પશ્ચિમ દિલ્હીના ઉત્તમ નગરના કુંભાર જગમોહન કહે છે, "અમારા કામ પર પહેલેથી અસર થઈ હતી," રાજ્ય સરકારે એક વર્ષ પહેલાં જારી કરેલ લાકડા અને લાકડાનો વહેર સળગાવીને ચલાવવામાં આવતી ભઠ્ઠીઓને બંધ કરવાના આદેશોનો હવાલો આપીને કહે છે કે, “આ કારણે, ઘણા કુંભાર ઓછી સંખ્યામાં વાસણો બનાવવા લાગ્યા, કેટલાક ફક્ત માલ વેચવા લાગ્યા અને કેટલાકે તો આ કામ જ છોડી દીધું. અને હવે સૌથી વધુ વેચાણની આ સિઝનમાં [માર્ચથી જુલાઈ] આ મહામારી અને લોકડાઉનને કારણે અમને ભારે અસર પહોંચી છે.”
૪૮ વર્ષના જગમોહન (ઉપરના કવર ફોટોમાં; તેઓ ફક્ત તેમના પ્રથમ નામનો ઉપયોગ કરે છે) છેલ્લા 30 વર્ષથી કુંભાર તરીકે કામ કરી રહ્યા છે. “સારી વાત એ હતી કે, અમને સમજાયું કે આ વર્ષે માટલાની માંગ વધારે હતી, કારણ કે લોકો [કોવિડ -19 ના ડરથી] ફ્રિજનું ઠંડુ પાણી પીવાનું ટાળી રહ્યા છે. પરંતુ, લોકડાઉન દરમિયાન અમારી માટી ખલાસ થઇ ગઈ હતી, આથી અમે પૂરતો માલ તૈયાર રાખી શક્યા નહિ.” સામાન્ય રીતે પરિવારના સભ્યોની મદદથી અહીં એક કુંભાર ૨-૩ દિવસમાં લગભગ ૧૫૦-૨૦૦ માટલા બનાવી શકે છે.
વસાહતના રસ્તાઓની બંને તરફ સુકી માટીના ઢગલા પડેલા હોય છે – અને કામ પૂરજોશમાં ચાલતું હોય ત્યારે બારણાં પાછળથી કુંભારોના ચાક અને વાસણો ટીપવાનો અવાજ સંભળાય છે, હાથથી બનાવેલા સેંકડો વાસણો, દીવા, મૂર્તિઓ અને બીજી ઘણી વસ્તુઓ આંગણામાં અને કામ કરવાની જગ્યાએ છાંયડામાં સુકાતા હોય છે. પછી એમને અહીં ઘરોના ધાબા પર પારંપરિક ભઠ્ઠીમાં પકવતા પહેલા ગેરુ (માટીથી બનેલ વસ્તુઓને કુદરતી રંગ આપવા માટેની પ્રવાહી લાલ માટી) થી રંગવા માટે લઇ જવામાં આવે છે. બહાર ઘણી તૈયાર વસ્તુઓ મુલાકાતીઓ અને વેપારીઓને ખરીદવા માટે રાખવામાં આવે છે.
આસપાસના વિસ્તારને સ્થાનિક રીતે પ્રજાપતિ કોલોની અથવા કુમ્હાર ગામ તરીકે પણ ઓળખવામાં આવે છે. વસાહતના વડા હરકિશન પ્રજાપતિના અંદાજ પ્રમાણે અહીં ૪૦૦-૫૦૦ થી પણ વધારે પરિવારો રહે છે. ૧૯૯૦માં રાષ્ટ્રીય પુરસ્કાર અને ૨૦૧૨માં સરકારનો શિલ્પ ગુરુ પુરસ્કાર જીતી ચુકેલા ૬૩ વર્ષીય પ્રજાપતિ કહે છે કે, “કોઈ કામ ન હોવાને કારણે ઉત્તર પ્રદેશ અને બિહારના ઘણા કુંભારો અને તેમના સહાયકો તેમના ગામોમાં પાછા જતા રહ્યા છે."









