મીનાને તે રાત્રે ઊંઘ ન આવી. વરસાદનું પાણી તેમના ઘરમાં ઘુસી ગયું હતું. મામૂલી તાડપત્રી ધોધમાર વરસાદ સામે ટકી શકી નહીં અને થોડી જ ક્ષણોમાં કડડભૂસ કરતી નીચે પડી ગઈ. મીના અને તેમના કુટુંબીજનો બંધ દુકાનની આગળની બાજુ આશરો લેવા દોડી ગયા.
તે કહે છે કે, "વરસાદ બંધ ન થયો ત્યાં સુધી અમે [જુલાઈની શરૂઆતમાં] આખી રાત ત્યાં જ બેઠા." મીના બપોરે મુખ્ય રસ્તાની બાજુમાં છાપેલી સફેદ ચાદર પર આરામ કરતી હતી, તેની બે વર્ષની દીકરી શમા તેની બાજુમાં સૂતી હતી.
વરસાદ બંધ થયા પછી મીના પાછી આવી અને ફરી એકવાર પોતાનું 'ઘર' ઊભું કર્યું. ત્યાં સુધીમાં તેમનો ઘણો સામાન - વાસણો, અનાજ, શાળાનાં પુસ્તકો - તણાઈ ગયો હતો.
મીના કહે છે, "અમારી પાસે જે માસ્ક હતા - લોકડાઉનના શરૂઆતના તબક્કા દરમિયાન સ્વયંસેવકો દ્વારા આપવામાં આવેલા લીલા કાપડના માસ્ક - તે પણ તણાઈ ગયા." તે ઉમેરે છે, "અમે માસ્ક ન પહેરીએ તો પણ શું ફેર પડે છે? અમે તો પહેલેથી જ મરી પરવારેલા માણસો જેવા છીએ, એટલે કોરોના અમને શું કરે છે તેની કોને પરવા છે?"
મીના (જે ફક્ત તેના પ્રથમ નામનો ઉપયોગ કરે છે) અને તેનો પરિવાર - પતિ અને ચાર બાળકો - તેમના છૂટાછવાયા સામાનને તણાઈ જતો જોવા ટેવાયેલા છે. આ ચોમાસાની શરૂઆતથી આવું એક કરતા વધુ વખત બન્યું છે અને દર વર્ષે આવું ફરી ફરી થાય છે - ઉત્તર મુંબઈના કાંદિવલી પૂર્વ ઉપનગરમાં એક ફૂટપાથ પરનું તેમનું ઝૂંપડું ભારે વરસાદને કારણે તૂટી જાય છે.
ગયા વર્ષ સુધી તો જ્યારે ભારે વરસાદ પડતો ત્યારે તેના કુટુંબીજનો આશરો લેવા નજીકના બાંધકામના સ્થળોએ દોડી જઈ શકતા. હવે આ બંધ થઈ ગયું છે. આશરે 30 વર્ષની મીના કહે છે કે, “અમે આ વરસાદથી ટેવાયેલા છીએ, પરંતુ આ વખતે કોરોનાએ અમારે માટે મુશ્કેલી ઊભી કરી છે. અમે તે મકાનોમાં જઈને બેસી રહેતા. ચોકીદાર અમને ઓળખતા હતા. બપોર પછી દુકાનદારો પણ અમને તેમની દુકાનની બહાર બેસવા દેતા. પરંતુ હવે તો તેઓ અમને દુકાનની નજીક ફરકવા પણ દેતા નથી. ”












