ક્રિષ્ણનને જ્યારે અચાનક પાતળી સફેદ છાલવાળું મીઠું ફળ મળી આવે ત્યારે એના ઉત્સાહનો પાર નથી રહેતો. એ એની છાલ ઉતારે છે. અંદર લાલચટ્ટક ગર છે. અને જ્યારે બાર વર્ષનો આર. રાજકુમાર આતુરતાથી એ ફળ ખાય છે ત્યારે એની જીભ અને હોઠ લાલ થઈ જાય છે. એટલે જ બાળકો એને 'લિપસ્ટિક ફળ' કહે છે. બીજા બાળકો પણ એ ફળ ખાય છે અને એ બધાંના મ્હોં લાલ થઇ જાય છે. આ રીતની જંગલની મુલાકાત તેમને માટે હંમેશા રોમાંચક હોય છે.
ડિસેમ્બર મહિનાની એક સવારે પાંત્રીસ વર્ષના જી. મણિગંડન અને પચાસ વર્ષના કે. ક્રિષ્ણનની સાથે આ આ પાંચે ય બાળકો નીકળી પડે છે. આ બાળટોળીમાં દોઢ વર્ષનું ભૂલકું પણ છે અને બાર વર્ષના છોકરાઓ પણ છે. તેઓ ચેરુક્કનુર ગામની નજીકના ઝાડીઝાંખરાના જંગલમાં ઊંડે સુધી જાય છે. નાની મોટી વેલીઓ અને આડાઅવળા ઉગી નીકળેલા છોડવાઓને કાપીને એમની નીચે ઉગી આવેલા વેલના મૂળને કોશ વડે ખોદી કાઢે છે. આ બાળકો અને તેમના માર્ગદર્શક સૌ ઇરુલા સમુદાયના છે.
તે રવિવારે સવારે તેઓ કટ્ટુવેલ્લીકિળાંગુના કંદના વેલા શોધી રહ્યા છે. “ એ કંદ ડિસેમ્બર-જાન્યુઆરી મહિનામાં જ ખવાય. એ કુમળું હોવું જોઈએ નહિ તો જ્યારે એ ખાઈએ ત્યારે એ વવળે.” મણિગંડને સમજાવ્યું. "બીજા છોડવાઓ વચ્ચેથી એની જાડી ડાળ શોધી કાઢવી પડે. ડાળની જાડાઈ જોઈને ખબર પડે કે નીચેનું કંદ કેટલું મોટું હશે અને કેટલું ઊંડે હશે. પછી એ આખું રહે એમ ખોદી કાઢવાનું.” આ શોધખોળ ચાલતી હોય ત્યારે બાળકોને લિપસ્ટિક ફળ જડી આવે. એને સ્થાનિક ભાષામાં નદેલ્લીપળમ કહે છે.
થોડી શોધાશોધ પછી એમને એમને જોઈતી એવી કટ્ટુવેલ્લીકિળાંગુની વેલ જડે છે. મોટાઓ તેના કુમળા મૂળને ખોદી કાઢે છે.પાસે જ ઊભા રહી આ બધું ધ્યાનથી જોતા બાળકો આતુરતાથી કંદની છાલ કાઢીને ખાવા માંડે છે.
સવારે નવ વાગે નીકળેલા એ લોકો બપોરે ચેરુક્કનુરની ઇરુલા વસાહત બંગલામેડુ પાછા આવી જાય છે. એમની વસાહત તમિળનાડુના તિરુવલ્લુર જિલ્લાના તિરુતનિતાલુક ગામથી ત્રણ કિલોમીટર દૂર છે.








