મે મહિનાની શરૂઆતમાં, અજયકુમાર સૉએ જોયું કે તેમને તાવ હતો. તેથી તેમણે ઝારખંડના ચતરા જિલ્લામાં આવેલા પોતાના ગામ અસરહિયાથી આઠ કિલોમીટર દૂર ઇખ્તોરી શહેરના એક ખાનગી ક્લિનિકમાં ડોક્ટરની મુલાકાત લીધી.
ડોક્ટરે કપડાના વેપારી એવા 25 વર્ષીય અજય (કવર છબીમાં તેમના દીકરા સાથે)નું કોવિડ પરીક્ષણ કરાવ્યા વગર, ટાઇફોઇડ અને મેલેરિયા હોવાનું નિદાન કર્યું. જો કે તેમણે અજયનું બ્લડ ઓક્સીજન સેચ્યુરેશન માપ્યું હતું, જે 75થી 80 ટકાની વચ્ચે હતું. (સામાન્ય રેન્જ 95થી 100 હોય છે.) ત્યારબાદ તેમણે અજયને ઘેર મોકલી દીધા હતા.
2-3 કલાક પછી તેમને શ્વાસ લેવામાં પણ તકલીફ પાડવા લાગી અને તેઓ ચિંતિત થઈ ગયા. તે જ દિવસે તેઓ બીજા એક ડોક્ટરને મળવા નીકળી પડ્યા. આ વખતે તેઓ હઝારીબાગ (અસરહિયાથી લગભગ 45 કિલોમીટર દૂર)ના બીજા એક ખાનગી ક્લિનિકમાં ગયા. અહીંયાં પણ તેમનું ટાઇફોઇડ અને મેલેરિયાનું પરીક્ષણ કરવામાં આવ્યું, પણ કોવિડ-19નું નહીં.
જો કે, અજય એ જ ગામના એક વિડિઓ એડિટર હૈયુલ રહમાન અન્સારીને કહે છે કે તેમનું કોવિડ પરીક્ષણ કર્યા વગર પણ “ડોક્ટરે મને જોયો અને કહ્યું કે મને કોરોના છે. તેમણે મને કહ્યું હતું કે સદર હોસ્પિટલ [હઝારીબાગની એક સરકારી હોસ્પિટલ] જાવ કારણ કે જો તેઓ મારી સારવાર કરશે તો ખર્ચ વધી થશે. ડરના માર્યા, અમે કહ્યું કે જે ખર્ચ થશે એ અમે ચૂકવશું. અમને સરકારી હોસ્પિટલો પર ભરોસો નથી. જે પણ ત્યાં [કોવિડની] સારવાર માટે જાય છે, તે જીવતા પાછા નથી આવતા.
મહામારી પહેલાં, અજય તેમની મારુતિ વાનમાં ગામડે ગામડે ફરીને કપડા વેચતા હતા અને મહીને 5,000-6,000 રૂપિયા કમાતા હતા
આ વાર્તાનાં સહ-લેખક હૈયુલ રહેમાન અન્સારી અસરહિયામાં એપ્રિલમાં એક વર્ષમાં બીજી વખત ઘેર પરત ફર્યા હતા. તેઓ મુંબઈમાં વિડિઓ એડિટર તરીકે નોકરી ચાલુ કરવાના જ હતા ને મહારાષ્ટ્રમાં એપ્રિલમાં 2021નું લોકડાઉન લાદી દેવામાં આવ્યું. મે મહિનામાં લાગું પડેલ દેશવ્યાપી કોવિડ-19 લોકડાઉન દરમિયાન તેઓ પહેલીવાર ગયા હતા. (પારીની તેમના વિષેની વાર્તા જુઓ .) તેમણે અને તેમના પરિવારે પોતાની 10 એકર જમીન પર ડાંગરની ખેતી કરીને ઘર નભાવ્યું, જેમાંથી અમુક પાક તેમણે પોતાના ઉપયોગ માટે રાખ્યો અને બાકીનો બજારમાં વેચી દીધો.
અસરહિયામાં 33 વર્ષીય રહમાન પાસે કોઈ કામ નહોતું. ગામમાં એમની વિડિઓ એડીટીંગની કુશળતાનું ઓછું મૂલ્ય છે, અને પરિવારની 10 એકર જમીનમાં ચોખા અને મકાઈની વાવણીની શરૂઆત જૂનના મધ્યમાં જ થઈ. ત્યાં સુધી તેમની પાસે કંઈ ખાસ કામ નહોતું. મીડિયામાં તેમની પૃષ્ઠભૂમિ જોઈએ તો - તેમણે માસ કમ્યુનિકેશનમાં સ્નાતક (બીએ)ની પદવી મેળવેલી છે અને તેમણે 10 વર્ષ સુધી મુંબઈમાં વિડિઓ એડિટર તરીકે કામ કરેલું છે. આથી અમે તેમને પૂછ્યું કે શું તેઓ અસરહિયાના લોકો મહામારીથી કઈ રીતે પ્રભાવિત થયા છે તે વિષે અહેવાલ આપશે? આ વિચારથી તેઓ ઉત્સાહિત થઈ ગયા.
આ વિડીઓમાં રહમાને અજય કુમાર સૉના કોવિડ સામેના સંઘર્ષ અને તેમના વધતા જતા દેવા વિષે વાત કરી છે. સરકારી હોસ્પિટલોથી ડરતા અજય અને તેમના પરિવારજનોએ અજયની સારવાર હઝારીબાગના ખાનગી ક્લિનિક/નર્સિંગ હોમમાં ચાલુ રાખવાનું નક્કી કર્યું, ત્યારબાદ તેમને કોવિડ માટે ઓક્સિજન સપોર્ટ અને દવા આપવામાં આવી. તેમણે ત્યાં 13 મે સુધી કુલ સાત દિવસ વિતાવવા પડ્યા. તેમને એ વાતનો અંદાજો નહોતો કે આનો ખર્ચ 1.5 લાખ રૂપિયા થશે. અજયના પરિવારજનો આ ખર્ચ એક જ રીતે ચૂકવી શકે તેમ હતા - અલગ અલગ જગ્યાએથી લોન લઈને. તેમણે તેમનાં માતા જે મહિલા સમૂહના સભ્ય છે, તેના એક શાહુકાર પાસેથી, અને અજયની દાદીના પરિવાર પાસેથી લોન લીધી.
મહામારી પહેલાં, અજય તેમની મારુતિ વાનમાં ગામડે ગામડે ફરીને કપડા વેચતા હતા અને મહીને 5,000-6,000 રૂપિયા કમાતા હતા. તેમણે ગયા વર્ષે અને આ વર્ષે લોકડાઉન દરમિયાન વ્યાપાર બંધ કરવો પડ્યો હતો. તેમણે ડીસેમ્બર 2018માં 3 લાખ રૂપિયાની લોન લઈને વાન ખરીદી હતી, જેમાંથી અમુક રકમની ચુકવણી હજુ પણ બાકી છે. તેમના પરિવારે ગયા વર્ષે એક એકર જમીન પર ડાંગરની વાવણી કરીને અને વધારાની લોન લઈને નભાવ્યું હતું. તેઓ રહમાનને કહે છે, “અમે જ્યારે કમાવવાનું શરૂ કરીશું, ત્યારે અમે ધીમે ધીમે બધાં પૈસા ચૂકવી દઈશું.”
અનુવાદક: ફૈઝ મોહંમદ