તેઓ સંપૂર્ણ પીપીઈ કીટમાં આવ્યા, જાણે દક્ષિણ ૨૪ પરગણા સ્થિત એ ગામમાં પરગ્રહવાસીઓ  ઉતરી રહ્યા ન  હોય!!  હરનચંદ્ર દાસ કહે છે કે, “જાણે  હું કોઈ જાનવર  હોઉં તેમ તેઓ મને પકડવા આવ્યા.”  તેમના મિત્રો તેમને હરુ કહે છે – પરંતુ તેમને લાગે છે કે એ બધા હવે તેમના મિત્રો નથી. તાજેતરમાં તેઓએ (મિત્રોએ) તેમનો બહિષ્કાર કર્યો છે. તેઓ ઉમેરે છે, “અને લોકોએ મારા પરિવારને કરિયાણું  અને દૂધ આપવાનું બંધ કરી દીધું. અમને ઘણી રીતે હેરાન કરવામાં આવ્યા અને અમે ઘણી રાત ઊંઘ્યા વગર વિતાવી. અમારા બધા પડોશીઓ અમારાથી ડરે  છે.” હરનચંદ્રનો કોવિડ-૧૯ રિપોર્ટ પોઝિટિવ નહોતો આવ્યો છતાં તેમની સાથે આવો વ્યવહાર કરવામાં આવ્યો.

તેમનો અપરાધ: તેઓ  હોસ્પિટલમાં કામ કરે છે. અને મોટાભાગના આરોગ્ય કર્મચારીઓ આવા વિરોધનો સામનો કરી રહ્યા છે. કદાચ જીલ્લા કક્ષાના કર્મચારીઓ પણ તેમને કોરોના સંક્રમણ થયું હોવાની શંકાના આધારે તેમને ખોળતા આવ્યા હતા.

તેઓ કહે છે કે, “બધા ડરતા હતા કે હું હોસ્પિટલમાં કામ કરું છું તેથી હું સંક્રમિત જ હોઈશ.”

લગભગ 35 વર્ષના હરનચંદ્ર કોલકતાની ઇન્સ્ટીટયુટ ઓફ ચાઈલ્ડ હેલ્થ (આઈસીએચ) ના જાળવણી રૂમમાં કામ કરે છે. ટ્રસ્ટ દ્વારા નફાના હેતુ વિના ચલાવવામાં આવતી આ  હોસ્પિટલ કોલકતા શહેર ઉપરાંત  ગ્રામીણ અને પરા વિસ્તારોના બાળકોની સારવાર પણ કરે છે. આ ભારતની પ્રથમ બાળ ચિકિત્સા સંસ્થા છે. તેની સ્થાપના ૧૯૫૬માં કરવામાં આવી હતી. પાર્ક સર્કસ વિસ્તારમાં આવેલી  ૨૨૦ પથારીવાળી આ  હોસ્પિટલમાં ઈલાજ માટે આવતા બાળકોના પરિવારોને અહીં મળે છે તેવી વૈદકીય સારવાર માટે અન્ય  કોઈ હોસ્પિટલમાં જવું કે ત્યાંનો ખર્ચ વેઠવો મુશ્કેલ હોય છે.

જો કે કોવિડ-૧૯ અને લોકડાઉને તેમના માટે આઈસીએચ સુધી પહોંચવું પણ મુશ્કેલ કરી દીધું છે. દક્ષિણ ૨૪ પરગણાના એક ગામથી હમણાં જ આવેલા રતન વિશ્વાસ કહે છે કે, “અહીં પહોંચવું એ એક સમસ્યા છે. હું પાનના ખેતરમાં દાડિયા તરીકે  કામ કરતો હતો. અમ્ફાને [૨૦ મે એ આવેલ ચક્રવાતે] એ ખેતરને નષ્ટ કરી દીધું અને મેં મારી આવકનો સ્ત્રોત ગુમાવ્યો. હવે મારા નાના બાળકને તેના કાન પાછળ આ ઇન્ફેકશન થયું છે, માટે અમે તેને અહીં  લાવ્યા છીએ. ટ્રેન સેવા ઉપલબ્ધ ન હોવાને કારણે આ હોસ્પિટલ સુધી પહોંચવું અઘરું હતું.” દાસ જેવા લોકો હોસ્પિટલ સુધી પહોંચવા માટે અને રિક્ષા ઉપરાંત અમુક અંતર  ચાલીને પણ કાપે  છે.

આઈસીએચના ડોકટરો ચેતવણી આપી રહ્યા છે કે હજી વધુ સમસ્યાઓ આવવાની બાકી છે.

PHOTO • Ritayan Mukherjee

ડોક્ટર રીના ઘોષ જાપાનીસ એન્સેફેલાઈટિસસામે  દર્દીને રસી આપવાની તૈયારી કરી રહ્યા છે. લોકડાઉન દરમિયાન રસીકરણ અભિયાનમાં ઝડપી ઘટાડો થતા જે બાળકોને નિયમિત રસી મળતી નથી તેમને માટે જોખમ  છે

હિમેટોલોજી વિભાગના ડોક્ટર તારક નાથ મુખર્જી કહે છે કે હાલમાં તો રક્ત  પુરવઠાની કોઈ તંગી નથી, પરંતુ આ સંકટ ઊભું થવાનું  છે. "લોકડાઉન દરમિયાન રક્તદાન શિબિરો ઓછી થઈ ગઈ. સામાન્ય સંજોગોમાં દર મહિને [દક્ષિણ બંગાળ વિસ્તારમાં] ૬૦ થી ૭૦ રક્તદાન શિબિર યોજાતી  હતી. પરંતુ છેલ્લા  ચાર મહિનામાં – કુલ લગભગ ૬૦ જ શિબિરનું આયોજન થયું છે. પરિણામે આગળ જતાં  મુખ્યત્વે ગ્રામીણ વિસ્તારના થેલેસીમિયાના દર્દીઓને અસર પહોંચશે.

હોસ્પિટલના ઇમ્યુનોલોજી વિશેષજ્ઞ ડોક્ટર રીના ઘોષ કહે છે કે, “કોવિડ-૧૯ બાળ આરોગ્ય  પ્રણાલી માટે એક મોટી કટોકટીરૂપે ઊભરી આવેલ છે. લોકડાઉનને કારણે ગ્રામીણ અને શહેરી બંને વિસ્તારોમાં ઘણી આરોગ્ય  અને રસીકરણ શિબિરો બંધ રાખવી પડી છે. મને બીક છે કે આવનારા વર્ષોમાં ન્યુમોનિયા, ઓરી, અછબડા, અને ઊંટાટિયા જેવા રોગોથી પીડાતા દર્દીઓની સંખ્યામાં વધારો થઈ શકે છે. આપણે ભારતમાંથી પોલિયો નાબૂદ કરી દીધો છે તેમ છતાં આ રોગ ફરી વાર દેખા દઈ શકે છે.”

“રસીકરણ પ્રક્રિયા ખોરવાઈ ગઈ છે કારણ કે સરકારે અન્ય આરોગ્યસંભાળ   ક્ષેત્રોના કર્મચારીઓને બીજા કામ પર લગાવી દીધા છે – એમને કોવિડ ડ્યુટી પર રાખવામાં આવ્યા છે. પરિણામે  રસીકરણની સમગ્ર પ્રક્રિયાને અસર પહોંચી  છે.”

હોસ્પિટલમાં પહેલેથી જ મદદની જરૂર છે એવા  બાળકોને જોતા આ અવલોકન ચિંતાજનક છે.  સૌથી વધારે દર્દીઓ  ૧૨-૧૪ વર્ષના વાય જૂથમાં  છે, જો કે ઘણા દર્દીઓ એથી પણ ખૂબ નાના  છે.

પૂર્વ મિદાનપુરના એક ગામના નિર્મલ મંડલ (નામ બદલેલ) કહે છે કે, “મારા બાળકને લ્યુકેમિયા છે, અને એ એની કિમોથેરાપીની મહત્વની તારીખો ચૂકી ગયો છે. કોઈ ટ્રેન સેવા ઉપલબ્ધ નથી અને મને કારનું ભાડું પોસાતું નથી.” “જો હું તેના ઈલાજ માટે હોસ્પિટલ આવીશ તો અમને પણ કોરોના થઈ જશે” એ બીકથી પણ  તેઓ હોસ્પિટલ જવાનું ટાળે છે.
PHOTO • Ritayan Mukherjee

બાળકોના જનરલ  વોર્ડની મુલાકાત લઈ રહેલા આઈસીએચના નાયબ નિયામક ડોક્ટર અરુણાલોક ભટ્ટાચાર્ય. તેમનું કહેવું છે કે ગ્રામીણ વિસ્તારોના ઘણા દર્દીઓ  જાહેર  પરિવહનના અભાવે હોસ્પિટલોમાં પહોંચી શકતા નથી

આઈસીએચના  બાળઆરોગ્યસંભાળના વિશેષજ્ઞ ડોક્ટર પ્રભાસ પ્રસૂન ગિરી કહે છે કે, “બાળકો પર કોવિડની અસરો ખાસ સ્પષ્ટ નથી, અને બાળકોમાં મોટે ભાગે લક્ષણો દેખાતા નથી. પરંતુ ક્યારેક-ક્યારેક હકીકતમાં  કોઈ અન્ય સારવાર માટે અહીં  આવેલા બાળકોમાંથી કેટલાકનું કોવિડ પરીક્ષણ પોઝિટિવ આવતું હોવાનું અમને જણાયું છે.  શ્વાસ લેવામાં તકલીફ હોય તેવા બાળકો માટે અમારી પાસે એક અલગ આઈસોલેશન યુનિટ છે.”

દરમિયાન ડોકટરો પણ આ રોગ સંબંધિત કલંકનો સામનો કરી રહ્યા છે. ડોક્ટર તારક નાથ મુખર્જીની બાજુમાં ઊભેલ સોમા વિશ્વાસ (નામ બદલેલ) કહે છે કે, “મારા પતિ  [બીજી હોસ્પિટલમાં] ડોક્ટર છે અને હું અહીં  સ્ટાફમાં નોકરી કરું છું, તેથી હાલ અમે મારા પિતાને  ઘેર રહીએ છીએ.  અમારા પડોશીઓ વાંધો ઉઠાવશે તે ડરથી અમે અમારા પોતાના ફ્લેટમાં પણ પાછા જઈ શકતા નથી.”

વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશને  ૧૮ મી માર્ચે જ ચેતવણી આપી દીધી હતી કે “આ રોગના ડર કે તેની આસપાસના કલંકને કારણે કમનસીબે કેટલાક  આરોગ્ય કર્મચારીઓને પોતાના જ પરિવાર કે સમુદાય દ્વારા દૂર રાખવામાં આવે એવું બની  શકે છે. પરિણામે પહેલેથી જ  પડકારજનક પરિસ્થિતિ વધુ વણસી શકે છે.”

અહીંના આરોગ્ય કર્મચારીઓના  અનુભવો  એ ચેતવણીને સાચી ઠેરવે  છે.

તેમાંના કેટલાક નજીકના ગામોમાંથી આવતા હોવાથી  ઇન્સ્ટીટયુટ ઓફ ચાઈલ્ડ હેલ્થે આરોગ્ય કર્મચારીઓની પારિવારિક સમસ્યાઓ; એમની પરિવહનની જટિલ સમસ્યાઓ; અને હવે તેમના કામને કારણે સામાજિક કલંકનો સામનો – આ બધી સમસ્યાઓ અને આ અડચણોના દુઃખદ પરિણામો સામે ઝૂઝવું પડે છે.

આ બધાના કારણે એવી વિચિત્ર પરિસ્થિતિ પેદા થઇ છે કે જેમાં હોસ્પિટલમાં  હોસ્પિટલમાં દાખલ થયેલ તેમજ ઓપીડી દર્દીઓમાં આવનાર દર્દીઓની સંખ્યા ખરેખર ઓછી થઈ  છે – પરંતુ તણાવ ખૂબ વધ્યા  છે. હોસ્પિટલના વહીવટકર્તાના કહેવા મુજબ તાજેતરમાં, “ઓપીડી [આઉટ પેશન્ટ્સ ડિપાર્ટમેન્ટ - બહારના રોગીઓનો વિભાગ] જ્યાં  સામાન્ય રીતે દિવસમાં લગભગ ૩૦૦ દર્દીઓ આવતા હતા, ત્યાં હવે ફક્ત ૬૦ દર્દીઓ જ આવે છે.” આ ૮૦ ટકાનો ઘટાડો છે. હોસ્પિટલમાં દાખલ દર્દીઓની  સંખ્યા ૨૨૦થી ઘટીને લગભગ ૯૦ થઈ ગઈ છે, જે ૬૦ ટકાનો ઘટાડો છે. પરંતુ વહીવટકર્તા ઉમેરે છે કે, “અમારે કુલ સ્ટાફની ફક્ત ૪૦ ટકા ક્ષમતા સાથે  કામ ચલાવવું પડે છે.”
Left: A nurse in the Neonatal Intensive Care Unit (NICU). Despite seeing staff on duty falling to 40 per cent of normal, the hospital soldiers on in providing services for children-left. Right: Health worker hazards: Jayram Sen (name changed) of the ICH was not allowed, for several days, to take water from a community tap in his village in the South 24 Parganas
PHOTO • Ritayan Mukherjee
Left: A nurse in the Neonatal Intensive Care Unit (NICU). Despite seeing staff on duty falling to 40 per cent of normal, the hospital soldiers on in providing services for children-left. Right: Health worker hazards: Jayram Sen (name changed) of the ICH was not allowed, for several days, to take water from a community tap in his village in the South 24 Parganas
PHOTO • Ritayan Mukherjee

ડાબે: નવજાત સઘન સંભાળ એકમ (નિઓનેટલ ઈન્ટેન્સિવ કેર યુનિટ - એનઆઈસીયુ) માં એક નર્સ. કામ પર હાજર થનાર કર્મચારીઓની સંખ્યામાં  સામાન્ય સંજોગોની સરખામણીએ  ૪૦ ટકાનો ઘટાડો થવા છતાં હોસ્પિટલ બાળકોને સારવાર આપવાનું ચાલુ રાખે છે. જમણે: આરોગ્ય કર્મચારી હોવાનો  ખતરો: આઈસીએચના જયરામ સેન (નામ બદલેલ) ને ઘણા દિવસો સુધી દક્ષિણ ૨૪ પરગણા સ્થિત એમના ગામમાં સાર્વજનિક નળમાંથી પાણી ભરવાની અનુમતિ નહોતી

આ હોસ્પિટલમાં પૂરી ક્ષમતા સાથે 450 કર્મચારીઓ હશે, જેમાં 200 નર્સો, 61 વોર્ડ સહાયકો, 56 સફાઈ કામદારો અને અન્ય વિભાગના 133 કર્મચારીઓનો સમાવેશ થાય છે. અને આઈસીએચમાં વિભિન્ન સ્તરે  લગભગ ૨૫૦ ડોક્ટરો કાર્યરત  છે. એમાંથી ૪૦-૪૫ હોસ્પિટલમાં પૂર્ણ સમય માટે કાર્યરત છે, અને દરરોજ ૧૫-૨૦ ડોક્ટરો સલાહકાર તરીકે આવે છે. બાકીના સ્વૈચ્છિક ઓપીડી સેવાઓ અને અન્ય ક્ષેત્રોમાં સર્જન,  (સંલગ્ન શિક્ષણ હોસ્પિટલમાં) અધ્યાપક તરીકે આવે છે.

લોકડાઉને એ બધા માટે ગંભીર પડકારો ઉભા કર્યા છે.  નાયબ મુખ્ય વ્યવસ્થા અધિકારી આરાધના ઘોષ ચૌધરી જણાવે  છે કે,   “દર્દીઓ  અને કર્મચારીઓની સલામતીની વ્યવસ્થા કરવી, તબીબી કર્મચારીઓને વિવિધ કાર્યોની ફાળવણી કરવી, આ બધું હવે એક મોટી સમસ્યા છે. કોઈ ટ્રેનો ઉપલબ્ધ ન હોવાથી અને અગાઉ બસ સુવિધા  પણ ન હોવાથી ઘણા કર્મચારીઓ અહીં  આવી શકતા નથી તથા પોતાના ઘરે પાછા ફરી શકતા નથી.” કેટલાક આરોગ્યસંભાળ  કર્મચારીઓ હોસ્પિટલના પરિસરમાં જ રોકાયા છે, જયારે કેટલાક કર્મચારીઓ કે જેઓ પહેલેથી જ તેમના વતનમાં  હતા તેઓ “સામાજિક કલંક ટાળવા”  ફરજ  પર પાછા  ફર્યા જ નથી.

હોસ્પિટલ હવે આર્થિક સમસ્યાઓનો પણ સામનો કરી રહી છે. આઈસીએચ નફાના હેતુ વિના કામ કરતી સંસ્થા છે. અહીં ડોકટરો પોતાની સેવાઓ માટે વળતર નથી લેતા અને બીજા  ખર્ચ પણ ખૂબ ઓછા હોય  છે. (હોસ્પિટલ ઘણી વખત ખૂબ ગરીબ દર્દીઓનો ખર્ચ સંપૂર્ણપણે માફ કરી દે છે.) હોસ્પિટલમાં દાખલ થયેલ તેમજ ઓપીડી દર્દીઓમાં આવનાર દર્દીઓની સંખ્યામાં ઘટાડાને કારણે તે નજીવા આવકના સ્ત્રોત પણ સંકોચાયા  છે – પરંતુ કોવિડને કારણે હોસ્પિટલ પર લદાયેલા ખર્ચને કારણે વર્તમાન ખર્ચમાં ઓછામાં ઓછો 15 ટકાનો વધારો થયો છે.

આરાધના ઘોષ ચૌધરી કહે છે કે, “આમાં કોવિડ સંબંધિત સ્વચ્છતા, પીપીઈ અને અન્ય ખર્ચનો સમાવેશ થાય છે.” આ વધતા  જતા  ખર્ચા  તેઓ  દર્દીઓ પર થોપી ન શકે કારણ કે “અમે અહીં જે સમૂહની સેવા કરીએ છીએ એ મોટે ભાગે ગ્રામીણ અને પરા વિસ્તારોના બીપીએલ [ગરીબી રેખા નીચે જીવતા] વ્યક્તિઓ છે. તેઓને આ કઈ રીતે પોસાય?” લોકડાઉનને કારણે એમની પાસે થોડી ઘણી જે આવક હતી એ  બરબાદ થઈ ગઈ. “આ પરિસ્થિતિમાં વધતા ખર્ચ કેટલીક વાર અમારા ડોકટરો પોતાના ખિસ્સામાંથી ચૂકવે છે. અત્યારે, દાનથી અમારું કામ ચાલે છે પરંતુ એની માત્રા  તેના આધારે લાંબા સમય સુધી કામ ચલાવી શકીએ એટલી નથી.”

આઈસીએચના નાયબ નિયામક  ડોક્ટર અરુણાલોક ભટ્ટાચાર્ય કહે છે વર્ષોથી આરોગ્યસંભાળ સંબંધિત ભરોસાપાત્ર આધાર-માળખું ઊભું કરવામાં  નિષ્ફળતા હવે આપણને નડી રહી છે. અને આ બધા સંઘર્ષમાં, તેઓ કહે છે કે, "ખરેખર તો આગલી હરોળના આરોગ્ય કર્મચારીઓ અને નિયમિત દર્દીઓને ભાગે  જ સહન કરવાનું આવે છે."
PHOTO • Ritayan Mukherjee

બાંકુરા જીલ્લાના એક બાળકની છાતીનો એક્સ-રે લેવાઈ રહ્યો છે. મહામારીને કારણે, આરોગ્યસંભાળ સુવિધાઓની જગ્યાને આધારે, દેશભરમાં ઇમેજિંગ ક્ષેત્રમાં આવા પરીક્ષણોની સંખ્યામાં  ભારે ઘટાડો થઈ શકે છે.


PHOTO • Ritayan Mukherjee

રેડિયોલોજી વિભાગના નિલાદ્રી ઘોષ (નામ બદલેલ) ને નાદિયા જીલ્લાના તેમના ગામમાં પડોશીઓ દ્વારા પરેશાન કરવામાં આવતા હતા અને તેમને તેમના પોતાના ઘરમાંથી બહાર નીકળવા માટે પોલીસની મદદ લેવી પડી હતી.


PHOTO • Ritayan Mukherjee

હોસ્પિટલમાં સુરક્ષિત રીતે સંગ્રહિત જીવન સહાયક તબીબી વાયુઓ કે જે દર્દીની સ્થિતિ પર નોંધપાત્ર અસર કરે છે.


PHOTO • Ritayan Mukherjee

કેન્સરગ્રસ્ત બાળકોએ મોટા પડકારોનો સામનો કરવો પડે  છે. ખાસ કરીને  ગ્રામીણ વિસ્તારોમાં  ઘણા બાળકો લોકડાઉન દરમિયાન એમની કિમોથેરાપીની તારીખો ચૂકી ગયા છે.


PHOTO • Ritayan Mukherjee

હોસ્પિટલમાં રહે ત્યાં સુધી ઘણી વાર  અને ક્યારેક  હોસ્પિટલમાંથી રજા મળ્યાના ૪૮-૭૨ કલાક પછી ફરીથી નવજાત શિશુઓનું વજન કરવામાં આવે છે. તેમના માતા-પિતાના વજનની પણ તપાસ કરવામાં આવે છે.


PHOTO • Ritayan Mukherjee

આઈસોલેશન રૂમમાં પીપીઈ કીટથી સજ્જ કર્મચારી ૩૫ દિવસના કોવિડ-પોઝિટિવ બાળકને તપાસે છે.


PHOTO • Ritayan Mukherjee

બાળ સઘન સંભાળ વિભાગમાં ગંભીર રીતે બીમાર બાળક પર ધ્યાન અપાઈ રહ્યું છે. ધી ફેડરેશન ઓફ રેસીડેન્ટ ડોક્ટર્સ એસોસિએશન, કોલકતા એ ભારતીય આરોગ્ય  મંત્રાલયને પત્ર લખીને સુરક્ષા અને સલામતીની માંગ કરી છે. ઘણા ડોક્ટરો અને નર્સોએ પડોશીઓ દ્વારા પજવણી થતી હોવાની ફરિયાદ કરી છે.


PHOTO • Ritayan Mukherjee

કોવિડથી મુક્ત થયેલા  સિસ્ટર સંગીતા પાલ કહે છે કે, ‘મેં વાયરસને હરાવી દીધો છે અને હું યોગ્ય કવોરનટાઈન પ્રોટોકોલનું પાલન કરીને ફરજ  પર પાછી  ફરી છું. મારા સહયોગીઓએ હૃદયપૂર્વક મારું સ્વાગત કર્યું.’


PHOTO • Ritayan Mukherjee

તબીબી ટેકનિશિયન ચંચળ સહા દક્ષિણ ૨૪ પરગણાના એક ગામના  એક મહિનાના બાળકના ઈઈજીનું પરીક્ષણ કરી રહ્યા છે.  લેબોરેટરી ટેક્નિશિયનો, જેમણે  વર્તમાન પરિસ્થિતિમાં વધુ કાળજી સાથે આ પરીક્ષણો હાથ ધરવા પડે છે, નોંધે છે કે પરીક્ષણો માટે આવતા દર્દીઓની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો થયો છે.


PHOTO • Ritayan Mukherjee

રસીકરણ વિભાગમાં મદદનીશ  મૌમિતા સહા, તેમના સહયોગી દ્વારા કરવામાં આવેલી  મજાક પર હસી રહ્યા છે.


PHOTO • Ritayan Mukherjee

હોસ્પિટલના સમગ્ર માળખાને જાળવવા, દર્દીઓના આરોગ્યની દેખરેખ રાખવા અને નર્સો, વોર્ડ સહાયકો અને સફાઈ કર્મચારીઓ જેવા વિવિધ આરોગ્ય કર્મચારીઓની કામગીરીની દેખરેખ રાખવામાં  જેના માથા પર કામનો ભારે બોજ હોય છે તે મેટ્રન અને સિસ્ટર્સ-ઇન-ચાર્જની ભૂમિકા મહત્વપૂર્ણ હોય છે. અહીં મેટ્રન ઝરણા રોય તેમના કાર્યાલયમાં અંદર જોબ શીટ પર કામ કરી રહ્યા  છે.


PHOTO • Ritayan Mukherjee

ચા માટે વિરામ લેતા વોર્ડ સહાયક. આમાંથી ઘણા એમના ગામોમાં કોઈ નિયમિત ટ્રેન સેવા નથી એ કારણે કે પછી  તેમના પડોશીઓની પજવણીથી છૂટકારો મેળવવા માટે લોકડાઉન શરુ થયું ત્યારથી  હોસ્પિટલના પરિસરમાં જ રહે  છે.


PHOTO • Ritayan Mukherjee

રીસેપ્શન કાઉન્ટર પાસે એક મુલાકાતી તેમને ઘેર વિડીઓ કોલ કરીને પરિવારના સભ્યોને  બતાવી રહ્યા છે કે પરિવારના સદસ્યને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.


PHOTO • Ritayan Mukherjee

ભારતીય બાળરોગ ક્ષેત્રના પિતામહ ગણાતા ડોક્ટર કે.સી. ચૌધરી દ્વારા કોલકતામાં ૧૯૫૬માં ઇન્સ્ટીટયુટ ઓફ ચાઈલ્ડ હેલ્થ (આઈસીએચ)ની સ્થાપના કરવામાં આવી હતી. આઈસીએચ નફાના હેતુ વિના  ટ્રસ્ટ દ્વારા ચાલતી હોસ્પિટલ છે.

અનુવાદક: ફૈઝ મોહંમદ

Ritayan Mukherjee

Ritayan Mukherjee is a Kolkata-based photographer and a PARI Senior Fellow. He is working on a long-term project that documents the lives of pastoral and nomadic communities in India.

Other stories by Ritayan Mukherjee
Translator : Faiz Mohammad

Faiz Mohammad has done M. Tech in Power Electronics Engineering. He is interested in Technology and Languages.

Other stories by Faiz Mohammad