રાધાની  હિંમતની કિંમત તેમણે પાળેલા કૂતરાઓએ ચૂકવી છે. પહેલાનું માથું વાઢી નાખવામાં આવ્યું, બીજાને ઝેર આપવામાં આવ્યું, ત્રીજો ગુમ થયો, અને ચોથાને  તેમની નજર સામે મારી નાખવામાં આવ્યો. તેઓ કહે છે, "મારા ગામના ચાર શક્તિશાળી લોકો તેમણે મારી સાથે જે કર્યું તે કારણે જેલમાં છે. બળાત્કારના કેસની પતાવટ  ન કરવા બદલ તેઓ મને ધિક્કારે છે."

લગભગ છ વર્ષ પહેલાં ચાર શખ્સોએ રાધા (આ તેનું સાચું નામ નથી) પર જાતીય હુમલો કર્યો હતો. તેઓ બીડ જિલ્લામાં આવેલા તેમના ગામથી લગભગ 100 કિલોમીટર દૂર બીડ શહેરમાં જઈ રહ્યા હતા ત્યારે એક ખાનગી વાહનના ડ્રાઈવરે લિફ્ટ આપવાના બહાને તેમનું અપહરણ કર્યું હતું. પછી તેણે અને તે જ ગામના તેના ત્રણ મિત્રોએ રાધા પર બળાત્કાર કર્યો હતો.

40 વર્ષના રાધા પોતાની માનસિક વેદના વિશે વાત કરતા કહે છે, "તે પછી કેટલાય અઠવાડિયાઓ સુધી હું વ્યથિત હતી. મેં તેમને કાયદા દ્વારા સજા અપાવવાનું નક્કી કર્યું, તેથી મેં પોલીસ ફરિયાદ નોંધાવી."

તેમના પર હિંસક હુમલો થયો તે સમયે રાધા તેમના પતિ અને બાળકો સાથે બીડ શહેરમાં રહેતા હતા. તેઓ કહે છે, “મારા પતિ ત્યાં એક ફાઇનાન્સ એજન્સીમાં કામ કરતા હતા. હું અમારી ખેતીની જમીનની સંભાળ રાખવા અવારનવાર ગામમાં જતી."

ફરિયાદ નોંધાયા બાદ રાધા પર કેસ પાછો ખેંચી લેવા ઘણું દબાણ હતું. તેઓ કહે છે કે ગુનેગારો અને તેમના સંબંધીઓને ગ્રામ પંચાયતના સભ્યો અને ગામના શક્તિશાળી લોકો સાથે સારાસારી છે. “હું ખૂબ દબાણમાં હતી. પણ હું ગામથી દૂર રહેતી હતી. શહેરમાં મને મદદ કરનાર ઘણા લોકો હતા. હું કંઈક અંશે સુરક્ષિત અને સલામત અનુભવતી હતી."

જો કે માર્ચ 2020 માં કોવિડ-19 ના વિસ્ફોટ પછી તેમની સુરક્ષાનો પડદો પડી ગયો. રાષ્ટ્રવ્યાપી લોકડાઉનની જાહેરાત થયા પછી તરત જ તેમના પતિ મનોજે (આ તેનું સાચું નામ નથી) તેમની નોકરી ગુમાવી દીધી. રાધા કહે છે, “તેઓ મહિને 10000 રુપિયા કમાતા હતા. અમે ભાડાના ફ્લેટમાં રહેતા હતા, પરંતુ મનોજ બેરોજગાર થયા પછી હવે અમે ભાડું ભરી શકતા નહોતા. અમારા માટે પેટ ભરવું  ય મુશ્કેલ બની ગયું હતું.”

બીજો કોઈ રસ્તો ન હોવાથી રાધા, મનોજ અને તેમના બાળકોને અનિચ્છાએ ગામમાં  -  જ્યાં રાધા પર બળાત્કાર થયો હતો તે જ જગ્યાએ - રહેવા જવું પડ્યું. તેઓ (રાધા) કહે છે, “અમારી પાસે અહીં ત્રણ એકર જમીન છે, તેથી અમે અહીં રહેવા આવ્યા. અમને બીજું કંઈ સૂઝતું નહોતું." તેમનો પરિવાર હવે એ જમીન પર એક ઝૂંપડીમાં રહે છે અને રાધા ત્યાં કપાસ અને જુવારની ખેતી કરે છે.

રાધા ગામમાં પાછા આવતાની સાથે જ ગુનેગારોના પરિવારો તેમની પાછળ પડી ગયા.  તેઓ કહે છે, “કેસ ચાલતો હતો. (કેસ) પાછો ખેંચવાનું દબાણ ઘણું વધી ગયું." પરંતુ જ્યારે તેમણે પીછેહઠ કરવાનો ઇનકાર કર્યો ત્યારે દબાણ સ્પષ્ટ ધમકીઓમાં ફેરવાઈ ગયું. રાધા કહે છે, “હું ગામમાં તેમની સામે જ હતી. મને ધમકાવવાનું અને હેરાન કરવાનું  સહેલું થઈ ગયું." પરંતુ રાધાએ નમતું ન જોખ્યું.

રાધા તેમના ગામના ખેતરેથી શહેરમાં જઈ રહ્યા હતા ત્યારે તેમનું અપહરણ કરીને તેમના પર (જાતીય) હુમલો કરવામાં આવ્યો હતો

2020 ની મધ્યમાં તેમના ગામની અને બે પડોશી ગામોની ગ્રામ પંચાયતોએ રાધા અને તેના પરિવારનો સામાજિક બહિષ્કાર કરવાની હાકલ કરી. રાધા પર "ચારિત્ર્યહીન" હોવાનો અને તેમના ગામને બદનામ કરવાનો આરોપ હતો. ત્રણ ગામોમાં તેમની હિલચાલ "પ્રતિબંધિત" હતી. તેઓ યાદ કરે છે, "ઘરની જરૂરિયાતો માટે હું પાણીની ડોલ ભરવા બહાર નીકળતી ત્યારે કોઈક કંઈક ને કંઈક અશ્લીલ ગાળો બોલતું. હકીકતમાં તેઓ કહેવા માગતા હતા, 'અમારા માણસોને તું જેલમાં મોકલવા માગે છે  અને છતાં અમારી વચ્ચે રહેવાની હિંમત કરે છે.'

તેઓ (રાધા) ઘણી વાર ભાંગી પડતા. તેઓ મરાઠીમાં કહે છે, “મલા સ્વતહલા સંભાળણા મહાત્વાચા હોતા (હું મારી જાતને સાંભળું તે જરૂરી હતું). કેસ લગભગ પૂરો થવા આવ્યો હતો."

બીડના મહિલા અધિકાર કાર્યકર્તા મનીષા ટોકલે કોર્ટ કેસ દરમિયાન રાધાના સંપર્કમાં રહ્યા હતા. તેમણે રાધાને  પોલીસ ફરિયાદ નોંધાવવામાં મદદ કરી હતી. ટોકલે કહે છે, “અમારા વકીલને [સકારાત્મક] ચુકાદા અંગે વિશ્વાસ હતો. પણ રાધા મક્કમ રહે એ જરૂરી હતું. મારે જોઈતું હતું કે રાધા મનથી તૂટી ન જાય અને પરિસ્થિતિથી હારી ન જાય.” કાર્યકર્તાએ એ પણ સુનિશ્ચિત કર્યું હતું કે રાધાને મનોધૈર્ય યોજના હેઠળ  2.5 લાખ મળે, આ યોજના હેઠળ મહારાષ્ટ્ર સરકાર બળાત્કાર પીડિતાને  આર્થિક સહાય પૂરી પાડે છે.

આ લાંબી કાનૂની પ્રક્રિયા મનોજને ક્યારેક બેચેન બનાવી દેતી. ટોકલે કહે છે, “તે ક્યારેક હતાશ થઈ જતો. મેં તેને ધીરજ રાખવાનું કહ્યું." મનોજે કેવી રીતે હિંમતપૂર્વક રાધાને તેની લડાઈમાં સાથ આપ્યો હતો એના તેઓ સાક્ષી હતા.

કેસ પહેલેથી જ ધીમે ધીમે આગળ વધતો હતો, મહામારીમાં કોર્ટની કાર્યવાહી  ઓનલાઈન થવા લાગી ત્યારે તે વધુ ધીમો થયો. રાધા કહે છે, “[ત્યાં સુધીમાં] ચાર વર્ષ થઈ ચૂક્યા હતા. લોકડાઉન બાદ સુનાવણી કેટલીક વાર મુલતવી રાખવામાં આવી. અમે હાર ન માની, પરંતુ તેનાથી ન્યાય મળશે એવી અમારી આશા ધૂંધળી  થઈ ગઈ."

તેમની ધીરજ અને દ્રઢતા વ્યર્થ ન ગયા. ગયા વર્ષે ઑક્ટોબરમાં ગુનાના લગભગ છ વર્ષ પછી બીડ સેશન્સ કોર્ટે આરોપીઓને બળાત્કાર માટે દોષિત ઠેરવ્યા. ગુનેગારોને આજીવન કેદની સજા ફટકારવામાં આવી. ટોકલે કહે છે, “જ્યારે અમે રાધાને ચુકાદો સંભળાવ્યો, ત્યારે એક મિનિટ માટે તેઓ કંઈ બોલ્યા નહિ અને પછી ભાંગી પડ્યા. તેમના લાંબા સંઘર્ષનો આખરે અંત આવ્યો હતો."

પરંતુ પજવણી આટલેથી અટકી નહોતી.

બે મહિના પછી રાધાને એક નોટિસ જારી કરવામાં આવી  જેમાં તેમના પર બીજા કોઈની જમીન પર ગેરકાયદે કબજો જમાવવાનો આરોપ લગાવવામાં આવ્યો હતો. ગ્રામ સેવક દ્વારા હસ્તાક્ષર કરાયેલ દસ્તાવેજ મુજબ જે જમીન પર રાધા ખેતી કરતા હતા અને જેના પર રહેતા હતા તે તેમના ગામના બીજા ચાર લોકોની માલિકીની હતી. રાધા કહે છે, “તે લોકો મારી જમીનની પાછળ પડી ગયા  છે. અહીં દરેક જણ જાણે છે કે શું ચાલી રહ્યું છે, પરંતુ ડરનું  માર્યું  કોઈ ખુલ્લેઆમ મારું સમર્થન કરતું નથી. મહામારીમાં મને ખબર પડી કે એક સ્ત્રીનું જીવન બરબાદ કરવા લોકો કેટલી હલકી કક્ષાએ જઈ શકે છે.”

ફરિયાદ નોંધાવ્યા બાદ રાધા પર કેસ પાછો ખેંચી લેવા ઘણું દબાણ હતું. ગુનેગારો અને તેમના સંબંધીઓને ગ્રામ પંચાયતના સભ્યો અને ગામના શક્તિશાળી લોકો સાથે સારાસારી છે

રાધાનો પરિવાર જ્યાં રહે છે તે પતરાના છાપરાવાળું ઘર ચોમાસામાં ચૂએ છે અને ઉનાળામાં તપી જાય  છે. તેઓ કહે છે, “જ્યારે પવન જોરથી ફૂંકાતો હોય ત્યારે તો એવું લાગે છે કે જાણે છાપરું હમણાં ઉડી જશે. આવું થાય ત્યારે મારા બાળકો ખાટલા નીચે સંતાઈ જાય છે. મારી આ હાલત  છે, તો ય તે લોકો મારો પીછો છોડતા નથી. તેમણે મારો પાણી પુરવઠો પણ બંધ કરી દીધો અને મને અહીંથી કાઢી મૂકવાની ધમકી આપી. પણ મારી પાસે બધા કાગળો (દસ્તાવેજો) છે. હું ક્યાંય જવાની  નથી.”

રાધાએ જિલ્લા મેજિસ્ટ્રેટને લખેલા પત્રમાં તેમની જમીન પચાવી પાડવાના પ્રયાસો અંગે ફરિયાદ કરી હતી. તેમણે કહ્યું તેમને (જીવનું) જોખમ હતું અને રક્ષણની જરૂર હતી. પછીથી ગ્રામ સેવકે મેજિસ્ટ્રેટને પત્ર લખીને જણાવ્યું હતું કે નોટિસ પરની તેમની સહી બનાવટી છે. તેમણે (ગ્રામ સેવકે) કહ્યું કે હકીકતમાં એ જમીન રાધાની જ છે.

રાધાની પરિસ્થિતિને ધ્યાનમાં લઈને 2021ની શરૂઆતમાં મહારાષ્ટ્ર વિધાન પરિષદના ઉપાધ્યક્ષ નીલમ ગોરેએ રાજ્યના ગ્રામીણ વિકાસ મંત્રી હસન મુશ્રીફને પત્ર લખ્યો. તેમણે રાધા અને તેના પરિવાર માટે રક્ષણ અને ત્રણ ગામો દ્વારા જારી કરાયેલ ગેરકાયદેસર સામાજિક-બહિષ્કારની નોટિસની તપાસ પર ભાર મૂક્યો.

હવે રાધાને  ઘેર હંમેશા એક પોલીસ કોન્સ્ટેબલ તૈનાત રહેવો જોઈએ. તેઓ કહે છે, “હું હજી પણ સંપૂર્ણપણે સુરક્ષિત નથી અનુભવતી. પોલીસ ક્યારેક ત્યાં હોય છે, ક્યારેક નહીં. રાત્રે મને ક્યારેય  બરાબર ઊંઘ નથી આવતી. લોકડાઉન પહેલા [માર્ચ 2020 માં] હું ઘરથી દૂર હતી એટલે ઓછામાં ઓછું શાંતિથી/આરામથી સૂઈ તો શકતી હતી.  હવે હું હંમેશ થોડી ઊંઘતી-જાગતી રહું છું, ખાસ કરીને ઘરમાં માત્ર હું અને બાળકો એકલા હોઈએ ત્યારે.

મનોજ પણ જ્યારે તેના પરિવારથી દૂર હોય છે ત્યારે  શાંતિથી સૂઈ શકતા નથી. તેઓ કહે છે, "મને સતત એ જ ચિતા રહે છે કે તેઓ બધા બરાબર અને સલામત તો હશે ને?" શહેરની નોકરી ગુમાવી ત્યારથી દાડિયા મજૂરી કર્યા પછી મનોજને ગયા વર્ષે સપ્ટેમ્બરમાં બીજી નોકરી મળી. તેમની કામની  જગ્યા ગામથી 60 કિલોમીટર દૂર છે, તેથી તેઓ  ત્યાં એક નાનકડી ઓરડી  ભાડે રાખીને રહે  છે. રાધા કહે છે, “તેઓ [મહામારી પહેલા] જે કમાતા હતા તેના કરતાં  (હાલનો) પગાર ઓછો છે. તેથી તેઓ અમારા બધા માટે પૂરતી મોટી જગ્યા ભાડે રાખી  શકે તેમ નથી. તેઓ (અહીં) આવે છે અને અઠવાડિયાના 3-4 દિવસ અમારી સાથે રહે છે."

રાધાને ચિંતા છે કે સ્થાનિક શાળા ફરીથી ખૂલશે (અને તેમની દીકરીઓ શાળાએ જશે) ત્યારે તેમની 8, 12 અને 15 વર્ષની ત્રણ દીકરીઓ સાથે ત્યાં કેવું વર્તન કરવામાં આવશે. "તેમને હેરાન કરવામાં આવશે કે ધમકી આપવામાં આવશે, મને કંઈ ખબર નથી."

તેમના કૂતરાઓએ તેમની ચિંતા હળવી કરવામાં મદદ કરી હતી. રાધા કહે છે, “તેમને કારણે થોડીઘણી  સુરક્ષા પણ હતી. કોઈ ઝૂંપડી પાસે આવે ત્યારે તેઓ ભસતા." પરંતુ આ લોકોએ એક પછી એક તેમને મારી નાખવાનું શરૂ કર્યું. મારો ચોથો કૂતરો તાજેતરમાં જ માર્યો ગયો હતો.

રાધા કહે છે કે હવે પાંચમોં (કૂતરો) પાળવાનો પ્રશ્ન નથી. "ઓછામાં ઓછું ગામમાં કૂતરાઓ તો સુરક્ષિત હોવા જોઈએ ને."

આ લેખ પુલિત્ઝર કેન્દ્ર દ્વારા સમર્થિત શ્રેણીનો  ભાગ છે, જે અંતર્ગત પત્રકારને સ્વતંત્ર પત્રકારત્વ અનુદાન પ્રાપ્ત થયેલ છે.

અનુવાદ: મૈત્રેયી યાજ્ઞિક

Text : Parth M.N.

Parth M.N. is a 2017 PARI Fellow and an independent journalist reporting for various news websites. He loves cricket and travelling.

Other stories by Parth M.N.
Illustrations : Labani Jangi

Labani Jangi is a 2020 PARI Fellow, and a self-taught painter based in West Bengal's Nadia district. She is working towards a PhD on labour migrations at the Centre for Studies in Social Sciences, Kolkata.

Other stories by Labani Jangi
Translator : Maitreyi Yajnik

Maitreyi Yajnik is associated with All India Radio External Department Gujarati Section as a Casual News Reader/Translator. She is also associated with SPARROW (Sound and Picture Archives for Research on Women) as a Project Co-ordinator.

Other stories by Maitreyi Yajnik