ગોળ ગોળ ઘુમાવતા લોલીપોપ આકારનું કાટકયેટી રેટ-એ-ટેટ-ટેટ અવાજ કરે છે, આ અવાજ સાંભળતા જ ખબર પડી જાય કે બેંગલુરુની સડકો પર રમકડાં વેચનારાઓ આવી ગયા છે. અને આસપાસના દરેક બાળકને કાટકયેટી લેવું હોય. સડકો પર અને ટ્રાફિક સિગ્નલો પર અત્ર તત્ર સર્વત્ર જોવા મળતું આ અવાજ કરતું ચળકતું રમકડું વણઝારાઓ પશ્ચિમ બંગાળના મુર્શિદાબાદ જિલ્લાથી 2000 કિલોમીટરથીય વધુ દૂર આ શહેરમાં લઈ આવે છે. એક રમકડાં બનાવનાર અભિમાનથી કહે છે, "અમારા હાથેથી બનાવેલા રમકડાં આટલે દૂર-દૂર સુધી પહોંચે છે એ જાણી અમને સારું લાગે છે. અમારે તો ઘણુંય જવું હોય પણ અમે જઈ શકતા નથી...પણ અમારું રમકડું ત્યાં પહોંચી જાય છે...નસીબની વાત છે."

મુર્શિદાબાદના હરિહરપરા બ્લોકમાં આવેલા રામપરા ગામમાં મહિલાઓ અને પુરુષો બંને કાટકયેટી (જેને બંગાળી ભાષામાં કોટકોટી પણ કહેવાય છે) બનાવવામાં સામેલ છે. રામપરામાં પોતાના ઘરમાં જ કાટકયેટી બનાવતા તપન કુમાર દાસ કહે છે કે આ ગામના ચોખાના ખેતરોની માટી અને બીજા ગામમાંથી ખરીદેલી નાની વાંસની લાકડીઓનો ઉપયોગ કાટકયેટી બનાવવા માટે થાય છે. તેમનો આખો પરિવાર કાટકયેટી બનાવવામાં સામેલ છે. તેઓ આ રમકડું બનાવવામાં રંગો, વાયર, રંગીન કાગળ - અને જૂની ફિલ્મ રીલ્સનો પણ ઉપયોગ કરે છે. થોડાં વર્ષો પહેલાં કોલકાતાના બારાબજારમાંથી ઢગલાબંધ ફિલ્મ રીલ્સ ખરીદનાર દાસ કહે છે, “લગભગ એક-એક ઈંચના માપથી કાપેલી બે ફિલ્મ સ્ટ્રીપ્સ [વાંસની લાકડીમાં] ચીરામાં ઘૂસાડવામાં આવે છે. તેનાથી ચાર ફ્લૅપ બને છે."  કાટકયેટીના અવાજ અને ગતિ આ ફ્લેપ્સને આભારી છે.

જુઓ ફિલ્મ: કાટકયેટી – વાર્તા એક રમકડાની

એક રમકડાં વેચનાર સમજાવે છે, "અમે તો કાટકયેટી લાવીએ છીએ અને વેચીએ છીએ...પરંતુ [કાપેલી ફિલ્મ સ્ટ્રીપમાં] કઈ ફિલ્મ છે એની પર અમે ધ્યાન આપતા નથી."  રીલ્સમાં કેપ્ચર કરાયેલા પ્રખ્યાત ફિલ્મી નાયકો તરફ મોટાભાગના ખરીદનારાઓ અને વેચનારાઓનું ધ્યાન જતું નથી. એક બીજા રમકડાં વેચનાર કાટકયેટી બતાવતા કહે છે, "આ તો રણજિત મલિક છે, અમારા બંગાળનો. અને મેં બીજા ઘણાને જોયા છે. પ્રસેનજીત, ઉત્તમ કુમાર, ઋતુપર્ણા, શતાબ્દી રોય... ઘણા ફિલ્મી કલાકારો આમાં હોય છે.

આ રમકડાં વેચનારા, જેમાંના ઘણા ખેતમજૂરો છે તેમને માટે આ રમકડાં આવકનો મુખ્ય સ્ત્રોત છે. પોતાના વતનમાં તનતોડ કાળી મજૂરી કર્યા પછી પણ સાવ નજીવું વળતર ચૂકવતા ખેતી સંબંધિત કામ કરવાને બદલે તેઓ રમકડાં વેચવાનું પસંદ કરે છે. તેઓ બેંગલુરુ જેવા શહેરોમાં આવીને મહિનાઓ સુધી ત્યાં રહે છે, પોતાનો માલ વેચવા તેઓ રોજના 8-10 કલાક ચાલે છે. 2020 માં કોવિડ-19 રોગચાળાને કારણે આ નાના પરંતુ ફળતા-ફૂલતા વ્યવસાયને સખત ફટકો પડ્યો હતો. લોકડાઉનને કારણે આ રમકડાં, જેના પરિવહન માટેનું મુખ્ય માધ્યમ ટ્રેનો હતી તેનું ઉત્પાદન બંધ થઈ ગયું હતું. ઘણા રમકડાં વેચનારાઓને પોતાને ઘેર પાછા ફરવાની ફરજ પડી હતી.

ભાગ લેનાર કલાકારો: કાટકયેટી બનાવનારા અને વેચનારા

દિગ્દર્શન, સિનેમેટોગ્રાફી અને સાઉન્ડ રેકોર્ડિંગ: યશસ્વિની રઘુનંદન

એડિટિંગ અને સાઉન્ડ ડિઝાઇનઃ આરતી પાર્થસારથી

ધેટ ક્લાઉડ નેવર લેફ્ટ શીર્ષક ધરાવતું આ ફિલ્મનું એક સંસ્કરણ 2019માં રોટરડેમ, કેસેલ, શારજાહ, પેસારો અને મુંબઈમાં ફિલ્મ ફેસ્ટિવલમાં પ્રદર્શિત કરવામાં આવ્યું હતું – આ ફિલ્મે અનેક પુરસ્કારો અને પ્રશસ્તિપત્રો જીત્યા હતા, જેમાં ફ્રાન્સના ફિલાફ ફિલ્મ ફેસ્ટિવલમાં જીતેલ ગોલ્ડ ફિલાફ વિશેષ ઉલ્લેખનીય છે.

અનુવાદ: મૈત્રેયી યાજ્ઞિક

Yashaswini Raghunandan

Yashaswini Raghunandan is a 2017 PARI fellow and a filmmaker based in Bengaluru.

Other stories by Yashaswini Raghunandan
Aarthi Parthasarathy

Aarthi Parthasarathy is a Bangalore-based filmmaker and writer. She has worked on a number of short films and documentaries, as well as comics and short graphic stories.

Other stories by Aarthi Parthasarathy
Translator : Maitreyi Yajnik

Maitreyi Yajnik is associated with All India Radio External Department Gujarati Section as a Casual News Reader/Translator. She is also associated with SPARROW (Sound and Picture Archives for Research on Women) as a Project Co-ordinator.

Other stories by Maitreyi Yajnik