જ્યારે દીપા ડિલીવરી પછી દિલ્હીની એક હોસ્પિટલથી પાછા આવ્યા, ત્યારે એમને ખબર નહોતી કે તેમના શરીરમાં કોપર-ટી લગાવી દેવામાં આવી છે.

એમણે થોડા સમય પહેલાં જ તેમના બીજા દીકરાને જન્મ આપ્યો હતો, અને તેઓ હવે નસબંધી કરાવવા માંગતા હતા. પણ, બાળકનો જન્મ ઓપરેશનથી (સિઝેરિયન) થયો હતો અને દીપા કહે છે, “ડૉક્ટરે મને કહ્યું કે એક સાથે બંને ઓપરેશન [સિઝેરિયન અને નસબંધી] કરવા શક્ય નથી.”

ડૉક્ટરે એના બદલે કોપર-ટી લગાવવાની ભલામણ કરી. દીપા અને તેમના પતિ નવીન (નામ બદલેલ) ને લાગ્યું કે આતો ફક્ત એક સલાહ હતી.

ડિલીવરીના લગભગ ચાર દિવસો પછી, મે ૨૦૧૮માં ૨૧ વર્ષીય દીપાને દિલ્હી સરકાર દ્વારા સંચાલિત દિન દયાલ ઉપાધ્યાય હોસ્પિટલ માંથી રજા આપવામાં આવી. નવીન કહે છે, “અમને ખબર નહોતી કે ડૉક્ટરે કોપર-ટી લગાવી દીધી છે.”

આ તો એમને એક અઠવાડિયા પછી ખબર પડી, જ્યારે આશા કાર્યકર્તાએ દીપાનો હોસ્પિટલનો રિપોર્ટ જોયો, જે નવીન અને દીપાએ વાંચ્યો નહોતો.

કોપર-ટી એક ઇન્ટ્રાયુટેરિન ગર્ભનિરોધક ઉપકરણ (આઈયુડી) છે, જેને ગર્ભધારણ ટાળવા માટે ગર્ભાશયમાં લગાવવામાં આવે છે. ૩૬ વર્ષીય આશા કાર્યકર્તા (માન્યતા મેળવેલ સામાજિક સ્વાસ્થ્ય કાર્યકર્તા) સુશિલા દેવી ૨૦૧૩થી દીપાના વિસ્તારમાં કામ કરે છે. તેઓ કહે છે, “આમાં એડજસ્ટ થવામાં ત્રણ મહિના લાગી શકે છે, અને આ કારણથી અમુક સ્ત્રીઓને અસુવિધા થઇ શકે છે. આથી, અમે દર્દીઓને કહીએ છીએ કે નિયમિત તપાસ માટે [છ મહિના સુધી] દવાખાનામાં આવતા રહે.”

જો કે, દીપાને પહેલા ત્રણ મહિના સુધી કોઈ અસુવિધા નહોતી થઇ અને તેઓ એમના મોટા દીકરાની બીમારીમાં વ્યસ્ત હોવાથી તપાસ માટે પણ નહોતા ગયા. એમણે કોપર-ટીનો ઉપયોગ ચાલુ રાખવાનો નિર્ણય લીધો.

Deepa at her house in West Delhi: preoccupied with her son’s illness, she simply decided to continue using the T
PHOTO • Sanskriti Talwar

દીપા પશ્ચિમ દિલ્હીમાં આવેલા એમના ઘરમાં : પોતાના દીકરાની બીમારીમાં વ્યસ્ત હોવાથી તેમણે કોપર - ટીનો ઉપયોગ કરવાનું ચાલું રાખ્યું

એના બરોબર બે વર્ષ પછી, મે ૨૦૨૦માં, દીપાને માસિક ધર્મની શરૂઆત થઇ એટલે તેમને ખૂબજ અસહ્ય દુખાવો થવા લાગ્યો.

જ્યારે આ દુખાવો કેટલાક દિવસો સુધી સતત ચાલુ રહ્યો, ત્યારે તેઓ દિલ્હીના બક્કરવાલા વિસ્તારમાં તેમના ઘરથી બે કિલોમીટર દૂર આવેલા આમ આદમી મોહલ્લા કલીનીક (એએએમસી) માં ગયા. દીપા કહે છે, “ડૉક્ટરે તેમને રાહત થાય તે માટે કેટલીક દવાઓ લખી આપી.” તેઓ એ ડૉક્ટર પાસે એક મહિનાથી વધારે સમય સુધી ગયા હતા. તેઓ આગળ કહે છે, “જ્યારે મારી હાલતમાં સુધાર ન આવ્યો, તો એમણે મને બક્કરવાલાના બીજા એએએમસીના એક મહિલા ડૉક્ટર પાસે જવાનું કહ્યું.”

દીપા બક્કરવાલાના જે એએએમસી માં પહેલા ગયા હતા ત્યાંના ડૉ. અશોક હંસ સાથે મેં વાત કરી તો તેમને એ કેસ વિષે કંઈ યાદ નહોતું - તેઓ દરરોજ ૨૦૦થી પણ વધારે દર્દીઓ તપાસે છે. એમણે મને કહ્યું, “અમારી પાસે આવો કેસ આવે ત્યારે અમે તેનો ઈલાજ કરીએ છીએ. જો એ માસિક ધર્મ સાથે જોડાયેલી વાત હોય તો અમે અનિયમિતતા ને નિયંત્રિત કરવાનો પ્રયાસ કરીએ છીએ. નહિંતર, અમે અલ્ટ્રાસાઉન્ડ કરાવવાનું કહીએ છીએ અને અન્ય સરકારી હોસ્પિટલમાં જવાનું સૂચન  કરીએ છીએ.” આ ક્લીનીકમાંથી દીપા ને અલ્ટ્રાસાઉન્ડ કરાવવાનું કહેવામાં આવ્યું હતું.

બક્કરવાલાના એક અન્ય નાના એએએમસીના ડૉ. અમૃતા નાદર કહે છે, “જ્યારે તેઓ અહિં આવ્યા હતા, તેમણે ફક્ત માસિક ધર્મમાં થતી  અનિયમિતતા વિષે જ વાત કરી હતી. જેના આધારે મેં આયર્ન અને કેલ્શિયમની દવા લેવાનું સૂચવ્યું હતું. તેમણે કોપર-ટીનું નામ પણ નહોતું લીધું. જો તેમણે અમને આ વિષે કહ્યું હોત તો અમે અલ્ટ્રાસાઉન્ડ કરીને એને શોધવાનો પ્રયાસ કરતા. તેમણે અમને જૂનો  અલ્ટ્રાસાઉન્ડનો રિપોર્ટ બતાવ્યો હતો, જેમાં બધું સામાન્ય હતું.” જો કે દીપા કહે છે કે તેમણે ડૉક્ટરને કોપર-ટી વિષે કહ્યું હતું.

મે ૨૦૨૦માં પહેલી વાર અસહ્ય દુખાવો થવા લાગ્યો એના પછી એમની તકલીફો વધવા લાગી. તેઓ કહે છે, “માસિકસ્ત્રાવનું એ ચક્ર તો પાંચ દિવસમાં પૂરું થઈ ગયું, જે મારા માટે સામાન્ય વાત છે. પણ એના પછીના મહિનાઓમાં, મને અસામાન્ય રીતે રક્તસ્ત્રાવ થવા લાગ્યો. જૂન  મહિનામાં, મને ૧૦ દિવસો સુધી માસિકસ્ત્રાવ આવતો રહ્યો. આગળના મહીને એ વધીને ૧૫ દિવસ થઇ ગયો. ૧૨ ઓગસ્ટથી તો એ આખા મહિના સુધી ચાલતો રહ્યો.”

પશ્ચિમ દિલ્હીના નાંગલોઈ-નજફગઢ રોડ ઉપર સિમેન્ટના બે રૂમ વાળા પોતાના ઘરમાં લાકડાના ખાટલા પર બેસીને દીપા કહે છે, “હું એ દિવસોમાં એટલી કમજોર થઇ ગઈ હતી કે ચાલી પણ નહોતી શકતી. મને ચક્કર આવતા હતા, અને હું કંઈ કામ કર્યા વગર પડી રહેતી હતી. ક્યારેક-ક્યારેક તો પેટમાં ખૂબજ વધારે દુખાવો થતો હતો. ઘણી  વાર, મારે દિવસમાં ચાર વખત કપડા બદલવા પડતા હતા, કેમ કે તીવ્ર રક્તસ્ત્રાવના લીધે કપડા પલળી જતા હતા. ચાદર પણ બગડી જતી હતી.”

Deepa and Naveen with her prescription receipts and reports: 'In five months I have visited over seven hospitals and dispensaries'
PHOTO • Sanskriti Talwar

દીપા અને નવીન પ્રિસ્ક્રીપ્શન અને રિપોર્ટ સાથે : પાંચ મહિનામાં હું 7 થી વધારે હોસ્પિટલ અને દવાખાનામાં ફર્યો છું

ગયા વર્ષે જુલાઈ અને ઓગષ્ટ મહિનામાં દીપા બે વાર બક્કરવાલાના નાના કલીનીકમાં ગયા હતા. બંને વખત ડૉક્ટરે દવા લખી આપી હતી. ડૉ. અમૃતા મને કહે છે કે, “અમે મોટેભાગે માસિક ધર્મના દર્દીઓને દવા લખીને, એક મહિના સુધી માસિક ધર્મનું ચક નોંધવા કહીએ છીએ. કલીનીક પર અમે ફક્ત પાયાનો ઉપચાર જ કરી શકીએ છીએ. વધુ તપાસ માટે, મેં તેમને સરકારી હોસ્પિટલના સ્ત્રી રોગ વિભાગમાં જવાની સલાહ આપી હતી.”

ત્યારબાદ, દીપા ગયા વર્ષે ઓગષ્ટ મહિનાના બીજા અઠવાડિયા દરમિયાન બસમાં સૌથી નજીકની હોસ્પિટલ - રઘુવીર નગરની ગુરુ ગોવિંદ સિંહ હોસ્પિટલ (તેમના ઘરથી લગભગ ૧૨ કિલોમીટર દૂર) માં ગયા. એ હોસ્પિટલના ડૉક્ટરે એમને ‘મેનોરેગીયા’ - અસામાન્ય રીતે કે પછી લાંબા સમય સુધી થતા રક્તસ્ત્રાવની સમસ્યા હોવાનું કહ્યું.

દીપા કહે છે, “હું બે વાર એ હોસ્પિટલમાં ગઈ હતી. બંને વખતે, એમણે મને બે અઠવાડિયાની દવા લખી આપી હતી. પણ દુખાવો ઓછો નહોતો થયો.”

૨૪ વર્ષના દીપાએ દિલ્હી યુનિવર્સીટીથી રાજનીતિ શાસ્ત્રમાં સ્નાતકની પદવી મેળવી છે. જ્યારે તેમના માતા-પિતા કામની શોધમાં બિહારના મુઝફ્ફરપુરથી દિલ્હી આવ્યા હતા ત્યારે તેમની ઉંમર ફક્ત ૩ મહિનાની હતી. તેમના પિતા એક પ્રિન્ટીંગ પ્રેસમાં કામ કરતા હતા અને હવે એક સ્ટેશનરીની દુકાન ચલાવે છે. તેમના ૨૯ વર્ષીય પતિ નવીન બીજા ધોરણ સુધી ભણેલા છે અને રાજસ્થાનના દૌસા જિલ્લાના રહેવાસી છે અને માર્ચ ૨૦૨૦માં લોકડાઉનની શરૂઆત થઇ એ પહેલા એક શાળામાં બસ અટેન્ડન્ટ તરીકે ફરજ બજાવતા હતા.

આ દંપતીના લગ્ન ઓક્ટોબર ૨૦૧૫માં થયા હતા, અને એના તરત પછી દીપા ગર્ભવતી થયા હતા. પોતાના પરિવારની આર્થિક પરિસ્થિતિ જોઇને તેમને ફક્ત એક જ બાળક જોઈતું હતું. જો કે, એમનો દીકરો બે મહિનાનો હતો ત્યારથી બીમાર રહેતો હતો.

તેઓ કહે છે, “એને સતત ડબલ ન્યુમોનિયા રહે છે. એના ઇલાજ પર અમે હજારો રૂપિયા ખર્ચ કર્યા છે, ડૉક્ટરે જેટલી પણ ફી માંગી એ અમે આપી છે. એકવાર એક હોસ્પિટલના ડૉક્ટરે અમને કહ્યું કે એની બીમારી જોઇને એનું બચવું કઠીન છે. ત્યારથી અમારા પરિવાર વાળાઓએ કહ્યું કે હવે બીજું બાળક પણ થવા દેવું જોઈએ.”

The couple's room in their joint family home: 'I felt too weak to move during those days. It was a struggle to even walk. I was dizzy, I’d just keep lying down'
PHOTO • Sanskriti Talwar
The couple's room in their joint family home: 'I felt too weak to move during those days. It was a struggle to even walk. I was dizzy, I’d just keep lying down'
PHOTO • Sanskriti Talwar

સંયુક્ત પરિવારમાં રહેતા દંપતીના ઘરમાં એમનો રૂમ : હું એ દિવસોમાં એટલી કમજોર થઇ ગઈ હતી કે ચાલી પણ નહોતી શકતી . મને ચક્કર આવતા હતા , અને હું કંઈ કામ કર્યા વગર પડી રહેતી હતી

લગ્ન પહેલા થોડાક મહિનાઓ સુધી દીપા એક ખાનગી પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવીને મહીને ૫,૦૦૦ રૂપિયા કમાતા હતા. એમના દીકરાની બીમારીના કારણે તેમણે નોકરી છોડવી પડી.

તેની ઉંમર હવે પાંચ વર્ષની થઇ ગઈ છે અને તેને મધ્ય દિલ્હીની રામ મનોહર લોહિયા (આરએમએલ) હોસ્પિટલમાં નિશુલ્ક ઈલાજ મળી રહ્યો છે, જ્યાં તેને દર ત્રણ મહીને તપાસ માટે તેમના મા બસમાં લઇ જાય છે. ઘણીવાર તેમના મામા પણ તેમની મોટરસાઈકલ પર બેસાડીને તેમને હોસ્પિટલ મૂકી જાય છે.

આવી જ એક નિયમિત તપાસ વખતે ૩ સપ્ટેમ્બર ૨૦૨૦ ના રોજ તેઓ આરએમએલ ગયા હતા, તો તેમણે હોસ્પિટલના સ્ત્રી રોગ વિભાગમાં જવાનું નક્કી કર્યું. જેથી તેઓ તેમને નડતી મુશ્કેલીનો ઉકેલ મેળવી શકે જેને અન્ય હોસ્પિટલો અને કલીનીકો ઉકેલી શક્યા નથી.

દીપા કહે છે, “હોસ્પિટલમાં [સતત દુખાવાનું કારણ જાણવા માટે] અલ્ટ્રાસાઉન્ડ કરવામાં આવ્યું, પણ એનાથી કંઈ ખબર ન પડી. ડૉક્ટરે કોપર-ટી શોધવાનો પ્રયાસ કર્યો પણ તે શોધી શક્યા નહીં. તેમણે પણ દવાઓ લખી આપી અને ૨-૩ મહિના પછી ફરીથી આવવાનું કહ્યું.”

અસામાન્ય રક્તસ્ત્રાવ થવાના કારણથી અજાણ હોવાથી, દીપા ૪ સપ્ટેમ્બરે તેમના વિસ્તારમાં આવેલા ખાનગી ક્લીનીકના એક અન્ય ડૉક્ટરને મળ્યા. દીપા કહે છે, “ડૉક્ટરે મને પૂછ્યું કે આટલા ભારે રક્તસ્ત્રાવ પછી હું કઈ રીતે કામ કરી રહી છું. તેમણે પણ કોપર-ટી શોધવાનો પ્રયત્ન કર્યો, પણ તેને શોધી શક્યા નહીં.” દીપા એ તપાસની ૨૫૦ રૂપિયા ફી ચૂકવી હતી. એ જ દિવસે, તેમણે પરિવારના સભ્યની સલાહથી એક ખાનગી લેબમાં ૩૦૦ રૂપિયા ખર્ચ કરીને પેલ્વિક એક્સ-રે કરાવ્યો.

રિપોર્ટમાં લખવામાં આવ્યું હતું: ‘કોપર-ટી હેમીપેલ્વીસ ભાગમાં જોવામાં આવી છે.’

Deepa showing a pelvic region X-ray report to ASHA worker Sushila Devi, which, after months, finally located the copper-T
PHOTO • Sanskriti Talwar
Deepa showing a pelvic region X-ray report to ASHA worker Sushila Devi, which, after months, finally located the copper-T
PHOTO • Sanskriti Talwar

દીપા પેલ્વિક ભાગનો એક્સ - રે રિપોર્ટ આશા કાર્યકર્તા સુશિલા દેવીને બતાવતી વખતે . આ રિપોર્ટમાં મહિનાઓ પછી કોપર - ટી ક્યાં છે એ શોધવામાં સફળતા મળી

પશ્ચિમ દિલ્હીના સ્ત્રી રોગ વિશેષજ્ઞ ડૉ. જ્યોત્સના ગુપ્તા સમજાવે છે, “જો ડિલીવરી કે સિઝેરિયન પછી તરત કોપર-ટી લગાવી દેવામાં આવે, તો તે એક તરફ નમી શકે છે. કારણ કે આ બંને સમયે ગર્ભાશયનું પોલાણ ખુલેલું હોય છે અને સામાન્ય સ્થિતિમાં પહોંચતા સમય લાગે છે. આ સમય દરમિયાન, કોપર-ટી લગાવવાથી તે ધરી બદલીને નમી શકે છે. જો એક સ્ત્રીને માસિકસ્ત્રાવ દરમિયાન ખૂબજ દુખાવો થાય તો પણ કોપર-ટી જગ્યા બદલી શકે છે કે નમી શકે છે.”

આશા કાર્યકર્તા સુશિલા દેવી કહે છે કે આવી ફરિયાદો સામાન્ય છે. તેઓ કહે છે, “અમે ઘણીવાર સ્ત્રીઓને કોપર-ટી વિષે ફરિયાદ કરતા જોઈએ છીએ. ઘણીવાર તેઓ કહે છે કે કોપર-ટી તેમના ‘પેટ સુધી પહોંચી ગઈ છે’ અને તે હવે તેને કઢાવવા માગે છે.”

રાષ્ટ્રીય પરિવાર સ્વાસ્થ્ય સર્વેક્ષણ-૪ (૨૦૧૫-૧૬) મુજબ, ફક્ત ૧.૫ ટકા સ્ત્રીઓ જ આઈયુડીનો ગર્ભનિરોધક તરીકે ઉપયોગ કરે છે. જ્યારે કે ભારતમાં ૧૫-૪૯ વય વર્ગની ૩૬ ટકા સ્ત્રીઓ નસબંધી કરાવે છે.

દીપા કહે છે, “હું અન્ય સ્ત્રીઓ પાસેથી સંભાળતી હતી કે કોપર-ટી બધી સ્ત્રીઓ માટે નથી અને એનાથી તકલીફ થઇ શકે છે. પણ મને બે વર્ષ સુધી કોઈ તકલીફ નહોતી થઇ.”

ઘણા મહિનાઓ સુધી દુખાવા અને વધારાના રક્તસ્ત્રાવ પછી, ગયા વર્ષે સપ્ટેમ્બરમાં દીપાએ ઉત્તર-પશ્ચિમ પિતમપુરામાં આવેલી ભગવાન મહાવીર સરકારી હોસ્પિટલમાં જવાનું નક્કી કર્યું. હોસ્પિટલમાં સુરક્ષા વિભાગમાં કામ કરતા એક સંબંધી એ કહ્યું એક તેઓ અહિં કોઈ ડૉક્ટરને મળે, પણ કોવિદ-૧૯નું પરીક્ષણ કરાવ્યા પછી. આથી, ૭ સપ્ટેમ્બર ૨૦૨૦ના રોજ તેમણે પોતાના ઘરની પાસે એક દવાખાનામાં પરીક્ષણ કરાવ્યું,

એ પરીક્ષણમાં તેઓ કોવિડ પોઝીટીવ આવ્યા, અને બે અઠવાડિયા સુધી ક્વોરન્ટીન કરવામાં આવ્યા. જ્યાં સુધી તેઓ કોવિડ નેગેટીવ ન થયા, ત્યાં સુધી તેઓ કોપર-ટી કઢાવી શક્યા નહીં.

'We hear many women complaining about copper-T', says ASHA worker Sushila Devi; here she is checking Deepa's oxygen reading weeks after she tested positive for Covid-19 while still enduring the discomfort of the copper-T
PHOTO • Sanskriti Talwar

આશા કાર્યકર્તા સુશિલા દેવી કહે છે , અમે ઘણીવાર સ્ત્રીઓને કોપર - ટી વિષે ફરિયાદ કરતા સંભાળીએ છીએ . અહિં તેઓ દીપા કોવિડ પોઝીટીવ થયા પછી તેમનું ઓક્સિજનનું સ્તર તપાસે છે , જ્યારે કે તેઓ કોપર - ટી ની અસુવિધાના દુખાવાનો પણ સામનો કરી રહ્યા છે

જ્યારે માર્ચ ૨૦૨૦માં દેશવ્યાપી લોકડાઉન લાદવામાં આવ્યું અને શાળાઓ બંધ થઇ ગઈ, તો તેમના પતિ નવીન કે જેઓ શાળાની બસમાં કંડકટર (અટેન્ડન્ટ) ની નોકરી કરતા હતા, તેમની મહીને ૭,૦૦૦ રૂપિયા પગાર વાળી નોકરી જતી રહી. અને તેમને પાંચ મહિના સુધી કંઈ કામ મળ્યું નહીં. પછી તેઓ એક નજીકના ભોજનાલયમાં સહાયક તરીકે કામ કરવા લાગ્યા, જ્યાં તેમને અમુકવાર દિવસના ૫૦૦ રૂપિયા મળતા હતા. (ગયા મહીને, ઓગષ્ટ ૨૦૨૧માં તેમને બક્કરવાલા વિસ્તારમાં મૂર્તિ બનાવવાની એક ફેકટરીમાં મહીને ૫,૦૦૦ રૂપિયા પગાર વાળી નોકરી મળી છે.)

૨૫ સપ્ટેમ્બરે દીપાનું કોવિડ-૧૯ પરીક્ષણ નેગેટીવ આવ્યું અને ભગવાન મહાવીર હોસ્પિટલમાંથી સમાચાર આવવાની રાહ જોઈ રહ્યા હતા. એક સંબંધીએ ત્યાંના એક ડૉક્ટરને દીપાનો એક્સ-રે રિપોર્ટ બતાવ્યો હતો જેમણે કહ્યું કે આ હોસ્પિટલમાં કોપર-ટી કાઢવામાં આવતી નથી. ઉલટું, તેમને દિન દયાલ ઉપાધ્યાય હોસ્પિટલ (ડીડીયુ) કે જ્યાં તેમને કોપર-ટી લગાવવામાં આવી હતી, ત્યાં જવાનું કહેવામાં આવ્યું.

દીપાએ ઓક્ટોબર ૨૦૨૦નું પહેલું અઠવાડિયું ડીડીયુના સ્ત્રી રોગ વિભાગના ચક્કર લગાવવામાં વિતાવ્યું. તેઓ યાદ કરીને કહે છે, “મેં ડૉક્ટરને કોપર-ટી કાઢીને એની જગ્યાએ નસબંધી કરવાનું કહ્યું. પણ તેમણે કહ્યું કે કોવિડ-૧૯ ના લીધે આ હોસ્પિટલમાં નસબંધી નથી થતી.”

તેમને કહેવામાં આવ્યું કે જ્યારે અહિં સેવાઓ ફરીથી શરૂ થશે ત્યારે તેઓ કોપર-ટી કાઢીને નસબંધી કરી દેશે.

એમને વધુ દવાઓ લખવામાં આવી. દીપાએ ગયા વર્ષે ઓક્ટોબર મહિનાના મધ્યમાં મને કહ્યું હતું, “ડૉક્ટરે કહ્યું કે જો કોઈ મુશ્કેલી સર્જાશે, તો અમે જોઈ લઈશું, પણ તે દવાઓથી સજા થઇ જશે”

(આ પત્રકારે નવેમ્બર ૨૦૨૦માં ડીડીયુ હોસ્પિટલના સ્ત્રી રોગ વિભાગના અધ્યક્ષ સાથે દીપાના કેસ વિષે વાતચીત કરવા માટે ઓપીડીની મુલાકાત લીધી હતી, પણ એ દિવસે ડૉક્ટર રજા પર હતા. ત્યાં હાજર એક અન્ય ડૉક્ટરે કહ્યું એક મારે મેડીકલ ડિરેક્ટરની રજા લેવી પડશે. પછી મેં ડિરેક્ટરને ઘણા ફોન કર્યા, પણ કોઈ જવાબ ન મળ્યો.)

PHOTO • Priyanka Borar

‘મને ખબર નથી કે તેમણે કોઈ ઓજાર વાપર્યા હતા કે નહીં [કોપર-ટી કાઢવા માટેના સાધનો]... મીડવાઈફે મને કયું કે જો હું હજુ થોડાક મહિનાઓમાં આને નહીં કઢાવું, તો મારો જીવ જોખમમાં મુકાશે’

પરિવાર કલ્યાણ નિયામક કચેરી, દિલ્હીના એક વરિષ્ઠ અધિકારી કહે છે, “આ શહેરમાં આવેલી ભારે મહામારીના સંચાલન તરફ ધ્યાન કેન્દ્રિત કરવાને કારણે બધી સરકારી હોસ્પિટલોએ મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો છે. સામાન્ય હોસ્પિટલોને કોવિડ હોસ્પિટલોમાં તબદીલ કરી દેવાથી, પરિવાર નિયોજન જેવી નિયમિત સેવાઓએ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. નસબંધી જેવી કાયમી ક્રિયાઓ પણ પ્રભાવિત થઇ. પણ સાથે-સાથે આ દરમિયાન કામચલાઉ પદ્ધતિઓમાં પણ વધારો થયો. અમે આ સેવાઓ ચાલુ રાખવા માટે અમારાથી બનતા બધા પ્રયાસો કર્યા હતા.”

ભારતમાં ફાઉન્ડેશન ઓફ રીપ્રોડકટીવ હેલ્થ સર્વિસીસના કલીનીકલ સર્વિસીસના ડિરેક્ટર ડૉક્ટર રશ્મિ અરદે કહે છે, “ગયા વર્ષે લાંબા સમય સુધી પરિવાર નિયોજન સેવાઓ ઉપલબ્ધ નહોતી. આ દરમિયાન ઘણા લોકોને જરૂરી સેવાઓ નહોતી મળી. હવે પરીસ્થિતિ પહેલા કરતા સારી છે, સરકારી ગાઈડલાઈન્સ સાથે લોકો આ સુવિધાઓ મેળવી શકે છે. પણ, આ સેવાઓ હજુપણ મહામારી પહેલા જે સ્થિતિમાં હતી તેટલી સુલભ નથી થઇ. આનાથી સ્ત્રીઓના સ્વાસ્થ્ય પર લાંબા ગાળાની અસરો થશે.”

તેમની મુશ્કેલીના ઉકેલ માટે દીપાએ ગયા વર્ષે તેમના વિસ્તારની મીડવાઈફનો સંપર્ક કર્યો. તેમણે એને ૩૦૦ રૂપિયા આપ્યા અને કોપર-ટી કઢાવી લીધી.

તેઓ કહે છે, “મને ખબર નથી કે તેમણે કોઈ ઓજાર વાપર્યા હતા કે નહીં [કોપર-ટી કાઢવા માટેના સાધનો]. તેમણે કદાચ વાપર્યા હશે. તેમણે મેડિસીનનો અભ્યાસ કરતી એમની દીકરીની મદદ લીધી હતી. તેમને આ કામ માટે ૪૫ મિનીટ લાગી હતી. મીડવાઈફે મને કયું કે જો હું હજુ થોડાક મહિનાઓમાં આને નહીં કઢાવું, તો મારો જીવ જોખમમાં મુકાશે.”

કોપર-ટી કઢાવી લીધા પછી દીપાનો અનિયમિત માસિકસ્ત્રાવ અને દુખાવો બંધ થઇ ગયા છે.

અલાહ-અલગ હોસ્પિટલો અને કલીનીકોના પ્રિસ્ક્રીપ્શન અને રિપોર્ટ પોતાના બેડ પર ગોઠવતી વખતે સપ્ટેમ્બર ૨૦૨૦માં તેમણે મને કહ્યું હતું, “આ પાંચ મહિનામાં હું કુલ સાત દવાખાનામાં ગઈ છું.” તેમના અને નવિન પાસે કોઈ કામ નહોતું ત્યારે તેમણે દરેક મુલાકાત વખતે પૈસા ખર્ચવા પડ્યા.

દીપાએ નક્કી કરી લીધું છે કે તેમને હવે બીજા બાળકો નથી જોઈતા અને તેઓ નસબંધી કરાવવા માગે છે. તેઓ  સિવિલ સેવાની પરીક્ષા આપવા માગે છે. તેઓ કહે છે, “મારી પાસે [એપ્લીકેશન] ફોર્મ છે.” એમને આશા છે કે તેઓ આનાથી એમના પરિવારને મદદ કરી શકશે, જે મહામારી અને કોપર-ટી ના લીધે નહોતા કરી શકતા.

ગ્રામીણ ભારતના કિશોરો અને કિશોરીઓ અંગેનો રાષ્ટ્રવ્યાપી અહેવાલ આપતી PARI અને કાઉન્ટરમિડિયા ટ્રસ્ટની યોજના જનસામાન્યના અભિપ્રાય અને જીવંત અનુભવ દ્વારા આ અગત્યના છતાં છેવાડાના જૂથોની પરિસ્થિતિના અભ્યાસ અંગે પોપ્યુલેશન ફાઉન્ડેશન ઓફ ઈન્ડિયા દ્વારા સમર્થિત પહેલનો ભાગ છે .

આ લેખ ફરીથી પ્રકાશિત કરવા માંગો છો ? કૃપા કરી [email protected] ને cc સાથે [email protected] પર લખો .

અનુવાદક : ફૈઝ મોહંમદ

Sanskriti Talwar

Sanskriti Talwar is an independent journalist based in New Delhi, and a PARI MMF Fellow for 2023.

Other stories by Sanskriti Talwar
Illustration : Priyanka Borar

Priyanka Borar is a new media artist experimenting with technology to discover new forms of meaning and expression. She likes to design experiences for learning and play. As much as she enjoys juggling with interactive media she feels at home with the traditional pen and paper.

Other stories by Priyanka Borar
Editor and Series Editor : Sharmila Joshi

Sharmila Joshi is former Executive Editor, People's Archive of Rural India, and a writer and occasional teacher.

Other stories by Sharmila Joshi
Translator : Faiz Mohammad

Faiz Mohammad has done M. Tech in Power Electronics Engineering. He is interested in Technology and Languages.

Other stories by Faiz Mohammad