ઉજ્જોલ દાશ પોટોલપુરમાં બાકી રહેલા છેલ્લા માણસ છે. અથવા એમ કહો કે, તેમનો પરિવાર ત્યાં બાકી રહેલ છેલ્લો ખેડૂત પરિવાર છે.
ગયા ઓક્ટોબરમાં હાથીઓએ તેમનું ઘર પાડી નાખ્યું હતું ત્યારે છેલ્લા 10 વર્ષમાં આ આઠમી વખત એવું બન્યું હતું કે પોટોલપુર ગામમાં તેમનું માટીની દીવાલો ધરાવતું ઘર ભૂખ્યા હાથીઓએ ઉજાડી નાખ્યું હતું.
લણણીનો સમય હતો અને ચોમાસું પણ આવી ગયું હતું - આશાડ અને સ્રાબુન (અષાઢ અને શ્રાવણ) મહિનાનો સમય હતો. હાથીઓનું ટોળું લગભગ 200 કિલોમીટરનો પ્રવાસ કરીને પહાડો અને જંગલોમાંથી પસાર થઈને કોઈક ટેકરીઓની તળેટીમાં આવેલા પોટોલપુર ગામમાં પહોંચ્યું હતું. આ ટોળું પહેલા મોયુરાખ્ખી નદીની ઉપનદી સિદ્ધેશરીના કિનારે રોકાયું હતું, ત્યાં હાથીઓએ થોડો સમય આરામ કર્યો હતો. આ સ્થળ ગામથી લગભગ એક કિલોમીટર દૂર છે. પછીથી લગભગ 200 કિલોમીટરની લાંબી મુસાફરી પછી ભૂખ્યું થયેલું ટોળું ઊભા પાક સાથેના ખેતરો તરફ ધસી ગયું હતું.
ચોંદોના અને ઉજ્જોલ દાશના નાના દીકરા પ્રોશેન્જીત કહે છે, "અમે અમારો જીવ જોખમમાં મૂકીને સળગતી મશાલો લઈને હાથીઓને ભગાડવા ગયા હતા. ઘણી વખત હાથીઓએ આવીને ખેતરોમાં ડાંગરનો [ઊભો] પાક બરબાદ કરી નાખ્યો છે. હાથીઓ જ બધો પાક ખાઈ જશે તો અમે શું ખાઈશું?”
દાશને માત્ર ડાંગરના જ નુકસાનની ચિંતા નથી. આ પરિવાર તેમની 14 બીઘા (આશરે 8.6 એકર) જમીન પર બટાકા, દૂધી, ટામેટાં અને કોળું તેમજ કેળા અને પપૈયા પણ ઉગાડે છે.
અને વળી ઉજ્જોલ દાશ કોઈ સામાન્ય ખેડૂત નથી - તેમના કોળાએ તેમને રાજ્ય પુરસ્કાર જિતાડ્યો હતો, રાજ્યના દરેક બ્લોકમાંથી શ્રેષ્ઠ દેખાવ કરનાર ખેડૂતને દર વર્ષે ક્રિષોક રોત્ન પુરસ્કાર આપવામાં આવે છે. ઉજ્જોલ દાશે 2016 અને 2022 માં રાજનોગોર બ્લોકમાંથી આ પુરસ્કાર જીત્યો હતો. તેમને 10000 રુપિયાનું રોકડ ઈનામ અને એક પ્રમાણપત્ર મળ્યા હતા.
તેમનું ઘર પશ્ચિમ બંગાળના બિરભૂમ જિલ્લાના પશ્ચિમ છેડે આવેલા એક નાનકડા ગામ પોટોલપુરમાં છે. ઝારખંડની સરહદ ત્યાંથી પથરો ફેંકીએ એટલે દૂર છે અને દર વર્ષે હાથીઓના ટોળાં ખોરાકની શોધમાં અહીં ઊતરી આવે છે. પહેલા આ હાથીઓ ટેકરીઓને અડીને આવેલા જંગલોમાં થોડો આરામ કરે છે, અને પછી ટેકરીઓની સૌથી નજીકના ખેતરો પર હુમલો કરે છે.
તેઓ સૌથી પહેલા જે ગામોમાં પહોંચે છે તેમાનું એક છે પોટોલપુર. તેમની મુલાકાતની અસર જર્જરિત અને ત્યજી દેવાયેલા ઘરો, તૂટેલા તુલશી મોંચોસ અને ખાલી પડેલા આંગણાઓમાં જોઈ શકાય છે.
આશરે 12-13 વર્ષ પહેલાં હાથીઓએ આ ગામ પર પહેલી વાર હુમલો કર્યો ત્યારે ત્યાં 337 રહેવાસીઓ હતા (વસ્તીગણતરી 2011). એ પછી, પછીના દાયકામાં આ સંખ્યામાં ઘટાડો થતો ગયો અને હવે (2023 માં) રાજનોગોર બ્લોકના આ ગામમાં માત્ર આ એક જ પરિવાર હજી આજે પણ રહે છે, પોતાની જમીન અને પોતાના ઘરને વળગીને. હાથીઓના વારંવારના હુમલાથી ગભરાઈને અને પરેશાન થઈને ગ્રામીણોએ નજીકના શિઉડી, રાજનોગોર અને જોયપુર જેવા નગરો અને શહેરોમાં સ્થળાંતર કરી ગયા છે.
ગામના એક છેડે તેમના એક માળના માટીના ઘરના આંગણામાં બેઠેલા ઉજ્જોલ દાશે કહ્યું, “જેમને પોસાઈ શકે તેમ હતું તેઓ બીજા ગામોમાં (રહેવા) ગયા છે. મારો પરિવાર મોટો છે. મારી પાસે જવા માટે બીજું કોઈ ઠેકાણું નથી." 57 વર્ષના દાશ પૂછે છે, "(આ ગામ) છોડી દઈશું તો અમે ખાઈશું શું?” અહીંના રહેવાસીઓ તરીકે નોંધાયેલા મોટાભાગના લોકોની જેમ ઉજ્જોલનો પરિવાર બોઈરાગી સમુદાયમાંથી છે, જે પશ્ચિમ બંગાળમાં અન્ય પછાત વર્ગ (અધર બેકવર્ડ ક્લાસ - ઓબીસી) તરીકે સૂચિબદ્ધ છે.
53 વર્ષના ચોંદોના દાશ કહે છે કે તેઓ હાથીઓના ચિત્કાર સાંભળે છે ત્યારે તેઓ તેમના ગામથી પાંચ કિમી દૂર જોયપુર જવા નીકળી જાય છે. તેઓ ઉમેરે છે, "અને જો એ શક્ય ન હોય તો, અમે બધા ઘરની અંદર રહીએ છીએ."
પોટોલપુરના આ એકલ રહેવાસીઓ કહે છે કે બીજી સમસ્યાઓ પણ છે. ગાંગમુડી -જોયપુર પંચાયત હેઠળ આવતા આ ગામનો રસ્તો જંગલની ખૂબ નજીક હોવાથી જોખમી છે. પરંતુ અહીં જ રહેવાનો નિર્ણય કરવા પાછળની મહત્વપૂર્ણ અને ગંભીર હકીકત એ છે કે જ્યારથી હાથીઓના હુમલા શરૂ થયા છે ત્યારથી કોઈ આ વિસ્તારમાં જમીન ખરીદવા માગતું નથી. ઉજ્જોલ કહે છે, "તેથી જમીન વેચીને જવાનું એટલું સહેલું નથી."
આ પરિવારના બીજા સભ્યો છે ઉજ્જોલની પત્ની ચોંદોના દાશ અને તેમના બે દીકરાઓ - ચિરોન્જીત અને પ્રોશેન્જીત. તેમની દીકરી 37 વર્ષની બોઈશાખીના લગ્ન 10 વર્ષ પહેલા થયા હતા અને તેઓ પોટોલપુરથી આશરે 50 કિલોમીટર દૂર આવેલા શાંઈથિયામાં રહે છે.
27 વર્ષના પ્રોશેન્જીત પાસે મારુતિ કાર છે અને તેઓ કહે છે કે નજીકના ગામોના લોકોને ગાડી ભાડે આપીને તેઓ મહિને લગભગ 10000 રુપિયા કમાય છે. તેમના પરિવારના બીજા લોકોની જેમ તેઓ પણ પરિવારની જમીન પર વરસાદ આધારિત પાકની ખેતી કરે છે. તેઓ ઉત્પાદનનો એક હિસ્સો પોતાના વપરાશ માટે રાખે છે અને બાકીનો હિસ્સો ઉજ્જોલ રાજનોગોર ખાતે અઠવાડિયામાં બે વાર - દર ગુરુવારે અને રવિવારે ભરાતા હાટ (સ્થાનિક બજાર) માં વેચે છે. અઠવાડિયાના બાકીના દિવસોમાં તેઓ કાં તો પોતાની સાઇકલ પર અથવા તેમના દીકરા ચિરોન્જીતની મોટરસાઇકલ પર ગામેગામ ફરીને શાકભાજી વેચે છે. પોતાના માટે અમુક ચોક્કસ હિસ્સો રાખ્યા બાદ તેઓ ડાંગર પણ વેચે છે.
ઉજ્જોલ દાશ કહે છે, “મારે મારા પાક પ્રત્યેના પ્રેમને કારણે હાથીઓના હુમલાની પીડા સહન કરીને પણ અહીં રહેવું પડશે." તેઓ પોતાનું ગામ છોડવા માંગતા નથી.
રાજનોગોર હાઈસ્કૂલના ભૂતપૂર્વ ઈતિહાસ શિક્ષક શોન્તોષ કોર્મોકારના જણાવ્યા અનુસાર ઘટતા જંગલોને કારણે હાથીઓ ખેતીના વિસ્તારોમાં અતિક્રમણ કરી રહ્યા છે. તેઓ કહે છે કે હાથીઓ ઝારખંડ પાર કર્યા પછી પુરુલિયાની જે ડોલ્મા રેન્જમાં પ્રવેશ કરે છે તે ટેકરીઓ અગાઉ ગીચ વૃક્ષોથી છવાયેલી હતી અને ત્યાં હાથીઓના ટોળા માટે પૂરતો ખોરાક મળી રહેતો હતો.
કોર્મોકાર કહે છે, “આજે હાથીઓ જોખમમાં છે. તેઓ ખોરાકની શોધમાં ટેકરીઓ છોડી રહ્યા છે." વૈભવી રિસોર્ટ બનાવવા માટે મોટાપાયે થતી વનનાબૂદીને કારણે તેમજ માનવ અવરજવર વધવાને કારણે હાથીઓ માટે ખોરાકની અછત ઊભી થઈ છે અને તેમના રહેઠાણને ખલેલ પહોંચી છે.
પ્રોશેન્જીત કહે છે કે આ વર્ષે (2023 માં) ગામમાં કોઈ હાથી જોવા મળ્યો નથી. પરંતુ ચિંતા તો સતત રહે છે: "હવે જો હાથીઓ આવશે તો કેળાના બગીચા ખલાસ કરી નાખશે." તેમનો કેળાનો બગીચો 10 કાઠા (0.16 એકર) માં ફેલાયેલો છે.
પશ્ચિમ બંગાળ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ (વન વિભાગ) ના આ અહેવાલ મુજબ "જંગલી પ્રાણીઓના હુમલાને કારણે થતા માણસોના મૃત્યુ/ઈજાઓ તેમ જ મકાનો/પાક/પશુધનને થતા નુકસાન સામે" ખેડૂતોને વળતર અપાવું જોઈએ. ઉજ્જોલ દાશ પાસે માત્ર ચાર બીઘા જમીનના કાગળો છે. બાકીની (10 બીઘા) જમીન તેમને તેમના પૂર્વજો પાસેથી વારસામાં મળી હતી પરંતુ તેના પુરાવા તરીકે તેમની પાસે કોઈ દસ્તાવેજો નથી અને તેથી તેમને તેમના નુકસાન બદલ કોઈ વળતર મળી શકતું નથી. તેઓ જણાવે છે, "હાથીઓએ 20000-30000 રુપિયાનો પાક બરબાદ કરી નાખ્યો હોય તો સરકાર 500 થી 5000 રુપિયાની વચ્ચે કંઈક સાવ મામૂલી વળતર આપે છે."
2015 માં તેમણે નુકસાનના વળતર માટે અરજી કરી હતી અને રાજનોગોરના બ્લોક ડેવલપમેન્ટ ઓફિસર પાસેથી વળતર તરીકે તેમને 5000 રુપિયા મળ્યા હતા. ત્રણ વર્ષ પછી 2018 માં તેમને સ્થાનિક રાજકીય નેતા પાસેથી વળતર તરીકે 500 રુપિયા મળ્યા હતા.
સ્થાનિક વન વિભાગના રેન્જર કુદરોત ખોદા કહે છે કે તેઓ ગ્રામજનોની સલામતી અને સુરક્ષા માટે તમામ પ્રકારની સાવચેતી રાખે છે. "અમારી પાસે 'ઐરાવત' નામની ગાડી છે. અમે આ ગાડીનો ઉપયોગ હાથીઓને ભગાડવા માટે સાયરન વગાડવા માટે કરીએ છીએ. અમે તેમને કોઈ શારીરિક નુકસાન પહોંચાડ્યા વિના માત્ર સાયરન વગાડીને તેમને ભગાડી દઈએ છીએ.”
વન વિભાગ પાસે સ્થાનિક ગોજોમિત્રો પણ છે. પોટોલપુરથી સાત કિમી દૂર આવેલા બાગાનપાડાના પાંચ યુવાનોને ગોજોમિત્રો તરીકે કામ કરવા માટે વન વિભાગ દ્વારા કરાર પર નિયુક્ત કરવામાં આવ્યા છે. હાથીઓ આવે ત્યારે તેઓ જ વન વિભાગને તેની જાણ કરે છે.
જોકે પોટોલપુરના આ છેલ્લા કેટલાક રહેવાસીઓ આ નિવેદન સાથે સહમત નથી. ચોંદોના દાશ દલીલ કરે છે, "અમને વન વિભાગ તરફથી કોઈ મદદ મળતી નથી." ત્યજી દેવાયેલા ઘરો અને ખાલી પડેલા આંગણાઓ તેમની લાચારીનો પુરાવો આપે છે.
અનુવાદ: મૈત્રેયી યાજ્ઞિક