અંજન ગામની સીમમાં આવેલ એક પવિત્ર ટેકરી પર ભગવા અને સફેદ બંને રંગની ધજાઓ ફરકે છે. સફેદ ધજાઓ પ્રકૃતિની પૂજા કરતા આદિવાસી સમુદાયોના સરના અનુયાયીઓ - આ કિસ્સામાં ઉરાંઓ આદિવાસીઓ - ની છે, જ્યારે ભગવી ધજા ઝારખંડના ગુમલા જિલ્લામાં આ ટેકરીની ટોચ પર 1985 માં હનુમાન મંદિર બાંધનાર હિન્દુઓની છે. તેમનો દાવો છે કે આ જગ્યા એ હિન્દુ દેવતાનું (હનુમાનનું) જન્મસ્થળ છે.
વાંસના દરવાજા પરના બે મોટા બેનરો પર બે સમિતિઓના નામ છે. વન વિભાગ અને (સંયુક્ત ગ્રામ વન પ્રબંધન સમિતિ તરીકે સંગઠિત) અંજનના લોકો દ્વારા સંયુક્ત રીતે ચલાવવામાં આવતું ગુમલા વન પ્રબંધન મંડલ 2016 થી આ તીર્થસ્થળનું સંચાલન સંભાળે છે. 2019 માં સ્થાપિત અંજન ધામ મંદિર વિકાસ સમિતિ ઓફ હિન્દુસ આ મંદિરનું સંચાલન સંભાળે છે.
મુલાકાતીઓને આવકારતા આ દરવાજાની અંદર જઈએ કે તરત જ સામે બે દાદરા છે, બંને અલગ-અલગ પૂજા સ્થળ તરફ દોરી જાય છે. એક દાદરો તમને સીધા ટેકરીની ટોચ પર આવેલા હનુમાન મંદિરમાં લઈ જાય છે. બીજો દાદરો તમને બે ગુફાઓ તરફ દોરી જાય છે, હિન્દુ મંદિર અસ્તિત્વમાં આવ્યું તે પહેલા સદીઓથી આદિવાસી પાહનો આ ગુફાઓમાં પૂજા કરતા હતા.
બે અલગ-અલગ જૂથોની ધાર્મિક આસ્થાને પોષતા તેમના આગવા પૂજા સ્થાનોની નજીક બે જુદા જુદા દેવો માટે બે જુદી જુદી દાન પેટીઓ મૂકવામાં આવી છે - એક ગુફા પાસે અને એક મંદિરની અંદર. ત્રીજી દાન પેટી બજરંગ દળની છે અને આંગણામાં રાખેલી છે. આ પેટીમાંના ભંડોળનો ઉપયોગ મંગળવારના ભંડારા માટે કરવામાં આવે છે, મંગળવારના ભંડારામાં શ્રદ્ધાળુ સંતોને ભોજન કરાવવામાં આવે છે. અને ગામની નજીક, ટેકરીની તળેટીમાં એક બીજી દાન પેટી છે, એ પેટીમાંનું ભંડોળ આદિવાસીઓને પૂજા માટેની સામગ્રી અને પ્રસાદ ખરીદવામાં મદદરૂપ થાય છે.
આ ધાર્મિક સ્થળ પરની વિચિત્ર પૂજા વ્યવસ્થા વિશે મારી ઉત્સુકતાને શાંત કરતા ગામના ભૂતપૂર્વ વડા 42 વર્ષના રંજય ઉરાંઓ કહે છે, “આ સંપૂર્ણ આદિવાસી વિસ્તાર છે. અંજનમાં પહેલાં કોઈ પંડિત નહોતા. બનારસના પંડિતો હાલ થોડા વખત પહેલા જ આ વિસ્તારમાં આવ્યા છે. અહીંના ઉરાંઓ આદિવાસીઓ વર્ષોથી પ્રકૃતિ દેવી અંજનીની પૂજા કરે છે, પરંતુ અંજનીનું હનુમાન સાથે કોઈ સગપણ છે એવી તો અમને ક્યારેય ખબર જ નહોતી."
રંજય કહે છે, "પંડિતો આવ્યા અને લોકોને કહેવા લાગ્યા કે હકીકતમાં અંજની હનુમાનની માતા હતી. એ પછી અંજનને હનુમાનનું પવિત્ર જન્મસ્થળ જાહેર કરવામાં આવ્યું. અને કોઈ કંઈ સમજે તે પહેલા તો ટેકરીની ટોચ પર એક હનુમાન મંદિર ખડું કરી દેવામાં આવ્યું અને તે સ્થળને અંજન ધામ તરીકે જાહેર કરવામાં આવ્યું.”
તેઓ મને જણાવે છે કે આદિવાસીઓએ ક્યારેય મંદિરની માગણી કરી જ નહોતી; આ પહેલ સત્તામાં રહેલા સબ-ડિવિઝનલ ઓફિસરની હતી. તે સમયે ઝારખંડ બિહારનો એક ભાગ હતું.
અંજનના હનુમાન મંદિરના પંડિત કેદારનાથ પાંડે પાસે આ મંદિરની સ્થાપના કેવી રીતે થઈ તેની સાથે જોડાયેલી એક રસપ્રદ વાર્તા છે. 46 વર્ષના આ પંડિત કહે છે, "મારા દાદા, મનિકનાથ પાંડેને તેમના સપનામાં જ્ઞાન થયું હતું, જેમાં તેમણે આ પર્વત પરની એક ગુફામાં હનુમાનનો જન્મ થયો હોવાનું જોયું હતું." કેદારનાથ આ મંદિરનું સંચાલન કરતા ગામના માત્ર બે પંડિત પરિવારોમાંના એક પરિવારમાંથી છે.
તેઓ કહે છે કે તે સમયથી તેમના દાદાએ ટેકરી ઉપર જઈને પ્રાર્થના કરવાનું અને રામાયણ વાંચવાનું શરૂ કર્યું હતું. "અંજના ગૌતમ ઋષિ અને તેમના પત્ની અહલ્યાના પુત્રી હતા." તેઓ અમને તેમના દાદા પાસેથી સાંભળેલી વાર્તા કહે છે. "તેમને શાપ આપવામાં આવ્યો હતો અને તેઓ આ અજાણ્યા પર્વત પર આવ્યા હતા. તેમના પરથી આ સ્થળનું નામ પડ્યું -અંજના ટેકરી. તેઓ શિવના ભક્ત હતા. એક દિવસ શિવ તેની સામે એક ચિકિત્સકના રૂપમાં પ્રગટ થયા અને તેમને શાપમાંથી મુક્ત કરવા માટે તેમના કાનમાં મંત્ર ફૂંક્યો. એ મંત્રની શક્તિને કારણે જ હનુમાનનો જન્મ તેમના ગર્ભમાંથી નહીં પણ તેમની જાંઘમાંથી થયો હતો.”
તેઓ શાંતિથી કહે છે, “એ દિવસોમાં રઘુનાથ સિંહ ગુમલાના એસડીઓ હતા અને તેઓ મારા પિતાના ખૂબ નજીકના મિત્ર હતા. બંનેએ નક્કી કર્યું કે ટેકરી પર હનુમાનનું મંદિર હોવું જોઈએ. પહેલા આદિવાસીઓએ વિરોધ કર્યો અને બકરાનું બલિદાન આપ્યું. પણ પછીથી મંદિર બાંધવામાં આવ્યું, અને આ સ્થળને અંજન ધામ જાહેર કરવામાં આવ્યું."
અંજન ગામનું નામ અંજની મા પરથી પડ્યું છે - તેઓ એક આદિવાસી દેવી છે, પ્રકૃતિની આ એક શક્તિ ગામની આસપાસની ટેકરીઓમાં વસતી હોવાનું ગામલોકો માને છે. સદીઓથી તેઓ ગુફાઓમાં વિધિવત રીતે આ દેવીની પ્રાર્થના કરતા આવ્યા છે.
50 વર્ષના ગ્રામીણ મહેસ્વર ઉરાંઓ કહે છે, “ઘણા વર્ષોથી લોકો પર્વત પરના ખડકોની પૂજા કરતા હતા, અને આ પ્રકૃતિની પૂજા હતી. આ પર્વત પર હનુમાનજીનો જન્મ થયો હોવાની કથાનો પ્રચાર ઘણો પાછળથી કરવામાં આવ્યો.
બિરસા ઉરાંઓ આ ગામના વડા છે. પાંસઠેક વર્ષના બિરસાએ તેમના જીવનકાળ દરમિયાન જ અંજનમાં હનુમાન મંદિર ઊભું થયેલું જોયું છે. તેઓ સ્પષ્ટપણે કહે છે, "આદિવાસીઓ હિંદુ નથી. અંજન ગામમાં બહુમતી ધરાવતા ઉરાંઓ આદિવાસીઓ સરના ધર્મનું પાલન કરે છે. સરના ધર્મમાં પ્રકૃતિની - વૃક્ષો, પર્વતો, નદીઓ, ઝરણાં, બધાની જ - પૂજા કરવામાં આવે છે. અમને જીવવામાં મદદ કરતી પ્રકૃતિની દરેક વસ્તુની અમે પ્રાર્થના કરીએ છીએ.
આ જ ગામના 32 વર્ષના રમની ઉરાંઓ કહે છે કે ગામના લોકો મૂળ રીતે સરનાના અનુયાયીઓ હતા, જે માત્ર પ્રકૃતિની પૂજા છે. તેઓ કહે છે, “અમારા લોકો હજી આજે પણ સરહુલ [વસંતનો તહેવાર] અને કરમ [લણણીનો તહેવાર] જેવા કુદરત સાથે સંબંધિત તહેવારો ખૂબ ધામધૂમથી ઉજવે છે. મંદિર બન્યું તે પહેલા અમે હનુમાન વિશે ક્યારેય જાણતા નહોતા. અમે પર્વતોની પૂજા કરતા હતા. અહીં અંદર કેટલાક ખડકો હોય એવી એક ગુફા છે. અમે એ ખડકોની પૂજા કરતા હતા." તેઓ ઉમેરે છે, “પછીથી હનુમાનની વાત પ્રચલિત થઈ, આ મંદિર ઊભું થયું, દરેક જગ્યાએથી લોકો પ્રાર્થના કરવા અહીં આવવા લાગ્યા. ત્યારથી કેટલાક આદિવાસીઓએ હનુમાનની પૂજા કરવાનું શરૂ કર્યું."
રણેન્દ્ર કુમાર કહે છે કે અંજનમાં એક આદિવાસી પૂજા સ્થળ પર હિંદુ મંદિર કબજો જમાવી દે એ વાતમાં કશું નવું કે આશ્ચર્યજનક નથી. ઝારખંડના જાણીતા નવલકથાકાર અને વાર્તાકાર 63 વર્ષના રણેન્દ્ર કુમાર જણાવે છે, "ઘણી આદિવાસી દેવીઓને શરૂઆતથી જ વૈદિક સમાજનો ભાગ બનાવવામાં આવી હતી."
તેઓ દલીલ કરે છે, “પહેલા બૌદ્ધોએ આદિવાસીઓ પાસેથી દેવીઓનો કબજો લઈ લીધો, અને પછીથી તે તમામ હિન્દુ ધર્મનો ભાગ બની ગયા. છત્તીસગઢની તારા, વજ્ર ડાકિની, દંતેશ્વરી જેવી દેવીઓ આદિવાસી દેવીઓ હતી. ખોટી સમાનતાઓના પ્રચાર દ્વારા જ આદિવાસીઓને હવે હિંદુઓમાં સમાવાઈ રહ્યા છે."
વર્તમાન સમયમાં બળજબરીથી સમાવેશ અથવા સાંસ્કૃતિક વિનિયોગની પ્રક્રિયા કેવી રીતે ચાલી રહી છે એ સમજાવતા ઝારખંડના કુરુખ ભાષાના પ્રાધ્યાપક ડો. નારાયણ ઉરાંઓ કહે છે, "માટીની નાની મૂર્તિઓ અને ધાર્મિક ઉત્સવો માટેની ખુલ્લી જગ્યાઓ - મડઈ, ને હિન્દુ દેવીઓના મંડપમાં અથવા મંદિરોમાં ફેરવી નાખવામાં આવે." એકવાર મંદિર બંધાઈ જાય પછી ત્યાં ભક્તોની ભીડ ઊતરી આવે છે, અને આદિવાસીઓ માટે તેમની ધાર્મિક પ્રથાઓ ચાલુ રાખવી અશક્ય બની જાય છે.
તેઓ કહે છે, "રાંચી પહાડી મંદિર, હરમુ મંદિર, અર્ગોડા મંદિર, કાંકે મંદિર, મોરહાબાદી મંદિર આના ઉદાહરણો છે. આજે પણ આ મંદિરોની બાજુમાં આદિવાસી પૂજાના અવશેષો મળી શકે છે. જે મેદાનોમાં આદિવાસીઓ સામુદાયિક ઉજવણી અને પ્રાર્થના કરતા હતા તે હવે દુર્ગા પૂજા માટે અથવા વ્યાપારી બજારો માટે ઉપયોગમાં લેવાય છે. દાખલા તરીકે, ઉરાંઓ-મુંડા લોકો જ્યાં તેમની પૂજા કરતા હતા અને તેમના તહેવારો ઉજવતા હતા તે રાંચીના અર્ગોડા પાસેનું મેદાન."
ગુંજલ ઈકિર મુંડા અમને રાંચી નજીક બુંડુના એક દેવડી મંદિર વિશે પણ જણાવે છે, ત્યાં પહેલા કોઈ મંદિર નહોતું પરંતુ તેમના સગાંસંબંધીઓ લાંબા સમયથી ત્યાં આદિવાસીઓ માટે પૂજા કરતા હતા. તેઓ કહે છે, “ત્યાં માત્ર એક પથ્થર હતો, અને વર્ષોથી મુંડા આદિવાસીઓ ત્યાં પ્રાર્થના કરતા હતા. મંદિર બન્યું એ પછી મોટી સંખ્યામાં હિંદુઓ ત્યાં પ્રાર્થના કરવા માટે આવવા લાગ્યા અને આ જગ્યા પોતાની હોવાનો દાવો કરવા લાગ્યા. ત્યારબાદ આ મુદ્દો કોર્ટમાં લઈ જવામાં આવ્યો અને હવે કોર્ટના આદેશ મુજબ એક જ જગ્યાએ બંને પ્રકારની પૂજા થઈ રહી છે. અઠવાડિયામાં થોડા દિવસો આદિવાસીઓ માટે પહાન પૂજા કરવામાં આવે છે અને બાકીના દિવસોમાં પંડિતો હિન્દુઓ માટે પૂજા કરે છે.
પર્વતો પર બે અલગ-અલગ પૂજા સ્થળ છે. આદિવાસી પહાનો બે ગુફાઓમાં ધાર્મિક વિધિઓ કરે છે અને પર્વતની ટોચ પર આવેલા હનુમાન મંદિરમાં હિંદુ પંડિતો પૂજા કરે છે
અને અહીં વાત પહેલી નજરે દેખાય છે એટલી સરળ નથી.
આદિવાસીઓને મુખ્ય હિંદુ વર્ગમાં સમાવવાની પ્રક્રિયા ગુપ્ત રીતે થઈ રહી છે. પોતાના પુસ્તક લોકાયતામાં, દેવીપ્રસાદ ચટ્ટોપાધ્યાય એક ખૂબ જ મહત્વનો સવાલ ઉઠાવે છે - જો 1874 માં વૈદિક ધર્મનું પાલન કરનારાઓની વસ્તી કુલ વસ્તીના માત્ર 10 ટકા હતી, તો પછી આ દેશમાં હિંદુઓને બહુમતીનો દરજ્જો કેવી રીતે મળતો રહ્યો? આનો જવાબ વસ્તી ગણતરીમાંથી મળી શકે.
1871 થી 1941 ની વચ્ચેની ભારતની વસ્તી ગણતરીએ આદિવાસીઓના ધર્મને જુદા જુદા મથાળા હેઠળ ઓળખાવ્યા હતા, ઉદાહરણ તરીકે, આદિવાસી, દેશી, આદિજાતિ, અને પ્રાણીવાદી. પરંતુ 1951માં સ્વતંત્ર ભારતની પ્રથમ વસ્તી ગણતરીએ તમામ વૈવિધ્યસભર પરંપરાઓને આદિજાતિ ધર્મ નામની નવી શ્રેણી હેઠળ એકીકૃત કરી. 1961માં તેને પણ હટાવીને તેને સ્થાને હિંદુ, ખ્રિસ્તી, જૈન, શીખ, મુસ્લિમ અને બૌદ્ધની સાથે 'અન્ય' એવો ફેરફાર કરવામાં આવ્યો.
પરિણામે 2011ની વસ્તીગણતરી અહેવાલ આપે છે કે 0.7 ટકા ભારતીયો પોતાને "અન્ય ધર્મો અને માન્યતા" હેઠળ જાહેર કરે છે. આ આંકડો સત્તાવાર રીતે વર્ગીકૃત અનુસૂચિત જનજાતિઓનો એક નાનો અંશ છે, જે દેશની કુલ વસ્તીના 8.6 ટકા છે.
વર્ષો પહેલા 1931 માં વસ્તી ગણતરી અહેવાલ માં ભારતના વસ્તી ગણતરી કમિશનર જે.એચ. હટને આદિવાસી ધર્મો હેઠળના આંકડાઓ વિશે તેમની ચિંતા વ્યક્ત કરી છે. તેઓ લખે છે, "જ્યારે પણ કોઈ વ્યક્તિ કોઈપણ માન્યતાપ્રાપ્ત ધર્મના સભ્યપદનો અસ્વીકાર કરે છે, ત્યારે વધુ પૂછપરછ કર્યા વિના તેને 'હિંદુ' તરીકે નોંધવાનું વલણ છે. આની પાછળની વિચાર પ્રક્રિયા કંઈક આવી છે: - આ ભૂમિને હિન્દુસ્તાન કહેવામાં આવે છે અને આ હિન્દુઓનો દેશ છે, અને તેમાં રહેનારા બધા હિન્દુ હોવા જોઈએ સિવાય કે તેઓ નિશ્ચિતપણે અન્ય માન્ય ધર્મના હોવાનો દાવો કરે."
*****
"અમે આદિવાસીઓ વસ્તીગણતરીમાં અમારા ધર્મની નોંધણી શેમાં કરાવીએ?"
એવો સવાલ અંજન ગામના પ્રમોદ ઉરાંઓ પૂછી રહ્યા છે. તેઓ સમજાવે છે, "(અમારા ધર્મના નામની) આખી ને આખી કોલમ જ ગાયબ છે. અમારામાંથી ઘણા અજાણતા પોતાને હિંદુઓ હેઠળ મૂકે છે. પણ અમે હિંદુ નથી. જ્ઞાતિ પ્રથા એ હિંદુ ધર્મના હાર્દમાં છે, પરંતુ અમે અમારી જાતને તેમાં ગોઠવી શકતા નથી.”
40 વર્ષના પ્રમોદ કહે છે, “અમે તો પ્રકૃતિના પૂજારી છીએ. અમારો વૈશ્વિક દૃષ્ટિકોણ વધુ મુક્ત અને સ્વીકાર આધારિત છે. તેમાં કોઈ કટ્ટરતા નથી. તેથી જ જ્યારે અમારામાંથી કેટલાક હિંદુ અથવા ઇસ્લામ અથવા ખ્રિસ્તી ધર્મમાં પરિવર્તિત થાય છે ત્યારે પણ અમે ધર્મના નામે ક્યારેય હત્યા કરતા નથી. જો અમારા લોકો ટેકરી પર જઈને હનુમાનની પૂજા કરે તો અમે તેમને હિન્દુ કહેતા નથી.
અંજનના બિરસા ઉરાંઓ કહે છે કે “આદિવાસીઓ ખૂબ જ ઉદાર અભિગમ ધરાવતા અને ખુલ્લા મનના હોય છે. જેમને તેમની માન્યતાઓ અને તેમની ફિલસૂફીને કબજે કરવી છે તેમને જે કરવું હોય તે ભલે કરે. કોઈને પણ તેમની સાથે જોડાવું હોય તો પણ તેમને કોઈ વાંધો નથી. તેઓ તેમનો આદર જ કરશે. હવે ઘણા હિંદુઓ અંજન ધામમાં હનુમાનની પૂજા કરવા આવે છે, મુસ્લિમો પણ ધામ જોવા આવે છે, અંજન ધામના દરવાજા બધા માટે ખુલ્લા છે. ઘણા આદિવાસીઓ હવે - પર્વત પરની ગુફા અને મંદિરમાંની હનુમાનની છબી - બંનેની પ્રાર્થના કરે છે. પરંતુ તેઓ હજી પણ પોતાને આદિવાસી માને છે નહીં કે હિંદુ.”
હનુમાનની પૂજાનો પ્રશ્ન પેચીદો છે.
આ ગામના મહેસ્વર ઉરાંઓ સમજાવે છે, “અહીં આદિવાસીઓ રામ અને લક્ષ્મણની પૂજા નથી કરતા. પરંતુ લોકો માને છે કે હનુમાન સવર્ણ સમુદાયના નહોતા. તેઓ આદિવાસી સમુદાયમાંથી હતા. તેમને એક પ્રકારે માનવ તરીકે દર્શાવી તેમનો દેખાવ પશુ જેવો બનાવીને સવર્ણ સમુદાયો જે રીતે હનુમાનની પણ મજાક ઉડાવતા હતા તે જ રીતે તેઓ આદિવાસીઓની મજાક ઉડાવે છે."
રંજય ઉરાંઓના જણાવ્યા મુજબ લોકોએ પંડિતોના દાવાઓને સ્વીકાર્યા તેનું કારણ એ છે કે આદિવાસીઓએ હનુમાનને સવર્ણ સમાજના સભ્ય તરીકે જોયા ન હતા. તેઓ કહે છે, "જો તેઓ સવર્ણ સમાજમાંથી હોત તો તેમને પૂંછડી ન હોત. તેઓ આદિવાસી છે તે જ કારણથી તેમને એક પશુ તરીકે દર્શાવવામાં આવ્યા છે. અને તેથી જ જ્યારે તેઓએ દાવો કર્યો કે અંજની મા હનુમાન સાથે સંબંધ ધરાવે છે, ત્યારે આ વિસ્તારના લોકોએ તે વાત સ્વીકારી લીધી.”
ગામના મુખિયા 38 વર્ષના કર્મી ઉરાંઓ એ સમયને યાદ કરે છે જ્યારે આખું ગામ વાર્ષિક પૂજા માટે ટેકરી પર જતું હતું. તેઓ કહે છે, “તે સમયે ત્યાં માત્ર ગુફાઓ હતી. લોકો ત્યાં જઈને વરસાદ માટે પ્રાર્થના કરતા. આજે પણ અમે એ જ પરંપરાનું પાલન કરીએ છીએ. અને તમે જુઓ, અમે સાંપ્રદાયિક પૂજા કરીએ પછી આ વિસ્તારમાં હંમેશા કેવો સરસ વરસાદ પડે છે.
તેઓ કહે છે, “આજકાલ લોકો મંદિરની પરિક્રમા પણ કરે છે કારણ કે એ આ ટેકરી પર છે. કેટલાક આદિવાસીઓ મંદિરની અંદર પ્રાર્થના પણ કરે છે. જેને જ્યાં શાંતિ મળે તેને ત્યાં જવાની છૂટ છે."
ગામની બીજી મહિલાઓ પણ કહે છે કે તેઓ પોતાને હિંદુ તરીકે જોતા નથી. પરંતુ તેમ છતાં તેમનામાંથી કેટલાક મંદિરમાં ભગવાનની પૂજા કરે છે. “જ્યારે મંદિર ટેકરી પર આવેલું છે ત્યારે તે મંદિર પણ ટેકરીનો જ એક ભાગ છે. પર્વતની પૂજા કરતા લોકો હનુમાનની અવગણના શી રીતે કરી શકે?/લોકો પર્વતની પૂજા કરે અને હનુમાનની અવગણના કરે એવું કેવી રીતે બને? જો બે દેવો સાથે મળીને કામ કરે અને અમારે માટે સારો વરસાદ લાવે તો એમાં અમને શો વાંધો હોય?”
અનુવાદ: મૈત્રેયી યાજ્ઞિક