ઝારખંડના ચેચરિયા ગામમાં સવિતા દેવીના માટીના મકાનની દિવાલ પર ડો.બી.આર. આંબેડકરનો ફોટો લટકે છે. સવિતા કહે છે, “બાબાસાહેબે અમને [મતદાનનો અધિકાર] આપ્યો છે, તેથી જ અમે મતદાન કરી શકીએ છીએ."
સવિતા પાસે એક વીઘા (0.75 એકર) જમીન છે જેના પર તેઓ રાબિ (રવિ) મોસમમાં ડાંગર અને મકાઈ અને ખરીફ મોસમમાં ઘઉં, ચણા અને તેલીબિયાંની ખેતી કરે છે. તેમણે વિચાર્યું હતું કે તેઓ તેમના ઘરની પાછળના વાડાની જમીનનો ઉપયોગ શાકભાજી ઉગાડવા માટે કરશે. તેઓ કહે છે, "પરંતુ બે વર્ષથી પાણી જ નથી." સતત બે વર્ષોના દુષ્કાળે તેમના પરિવારને દેવામાં ડૂબાડી દીધો છે.
બત્રીસ વર્ષના સવિતા પલામુ જિલ્લાના આ ગામમાં તેમના ચાર બાળકો સાથે રહે છે; તેમના પતિ, 37 વર્ષના પ્રમોદ રામ અહીંથી 2000 કિલોમીટર દૂર બેંગલુરુમાં સ્થળાંતરિત શ્રમિક તરીકે કામ કરે છે. આ દલિત દાડિયા મજૂર કહે છે, "સરકાર અમને નોકરીઓ આપતી નથી. બાળકોને ખવડાવવા માટેય અમારી પાસે પૂરતું નથી."
બાંધકામના સ્થળે કામ કરીને પ્રમોદ દર મહિને લગભગ 10000-12000 રુપિયા કમાય છે. કેટલીકવાર તેઓ ટ્રક ડ્રાઇવર તરીકે કામ કરે છે, પરંતુ એ કામ આખું વર્ષ મળતું નથી. સવિતા કહે છે, "પુરુષો ચાર મહિના ઘરે બેસી રહે તો અમારે ભીખ માગવા વારો આવે." તેઓ પૂછે છે, "[સ્થળાંતર ન કરીએ તો] અમે બીજું કરીએ શું?”
(વસ્તીગણતરી 2011 પ્રમાણે) 960 રહેવાસીઓના ગામ ચેચરિયાના મોટાભાગના પુરુષો કામની શોધમાં ગામ છોડી જાય છે. સવિતાના 60 વર્ષના સાસુ સુરપતિ દેવી સ્થળાંતરનું કારણ સ્પષ્ટ કરતા જણાવે છે, "અહીં નોકરીની તકો નથી, જો અહીં જ કામ મળી રહેતું હોય તો લોકો બહાર શા માટે જાય?"
(વસ્તીગણતરી 2011 પ્રમાણે) આઠ લાખથી વધુ લોકો કામ અને રોજગાર માટે ઝારખંડની બહાર જાય છે. હરિશંકર દુબે કહે છે, "આ ગામમાં તમને 20 થી 52 વર્ષની વયની વચ્ચેનો એક પણ કામ કરનાર વ્યક્તિ જોવા મળશે નહીં." બાસણા પંચાયત સમિતિના સભ્ય હરિશંકર ઉમેરે છે, "માત્ર પાંચ ટકા રહ્યા છે; બાકીના બધા સ્થળાંતર કરી ગયા છે." ચેચરિયા ગામ બાસણા પંચાયત હેઠળ આવે છે.
ગુસ્સે ભરાયેલા સવિતાએ કહ્યું, "આ વખતે જ્યારે એ લોકો મત માગવા આવશે ત્યારે અમે પૂછીશું કે તમે આ ગામ માટે કર્યું છે શું?" તેઓ જવાબ માગવા દ્રઢનિશ્ચયી હતા. તેઓ પોતાના ઘર આગળ પરિવારના બીજા સભ્યો સાથે બેઠા છે, તેમણે ગુલાબી નાઈટી પહેરી છે અને માથે પીળો દુપટ્ટો વીંટ્યો છે. બપોરની આસપાસનો સમય છે, અને શાળામાં ભણતા તેમના ચાર બાળકો મધ્યાહન ભોજનના ભાગ રૂપે ખીચડી ખાઈને હમણાં જ શાળાએથી પાછા ફર્યા છે.
સવિતા દલિત ચમાર સમુદાયના છે અને કહે છે કે તેમને ભારતના બંધારણનો મુસદ્દો ઘડનાર - બાબાસાહેબ આંબેડકર વિષે - ગામના રહેવાસીઓ દ્વારા આયોજિત આંબેડકર જયંતિની ઉજવણીમાંથી જાણવા મળ્યું હતું. આ ગામના રહેવાસીઓમાંથી 70 ટકા અનુસૂચિત જાતિ (શિડયુલ્ડ કાસ્ટ) સમુદાયના છે. અહીંથી 25 કિલોમીટર દૂર ગઢવા નગરના બજારમાંથી થોડા વર્ષો પહેલા તેમણે આંબેડકરનો ફ્રેમમાં મઢેલો ફોટો ખરીદ્યો હતો.
2022 માં પંચાયતની ચૂંટણીઓ પહેલાં ખૂબ તાવ હોવા છતાં સવિતાએ મુખિયાની (મુખીની) પત્નીની વિનંતીથી પ્રચાર રેલીમાં ભાગ લીધો હતો. સવિતા કહે છે, "જો તેઓ જીતે તો તેમણે અમને હેન્ડપંપ આપવાનું વચન આપ્યું હતું." જ્યારે તેઓ જીતી ગયા પરંતુ તેમણે આપેલું વચન અધૂરું રહ્યું ત્યારે સવિતા બે વાર તેમના ઘેર ગયા હતા. સવિતા કહે છે, “મને મળવાની વાત તો દૂર રહી, તેમણે મારી સામું પણ ન જોયું. તેઓ પોતે એક મહિલા છે, તેમ છતાં તેમણે બીજી મહિલાની દુર્દશા પ્રત્યે સહાનુભૂતિ બતાવી નહોતી.
ચેચરિયા ગામ 10 વર્ષ કરતા વધુ સમયથી પાણીના સંકટનો સામનો કરી રહ્યું છે. અહીં માત્ર એક જ કાર્યરત કૂવો છે જે 179 પરિવારોને પાણી પૂરું પાડે છે. સવિતા ઢોળાવવાળા રસ્તે 200 મીટર ચઢીને દરરોજ દિવસમાં બે વાર હેન્ડપંપ પરથી પાણી લેવા જાય છે. તેઓ પાણીને લગતા કામમાં દરરોજ સવારે ચાર કે પાંચ વાગ્યાથી શરૂ કરીને લગભગ પાંચથી છ કલાક વિતાવે છે. તેઓ પૂછે છે "અમને હેન્ડપંપ આપવાની સરકારની જવાબદારી નથી?"
ઝારખંડ સતત દુષ્કાળથી ખરાબ રીતે અસરગ્રસ્ત છે: 2022 માં, લગભગ સમગ્ર રાજ્ય - 226 બ્લોક્સ - દુષ્કાળગ્રસ્ત જાહેર કરવામાં આવ્યા હતા. બીજા વર્ષે, 2023, 158 બ્લોક્સ દુષ્કાળગ્રસ્ત હતા.
પોતાના કાચા ઘરના આંગણામાં આવેલા, 2024 ના ઉનાળાની શરૂઆતમાં જ, છેલ્લા એક મહિનાથી સૂકાઈ ગયેલા કૂવા તરફ ઈશારો કરતાં સવિતા કહે છે, "પાણી વાપરતા પહેલા અમારે વિચારવું પડે કે કેટલું પાણી અમે પીવા માટે વાપરી શકીશું અને કેટલું અમારા કપડાં ધોવા માટે."
ચેચરિયામાં લોકસભા સામાન્ય ચૂંટણી, 2024ના ચોથા તબક્કામાં 13 મેના રોજ મતદાન થવાનું છે. પ્રમોદ અને તેમના નાના ભાઈ, જેઓ પણ એક સ્થળાંતરિત શ્રમિક છે, તેઓ એ પહેલા ઘેર પાછા ફરશે. સવિતા કહે છે, “તેઓ માત્ર મત આપવા આવે છે. ઘેર પાછા ફરવા માટે તેમને લગભગ 700 રુપિયાનો ખર્ચો થશે. કદાચ તેમની હાલની નોકરી પણ છૂટી જાય, અને તેમને ફરી દાડિયા મજૂરીનું કામ શોધવા વારો આવે એવું પણ બની શકે.
*****
ચેચરિયાથી થોડાક જ કિલોમીટર દૂર છ લેનનો હાઇવે નિર્માણાધીન/બની રહ્યો છે, પરંતુ આ ગામ સુધી પહોંચવા માટે હજી એક પણ પાકો રસ્તો નથી. તેથી જ્યારે 25 વર્ષના રેણુ દેવીને વેણ ઉપડ્યું ત્યારે સરકારી ગારી (સરકારી એમ્બ્યુલન્સ) તેમના ઘર સુધી પહોંચી શકી નહીં. તેઓ કહે છે, "એ હાલતમાં મારે મુખ્ય માર્ગ સુધી [લગભગ 300 મીટર] ચાલવું પડ્યું હતું." એ હાલતમાં રાત્રે 11 વાગે ચાલ્યાનું તેમની યાદમાં સ્પષ્ટપણે કોતરાયેલું છે.
માત્ર એમ્બ્યુલન્સ જ નહીં, લાગે છે કે બીજી કોઈ પણ સરકારી યોજનાઓ તેમના સુધી પહોંચી નથી.
ચેચરિયામાં મોટાભાગના પરિવારો ચૂલા પર રાંધે છે - કાં તો તેમને પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના હેઠળ એલપીજી સિલિન્ડર મળ્યો નથી અથવા એ સિલિન્ડર રિફિલ કરાવવા (ફરીથી ભરાવવા) માટે તેમની પાસે પૈસા નથી.
ચેચરિયાના તમામ રહેવાસીઓ પાસે મહાત્મા ગાંધી નેશનલ રૂરલ એમ્પ્લોયમેન્ટ જનરેશન કાર્ડ (મનરેગા) કાર્ડ (બુકલેટ) છે, જે વર્ષમાં 100 દિવસ કામની ખાતરી આપે છે. પાંચ-છ વર્ષ પહેલા આ કાર્ડ આપવામાં આવ્યા હતા, પરંતુ તેના પાના કોરા જ રહ્યા છે. હજી એમાંથી (વપરાયા વિનાના) તાજા કાગળની સુગંધ આવે છે.
રેણુની બહેન પ્રિયંકાએ 12 મા ધોરણ પછી ભણવાનું અધવચ્ચે છોડી દીધું હતું કારણ કે પરિવારને ફી ભરવાનું પોસાતું નહોતું. દરજીકામ કરીને આજીવિકા રળવાની આશાએ 20 વર્ષની આ યુવતીએ તાજેતરમાં પોતાના કાકી પાસેથી સિલાઈ મશીન ઉધાર લીધું હતું. બાળકને જન્મ આપ્યા પછી પિયરમાં રહેતા રેણુ કહે છે, "થોડા વખતમાં જ પ્રિયંકાના લગ્ન થવાના છે. વર પાસે નથી નોકરી કે નથી પાકું ઘર નથી, તેમ છતાં એ 2 લાખ રુપિયાની માગણી કરી રહ્યો છે.” પરિવારે આ લગ્ન માટે પૈસા ઉછીના લઈ પણ લીધા છે.
જ્યારે કોઈ કમાણી ન હોય ત્યારે ચેચરિયાના ઘણા રહેવાસીઓ શાહુકાર પાસેથી પૈસા ઉધાર લે છે જેઓ ઊંચા વ્યાજ દર વસૂલ કરે છે. સુનિતા દેવી કહે છે, “આ ગામમાં એવું કોઈ ઘર નથી કે જેના માથે દેવાનો બોજ ન હોય." તેમના જોડિયા દીકરાઓ લવ અને કુશ બંને કામ માટે મહારાષ્ટ્રના કોલ્હાપુરમાં સ્થળાંતરિત થયેલા છે. તેઓ જે પૈસા ઘેર મોકલે છે તે જ તેમના ભરણપોષણનો એકમાત્ર આધાર છે. તેમના 49 વર્ષના માતા કહે છે, "તેઓ ક્યારેક 5000 તો ક્યારેક 10000 [રુપિયા] મોકલે છે."
ગયા વર્ષે તેમની દીકરીના લગ્ન માટે સુનિતા અને તેમના પતિ રાજકુમાર રામે સ્થાનિક શાહુકાર પાસેથી પાંચ ટકાના વ્યાજે એક લાખ રૂપિયા ઉછીના લીધા હતા - તેઓ 20000 રુપિયા પાછા ચૂકવી શક્યા છે અને કહે છે કે હજી 1.5 લાખ રુપિયા ચૂકવવાના બાકી છે.
સુનીતા દેવી કહે છે, “ગરીબ કે છાંવ દેવાલા કોઈ નઈકે. અગર એક દિન હમન ઝૂરી નહી લાનબ, તા અગલા દિન હમન કે ચૂલ્હા નહીં જલતી [ગરીબોને મદદ કરવાવાળું કોઈ નથી. જો એક દિવસ અમે લાકડાં ન લાવીએ તો બીજે દિવસે અમારો ચૂલો ન સળગે]."
ગામની બીજી મહિલાઓ સાથે તેઓ દરરોજ 10-15 કિમી ચાલીને પહાડી પરથી લાકડાં ભેગા કરે છે અને વન રક્ષકો તરફથી સતત પરેશાનીનો સામનો કરે છે.
2019 માં છેલ્લી લોકસભા સામાન્ય ચૂંટણી પહેલા સુનિતા દેવીએ ગામની બીજી મહિલાઓ સાથે પ્રધાનમંત્રી આવાસ યોજના (પીએમએવાય) હેઠળ ઘર માટે અરજી કરી હતી. તેઓ કહે છે, "કોઈને ઘર મળ્યું નથી." અને ઉમેરે છે, "અમને જો કોઈ એક માત્ર લાભ મળતો હોય તો એ છે રાશન. અને એ પણ અમને પાંચને બદલે 4.5 કિલો જ મળે છે.”
પાંચ વર્ષ પહેલા ભારતીય જનતા પાર્ટીના વિષ્ણુ દયાલ રામે કુલ મતોના 62 ટકા મત સાથે વિજય મેળવ્યો હતો. તેમણે રાષ્ટ્રીય જનતા દળના ઘુરન રામને હરાવ્યા હતા. આ વર્ષે પણ તેઓ આ જ બેઠક પરથી ચૂંટણી લડી રહ્યા છે.
ગયા વર્ષ, 2023 સુધી, સુનિતા તેમના વિશે કંઈ જ જાણતા ન હતા. એક સ્થાનિક મેળામાં તેમણે તેમના નામના કેટલાક સૂત્રો સાંભળ્યા હતા. “હમારા નેતા કૈસા હો? વી ડી રામ જૈસા હો!”
સુનિતા કહે છે, "આજ તક ઉનકો હમલોગ દેખા નહીં હૈ [આજની ઘડી ને કાલનો દહાડો, અમે એમને હજી સુધી ક્યારેય જોયા નથી]."
અનુવાદ: મૈત્રેયી યાજ્ઞિક