આ પેનલ ગ્રામીણ મહિલાઓ દ્વારા કરવામાં આવતા વિવિધ કામોની વિશાળ શ્રેણી દર્શાવતા વિઝિબલ વર્ક, ઈનવિઝિબલ વુમન, ફોટો પ્રદર્શન નો એક ભાગ છે. આ તમામ ફોટોગ્રાફ્સ પી. સાંઈનાથ દ્વારા 1993 અને 2002 ની વચ્ચે ભારતના 10 રાજ્યોમાંથી લેવામાં આવ્યા હતા. ઘણા વર્ષો સુધી દેશના વિવિધ ભાગોમાં ફરી ચૂકેલ આ મૂળ પ્રદર્શનનું પારી (PARI) એ અહીં સર્જનાત્મક રીતે ડિજિટાઈઝેશન કરેલ છે.

અને પરિસ્થિતિ પર નિયંત્રણ

અહીં આવીને સાયકલિંગ શીખવા તેમણે તેમની સારામાં સારી સાડી પહેરી હતી. તેઓ તમિલનાડુના પુદુક્કોટ્ટઈમાં 'સાયકલિંગ પ્રશિક્ષણ શિબિર' માં હતા. એક સારા હેતુથી અહીં આવ્યા હતા તેથી તેઓ ખૂબ ઉત્સાહિત હતા. તેમના જિલ્લામાં  લગભગ 4000 ખૂબ જ ગરીબ મહિલાઓએ એ ખાણોનો કબ્જો લીધો હતો જ્યાં તે મહિલાઓ એક સમયે બંધુઆ મજૂર તરીકે કામ કરતા હતા. તેમના સંગઠિત સંઘર્ષ અને રાજકીય જાગૃતિ લાવનાર સાક્ષરતા ચળવળે સાથે મળીને પુદુક્કોટ્ટઈની તાસીર બદલી નાખી.

સંસાધનોની માલિકી અને નિયંત્રણ એ સૌથી મહત્ત્વના અને કેન્દ્રવર્તી મુદ્દાઓ હતા અને આજે પણ છે. જો લાખો-કરોડો ગ્રામીણ મહિલાઓનું જીવન સુધારવું હોય તો આ અધિકારોમાં પણ સુધારો કરવો પડશે.

આ મધ્યપ્રદેશની ઝાબુઆ પંચાયતનું જૂથ છે. આ પંચાયતના સભ્યોમાં તમામ મહિલાઓ છે. સ્થાનિક સ્વરાજ્યં સંસ્થામાં સહભાગી થવાથી તેમની સ્થિતિમાં સુધારો થયો છે અને તેમનું આત્મસન્માન પણ વધ્યું છે. પરંતુ તેમના પોતાના ગામોમાં પણ તેમનો પ્રભાવ મર્યાદિત રહે છે. તેમની માલિકી અને નિયંત્રણ મર્યાદિત છે. ઉદાહરણ તરીકે, જમીન પર તેમનો કોઈ અધિકાર નથી. અને મોટાભાગના ક્ષેત્રોમાં વાસ્તવમાં તેમના અધિકારોને કોઈ માન્ય રાખતું નથી, પછી ભલેને  તેમના એ અધિકારો કાયદામાં સ્વીકારવામાં આવ્યા હોય. દલિત મહિલા સરપંચને ખબર પડે કે તેના ડેપ્યુટી (ઉપસરપંચ) તેના જ જમીનદાર છે ત્યારે શું પરિસ્થિતિ થાય? શું પદને આધારે દલિત મહિલા સરપંચની વરિષ્ઠતા સ્વીકારી એ ડેપ્યુટી તેમની વાત માનશે? કે એ ડેપ્યુટી પોતાના શ્રમિકો પર દાદાગીરી કરતા જમીનદારની જેમ વર્તશે? કે પછી કોઈ મહિલા ઉપર વર્ચસ્વ જમાવતા પુરુષની જેમ? મહિલા સરપંચો અને મહિલા પંચાયત સભ્યોને નિર્વસ્ત્ર કરવામાં આવ્યા છે, તેમને માર મારવામાં આવ્યો છે, તેમના પર બળાત્કાર થયા છે, તેમના અપહરણ થયા છે અને તેમના પર ખોટા કેસ ઠોકી બેસાડવામાં આવ્યા છે. તેમ છતાં પંચાયતોમાંના  મહિલાઓસભ્યોએ આશ્ચર્યજનક લક્ષ્યાંક હાંસલ કર્યા છે. જો સામંતશાહી નાબૂદ કરવામાં આવે તો તો તેઓ કોણ જાણે કેટકેટલું હાંસલ કરી શકે?

વિડિઓ જુઓ: પી સાંઈનાથ કહે છે, 'તેમણે મારી સામે એવી રીતે જોયું... ગુસ્સાથી ઘૂરતા હોય તેમ... આટલી ગુસ્સાભરી નજરે મારી સામે કોઈએ ક્યારેય નથી જોયું...'

પુદુક્કોટ્ટઈમાં મોટા પાયે પરિવર્તનનો પવન ફૂંકાઈ રહ્યો હતો ત્યારે સાક્ષરતા વર્ગો શરૂ થયા. ક્રાંતિકારી પરિવર્તનની ઘટનાઓએ તેમને એ ખાણોનો હવાલો સોંપ્યો જ્યાં તેઓ એક સમયે બંધુઆ મજૂરો હતા. જોકે તેમનું નિયંત્રણ હઠાવી દેવા હુમલા કરવામાં આવ્યા છે પરંતુ તેઓ તેમના અધિકારો માટે લડતા શીખી ગયા છે.

બીજા  લાખો ગ્રામીણ ગરીબોની જેમ મહિલાઓને પણ ભૂમિ સુધારની જરૂર છે. તે અંતર્ગત જરૂર છે જમીન, જળ અને જંગલ સંબંધિત તેમના અધિકારોને  માન્યતા આપવાની અને તેના અમલીકરણની. કોઈપણ પુનર્વિતરિત જમીનમાં માલિકી માટે તેમને સંયુક્ત પટા (માલિકી હક-ખત)ની જરૂર છે. અને તમામ જમીન પર સમાન મિલકત અધિકારો. ગામની સાર્વજનિક જમીન પર ગરીબોના અધિકારો જળવાઈ રહેવા જોઈએ; અને સાર્વજનિક જમીનોનું વેચાણ બંધ થવું જ જોઈએ.

જ્યાં કાયદામાં આ અધિકારો અસ્તિત્વમાં નથી ત્યાં નવા કાયદાઓ ઘડવાની તાતી જરૂર છે. જ્યાં કાયદા અસ્તિત્વમાં છે, ત્યાં તેમનો કડક અમલ થાય એ મહત્વપૂર્ણ છે. સંસાધનોના આમૂલ પુનઃવિતરણની સાથે સાથે આપણે ઘણી બધી વસ્તુઓને પુનર્વ્યાખ્યાયિત કરવાની જરૂર છે. જેમ કે ‘કુશળ’ અને ‘અકુશળ’ અથવા ‘ભારે’ અને ‘હળવા’ કામ. લઘુત્તમ વેતન નક્કી કરતી સમિતિઓમાં મહિલા ખેત મજૂરોના પ્રતિનિધિત્વની પણ જરૂર છે.

PHOTO • P. Sainath
PHOTO • P. Sainath

આ શક્ય બને  તે માટે જન આંદોલનની જરૂર છે. આયોજનબદ્ધ જાહેર કાર્યવાહી. રાજકીય પ્રક્રિયામાં હસ્તક્ષેપ. અને ગ્રામીણ મહિલાઓની સમસ્યાઓ હકીકતમાં  તમામ ભારતીય ગરીબોના સારા જીવન માટેના સંઘર્ષનો એક મહત્વપૂર્ણ ભાગ છે એ વાત સમજવાની જરૂર છે.

વધુ સારા વિકાસને ક્યારેય લોકોના અધિકારોને મજબૂત કરવા માટેના કોઈ વિકલ્પ તરીકે જોઈ શકાય નહીં. બીજા ગરીબ લોકોની જેમ ગ્રામીણ મહિલાઓને દાનની જરૂર નથી. તેમને તેમના અધિકારોની અમલબજવણીની જરૂર છે. હવે તેમનામાંની લાખો મહિલાઓ એ માટે જ સંઘર્ષ કરી રહી છે.

PHOTO • P. Sainath
PHOTO • P. Sainath

અનુવાદ: મૈત્રેયી યાજ્ઞિક

P. Sainath is Founder Editor, People's Archive of Rural India. He has been a rural reporter for decades and is the author of 'Everybody Loves a Good Drought' and 'The Last Heroes: Foot Soldiers of Indian Freedom'.

Other stories by P. Sainath
Translator : Maitreyi Yajnik

Maitreyi Yajnik is associated with All India Radio External Department Gujarati Section as a Casual News Reader/Translator. She is also associated with SPARROW (Sound and Picture Archives for Research on Women) as a Project Co-ordinator.

Other stories by Maitreyi Yajnik