સફેદ છાંટાવાળા ભૂખરા પીછા ટૂંકા ઘાસ પર છવાયેલા  છે.

રાધેશ્યામ બિશ્નોઈ ઝાંખા પ્રકાશમાં એ વિસ્તારમાં ચક્કર મારી ધ્યાનપૂર્વક બારીકાઈથી પીંછા તપાસતા રહે છે. તેઓ આશા રાખે છે કે તેઓ ખોટા હોય. તેઓ મોટેથી કહે છે, "આ (મૃત પક્ષીના શરીરમાંથી) ખેંચી કાઢેલા પીંછા લાગતા નથી." પછી તેઓ ફોન કરે છે ને લાઈન પર સામે છેડે રહેલી વ્યક્તિને કહે છે, “આવો છો? મને લાગે છે કે મને ખાતરી છે...”

અમારી ઉપર આકાશમાં 220-કિલોવોલ્ટ હાઈ ટેન્શન (એચટી) કેબલ્સ ભાવિના સંકેત સમો સતત ધીમો તડતડાટ કરતા રહે છે અને - હવે ઘેરા થતા જતા સાંજના આકાશમાં કાળી રેખાઓનું છાયાચિત્ર તૈયાર થાય છે.

ડેટા કલેક્ટર તરીકેની પોતાની ફરજ યાદ આવતા 27 વર્ષના રાધેશ્યામ પોતાનો કૅમેરો બહાર કાઢે છે અને મૌકા-એ-વારદાતના શ્રેણીબદ્ધ ક્લોઝ-અપ અને મિડ-શૉટ્સ લે છે.

બીજે દિવસે વહેલી સવારે અમે ઘટના સ્થળે પાછા ફરીએ છીએ - જેસલમેર જિલ્લાના ખેતોલાઈ નજીકના ગંગા રામ કી ધાની કસ્બાથી એક કિલોમીટર દૂર.

આ વખતે કોઈ શંકા નથી. પીંછા ઘોરાડ (ગ્રેટ ઈન્ડિયન બસ્ટાર્ડ - જીઆઈબી) ના છે, સ્થાનિકો તેને ગોદાવન તરીકે ઓળખે છે.

Left: WII researcher, M.U. Mohibuddin and local naturalist, Radheshyam Bishnoi at the site on March 23, 2023 documenting the death of a Great Indian Bustard (GIB) after it collided with high tension power lines.
PHOTO • Urja
Right: Radheshyam (standing) and local Mangilal watch Dr. S. S. Rathode, WII veterinarian (wearing a cap) examine the feathers
PHOTO • Priti David

ડાબે: ડબલ્યુઆઈઆઈ સંશોધક, એમ.યુ . મોહિબુદ્દીન અને સ્થાનિક પ્રકૃતિવાદી રાધેશ્યામ બિશ્નોઈ 23 મી માર્ચ, 2023 ના રોજ ઘટના સ્થળે, તેઓ ઘોરાડના મૃત્યુનું દસ્તાવેજીકરણ કરે છે, મૃત્યુ હાઈ ટેન્શન પાવર લાઈનો સાથે અથડાયા પછી થયું હતું. જમણે: રાધેશ્યામ (ઊભા) અને સ્થાનિક માંગીલાલ, ડબલ્યુઆઈઆઈ પશુચિકિત્સક ડૉ. એસ.એસ. રાઠોડે (કેપ પહેરેલા) પીંછાઓની તપાસ કરી રહ્યા છે એ જુએ છે

23 મી માર્ચ, 2023ના રોજ સવારે વન્યજીવ પશુચિકિત્સક ડૉ. શ્રવણ સિંહ રાઠોડ ઘટનાસ્થળે હાજર છે. પુરાવાઓની તપાસ કરતાં તેઓ કહે છે: “મૃત્યુ એચટી વાયર સાથે અથડાવાને કારણે થયું છે તેમાં કોઈ શંકા નથી. તે આજથી ત્રણ દિવસ પહેલા થયું હોવાનું જણાય છે, એટલે કે માર્ચ 20 [2023] ના રોજ.”

વાઈલ્ડલાઈફ ઈન્સ્ટિટ્યૂટ ઑફ ઈન્ડિયા (ડબલ્યુઆઈઆઈ) સાથે કામ કરતા ડૉ. રાઠોડે 2020 થી માંડીને આજ સુધીમાં ઘોરાડના આ ચોથા શરીરને તપાસ્યું છે. ડબલ્યુઆઈઆઈ એ પર્યાવરણ, વન અને આબોહવા પરિવર્તન મંત્રાલય (મિનિસ્ટ્રી ઓફ એન્વિરોન્મેન્ટ, ફોરેસ્ટ્સ એન્ડ કલાયમેટ ચેઈન્જ - એમઓઈએફસીસી) અને રાજ્ય વન્યજીવન વિભાગોની તકનીકી શાખા છે. તેઓ ઉમેરે છે, “તમામ મૃતદેહ એચટી વાયર હેઠળ મળી આવ્યા હતા. એચટી વાયરો અને આ કમનસીબ મોત વચ્ચેનો સીધો સંબંધ સ્પષ્ટ છે."

આ મૃત પક્ષી લુપ્તપ્રાય ( અસ્તિત્વના ગંભીર જોખમનો સામનો કરી રહેલ ) ઘોરાડ (આરડીઓટીસ નિગરીસેપ્સ) છે. અને આ પક્ષીની હાઈ ટેન્શન વાયરો સાથે અથડાઈને નીચે પડીને મૃત્યુ પામવાની માત્ર પાંચ મહિનામાં આ બીજી ઘટના છે. જેસલમેર જિલ્લાના સાંક્રા બ્લોકમાં આવેલા નજીકના ગામ ધોલિયાના ખેડૂત રાધેશ્યામ કહે છે, “2017 થી [જે વર્ષથી તેમણે આવી ઘટનાઓનો ટ્રેક રાખવાનું શરૂ કર્યું ત્યારથી] શરુ કરીને આ નવમું મૃત્યુ છે. પ્રખર પ્રકૃતિવાદી રાધેશ્યામ આ મોટા પક્ષીને શોધતા જ હોય છે. તેઓ પણ ઉમેરે છે, "મોટાભાગના ગોદાવન મૃત્યુ એચટી વાયર હેઠળ થયા છે."

ઘોરાડ વન્યજીવ (સંરક્ષણ) અધિનિયમ 1972 ની અનુસૂચિ I ( વાઈલ્ડલાઈફ (પ્રોટેક્શન) એક્ટ birds 1972 ના શેડ્યુલ I) હેઠળ સૂચિબદ્ધ છે. એક સમયે આ પક્ષીઓ પાકિસ્તાન અને ભારતના ઘાસના મેદાનોમાં મોટી સંખ્યામાં જોવા મળતા હતા. આજે વિશ્વમાં મુક્ત કુદરતી પરિસ્થિતિમાં આ પ્રજાતિના કુલ 120-150 પક્ષીઓ માંડ જોવા મળે છે, અને તેમની વસ્તી પાંચ રાજ્યોમાં વહેંચાયેલી છે. કર્ણાટક, મહારાષ્ટ્ર અને તેલંગાણા રાજ્યોના આંતરછેદ પર લગભગ 8-10 પક્ષીઓ અને ગુજરાતમાં ચાર માદા પક્ષીઓ જોવા મળ્યા છે.

આ પક્ષીઓની સૌથી વધુ સંખ્યા અહીં જેસલમેર જિલ્લામાં છે. આ પક્ષીઓને તેમના કુદરતી નિવાસસ્થાનમાં - પશ્ચિમ રાજસ્થાનના ઘાસના મેદાનોમાં ટ્રેક કરી રહેલા વન્યજીવન જીવવિજ્ઞાની ડૉ. સુમિત ડુકિયા કહે છે, "અહીં બે વસ્તી છે - એક પોકરણની નજીક અને બીજી ત્યાંથી લગભગ 100 કિલોમીટરના અંતરે આવેલા ડેઝર્ટ નેશનલ પાર્કમાં."

Today there are totally only around 120-150 Great Indian Bustards in the world and most live in Jaisalmer district
PHOTO • Radheshyam Bishnoi

આજે વિશ્વમાં માત્ર 120-150 ઘોરાડ છે અને મોટા ભાગના જેસલમેર જિલ્લામાં છે

'We have lost GIB in almost all areas. There has not been any significant habitat restoration and conservation initiative by the government,' says Dr. Sumit Dookia
PHOTO • Radheshyam Bishnoi

ડૉ. સુમિત ડુકિયા કહે છે, 'આપણે લગભગ તમામ વિસ્તારોમાં ઘોરાડ ગુમાવ્યા છે. સરકાર દ્વારા આ પ્રજાતિના કુદરતી નિવાસસ્થાનના પુનઃસ્થાપન અને સંરક્ષણ માટે કોઈ નોંધપાત્ર પહેલ કરવામાં આવી નથી'

ડૉ. સુમિત ડુકિયા સ્પષ્ટ શબ્દોમાં સીધેસીધું કહે છે, "આપણે લગભગ તમામ વિસ્તારોમાં ઘોરાડ ગુમાવ્યા છે. સરકાર દ્વારા આ પ્રજાતિના કુદરતી નિવાસસ્થાનના પુનઃસ્થાપન અને સંરક્ષણ માટે કોઈ નોંધપાત્ર પહેલ કરવામાં આવી નથી." ડુકિયા ઈકોલોજી, રૂરલ ડેવલપમેન્ટ એન્ડ સસ્ટેનેબિલિટી (ઈઆરડીએસ) ફાઉન્ડેશનના માનદ વૈજ્ઞાનિક સલાહકાર છે – આ સંસ્થા ઘોરાડને બચાવવા માટે સમુદાયની ભાગીદારી ઊભી કરવા 2015 થી આ વિસ્તારમાં કામ કરી રહી છે.

સુમેરસિંહ ભાટી જણાવે છે, “મારા પોતાના જીવનકાળમાં મેં આ પક્ષીઓના ટોળાં ને ટોળાં આકાશમાં જોયા છે. હવે હું ક્યારેક-ક્યારેક એકલ-દોકલ પક્ષી જોઉં છું, અને ઉડતા તો ભાગ્યે જ."  40-42 વર્ષના સુમેર સિંહ એક સ્થાનિક પર્યાવરણવાદી છે અને ઘોરાડને અને જેસલમેર જિલ્લાના સેક્રેડ ગ્રુવ્સમાં તેના કુદરતી નિવાસસ્થાનને બચાવવા માટે સક્રિયપણે કામ કરે છે.

તેઓ એક કલાક દૂર સેમ બ્લોકના સંવાતા ગામમાં રહે છે, પરંતુ ગોદાવનનું મોત થતા તેઓ અને બીજા ચિંતિત સ્થાનિકો અને વૈજ્ઞાનિકો ઘટના સ્થળે દોડી આવ્યા છે.

*****

રસલા ગામ પાસેના દેગરાય માતાના મંદિરથી લગભગ 100 મીટરના અંતરે પ્લાસ્ટર-ઓફ-પેરિસમાંથી બનાવેલ લાઈફ સાઈઝ ગોદાવન બેઠું છે. હાઈવે પરથી એ જોઈ શકાય છે - એક મંચ પર દોરડાથી બનાવેલ વાડમાં સાવ એકલું બેઠેલું ગોદાવન.

સ્થાનિકોએ તેને વિરોધના ચિહ્ન તરીકે સ્થાપિત કર્યું છે. તેઓ અમને કહે છે, "અહીં માર્યા ગયેલા ઘોરાડની પહેલી પુણ્યતિથિએ આ સ્મારક અહીં સ્થાપિત કરવામાં આવ્યું હતું." હિન્દીમાં લખેલી તકતીનો અનુવાદ છે: ‘16 મી સપ્ટેમ્બર 2020ના રોજ દેગરાય માતાના મંદિર નજીક એક માદા ગોદાવન પક્ષી હાઈ ટેન્શન લાઈનો સાથે અથડાયું હતું. તેની યાદમાં આ સ્મારક બનાવવામાં આવ્યું છે.’

Left: Radheshyam pointing at the high tension wires near Dholiya that caused the death of a GIB in 2019.
PHOTO • Urja
Right: Sumer Singh Bhati in his village Sanwata in Jaisalmer district
PHOTO • Urja

ડાબે: રાધેશ્યામ ધોલિયા નજીકના હાઈ ટેન્શન વાયર તરફ ઈશારો કરે છે જેના કારણે 2019માં એક ઘોરાડનું મોત થયું હતું. જમણે: જેસલમેર જિલ્લામાં પોતાના ગામ સંવાતામાં સુમેર સિંહ ભાટી

Left: Posters of the godawan (bustard) are pasted alongwith those of gods in a Bishnoi home.
PHOTO • Urja
Right: The statue of a godawan installed by people of Degray
PHOTO • Urja

ડાબે: બિશ્નોઈના ઘરમાં દેવતાઓના પોસ્ટરોની સાથોસાથ ગોદાવન (ઘોરાડ)ના પોસ્ટરો પણ ચોંટાડેલા છે. જમણે: દેગરાયના લોકોએ સ્થાપિત કરેલું ગોદાવનનું સ્ટેચ્યુ

સુમેર સિંહ, રાધેશ્યામ અને જેસલમેરના બીજા સ્થાનિકો માટે મૃત્યુ પામી રહેલા ગોદાવન અને તેમના કુદરતી નિવાસસ્થાનનો નાશ એ પશુપાલક સમુદાયો પાસે તેમની આસપાસના વિસ્તારો પર નિયંત્રણના અભાવનું અને તેને પરિણામે થતા પશુપાલકોના મોતનું અને આજીવિકાના નુકસાનનું ગંભીર પ્રતીક છે.

સુમેર સિંહ કહે છે, “'વિકાસ' ના નામે આપણે કેટકેટલું ગુમાવી રહ્યા છીએ. અને છેવટે આ વિકાસ છે કોને માટે?" તેમની વાતમાં તથ્ય છે - 100 મીટર દૂર એક સોલર ફાર્મ છે, ઉપરથી પાવર લાઈન્સ જાય છે, પરંતુ તેમના ગામમાં વીજળીનો પુરવઠો અનિશ્ચિત, અસ્થિર અને અવિશ્વસનીય છે.

નવી અને નવીનીકરણીય ઊર્જા સંબંધિત કેન્દ્રીય મંત્રાલયે (સેન્ટ્રલ મિનિસ્ટ્રી ઓફ ન્યુ એન્ડ રિન્યુએબલ એનર્જીએ) જાહેર કર્યું છે કે છેલ્લા 7.5 વર્ષમાં ભારતની આરઈ ક્ષમતામાં 286 ટકાનો વધારો થયો છે. અને છેલ્લા એક દાયકામાં, ખાસ કરીને છેલ્લા 3-4 વર્ષોમાં નવીનીકરણીય ઊર્જાના - સૌર ઊર્જા અને પવન ઊર્જા બંનેના - હજારો પ્લાન્ટ આ રાજ્યમાં કાર્યરત કરવામાં આવ્યા છે. એ ઉપરાંત, અદાણી રિન્યુએબલ એનર્જી પાર્ક રાજસ્થાન લિમિટેડ (એઆરઈપીઆરએલ) જોધપુરમાં ભાડલા ખાતે 500 મેગાવોટ ક્ષમતાનો સોલર પાર્ક અને જેસલમેરમાં ફતેહગઢ ખાતે 1500 મેગાવોટ ક્ષમતાનો સોલર પાર્ક વિકસાવી રહ્યું છે. તેઓ કોઈ લાઈનો ભૂગર્ભમાંથી લઈ રહ્યા છે કે કેમ એ અંગે વેબસાઈટ દ્વારા કંપનીને પૂછવામાં આવેલ પ્રશ્નનો જબાબ આ વાર્તા પ્રકાશિત થવાના સમય સુધી આપવામાં આવ્યો નથી.

રાજ્યમાં સોલર અને વિન્ડ ફાર્મ દ્વારા ઉત્પાદિત ઊર્જાને પાવર લાઈનોના વિશાળ નેટવર્કની મદદથી રાષ્ટ્રીય ગ્રીડ પર મોકલવામાં આવે છે. આ પાવર લાઈનો ઘોરાડ, ગરુડ, ગીધ અને બીજા પક્ષીઓની પ્રજાતિઓના ઉડાન માર્ગમાં અવરોધ ઊભો કરે છે. આરઈ પરિયોજનાઓ ગ્રીન કોરિડોર તરફ દોરી જશે જે પોખરણ અને રામગઢ-જેસલમેરના ઘોરાડના કુદરતી નિવાસસ્થાનોમાંથી પસાર થાય છે.

Solar and wind energy  projects are taking up grasslands and commons here in Jaisalmer district of Rajasthan. For the local people, there is anger and despair at the lack of agency over their surroundings and the subsequent loss of pastoral lives and livelihoods
PHOTO • Radheshyam Bishnoi

રાજસ્થાનના જેસલમેર જિલ્લામાં અહીંના ઘાસના મેદાનો અને સાર્વજનિક વિસ્તારોની જમીન સૌર અને પવન ઊર્જા પરિયોજનાઓ માટે ફાળવવામાં આવે છે. પોતાની આસપાસના વિસ્તારો પર નિયંત્રણના અભાવ અને તેને પરિણામે થતા પશુપાલકોના મોત અને આજીવિકાના નુકસાન બાબતે સ્થાનિક લોકોના મનમાં રોષ અને નિરાશા છે

જેસલમેર ક્રિટિકલ સેન્ટ્રલ એશિયન ફ્લાયવે (સીએએફ) માં આવેલું છે - દર વર્ષે આર્કટિકથી મધ્ય યુરોપ અને એશિયા થઈને હિંદ મહાસાગર સ્થળાંતર કરતા પક્ષીઓ દ્વારા લેવામાં આવતો આ વાર્ષિક માર્ગ છે. કન્વેન્શન ઓન કન્ઝર્વેશન ઓફ માઈગ્રેટરી સ્પીસીઝ ઓફ વાઈલ્ડ એનિમલ્સના જણાવ્યા પ્રમાણે 182 સ્થળાંતરિત જળ-પક્ષીઓની પ્રજાતિઓના અંદાજિત 279 પક્ષીઓ આ માર્ગ દ્વારા આવે છે. (આ માર્ગ લેતા) બીજા કેટલાક પક્ષીઓ છે લુપ્તપ્રાય ઓરિએન્ટલ વ્હાઈટ-બેક્ડ વલ્ચર (જીપ્સ બેંગાલેન્સીસ), લોંગ-બિલ્ડ (જીપ્સ ઈન્ડીકસ), સ્ટોલિક્ઝકાઝ બુશચેટ (સેક્સીકોલા મેક્રોર્હિંકા), ગ્રીન મુનિયા (અમાન્દાવ ફોર્મોસા) અને મેકક્વીન્સ અથવા હૌબારા બસ્ટાર્ડ (ક્લેમેડોટિસ મેકવીની).

રાધેશ્યામ એક ખૂબ ઉત્સાહી ફોટોગ્રાફર પણ છે અને તેમના લોંગ ફોકસ ટેલી લેન્સે વિચલિત કરી દે તેવી છબીઓ ઝીલી છે. તેઓ કહે છે, “મેં પેલિકનને રાત્રે સોલર પેનલના મેદાન પર ઉતરતા જોયા છે કારણ કે તેઓ તેને તળાવ માની બેસે છે. બિચારું અસહાય પક્ષી પછી કાચ પર લપસી જાય છે અને તેના નાજુક પગને કાયમી ઈજા પહોંચે છે.”

વાઈલ્ડલાઈફ ઈન્સ્ટિટ્યૂટ ઑફ ઈન્ડિયાના 2018ના એક અભ્યાસ માં જણાવાયું છે કે પાવરલાઈન્સને કારણે માત્ર ઘોરાડના જ નહીં પરંતુ જેસલમેરના ડેઝર્ટ નેશનલ પાર્કમાં અને તેની આસપાસના 4200 ચોરસ કિલોમીટરના વિસ્તારમાં દર વર્ષે માન્યામાં ન આવે એટલા, અંદાજે 84000 પક્ષીઓના મોત થાય છે. " [ઘોરાડના] આટલા ઊંચા મૃત્યુદરથી આ પ્રજાતિઓનું અસ્તિત્વ જોખમાય છે અને તેમની પ્રજાતિઓ લુપ્ત થઈ જવા માટેનું એ એક ચોક્કસ કારણ હશે."

ખતરો માત્ર આકાશમાં જ છે એવું નથી, જમીન પર પણ છે - સાર્વજનિક ઘાસના મેદાનો અને સેક્રેડ ગ્રુવ્સ અથવા ઓરાન્સ (અહીં સેક્રેડ ગ્રુવ્સનો ઉલ્લેખ ઓરાન્સ તરીકે થાય છે) ના મોટા મોટા વિસ્તારોમાં હવે નજરે ચડે છે 500-500 મીટરના અંતરાલ પર 200-મીટર-ઊંચી ચકરાવા લેતી પવનચક્કીઓ અને સોલાર ફાર્મ્સ માટે દીવાલો ચણીને ઘેરી લીધેલી હેકટરોના હેક્ટર જમીન. જ્યાં એક શાખા પણ કાપવી ન જોઈએ એવું તમામ સમુદાયોનું દ્રઢપણે માનવું છે એવા સેક્રેડ ગ્રુવ્સમાં નવીનીકરણીય ઊર્જાની આવી ઘૂસણખોરીને કારણે પશુધનને ચરાવવા એ સાપ-સીડીની રમત જેવું થઈ ગયું છે - પશુપાલકો હવે સીધા રસ્તે જઈ શકતા નથી, તેને બદલે હવે તેમને વાડની ફરતે અને પવનચક્કીઓ અને એ પવનચક્કીઓના સાથી જેવી માઈક્રોગ્રીડ્સથી બચીને ઝડપથી નીકળી જવું પડે છે.

Left: The remains of a dead griffon vulture in Bhadariya near a microgrid and windmill.
PHOTO • Urja
Left: The remains of a dead griffon vulture in Bhadariya near a microgrid and windmill.
PHOTO • Vikram Darji

ડાબે: ભાદરિયામાં માઈક્રોગ્રીડ અને પવનચક્કી પાસે મૃત પહાડી ગીધના અવશેષો. જમણે: ગોદાવનને સુરક્ષિત રાખવામાં મદદ કરવા માટે રાધેશ્યામ તેમને ટ્રેક કરે છે

ધાની (તેઓ પોતાનું માત્ર આ નામ જ વાપરે છે) કહે છે, "સવારે નીકળું તો હું છેક સાંજે ઘેર પહોંચું છું." 25 વર્ષની આ યુવતીને તેની ચાર ગાય અને પાંચ બકરીઓ માટે ઘાસ લાવવા જંગલમાં જવું પડે છે. "જ્યારે હું મારા પશુઓને જંગલમાં લઈ જાઉં છું ત્યારે મને ક્યારેક વાયરથી આંચકો લાગે છે." ધાનીના પતિ બાડમેર નગરમાં ભણે છે, અને તેઓ તેમની છ વીઘા (આશરે 1 એકર) જમીન અને તેમના 8, 5 અને 4 વર્ષના ત્રણ છોકરાઓને સંભાળે છે.

જેસલમેરના સેમ બ્લોકના રસલા ગામના દેગરાયના ગ્રામ પ્રધાન મુરીદ ખાન કહે છે, "અમે અમારા ધારાસભ્ય અને ડિસ્ટ્રિક્ટ કમિશ્નર (ડીસી) આગળ આ પ્રશ્નો ઉઠાવવાનો પ્રયાસ કર્યો છે, પરંતુ કંઈ વળ્યું નથી."

તેઓ જણાવે છે, "અમારી પંચાયતમાં હાઈ-ટેન્શન કેબલની છ થી સાત લાઈન લગાવવામાં આવી છે. તે અમારા ઓરાન્સ [સેક્રેડ ગ્રુવ્સ] માં છે. અમે તેમને પૂછીએ કે, 'ભાઈ તમને પરવાનગી કોણે આપી?' ત્યારે તેઓ કહે છે કે 'અમારે તમારી પરવાનગીની જરૂર નથી'.

ઘટનાના થોડા દિવસો પછી 27 મી માર્ચ, 2023 ના રોજ, લોકસભામાં પૂછવામાં આવેલા એક પ્રશ્ન ના જવાબમાં પર્યાવરણ, વન અને આબોહવા પરિવર્તન રાજ્ય મંત્રી શ્રી અશ્વિની કુમાર ચૌબેએ જણાવ્યું હતું કે ઘોરાડના મહત્વપૂર્ણ કુદરતી નિવાસસ્થાનોને રાષ્ટ્રીય ઉદ્યાનો (નેશનલ પાર્ક્સ - એનપી) તરીકે ઘોષિત કરવામાં આવશે.

બે કુદરતી નિવાસસ્થાનોમાંથી એક તો પહેલેથી જ રાષ્ટ્રીય ઉદ્યાન તરીકે ઘોષિત કરાયેલ છે અને બીજું સંરક્ષણ મંત્રાલયની માલિકીની જમીન પર છે, પરંતુ તેમ છતાં ઘોરાડ સલામત નથી.

*****

19 મી એપ્રિલ, 2021 ના રોજ એક દાવા અરજીમાં ચુકાદો આપતા સર્વોચ્ચ અદાલતે કહ્યું હતું કે, "જે વિસ્તારોમાં ઘોરાડ મોટી સંખ્યામાં રહેતા હોવાની જાણ છે અને જે વિસ્તારોમાં લુપ્તપ્રાય ઘોરાડ પ્રજાતિના પક્ષીઓનું માનવ નિયંત્રિત વાતાવરણમાં સંવર્ધન કરી આ પ્રજાતિને લુપ્ત થતી બચાવવાના પ્રયત્નો કરવામાં આવે છે એવા વિસ્તારોમાં શક્ય જણાય ત્યાં ઓવરહેડ કેબલ્સને ભૂગર્ભ પાવરલાઇનમાં રૂપાંતરિત કરવાનું કામ હાથ ધરવામાં આવે અને એક વર્ષના સમયગાળામાં આ કામ પૂરું કરવામાં આવે. અને ત્યાં સુધી ડાયવર્ટર્સ [ પ્રકાશને પ્રતિબિંબિત કરી અને પક્ષીઓને તેનાથી દૂર રહેવા ચેતવણી મળે તેવી પ્લાસ્ટિક ડિસ્ક] હાલની પાવરલાઈન પરથી લટકાવવામાં આવે.”

સર્વોચ્ચ અદાલતના ચુકાદામાં રાજસ્થાનમાં ભૂગર્ભ પાવરલાઈનમાં રૂપાંતરિત કરવા માટેની 104 કિમી લાઈનોની અને  ડાયવર્ટર્સ લટકાવવા માટેની 1238 કિમીની લાઈનોની યાદી આપવામાં આવી છે.

'Why is the government allowing such big-sized renewable energy parks in GIB habitat when transmission lines are killing birds,' asks wildlife biologist, Sumit Dookia
PHOTO • Urja
'Why is the government allowing such big-sized renewable energy parks in GIB habitat when transmission lines are killing birds,' asks wildlife biologist, Sumit Dookia
PHOTO • Urja

વન્યજીવન જીવવિજ્ઞાની સુમિત ડુકિયા પૂછે છે, 'જ્યારે ટ્રાન્સમિશન લાઈન પક્ષીઓના મોતનું કારણ બની રહી છે ત્યારે સરકાર ઘોરાડના કુદરતી નિવાસસ્થાનમાં નવીનીકરણીય ઊર્જાના આવા મોટા-મોટા પાર્કને મંજૂરી જ શા માટે આપી રહી છે?'

બે વર્ષ પછી - એપ્રિલ 2023 - ઓવરહેડ કેબલ્સને ભૂગર્ભ પાવરલાઇનમાં રૂપાંતરિત કરવાના સર્વોચ્ચ અદાલતના ચુકાદાની સંપૂર્ણ અવગણના કરવામાં આવી છે અને પ્લાસ્ટિકના ડાયવર્ટર્સ માત્ર થોડા કિલોમીટર પાવરલાઈનો પરથી લટકાવવામાં આવ્યા છે - અને તે પણ જ્યાં જાહેર જનતા અને પ્રસાર માધ્યમોનું ધ્યાન ખેંચાય તેવી મુખ્ય માર્ગો નજીકની પાવરલાઈનો પર જ. વન્યજીવન જીવવિજ્ઞાની ડુકિયા કહે છે, “ઉપલબ્ધ સંશોધન મુજબ બર્ડ ડાયવર્ટર્સ અથડામણને ઘણી હદ સુધી ઘટાડી દે છે. તેથી સૈદ્ધાંતિક રીતે આ મૃત્યુ ટાળી શકાયું હોત."

આ ગ્રહ પર તેમનું જે એકમાત્ર ઘર છે ત્યાં જ આ પ્રાન્તનું મૂળ નિવાસી ઘોરાડ જોખમમાં છે. દરમિયાન આપણે વિદેશી પ્રજાતિઓ માટે ઘર બનાવવાની પેરવીમાં છીએ - આફ્રિકન ચિત્તાઓને ભારત લાવવા માટે 224 કરોડ રુપિયા ખર્ચવાની એક ભવ્ય પંચવર્ષીય યોજના બનાવી છે આપણે. તેમાં સ્પેશિયલ એરક્રાફ્ટમાં એ ચિત્તાઓને ઉડાડીને ભારત લાવવાના, તેમને માટે સુરક્ષિત અભ્યારણ્ય બનાવવાના, ઉચ્ચ ગુણવત્તાવાળા કેમેરા અને ઓબ્ઝર્વેશન વૉચટાવરના ખર્ચનો સમાવેશ થાય છે. તે પછી આવે છે વાઘ, જેની વસ્તી વધી રહી છે અને તેને માટેની અંદાજપત્રીય ફાળવણી 2022 માં સામાન્ય કરતાં ઘણી વધારે, 300 કરોડ રુપિયા છે.

*****

પક્ષીઓની પ્રજાતિનું એક જાજરમાન સભ્ય ઘોરાડ એક મીટર ઊંચું હોય છે અને તેનું વજન લગભગ 5-10 કિલોગ્રામ હોય છે. તે વર્ષમાં માત્ર એક જ ઈંડુ મૂકે છે, અને તે પણ ખુલ્લામાં. આ વિસ્તારમાં જંગલી કૂતરાઓની વધતી જતી વસ્તીએ ઘોરાડના ઈંડા માટે જોખમ ઊભું કર્યું છે. આ વિસ્તારમાં એક પરિયોજના ચલાવતા બોમ્બે નેચરલ હિસ્ટ્રી સોસાયટી (બીએનએચએસ) ના પ્રોગ્રામ ઓફિસર નીલકંઠ બોધા કહે છે છે., "પરિસ્થિતિ વિકટ છે. આપણે આ વસ્તીને ટકાવી રાખવાના ઉપાયો શોધવાની જરૂર છે અને આ પ્રજાતિઓ માટે અમુક વિસ્તાર [અબાધિત] છોડવાની જરૂર છે."

આ એક ભૂચર પ્રજાતિ છે, તે સામાન્ય રીતે ચાલવાનું પસંદ કરે છે. પણ જ્યારે તે ઉડે છે ત્યારે તે એક જાજરમાન દ્રશ્ય હોય છે - રણના આકાશમાં એ શાંત ગતિએ સરળતાથી ઉડતું હોય ત્યારે લગભગ 4.5 ફીટની તેની પાંખો ભારે શરીરને હવામાં અધ્ધર રાખે છે.

'The godawan doesn’t harm anyone. In fact, it eats small snakes, scorpions, small lizards and is beneficial for farmers,”' says Radheshyam
PHOTO • Radheshyam Bishnoi

રાધેશ્યામ કહે છે, 'ગોદવાન કોઈને નુકસાન કરતું નથી. હકીકતમાં તે નાના સાપ, વીંછી અને નાની ગરોળી ખાઈ જાય છે અને ખેડૂતો માટે ફાયદાકારક છે'

Not only is the Great Indian Bustard at risk, but so are the scores of other birds that come through Jaisalmer which lies on the critical Central Asian Flyway (CAF) – the annual route taken by birds migrating from the Arctic to Indian Ocean
PHOTO • Radheshyam Bishnoi

માત્ર ઘોરાડ જ જોખમમાં છે એવું નથી, પરંતુ આર્કટિકથી હિંદ મહાસાગર તરફ સ્થળાંતર કરતા પક્ષીઓ દ્વારા લેવામાં આવતા વાર્ષિક માર્ગ - સેન્ટ્રલ એશિયન ફ્લાયવે (સીએએફ) પર આવેલા જેસલમેર થઈને પસાર થતાં બીજાં અસંખ્ય પક્ષીઓ જોખમમાં છે

વિશાળકાય ઘોરાડની આંખો તેના માથાની બાજુ પર હોય છે, અને તે સામે ઉભેલા મોતને જોઈ શકતું નથી. એટલે તેનું માથું જઈને સીધું હાઈ-ટેન્શન વાયરને અથડાય છે અથવા તો એ છેલ્લી ઘડીએ અચાનક વળવાનો પ્રયત્ન કરે છે. પરંતુ તીક્ષ્ણ વળાંક ન લઈ શકતી ટ્રેલર ટ્રકની જેમ ઘણી વાર અચાનક દિશા બદલવામાં ઘોરાડને ખૂબ મોડું થઈ જાય છે, અને તેની પાંખ અથવા માથાનો કેટલોક ભાગ 30 મીટર અને તેનાથી વધુ ઊંચાઈએ આવેલા વાયર સાથે અથડાય છે. રાધેશ્યામ કહે છે, “જે વાયરો સાથે ઘોરાડ અથડાય છે એમાં વહેતા વીજપ્રવાહને કારણે લાગતો આંચકો કદાચ તેને મારી ન નાખે તો પણ આટલી ઊંચાઈએથી જમીન પર પટકાવાથી ઘોરાડ મોટેભાગે મૃત્યુ પામે છે.”

2022 માં જ્યારે રાજસ્થાનમાંથી તીડ ભારતમાં પ્રવેશ્યા હતા એ ઘટનાને યાદ કરી રાધેશ્યામ કહે છે, “ગોદાવાનને કારણે જ કેટલાક કેટલાક ખેતરો બચી ગયા હતા કારણ કે તેઓ હજારોની સંખ્યામાં તીડ ખાઈ ગયા હતા." તેઓ ઉમેરે છે, “ગોદવન કોઈને નુકસાન કરતું નથી. હકીકતમાં તે નાના સાપ, વીંછી અને નાની ગરોળી ખાઈ જાય છે અને ખેડૂતો માટે ફાયદાકારક છે."

રાધેશ્યામ અને તેમના પરિવાર પાસે 80 વીઘા (આશરે 8 એકર) જમીન છે, તેના પર તેઓ ગુવાર અને બાજરી ઉગાડે છે, અને ક્યારેક શિયાળામાં વરસાદ પડે તો ત્રીજો પાક પણ લે છે. તેઓ ઉમેરે છે, "વિચાર કરો કે જો માત્ર 150 ઘોરાડને બદલે હજારોની સંખ્યામાં ઘોરાડ હોત તો તીડના આક્રમણ જેવી ગંભીર આફત કંઈક હળવી થઈ હોત."

ઘોરાડને બચાવવા અને તેમના કુદરતી નિવાસસ્થાનમાં કોઈ દખલ ન થાય એ સુનિશ્ચિત કરવા માટે પ્રમાણમાં નાના વિસ્તાર પર ધ્યાન આપવાની જરૂર છે. રાઠોડ કહે છે, “આપણે પ્રયત્ન ચોક્કસ કરી શકીએ છીએ. આ કંઈ બહુ મોટી વાત નથી. અને લાઈનોને ભૂગર્ભમાં પરિવર્તિત કરવાનો અને વધુ લાઈનો માટે પરવાનગી ન આપવાનો અદાલતનો આદેશ છે. હવે બહુ થયું. હવે સરકારે ખરેખર અટકવું જોઈએ અને બધું સાવ ખલાસ થઈ જાય એ પહેલાં કંઈક વિચારવું જોઈએ."


આ વાર્તામાં ખૂબ મદદ કરવા બદલ આ પત્રકાર બાયોડાયવર્સિટી કોલાબોરેટિવના સભ્ય ડૉ. રવિ ચેલમનો આભાર માને છે.

અનુવાદ: મૈત્રેયી યાજ્ઞિક

Priti David

Priti David is the Executive Editor of PARI. She writes on forests, Adivasis and livelihoods. Priti also leads the Education section of PARI and works with schools and colleges to bring rural issues into the classroom and curriculum.

Other stories by Priti David
Photographs : Urja

Urja is Senior Assistant Editor - Video at the People’s Archive of Rural India. A documentary filmmaker, she is interested in covering crafts, livelihoods and the environment. Urja also works with PARI's social media team.

Other stories by Urja
Photographs : Radheshyam Bishnoi

Radheshyam Bishnoi is a wildlife photographer and naturalist based in Dholiya, Pokaran tehsil of Rajasthan. He is involved in conservation efforts around tracking and anti-poaching for the Great Indian Bustard and other birds and animals found in the region.

Other stories by Radheshyam Bishnoi

P. Sainath is Founder Editor, People's Archive of Rural India. He has been a rural reporter for decades and is the author of 'Everybody Loves a Good Drought' and 'The Last Heroes: Foot Soldiers of Indian Freedom'.

Other stories by P. Sainath
Translator : Maitreyi Yajnik

Maitreyi Yajnik is associated with All India Radio External Department Gujarati Section as a Casual News Reader/Translator. She is also associated with SPARROW (Sound and Picture Archives for Research on Women) as a Project Co-ordinator.

Other stories by Maitreyi Yajnik