બચાવવા પર ઉર્જાની ફિલ્મ. હાંસિયામાં ધકેલાઈ ગયેલા કચરો વિણનારા લોકો પર બનેલી કવિતા કાર્નેઇરોની ફિલ્મ પારીની ફિલસૂફીનો આસ્વાદ કરાવે તેવી અને મંત્રમુદ્ધ કરી દે તેવી હતી. આના અને અન્ય ગતિશીલ ચિત્રો વિષે તમનર વર્ષના અંતે પ્રકાશિત થનાર લેખમાં વિગતવાર સાંભળવા મળશે.

‘પારી પર પ્રકાશિત દરેક વાર્તા ભારતની 14 ભાષાઓમાં પુનર્જન્મ પામે છે.’ અમે અનુવાદિત વાર્તાઓને એક એવી વાર્તાના દોષરહિત સંસ્કરણ તરીકે જોઈએ છીએ જે તેમને લોકોને તે વાત પોતાની જ હોવાનો એહસાસ અપાવે છે. ભારતીય ભાષાઓના અનુવાદકો અને ભાષા સંપાદકોની ટીમ, એટલે કે પારીભાષાના પ્રયાસોથી જ આ શક્ય બન્યું છે. તેમના વર્ષના અંતનો રાઉન્ડ-અપ તેમણે આશ્ચર્યજનક માત્રામાં કરેલા કામને ઉજાગર કરશે.

પારીના કામમાં છબીઓ કેન્દ્રસ્થાને છે; 2023માં છબીઓની અમારી પસંદગી અને વિદ્યાર્થીઓ માટે પારી ઇન્ટર્નશિપ શું અર્થ ધરાવે છે તે જુઓ. અને હા, આખા વર્ષ દરમિયાન અમારી સોશિઅલ મીડિયા પોસ્ટ્સ પર પ્રકાશ ફેંકતી અમારી સોશિયલ મીડિયા હાઈલાઈટ રીલને જોવાનું ન ચૂકતાં. અંતે, અમે આ વર્ષનો અંત અને નવા વર્ષની શરૂઆત કરીશું, પારી પર એડિટર્સ ચોઇસ ઓફ ફેસીસ સાથે. આ અમારો મુખ્ય પ્રોજેક્ટ જે તમને ભારતનાં લોકોનાં ચહેરાની વિવિધતાઓ દર્શાવે છે.

2023ના અંતે, પારીએ નવ વર્ષમાં એકઠા કરેલા રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય પુરસ્કારોની સંખ્યા અધધ 67 છે, જેમાં સૌથી તાજેતરમાં પારીનાં સહ-સ્થાપક શાલિની સિંહને ડિસેમ્બર મહિનામાં યુ.એન. કોરસપોન્ડન્ટ્સ એસોસિએશન તરફથી પુરસ્કાર મળેલ છે. અમારું માનવું છે કે પુરસ્કારોના સાચા હકદાર તો એ સામાન્ય લોકો છે જેઓ ઉદારતાથી તેમની વાર્તાઓ અમારી સાથે સહજ કરે છે, તેમજ તેમની સાથે કદમથી કદમ મિલાવીને ચાલનારા પત્રકારો અને તેના પર કામ કરનારા લખાણ, વિડિયો, ફોટો સંપાદકો અને અનુવાદકો છે.

પારીના સંપાદકો પત્રકારો સાથે ખભાથી ખભો મિલાવીને ખૂબ નજીકથી કામ કરે છે, તેમને સલાહ આપે છે અને વાર્તાને ગોઠવીને અંતિમ સ્વરૂપ આપે છે. તેઓ પારી માટે મહત્ત્વપૂર્ણ છે અને તેમાં અંગ્રેજી અને અન્ય ભારતીય ભાષાઓમાં કામ કરતા અમારા ઇન-હાઉસ ટેક્સ્ટ એડિટર, અમારા ફોટો એડિટર અને અમારી સાથે કામ કરતા ફ્રીલાન્સ એડિટર્સનો સમાવેશ થાય છે.

ઓનલાઇન જર્નલ પ્રકાશિત કરવી અને સાથે સાથે એક આર્કાઇવ બનાવવું એ પારી ડેસ્ક દ્વારા જ શક્ય બન્યું છે, જેઓ લેઆઉટને તૈયાર કરે છે, સામગ્રીમાં કહેવાયેલાં તથ્યોની તપાસ કરે છે અને તેને સંપાદિત કરે છે. તેઓ આની શરૂઆત પત્રકારો સાથે નજીકથી કામ કરીને કરે છે અને અંત સુધી તેમની સાથે ટકી રહે છે અને છેલ્લે અંતિમ સંપાદકીય તપાસ માટે તૈયાર રહે છે. કોઈ પ્રકાશન કાર્ય તેમની પહોંચની બહાર નથી અને તેઓ સામગ્રી બેક-એન્ડ પર રચાય તેની ખાતરી કરવાના પડકારને સહર્શ સ્વીકારે છે!

અમે 2 જાન્યુઆરી, 2024ના રોજ અમારા નિયમિત પ્રકાશન કાર્યને ફરી શરૂ કરીશું. હવે આવનારી વાર્તાઓમાં છે અગરતલાના મેળાઓમાં ‘મોતનો કૂવો’, બિહારના છાપા કારીગરો, મહારાષ્ટ્રની કોમી પોલીસ વ્યવસ્થા, મેરઠના લોખંડના કામદારો અને અન્ય ઘણી વાર્તાઓ.

આવતા વર્ષમાં અમારું લક્ષ્ય રોજિંદા લોકોના રોજિંદા જીવન પર વધુ વાર્તાઓ કહેવાનું, અને વધુ સારી રીતે તેમનો અહેવાલ તૈયાર કરવાનું, વધુ સારી રીતે શૂટ અને ફિલ્માંકન કરવાનું, અને વધુ સારી રીતે તેમને રજૂ કરવાનું છે.

તમારો ખૂબ ખૂબ આભાર!

પારી ટીમ

અનુવાદક: ફૈઝ મોહંમદ

Priti David

Priti David is the Executive Editor of PARI. She writes on forests, Adivasis and livelihoods. Priti also leads the Education section of PARI and works with schools and colleges to bring rural issues into the classroom and curriculum.

Other stories by Priti David
Translator : Faiz Mohammad

Faiz Mohammad has done M. Tech in Power Electronics Engineering. He is interested in Technology and Languages.

Other stories by Faiz Mohammad