વિશાખાપટ્ટનમમાં કુમ્મરી વીદિ (કુંભારોની શેરી) માં રહેતી યુ.ગૌરી શંકર પૂછે છે, "તમને લાગે છે કે આ વર્ષે લોકો ગણેશની મૂર્તિ ખરીદશે?" તેઓ કહે છે, “અમે ભગવાનમાં શ્રદ્ધા રાખીને દર વર્ષે આ મૂર્તિઓ બનાવીએ છીએ. અને તેમની કૃપાથી, અમે થોડોઘણો નફો કરીએ છીએ. પરંતુ આ વર્ષે, ક્યાંય કોઈ ભગવાન હોય તેમ લાગતું નથી, ચારે તરફ ફક્ત લોકડાઉન અને વાયરસ જ હોય તેવું લાગે છે."
63 વર્ષના શંકર, 42 વર્ષના તેમના પુત્ર વીરભદ્ર અને 36 વર્ષની પુત્રવધૂ માધવી સાથે મળીને , દર વર્ષે એપ્રિલમાં આંધ્રપ્રદેશના આ શહેરમાં તેમના ઘેર ગણેશની મૂર્તિઓ બનાવવાનું શરૂ કરે છે. પરંતુ મહામારીને કારણે આ વર્ષે તેઓ છેક જૂનના મધ્યમાં જ શરૂઆત કરી શક્યા.
તેઓ કહે છે કે સામાન્ય રીતે જુલાઈથી ઓક્ટોબર (કુંભારો માટે તહેવારની સિઝન) દરમિયાન તેઓ વિનાયક ચતુર્થી અને દિવાળીને લગતા માલની વરદી પહોંચાડે છે અને દર મહિને 20000 થી 23000 રુપિયા કમાય છે. આ વર્ષે વિનાયક (ગણેશ) ચતુર્થીના માંડ 48 કલાક પહેલાં, તેમને મૂર્તિઓ માટે એક પણ મોટી વરદી મળી ન હતી.
હજી માંડ 15 વર્ષ પહેલાં તો કુંભારોની ગલી આ આજીવિકા સાથે સંકળાયેલા 30 કુમ્મારા પરિવારોની પ્રવૃત્તિથી ધમધમતી હતી. હવે ત્યાં ફક્ત ચાર પરિવારો છે. અને આ પરિવારોએ માર્ચના છેલ્લા અઠવાડિયામાં શરૂ થયેલા લોકડાઉનને કારણે તેમની પરિસ્થિતિ વધુ કથળતી અનુભવી છે.
આંધ્રપ્રદેશના શ્રીકાકુલમ જિલ્લાના રહેવાસી માધવી કહે છે, "મૂર્તિઓનું વિતરણ કરતા વેપારીઓ પાસેથી અમને મોટા પ્રમાણમાં વરદી મળે છે, પરંતુ આ વર્ષે અમને કંઈ મળ્યું નથી." તેના પતિના દાદા દાદી વિજયનગરમ જિલ્લાના એક ગામથી અહીં આવ્યા છે.










