જ્યારે જ્યારે હું મારા પોતાના લોકોના મૃત્યુ વિષે લખવાનો પ્રયત્ન કરું છું ત્યારે ત્યારે મારું મન વિચારશૂન્ય-જડ બની જાય છે.

આપણી આસપાસની દુનિયા ઘણી આગળ વધી ગઈ છે છતાં આપણો સમાજ હાથેથી મેલું સાફ કરનાર શ્રમિકોની જિંદગીને ને કશું જ મહત્ત્વ આપતો નથી. આવા મૃત્યુની ઘટનાઓ બની હોવાનો સરકાર સ્પષ્ટ ઈનકાર કરે છે, પરંતુ આ વર્ષે મિનિસ્ટર ઓફ સોશિયલ જસ્ટિસ એન્ડ એમ્પાવરમેન્ટ (સામાજિક ન્યાય અને સશક્તિકરણ મંત્રી) રામદાસ આઠવલેએ લોકસભામાં એક પ્રશ્ન ના જવાબમાં રજૂ કરેલા આંકડા દર્શાવે છે કે 2019-2023 સુધીમાં "ગટર અને સેપ્ટિક ટેંકની જોખમી સફાઈને કારણે" 377 થી વધુ મૃત્યુ થયા છે.

છેલ્લા સાત વર્ષોમાં મેં વ્યક્તિગત રીતે ગટર સાફ કરતા થયેલા અસંખ્ય મૃત્યુમાં હાજરી આપી છે. માત્ર આવડી ચેન્નઈ જિલ્લામાં 2022 થી અત્યાર સુધીમાં આવા 12 મોત થયા છે.

કરાર પરના શ્રમિક તરીકે કામ કરતા આવડીમાં રહેતા અને અરુંધતિયર સમુદાયના એક સભ્ય 25 વર્ષના હરિનું 11 મી ઓગસ્ટના રોજ ગટરની કેનાલ સાફ કરતી વખતે ડૂબી જવાથી મૃત્યુ થયું હતું.

બાર દિવસ પછી હું હરિ અન્નાના મૃત્યુ સંબંધિત અહેવાલ તૈયાર કરવા ગયો હતો.  તેમનો મૃતદેહ મને તેમના ઘરમાં ફ્રીઝર બોક્સમાં પડેલો મળ્યો હતો. તેમના પત્ની તમિળ સેલ્વીને તેમના પરિવાર દ્વારા આખરે વિધવા દ્વારા અપેક્ષિત તમામ ધાર્મિક વિધિઓ કરવાનું કહેવામાં આવ્યું હતું. તેમના પડોશીઓના સંબંધીઓએ સેલ્વીના શરીર પર હળદર લગાવી દીધી હતી અને પછી તેમની તાલી [પરિણીત સ્ત્રીનું પ્રતીક] કાપતા પહેલા તેમને નવડાવ્યા હતા. આ ધાર્મિક વિધિઓ દરમિયાન તેઓ ગંભીર અને મૌન રહ્યા હતા.

PHOTO • M. Palani Kumar

હરિનું મૃત્યુ હાથેથી મેલું સાફ કરવાના કામને કારણે થયું હતું. તેઓ અને તેમના પત્ની, તમિળ સેલ્વી - એક દિવ્યાંગ - પ્રેમમાં પડ્યા હતા અને તેમણે લગ્ન કર્યા હતા. તમિળ સેલ્વી અને તેમની દીકરી હરિના મૃતદેહ સામે રડતા હતા

PHOTO • M. Palani Kumar
PHOTO • M. Palani Kumar

ડાબે: દીપા અક્કા મૃતક ગોપીના પત્ની છે. તેમણે પોતાનો પ્રેમ વ્યક્ત કરવા માટે પોતાના જમણા હાથ પર પતિના નામનું ટેટૂ કરાવ્યું હતું. જમણે: 20 મી ઓગસ્ટના રોજ તેમના લગ્નની વર્ષગાંઠના થોડા જ દિવસો પહેલા અને તેમની દીકરી (અહીં જોઈ શકાય છે) ના જન્મદિવસ, 30 મી ઓગસ્ટની પહેલા 11 મી ઓગસ્ટ, 2024 ના રોજ ગોપીનું મૃત્યુ થયું હતું

જ્યારે સેલ્વી પોતાના કપડાં બદલવા માટે બીજા ઓરડામાં ગયા ત્યારે ઘરમાં ચારે તરફ સન્નાટો છવાયેલો હતો. માત્ર લાલ ઈંટો વડે ચણેલા તેમના ઘરને સિમેન્ટ લગાવવામાં આવ્યો નહોતો. દરેકેદરેક ખુલ્લી ઈંટ ઘસાઈ ગઈ હતી અને તેના નાના નાના ટુકડા થઈ રહ્યા હતા. ઘર ધરાશાયી થવાના આરે આવીને ઊભું હોય તેવું લાગતું હતું.

તમિળ સેલ્વી અક્કા તેમની સાડી બદલીને પાછા આવ્યા ત્યારે એક ચીસ પાડીને તેઓ ફ્રીઝર બોક્સ તરફ દોડી ગયા હતા અને ફ્રીઝર બોક્સની બાજુમાં બેસીને રડવા માંડ્યા હતા, આક્રંદ કરવા માંડ્યા હતા. તેમનું આક્રંદ સાંભળીને ભીડ શાંત થઈ ગઈ હતી, ઓરડો તેમના આક્રંદથી ભરાઈ ગયો હતો.

“ઓ વ્હાલા! જાગો! મારી સામે જુઓ, મામા [વ્હાલ વ્યક્ત કરતું સંબોધન]. તેઓ મને સાડી પહેરાવે છે. હું સાડી પહેરું એ તમને ગમતું નથી, ખરું ને? જાગો અને તેમને કહો કે મને દબાણ ન કરે.”

આ શબ્દો આજે પણ મારી અંદર ગુંજ્યા કરે છે. તમિળ સેલ્વી અક્કા એક હાથ ગુમાવવાને કારણે શારીરિક રીતે અક્ષમ છે. પોતાના ખભા પરના સાડીના છેડાની પાટલીઓમાં પિન ખોસવાનું તેમને માટે મુશ્કેલ છે. તેથી જ તેઓ સાડી પહેરતા નથી. આ હું ભૂલી શકતો નથી અને એ યાદ રોજેરોજ મને પરેશાન કર્યા કરે છે.

આવા દરેકેદરેક મૃત્યુ જેમાં મેં હાજરી આપી છે તે હું ભૂલી શક્યો નથી.

ગટરમાં ગૂંગળાઈ જવાથી થયેલા દરેક મૃત્યુની પાછળ કંઈકેટલીય વાર્તાઓ છુપાયેલી હોય છે. 22 વર્ષના દીપા, જેમણે પણ આવડી ખાતે તાજેતરમાં ગટરમાં ગૂંગળાઈ જવાથી થયેલા મૃત્યુની ઘટનામાં પોતાના પતિ ગોપીને ગુમાવ્યા હતા તેમણે પ્રશ્ન કર્યો હતો કે શું વળતર તરીકે મળતા 10 લાખ રુપિયાથી તેમના પરિવારે ગુમાવેલ આનંદ અને ખુશી પાછા મળી શકશે?  તેમણે કહ્યું, "20 મી ઓગસ્ટ એ અમારા લગ્નનો દિવસ છે અને 30 મી ઓગસ્ટ અમારી દીકરીનો જન્મદિવસ છે, અને તે જ મહિનામાં ગોપી અમને છોડીને ચાલ્યા ગયા છે." તેઓને મળતું નાણાકીય વળતર તેમની તમામ નાણાકીય જરૂરિયાતોને પૂરી કરી શકતું નથી.

PHOTO • M. Palani Kumar
PHOTO • M. Palani Kumar

ડાબે: ગોપીના મૃતદેહને તેમની શેરીમાં લાવવામાં આવે તે પહેલાં પરિવારના સભ્યો વડના સૂકા પાંદડા વડે આગ સળગાવે છે. જમણે: તેઓ વિધિના ભાગરૂપે જમીન પર ફૂલો મૂકે છે

PHOTO • M. Palani Kumar

ગોપીના મૃતદેહને આઈસ બોક્સમાં મુકવામાં આવી રહ્યો છે. 2013 ના કાયદા દ્વારા હાથેથી મેલું સાફ કરવાની પ્રથા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હોવા છતાં આ પ્રથા ચાલુ છે. શ્રમિકોનું કહેવું છે કે સત્તાવાળાઓ તેમને ગટરમાં પ્રવેશવા દબાણ કરે છે અને જો તેઓ ના પાડે તો વેતન નહીં આપવામાં આવે એવી ધમકી આપે છે

PHOTO • M. Palani Kumar

દીપા અક્કા તેમના પતિ ગોપીના મૃતદેહને પકડીને, તેઓ તેને છોડવા તૈયાર નથી

ગટરમાં ગૂંગળાઈને થયેલા મોતની ઘટનાનો સામનો કરતા પરિવારોની મહિલાઓ અને બાળકોને ઘણીવાર પીડિત તરીકે ગણવામાં આવતા નથી. વિલ્લુપુરમ જિલ્લાના માદમપટ્ટુ ગામમાં જ્યારે અનુશિયા અક્કાના પતિ મારી ગટરમાં ગૂંગળાઈ મર્યા હતા ત્યારે તેઓ ઊંચે સાદે રડી શક્યા નહોતા કારણ કે તેઓ ગર્ભવતી હતા, તેમને આઠમો મહિનો ચાલતો હતો. આ દંપતીને અગાઉ જ ત્રણ દીકરીઓ હતી; પહેલી બે દીકરીઓ રરડતી હતી પણ તેમની ત્રીજી દીકરી જે સમજી શકતી ન હતી કે શું થઈ રહ્યું છે તે તમિલનાડુના પૂર્વીય છેડે આવેલા આ ઘરમાં આમતેમ દોડાદોડી કરતી હતી.

રાજ્ય તરફથી અપાતા વળતરને લોહિયાળ પૈસા તરીકે જોવામાં આવે છે. અનુશિયા અક્કાએ કહ્યું, "આ પૈસા ખર્ચવા માટે હું મારી જાતને તૈયાર કરી શકતી નથી. આ પૈસા ખર્ચવા એ મારા પતિનું લોહી ગળે ઉતારવા જેવું લાગે છે.”

જ્યારે મેં તમિળનાડુના કરુર જિલ્લામાં મૃત્યુ પામેલા હાથેથી મેલું સાફ કરનાર એક શ્રમિક બાલકૃષ્ણનના પરિવાર સાથે વધુ વાતચીત કરી ત્યારે મેં જોયું કે તેમના પત્ની ગંભીર ડિપ્રેશનથી પીડાય છે. તેમણે કહ્યું કે કામ કરતી વખતે પણ તેઓ ઘણીવાર પોતાની આસપાસની વસ્તુઓ અને પરિસ્થિતિ ભૂલી જાય છે. તેમણે કહ્યું કે તેમને પોતાની સ્થિતિ સમજતા સમય લાગે છે.

આ પરિવારોના જીવન બિલકુલ બદલાઈ જાય છે. જો કે આપણા માટે આ મૃત્યુ સમાચાર સિવાય બીજું કંઈ નથી.

PHOTO • M. Palani Kumar

વિલ્લુપુરમના મદમપટ્ટુ ગામમાં મારી હાથેથી મેલું સાફ કરવાના કામને કારણે મૃત્યુ પામ્યા હતા અને પોતાની આઠ મહિનાની ગર્ભવતી પત્ની અનુશિયાને પાછળ છોડી ગયા હતા

PHOTO • M. Palani Kumar

મારીના મૃતદેહને તેમના ઘરમાંથી બીજા લોકો માટેના દફન સ્થળથી અલગ , તેમના સમુદાય માટે નિયુક્ત દફન સ્થળ પર ખસેડવામાં આવી રહ્યો છે

11 મી સપ્ટેમ્બર, 2023 ના રોજ આવડીના ભીમા નગરના એક સફાઈ કર્મચારી મોઝિસનું મૃત્યુ થયું હતું. અહીં ટાઇલ્સવાળી છત ધરાવતું કોઈ ઘર હોય તો એ એકમાત્ર તેમનું ઘર છે. તેમની બંને દીકરીઓ પરિસ્થિતિ સમજી શકતી હતી. તેમનો મૃતદેહ ઘેર લાવવામાં આવ્યો તેના એક દિવસ પહેલા હું તેમને ઘેર હતો અને તેમની દીકરીઓએ 'પપ્પા મને પ્રેમ કરે છે' અને 'પપ્પાની નાની રાજકુમારી' લખેલા ટી-શર્ટ પહેર્યા હતા. મને ચોક્કસ ખબર નહોતી કે એ માત્ર સંયોગ હતો કે કેમ.

તેઓએ આખો દિવસ સતત રડતા-રડતા વિતાવ્યો હતો અને બીજા લોકો તેમને સાંત્વના આપતા હતા છતાં તેઓ શાંત થયા ન હતા.

આપણે આ સમસ્યાનું દસ્તાવેજીકરણ કરવાનો અને એ રીતે તેને મુખ્ય પ્રવાહમાં સામેલ કરવાનો પ્રયાસ કરી શકીએ પરંતુ તેમ છતાં આવા મૃત્યુને માત્ર એક સમાચાર તરીકે ગણવાનું વલણ જોવા મળે છે.

PHOTO • M. Palani Kumar
PHOTO • M. Palani Kumar

ડાબે: ભીમા નગર, આવડી, ચેન્નાઈમાં બીજા એક અંતિમ સંસ્કાર વખતે મોઝેસનો વિચલિત પરિવાર તેમના મૃતદેહ પર ફૂલો મૂકે છે. જમણે: પરિવાર તેમના મૃતદેહની સામે પ્રાર્થના કરે છે

PHOTO • M. Palani Kumar
PHOTO • M. Palani Kumar

ડાબે: જ્યારે આવડી મોઝેસના શબમાંથી દુર્ગંધ આવવા લાગી ત્યારે ભીડ ઝડપથી મૃતદેહને લઈ જવા માટે આગળ વધી. જમણે: મૃતક આવડી મોઝેસનું ઘર

બે વર્ષ પહેલાં શ્રીપેરુમ્બુદુરના એક ગામ કાંજીપટ્ટુમાં ત્રણ સફાઈ કર્મચારીઓ - 25 વર્ષના નવીન કુમાર, 20 વર્ષના તિરુમલાઈ અને 50 વર્ષના રંગનાથન મૃત્યુ પામ્યા હતા. તિરુમલાઈ નવપરિણીત હતા અને રંગનાથન બે બાળકોના પિતા છે. મૃત્યુ પામેલા અસંખ્ય શ્રમિકો નવપરિણીત હોય છે અને તેમની વિધવાઓને આશા ગુમાવી દેતી જોવી એ હૃદયદ્રાવક હોય છે. પતિના અવસાનના થોડા મહિના પછી બીજા લોકોએ મુતુલક્ષ્મીનો ખોળો ભરવાની વિધિ કરી હતી.

હાથેથી મેલું સાફ કરાવવું એ આપણા દેશમાં ગેરકાયદેસર કામ છે. તેમ છતાં આપણે ગટરમાં ગૂંગળાઈ જવાથી થતા મૃત્યુની સંખ્યા ઘટાડી શક્યા નથી. મારે આ મુદ્દાને આગળ કેવી રીતે લઈ જવો જોઈએ એની મને ખબર નથી પડતી. મારા લેખન અને ફોટોગ્રાફ્સ એ બે જ રસ્તા હું જાણું છું કે જેના દ્વારા હું આ અત્યાચારી કૃત્યને રોકવાની આશા રાખું છું.

આવા દરેક મૃત્યુ મારા મન-હૃદય પર ભારે બોજરૂપ બની જાય છે. હું વારંવાર પ્રશ્ન કરું છું કે તેમના અંતિમ સંસ્કારમાં રડવું એ મારે માટે યોગ્ય છે કે નહીં. વ્યાવસાયિક વ્યથા જેવી કોઈ વસ્તુ નથી. વ્યથા હંમેશ વ્યક્તિગત હોય છે. જો કે જો આ મૃત્યુ ન હોત તો હું ફોટોગ્રાફર બન્યો ન હોત. ગટરમાં ગૂંગળાઈ જવાથી થતા વધુ એક મોતને રોકવા માટે મારે બીજું શું કરવું જોઈએ? આપણે બધાએ શું કરવું જોઈએ?

PHOTO • M. Palani Kumar

2 જી ઓગસ્ટ, 2019 ના રોજ ચેન્નાઈના પુલિયન્તોપ્પુમાં હાથેથી મેલું સાફ કરવાની ઘટનામાં સફાઈ કર્મચારી મોઝેસનું મૃત્યુ થયું હતું. વાદળી સાડીમાં તેમના પત્ની મેરી

PHOTO • M. Palani Kumar
PHOTO • M. Palani Kumar

ડાબે: રંગનાથનને ઘેર તેમના સંબંધીઓએ તેમના મૃત્યુ સંબંધિત ધાર્મિક વિધિઓ માટે ચોખા વહેંચ્યા હતા. તમિળનાડુના શ્રીપેરમ્બુદુરના કાંજીપટ્ટુ ગામમાં વર્ષ 2022 માં દિવાળીના એક અઠવાડિયા પહેલા સેપ્ટિક ટેન્ક સાફ કરતી વખતે રંગનાથન અને નવીન કુમાર મૃત્યુ પામ્યા હતા. જમણે: શ્રીપેરમ્બુદુરની સેપ્ટિક ટેન્ક સાફ કરતી વખતે ત્રણ લોકો મૃત્યુ પામ્યા હતા ત્યારે સ્મશાનભૂમિ ખૂબ વ્યસ્ત હતી

PHOTO • M. Palani Kumar
PHOTO • M. Palani Kumar

ડાબે: ચેન્નાઈ મ્યુનિસિપલ કોર્પોરેશનના સફાઈ કર્મચારીઓ ઓક્ટોબર 2024માં નિયમસરના કામ અને પગાર વધારા માટે વિરોધ કરે છે. તેઓ દીનદયાળ અંત્યોદય યોજના-નેશનલ અર્બન લાઈવલીહુડ મિશન (ડીએવાય-એનયુએલએમ) હેઠળ કાર્યરત છે. તેઓ અહીં કાયમી નોકરીઓ અને પગાર વધારાની માગણી સાથે લેફ્ટ ટ્રેડ યુનિયન સેન્ટર (એલટીયુસી) ના સભ્યોની આગેવાની હેઠળના વિરોધ પ્રદર્શનમાં જોવા મળે છે. જમણે: ઝોન 5, 6 અને 7 ના સેંકડો સફાઈ કર્મચારીઓએ કોવિડ પછી ઘન કચરા વ્યવસ્થાપનના ખાનગીકરણ સામે વિરોધ કર્યો હતો અને પછીથી પોલીસ દ્વારા તેમની અટકાયત કરવામાં આવી હતી

અનુવાદ: મૈત્રેયી યાજ્ઞિક

M. Palani Kumar

এম. পালানি কুমার পিপলস আর্কাইভ অফ রুরাল ইন্ডিয়ার স্টাফ ফটোগ্রাফার। তিনি শ্রমজীবী নারী ও প্রান্তবাসী মানুষের জীবন নথিবদ্ধ করতে বিশেষ ভাবে আগ্রহী। পালানি কুমার ২০২১ সালে অ্যামপ্লিফাই অনুদান ও ২০২০ সালে সম্যক দৃষ্টি এবং ফটো সাউথ এশিয়া গ্রান্ট পেয়েছেন। ২০২২ সালে তিনিই ছিলেন সর্বপ্রথম দয়ানিতা সিং-পারি ডকুমেন্টারি ফটোগ্রাফি পুরস্কার বিজেতা। এছাড়াও তামিলনাড়ুর স্বহস্তে বর্জ্য সাফাইকারীদের নিয়ে দিব্যা ভারতী পরিচালিত তথ্যচিত্র 'কাকুস'-এর (শৌচাগার) চিত্রগ্রহণ করেছেন পালানি।

Other stories by M. Palani Kumar
Editor : PARI Desk

আমাদের সম্পাদকীয় বিভাগের প্রাণকেন্দ্র পারি ডেস্ক। দেশের নানান প্রান্তে কর্মরত লেখক, প্ৰতিবেদক, গবেষক, আলোকচিত্ৰী, ফিল্ম নিৰ্মাতা তথা তর্জমা কর্মীদের সঙ্গে কাজ করে পারি ডেস্ক। টেক্সক্ট, ভিডিও, অডিও এবং গবেষণামূলক রিপোর্ট ইত্যাদির নির্মাণ তথা প্রকাশনার ব্যবস্থাপনার দায়িত্ব সামলায় পারি'র এই বিভাগ।

Other stories by PARI Desk
Translator : Maitreyi Yajnik

Maitreyi Yajnik is associated with All India Radio External Department Gujarati Section as a Casual News Reader/Translator. She is also associated with SPARROW (Sound and Picture Archives for Research on Women) as a Project Co-ordinator.

Other stories by Maitreyi Yajnik