તે વરિષ્ઠ અધિકારી, જેમના નિયંત્રણ હેઠળ ઘણી શાળાઓ હતી, મુનશી પાસેથી ઇનામમાં એક ચમકતો એક પૈસાનો સિક્કો લેવા મંચ પર આવેલો હતો. આ 1939નું પંજાબ હતું. તે માંડ 11 વર્ષનો, ત્રીજા ધોરણનો ભણતો, કક્ષામાં પ્રથમ આવેલો વિદ્યાર્થી હતો. મુનશીએ તેના માથા પર હળવેકથી ટપલી મારતા તેને ‘બ્રિટાનિયા ઝિંદાબાદ, હિટલર મુર્દાબાદ.’ ના નારા લગાવવા કહ્યું. યુવાન ભગત સિંહ - એમનું નામ જ ખ્યાતનામ ભગતસિંહ નામ જેવું હોવાથી ગૂંચવાવું નહીં - સમારોહમાં પ્રેક્ષકોની સામે ઊભા ને બરાડ્યા "બ્રિટાનિયા મુર્દાબાદ, હિન્દુસ્તાન ઝિંદાબાદ.
તેની ઉદ્ધાતાઈના પરિણામો આવતાં જરાય વાર ના થઇ. મુન્શી બાબુએ પોતાના હાથે ત્યાં ને ત્યાં તેને ઘીબી નાખ્યો અને સરકારી પ્રાથમિક શાળા, સમુદ્રામાંથી એને બહાર ફેંકી દીધો હતો. ત્યાં હાજર અન્ય વિદ્યાર્થીઓ આઘાતમાં ચૂપ થઇ જોતાં રહ્યા, અને પછી ભાગી ગયા. સ્થાનિક શાળા ઓથોરિટી - જેને આપણે આજે બ્લોક એજ્યુકેશન ઓફિસર કહી શકીએ છીએ - તેમણે આજના પંજાબના હોશિયાપુર જિલ્લામાં ડેપ્યુટી કમિશનરની મંજૂરી એક પત્ર જારી કર્યો. પત્રમાં 11 વર્ષની ઉંમરના આ વિદ્યાર્થીને 'ખતરનાક' અને 'ક્રાંતિકારી' ગણાવી એની હકાલપટ્ટીની પુષ્ટિ કરવામાં આવી.
આનો સીધો અર્થ હતો કે કોઈ નિશાળ - અને આસપાસ આમેય નિશાળો ઓછી હતી - ક્યારેય બ્લેકલિસ્ટ કરેલા ભગતસિંહ ઝુગ્ગીયાન ને તેમના દરવાજામાં પ્રવેશવા દેશે નહીં. તેના માતાપિતા ઉપરાંત ઘણાએ અધિકારીઓને તેમના નિર્ણયને પાછો ખેંચવાની વિનંતી કરી. એક ઊંચી પહોંચવાળા જમીનદાર ગુલામ મુસ્તફાએ તેમના વતી સખત પ્રયત્નો કર્યા. પરંતુ રાજના દરબારીઓ ગુસ્સે હતા. એક નાના છોકરડાએ તેમના મોટા અધિકારીઓને શરમાવ્યા હતા. ભગતસિંહ ઝુગ્ગીયાન તેમની જિંદગીના બાકીના અસાધારણ જોમભર્યાં અવિરત કારકિર્દીના વર્ષો દરમ્યાન ક્યારેય ઔપચારિક શિક્ષણમાં પાછા ફર્યા નહીં.
પરંતુ તે હતા અને આજે 93 વર્ષની ઉંમરે પણ રહ્યા છે, અડચણોની શાળાના અવ્વલ દરજાના વિદ્યાર્થી.
હોશિયારપુર જિલ્લાના રામગર્હ ગામમાં તેમના ઘરે અમારી સાથે વાત કરતાં નિશાળના એ નાટકને યાદ કરી હશે છે. શું તેમને દુઃખ ના થયું? પૂછતાં તેઓ કહે છે, "મારી પ્રતિક્રિયા કંઈક આવી હતી -- હવે હું બ્રિટિશ વિરોધી સંઘર્ષમાં જોડાવા માટે સ્વતંત્ર છું."












