મથુરા નિર્ગુડે ખી-ખી કરીને હસીને જોરથી ગુસપુસ કરતી કહે છે, “એમણે અમને કંઈ શીખવાડ્યું નથી.”  એ નાસિક જિલ્લાના ત્રિમ્બકેશ્વર તાલુકાના ટાકે હર્ષા ગામમાં આવેલા પોતાના એક ઓરડાના ઘરની નજીક એક ગાડા પાસે બેઠી છે. ગામની લગભગ 1,500 રહેવાસીઓની વસ્તીમાંથી મોટાભાગના ઠકાર આદિવાસી સમુદાયના છે.

ડિસેમ્બર 2017 સુધી 11 વર્ષની મથુરા લગભગ આઠ કિલોમીટર દૂર આવેલા દહાલેવાડી ગામમાં આવેલી જિલ્લા પરિષદ (જિપ) ની શાળામાં 5માં ધોરણમાં ભણતી હતી. હવે તે ટાકે હર્ષાથી લગભગ ચાર કિલોમીટર દૂર આવેલા અવહાટે ગામમાં એક બિન-સરકારી સંસ્થા દ્વારા ચલાવાતી શાળામાં ધોરણ 6માં જાય છે.

જ્યારે તેને પૂછવામાં આવે કે તેને કઈ શાળા વધુ ગમે છે, ત્યારે તે તરત જ કહે છે: “પહેલી.”

જ્યારે દહાલેવાડીની જિપ શાળા બંધ થી ગઈ ત્યારે અવહાટેમાં આવેલી શાળાએ તેના 14 વિદ્યાર્થીઓને સમાવી લીધા, એજ તાલુકાના વાવી હર્ષા ગામમાં રહેતા શિક્ષણ કાર્યકર્તા ભગવાન મધે કહે છે. “તેને રાજ્ય પાસેથી ગ્રાંટ નથી મળતી, અને તેઓ એને ગંભીરતાપૂર્વક નથી ચલાવતા,” તેઓ ઉમેરે છે. અવહાટેની શાળા – શ્રી ગજાનન મહારાજ વિદ્યાલયમાં અઠવાડિયામાં ફક્ત બે દિવસ વર્ગો લેવાય છે.

પણ મથુરાનું તેની દહાલેવાડીની શાળાનું ખોવું એ અપવાદ નથી. છેલ્લાં કેટલાંક વર્ષોમાં આખા મહારાષ્ટ્રમાં થઈને હજારો બાળકોએ તેમની શાળાઓ બંધ થતી જોઈ છે.

School Corridor
PHOTO • Mayur Bargaje

ટાકે હર્ષા ગામમાંની જિપની શાળા માત્ર ધોરણ 4 સુધીની જ છે;  એનાથી ઉપરના વર્ગો માટે, વિદ્યાર્થીઓ દહાલેવાડી ગામમાં આવેલી શાળામાં જતા હતા, જે ડિસેમ્બર 2017માં બંધ થઈ ગઈ

માહિતીના અધિકાર અન્વયે કરવામાં આવેલ એક પૂછપરછ (જે મેં જૂન 2018માં કરી હતી)ના જવાબમાં મળેલા આંકડાઓ પ્રમાણે, 2014-15 અને 2017-18ની વચ્ચે, મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવિસના નેતૃત્વવાળી મહારાષ્ટ્ર સરકારે 654 જિપ શાળાઓ બંધ કરી દીધી હતી. મહારાષ્ટ્ર પ્રાથમિક શિક્ષણ પરિષદનો જવાબ હતો કે 2014-15માં રાજ્યના 36 જિલ્લાઓમાં મળીને 62,313 જિપ શાળાઓની જગ્યાએ, 2017-18માં એ સંખ્યા ઘટીને 61,659 થઈ હતી.

અને વિદ્યાર્થીઓની સંખ્યા 2007-08માં આશરે 60 લાખથી ઘટીને 2014-15 51 લાખથી થોડી ઓછી થઈ હતી અને પછી 2017-18માં તે 46 લાખ જેટલી થઈ ગઈ હતી.

એપ્રિલ 2018માં, શિક્ષણ પ્રધાન વિનોદ તાવડે એ કહ્યું કે સરકારે માત્ર એવી જ શાળાઓ બંધ કરી છે જેમાં 10 અથવા તેથી ઓછા વિદ્યાર્થીઓ હોય, કારણકે તેમને ચલાવવી પરવડે તેમ ન હતું. આ વિદ્યાર્થીઓને, તેમણે કહ્યું હતું,  નજીકની જિપની શાળાઓમાં સમાવી લેવામાં આવ્યા હતા. જાન્યુઆરી 2018માં સરકારે વધુ 1,300 શાળાઓ બંધ કરવાનો પ્રસ્તાવ મૂક્યો. શિક્ષણ માટે કામ કરતા કાર્યકર્તાઓએ તેનો દૃઢતાપૂર્વક વિરોધ કર્યો.

મથુરા અને તેના ગામના અન્ય વિદ્યાર્થીઓ જિપના રેકૉર્ડનો ભાગ ન રહ્યા. તેની માતા ભીમા કહે છે, સૌથી નજીકની હજુ ખુલ્લી હોય તેવી જિપની શાળા અવહાટેથી પણ દૂર, સમુંડીમાં છે, જે આશરે 10 કિલોમીટર દૂર છે. “દીકરીઓ મોટી થાય તેમ અમને તેમની સલામતિની ચિંતા થાય છે,” ખોળામાં પોતાનું શિશુ રાખીને બેસીને તે કહે છે.

ભીમા અને તેના પતિ માધવ ખેતમજૂર છે, જે જ્યારે કામ મળે ત્યારે દિવસની ₹150 દાડી કમાય છે. “અમારી પાસે જમીન નથી. આવકનો બીજો કોઈ સ્ત્રોત નથી,” ભીમ કહે છે. “દરરોજ સવારે મારે ઘરેથી નિકળીને કામ શોધવું પડે છે, જેથી હું સાંજે કંઈક રાંધી શકું.” તેમ છતા, જો ભીમ પાસે થોડા વધારાના પૈસા હોય, તો તે મથુરાને ₹20 આપે છે જેથી તે ગામડાઓમાં સહિયારા ભાડે ચાલતા ટેમ્પો કે જીપમાં નિશાળે જઈ શકે. નહીંતો એ છોકરી ત્રિમ્બકેશ્વરના વાંકાચૂકા રસ્તો પર 40 મિનિટ સુધી ચાલે છે. ટાકે હર્ષા વૈતરણના નદીના ડેમ પર આવેલું છે, જેને ખાનગી કે સરકારી શાળામાં જવા માટે મથુરાએ પાર કરવાનો હોય છે. “ચોમાસા દરમિયાન, પુલ પાણીમાં ડૂબેલો હોય છે,” ભીમા કહે છે.  “ક્યારેક અમે દિવસો સુધી ગામમાં ફસાયેલા હોઈએ છીએ.”

Mother and children sitting
PHOTO • Parth M.N.

ટાકે હર્ષાના રહેવાસીઓ માટે સૌથી નજીકની હજુ ખુલ્લી જિપની શાળા અવહાટેમાં આવેલી ખાનગી શાળાથી દૂર છે, જે લગભગ 4 કિલોમીટર દૂર છે. આ અંતર છોકરીઓને સૌથી વધુ અસર કરે છે. 'એ મોટી થાય એમ અમે એમની સલામતિ માટે ચિંતા કરીએ છીએ',એક વાલી કહે છે

2009ના બાળકો માટે મફત અને ફરજિયાત શિક્ષણના કાયદા પ્રમાણે, ધોરણ 5 સુધી વિદ્યાર્થીના રહેણાંકના એક કિલોમીટરની અંદર અને ધોરણ 8 સુધી વિદ્યાર્થીના રહેણાંકથી ત્રણ કિલોમીટરની અંદર સરકારી શાળા ઉપલબ્ધ હોવી જોઈએ. “પણ ઘણી જગ્યાઓએ આનું પાલન કરવામાં આવતું નથી,” મધે કહે છે.

જિલ્લા પરિષદ જિલ્લા સ્તરીય સમિતિઓ હોય છે, જેમાં પ્રશાસકોનું નેતૃત્વ રાજ્ય સરકાર દ્વારા નિયુક્ત એક કલેક્ટર કરતા હોય છે. મહારાષ્ટ્રમાં 1961-62માં જિલ્લા બોર્ડ પાસેથી શાળાઓ હસ્તગત કરી લીધી, અને ત્યારથી તે ચલાવે છે. આમાંની મોટાભાગની પ્રાથમિક શાળાઓ છે, ધોરણ 1થી 7 અથવા 8 સુધીની; કેટલીકમાં માધ્યમિક સ્તરના વર્ગો ધોરણ 9 અને 10 પણ હોય છે; અને એનાથીએ ઓછીમાં ધોરણ 11 અને 12 હોય છે.

જિપની શાળાઓ મફત શિક્ષણ પૂરૂં પાડે છે, અને મોટાભાગના વિદ્યાર્થીઓ ખેડૂત, ખેતમજૂર અને ખાનગી શાળાઓની કિંમત ચુકવવામાં અક્ષમ અન્ય લોકોનો કુટુંબોમાંથી હોય છે ( જુઓ થોડું ભોજન, ભૂખ્યા વિદ્યાર્થીઓ માટે મોટીવાત ). એમાં આદિવાસીઓ અને દલિતો છે – અનુસૂચિત જનજાતિઓ મહારાષ્ટ્રની વસ્તીના 9.4 ટકા છે અને અનુસૂચિત જાતિઓ, રાજ્યની વસ્તીના 11.8 ટકા (વસ્તી ગણતરી 2011).

તેમ છતાં, બધાં બાળકોને શિક્ષણ મેળવવાની સમાન તકો પૂરી પાડવાના બદલે, એક પછી એક સરકારોએ નિરંતર મહારાષ્ટ્રમાં સરકારી શિક્ષણ પ્રત્યે બેદરકારી કરી છે.

મહારાષ્ટ્રનું આર્થિક સર્વેક્ષણ દર્શાવે છે કે 2007-08 દરમિયાન રાજ્ય સરકારનો પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ માટેનો ખર્ચ ₹ 11,421 કરોડ અથવા રાજ્યની સકળ પ્રાદેશિક આવક  (GSDP)ના 1.90 ટકા હતો.  એક દાયકા પછી, 2018-19માં, શાળાકીય શિક્ષણ (અને રમત-ગમત) માટેની ફાળવણી વધીને ₹ 51,565 કરોડ થઈ છે, પણ તે કુલ બજેટના ફક્ત 1.84 ટકા છે – જે રાજ્યના શાળાઓમાં ઘટતા જતા રસ અને તેના માટેની ફાળવણીમાં ઘટાડાનો સંકેત છે.

A woman and two girls looking at a book.
PHOTO • Mayur Bargaje

'ચોમાસા દરમિયાન, પુલ પાણીમાં ડૂબી જાય છે', ભીમા નિર્ગુડે કહે છે. તેમની દીકરી મથુરા (વચ્ચે) અને તેની બેનપણી જ્યોતિ હોલેને તેમની નવી શાળાએ જવા માટે પુલ પરથી ચાલીને જવાનું હોય છે

રમેશ જોશી, બ્રિહ્નમુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશનના શિક્ષકોના યૂનિયનના મુખ્ય સચિવ અને ભૂતપૂર્વ કૉર્પોરેટર, જે 16 વર્ષ સુધી કૉર્પોરેશનની શિક્ષણ સમિતિનો ભાગ હતા, કહે છે કે રકમ વધવી જોઈતી હતી. “આદર્શ રીતે, શિક્ષણનું બજેટ GSDPના 4-6 ટકાની વચ્ચે હોવું જોઈએ. જેમ-જેમ શિક્ષણ બાબતે જાગૃતિ વધતી જાય છે તેમ-તેમ વધુને વધુ વિદ્યાર્થીઓ શાળામાં પ્રવેશ મેળવી રહ્યા છે. જો આપણે બજેટ ઘટાડીએ, તો પછી RTE [શિક્ષણનો અધિકાર] કેવી રીતે સુનિશ્ચિત થઈ શકે?”

‘શિક્ષકોના મતદારક્ષેત્ર’ (શિક્ષકો દ્વારા નિયુક્ત) મહારાષ્ટ્ર વિધાન પરિષદના સભ્ય, કપિલ પાટિલ ઉમેરે છે, “એ લોકો સમજી-વિચારની બજેટ કાપી રહ્યા છે. આનાથી સાચું પૂછો તો વંચિતો માટે શિક્ષણ લગભગ પહોંચની બહાર રહે છે, અને સમાજમાં [કેટલાક લોકોને] ખાસ સવલતો નિષ્પન્ન થાય છે.” (જુઓ મને લાગતું જ નથી કે હું શિક્ષક છું' )

પોતાના બાળકો માટે શિક્ષણ ઇચ્છતા કેટલાંક માતાપિતા તેમને ખાનગી શાળાઓમાં ખસેડી દે છે, ઘણીવાર તેના માટે કુટુંબે મોટી કિંમત ચુકવવી પડે છે અને ખૂબ અગવડ સહન કરવી પડે છે. સોલાપુર જિલ્લાના મધા તાલુકાના મોડનિમ્બ ગામમાં 2017માં 40 વિદ્યાર્થીઓએ સરકારી શાળા છોડીને નજીકની ખાનગી શાળામાં ભણવાનું શરૂ કર્યું, જિપ શાળાના શિક્ષક પરમેશ્વર સુરવાસે કહે છે.

Father and son checking a plant
PHOTO • Dattaray Surve

જિપની શાળાની આશા છોડીને દત્તાત્રેય સુર્વે એ હવે પોતાના દીકરા વિવેકને ખાનગી શાળામાં મૂક્યો છે

તેમાં દત્તાત્રેય સુર્વેનો 11 વર્ષનો દીકરો વિવેક પણ હતો, જે ધોરણ 6માં છે. “શિક્ષકો ભાગ્યેજ વર્ગમાં હાજર હોતા હતા,” દત્તાત્રેય કહે છે. “બીજા જિલ્લાઓની અનેક શાળાઓમાં બજેટ સંબંધી મુશ્કેલીઓના કારણે વીજળી કાપી નાખવામાં આવી છે. એ દેખાડે છે કે સરકારને જિપની શાળાઓમાં ભણતા વિદ્યાર્થીઓની પરવા નથી.”

સુર્વે, જે એક ખેડૂત છે, ઇચ્છે છે કે એમના દીકરાને શ્રેષ્ઠ સંભવ શિક્ષણ મળે. “ખેતીમાં ભવિષ્ય નથી,” તેઓ કહે છે. તેઓ હવે શાળાની વાર્ષિક ફી તરીકે ₹3,000 ચૂકવે છે. “મેં તેને ખસેડી લીધો કારણ કે હું તેના ભવિષ્યને જોખમમાં મૂકવા માંગતો નથી.”

ઉપરાંત, એહમદનગર સ્થિત શિક્ષક હેરાંભ કુલકર્ણી કહે છે, ઘણાં કુટુંબો ઇચ્છે છે કે તેમના બાળકને અંગ્રેજી પણ આવડે, તેથી માતાપિતા મરાઠીમાં શિક્ષણ આપતી જિપની શાળાઓના બદલે અંગ્રેજી માધ્યમની શાળાઓ પસંદ કરે છે.

આરટીઆઈ મારફતે મળેલ ડેટા પ્રમાણે મહારાષ્ટ્રની જિપની શાળાઓમાં ધોરણ 1માં દાખલ થયેલ 12 લાખથી થોડા વધુ વિદ્યાર્થીઓમાંથી, 10 વર્ષ પછી, 2017-18માં ફક્ત 30,248 વિદ્યાર્થી – અથવા ફક્ત 2.5 ટકા વિદ્યાર્થી આ શાળાઓમાંથી 10માં ધોરણમાં પાસ થયા.

એ વાતને ગણતરીમાં લઈએ કે મોટાભાગની જિપની શાળાઓ માત્ર ધોરણ 7 અથવા 8 સુધી હોય છે (ધોરણ 10 સુધી નહીં), તો પણ આંકડા સારા નથી. 2009-10માં રાજ્યમાં જિપની શાળાઓમાં ધોરણ 1માં 11 લાખ જેટલા વિદ્યાર્થીઓ હતા. આઠ વર્ષ બાદ, 2017-18 સુધીમાં, ધોરણ 8માં ફક્ત 1,23,739 વિદ્યાર્થીજ રહ્યા હતા – એટલેકે 89 ટકા વિદ્યાર્થીઓએ વચ્ચેથી શાળા છોડી દીધી.

જોકે જિપની શાળાઓમાં વિદ્યાર્થીઓની સંખ્યા સ્થળાંતરના કારણે પણ ઘટી રહી છે. જ્યારે ખેડૂતો અને મજૂરે કામ માટે સ્થળાંતર કરે, ત્યારે પોતાના બાળકોને પોતાની સાથે લઈ જાય છે. મરાઠવાડાના ખેતીપ્રધાન જિલ્લામાંથી સ્થળાંતર વધી રહ્યાં છે – અનુભવી સામ્યવાદી ખેડૂત નેતા રાજન ક્ષીરસાગરના કહેવા પ્રમાણે નવેમ્બર અને માર્ચની વચ્ચે ઓછામાં ઓછા 6 લાખ ખેડૂતો શેરડી કાપનાર તરીકે પ્રદેશમાં અથવા પશ્ચિમ મહારાષ્ટ્ર અને કર્ણાટકમાં સ્થળાંતર કરી જતા હોય છે.

કૈલાસ અને શારદા સાળ્વે દર વર્ષે 60 કિલોમીટર દૂર આવેલ પરભાણીના દેવેગાંવ ગામથી તેલગાંવ ખ. બીડ –માં એક ખાંડની ફેક્ટ્રીએ સ્થળાંતર કરી જાય છે. તેઓ પોતાના શિશુ દીકરા, હર્ષવર્ધન અને શારદાની 12 વર્ષની ભાણી ઐશ્વર્યા વાનખેડે સાથે સ્થળાંતર કરી જાય છે.  “ગરીબીએ એનું શિક્ષણ છીનવી લીધું છે,” કૈલાસ કહે છે. તે અને શારદા તેમના 5 એકરના ખેતરના કપાસ અને સોયાબીન ઉગાડે છે, પણ એટલો નફો નથી કરતા કે આખું વર્ષ નિકળી જાય “અમે ખેતરોમાં મજૂરી કરીએ ત્યારે તેણે અમારા દીકરાનું ધ્યાન રાખવા માટે અમારી સાથે આવવું પડે છે.  ( જુઓ 2,000 કલાક કાપણી કરવી )
Two women in front of a house
PHOTO • Mayur Bargaje

'મને નથી ગમતું કે તે [મંજુલા, ડાબે]  શાળાએ નથી જતી. પણ તેની નાની બહેન જાય છે. તેમનામાંથી એકજ ભણી શકે એવું હતું,' સુમનબાઈ લશ્કે કહે છે

જ્યારે કોઈ વિદ્યાર્થીએ શાળા છોડવાની થાય ત્યારે મોટાભાગે તે ઘરની દીકરી હોય છે.  મહારાષ્ટ્રમાં 15-49 વર્ષની સ્ત્રીઓમાંથી ફક્ત ચોથા ભાગનીએ 12 અથવા વધુ વર્ષ સુધી શિક્ષણ મેળવ્યું છે, જ્યારે પુરુષોમાં તે આંકડો 34 ટકા છે, 2015-16નો રાષ્ટ્રીય પારિવારિક આરોગ્ય સર્વે જણાવે છે.

વાવી હર્ષા નામના આદિવાસી ગામની 13 વર્ષની મંજુલા લશ્કેએ 2017માં શાળા છોડી દીધી કારણકે તેની મા સુમનબાઈને ઘરમાં મદદની જરૂર હતી. “મારો પતિ દારૂડિયો છે, તે કામ નથી કરતો,” તે કહે છે. “જ્યારે હું દાડીએ જાઉં, ત્યારે કોઈએ અમારા ઢોરનું ધ્યાન રાખવું પડે ને.”

સુમનબાઈ એ વાતનો અસ્વીકાર કરે છે કે તેઓ મંજુલાના લગ્ન વિશે વિચારી રહ્યા છે. “એ હજુ બહુ નાની છે,” તેઓ કહે છે. “મને નથી ગમતું કે તે શાળાની બહાર છે. પણ તેની નાની બહેન શાળામાં દાખલ થયેલી છે. એ બંનેમાંથી કોઈ એકજ ભણી શકે એમ હતું.”

જોકે તેમના પાડોશી કહે છે કે ગામની મોટા ભાગની છોકરીઓના 15 કે 16 વર્ષે લગ્ન થઈ જાય છે. ગમાણમાં મંજુલા બળદને છોડીને બપોર માટે બહાર જવાની તૈયારી કરે છે. “મને શાળાએ જવું ગમતું હતું,” તે કહે છે. ( જુઓ જિપની શાળાઓ: વીજળી, પાણી, શૌચાલય વિના ચલાવવું)

જોકે હવે, વાવી હર્ષા અને ટાકે હર્ષા જેવા ગામડાં અને નાના ગામોમાં સરકાર દ્વારા ચલાવાતી જિપની શાળાઓ મોટી સંખ્યામાં બંધ થઈ રહી હોવાથી, મહારાષ્ટ્રના ગ્રામીણ વિસ્તારના બાળકોની શિક્ષણ મેળવવાની તે આછી-પાતળી તક પણ દૂર જતી રહી છે.

ભાષાંતર: ધરા જોષી

Parth M.N.

Parth M.N. is a 2017 PARI Fellow and an independent journalist reporting for various news websites. He loves cricket and travelling.

Other stories by Parth M.N.
Translator : Dhara Joshi

Dhara Joshi is an English teacher turned translator. She enjoys literature, music and theater.

Other stories by Dhara Joshi