આ લેખ પારીની ક્લાઈમેટ ચેન્જ (વાતાવરણના ફેરફારો) ને લગતા લેખોની શૃંખલામાંથી, જેને ૨૦૧૯ની એનવાયરનમેન્ટ રિપોર્ટિંગ ની શ્રેણીમાં રામનાથ  ગોયેન્કા એવોર્ડ ૨૦૧૯ એનાયત થયો છે.

કાજલ લતા વિશ્વાસ હજુ પણ વાવાઝોડાંની યાદોથી કંપી ઉઠે છે. જો કે આઈલા વાવાઝોડું સુંદરવન પર ત્રાટક્યાંને ૧૦ વર્ષ વીતી ગયા છે, પરંતુ કાજલ લતાને હજુ પણ ૨૫ મે, ૨૦૦૯નો એ દિવસ યાદ છે.

કાજલ લતા કહે છે કે, આ ઘટના બપોર પહેલાં ઘટી હતી. “[ કાલિંદી] નદીનું પાણી ગામમાં આવી ગયું હતું અને બધાં ઘરો ડૂબી ગયા હતાં.” આ આપત્તિના સમયે તે પોતાનાં ગામ ગોબિંદાકટીથી ૭ કિમી દૂર આવેલાં કુમિરમરી ગામમાં પોતાનાં સંબંધીના ઘરે હતી. “અમારામાંના લગભગ ૪૦-૫૦ લોકોએ હોડીઓમાં આશરો લીધો હતો અને અમે ત્યાંજ આખો દિવસ અને રાત પસાર કરી હતી. અમે વૃક્ષો, હોડીઓ, ઢોરઢાંખર અને ડાંગર તણાતાં જોયાં. રાત્રે અમે કશું જોઈ શકતા નહોતાં. છેવટે, માચીસ પણ ભીંજાઈ ગઈ હતી. જયારે આકાશમાં વીજળી થતી ત્યારેજ અમે કંઈ જોઈ શકતા હતા.”

પોતાનાં ઘરની બહાર બેસીને ભોજન માટે માછલી સાફ કરતાં કરતાં ૪૮ વર્ષીય ખેડૂત કાજલ લતા આગળ કહે છે કે, “એ રાત્રી ક્યારેય પણ ભુલાશે નહીં. પીવા માટે એક બુંદ પણ પાણી નહોતું. ગમે તે રીતે, મેં પ્લાસ્ટિકની કોથળીમાં વરસાદનાં થોડાક ટીપાં એકત્ર કર્યા અને તેનાથી મારી બે દીકરીઓ અને ભત્રીજી કે જેઓ તરસ્યા હતાં તેમનાં હોઠ ભીના કર્યા.” આ વાતનું વર્ણન કરતી વખતે તેમનો અવાજ ધ્રુજી ઉઠે છે.

પછીની સવારે તેઓ હોડીના સહારે પોતાનાં ગામમાં પહોંચ્યા. અને પૂરના પાણીને ઓળંગીને પોતાનાં ઘરોમાં પરત ફર્યા. “મારી મોટી દીકરી તનુશ્રી એ વખતે ૧૭ વર્ષની હતી, તે પાણીનાં ઊંચા સ્તર હતા ત્યાં તણાતાં તણાતાં માંડ બચી હતી. નસીબજોગે, તેણીએ તેની કાકીની સાડીનો પલ્લું પકડી લીધો હતો.” કાજલ લતા વાત કરે છે. આ દરમિયાન તેમની આંખોમાં દેખાતો ભય તેમણે અનુભવેલી કરુણાંતિકાની ગવાહી આપે છે.

મે ૨૦૧૯ માં, તેમનો ભય ફણી વાવાઝોડાના રૂપમાં ફરીથી ઉજાગર થયો. આ વાવાઝોડાનું આગમન તેમની ૨૫ વર્ષીય નાની દીકરી અનુશ્રીના લગ્ન સમયે થયું.

Kajal Lata Biswas cutting fresh fish
PHOTO • Urvashi Sarkar
PHOTO • Urvashi Sarkar

કાજલ લતા બિસ્વાસ, ગોબીંદકાટી ગામમાં તેમના ઘરની બહાર માછલીઓ સાફ કરતી, ચક્રવાતનાં આતંકને યાદ કરે છે, ડાંગર તેમના ગામની આ ઝૂંપડાઓમાં (જમણે) સંગ્રહિત છે, અને પાકને નુકસાન થયું છે.

લગ્ન ૬ઠી મે ના રોજ નક્કી કરવામાં આવ્યા હતાં. પંચાયત દ્વારા લાઉડસ્પીકરમાં જાહેરાતો તથા સરકાર દ્વારા રેડીઓ પર ફણીચક્રવાત વિષેની સૂચનાઓ થોડા દિવસો પહેલાં જ શરુ કરી દેવામાં આવી હતી. “અમારી મુશ્કેલી અને ભયનો અંદાજો લગાવો.” કાજલ લતા કહે છે. “અમે ચિંતાતુર હતા કે   પવન અને વરસાદ અમારી બધી તૈયારીઓ પર પાણી ફેરવી દેશે. લગ્નના થોડાક દિવસો પહેલાં થોડોક વરસાદ આવ્યો હતો. પરંતુ, સારું છે કે ચક્રવાતની અસર અમારા ગામમાં નહોતી થઇ.” રાહતનો શ્વાસ લેતાં તેઓ આગળ કહે છે.

બીજી મે ના રોજ ભારતીય હવામાન ખાતાએ ફણી ચક્રવાત આંધ્રપ્રદેશ, ઓડીશા (જેનાં પર વાવાઝોડાંની સૌથી માઠી અસર થઇ હતી) અને પશ્ચિમ બંગાળમાં ત્રાટકશે એવી ચેતવણી આપી હતી. ફણી વાવાઝોડાં વિષે વાત કરતાં રજત જુબીલી ગામનાં ૮૦ વર્ષીય ખેડૂત અને ભૂતપૂર્વ શિક્ષક પ્રફુલ્લા મોન્ડલ થોડાંક ઊંચા અવાજે કહે છે કે, “ફણી સુંદરવન પર અસર કરવામાં થોડાંક જ અંતરથી રહી ગયું. પવન અમારી નજીકથી પસાર થઇ ગયો. જો તે અમારાં ગામમાં આવ્યો હોત તો અમારાં ઘરો અને જમીનની સાથે સાથે અમારો પણ નાશ થઇ ગયો હોત.”

કાજલ લતા અને મોન્ડલ બંને સારી રીતે જાણે છે કે સુંદરવનમાં વાવાઝોડાં આવવા એ સામાન્ય ઘટના છે. આપત્તિ વ્યવસ્થાપન અને પશ્ચિમ બંગાળ સરકારના નાગરિક સંરક્ષણ વિભાગ દક્ષિણ અને ૨૪ પરગણાંના ઉત્તરના જિલ્લાને ચક્રવાતોને  કારણે “આપત્તિજન અને  ખુબજ જોખમી વિસ્તારો” માં ગણાવે છે.

મોન્ડલનું ગામ દક્ષિણ ૨૪ પરગણાં જીલ્લાના ગોસાબા વિભાગમાં છે, તથા કાજલ લતાનું ગામ ઉત્તર ૨૪ પરગણા જીલ્લાના હિંગળગંજ વિભાગમાં આવેલું છે. આ બંને પશ્ચિમ બંગાળમાં ભારતીય સુંદરવનના ૧૯ જીલ્લાઓમાં સામેલ છે. જેમાં ૬ વિભાગ ઉત્તર ૨૪ પરગણામાં અને ૧૩ વિભાગ દક્ષિણ પરગણામાં આવે છે.

ભારત અને બાંગ્લાદેશમાં ફેલાયેલો સુંદરવનનો નદીના મુખત્રિકોણનો મોટો પ્રદેશ   કદાચ આખાં વિશ્વનું સૌથી મોટું મેન્ગ્રોવ છે. જે ૧૦,૨૦૦ ચોરસ કીમીમાં ફેલાયેલું છે.વર્લ્ડ બેંક દ્વારા “બિલ્ડીંગ રેઝીલીયંસ ફોર ધ સસ્ટેનેબલ ડેવલોપમેન્ટ ઓફ ધ સુંદરબન” (Building Resilience for the Sustainable Development of the Sundarbans) શીર્ષક હેઠળ ૨૦૧૪માં પ્રકાશિત કરવામાં આવેલાં અહેવાલ મુજબ “સુંદરવન વિસ્તાર વિશ્વમાં સૌથી મોટાં  જૈવિકતંત્રો(ઇકોસિસ્ટમ)માંનો એક છે. આખો મેન્ગ્રોવનોવિસ્તાર તેની અસામાન્ય જૈવવિવિધતા, તેમજ નષ્ટ થવાના આરે આવીને ઉભેલી ઘણી પ્રજાતિઓ જેવી કે  રોયલ બંગાળ ટાઈગર, ઇસ્ટુઅરિન મગર, ભારતીય અજગર અને નદીની ડોલ્ફિનમાટે પ્રખ્યાત છે. તે ૧૦ ટકા કરતાં પણ વધુ સસ્તન તથા ૨૫ ટકા જેટલાં પક્ષીઓનું રહેઠાણ છે.”

લગભગ ૪૨૦૦ ચોરસ કિમીમાં ફેલાયેલું ભારતીય સુંદરવન  ૪૫ લાખ લોકોનું નિવાસસ્થાન છે, તેમાંથી ઘણાંખરાં લોકો  કઠોર જમીન અને વિપરીત આબોહવા અને આજીવિકાની તંગી સામે ઝઝૂમી સાવ છેવાડાની જિંદગી જીવે છે.

જો કે આ વિસ્તારમાં આઈલા વાવાઝોડાં પછી એકે વાવાઝોડું આવ્યું નથી, છતાંય તે વાવાઝોડાંથી ખુબજ ગંભીર રીતે પ્રભાવિત વિસ્તાર છે. ૨૦૦૬માં ભારતીય પ્રૌદ્યોગિકી સંસ્થા, ખડગપુરે પશ્ચિમ બંગાળ સરકારના આપત્તિ વ્યવસ્થાપન માટે જારી કરેલાં અહેવાલ મુજબ રાજ્યમાં ૧૮૯૧થી ૨૦૦૪ની વચ્ચે ૭૧ ચક્રવાતનાં તોફાન અનુભવાયા છે. આ સમયગાળા દરમિયાન, દક્ષિણ ૨૪ પરગણા જીલ્લાનો ગોસાબા વિસ્તાર સૌથી વધુ અસરગ્રસ્ત હતો જેમાં ૬ ભીષણ ચક્રવાત અને કૂલ ૧૯ ચક્રવાતનો સમાવેશ થાય છે.

PHOTO • Urvashi Sarkar

રજત જુબિલી ગામમાં, 80 વર્ષીય પ્રફુલ્લ મોંડેલે  ઘણા તોફાન ઝીલ્યા છે, પરંતુ તેમનો પરિવાર હવે વાતાવરણમાં અનિયમિત ફેરફાર સાથે ઝઝૂમી રહ્યો છે.

પ્રફુલ્લા આ કારણથી આઈલા ચક્રવાતના પહેલાનાં ચક્રવાતોને પણ સંભારી શકે છે. અને કહે છે કે, “હું ૧૯૯૮ના ચક્રવાત [જેને પશ્ચિમ બંગાળનો આઝાદી પછી સૌથી ‘પ્રચંડ ચક્રવાત’ કહેવાય છે, તે આઈલા કરતાં પણ પ્રબળ તોફાની ચક્રવાત હતો.] કે જેનો પવન પ્રચંડ અને ઉગ્ર હતો તેને ભૂલી શકતો નથી. એનાં પહેલાં પણ મને ૧૯૮૮નો ચક્રવાત યાદ છે.”

કોલકાતા સ્થિત સમુદ્ર વિજ્ઞાની ડૉ. અભિજીત ઐય્યર તેમનાં ૨૦૧૯ના પુસ્તક મેન્ગ્રોવ ફોરેસ્ટ ઓફ ઇન્ડિયા. એક્સ્પ્લોરીંગ ઈકોસિસ્ટમ સર્વિસીસ માં નોંધે છે કે,  આવો તોફાની ભૂતકાળ રહ્યાં છતાં  છેલ્લાં દસ વર્ષમાં ગંગાના મુખ ત્રિકોણમાં (કે જ્યાં સુંદરવન આવેલાં છે) ચક્રવાતી ડિપ્રેશનમાં (દરિયાના ઉષ્ણકટીબંધીય હવામાનમાં થતો ફેરફાર જે ૩૧-૬૦ કિમી પ્રતિ કલાક હોય અને તે ચક્રવાતી તોફાનની ૬૨-૮૨ કિમી શ્રેણી કરતાં ઓછી હોય.) ૨.૫ ગણો વધારો થયો છે.” તેઓ આગળ કહે છે કે, “આનો અર્થ એ થાય કે ચક્રવાત હવે અવારનવાર આવે છે.”

ઘણાં અભ્યાસ મુજબસુંદરવનની સાથે સાથે બંગાળની ખાડીમાં ચક્રવાતની સંખ્યા વધી રહી છે. ૨૦૧૫માં ડાઇવર્સિટી જર્નલમાં છપાયેલ એક અભ્યાસ મુજબ ૧૮૮૧ થી ૨૦૦૧ની વચ્ચે ચક્રવાતની સંખ્યામાં ૨૬ ટકાનો વધારો થયો છે. અને ૧૮૭૭ થી ૨૦૦૫ની વચ્ચે મે, ઓક્ટોબર અને નવેમ્બર મહિનાઓમાં બંગાળની ખાડીમાં આવેલાં ચક્રવાતની ઉપલબ્ધ માહિતીનો ઉપયોગ કરીને કરવામાં આવેલ ૨૦૦૭નાં એક અભ્યાસ મુજબ અહિયાં તીવ્ર ચક્રવાત વાળા મહિનાઓમાં તોફાની ચક્રવાતની સંખ્યામાં છેલ્લાં ૧૨૯ વર્ષમાં નોંધપાત્ર વધારાનું વલણ જોવા મળે છે.

દરિયાની સપાટીનાં તાપમાનના વધારાને આ માટેનું વધુ એક કારણ બતાવવામાં આવે છે. ( એમ જર્નલ ઓફ અર્થ એન્ડ કલાઇમેટ ચેન્જ માંનું એક પેપર, બીજા અભ્યાસોની જેમ, નોંધે છે). ૧૯૮૦ થી ૨૦૦૭ સુધી ભારતીય સુંદરવનમાં તાપમાનનો આ વધારો પ્રત્યેક દશકામાં ૦.૫ ડિગ્રી સેલ્સિયસના દરે વધ્યો છે. જે વૈશ્વિક ૦.૦૬ ડિગ્રી સેલ્સિયસના ગરમીના દર કરતાં વધારે છે.

આનાં પરિણામે ઘણાં ઉત્પાતો સર્જાયાં છે. જાદવપુર યુનિવર્સિટી, કોલકતાની સ્કૂલ ઓફ ઓશીઓનોગ્રાફિક સ્ટડીઝના પ્રો. સુગાતા હઝરા જણાવે છે કે, “જો કે સુંદરવનમાં છેલ્લે ૨૦૦૯માં ચક્રવાત અનુભવાયો હતો, તેમ છતાં આ વિસ્તારે ઉત્તરી બંગાળની ખાડીમાં આવતા ચક્રવાતને લીધે વારંવારના પૂર અને બંધ તૂટવાથી નુકસાન ઉઠાવવું પડ્યું છે.”

PHOTO • Urvashi Sarkar

સમુદ્રની સપાટીમાં વધારો અને સમુદ્ર સપાટીના તાપમાનમાં વધારો અને અન્ય ઘણા ફેરફારો સુંદરવન માટે ખતરો પેદા થઈ રહ્યો છે.

વર્લ્ડ બેન્કના એક અહેવાલ મુજબ, બંધ “સુંદરવનમાં તોફાની પવન અને દરિયાના પાણીની વધતી સપાટી સામે રક્ષણ પૂરું પાડે છે. ત્રિકોણમુખ નો ઘટતો વિસ્તાર, દરિયાની સપાટીમાં વધારો, વાતાવરણના પરિવર્તનો ને લઈને ચક્રવાતની વધતી ભીષણતા તથા ૧૯મી સદીની ૩૫૦૦ કિમી લાંબી બંધ વ્યવસ્થા ખોરવાવવાને કારણે લોકો અને તેમની જમીનની ફળદ્રુપતા, અ ખતરામાં છે.”

૨૦૧૧ના વર્લ્ડ વાઇલ્ડલાઈફ ફંડ પેપરના અનુસાર ૨૦૦૨-૨૦૦૯ દરમિયાન સુંદરવનની સાગર દ્વીપની વેધશાળામાં માપ્યા મુજબ દરિયાની સપાટીમાં સાપેક્ષ સરેરાશ વધારો ૧૨ મિલીમીટર પ્રતિ વર્ષ અથવા તો ૮ મિલીમીટર પ્રતિ વર્ષના દરે થયો છે.

ગરમી અને દરિયાની સપાટીમાં થતા સાપેક્ષ વધારાના લીધે પણ મેન્ગ્રોવ પર વિપરીત અસર થઇ રહી છે. આ જંગલો દરિયાકાંઠાના વિસ્તારોને વાવાઝોડાં અને ધોવાણથી બચાવે છે, માછલીઓ તથા અન્ય પ્રજાતિઓ માટે ઉછેર કેન્દ્ર બને છે, અને બંગાળ ટાઇગર માટે પણ રહેઠાણ પૂરું પાડે છે. ૨૦૧૦માં જાદવપુર યુનિવર્સિટીની સ્કૂલ ઓફ ઓશીઓનોગ્રાફિક સ્ટડીઝ દ્વારા ટેમ્પોરલ ચેન્જ ડીટેકશન (૨૦૦૧-૨૦૦૮) સ્ટડી ઓફ સુંદરબન શીર્ષક હેઠળ પબ્લીશ કરવામાં આવેલાં પેપર અનુસાર, દરિયાની સપાટીમાં થઇ રહેલો વધારો અને ચક્રવાત સુંદરવનના મેન્ગ્રોવનો વન્ય વિસ્તાર ઘટાડીને તેના પર ખરાબ અસર કરી રહ્યાં છે.

રજત જુબીલી ગામનાં માછીમાર અર્જુન મોન્ડલ સુંદરવન માટે મેન્ગ્રોવના મહત્વને લઈને ખુબજ જાગૃત હતાં. તેઓએ બિન સરકારી સંસ્થા સુંદરવન રૂરલ ડેવલપમેન્ટ સોસાયટી સાથે કામ કર્યું છે. “પર્યાવરણના પરિવર્તનો વિષે સાંભળ્યું તો બધાયે  છે, પરંતુ તે આપણને કઈ રીતે અસર કરે છેએ વિષે આપણે વધુ માહિતી મેળવવી જોઈએ.” તેઓએ મે ૨૦૧૯માં કહ્યું હતું.

જુન ૨૯, ૨૦૧૯ ના રોજ પીરખલી જંગલમાં અર્જુન કરચલાઓનો શિકાર કરી રહ્યા હતા ત્યારે   વાઘ તેમને ઢસડી ગયેલો. સુંદરવનમાં માણસો પર વાઘ દ્વારા થતાં હુમલા ઘણાં સમયથી ચાલ્યાં આવે છે. પરંતુ, દરિયાની વધતી સપાટીના કારણે થતાં વન્ય વિસ્તારના ઘટાડાએ વાઘને માણસોના રહેઠાણની વધુ નજીક લાવી દીધાં છે.

ચક્રવાતના કારણે જમીનનું ધોવાણ થાય છે અને  પાણીની ખારાશ પણ વધી રહી છે. તેમાં પણ મધ્ય સુંદરવનમાં જ્યાં ગોસાબા આવેલું છે ત્યાં આનું પ્રમાણ વધુ જોવા મળે છે. વર્લ્ડબેંક રીપોર્ટ નોંધે છે કે, “પાણીની ખારાશના કારણે ઇકોસિસ્ટમ પર માઠી અસર પડી રહી છે. આ ખારાશ પાછળ મહદઅંશે દરિયાની સપાટીમાં થતો વધારો અને ત્રિકોણમુખમાં તાજા પાણીનો ઘટાડો જવાબદાર છે.”

PHOTO • Urvashi Sarkar
PHOTO • Urvashi Sarkar

સુંદરવનમાં વ્યાપક ખેતી માટે અને જમીનની ખારાશને નિયંત્રણમાં લેવા માટે નિર્ણાયક પાળાબંધી,  વધતા દરિયાના સ્તરને લીધે સતત ધોવાઈ રહી છે.

ડૉ. મિત્રા દ્વારા સહલેખન કરાયેલા  એક રીસર્ચ પેપરમાં સુંદરવનનું વર્ણન “અતિ ક્ષારવાળા ” વિસ્તાર તરીકે તરીકે કરાયું છે. ડૉ. મિત્રા કહે છે કે, “સુંદરવનના મધ્ય ભાગમાં પાણીની ખારાશ વધી છે. આ સ્પષ્ટપણે પર્યાવરણમાં થઇ રહેલા પરિવર્તનોની નિશાની છે.”

અન્ય સંશોધકો નોંધે છે કે વિદ્યાધારી નદીનો કાંપ હિમાલયના તાજા પાણીને મધ્ય અને પૂર્વ સુંદરવનમાં વહેવા નથી દેતો. સંશોધકોએ આ કાંપ વધવા પાછળ જવાબદાર અંશતઃ કારણોમાં જમીનનું પુનઃનિર્માણ, ખેતી, ગટરનું કાદવ અને મત્સ્ય-ઉદ્યોગનો બગાડ વગેરેને ગણાવ્યા છે . ૧૯૭૫માં ફરક્કા બંધના (પશ્ચિમ બંગાળના મુર્શિદાબાદ જીલ્લામાં ગંગાના કાંઠે) નિર્માણના લીધે પણ મધ્ય સુંદરવનમાં કાંપનો વધારો થયો છે.

રજત જુબિલી ગામનો મોન્ડલ પરિવાર વધુપડતાં કાંપની અસરો જાણે છે. આઈલા વાવાઝોડું આવ્યાનાં ૩ વર્ષ પછી પણ તેમની પાસે વેચવા માટે જરા પણ ચોખા નહોતાં. ચોખા વેચીને તેઓ વાર્ષિક ૧૦૦૦૦-૨૦૦૦૦ રૂપિયા મેળવતાં હતાં તેનાં પર પાણી ફરી વળ્યું હતું. પ્રફુલ્લા સંભારતા કહે છે કે, “ભાતની ખેતી બંધ થઇ જતાં, આખા ને આખા ગામ ખાલી થઇ ગયા કારણ કે લોકો કામની શોધમાં તમિલનાડુ, કર્ણાટક, ગુજરાત અને મહારાષ્ટ્ર ચાલ્યાં ગયા હતાં અને ત્યાં ફેકટરીમાં કાં તો બાંધકામની જગ્યાએ મજુરી કરતાં હતાં.”

રાજ્યભરમાં આઈલા વાવાઝોડાની અસર ૨ લાખ હેક્ટરથી પણ વધુ વાવેલી જમીન અને ૬૦ લાખ લોકો પર થઇ હતી. જેમાં ૧૩૭ લોકોનાં મોત નીપજ્યા હતાં અને ૧૦ લાખ કરતાં પણ વધારે ઘર તબાહ થઇ ગયા હતાં. પ્રફુલ્લા કહે છે કે, “મારાં ગામમાં કોઈ એવું નહોતું કે જે અસરગ્રસ્ત ના થયું હોય. મારું ઘર અને ખેતી નાશ પામ્યાં હતાં. મે ૧૪ બકરીઓ ગુમાવી હતી અને ૩ વર્ષ સુધી ડાંગરનો પાક લઇ શક્યો નહોતો. દરેક વસ્તુની શરૂઆત શૂન્યથી કરવી પડી હતી. તેઓ કપરાં વર્ષ હતાં. મે રોટી મેળવવા માટે સુથારી કામ અને અન્ય નાનાં મોટા કામ શરુ કર્યા હતાં.”

આઈલાને લીધે કાંપમાં ધરખમ વધારો થયો, જેના લીધે કાજલ લતાના પરિવારે પણ તેમની ૨૩ વીઘા જમીનમાંથી ૬ વીઘા (૭.૬ એકર) જમીન વેચવી પડી હતી. તેઓ કહે છે કે, “જમીનમાં એટલો બધો ક્ષાર હતો કે ૨ વર્ષ સુધી ઘાસનું એક તણખલું પણ ઉગ્યું નહોતું. ભાત પણ નહોતાં થઇ શકતાં. હવે ધીમે ધીમે સરસવ, કોબીજ, ફુલાવર અને તુંબડી જેવી શાકભાજી થાય છે જે પરિવારને ખોરાક પૂરો પડે છે, પણ વેચાણ માટે પૂરતાં નથી. અમારી પાસે એક તળાવ પણ હતું જેમાં સોલ, મગુર અને રુઈ જેવી માછલીઓ ઉછરતી હતી અને અમે તેમને વેચીને ૨૫ થી ૩૦ હજાર રૂપિયા વાર્ષિક કમાતાં હતાં. પરંતુ, આઈલા વાવાઝોડાના આવ્યા બાદ હવે પાણી એટલું બધું ખરું થઇ ગયું છે કે એકે માછલી બચી નથી.”

PHOTO • Urvashi Sarkar
PHOTO • Ritayan Mukherjee

સુંદરવનના ઇકોસિસ્ટમ માટે મેન્ગ્રોવ જરૂરી  છે, પરંતુ તે પણ ધીરે ધીરે ઓછા થઈ રહ્યા છે.

જર્નલ ઓફ એક્સપેરિમેન્ટલ બાયોલોજી એન્ડ એગ્રીકલ્ચર સાયન્સીસ ના ૨૦૧૬ના એક પેપર મુજબ, આઈલા વાવાઝોડાંને કારણેસુંદરવનમાં ઉત્તર અને દક્ષિણ ૨૪ પરગણા જિલ્લાઓમાં  થયેલ જમીનનું ધોવાણ તથા વધતા કાંપના પ્રમાણ અને ક્ષારતાના લીધે ડાંગરની ખેતી બરાબર થઇ નહોતી. આ અભ્યાસ મુજબ, ફરીથી ડાંગર ઉગાડવા માટે ફોસ્ફેટ અને પોટાશ આધારિત ખાતર ભલામણ કરેલ માત્રા કરતાં પણ વધુ વાપરવાં પડ્યા હતાં.

પ્રફુલ્લાના ૪૮ વર્ષીય પુત્ર પ્રબીર મોન્ડલ કહે છે કે, “આઈલા વાવાઝોડાં પછી રસાયણિક ખાતરનો ઉપયોગ વધી ગયો છે. તે વાપર્યા પછી જ અમે યોગ્ય ઊપજ મેળવી શકીએ છીએ. તે સ્વાસ્થ્ય માટે સારું નથી તેમ છતાં અમે તેને ખાઈએ છીએ. મને બાળપણમાં ખાતો હતો એ ચાવલ યાદ છે. તમે એને એમનેમ ખાઈ શકો એવા હતાં. હવે, તેને શાકભાજી સાથે આરોગવામાં આવે છે છતાં કંઈ અછત વર્તાય છે.”

તેમનાં પિતા ૧૩ વીઘા (૪.૨ એકર) જમીનની માલિકી ધરાવે છે, જેમાં વીઘા દીઠ ૮-૯ બાસ્તા ભાત ઉગતાં હતાં – એક બાસ્તા એટલે ૬૦ કિલો. પ્રબીર કહે છે કે, “ભાતને વાવવાં, કાપવાં અને લણવાનો ખર્ચ અને રસાયણિક ખાતરનો ખર્ચ એટલો બધો થાય છે કે અમે જે રકમ રોકીએ છીએ એના કરતાં થોડીક જ વધારે પરત મેળવીએ છીએ.”

૨૦૧૮ના એક રીસર્ચ લેખ અનુસાર, સુંદરવનમાં આઈલા વાવાઝોડું આવ્યા બાદ ડાંગરનું ઉત્પાદન ૬૪-૮૦ ક્વિન્ટલ માંથી ૩૨-૪૦ ક્વિન્ટલ પ્રતિ હેક્ટર એટલે કે અડધું થઇ ગયું છે. જો કે પ્રબીરના મત મુજબ ડાંગરનું ઉત્પાદન આઈલા વાવાઝોડાના પહેલાં જેટલું થઇ ગયું છે. પરંતુ, તેઓએ જુનથી સપ્ટેમ્બર મહિના સુધી પૂરેપૂરું વરસાદ પર નિર્ભર રહેવું પડે છે.

અને વરસાદ પણ કમોસમી થઇ ગયો છે. પ્રો. હઝરા કહે છે કે, “દરિયાની સપાટીમાં થતો ધરખમ વધારો અને ચોમાસાના આગમનમાં વિલંબ અને વરસાદમાં ઘટાડો વાતાવરણીય ફેરફારોને લાંબા ગાળે અસર કરે છે.”

કોલકાતાની સ્કૂલ ઓફ ઓશીઓનોગ્રાફિક સ્ટડીઝના એક વર્તમાન રીસર્ચ મુજબ બંગાળની ખાડીના ઉત્તરી ભાગમાં (જ્યાં સુંદરવન આવેલું છે ત્યાં) છેલ્લાં બે દશકામાં વરસાદની તીવ્રતા ૧૦૦ મિલીમીટર પ્રતિ દિનથી વધારે હોય તેવા બનાવો વધી રહ્યાં છે. પ્રો. હઝરા જણાવે છે કે, સાથે સાથે વાવણીના સમયે વરસાદ ઓછો થઇ ગયો છે - જેવો કે આ વર્ષે થયો હતો. ૪ સપ્ટેમ્બર સુધી દક્ષિણ ૨૪ પરગણામાં ૩૦૭ મિલીમીટર ઓછો અને ઉત્તર ૨૪ પરગણામાં ૧૫૭ મિલીમીટર  ઓછો  વરસાદ નોંધાયો હતો.

આવું ફક્ત આ વર્ષે જ નથી થયું વરસાદમાં વધારો-ઘટાડો સુંદરવનમાં ઘણાં સમયથી પુનરાવર્તિત થઇ રહ્યો છે. પશ્ચિમ બંગાળ સરકારના વાર્ષિક પૂર અહેવાલ મુજબ, જુનથી સપ્ટેમ્બર મહિના સુધી દક્ષિણ ૨૪ પરગણા જીલ્લામાં સામાન્ય વરસાદ ૧૫૫૨.૬ મીમી છે. જીલ્લાનાં ૨૦૧૨-૨૦૧૭ ના વરસાદી ડેટા મુજબ વરસાદ ૬ માંથી ૪ વર્ષ સામાન્ય કરતાં ઓછો આવ્યો છે, જેમાં સૌથી વધુ અછત ૨૦૧૭ (૧૧૭૩.૩ મીમી) તથા ૨૦૧૨ (૧૧૩૦.૪ મીમી) માં થઇ  હતી.

PHOTO • Urvashi Sarkar

“ડાંગરનું ઉત્પાદન  વરસાદ પર સંપૂર્ણપણે આધાર રાખે છે. વરસાદ ન પડે તો ડાંગર ઉગશે નહીં”

ઉત્તર ૨૪ પરગણા જીલ્લામાં આનાથી ઉલટી પરીસ્થિતિ છે. ત્યાં ખુબ વધુ વરસાદ જોવા મળ્યો છે. જુનથી સપ્ટેમ્બર સુધીમાં સામાન્ય વરસાદ ૧૧૭૨.૮ મીમી છે. ૨૦૧૨-૨૦૧૭ ના વરસાદી ડેટા મુજબ વરસાદ ૪ વર્ષમાં સામાન્ય કરતાં વધુ આવ્યો છે. જેમાં ૨૦૧૫માં ૧૪૨૮ મીમી સાથે સૌથી વધુ વરસાદ નોંધાયો હતો.

કાજલ લતા કહે છે કે, “સૌથી મોટી સમસ્યા કમોસમી વરસાદની છે. આ વર્ષે ફેબ્રુઆરીમાં ઘણો વરસાદ હતો – જાણે કે ચોમાસું હોય. વડીલો પણ કહેતાં હતાં કે તેઓ એ ક્યારેય ફેબ્રુઆરીમાં આટલો બધો વરસાદ જોયો નથી.” તેમનો પરિવાર ડાંગર પર નિર્ભર છે, જે જુન-જુલાઈમાં વાવવામાં આવે છે અને નવેમ્બર-ડીસેમ્બરમાં લણવામાં આવે છે. “ડાંગરનો પાક સંપૂર્ણપણે વરસાદનાં પાણી પર આધારિત છે, જો વરસાદ નઈ પડે તો ભાત થશે નહીં.”

તેઓ કહે છે કે, અમારાં ગામમાં છેલ્લાં ૪ કે ૫ વર્ષથી ચોમાસા સિવાય નવેમ્બર-ડિસેમ્બરમાં પણ વરસાદ આવે છે. આ મહિનાઓમાં થોડોક વરસાદ સ્વાભાવિક છે પણ વધુ વરસાદ પાક ને ખરાબ કરી દે છે. “જયારે જરૂર હોય ત્યારે વરસાદ આવતો નથી અને પછી કમોસમી વરસાદ આવે છે અને પાકને બગાડી દે છે. દર વર્ષે અમે વિચારીએ છીએ કે ચાલું વર્ષે કમોસમી વરસાદ નહીં આવે. પરંતુ, અસામાન્ય વરસાદ આવે છે અને પાકનો નાશ કરી દે છે. આ જ કારણથી અમારે અહિયાં કહેવત છે કે ‘આશાય મોરે ચાસા’ [‘આશા ખેડૂતને મારી નાખે છે’].”

રજત જુબિલી ગામમાં, પ્રબીર મોન્ડલ ચિંતા વ્યક્ત કરતાં કહે છે કે, “જુનથી લઈને જુલાઈ સુધી [મારાં ગામમાં] જરા પણ વરસાદ પડ્યો નહીં જેથી ડાંગરના પાંદડા સુકાઈ ગયા. પરંતુ, નસીબજોગે, વરસાદ આવી ગયો છે [ઓગસ્ટમાં]. શું તે પુરતો હશે? શું થશે અગર તે વધારે આવે અને પાક નષ્ટ થઇ જાય?”

એક આરોગ્ય વ્યવસાયિક તરીકે [તેઓ વૈકલ્પિક દવાઓમાં બી.એ.ની પદવી ધરાવે છે.] પ્રબીર કહે છે કે તેમનાં દર્દીઓ પણ સખત ગરમીની ફરિયાદ કરે છે. “ઘણાં લોકોને લૂ લાગે છે. એ ગમે ત્યારે લાગી શકે છે અને જીવલેણ સાબિત થઇ શકે છે.” તેઓ સમજાવે છે.

સુંદરવનમાં દરિયાના તાપમાનની સાથે સાથે જમીનનું તાપમાન પણ વધી રહ્યું છે. ન્યૂયોર્ક ટાઈમ્સના કલાઇમેટ એન્ડ ગ્લોબલ વોર્મિંગ ઇન્ટરેક્ટિવ પોર્ટલના ડેટા મુજબ ૧૯૬૦ માં જયારે તાપમાન ૩૨ ડીગ્રી સેલ્સીયસ કે તેથી વધુ હોય એવા દિવસોની સંખ્યા ૧૮૦ દિવસ પ્રતિ વર્ષથી વધીને ૨૦૧૭ માં ૧૮૮ દિવસ પ્રતિ વર્ષ થઇ ગઈ છે. આ સદીના અંત સુધીમાં ૨૧૩-૨૫૮ દિવસ પણ થઇ શકે છે.

વારંવાર વધતી ગરમી, ચક્રવાત, કમોસમી વરસાદ, ક્ષારીયતા, મેન્ગ્રોવનો ઘટાડો અને અન્ય મુસીબતોના સકંજામાં આવ્યાં પછી સુંદરવનના રહીશો સતત અનિશ્ચિતતાના માહોલમાં રહે છે. પ્રફુલ્લા મોન્ડલ, ઘણાં તોફાનો અને ચક્રવાતના ચશ્મદીદ ગવાહ વિચારે છે કે, “કોણ જાણે હવે આગળ શું આવશે?”

PARIનો વાતાવરણના ફેરફારો વિષે રાષ્ટ્રીય અહેવાલો એકત્રિત કરવાનો આ પ્રયાસ સામાન્ય માણસોના આવાજમાં અને એમના જીવનના અનુભવોને લક્ષમાં રાખી નિરૂપવાની પહેલ કરવા બદલ અપાતી UNDPની સહાયનો ભાગ છે.

આ લેખ ફરી પ્રકાશિત કરવો છે? મહેરબાની કરીને સંપર્ક કરો: [email protected]

અને  cc મોકલો: [email protected]


અનુવાદ: મહેદી હુસૈન

Reporter : Urvashi Sarkar

Urvashi Sarkar is an independent journalist and a 2016 PARI Fellow.

Other stories by Urvashi Sarkar
Editor : Sharmila Joshi

Sharmila Joshi is former Executive Editor, People's Archive of Rural India, and a writer and occasional teacher.

Other stories by Sharmila Joshi

P. Sainath is Founder Editor, People's Archive of Rural India. He has been a rural reporter for decades and is the author of 'Everybody Loves a Good Drought' and 'The Last Heroes: Foot Soldiers of Indian Freedom'.

Other stories by P. Sainath
Series Editors : Sharmila Joshi

Sharmila Joshi is former Executive Editor, People's Archive of Rural India, and a writer and occasional teacher.

Other stories by Sharmila Joshi
Translator : Mehdi Husain

Mehdi Husain is an Ahmedabad based article writer and translator, who works across Gujarati, Urdu and English languages. He is the editor of Prasann Prabhat online Guajarati magazine. He also works at Meher Library and Jafari Seminary as a proof reader.

Other stories by Mehdi Husain