ભોરતૈન ગામના ઉપરવાસમાં આવેલી પહેલીની દૂરસ્થ વસાહતમાં રહેતા એક યુવાન તાલિબ કસાણા કહે છે, “અમારી પેઢી માટે ભેડ બકરી ચરાના (પશુપાલન) કરવું સરળ નથી.” તેઓ ડિસ્ટન્સ એજ્યુકેશન દ્વારા પોલિટિકલ સાયન્સમાં અનુસ્નાતકનો અભ્યાસ કરી રહ્યા છે.
બકરવાલ એક પશુપાલન સમુદાય છે, જે તેમના પશુધનને ચરવા માટેના મેદાનોની શોધમાં હિમાલયની આજુબાજુના વિસ્તારોમાં મોટા જૂથોમાં ફરતો રહે છે. તાલિબ ઉમેરે છે, “એકવાર અમે ગામડાઓમાં રહેવા અને ઘેટાં ચરાવવાને બદલે અભ્યાસ કરવા ટેવાઈ જઈએ, એટલે અમે બીજી વસ્તુઓ માટે ટેવાઈ જઈએ છીએ... અમને બંધ શૌચાલય અને એક જગ્યાએ બેસીને ભણવા જેવી સુવિધાઓ જોઈએ છે.”
તાલિબ જમ્મુના કઠુઆ જિલ્લામાં એક નાની બકરવાલ વસાહતમાં રહે છે. તે કામચલાઉ વસાહત છે, અને ત્યાં રહેતા કોઈ પણ વ્યક્તિને જમીનની માલિકીનો કોઈ અધિકાર નથી.
છેલ્લા દાયકામાં, આ અર્ધ-વિચરતા સમુદાયના ઘણા યુવાનો તેમના પરંપરાગત પશુપાલન જીવનથી દૂર જઈને ઉચ્ચ શિક્ષણ મેળવવામાં આગળ વધી રહ્યા છે. જો તેમની પાસે પૂરતું ભંડોળ હોય, તો તેઓ રાજકારણ અને નાગરિક સેવાની નોકરીઓ અથવા તો મેડિકલ અથવા ઇજનેરીમાં કારકિર્દી બનાવવાની મહેચ્છા ધરાવે છે.
જ્યારે કોઈ બકરવાલ ઘરમાં બે પુત્રો હોય, ત્યારે એવું માનવામાં આવે છે કે તેમાંથી એક દીકરો ઘેટાંની સંભાળ રાખશે અને બીજો દીકરો બહાર નોકરી કરવાનો પ્રયાસ કરશે. તાલિબ કસાણા ભણવાની ઇચ્છા રાખે છે, પરંતુ તેમના નાના ભાઈને ઘેટાં ઉછેરવામાં કોઈ રસ નથી અને તે પણ બહાર પોતાનું નસીબ અજમાવવા માંગે છે. પરંતુ તેમના મોટા ભાઈ તેને ચેતવણી આપે છે કે, “આપણા જેવા લોકો માટે કોઈ કામકાજ નથી.”
કઠુઆ જિલ્લાના બૈરા કુપાઈ ગામમાં રહેતા બકરવાલ સમુદાયના એક વડીલ મુનબ્બર અલી તાલિબની લાગણી સાથે સહમત થાય છે. તેઓ કહે છે, “મારી દીકરીએ 12મું ધોરણ પાસ કર્યું છે, તેમ છતાં તે ઘરે બેઠી છે.”
વ્યવસાયે સુથાર એવા મુનબ્બર અલી તેમની દીકરીના ભવિષ્ય વિશે ચિંતિત છે. તેઓ કહે છે, “અમારા બાળકો સ્નાતકની પદવી મેળવે છે, તો પણ તેનાથી કોઈ ફરક પડતો નથી. તેમને ઉચ્ચ હોદ્દા મળતા જ નથી.”
તેમ છતાં, બકરવાલ પરિવારો શિક્ષણ પર પૈસા ખર્ચવા તૈયાર છે. મોહંમદ હનીફ જાટલાનો જન્મ જમ્મુ જિલ્લાના સાંધી ગામમાં એક બકરવાલ પરિવારમાં થયો હતો. તેઓ છ ભાઈ–બહેન હતાં. તેમણે પોતાના જીવનના શરૂઆતનાં થોડાં વર્ષ ઘેટાં, બકરા અને ઘોડાઓની સારસંભાળ લેવામાં વિતાવ્યાં હતાં. જ્યારે તેમનાં માતાનું અચાનક અવસાન થયું, ત્યારે તેમના પરિવારે તેમના દાદાની બચતનો ઉપયોગ કરીને તેમને શાળામાં મૂક્યા હતા.
હનીફ કહે છે કે જ્યારે તેઓ કોલેજમાં ભણતા હતા ત્યારે, “મારા પિતાએ બે કનાલ [0.25 એકર] જમીનના બદલામાં બધુ પશુધન વેચી દીધું હતું.” તેઓ કહે છે કે તેમના પિતાએ જમીન એટલા માટે ખરીદી હતી કે, જેથી તેમનો પરિવાર સ્થાયી જીવન જીવી શકે, અને તેમનાં બાળકો ભણીગણીને નોકરી કરી શકે. હનીફ સ્થાનિક સમાચાર એજન્સીમાં એક પત્રકાર તરીકે કામ કરે છે.
રાજ્યમાં બકરવાલોને અનુસૂચિત જનજાતિ (એસ.ટી.) તરીકે સૂચિબદ્ધ કરવામાં આવ્યા છે અને 2013ના અહેવાલમાં તેમની વસ્તી 1,13,198 હોવાનું જણાવવામાં આવ્યું છે. મોટાભાગના બકરવાલો પાસે જમીન નથી, અને જેમ જેમ ગોચરના મેદાનો ઘટી રહ્યા છે, તેમ તેમ ચરાઈની જમીન અને કાયમી વસાહત પરના તેમના અધિકારો પણ વિવાદાસ્પદ બની ગયા છે.
જમ્મુ જિલ્લાના બજાલ્ટા નગર નજીકની વસાહતોમાં રહેતા પરવેઝ ચૌધરી જણાવે છે કે એક જ જગ્યાએ દાયકાઓ સુધી રહેતા હોવા છતાં, તેમના સમુદાયના સભ્યો પાસે તેમની જમીનની માલિકીના કોઈ કાગળો કે અધિકારો નથી. ચરાઈ અને ખેતીની જમીનના ઘણા ભાગોમાં હવે CAMPA (કમ્પેન્સેટરી ફોરેસ્ટેશન ફંડ મેનેજમેન્ટ એન્ડ પ્લાનિંગ ઓથોરિટી) પ્રોજેક્ટ હેઠળ વાડાબંધી થઈ રહી છે અને તેને બીજા કામો માટે ઉપયોગમાં લેવામાં આવી રહી છે, જેનાથી લોકોએ મોટા પાયે જમીન ખાલી કરવી પડી રહી છે.
વિજયપુર નજીક બકરવાલ કોલોનીના રહેવાસી 30 વર્ષીય મોહંમદ યુસુફ અને ફિરદોસ અહેમદ પૂછે છે, “મોટાભાગના બકરવાલો રાજ્યની જમીન અથવા જંગલની જમીન પર વસવાટ કરે છે. જો આને અમારી પાસેથી લઈ લેવામાં આવશે, તો અમે ક્યાં જઈશું?”
અહીં તેમની વસાહતમાં અથવા તાલિબ જ્યાં રહે છે તે બૈરા કુપાઈમાં પણ કોઈ જાહેર સુવિધાઓ નથી. અને તેઓ જણાવે છે કે પરિવારો વન વિભાગમાંથી જમીન ખાલી કરાવવાની વારંવારની ધમકીઓને કારણે તેમના કામચલાઉ મકાનોને મજબૂત મકાનોમાં પણ રૂપાંતરિત નથી કરી શકતા. વધુમાં, તેમની વસાહતોમાં અને તેની આસપાસના વિસ્તારોમાં સારા રસ્તાઓ ન હોવાથી તેમને ચિંતા રહે છે. “જો કોઈ બીમાર પડે, તો તેને હોસ્પિટલમાં લઈ જવું મુશ્કેલ થઈ પડે છે.”
જ્યારે પારી તેમની સાથે વાત કરી રહી છે, ત્યારે અમે આ સમુદાયની સ્ત્રીઓને તેમના માથા પર માણીના ભારે વાસણો લઈને પર્વત પર ચઢતી અને નીચે ઊતરતી જોઈ શકીએ છીએ. અમે થોડા કલાકો પછી રવાના થઈએ ત્યાં સુધીમાં, તે બધી સ્ત્રીઓએ પાણીને ચઢાણ પર લઈ જવા માટે ઘણા ફેરા કર્યા છે.
નાહિલા જમ્મુમાં એક યુવા વિદ્યાર્થી કાર્યકર્તા છે, જેઓ બકરવાલ સમુદાયના કાનૂની, જમીન પરના અને સાંસ્કૃતિક અધિકારો માટે લડી રહ્યાં છે. તેઓ માને છે કે બકરવાલ સમુદાયના યુવાનો તેમનું જીવન બદલી શકે છે. તેઓ કહે છે, “અમે શિક્ષણ, જમીન અધિકારો અને વધુ સારી સુવિધાઓ અને સરકાર તરફથી ટેકો મેળવવા માટે અમારો સંઘર્ષ ચાલુ રાખીશું.”
અન્ય માંગણીઓ પૈકી, બકરવાલ સમુદાયના યુવાનો વિચરતા લોકોની જરૂરિયાતો અને વધુ સારા આશ્રયસ્થાનો વિષે એક યોગ્ય સર્વેક્ષણ થાય તેવું ઇચ્છે છે. તેઓ સરકારી સંસ્થાઓ અને આયોગોમાં આદિવાસીઓનું પ્રતિનિધિત્વ વધે તેવું પણ ઇચ્છે છે.
રાજ્ય સરકાર પહાડી સમુદાયને એસ.ટી.નો દરજ્જો આપવાનું વિચારી રહી છે, જે પગલાથી બકરવાલોને ભય છે કે એસ.ટી. તરીકે તેમના ક્વોટામાં સ્પર્ધા વધશે.
પરંપરાગત વ્યવસાયો ચાલુ રાખવા અથવા અન્ય નોકરીઓ તરફ આગળ વધવાની હોડમાં, પહેલીના બકરવાલ અબ્દુલ રશીદ કહે છે, “ના યહા કે, ના વહા કે [અમે ન ઘરના છીએ, ન ઘાટના.]”
અનુવાદક: ફૈઝ મોહંમદ