લખનૌ કેન્ટોનમેન્ટ વિધાનસભા મતવિસ્તારમાં મહાનગર પબ્લિક ઇન્ટર કોલેજ તરફ ઉતાવળા પગલાં ભરતા રીટા બાજપાઈએ કહ્યું, "એક મિનિટ ભી લેટ નહીં હો સકતે વરના હમારી ક્લાસ લગ જાયેગી." [મોડું થાય તે બિલકુલ ન ચાલે, એક મિનિટ પણ મોડું થાય તો અમારું આવી બને.]  તેમને એ મતદાન મથક પર ફરજ સોંપવામાં આવી હતી - જોકે તે (મતદાન મથક) એ નથી જ્યાં તેઓ પોતાનો મત આપે છે.

તેમના ઘરથી કોલેજ લગભગ એક કિલોમીટર દૂર છે. ડિજિટલ થર્મોમીટર, સેનિટાઈઝરની બોટલો, નિકાલજોગ હાથમોજાં (ડિસ્પોઝેબલ ગ્લવ્ઝ) ની કેટલીક જોડી અને મતદાન સ્થળ પર વિતરણ કરવા માટેના માસ્ક ધરાવતી મોટી થેલી લઈને સવારે 5:30 વાગ્યે તેઓ એ અંતર કાપી રહ્યા હતા. વિધાનસભાની ચૂંટણીઓના ચોથા તબક્કામાં નવ જિલ્લાઓમાં બીજા 58 મતવિસ્તારોની સાથે લખનૌમાં પણ મતદાન થઈ રહ્યું હોવાથી એ દિવસ તેમના માટે ખાસ કરીને વ્યસ્ત દિવસ હતો.

ઉત્તર પ્રદેશમાં ચૂંટણીઓ પૂરી થઈ ગઈ છે - અને પરિણામો આવી ગયા છે. પરંતુ મહિલાઓના એક ખૂબ મોટા જૂથ માટે કેટલાક પરિણામો એવા છે જે હજી હવે આવી શકે છે -  તેઓ જાણે છે કે એ પરિણામો ખૂબ જ દુઃખદાયક હોઈ શકે છે, કદાચ ઘાતક પણ. ભારતના સૌથી વધુ વસ્તીવાળા રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીઓના સંચાલન માટે એ મહિલાઓને જે જોખમો ઉઠાવવાની ફરજ પાડવામાં આવી હતી તેને કારણે ભોગવવા પડનારા પરિણામો.

163407 આશા કાર્યકરો (આશા - Accredited Social Health Activist -ASHA - માન્યતા પ્રાપ્ત સામાજિક આરોગ્ય કાર્યકરો) ને મતદાન મથકો પર કામ કરવા માટે ફરજ પાડવામાં આવી હતી – કોઈપણ ઔપચારિક લેખિત આદેશો વિના. અને વિડંબના તો જુઓ -  તેમનું કામ હતું  મતદાન કેન્દ્રો પર સ્વચ્છતા જાળવવાનું  - તેમને પોતાને માટે સાવ નજીવી વ્યક્તિગત સુરક્ષા સાથે. અને તે પણ એ રાજ્યમાં જ્યાં એપ્રિલ-મે 2021માં લગભગ 2000 શાળા-શિક્ષકો ના કોવિડ-19 સંબંધિત મૃત્યુ થયા હતા. એ વર્ષે એપ્રિલમાં મહામારી તેની ચરમસીમાએ હતી ત્યારે શિક્ષકોને તેમની ઇચ્છા વિરુદ્ધ પંચાયતની ચૂંટણીમાં મતદાન અધિકારીઓ તરીકે કામ કરવાનો આદેશ આપવામાં આવ્યો હતો.

Reeta Bajpai spraying sanitiser on a voter's hands while on duty in Lucknow Cantonment assembly constituency on February 23
PHOTO • Jigyasa Mishra

રીટા બાજપાઈ 23 મી ફેબ્રુઆરીએ લખનૌ કેન્ટોનમેન્ટ વિધાનસભા મતવિસ્તારમાં ફરજ પર હતા ત્યારે મતદારના હાથ પર સેનિટાઈઝર છાંટી રહ્યા છે

મૃત્યુ પામેલા શિક્ષકોના બરબાદ થઈ ગયેલા પરિવારોએ વળતર માટે લડત ચલાવી અને ઘણાને વળતર પેટે  30 લાખ રૂપિયા મળ્યા. આ આશા કાર્યકરો પાસે કોઈ લેખિત દસ્તાવેજો, આદેશો અથવા સૂચનાઓ નથી જેની મદદથી તેઓ તેમને માથે ઠોકી બેસાડાયેલા, તેમને સજારૂપ લાગતા આ કામ, જેના કારણે તેમનામાંના ઘણા મતદાન પણ કરી ન શક્યા, તેની વિરુદ્ધ કોઈ રજૂઆત કરી શકે.

એ પરિણામ છે કોવિડ-19 જેનાથી તેઓ ડરે છે. અને મતદાનના અગાઉના તબક્કાઓ દરમિયાન સાથી આશા કાર્યકરો પર તેની કેવી ને કેટલી અસર થઈ એની ગણતરી હજી તેમણે માંડી નથી.

*****

લખનૌમાં 1300 થી વધુ આશા કાર્યકરોને તેઓ જે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર (PHC) પર ફરજ બજાવે છે તેના દ્વારા માત્ર મૌખિક આદેશો અને ફરજ અંગેની સૂચનાઓ મળ્યા પછી તેમને મતદાન મથકો પર મૂકવામાં આવ્યા હતા. રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા તેઓને ચૂંટણી સંબંધિત ફરજો સોંપવામાં આવી હતી.

રીટા કહે છે, “અમને ચંદન નગર પીએચસી ખાતે બોલાવવામાં આવ્યા હતા અને મતદાનના દિવસે સ્વચ્છતા જાળવવા માટે મૌખિક સૂચનાઓ આપવામાં આવી હતી. અમને જંતુનાશક દવાઓનો છંટકાવ કરવાનું, [મતદાતાઓનું] તાપમાન તપાસવાનું અને માસ્કનું વિતરણ કરવાનું કહેવામાં આવ્યું હતું."

10 મી ફેબ્રુઆરીથી 7 મી માર્ચ, 2022 વચ્ચે યોજાયેલી વિધાનસભાની ચૂંટણી દરમિયાન સમગ્ર ઉત્તર પ્રદેશમાં આશા કાર્યકરોને સમાન ફરજો સોંપવામાં આવી હતી.

36 વર્ષના પૂજા સાહુને લખનૌમાં સર્વાંગી વિકાસ ઈન્ટર કોલેજ મતદાન મથક પર ફરજ સોંપવામાં આવી હતી. તેઓ કહે છે, "આશા કાર્યકરોના નામો અને તેઓને જે [મતદાન] મથકો સોંપવામાં આવ્યા હતા તેનો એક કાગળ હતો પરંતુ (કોઈની ય) સહી વગરનો."

27 મી ફેબ્રુઆરીના રોજ ચિત્રકૂટ શહેરમાં ચૂંટણી સંબંધિત ફરજ નિભાવતા 41 વર્ષના શાંતિ દેવી પૂછે છે, "તમે જ મને કહો મતદાન મથક પર નાસભાગ થઈ હોત અથવા અમને કંઈક થઈ ગયું હોત તો એની જવાબદારી કોણ લેવાનું હતું? લેખિત પત્ર વિના અમે સાબિત પણ શી રીતે કરી શકીએ કે અમને ફરજ પર બોલાવવામાં આવ્યા હતા? તમામ આશા કાર્યકરો વિરોધ કરતા ડરે છે. આવા સમયે જો હું કંઈ વધારે બોલું તો હું ય જોખમમાં મૂકાઉં. કારણ છેવટે તો મારે (અહીં) સાવ એકલા આવવા-જવાનું હતું.”

ASHA worker Shanti Devi in Chitrakoot: "Without a written letter how can we prove we were called on duty?"
PHOTO • Jigyasa Mishra

ચિત્રકૂટમાં આશા કાર્યકર શાંતિ દેવી: ‘લેખિત પત્ર વિના અમે સાબિત પણ શી રીતે કરી શકીએ કે અમને ફરજ પર બોલાવવામાં આવ્યા હતા?’

તેમ છતાં શાંતિ દેવીએ ચિત્રકૂટમાં તેમના મતદાન મથક પરના અન્ય કર્મચારીઓને હાજરીના કાગળ પર સહી કરતા જોયા ત્યારે તેમણે અવાજ ઉઠાવ્યો. તેમણે મુખ્ય અધિકારીને પૂછ્યું કે આશા કાર્યકારોને પણ ક્યાંય સહી કરવાની છે ખરી. તેઓ કહે છે, "પણ અમારી હાંસી ઉડાડવામાં આવી. તેઓએ (અધિકારીઓએ) કહ્યું કે અમારી નિમણૂક ચૂંટણી પંચ દ્વારા કરવામાં આવી નથી અને તેથી અમારે સહી કરીને અમારી હાજરીની નોંધ કરવાની જરૂર નથી." શાંતિ ચિત્રકૂટ જિલ્લાની 800 થી વધુ આશા કાર્યકરોમાંના એક છે જેમને સમાન અનુભવો થયા છે.

ચિત્રકૂટમાં બીજા એક આશા કાર્યકર, 39 વર્ષના કલાવંતીએ તેમના ફરજ પત્ર અંગે પૂછ્યું ત્યારે એક પીએચસી કર્મચારીએ તેમને ચૂપ કરી દીધા હતા. તેઓ કહે છે, "મારા પતિ સરકારી પ્રાથમિક શાળામાં સહાયક શિક્ષક છે અને મેં લગભગ અઠવાડિયા પહેલા જ તેમનો ફરજ પત્ર જોયો હતો. મને થયું કે મને મને ય મળશે કારણ મને પણ ફરજ સોંપવામાં આવી હતી. પરંતુ પીએચસી તરફથી સેનેટાઈઝિંગ સામગ્રી મળી એ પછી મેં મારા પ્રભારી લખન ગર્ગ [પીએચસી ઈન્ચાર્જ] અને બીસીપીએમ રોહિત [બ્લોક કમ્યુનિટી પ્રોસેસ મેનેજર] ને લેખિત આદેશ અંગે પૂછ્યું ત્યારે તેઓએ કહ્યું કે આશા કાર્યકરોને (ફરજ) પત્ર મળશે નહીં, ફરજ પર આવવા માટે મૌખિક આદેશો પૂરતા છે.

ચૂંટણીના દિવસે કલાવંતીએ 12 કલાક મતદાન મથક પર રહેવું પડ્યું હતું. પરંતુ ત્યાં તેમની ફરજ પૂરી થઈ ત્યારે પણ તેમનું કામ પૂરું ન થયું. તેમને તેમના પીએચસીના ઓક્ઝીલરી નર્સ સહાયક નર્સ મિડવાઈફનો ફોન આવ્યો. તેઓ કહે છે, "હું ઘેર પાછી ફરી તે પછી  એએનએમએ મને ફોન કર્યો અને મને આખરીનામું  આપ્યું. તેમણે મને કહ્યું કે મારે આખા ગામનું સર્વેક્ષણ પૂરું કરવાનું છે અને બીજા દિવસના અંત સુધીમાં અહેવાલ રજૂ કરવાનો છે.

કલાવંતીની મતદાન મથક પરની હાજરીને કામ તરીકે ગણવામાં આવતી નહોતી એટલું જ નહીં, તેમને તેના માટે કોઈ ચૂકવણી પણ કરવામાં આવી ન હતી. મથક પર ફરજ પરના અન્ય કર્મચારીઓ જેટલો જ સમય કામ કરવા છતાં આશા કાર્યકરોમાંથી કોઈને પણ મહેનતાણું મળ્યું નહોતું. યુપી આશા સંગઠનના પ્રમુખ વીણા ગુપ્તા કહે છે, “તેઓ અમને પત્રો આપતા નહોતા." તેઓ ઉમેરે છે, "પત્ર આપે એની સાથે  ભથ્થાં આપવા પડે. ચૂંટણી ફરજ પરના તમામ કર્મચારીઓને કેટલાક ભથ્થાં મળ્યા, પરંતુ આશા અને આંગણવાડી કાર્યકરોને કોઈ ભથ્થાં ન મળ્યા. તેઓને તો (મથક સુધી પહોંચવા માટેની) મુસાફરી માટે પણ તેમના પોતાના પૈસા ખરચવા પડ્યા હતા અને ટૂંકમાં તેમનું શોષણ કરવામાં આવ્યું હતું."

આ કંઈ પહેલી વારનું નહોતું.

The Mahanagar Public Inter College polling station in Lucknow where Reeta Bajpai was posted to maintain sanitation and hygiene on election day. She worked for 10 hours that day
PHOTO • Jigyasa Mishra

લખનૌમાં મહાનગર પબ્લિક ઈન્ટર કોલેજ મતદાન મથક જ્યાં ચૂંટણીના દિવસે સ્વચ્છતા જાળવવા માટે રીટા બાજપાઈને ફરજ પર મૂકવામાં આવ્યા હતા. તે દિવસે તેમણે 10 કલાક કામ કર્યું હતું

*****

નેશનલ હેલ્થ મિશન પ્રોગ્રામ (રાષ્ટ્રીય આરોગ્ય અભિયાન કાર્યક્રમ) માં નજીવા મહેનતાણા સાથે અતિશય કામનો  બોજ  વેંઢારી મુખ્ય ભૂમિકા નિભાવતા આશા કાર્યકરો 2005 થી જાહેર આરોગ્ય માળખામાં  મોખરે રહ્યા છે. પરંતુ તેઓ સરકારની ઉપેક્ષા, ઉદાસીનતા અને ક્યારેક સંપૂર્ણ અન્યાયનો ભોગ પણ બન્યા છે.

સમગ્ર દેશમાં કોરોનાવાયરસ મહામારીનો પ્રકોપ ફેલાયો હતો ત્યારે આશા કાર્યકરોને ઘેર ઘેર ફરીને પરીક્ષણ કરવા, સ્થળાંતરિત શ્રમિકોની નોંધ રાખવા, મહામારીના ઔપચારિક શિષ્ટાચારનું યોગ્ય પાલન થાય તે સુનિશ્ચિત કરવા, દર્દીઓને કોવિડ-19 ની સંભાળ અને રસી મળી રહે તે માટે મદદ કરવા અને આધારભૂત માહિતી અને આંકડા ભેગા કરી પીએચસીમાં તેની જાણ કરવા જેવા જોખમી પરંતુ વધારાના કામમાં જોતરવામાં આવ્યા હતા. તેઓએ નજીવા સુરક્ષા સંસાધનો સાથે અને મોડા-મોડા મળતા મહેનતાણા સાથે વધારાના કલાકો કામ કર્યું હતું, દિવસના 8 થી 14 કલાક કાર્યક્ષેત્ર પર રહેવામાં, શનિ-રવિમાં ય સરેરાશ 25-50 ઘરોની મુલાકાત લેવામાં તેમણે જે ભારે વ્યક્તિગત જોખમ ઉઠાવ્યું તે તો વધારાનું.

ચિત્રકૂટના  32 વર્ષના આશા કાર્યકર રત્ના પૂછે છે, “ગયા વર્ષ [2020] થી અમારા કામનો બોજ વધી ગયો  છે. પણ અમને આ વધારાના કામ માટે મહેનતાણું પણ મળવું જોઈએ ને?"  યુપીમાં આશા કાર્યકરોને દર મહિને નિયત માસિક માનધન તરીકે 2200 રુપિયા મળે છે. વિવિધ આરોગ્ય યોજનાઓ હેઠળ કામગીરી-આધારિત પ્રોત્સાહનો સાથે તેઓ કુલ 5300 રુપિયાની કમાણી કરી શકે છે.

માર્ચ 2020 ના અંતમાં કોવિડ-19 હેલ્થ સિસ્ટમ પ્રિપેર્ડનેસ એન્ડ ઇમરજન્સી રિસ્પોન્સ પેકેજ હેઠળ કેન્દ્ર સરકારે આશા કાર્યકરોને 1000 રુપિયાનું રૂ.નું માસિક 'કોવિડ પ્રોત્સાહન' ફાળવ્યું હતું - જે જાન્યુઆરીથી જૂન 2020 સુધી ચૂકવવાનું હતું. આ પ્રોત્સાહન માર્ચ 2021 સુધી ચાલુ રહ્યું હતું, જ્યારે ઈમરજન્સી પેકેજ લંબાવવામાં આવ્યું હતું.

મે મહિનામાં આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય (મિનિસ્ટ્રી ઓફ હેલ્થ એન્ડ ફેમિલી વેલ્ફેર - એમઓએચએફડબ્લ્યુ) એ રાજ્યોને એપ્રિલથી સપ્ટેમ્બર 2021 સુધીના કોવિડ પ્રોત્સાહનની ચૂકવણી પાછલા નાણાકીય વર્ષના બિનખર્ચિત ભંડોળમાંથી કરવાનો નિર્દેશ આપ્યો હતો . પરંતુ  - 1 લી જુલાઈ, 2021 થી 31 મી માર્ચ, 2022 સુધી અમલમાં મૂકવામાં આવેલ - કોવિડ ઇમરજન્સી પેકેજના બીજા તબક્કામાં આશા કાર્યકરો સહિત આગલી હરોળના કામદારો માટેના પ્રોત્સાહનોને સૂચિમાંથી કાઢી નાખવામાં આવ્યા હતા.

આશા કાર્યકરોના કામના વાતાવરણની પરિસ્થિતિ અને મહેનતાણાની ચૂકવણી અંગેના એપ્રિલ 2020 ના સર્વેક્ષણ માં જોવા મળ્યું કે 16 માંથી 11 રાજ્યો આશા કાર્યકરોના લેણા નીકળતા કોવિડ પ્રોત્સાહનની ચૂકવણી કરવામાં નિષ્ફળ રહ્યા છે. 52 આશા કાર્યકરો અને આશા સંગઠનના નેતાઓ સાથેની મુલાકાતોને આધારે આ અહેવાલ જણાવે છે કે, "અને એક પણ રાજ્ય રસીકરણ જેવી પ્રવૃત્તિઓ માટે નિયમિત પ્રોત્સાહનો ચૂકવતું ન હતું, જે લોકડાઉન દરમિયાન સ્થગિત કરવામાં આવ્યા હતા." ઈમરજન્સી પેકેજને ક્રમશ: સપ્ટેમ્બર 2021 સુધી લંબાવવામાં આવ્યું હતું.

Health workers from primary health centres in UP were put on election duty across UP. They had to spray disinfectants, collect the voters' phones, check their temperature and distribute masks
PHOTO • Jigyasa Mishra
Health workers from primary health centres in UP were put on election duty across UP. They had to spray disinfectants, collect the voters' phones, check their temperature and distribute masks
PHOTO • Jigyasa Mishra

યુપીના આશા કાર્યકરો અને જીએનએમ અને આંગણવાડી કાર્યકરો સહિતના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોના આરોગ્ય કાર્યકરોને સમગ્ર યુપીમાં ચૂંટણી સંબંધિત ફરજ પર મૂકવામાં આવ્યા હતા. (ફરજના ભાગ રૂપે) તેઓને સોંપાયેલા જંતુનાશક દવાઓનો છંટકાવ કરવાના, મતદારોના ફોન એકઠા કરવાના, તેમનું તાપમાન તપાસવાના અને માસ્કનું વિતરણ કરવાના કામ તેમણે કરવા પડ્યા હતા

મહામારી સંબંધિત તમામ વધારાના કામ કર્યા પછી પણ રત્નાને જૂન 2021 થી 'કોવિડ પ્રોત્સાહન' મળ્યું નથી. તેઓ કહે છે, "ગયા વર્ષે એપ્રિલ અને મે [2021] માટે મને માત્ર 2000 રુપિયા મળ્યા હતા. હવે જો દર મહિને એક હજાર રુપિયા મળવા   જોઈએ તો  તમે ગણતરી કરી શકો છો કે કેટલા બાકી રહ્યા." રત્નાની લેણી નીકળતી પ્રોત્સાહન રકમ ઓછામાં ઓછી 4000 રુપિયા થવા જાય છે.રત્નાની અવેતન પ્રોત્સાહન રકમ ઓછામાં ઓછી 4,000 રૂપિયા થાય છે. અને આ તો તેમની ચૂકવણીની પહોંચો પર એએનએમની સહી કરાવ્યા પછી - જે પોતે એક મોટું કામ છે.

રત્ના કહે છે, "તમે નહીં માનો અમને સોંપવામાં આવેલ બધું કામ અમે કર્યું છે એ વાત એનએમને ગળે ઉતારવાનું અને તેમને અમારી ચૂકવણીની પહોંચો પર સહી કરવા માટે સમજાવવાનું કેટલું મુશ્કેલ છે." તેઓ ઉમેરે છે, “જો કોઈ અચાનક આવી પડેલી મુશ્કેલી અથવા આરોગ્યની સમસ્યાને કારણે હું એક દિવસ માટે કામ ન કરી શકી હોઉં તો તેઓ કહે કે 'તમે આ મહિને સારું કામ નથી કર્યું' અને તે મહિનાનું 1000 રુપિયાનું પ્રોત્સાહન કાપી લે, જે બાકીના 29 દિવસ આગલી હરોળમાં કામ કરવા માટે એક આશા કાર્યકરને મળવા જોઈએ."

દેશભરમાં 10 લાખથી વધુ ગ્રામીણ અને શહેરી આશા કાર્યકરો તેમના કામની માન્યતા માટે એક એવી પ્રણાલી વિરુદ્ધ લડી રહ્યા છે જે તેમના અવેતન શ્રમ પર જ ફૂલતી-ફાલતી રહી છે. સીટીઝન્સ ફોર જસ્ટીસ એન્ડ પીસનો અહેવાલમાં જણાવે છે કે: “તેઓ [આશા કાર્યકરો] લઘુત્તમ વેતન કાયદાના દાયરામાં આવતા નથી, અને નિયમિત સરકારી કર્મચારીઓને આપવામાં આવતા પ્રસૂતિ લાભો અને બીજી યોજનાઓનો લાભ ઉઠાવી શકતા નથી."

વિડંબના તો એ છે કે COVID-19 ના સમયમાં કેન્દ્ર અને રાજ્ય સરકારોની મહામારી  નિયંત્રણ વ્યૂહરચનાઓમાં આ આશા કાર્યકરો જ એક નિર્ણાયક કડી તરીકે કામ કરતા હતા તેમ છતાં ઘણી વખત તબીબી કાળજી અને સારવારના અભાવે તેમને મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો હતો. યુપીમાં મહામારી દરમિયાન પોતાની ફરજો નિભાવતા ઘણા આશા કાર્યકરો મૃત્યુ પામ્યા હતા.

23 વર્ષના સૂરજ ગંગવારે મે 2021 માં તેમના માતા શાંતિ દેવીને ગુમાવ્યા તે પહેલાના દિવસો યાદ કરતાં કહે છે, “ગયા વર્ષ [2021] ના એપ્રિલના અંતમાં મને ઘેરથી ફોન આવ્યો હતો કે મમ્મીની તબિયત ખરાબ છે. મેં જેવું સાંભળ્યું કે તરત જ હું દિલ્હીથી બરેલી પહોંચ્યો ત્યાં સુધીમાં તો તેઓ (મમ્મી)  હોસ્પિટલમાં હતા. વ્યવસાયે એન્જિનિયર સૂરજ દિલ્હીમાં એક ખાનગી પેઢીમાં કામ કરે છે અને હવે ત્રણ જણના પરિવારમાં તેઓ એકમાત્ર કમાતા સભ્ય રહ્યા છે.

An ASHA worker in Chitrakoot, Chunki Devi, at her home with the dustbin, sanitisers and PPE kits she had to carry to the polling booth
PHOTO • Jigyasa Mishra

ચિત્રકૂટમાં એક આશા કાર્યકર ચુનકી દેવી પોતાને ઘેર કચરાના ડબ્બા, સેનિટાઈઝર અને પીપીઈ કીટ્સ સાથે, જે બધું તેમણે મતદાન મથકે લઈ જવાનું હતું

ગંગવાર કહે છે, “હું પહોંચ્યો ત્યારે અમને ખબર નહોતી કે મમ્મી કોવિડ-19 પોઝિટિવ હતી. 29 મી એપ્રિલે અમે તેનું આરટીપીસીઆર કરાવ્યું તે પછી જ અમને એનો ખ્યાલ આવ્યો. અને ત્યારે હોસ્પિટલે તેમને રાખવાની ના પાડી અને અમારે તેને ઘેર પાછી લઈ જવી પડી. 14 મી મેના રોજ તેની હાલત વધુ કથળી ત્યારે અમે તેને હોસ્પિટલ લઈ જવાનો પ્રયાસ કર્યો પરંતુ રસ્તામાં જ તે અમને છોડીને કાયમ માટે ચાલી ગઈ." તેમના મા દેશભરના અનેક આગલી હરોળના કાર્યકરોમાંના એક હતા, જેમણે કોવિડ સંક્રમણ માટે સકારાત્મક પરીક્ષણ કર્યું હતું પરંતુ જાહેર આરોગ્ય સેવાઓ તરફથી તેમને કોઈ સારવાર મળી નહોતી અને તેઓ મૃત્યુ પામ્યા હતા.

23 મી જુલાઈ, 2021 ના ​​રોજ લોકસભામાં એક પ્રશ્નના જવાબમાં આરોગ્ય રાજ્ય મંત્રી ભારતી પ્રવિણ પવારે જણાવ્યું હતું કે એપ્રિલ 2021 સુધીમાં 109 આશા કાર્યકરો કોરોનાવાયરસને કારણે મૃત્યુ પામ્યા હતા - સત્તાવાર ગણતરી યુપીમાં શૂન્ય મૃત્યુ દર્શાવે છે. પરંતુ આશા કાર્યકરોના કોવિડ-19 સંબંધિત મૃત્યુની કુલ સંખ્યા અંગે જાહેરમાં કોઈ વિશ્વસનીય આંકડા ઉપલબ્ધ નથી. કેન્દ્ર સરકારે 30 મી માર્ચ, 2020 થી પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ પેકેજ હેઠળ આગલી હરોળના કાર્યકરોના કોવિડ-સંબંધિત મૃત્યુ માટે 50 લાખ રુપિયાના વળતરની જાહેરાત કરી હતી,  જે ફરી એક વાર તેમાંથી ઘણા સુધી પહોંચ્યું નથી.

સૂરજ કહે છે, “મારી મા ક્યારેય તેના કામમાંથી એક દિવસનીય રજા પાડતી નહીં  અને આશા કાર્યકર તરીકેની પોતાની ફરજ ખંતથી નિભાવતી. સમગ્ર મહામારી  દરમિયાન તે સાબદી રહી હતી અને કામ કરવા માટે હંમેશ તૈયાર રહી હતી પરંતુ હવે જ્યારે એ રહી નથી, ત્યારે આરોગ્ય વિભાગને કંઈ પડી જ  નથી. તેઓ કહે છે કે અમને વળતર ન મળી શકે.

સૂરજ અને તેમના પિતાએ બરેલીના નવાબગંજમાં સામુદાયિક આરોગ્ય કેન્દ્રમાં મુખ્ય તબીબી અધિકારી (ચીફ મેડિકલ ઓફિસર-સીએમઓ) અને અન્ય કર્મચારીઓને મળવાનો અને વિનંતી કરવાનો પ્રયાસ કર્યો પરંતુ કોઈ ફાયદો ન થયો. અમને તેમની માતાનો આરટીપીસીઆર રિપોર્ટ અને મૃત્યુ પ્રમાણપત્ર બતાવતા તેઓ કહે છે: “સીએમઓએ કહ્યું કે અમારી પાસે હોસ્પિટલનું મૃત્યુ પ્રમાણપત્ર હોય જેમાં તેઓ કોવિડ -19 થી મૃત્યુ પામ્યા હોવાનો ઉલ્લેખ હોય તો જ અમે વળતર માટે પાત્ર ઠરીએ. હવે એ ક્યાંથી લાવવું, જ્યારે કોઈ હોસ્પિટલે તેને દાખલ જ કરી નહોતી? આવી નકલી યોજનાઓનો શું અર્થ છે જે ફક્ત એટલું જ સુનિશ્ચિત કરે છે કે જરૂરિયાતમંદોને કોઈ જ મદદ ન મળે?

*****

ગયા વર્ષની ભયાનકતાની યાદો ધૂંધળી પડે તે પહેલાં જ આ વર્ષે વિધાનસભાની ચૂંટણીઓ દરમિયાન ઉત્તર પ્રદેશના 160000 થી વધુ આશા કાર્યકરોને ફરી એકવાર કોઈ જ પ્રકારના મહેનતાણા વિના ખૂબ સમય અને શક્તિ માગી લેતા અને જોખમી કામમાં જોતરવામાં આવ્યા હતા. યુપી આશા સંગઠનના પ્રમુખ વીણા ગુપ્તા આને ગણતરીપૂર્વકની યોજના તરીકે જુએ છે. તેઓ કહે છે, "જો મને પૂછો તો આ 12 કલાક લાંબી કોઈ જ પ્રકારના મહેનતાણા વિનાની ફરજ એ સરકાર દ્વારા ઘડાયેલી એક વ્યૂહરચના છે જેથી આ મહિલાઓ તેમની ફરજો નિભાવવામાં અટવાઈ જાય અને મતદાન ન કરી શકે. કારણ કે તેમને ડર છે કે તેઓએ આશા કાર્યકરોની માંગણીઓની જે રીતે અવગણના કરી છે અને તેઓ અમારા માનધનની ચૂકવણી કરી રહ્યા છે તે જોતાં (જો આશા કાર્યકરો મતદાન કરે તો) તે તેમની વિરુદ્ધ જઈ શકે છે.”

જોકે રીટા મત આપવા મક્કમ હતા. તેમણે તે વખતે પારી (PARI) ને જણાવ્યું હતું, "સાંજે ચાર વાગ્યે મારા મતદાન મથક પર જઈને હું મારો મત આપીશ એમ વિચારું છું." તેમણે ઉમેર્યું,  “પણ બીજા આશા કાર્યકર મારી ગેરહાજરીમાં થોડા સમય માટે ફરજ બજાવવા આવે તો જ હું જઈ શકું. તે મતદાન મથક અહીંથી લગભગ ચાર કિલોમીટર દૂર છે." બીજા તમામ આશા કાર્યકરોની જેમ, પોતાની બદલીમાં કયા આશા કાર્યકર ફરજ બજાવશે તેની ગોઠવણ આરોગ્ય વિભાગની કોઈ જ  મદદ વિના તેમણે જાતે જ કરવાની હતી.

આશા કાર્યકરોને વહેલી સવારે મતદાન મથક પર હાજર થવાની ફરજ પાડવામાં આવી હતી પરંતુ તેમને સવારનો નાસ્તો કે બપોરનું ભોજન આપવામાં આવ્યું ન હતું. લખનૌના આલમબાગ વિસ્તારના એક આશા કાર્યકર પૂજાએ પારીને કહ્યું, "મેં ફરજ પરના કર્મચારીઓ માટે બપોરના ભોજનના પેકેટ્સ આવતા જોયા અને તેઓ મારી દેખતા જ જમ્યા પરંતુ મને તેમાંથી કંઈ  મળ્યું નહીં."

Messages from ASHAs in Lucknow asking for a lunch break as they weren't given any food at their duty station
PHOTO • Jigyasa Mishra
Veena Gupta, president of UP ASHA union, says the ASHAs were not given an allowance either, and had to spend their own money on travel
PHOTO • Jigyasa Mishra

ડાબે: લખનૌમાં આશા કાર્યકરોને તેમના ફરજના મથક પર કંઈ જ ખાવાનું આપવામાં આવ્યું નહોતું એટલે બપોરના જમવા માટેના વિરામ અંગે પૂછતા આશા કાર્યકરોના સંદેશાઓ. જમણે: યુપી આશા સંગઠનના પ્રમુખ વીણા ગુપ્તા કહે છે કે આશાઓને ભથ્થું પણ આપવામાં આવ્યું ન હતું, અને (મથક સુધી પહોંચવા માટેની) મુસાફરી માટે પણ તેમના ગાંઠના પૈસા ખરચવા પડ્યા હતા

બપોરના ત્રણ વાગ્યાની આસપાસ જ્યારે ફરજ પરના અન્ય તમામ કર્મચારીઓને બપોરના ભોજનના પેકેટ મળ્યા હતા, ત્યારે આશા કાર્યકરોને ન તો જમવાનું મળ્યું ન તો ઘેર જઈને જમવા માટે (ફરજમાંથી) વિરામ મળ્યો. પૂજાએ અમને આલમબાગ વિસ્તારના આશા કાર્યકરોના વોટ્સએપ ગ્રુપના સંદેશા બતાવતા કહ્યું, “લો, તમે તમારી જાતે જ જોઈ લો, અમે બધા કેવી રીતે જમવાના વિરામ માટે માટે પૂછતા હતા. તેઓ અમને ઘેર  જઈને જમીને પાછા આવવાની પરવાનગી આપી શકત. અમારા ઘરો બહુ દૂર નથી. દરેક આશા કાર્યકરને પોતાના ઘરની આસપાસ(ના મથક પર) જ ફરજ મળે છે."

જીએનએમ  (જનરલ નર્સ મિડવાઇફ) અન્નુ ચૌધરી પણ એ મતદાન મથક પર રીટા સાથે હતા, પોલીસ અને ફરજ પરના અન્ય સરકારી કર્મચારીઓને ખાવાનું મળતું હતું ત્યારે પોતાને તે ન મળતા અન્નુ ગુસ્સે થયા હતા. તેમણે ફરિયાદ કરી,  "અમારા માટે આ કેટલું વાજબી છે? તમને શું લાગે છે? અમારી સાથે અમે સાવ નગણ્ય હોઈએ એવો વ્યવહાર કરવામાં આવે છે. ફરજ પરના બીજા લોકો જે સવલતો મેળવે છે તે અમને કેમ નથી મળતી?"

ચિત્રકૂટમાં આશા કાર્યકરોની ચૂંટણી ફરજોની યાદીમાં વધુ એક કામ ઉમેરવામાં આવ્યું હતું: કચરાના નિકાલનું. શિવાની કુશવાહા જિલ્લાના ઘણા આશા કાર્યકરોમાંના એક હતા જેમને પીએચસીમાં બોલાવવામાં આવ્યા હતા અને અન્ય તમામ સેનિટાઈઝિંગ સામગ્રી સાથે એક મોટી કચરાની ડોલ આપવામાં આવી હતી. તેઓ જણાવે છે, "તેમણે અમને થોડી પીપીઈ  કીટ પણ આપી, જે અમારે  મતદાન મથક પર કોવિડ-પોઝિટિવ પરીક્ષણ કરનારા મતદારોને આપવાની હતી. અને અમને સવારે 7 થી સાંજના 5 વાગ્યા સુધી આખો દિવસ અમારા મથક પર રહેવાની સૂચના આપવામાં આવી હતી. તે પછી અમારે વપરાયેલી અથવા ન વપરાયેલી પીપીઈ કિટ સાથે કચરાની ડોલ ખુટાહા ઉપકેન્દ્ર (સબ-સેન્ટર)માં જમા કરાવવાની હતી.” આનો અર્થ એ થયો કે તેઓ પરિસરમાં પહોંચવા માટે મુખ્ય માર્ગથી લગભગ એક કિલોમીટર સુધી આ બધા ભરેલા કચરાના ડબ્બા લઈને ચાલ્યા.

કુશવાહાનો અવાજ આક્રોશથી કંપી ઉઠ્યો, “અમારે સેનિટાઇઝેશન અને સ્વચ્છતા સુનિશ્ચિત કરવા પડશે, તે તો અમે કરીશું. પણ તમે બીજા કર્મચારીઓને આપો છો એ રીતે ઓછામાં ઓછું અમને સરખો પત્ર તો આપો. અને બીજા તમામ સરકારી કર્મચારીઓને ચૂંટણી સંબંધિત ફરજ માટે મહેનતાણું ચૂકવવામાં આવે છે તો પછી અમને કેમ કંઈ મળતું નથી? કેમ અમે કંઈ મફતિયા નોકર છીએ?”

જીજ્ઞાસા મિશ્રા ઠાકુર ફેમિલી ફાઉન્ડેશન તરફથી પ્રાપ્ત થયેલ સ્વતંત્ર પત્રકારત્વ અનુદાન દ્વારા જાહેર આરોગ્ય અને નાગરિક સ્વાતંત્ર્ય અંગેના અહેવાલ આપે છે. ઠાકુર ફેમિલી ફાઉન્ડેશને આ અહેવાલની સામગ્રી પર કોઈ સંપાદકીય નિયંત્રણનો ઉપયોગ કર્યો નથી.

અનુવાદ: મૈત્રેયી યાજ્ઞિક

Jigyasa Mishra

Jigyasa Mishra is an independent journalist based in Chitrakoot, Uttar Pradesh.

Other stories by Jigyasa Mishra
Translator : Maitreyi Yajnik

Maitreyi Yajnik is associated with All India Radio External Department Gujarati Section as a Casual News Reader/Translator. She is also associated with SPARROW (Sound and Picture Archives for Research on Women) as a Project Co-ordinator.

Other stories by Maitreyi Yajnik