“વંધ્યીકરણની પ્રક્રિયાના ત્રણેય ચરણો, કાપો મૂકવો, તેને બંધ કરવો અને લેપેરોસ્કોપિક સાધન વડે ફાલોપિયન ટ્યૂબો પર કામ કરવું, દરમિયાન પ્રકાશ મહત્ત્વનો છે,” ગોસ્વામી એ કહ્યું. બપોરનો ચમકદાર પ્રકાશ ધીમે-ધીમે ગોધૂલિ તરફ વધતા નબળા સૂર્યમાં બદલાઈ રહ્યો હતો. એવું લાગતું હતું કે ઓરડામાં પ્રકાશ ઓછો છે, પણ કોઈએ ઊભી સંકટકાલીન લાઇટો ચલાવી નહીં.
પાંચ મિનિટથી ઓછા સમયમાં, એક પ્રક્રિયા પૂરી થઈ ગઈ અને ડૉક્ટર પછીના ટેબલ પર આગળ વધી ગયા. “હો ગયા, ડન!” તેમણે અટેન્ડન્ટ અને ASHA કાર્યકરએ તે સ્ત્રીને ટેબલ પરથી ઉતરવામાં મદદ કરવાનો ને પછીના સમૂહને તૈયાર કરવા માંડવાનો સંકેત આપતા કહ્યું.
બાજુના એક ઓરડામાં ગાદલાં પાથરેલાં છે. પીળી દિવાલો પર ભેજ અને ફૂગના ડાઘ છે. બાજુમાં આવેલ એક શૌચાલયમાંથી અરુચિકર દુર્ગંધ આવે છે. પ્રક્રિયા પૂરી થઇ પછી નેહાને તેને અને બીજાઓને મૂકવા માટે એમ્બ્યુલન્સ આવે તે પહેલા આડા પડીને આરામ કરવા માટે આ ઓરડમાં લાવવામાં આવી હતી. તે અડધા કલાક પછી એમ્બ્યુલન્સમાં ચઢી ત્યારે પણ તે ખોવાયેલી લાગતી હતી. થોડું એટલા માટે કે આ બધું ખૂબ ઝડપથી કરવામાં આવ્યું હતું અને થોડું એટલા માટે કે તેને પૂરેપૂરી બેભાન કરવામાં આવી ન હતી.
જ્યારે તે તેના સાસુના સહારે ઘરે પહોંચી, ત્યારે આકાશ તેમની રાહ જોઈ રહ્યો હતો. “પુરુષોની અપેક્ષા હોય છે કે તેઓ ઘરે પહોંચે ત્યારે તેમની મા, પત્ની, તેમના બાળકો, તેમનો કૂતરો તેમની રાહ જોતા હોય, તેનાથી ઊંધું નહીં,” સાસુમા બોલ્યા. અને તરત જ ઘરના એક નાનકડા ખૂણામાં આવેલા રસોડામાં આગળ વધી ગયા, નેહા માટે ચ્હા બનાવવા.
“ઇંજેક્શન પછી પણ દુખતુ હતું,” તેણે પેટ પરના ચીરા પર લગાડેલા બેંડેજના ચોરસ કટકને પકડીને કહ્યું.
બે દિવસ પછી નેહા રસોડામાં પાછી પહોંચી ગઈ હતી, ઉભા પગે બેસીને રસોઈ કરતી. પાટો હતો, અને એના ચહેરા પર સ્પષ્ટપણે અગવડ દેખાતી હતી, અને ટાંકા હજુ રુઝાયા ન હતા. “પર ઝંઝટ ખતમ [મુશ્કેલીનો ઉકેલ આવી ગયો છે],”તેણે કહ્યું.
કવર ચિત્ર: પ્રિયંકા બોરાર એક નવા મીડિયા કલાકાર છે જે અર્થ અને અભિવ્યક્તિના નવા રૂપોને શોધવા માટે ટેક્નોલોજી સાથે પ્રયોગો કરે છે. તેઓ શીખવા અને રમવાનાન અનુભવો ડિઝાઇન કરે છે, ઇંટરએક્ટિવ મીડિયા સાથે કામ કરે છે, અને પરંપરાગત પેન અને કાગળનો ઉપયોગ પણ એટલીજ સહજતાથી કરે છે.
પરી અને કાઉન્ટરમીડિયા ટ્રસ્ટનો ગ્રામીણ ભારતમાં કિશોરીઓ અને યુવતિઓ વિશેનો રાષ્ટ્રીય રિપોર્ટિંગ પ્રોજેક્ટ આ અત્યંત મહત્વપૂર્ણ છતાં સીમા પર રખાતા સમૂહની પરિસ્થિતિ વિશે સામાન્ય લોકોના અવાજ અને તેમણે જીવેલા અનુભવો મારફતે વિગતે જાણવા માટે પૉપ્યુલેશન ફાઉન્ડેશન ઑફ ઇંડિયાની સહાય મેળવતી પહેલનો ભાગ છે.
આ લેખ પુનર્પ્રકાશિત કરવા ઇચ્છો છો? કૃપા કરીને [email protected] ને ઈમેલ કરો અને [email protected] ને નકલ મોકલો.
ભાષાંતર: ધરા જોષી