નવશ્યા કુવરાએ દક્ષિણ મુંબઈના આઝાદ મેદાનમાં લગભગ ૪૦ આંદોલનકારીઓ માટે પોતાની ધુમસી (ઢોલ/ડ્રમ) વગાડવાનું હમણાંજ પૂરું કર્યું છે. રાત્રે ૧૧ વાગ્યાની  આસપાસ તેઓ આરામ કરવા બેઠા કે તરત જ ત્રણ માણસો તેમની પાસે પહોંચી ગયા.

“લગ્ન પ્રસંગ છે? કઈ તારીખે?” નવશ્યાએ પૂછ્યું. તેમણે એકબીજા સાથે વાતો કરી, એકબીજાના ફોન નંબર લીધા, અને પછી ત્રણે જણ ત્યાંથી જતા રહ્યા. ત્યારબાદ નવશ્યા ૨૫ જાન્યુઆરીએ (આઝાદ) મેદાન ખાતે વિરોધ પ્રદર્શનમાં તેમની સાથે જોડાયેલા  ખેડૂતોના સમૂહ પાસે ગયા અને હસીને કહ્યું: “મને હમણાં જ એક સુપારી [કામ] મળી.”

દહાણુ તાલુકાના પોતાના ગામ કિન્હવલીમાં નવશ્યા અને એમની પત્ની બીજલી જંગલની લગભગ પાંચ એકર વન ભૂમિ પર જુવાર, ચોખા અને તુવેર ઉગાડે છે.  જ્યારે ખેતરમાં ન હોય ત્યારે ૫૫ વર્ષના આ ખેડૂત પોતાના કળા પ્રદર્શનમાં વ્યસ્ત હોય છે. તેઓ મહિને ૧૦-૧૫ લગ્ન સમારંભમાં મહેનતાણું લઈને ઢોલ વગાડે છે અને એમની મુસાફરી, ખાણી-પીણી અને રહેવાનો ખર્ચ આયોજકો ઉઠાવે છે. નવશ્યાએ કહ્યું, “મોટે ભાગે નાશિકમાં [કળાપ્રદર્શન કરું છું] પણ હું બહાર પણ જાઉં છું. હું થાણે અને ગુજરાત પણ ગયો છું.”

તેઓ છેલ્લા  ૪૦ વર્ષથી ધુમસી વગાડે છે. તેઓ કહે છે, “મેં મારા ગામમાં બીજા  સંગીતકારોને સાંભળ્યા અને હું પણ વગાડવા લાગ્યો અને એમ કરતા કરતા  હું પણ  શીખી ગયો.”

વિડીઓ જુઓ – સંગીતનો સૂર: આઝાદ મેદાનમાં ખેડૂતોના વિરોધ પ્રદર્શનમાં તારપા અને ધુમસી

તેમણે કહ્યું કે, “જો કોઈ લગ્ન પ્રસંગ હોય, કોઈ તહેવાર હોય, તો અમે આ નૃત્ય કરીએ છીએ. અમે થાક્યા વગર દિવસોના દિવસો  સુધી નૃત્ય કરી શકીએ છીએ.” આ વખતે ઉજવણીનું કારણ છે કેન્દ્રના નવા કૃષિ કાયદાઓ વિરુદ્ધ ધરણા કરવા આવેલા મહારાષ્ટ્રભરના લગભગ 15000 આંદોલનકારીઓનું સંમેલન. સંયુક્ત શેતકરી કામગર મોરચા  દ્વારા આયોજિત આ આંદોલનમાં રાજ્યના ૨૧ જીલ્લામાંથી ખેડૂતો વાહનોના જાથા (કાફલા) માં ૨૩ મી જાન્યુઆરીએ સાંજે નાશિકથી રવાના થયા હતા અને બે દિવસમાં લગભગ ૧૮૦ કિલોમીટરની મુસાફરી કરી મુંબઈ પહોંચ્યા હતા.

૨૫ મી જાન્યુઆરીએ દિવસના અંતે નવશ્યા બે દિવસથી પોતાની કળાનું પ્રદર્શન કરી રહ્યો હતો. તેઓ ૨૩ જાન્યુઆરીએ પાલઘર જીલ્લામાં આવેલ પોતાના ઘેરથી નીકળ્યા હતા, પણ હજુ સુધી થાક્યા નહોતા. તેમણે કહ્યું: “મને તો ટેવ છે.  લગ્ન પ્રસંગોમાં હું આખી રાત પણ વગાડું છું.”

અનુસુચિત જનજાતિ વારલી આદિવાસી સમુદાયના નવશ્યાએ કહ્યું કે, “[મારા સમુદાયમાં] દરેકને આ નૃત્ય આવડે છે.” એમની બાજુમાં દહાણુ તાલુકાના ધામણગાવ ગામના ૫૩ વર્ષના વારલી આદિવાસી ખેડૂત તૈકાકડે  થાપડ બેઠા હતા. થાપડે કહ્યું  કે, “તહેવારોની શરૂઆત લગભગ દશેરાના સમયથી થાય છે. તે જ સમયે વાવણી પણ થાય છે. દશેરાથી લઈને દિવાળી [નવેમ્બર] સુધી અમે આ નૃત્યથી ઉજવણી કરીએ  છીએ.  આ જ રીતે હું આ નૃત્ય શીખી હતી.”

આઝાદ મેદાન ખાતેના આ નર્તક-આંદોલનકારીઓ  દહાણુ અને આસપાસના તાલુકાના  વિવિધ આદિવાસી સમુદાયોના હતા. તેઓ જે કાયદાઓનો વિરોધ કરી રહ્યા છે તે છે: કૃષિક ઉપજ  વેપાર અને વાણિજ્ય (સંવર્ધન અને સરળીકરણ) અધિનિયમ, 2020; કૃષિક  (સશક્તિકરણ અને સંરક્ષણ) કિંમત આશ્વાસન અને કૃષિ સેવા પર કરાર અધિનિયમ, 2020 ; અને આવશ્યક ચીજવસ્તુઓ (સંશોધન) અધિનિયમ, 2020 . આ કાયદાઓ પહેલા  5 મી જૂન, 2020 ના રોજ વટહુકમો તરીકે બહાર પાડવામાં આવ્યા હતા, ત્યારબાદ 14 મી સપ્ટેમ્બરે સંસદમાં કૃષિ ખરડા તરીકે રજૂ કરવામાં આવ્યા હતા અને એ જ મહિનાની 20 મી તારીખ સુધીમાં વર્તમાન  સરકાર દ્વારા ઉતાવળે કાયદામાં પરિવર્તિત કરવામાં આવ્યા હતા.
Navshya Kuvra (left), along with Taikakde Thapad (in red saree, centre) and other Adivasi women, and Navji Hadal (right) were among the performers at Azad Maidan
PHOTO • Riya Behl
Navshya Kuvra (left), along with Taikakde Thapad (in red saree, centre) and other Adivasi women, and Navji Hadal (right) were among the performers at Azad Maidan
PHOTO • Riya Behl
Navshya Kuvra (left), along with Taikakde Thapad (in red saree, centre) and other Adivasi women, and Navji Hadal (right) were among the performers at Azad Maidan
PHOTO • Riya Behl

નવશ્યા કુવરા (ડાબે), તૈકાકડે  થાપડ (લાલ સાડીમાં, વચ્ચે) અને બીજી આદિવાસી મહિલાઓ, અને નવજી હડાળ  (જમણે) સાથે આઝાદ મેદાનના  કલાકારોમાં શામેલ હતા

મોટા નિગમોને ખેડૂતો પર અને ખેતી પર વધારે વર્ચસ્વ જમાવવા માટેનો વ્યાપ વિસ્તારી આપતા આ ત્રણે ય કાયદાઓને ખેડૂતો તેમની આજીવિકા માટે ઘાતક ગણે છે. આ કાયદાઓ ખેડૂતને ટેકાના મુખ્ય સ્વરૂપોને પણ નબળા પાડે છે, જેમાં ન્યુનતમ ટેકાના ભાવ (એમએસપી), ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિઓ (એપીએમસી), રાજ્ય ખરીદી અને અન્યનો સમાવેશ થાય છે. આ કાયદાઓ ભારતીય બંધારણની કલમ  32 ને નબળી પાડીને  તમામ નાગરિકોને તેમના કાયદાકીય કાર્યવાહીના અધિકારથી વંચિત કરીને દરેક ભારતીયને અસર કરે છે એ કારણસર પણ તેમની ટીકા કરવામાં આવી રહી છે.

સવારથી વખતોવખત તારપા – સ્થિર અને ધીમા અવાજવાળું સુષિરવાદ્ય વગાડી રહેલા નારાયણ ગોરખાનાએ કહ્યું, “સરકારના આ ત્રણ કાયદા જે લોકો ખેતરમાં કામ કરે છે એમની વિરુદ્ધ છે. આ કારણે જ અમે અહીં છીએ.” અનુસુચિત જનજાતિ  કોળી મલ્હાર સમુદાયના ગોરખાના  પાલઘરના ઓસરવીરા ગામમાં એક એકરથી થોડીક વધુ વનભૂમિ પર ચોખા, નાચણી, જુવાર અને બીજા પાક ઉગાડે છે.

દહાણુના એક અન્ય તારપા વાદક ૬૦ વર્ષના  નવજી હાડલ પણ આઝાદ મેદાનમાં હતા. તેઓ છેલ્લા  ૪૦ વર્ષોથી તારપા વગાડી રહ્યા છે. વન અધિકાર અધિનિયમ, ૨૦૦૬ અંતર્ગત જે જમીનની માલિકી મેળવવાના તેઓ હકદાર છે એનો ઉલ્લેખ  કરતા તેઓ કહે છે, “હું પાંચ એકર જમીન પર ખેતી કરું છું. પરંતુ મને ફક્ત એક જ એકર જમીનની માલિકીનો અધિકાર મળ્યો છે." મહારાષ્ટ્રના આદિવાસી ખેડૂતો વિરોધ પ્રદર્શનો માં આ અધિનિયમ અંતર્ગત પોતાના અધિકારોની માંગ ફરી ફરી ઉઠાવતા રહ્યા છે. “આ ત્રણ અધિનિયમોને કારણે  વધુ કંપનીઓ કૃષિ ક્ષેત્રે પ્રવેશ કરશે. અને આપણા માટે ભાવ નક્કી કરશે. અમારે એ નથી જોઈતું.”

કવર છબી: ઊર્ના રાઉત

આભાર સ્વીકૃતિ: અનુવાદમાં મદદ માટે પાર્થ એમ.એન. નો આભાર

અનુવાદક: ફૈઝ મોહંમદ

Riya Behl

Riya Behl is a multimedia journalist writing on gender and education. A former Senior Assistant Editor at People’s Archive of Rural India (PARI), Riya also worked closely with students and educators to bring PARI into the classroom.

Other stories by Riya Behl
Oorna Raut

Oorna Raut is Research Editor at the People’s Archive of Rural India.

Other stories by Oorna Raut
Translator : Faiz Mohammad

Faiz Mohammad has done M. Tech in Power Electronics Engineering. He is interested in Technology and Languages.

Other stories by Faiz Mohammad