"ગટર લગભગ વીસેક ફૂટ ઊંડી અહે. પરેસ અંદર ઊતર્યો ’તો. પસી એણે ચારેક ડોલો કાઢી. પસી એ બહાર આઈવો. થોડીવાર બેઠા પસી પાસો ઊતર્યો અંદર. ઊતરતાં જ બૂમ પાડી…
“પણ કંઈ ખબર નઈં પડી એટલે ગલસિંગભાઈ ઊતર્યા અંદર. એ બી કંઈ અવાજ નીં આવ્યો એટલે અનિપભાઈ ઊતર્યા અંદર. અન પસી તણેતણ કંઈ બોલ્યા જ નીં. પસી મનઅ્ દોયડે બાંધી અંદર ઉતાર્યો. પસી કોકનો હાથ પકડાયો 'તો, પણ એ કોણ હતો એ ખબર નીં. એના પસી હાથ પકડી જરાક અધ્ધર લીધો કે મું જ બેહોસ (બેહોશ) થૈ ગ્યો." ભાવેશ એકીશ્વાસે બોલ્યા.
ભાવેશને મળ્યા ત્યારે મોટાભાઈ પરેશ અને બીજા બેને આંખ સામે મરતા જોયે હજુ એમને માંડ અઠવાડિયું થયું હતું. ભાવેશના ચહેરા પર પીડા અને અવાજમાં ગમગીની સાફ-સાફ વર્તાઈ.
ગુજરાતના દાહોદ જિલ્લાના ખરસાણા ગામના ૨૦ વર્ષના ભાવેશ કટારા એક અર્થમાં ‘નસીબદાર.’ કારણ, ભરૂચ જિલ્લાની દહેજ-ગ્રામપંચાયતની ગટર ચૅમ્બરમાં કામ કરતા પાંચ આદિવાસીઓ સાથે ઘટેલી દુર્ઘટનામાંથી બચી જનારા બેમાંના એક તે ભાવેશ. અને બીજા દાહોદના બલેંડિયા-પેથાપુરના ૧૮ વર્ષના જિજ્ઞેશ પરમાર.
ભાવેશ અને જિજ્ઞેશ સાથે કામ કરતા અને ગટરમાં ગૂંગળાઈ જવાથી મૃત્યુ પામેલા બાકીના ત્રણ તે જિજ્ઞેશના જ ગામના ૨૪ વર્ષના અનિપ પરમાર, દાહોદના દાંતગઢ-ચાકલિયાના ૨પ વર્ષના ગલસિંગ મુનિયા, ભાઈ ભાવેશના જ ગામના ૨૪ વર્ષના પરેશ કટારા. [અહીં ટાંકવામાં આવેલી કાર્યકરોની ઉંમર ઘણુંખરું નિમ્ન-સ્તરના અધિકારીઓ દ્વારા મનસ્વી રીતે તેમના આધાર કાર્ડમાં નોંધવામાં આવી હોય છે અને એટલે એને અનિશ્ચિત અંદાજ તરીકે સ્વીકારવી રહી.].





















