શ્રીકાકુલમ પરદેશમ કહે છે કે તેમણે આ દિવાળીમાં લગભગ ૧૦,૦૦૦ થી ૧૨,૦૦૦ દીવા બનાવ્યા છે. ૯૨ વર્ષીય કુંભારે આ અઠવાડિયે ઉજવવામાં આવનાર તહેવારના એક મહિના કરતાં વધુ સમય પહેલાં આની શરૂઆત કરી દીધી હતી. તેઓ દરરોજ સવારે ૭ વાગ્યે ચાનો એક કપ પીધા પછી કામ કરવાનું શરૂ કરી દેતા અને વચ્ચે ફક્ત બે જ વિરામ લઇને મોડી સાંજ સુધી કામ કરતા.
થોડાં અઠવાડિયાં પહેલાં ઑક્ટોબરની શરૂઆતમાં, પરદેશને નાના સ્ટેન્ડવાળા દીવા બનાવવામાં તેમનો હાથ અજમાવ્યો હતો. તેઓ કહે છે, “આ દીવા બનાવવા થોડું કઠીન છે. આમાં સ્ટેન્ડની જાડાઈ ચોક્કસ હોવી જોઇએ.” સ્ટેન્ડ તેલથી ભરેલા કપ–આકારના દીવાને નીચે પડતા અટકાવે છે અને સળગતી દિવેટને બહાર જતી અટકાવે છે. તેઓ સામાન્ય દીવા ૨ મિનિટમાં બનાવી દે છે, તેની તુલનામાં આવો એક દીવો બનાવવામાં તેમને પાંચ મિનિટ થાય છે. પરંતુ ગ્રાહકોને જાળવી રાખવા માટે, તેઓ નિયમિત ૩ રૂપિયે વેચાતા દીવાની સરખામણીમાં આનો ભાવ ફક્ત એક રૂપિયો જ વધારે રાખે છે.
પરદેશમના ઉત્સાહ અને તેમની હસ્તકલા પ્રત્યેની લગનને કારણે વિશાખાપટ્ટનમના કુમ્મારી વિધી (કુંભારોની શેરી) ખાતેના તેમના ઘરમાં આઠ દાયકા કરતાં વધુ સમયથી કુંભારનું પૈડું ફરતું રહ્યું છે. આ સમયમાં તેમણે લાખો દીવા કે દીપમ બનાવ્યા છે, જેનાથી દિવાળીની ઉજવણી કરતાં ઘરોમાં રોશની થઈ છે. ૯૨ વર્ષિય કુંભાર કહે છે, “અમારા હાથ, ઊર્જા અને પૈડાંનો ઉપયોગ કરીને આકારહીન માટીમાંથી એક વસ્તું બનાવીએ છીએ. તે એક કલા [કળા] છે.” આ કુંભાર તેમના પરિવાર સાથે રહે છે અને તેમની શ્રવણશક્તિ થોડી નબળી હોવાને કારણે તેઓ વધારે ફરતા નથી.
કુમ્મારી વિધી એ વિશાખાપટ્ટનમ શહેરના અક્કયાપાલેમના વ્યસ્ત બજાર વિસ્તારની નજીકની એક સાંકડી શેરી છે. શેરીમાં મોટાભાગના રહેવાસીઓ કુમ્મારા છે – જે એક કુંભાર સમુદાય છે જે પરંપરાગત રીતે મૂર્તિઓ સહિત માટીની વસ્તુઓ બનાવવાનું કામ કરે છે. પરદેશમના દાદા કામની શોધમાં વિશાખાપટ્ટનમ જિલ્લાના પદ્મનાભન મંડળના પોટનુરુ ગામમાંથી શહેરમાં સ્થળાંતર કરીને ગયા હતા. તેઓ એ સમયને યાદ કરે છે જ્યારે તેઓ નાના હતા અને આ કુંભારની શેરી પરના ૩૦ કુમ્મારા પરિવારો દીવા, છોડ માટેનાં વાસણો, ‘પિગી બેંક’, માટીના પાત્રો, કપ અને મૂર્તિઓ સહિત અન્ય માટીની વસ્તુઓ બનાવતા હતા.
આજે, પરદેશમ વિશાખાપટ્ટનમમાં દીવા બનાવતા છેલ્લા કુંભાર ગણાય છે. અહીંના અન્ય કુંભાર પરિવારો કાં તો માત્ર મૂર્તિઓ અને અન્ય માટીની વસ્તુઓ બનાવવા તરફ વળ્યા છે કાં તો તેમણે હસ્તકલાને સંપૂર્ણપણે છોડી દીધી છે. એક દાયકા પહેલા સુધી, તેઓ પણ તહેવારો પર્વે મૂર્તિઓ બનાવતા હતા પરંતુ ધીમે ધીમે બંધ કરી દીધું. કારણ કે, મૂર્તિ બનાવવાનું કામ શારીરિક રીતે વધુ મુશ્કેલ છે અને તેઓ કહે છે કે તેમના માટે કલાકો સુધી જમીન પર બેસી રહેવું કઠીન છે.













