જો તમે 2000ના દાયકામાં મુખ્યપ્રવાહના પ્રકાશનમાં નોકરી કરતા હોત તો શક્ય છે કે તમને સામાન્ય લોકોને નડતી તકલીફોના મુદ્દાઓને બદલે, વ્હિસ્કી સાથે કયો સૂકો નાસ્તો ખાવામાં મજા પડે એ વિષે, કે પાલતુ  પ્રાણીઓના લગ્નો વિશે લેખ તૈયાર કરવાના અસાઈન્મેન્ટ મળતાં હોવા જોઈએ. એવામાં જો તમે પોતાના આદર્શોને વળગી રહો તો તેમને ‘ઝોલા છાપ’ પણ કહેવામાં આવતા હશે. (એ શબ્દ જે સામાન્ય રીતે આ ઉત્તર ભારતમાં ડાબેરી વલણ ધરાવતા કાર્યકરોની છબી ઉભી કરવા વપરાય છે, અને જેને એક અપમાનજનક શબ્દ તરીકે વપરાય છે).

સેન્ટર ફોર મીડિયા સ્ટડીઝ દ્વારા હાથ ધરાયેલા 2014ના એક અભ્યાસમાં જણાવવામાં આવ્યું છે કે, જ્યાં દેશનો 69 ટકા હિસ્સો રહે છે એવા ગ્રામીણ ભારતની પ્રિન્ટ સમાચાર પ્રકાશનોના પ્રથમ પાનામાં કોઈ વાત જ નહોતી − જ્યાંના 83.3 લાખ લોકો જે આશરે 800 ભાષાઓ બોલે છે − તેઓને પ્રિન્ટ સમાચાર પ્રકાશનોના પ્રથમ પાનામાં માત્ર 0.67 ટકા જ હિસ્સો મળે છે. રાષ્ટ્રીય દૈનિક અખબારોના મુખ્ય પાના પર 66 ટકા સમાચાર માત્ર નવી દિલ્હીથી જ આવે છે.

છેલ્લાં 43 વર્ષોમાં ભારતના ગ્રામ્ય વિસ્તારોને આવરી લઈને 60થી વધુ પત્રકારત્વ પુરસ્કારો જીતેલા પારીના સ્થાપક-સંપાદક, અને પ્રખ્યાત પત્રકાર પલગુમ્મી સાઈનાથ કહે છે કે, “પત્રકારત્વમાં 35 વર્ષ પછી પણ, મેં જોયું કે એક પણ અખબાર અથવા ટીવી ચેનલમાં કૃષિ, શ્રમ અને અન્ય તમામ મહત્ત્વપૂર્ણ સામાજિક ક્ષેત્રો પર સંપૂર્ણ સમય માટે કામ કરતા સમર્પિત પત્રકારો નહોતા. તેમની પાસે બોલિવૂડ, ભદ્ર વર્ગના સમાજના કાર્યક્રમો, વ્યવસાય વગેરે પર પૂર્ણ-સમયના સંવાદદાતાઓ છે અને ખેતી અને મજૂરી માટે કોઈ પૂર્ણ-સમયના સંવાદદાતાઓ નથી. આ પૃષ્ઠભૂમિમાં જ પીપલ્સ આર્કાઇવ ઓફ રૂરલ ઇન્ડિયા (PARI)નો વિચાર જન્મ્યો હતો.”

રોજિંદા લોકોના રોજિંદા જીવન પર આધારિત એક મલ્ટિમીડિયા સંગ્રહ તરીકે પારી એક જીવંત જર્નલ અને આર્કાઇવ છે. કાઉન્ટરમીડિયા ટ્રસ્ટની એક પહેલ તરીકે પારીની શરૂઆત ડિસેમ્બર 2014માં એક ડઝનથી ઓછા લોકો સાથે થઈ હતી. તેની શરૂઆત ગ્રામીણ પત્રકારત્વ માટેના એક સ્થળ તરીકે થઈ હતી અને તેમાં ગ્રામીણ ભારત પર સત્તાવાર અહેવાલો અને દુર્લભ દસ્તાવેજો, ગ્રામીણ જીવનની કળાઓ અને શિક્ષણ પહેલનું ઓનલાઇન પુસ્તકાલય સામેલ કરવામાં આવ્યું છે. પારી લખાણ, ફોટોગ્રાફ્સ, ચિત્રો, ઓડિયો, વીડિયો અને દસ્તાવેજી સ્વરૂપમાં મૌલિકા વાર્તાઓ રજૂ કરે છે. તે સામાન્ય ભારતીયોના જીવનને આવરી લે છે અને શ્રમ, આજીવિકા, હસ્તકલા, કટોકટી, સંઘર્ષની વાર્તાઓ, ગીતો અને અન્ય પાસાંને આવરી લે છે.

PHOTO • Sanket Jain
PHOTO • Nithesh Mattu

પારી એ સંસ્કૃતિનો એક અભિલેખાગાર પણ છેઃ બેલગામ (ડાબે)માં શરણાઈ સાથે નારાયણ દેસાઈનો જુગાડ અને દરિયાકાંઠાના કર્ણાટકનું પિળી વેશ લોક નૃત્ય (જમણે)

PHOTO • Sweta Daga
PHOTO • P. Sainath

અરુણાચલ પ્રદેશમાં વાંસની ટોપલી વણનાર માકો લિંગી (ડાબે) અને પી. સાઈનાથની ‘દેખીતાં કામ, અદ્રશ્ય મહિલાઓ: બેવડ વળેલી જિંદગી’ શ્રેણી સમગ્ર ગ્રામીણ ભારતના શ્રમજીવીઓ પર કેન્દ્રિત છે

પારીનાં બીજ સાઈનાથના વર્ગખંડોમાં વાવવામાં આવ્યાં હતાં, જ્યાં તેમણે એક શિક્ષક તરીકેના તેમના 35 વર્ષમાં 2000થી વધુ પત્રકારોને પત્રકારિતાની નૈતિકતાનો પાયો મજબૂત કરવાની તાલીમ આપી છે. આનાથી મારા સહિત અન્ય મહત્વાકાંક્ષી પત્રકારોને અસમાનતા અને અન્યાયોને સાચા સંદર્ભમાં જોવાની અને વ્યાવસાયિક વિશ્વમાં આપણી અંતઃકરણને અરીસા તરીકે લાગુ કરવામાં મદદ મળી.

પારીનાં મેનેજિંગ એડિટર નમિતા વાયકર કહે છે, “આટલાં વર્ષોથી, એક વસ્તુ અચળ રહી છે − આદર્શવાદ. જેણે અમને દરેકને પારી તરફ દોર્યાં છે, જે તમામ ગ્રામીણ ભારતીયોની આકર્ષક વાર્તાઓથી પ્રેરિત છે.” પારી એ મુખ્ય પ્રવાહના ઉત્સર્જનથી ગૂંગળામણ અનુભવતા પત્રકારો માટે એક ‘ઓક્સિજન બાર’ બની રહ્યું છે.

ઉપેક્ષીતોનો આર્કાઇવ

પારીની વાર્તાઓ સમયના એક તબક્કે સ્થિત છે − આખરે અમે પત્રકારો જ છીએ − છતાં તે કાલાતીત છે, કારણ કે તે એક આર્કાઇવ પણ છે. એક આદર્શ વિશ્વમાં, પારીની જરૂરત જ પેદા ન થઈ હોત, પરંતુ સાઈનાથ કહે છે એમ, “પારી, 25થી 50 વર્ષ પછી, એકમાત્ર ડેટાબેઝ હશે જેનો ઉપયોગ ભારતીયો આપણા સમયના ગ્રામીણ ભારતમાં લોકો કેવી રીતે રહેતા અને કામ કરતા હતા તે વિશે કંઈપણ જાણવા માટે કરી શકશે.”

જ્યારે મુખ્ય પ્રવાહના માધ્યમો જુલાઈ 2023માં દિલ્હીના પૂરનાં દૃશ્યોથી ભરાઈ ગયાં હતાં, ત્યારે અમે તે બતાવ્યું હતું જેની તેમણે ઉપેક્ષા કરી હતી − વિસ્થાપિત ખેડૂતોએ તેમના ઘરો અને આજીવિકાને ફરી બેઠી કરવા માટે ચૂકવવી પડતી કિંમત. સામાન્ય લોકો અને તેમનું જીવન − માળખાકીય રીતે જટિલ, ભાવનાત્મક રીતે નબળું − અમારી વાર્તાના કેન્દ્રમાં હોય છે. આ પૌરાણિક લોકોની દૂરની ભૂમિની વાર્તાઓ નથી. કેટલીક પેઢીઓ પહેલાં સુધી તો દરેક શહેરી ભારતીય કોઈ એક ગામમાં જ રહેતો હતો. પારીનું લક્ષ્ય તેના વાચકો અને વિષયો વચ્ચે સહાનુભૂતિનો સેતુ બનાવવાનું છે − અંગ્રેજી બોલતા શહેરી ભારતીયને તેમના ગ્રામીણ સમકક્ષોના જીવનની સમજ આપવામાં આવે છે; હિન્દી વાંચતા ખેડૂતો દેશના વિવિધ ભાગોમાંના અન્ય ખેડૂતો વિશે પણ શીખી શકે છે; યુવાનોને પાઠ્યપુસ્તકોમાં ભણાવવામાં ન આવતા ઇતિહાસથી પરિચિત કરવામાં આવે છે; જ્યારે સંશોધકો લુપ્ત થતી હસ્તકલા અને આજીવિકા તરફ મીટ માંડે છે.

પારી માટે રિપોર્ટિંગ કરવાથી મને એક પત્રકાર તરીકે, સંદર્ભ વિના બનાવોને ઉઠાવીને તેમના વિશે લખવાને બદલે ઘટનાઓને સ્થાનિક પરિપ્રેક્ષ્યથી જોવામાં, તેમનું મહત્ત્વ સમજવામાં અને આખી વાત સમજવામાં મદદ મળી છે. મારો જન્મ અને ઉછેર નવી દિલ્હીમાં થયો હતો, પરંતુ આબોહવા પરિવર્તન પર રાષ્ટ્રવ્યાપી શ્રેણીના ભાગ રૂપે પારી માટે સંશોધન કરતી વખતે જ મને જાણવા મળ્યું કે હું જ્યાં રહું છું ત્યાંથી 3 કિલોમીટર દૂર કાચબા અને ગંગા નદીમાં રહેતી ડોલ્ફિન 40 વર્ષ પહેલાં સુધી યમુના નદીમાં મોટી સંખ્યામાં ફરતાં હતાં! મેં દિલ્હી ગેઝેટિયર (1912)નો હવાલો લીધો, યમુનાના છેલ્લા બાકી રહેલા ખેડૂતો અને માછીમારોનો ઇન્ટરવ્યુ લીધો અને વર્તમાન અને ભૂતકાળ વચ્ચેના સંબંધોને ઓળખી કાઢ્યા જેથી હું ભવિષ્ય માટે પ્રશ્નો ઉભા કરી શકું. હું મહામારી પછીના વિકાસ માટે તેમના વિસ્થાપન અને 2023ના પૂરને કારણે થયેલા વિનાશની ભાળ કાઢવા માટે ત્યાં પાછી ગઈ હતી. આનાથી મને મુખ્ય પ્રવાહના સમાચાર માધ્યમોમાં ઘણીવાર જેવી માંગ કરવામાં આવે છે તેવા ‘પેરાશૂટ રિપોર્ટિંગ’ (સમુદાય સાથે જોડાણ વિના માત્ર કટોકટીની ઘટના દરમિયાન આવવાની પ્રથા)ના બદલે આ મુદ્દા પર કુશળતાનું સ્તર વિકસાવવામાં મદદ મળી. આનાથી તમે એક પત્રકાર તરીકે વધુ સારી રીતે માહિતગાર બનો છો, મુદ્દાઓ વિશે તમે આત્મવિશ્વાસથી તરબપળ થાઓ છો અને તે વિષયો અંગે કોઈ પણ પેનલ અને ચર્ચાઓમાં ભાગ લેવા સક્ષમ બનો છો − અને આમ તમે વાર્તાઓ અને મુદ્દાઓને વધુ ને વધુ વ્યાપક બનાવો છો.

PHOTO • People's Archive of Rural India
PHOTO • Shalini Singh

દિલ્હીમાં યમુના નદી પર શાલિની સિંહની વાર્તાઓ આબોહવા પરિવર્તનના પર કેન્દ્રિત છે, પરંતુ તેને તેનાથી સૌથી વધુ પ્રભાવિત થયેલા લોકોના અવાજોમાં રજૂ કરવામાં આવી હતી

પારીની વાર્તાઓમાં એવા ઘણા લોકો છે જેઓ વિવિધ સ્તરો પર આર્થિક અને સામાજિક આઘાતનો ભોગ બનેલા છે. દરેક વ્યક્તિ ઇચ્છતી હોય છે કે તેમને લક્ષમાં લેવામાં આવે અને તેમને સાંભળવામાં આવે. પારી જે લોકો વિશે અહેવાલ આપે છે તેઓ તેમની પોતાની વાર્તાઓમાં સક્રિય સહભાગીઓ છે. જ્યારે મેં યમુનાના ખેડૂતો વિશે અંગ્રેજીમાં અહેવાલ આપ્યો, ત્યારે મેં તે લેખનની હિન્દી આવૃત્તિઓ તેમની સાથે શેર કરી હતી અને તેમનો પ્રતિસાદ મેળવ્યો હતો. આપણે પત્રકાર છીએ એટલે લોકો તેમની વાતો આપણને કરી જ દેશે એવું નથી; આપણે તેમનો વિશ્વાસ જીતવાનો હોય છે, ત્યારે જ તેઓ તેમની વાતોમાં આપણને તેમના સુખ-દુખના ભાગીદાર બનાવે છે.

પત્રકારત્વની જેમ જ કલાનો ઉદ્દેશ પણ સમાજ સાથે નિરંતર વાતચીત કરતા રહેવાનો છે. તેથી, પારી સર્જનાત્મક લેખનને પણ અપનાવે છે. પારીનાં કવિતા સંપાદક પ્રતિષ્ઠા પંડ્યા કહે છે, “કેટલીકવાર કવિતા એકમાત્ર એવી જગ્યા હોય છે જ્યાં વ્યક્તિ સત્ય બોલી શકે છે. પારી સરળ, માર્મિક અને સ્વાભાવિક રીતે પ્રસ્તુત કવિતાઓને જગ્યા આપે છે, જેઓ ઘણીવાર ગ્રામીણ ભારતના અંતરીયાળ વિસ્તારોમાંથી આવે છે, તેની વિવિધ બોલીઓમાં.” એક પત્રકાર તરીકે, મેં એવી વાર્તાઓને પકડવા માટે કવિતાઓ લખી છે જે પરંપરાગત અહેવાલ સાથે અનુકૂળ નથી હોતી.

એક જાહેર હિત

લોકશાહીના એક સ્તંભ તરીકે પત્રકારત્વનું કામ તથ્યોની તપાસ કરવાનું, સંપાદકીય ધોરણો જાળવી રાખવાનું અને સત્તા વિશેનાં સત્ય ઊઘાડાં પાડવાનું છે. આ બધું મળીને પત્રકારિતા બને છે. પરંતુ કમનસીબે સોશિયલ મીડિયાના વધતા જતા વિકાસમાં અને પત્રકારત્વના નવા સ્વરૂપો આકાર લઈ રહ્યા છે ત્યારે આ સિદ્ધાંતો ખોવાઈ રહ્યા છે. નાની સંસ્થાઓ અને સ્વતંત્ર પત્રકારો આજે યુટ્યુબ જેવા પ્લેટફોર્મ પરથી પોતાની વાત રજૂ કરી શકે છે, પરંતુ જે તે જગ્યાએ જઈને અહેવાલ આપવા, પ્રેક્ષકો ઊભા કરવા અને કમાણી કરવા માટે સંસાધનો હોવા પડકારો હજુય એક મોટો પડકાર છે.

પારીના ટેક એડિટર સિદ્ધાર્થ અદેલકર કહે છે, “પારી અને તેના પત્રકારો લોકશાહીના આ ચોથા સ્તંભની રક્ષા કરી રહ્યા છે. અમે મિરાત-ઉલ-અકબર [1822માં સમાજ સુધારક રાજા રામમોહન રોય દ્વારા સ્થાપિત સામયિક કે જેણે તે સમયની બ્રિટિશ નીતિઓની વિવેચનાત્મક તપાસ કરી હતી], કેસરી [1881માં સ્વાતંત્ર્ય સેનાની લોકમાન્ય બાલ ગંગાધર તિલક દ્વારા બહાર પાડવામાં આવેલ], અને આપણને આપણા સ્વતંત્રતા સંગ્રામમાંથી અન્ય જે સામયિકો મળ્યા હતા તેના વારસાને જીવંત રાખી રહ્યા છીએ. અને એ પણ ઓછા નાણાં પર, અને બાજુએ બીજાં નાનાં મોટાં કામ કરીને પોતાને ટેકો આપીને.”

PHOTO • Sanskriti Talwar
PHOTO • M. Palani Kumar

ખેતીની વાર્તાઓ માત્ર ખેતીના મુદ્દાઓ વિશે જ નથી હોતી. શ્રી મુક્તસર સાહિબ જિલ્લામાં (ડાબે) જમીનવિહોણા દલિત મજૂરોના બાળકો નાની ઉંમરે ખેતરોમાં કામ કરવાનું શરૂ કરે છે. પારી વિવિધ વ્યવસાયો વિશે લખે છે અને તેમની તસવીરો કેદ કરે છે. ગોવિંદમ્મા (જમણે) ચેન્નાઈની બકિંગહામ નહેરમાં કરચલાઓ પકડવા છલાંગ લગાવે છે

PHOTO • Ritayan Mukherjee
PHOTO • Shrirang Swarge

જે સમુદાયો તેમના જીવન અને આજીવિકા માટે જમીન પર નિર્ભર છે તેઓ આબોહવા પરિવર્તન અને ભેદભાવપૂર્ણ નીતિઓ સામે લડી રહ્યા છેઃ લદ્દાખમાં કશ્મીરી ઊન બનાવવાવાળા ચાંપગા (ડાબે) અને મુંબઈમાં વન અધિકારો માટે કૂચ કરી રહેલા આદિવાસીઓ

એક બિન-નફાકારક પત્રકારત્વ સંગઠન તરીકે, પારી જાહેર દાન, ફાઉન્ડેશનોમાંથી પ્રોજેક્ટ સંબંધિત ભંડોળ, સી.એસ.આર. ભંડોળ, ટ્રસ્ટીઓના દાન અને ટેક્નોલોજી જેવા ક્ષેત્રોમાં સ્વયંસેવકોના પરસેવા પર આધાર રાખે છે. પારીને મળેલા 63 પત્રકારત્વ પુરસ્કારો ઓછામાં ઓછા પાંચ લાખ રૂપિયા કમાવીને લાવ્યા છે. જ્યારે મુખ્ય પ્રવાહનું મીડિયા સેલિબ્રિટીની ગપસપ અને જાહેરાતોના ભરોસે રહે છે તથા સત્તા પક્ષના વધુને વધુ તાબા હેઠળ રહે છે, ત્યારે ન તો જાહેરાતો ચલાવે છે કે ન તો એવા લોકો પાસેથી ભંડોળ સ્વીકારે છે જેઓ અમારા કામમાં દખલગીરી કરે. આદર્શ રીતે, પારી સંપૂર્ણપણે લોકભંડોળથી ચાલતી હોવી જોઈએ, જેણે ફક્ત તેના વાચકોને અને પ્રેક્ષકોને જ જવાબ આપવાનો હોય.

આના પર ઉપલબ્ધ બધી સામગ્રી સાર્વજનિક છે; તેને વાંચવા માટે પૈસા નથી ભરવા પડતા અને લોકો યોગ્ય સ્વીકૃતિ સાથે મુક્તપણે સામગ્રીને ફરીથી છાપી શકે છે. પારીભાષા નામની અનુવાદ ટીમ દ્વારા તમામ લેખોનો અંગ્રેજી સહિત 15 ભારતીય ભાષાઓમાં અનુવાદ કરવામાં આવે છે. પારીભાષાનાં સંપાદક સ્મિતા ખટોર કહે છે, “ભાષા એ એક એવું પાત્ર છે જેમાં વિવિધતા વહે છે. હું અનુવાદને સામાજિક ન્યાયના દૃષ્ટિકોણથી જોઉં છું. ભારત બહુભાષી પ્રદેશ હોવાથી, અનુવાદ દ્વારા જ્ઞાનનો પ્રસાર કરવો એ આપણી જવાબદારી છે. પારીનો અનુવાદ કાર્યક્રમ ભાષાઓના લોકશાહીકરણના સિદ્ધાંત પર આધારિત છે, જે વિશ્વના સૌથી જટિલ અને વૈવિધ્યસભર ભાષાકીય પ્રદેશ પર એક જ ભાષાનું શાસન હોવાનો વિરોધ કરે છે.”

પારી વિદ્યાર્થીઓ અને શિક્ષકો દ્વારા ઉપયોગમાં લેવાતી અને બનાવવામાં આવતી સામગ્રી બનાવવા પર પણ ધ્યાન કેન્દ્રિત કરે છે. તેની શિક્ષણ શાખા મહાનગરોમાં શાળા અને કોલેજના વિદ્યાર્થીઓ સાથે સંકળાયેલી છે, જે તેમને દર્શાવે છે કે વૈશ્વિક નાગરિક માત્ર તે જ નથી જે વિદેશી ભાષા ફડફડાટ બોલતો હોય અને વિશ્વમાં ઘટતી ઘટનાઓથી વાકેફ હોય, પરંતુ અસલમાં વૈશ્વિક નાગરીક એ જ છે જે તેમનાથી 30-50-100 એક કિલોમીટર દૂર લોકો જે વાસ્તવિકતાનો સામનો કરી રહ્યા છે તેનાથી વાકેફ હોય. પારીનાં કાર્યકારી સંપાદક પ્રીતિ ડેવિડ કહે છે, “અમે પારી પર પ્રકાશિત થતી વિદ્યાર્થીઓની વાર્તાઓને પારીના પ્રાયોગિક શિક્ષણશાસ્ત્રના ઉદાહરણો તરીકે જોઈએ છીએ, જે બાળકોને ધારાધોરણોને પડકારવા માટે દબાણ કરે છે, તેમને પ્રશ્નો પૂછવા માટે સજ્જ કરે છેઃ લોકોને સ્થળાંતર કરવાની ફરજ કેમ પાડવામાં આવે છે? ચાના બગીચામાં કામ કરતી મહિલા કામદારોને નજીકમાં જ શૌચાલયો કેમ નથી મળતાં? એક યુવાન છોકરી પૂછે છે કે શા માટે તેના સંબંધીઓ અને પડોશીઓ − ઉત્તરાખંડની મહિલાઓ − તેમના માસિકસ્રાવ દરમિયાન હજુ પણ ‘અશુદ્ધ’ તરીકે ગણવામાં આવે છે?; તે તેના વર્ગના યુવાન છોકરાઓને પૂછે છે કે શું તેઓ પણ આવું જ કરશે?”

ગ્રામીણ ભારતમાં લોકો, ભાષાઓ, વ્યવસાયો, કળા અને અન્ય બાબતો વિષે ઘણી અનન્ય અને વૈવિધ્યસભર વાર્તાઓ રજૂ કરે છે. પારી એ ‘ભવિષ્ય માટેનું પાઠ્યપુસ્તક’ છે, જે આ વાર્તાઓ બદલાઈ રહી અને અદ્રશ્ય થઈ રહી હોવા છતાં તેનું દસ્તાવેજીકરણ અને સંગ્રહ કરે છે, અને તેમને ઘણી ભાષાઓમાં સુલભ બનાવે છે અને ગ્રામીણ પત્રકારત્વને બાળકોના વર્ગખંડોમાં લઈ જાય છે. પારીનો ઉદ્દેશ આખરે ભારતના 95 ઐતિહાસિક પ્રદેશોમાંથી દરેકમાં એક ફેલોને સ્થાપિત કરવાનો છે, જે “રોજિંદા લોકોની વાર્તાઓ કહે, જેઓ ખરેખર આ દેશની આત્મા અને તેનું ધડકતું દીલ છે”, જેવું કે અદેલકર કહે છે. પારીવારમાં, અમારા માટે, આ માત્ર પત્રકારત્વ જ નથી. તે માનવ બનવાનો અને તેમ બની રહેવાની એક રસ્તો છે.

આ નિબંધનું મૂળ સંસ્કરણ ડાર્ક ’એન લાઇટ દ્વારા પ્રસ્તુત કરવામાં આવ્યું હતું અને મૂળરૂપે ડિસેમ્બર 2023માં તેમની વેબસાઇટ પર પ્રકાશિત કરવામાં આવ્યું હતું.

અનુવાદક: ફૈઝ મોહંમદ

Shalini Singh

শালিনী সিং পারি-র পরিচালনের দায়িত্বে থাকা কাউন্টারমিডিয়া ট্রাস্টের প্রতিষ্ঠাতা অছি-সদস্য। দিল্লি-ভিত্তিক এই সাংবাদিক ২০১৭-২০১৮ সালে হার্ভার্ড বিশ্ববিদ্যালয়ে নিম্যান ফেলো ফর জার্নালিজম ছিলেন। তিনি পরিবেশ, লিঙ্গ এবং সংস্কৃতি নিয়ে লেখালিখি করেন।

Other stories by শালিনী সিং
Translator : Faiz Mohammad

Faiz Mohammad has done M. Tech in Power Electronics Engineering. He is interested in Technology and Languages.

Other stories by Faiz Mohammad