નજીકમાં નજીક તબીબી સહાય બંધના રિઝર્વોયર માં ચાલતી બોટમાં બે કલાકની સફર જેટલી દૂર હતી. એના સિવાયનો વિકલ્પ એક આંશિક રીતે બાંધવામાં આવેલા રસ્તાને ઓળંગીને ઊંચી ટેકરી પરથી જતો હતો.
અને પ્રભા ગોલોરીને ગર્ભાવસ્થાનો નવમો મહિનો ચાલી રહ્યો હતો અને તેના પ્રસવનો સમય ખુબ નજીક જ હતો.
જ્યારે હું બપોરના 2 વાગ્યાની આસપાસ કોટાગુડા ગામમાં પહોંચી ત્યારે એ કદાચ આ પ્રસવની પીડા જીરવી નહિ શકે એમ માનતા પ્રભાના પડોશીઓ તેની ઝૂંપડીની આસપાસ ભેગા થયેલા હતા .
35 વર્ષની પ્રભાએ તેનું પહેલું બાળક એ જયારે ત્રણ મહિનાનું હતું ત્યારે ગુમાવી દીધું હતું. તેની પુત્રી હવે આશરે છ વર્ષની છે. પ્રભાએ બંને બાળકને, પરંપરાગત રીતે સુવાવડ કરાવતી સ્થાનિક દાયણઓની મદદથી મુશ્કેલી વિના જન્મ આપ્યો હતો. પરંતુ આ સમયે દાયણ અચકાતી હતી, તેમણે તપાસીને કરીને જણાવ્યુ હતુ કે કે આ બાળકનો જન્મ કરાવવો મુશ્કેલ હશે.
તે સમયે બપોરે એક સ્ટોરી આવરવા હું નજીકના ગામમાં જ હતી, જ્યારે ફોન આવ્યો. મિત્રની મોટરબાઈક લઇને (મારી સામાન્ય સ્કૂટી આ ડુંગરાળ રસ્તાઓમાં ચલાવવી અઘરી છે), હું ઓડિશાના મલકાંગિરી જિલ્લાના ભાગ્યે જ 60 લોકોની વસાહત ધરાવતા કોટાગુડા તરફ દોડી.
મધ્ય ભારતના આદિવાસી પટ્ટાના અન્ય ભાગોની જેમ, ચિત્રકોન્ડા બ્લોકમાં લોકોને તેની દુર્ગમતા ઉપરાંત , નક્સલવાદી આતંકવાદીઓ અને રાજ્યના સુરક્ષા દળો વચ્ચે વારંવાર થતા સંઘર્ષનો સામનો કરવો પડે છે. અહીં ઘણા સ્થળોએ રસ્તાઓ અને અન્ય માળખાકીય સુવિધાઓ ઘણી ઓછી અને છુટીછવાઇ હોય છે.












