ઉદાસ સ્વરમાં, પણ હસતા ચહેરે તૂટી-ફૂટી બંગાળીમાં મુરલી કહે છે, “સબ માછ શેષ [બધી માછલીઓ ખલાસ થઈ ગઈ છે].”  તેઓ ઉમેરે છે, "શોબ કિચ્છુ ડિફરન્ટ [બધું બદલાઈ ગયું છે]."  અમે બે વર્ષ પહેલાં જલધા ગામ પાસેના રામનગર માછલી બજારમાં મળ્યા હતા ત્યારપછી પરિસ્થિતિ બદલાઈ ગઈ છે. મુરલીએ નોંધ્યું છે કે બંગાળની ખાડીમાંથી માછલીઓ ગાયબ થઈ રહી છે.

તેઓ સમુદ્રની વચ્ચે આવેલા ‘કાલો જોન’ (બ્લેક ઝોન) વિશે વાત કરી રહ્યા છે. 2017 માં, વૈજ્ઞાનિકોએ આ મહાસાગરમાં વિસ્તરી રહેલા લગભગ 60000 ચોરસ કિલોમીટરના 'ડેડ એરિયા' અથવા ઝોનની જાણ કરી હતી. તેમાં ઓક્સિજનની માત્રા નજીવી છે, નાઇટ્રોજનના સ્તરમાં ઘટાડો થયો છે અને લગભગ કોઈ દરિયાઇ જીવસૃષ્ટિ નથી. અહેવાલો કહે છે કે કેટલીક કુદરતી પ્રક્રિયાઓ તેમજ માનવીય ગતિવિધિઓનું આ પરિણામ છે.

બેસ્થા માછીમારી સમુદાયમાંથી આવતા મુરલી (તેમની અટક ઉપલબ્ધ નથી) આંધ્ર પ્રદેશના નેલ્લોર જિલ્લામાં આવેલા ગોવુંદલાપાલેમ (વસ્તી ગણતરીમાં ગુંદલાપાલેમ તરીકે નોંધાયેલ) ગામમાં ઉછર્યા હતા. બે દાયકાથી વધુ સમયથી તેઓ ઓક્ટોબર-માર્ચની માછીમારીની મોસમ દરમિયાન બંગાળની ખાડીના કિનારે પૂર્વ મેદિનીપુર જિલ્લાના રામનગર બ્લોકના જલધા ગામમાં આવે છે. છેલ્લા કેટલાક વર્ષોમાં તેઓ થોડુંઘણું બંગાળી શીખી ગયા છે, અને હિન્દી અને થોડી અંગ્રેજી મિશ્રિત બંગાળીમાં વાત કરે છે.

મુરલી ભારત, બાંગ્લાદેશ અને શ્રીલંકાના દરિયાકાંઠે ઘણા બંદરો પર તેમના પરિવારજનો અને મિત્રો હોવાનું ગૌરવપૂર્વક કહે છે. તેઓ ખુશખુશાલ થઈને બડાઈ હાંકે છે, "જાફનાથી જંબુદ્વીપ સુધીના બધા જ મારા પરિવારજનો છે." તેઓ મને ઘણી બધી વિગતો જણાવતા નથી, પણ તેમના મિત્ર સ્વપન દાસ સાથે મારો પરિચય કરાવે છે – લગભગ 40 વર્ષના મુરલી કહે છે, “અઈ આમાર ભાઈ” [એ મારો ભાઈ છે]."

Murali
PHOTO • Neha Simlai
An owner-captain of a modified fishing boat, Sobahan Shordaar guides his boat FB Manikjaan through the waters of coastal Bangladesh
PHOTO • Neha Simlai

મુરલી (ડાબે) કહે છે કે 2000 ના દાયકાની શરૂઆતથી અહીં કામ કરવું મુશ્કેલ બની ગયું છે. તેઓ અને બીજા લોકો સોબાહન શોરદારની માલિકીની આ હોડી જેવી માછીમારીની હોડી (જમણે) પર મોસમી કામ શોધે છે

35 વર્ષના સ્વપન પોતે પણ ઘણી મુસાફરી કરી ચૂક્યા છે. આ બંને આ બજારના ઘણા સ્થળાંતરિતોમાં સામેલ છે અને તેઓ દૈનિક વેતન અને ખોરાકના બદલામાં માછીમારીની હોડી પર ક્રૂ (ચાલાક દળના સભ્ય) તરીકે કામ કરે છે. ઓક્ટોબર-માર્ચ મોસમ દરમિયાન તેઓ (પકડવામાં આવેલી માછલીઓના જથ્થાને આધારે) મહિને 3000 થી 10000 રુપિયા કમાય છે.

અમે ત્રણેય જણ ધીમે ધીમે દક્ષિણ ચોવીસ પરગણા જિલ્લાના અબજાખલી ગામ તરફ જઈએ છીએ, પહેલા બસમાં અને પછી હોડીમાં, રસ્તામાં જંબુદ્વીપ (જનગણનામાં જમ્મુ ટાપુ તરીકે નોંધાયેલ) પર રોકાઈએ છીએ. અમે મત્સ્યોદ્યોગ અને પ્રખ્યાત લાલ કરચલા જોવા અબજાખલી જઈ રહ્યા છીએ, હું અહીં લાલ કરચલાનું સર્વેક્ષણ કરવા આવી છું. સાગર ટાપુ અને ફ્રેઝરગંજથી ઘેરાયેલું, જંબુદ્વીપ વર્ષના અડધા ભાગમાં નિર્જન રહે છે. ઓક્ટોબરથી માર્ચ સુધી ઉપખંડના વિવિધ ભાગોમાંથી માછીમારો અહીં આવે છે અને તે માછીમારી કેમ્પમાં ફેરવાઈ જાય છે. મેં સ્વપનને પૂછ્યું કે તેઓ ઘેર ક્યારે પાછા જશે ત્યારે તેઓ હસીને કહે છે, "પણ મારું ઘર તો આ જ છે."

આ મોસમી માછીમારી પ્રવૃત્તિ અને માછીમારોના કામચલાઉ ઘરોને સ્થાનિક રીતે સબર તરીકે ઓળખવામાં આવે છે. લાંબા સમયથી માછીમારોની સ્થળાંતરિત વસ્તીએ જંબુદ્વીપ જેવા નીચાણવાળા ટાપુઓ પર કામચલાઉ ગામો વસાવ્યા છે. આ દરેક માછીમારી ગામો અનેક કુંથીઓ અથવા એકમોના બનેલા હોય છે; દરેક કુંથીનો એક 'માલિક' હોય છે જે 1-10 માછીમારીની હોડીઓ માટે જવાબદાર હોય છે. આ માછીમારો ઉપખંડના ગમે તે ભાગમાંથી આવતા હોય તેઓ એકબીજાને ઓળખતા હોય છે અને ઘણીવાર નજીકના વિસ્તારોમાંથી આખા ને આખા પરિવારો બોટ ક્રૂ તરીકે કામ કરવા અથવા શિયાળાના પવનમાં માછલીઓ સૂકવવા માટે અહીં સ્થળાંતર કરે છે.

જોકે મુરલી અને સ્વપન કહે છે કે 2000 ના દાયકાની શરૂઆતથી કડક સરહદ નિયંત્રણને કારણે થોડા મહિનાઓ માટે પણ અહીં સ્થાયી થવું મુશ્કેલ બન્યું છે, અને હોડીઓ પર કામ મેળવવાનું પણ  હવે સરળ નથી રહ્યું. મુરલી કહે છે, "માછલીઓ ખલાસ થઈ ગઈ છે, અને હવે પોલીસ [પેટ્રોલિંગ] પણ વધારે છે એટલે કામ જ ખલાસ થઈ ગયું છે."

Fishing boats engaged in sabar near Jambudwip
PHOTO • Neha Simlai
The Indian Sundarbans
PHOTO • Neha Simlai

ડાબે: માછીમારોએ જંબુદ્વીપ જેવા ટાપુઓ પર કામચલાઉ ગામો વસાવ્યા છે. જમણે: પણ સુંદરવનમાં સામાન્ય રીતે જોવા મળતી હતી એ માછલીઓ હવે અદ્રશ્ય થતી જાય છે

'ડેડ ઝોન' અને ઓછી થતી જતી માછલીઓ ઉપરાંત, તેમને માટે અને બીજા માછીમારોને માટે ઊંડા સમુદ્રમાં ચાઈનીઝ, સિંગાપોરિયન અને બીજા વ્યાપારી ટ્રોલર્સ સાથે સ્પર્ધા કરવાનું મુશ્કેલ બની રહ્યું છે. અને 1990 ના દાયકાના ઉત્તરાર્ધથી દરિયાઈ માછીમારીના વધતા વ્યાપારીકરણ સાથે પકડેલી માછલીઓના દરોમાં પણ સતત ઘટાડો થયો છે. ઇંધણના ભાવમાં પણ વધારો થયો છે, પરિણામે નાની હોડીઓ ચલાવવાનું વધારે મોંઘું બન્યું છે.  મુરલી કહે છે, "બધું બદલાઈ ગયું છે... સમુદ્ર, માછલી, અમારું કામ... બધું."

સ્વપન જણાવે છે કે કેવી રીતે વિદેશી ટ્રોલર્સ તેમના પોતાના ક્રૂ સાથે આવે છે અને સમુદ્રતળને સ્કૂપ કરે છે અને તેમની જાળમાં જે કંઈ આવે એ બધુંય ઉશેટીને લઈ જાય છે. તેમણે નોંધ્યું છે કે હવે માછલીઓની કેટલીક પ્રજાતિઓ શોધવી મુશ્કેલ બની રહી છે. ચાપિલા, મોલા, કાજલી અને બતાસી જેવી મીઠા પાણીની માછલીઓ જે સુંદરવનમાં સામાન્ય હતી તે પણ હવે ઝડપથી અદૃશ્ય થઈ રહી છે.

એક્વાટિક ઇકોસિસ્ટમ હેલ્થ એન્ડ મેનેજમેન્ટ જર્નલમાં પ્રકાશિત એક સંશોધનપત્ર મુજબ, ગંગા-બ્રહ્મપુત્રા મુખત્રિકોણમાં જળચરઉછેર માટે વપરાતી નદીઓ અને તળાવોના લઘુત્તમ તાપમાનમાં 0.5 થી 1.4 ડિગ્રી સેલ્સિયસનો વધારો થયો છે. આનાથી માત્ર માછીમારી પર જ નહીં પરંતુ બીજી આજીવિકા માટેની પહેલેથી જ મર્યાદિત પહોંચ ધરાવતા માછીમારોની આવક પર પણ અસર પડી છે. તેઓને હવે બીજા વ્યવસાયોમાં જવાની અને કામ માટે સ્થળાંતર કરવાની ફરજ પડી રહી છે.

માછીમારો તેમની આસપાસ જે કંઈ થઈ રહ્યું છે તે સમજાવવા માટે આબોહવા પરિવર્તન શબ્દનો ઉપયોગ કદાચ ન કરે, પરંતુ તેઓ જ્યાં રહે છે, તેઓ જે ખાય છે અને તેઓ જેવી રીતે કમાય છે તેના પર આબોહવા પરિવર્તનની અસરોથી તેઓ બરોબર વાકેફ છે. આ વર્ષે મુરલીને સમજાયું છે કે સબર હવે વ્યવહારુ વિકલ્પ નથી. તેઓ જાણે છે કે હવે તેમણે માછીમારી માટે બીજે જવું પડશે. સ્વપન માટે પરંપરાગત રીતે માછીમારી એ જ તેમનું એકમાત્ર કૌશલ્ય છે અને તેઓ જાણે છે કે થોડા વર્ષોમાં તેમાંથી તેઓ કશું કમાઈ શકશે નહીં. તેમને ખાતરી નથી કે આવતા વર્ષે તેઓ અહીં પાછા આવશે કે કેમ. અથવા તો ત્યાં માછીમારીની બીજી મોસમ પણ જોવા મળશે કે કેમ.

અનુવાદ: મૈત્રેયી યાજ્ઞિક

Neha Simlai

Neha Simlai is a consultant based in Delhi, who works on environmental sustainability and conservation across South Asia.

Other stories by Neha Simlai
Translator : Maitreyi Yajnik

Maitreyi Yajnik is associated with All India Radio External Department Gujarati Section as a Casual News Reader/Translator. She is also associated with SPARROW (Sound and Picture Archives for Research on Women) as a Project Co-ordinator.

Other stories by Maitreyi Yajnik