પૂર્વી ઘાટની વાંકીચૂંકી ફેલાયેલી ટેકરીઓ પાછળ સૂરજ ડૂબતાં, નજીકના જંગલમાં હિલ મયનાના તીણા ગીતો અર્ધસૈનિક દળોના બૂટનાં ભારે અવાજો હેઠળ કચડાઈ રહે છે. તેઓ ફરી એકવાર ગામોમાં પેટ્રોલિંગ કરી રહ્યા છે. આ એ સાંજ છે જેનો એને સૌથી વધુ ડર છે.

તે જાણતી નથી કે તેનું નામ દેમતી કેમ રાખવામાં આવ્યું. "તે આપણા ગામની એક બહાદૂર સ્ત્રી હતી, જેણે એકલે હાથે બ્રિટિશ સૈનિકોને ભાગી મૂકાડેલા," મા ઉત્સાહથી વારતા કરતી. પરંતુ તે દેમતી કરતાં સાવ જુદી હતી  - ડરપોક.

અને તેણે દિવસો સુધી પેટના દુખાવા સાથે, ભૂખ્યા તરસ્યા, પૈસા વગર, શંકા અને ધમકી ભરી નજરોનો સામનો કરતાં, નિયમિત ધરપકડ, ત્રાસ, અને મૃત્યુની રોજિંદી હકીકતોની વચમાં જીવવાનું શીખી લીધું હતું. પરંતુ તમામ વાસ્તવિકતાઓની વચમાં પણ એની પાસે હંમેશા હતું એક જંગલ, એનાં વૃક્ષો અને બાજુમાં વહેતું એક ઝરણું. સાલના ફૂલોની સુગંધમાં એ એની માને મળતી, તેની દાદીના ગીતો જંગલોમાં પડઘાતા.  તે જાણતી હતી કે જ્યાં સુધી એ સૌ એની પાસે છે ત્યાં સુધી એ તેની મુશ્કેલીઓમાંથી પાર ઉતરશે.

પરંતુ હવે એ લોકો એને બહાર કાઢવા માગતાં હતા, તેના ઝૂંપડામાંથી, તેના ગામમાંથી, તેની જમીન પરથી --  સિવાય કે તે એક કાગળ બતાવી શકે પુરવાર કરતા એના હોવાને. એ પૂરતું નહોતું કે એ એના પિતાએ શીખવાડેલ એ બધાંય વૃક્ષો, છોડવા, ને પાંદડાને, એમાંના એકેએકના ગુણને, એમની ઉપચાર કરવાની શક્તિને જાણતી હતી. જયારે જ્યારે તે મા સાથે ફળો, બદામ અને લાકડાં એકઠાં  કરવા જતી ત્યારે તેની મા તે ઝાડ બતાવતી જેની નીચે તેનો જન્મ થયો હતો. દાદીએ તેને જંગલો વિશે ગીતો શીખવ્યાં હતા. એને ભાઈ સાથે અહીંયા જ દોડાદોડ કરી હતી, પક્ષીઓને જોતાં, એમના અવાજોના ચાળા પાડતા.

પરંતુ શું આ જાણવું જાણવું કહી શકાય? આ વાર્તાઓ, ગીતો, અને બાળપણની રમતોનો કોઈ પુરાવો હોઈ શકે? તે ત્યાં જ બેસી રહી  વિચાર કરતીએના નામ વિષે, વિચારતી એ સ્ત્રી વિષે જેના પરથી મા એ એનું નામ પાડેલું. તેણે કેમનું પુરવાર કર્યું હોત કે આ જંગલો એનાં છે અને જંગલોની?

સાંભળો સુધન્વા દેશપાંડેનુ અંગ્રેજીમાં પઠન

Demathi Dei Sabar is known as ‘Salihan’ after the village in Nuapada district where she was born. She was closing in on 90 when PARI met her in 2002. Her incredible courage unrewarded and – outside her village – largely forgotten, living in degrading poverty
PHOTO • P. Sainath

નઉપાડા જિલ્લામાં દેમતી સાબર તેઓ જ્યાં જન્મ્યા હતા તે ગામના નામ પરથી, "સલિહાન" તરીકે ઓળખાતા. 2020માં જ્યારે સાંઈનાથ એમને મળ્યા (વાર્તાની લિંક નીચે છે) ત્યારે તેઓ 90 એ પહોંચવામાં હતા. ગામને છેવાડે દારુણ ગરીબીમાં જીવતા તેઓ સાવ ભૂલાઈ ગયેલા હતાં, અને એમની અસામાન્ય બહાદૂરીની ગણના થવી હજી બાકી હતી

વિશ્વરૂપ દર્શન

તેં મોકલેલા લેખના
પહેલા પાનાં પર
લીપેલાં ઘરના ઓટલા પર
બેઠી એ હસતી હતી
ખિલખિલાટ.

એના હસવાથી
રંગ પકડતી હતી
દરકાર વગર શરીરે વીટાંળેલી
એ કુમકુમ રંગી સાડી
એના હસવાથી
થઇ ચાંદી ચળકતી હતી
એના ખુલ્લા ખભા પર
હાંસડીના હાડકા પર
ચોંટેલી ઘરડી ચામડી
એના હસવાથી
ઉભરીને આવતી હતી
હાથપરના છૂંદણાંની
લીલી ભાત ફરી
એના હસવાથી
ઉમટીને આવતી હતી
એની આંખના મોતિયા પાછળ
દટાયેલી કઈ કેટલીય ગઈકાલો.

ક્યાંય સુધી એ ફોટામાં હસતી
ઘરડી દેમતીને મેં જોયા કરી
એના હાલી ગયેલા
આગલા બે મોટા દાંત વચ્ચેના
દરવાજા મહીંથી
મને એ તાણી ગઈ
એના ભૂખ્યા પેટના પેટાળમાં

અહીં અનંત લગી ફેલાયલો
લાહ્ય લાહ્ય અંધકાર
વચમાં
ન દેવમુકુટ
ન ગદા
ન સુદર્શનચક્રો
બસ આંખ આંજી નાખતા
કેટકેટલા સૂરજ સમી
એક માત્ર લાકડી
એને ઝાલી ને ઉભેલી દેમતી
એના નાજુક કાઠમાં સમાઈ જતા
અગિયાર રુદ્રો
બાર આદિત્ય
આઠ પુત્રો વસુના
બે અશ્વિની કુમાર
ગંધર્વગણ
યક્ષગણ
અસુરો ને સિદ્ધ સૌ
ને એના થકીજ નીકળે
ચાલીસ ચાલીસ સલીહા કન્યા
લખચોરાશી ચારણ કન્યા
સૌ વિપ્લવો ને ક્રાંતિના કરનાર સૌ
ખુલ્લી આંખે સ્વપ્નના જોનાર સૌ
ત્રાડના પોકારનાર, સમરાજ્યને ધ્રુજાવનાર
શું પુરુષ લોખંડી, શું મહાત્મા સહુ
ભૂલાયલા ઇતિહાસના એકેક કીરદાર સૌ
વહેતાં નીર, બદલાતા વહેણ ગંગાના
અડગ અરાવલી, ગિરનાર સૌ
એના થકી જ નીકળે
એના થકી જાયે સામયી
મુજ માત, મુજ તાત, મુજ વિશ્વ સૌ!

તમે દેમતીની મૂળ વાર્તા અહીં વાંચી શકો છો.

ઓડિઓ: સુધનવ દેશપાંડે જન નાટ્ય મંચ સાથે સંકળાયેલા અભિનેતા અને દિગ્દર્શક છે, અને લેફ્ટવર્ડ બુક્સના સંપાદક છે.

મુખપૃષ્ઠનું ચિત્ર: લાંબાની જંગી, મૂળ પશ્ચિમ બંગાળના નાદિયા તાલુકાના એક નાના ગામના વાતની છે. તેઓ સેન્ટર ફોર સ્ટડીઝ ઈન સોશ્યિલ સાયન્સિસ કલકત્તાથી  બંગાળી શ્રમિક હિજરતના વિષયમાં પીએચડી કરી રહયા છે. એ પોતે જાતે ચિત્રકળા શીખ્યા છે અને એમને મુસાફરીનો શોખ છે.

* વિશ્વરૂપ દર્શન એ ભગવદ ગીતાના 11 માં અધ્યાયમાં અર્જુનને ભગવાને કરાવેલું તેમના સાચા, શાશ્વત સ્વરૂપનું દર્શન છે. આ પ્રકરણમાં વર્ણન કરાયેલા ભગવાનના સ્વરૂપને દસ લાખ આંખો, મોં, અને અનેક હથિયારો ધરાવતાં હાથ છે. આ સ્વરૂપ પોતાનામાં  દેવ અને દેવીઓના તમામ સ્વરૂપો, સજીવ અને નિર્જીવ તમામ વસ્તુઓ સહિત અનંત બ્રહ્માંડને સમાવી લે છે.

** ચારણ કન્યા એ ઝવેરચંદ મેઘાણીની ખૂબ પ્રખ્યાત ગુજરાતી કવિતાનું શીર્ષક છે, જેમાં ગુજરાતમાં ચારણ આદિવાસી જાતિની 14 વર્ષની છોકરીની બહાદુરી વિશેની વાત થઇ છે, જે નેસ પર હુમલો કરવા આવેલા સિંહને લાકડીથી પીછો કરી ભગાડે છે.

Pratishtha Pandya

Pratishtha Pandya is a Senior Editor at PARI where she leads PARI's creative writing section. She is also a member of the PARIBhasha team and translates and edits stories in Gujarati. Pratishtha is a published poet working in Gujarati and English.

Other stories by Pratishtha Pandya