મૂળ પ્રશ્ન મૂલ્યોનો છે. અને આ મૂલ્યો અમારા જીવનનો એક ભાગ છે. મેં અમારી જાતને પ્રકૃતિ સાથે એક થયેલી જોઈએ છીએ. જ્યારે આદિવાસીઓ લડે છે, ત્યારે તેઓ સરકાર કે કોર્પોરેશન સામે નથી લડતા. તેમની પોતાની 'ભૂમિ સેના' છે, અને તેઓ લોભ અને સ્વાર્થમાં જડેલા મૂલ્યો સામે લડે છે.
આ બધાની શરૂઆત થઇ સંસ્કૃતિના વિકાસ સાથે - વ્યક્તિવાદના ઉદય સાથે, જ્યારથી મનુષ્યએ પોતાના અસ્તિત્વને પ્રકૃતિથી અળગું કરીને જોવાનું શરુ કર્યું. અહીંથી સંઘર્ષ શરૂ થયો. એકવાર આપણે આપણી જાતને નદીથી અલગ કરી લઈએ, પછી આપણે આપણો ગટરનો કચરો, આપણો રાસાયણિક અને ઔદ્યોગિક કચરો તે પાણીમાં ઠાલવતા અચકાતા નથી. આપણે નદીને સંસાધન તરીકે કબજે કરવાનું શરૂ કરીએ છીએ. એકવાર આપણે આપણી જાતને કુદરતથી અલગ અને શ્રેષ્ઠ સર્જનની જેમ જોયા પછી, તેને લૂંટવું અને તેનું શોષણ કરવું સરળ થઇ જાય છે. બીજી તરફ, આદિવાસી સમુદાયના મૂલ્યો માત્ર કાગળ પર લખેલા મૂલ્યો નથી. અમારા મૂલ્યો એ અમારી જીવનશૈલી છે.


