જ્યારે અમે માજુલીના એક નાના શહેર ગરમુરમાં, નવેમ્બરમાં એક સુખદ બપોરે રસ્તા પર ફરતા હોઈએ છીએ ત્યારે પાર્થ પ્રતિમ બરુઆ મને કહે છે, “મારામાં ભણવા માટે વધારે ધીરજ નથી વધી. હું જાણું છું કે હું ભણીશ તો પણ મને નોકરી મળવાની નથી.” આ 16 વર્ષીય યુવક આસામ જિલ્લાના ગરામુર સારુ હાત્રના યુવાન ગાયન-બાયનોમાંથી એક છે.
હત્રિયા સંસ્કૃતિનું એક મહત્ત્વપૂર્ણ પાસું છે ગાયન-બાયન, જે મુખ્યત્વે આસામના હત્રો (વૈષ્ણવ મઠો) માં કરવામાં આવતું ધાર્મિક લોક પ્રદર્શન છે. આ લોક પ્રદર્શન કરનારા ગાયકોને ગાયનો કહેવામાં આવે છે જેઓ તાલ (ઝાંઝ) પણ વગાડે છે, જ્યારે ખોલ ડ્રમ અને વાંસળી વગાડતા વાદ્યવાદકોને બાયન કહેવામાં આવે છે. માજુલીમાં, ગાયન અથવા બાયન બનવું એ કોઈ વ્યવસાય નથી પરંતુ લોકો આ કામ કરીને ગર્વ અનુભવે છે અને તેને તેમની ઓળખનો એક ભાગ માને છે.
પાર્થ સીધો સવાલ કરે છે, “જો મને શાળાનો અભ્યાસ કર્યા પછી પણ નોકરી ન મળે, જો તે મારા નસીબમાં જ ન હોય તો હું શું કરીશ?” તેઓ 12મા ધોરણની પરીક્ષા પછી વ્યાવસાયિક રીતે સંગીતનો અભ્યાસ કરવા માંગે છે. તેમનાં મોટી બહેન પહેલેથી જ ઉત્તર પ્રદેશના એક ગામમાં સંગીત શિક્ષક તરીકે ફરજ બજાવી રહ્યાં છે.
તેઓ કહે છે, “મારા માતા-પિતાએ પણ [ગુવાહાટીની સંગીત શાળામાં પ્રવેશ મેળવવાના] વિચારને ટેકો આપ્યો છે. તેમનો ટેકો ખૂબ મહત્ત્વનો છે. તેના વગર હું સંગીતને કેવી રીતે આગળ ધપાવી શકીશ?” તેમના પિતા ચોખા અને બળતણનું લાકડું વેચવાના નાના વ્યવસાયના માલિક છે. તેઓ આ વિચાર સાથે સંમત તો થયા છે પરંતુ તેમનાં માતા તેનાથી વધુ ખુશ નથી. પાર્થ તેના અભ્યાસ માટે ઘરથી દૂર જાય તેનો વિચાર સુધ્ધા તેમને પસંદ નથી.
જ્યારે પ્રદર્શનનો સમય આવે છે, ત્યારે એક કલાકાર તરીકે પાર્થ પરંપરાગત સફેદ કુર્તો, ધોતી અને પાગ તરીકે ઓળખાતી પાઘડી પહેરે છે અને આખા શરીરમાં સેલેંગ નામનું કાપડ લપેટે છે. કલાકારો મોટામોની મણકાની દોરી પણ પહેરે છે અને તેમના કપાળ પર ચંદનનું તિલક લગાવવામાં આવે છે.
પાર્થ એ એવા ઘણા યુવાન કલાકારોમાંથી એક છે જેમનું હું તેમના એક પ્રદર્શન દરમિયાન ઇન્ટરવ્યુ લઈ રહ્યો છું. મંચના પાછળના ભાગમાં, પાગ બાંધતી વખતે અને પિનની મદદથી સલેંગને ઠીક કરવામાં એકબીજાને મદદ કરતી વખતે તેઓ આત્મવિશ્વાસથી ભરેલા દેખાય છે.
તેમનાથી દસ વર્ષ મોટા, માનસ દત્તા આ જૂથમાં બાયનની ભૂમિકા ભજવે છે અને તેમણે તાજેતરમાં જ ગુવાહાટીમાં એક ટેલિવિઝન નેટવર્ક માટે જુનિયર એડિટર તરીકે કામ કરવાનું શરૂ કર્યું છે.
નવ વર્ષની ઉંમરે તેમણે તેમના કાકા અને અન્ય વડીલો સાથે આ કળા શીખવાની શરૂઆત કરી દીધી હતી. તેઓ કહે છે, “અમે હાત્રીય વાતાવરણમાં જન્મ્યા હોવાથી, અમે નાની ઉંમરથી જ અવલોકન કરીને તેને શીખવા લાગીએ છીએ.” અને તેથી જ તેમણે તેમની મેટ્રિકની પરીક્ષા આપતા પહેલાં જ ખોલ ડ્રમમાં સંગીત વિશારદની પરીક્ષા પાસ કરી હતી.
ગાયન-બાયન તેમના પરિવારમાં વારસાગત ચાલ્યું આવે છે અને તેમના કાકા ઇન્દ્રનીલ દત્તા ગરમુર સારુ હાત્રના સાંસ્કૃતિક જીવનમાં એક મહત્ત્વપૂર્ણ વ્યક્તિ છે. “તેઓ અત્યારે લગભગ 85 વર્ષના છે. તેમ છતાં અત્યારે પણ, જ્યારે કોઈ વ્યક્તિ ખોલ વગાડે છે, ત્યારે તેઓ પોતાને નાચવાથી રોકી નથી શકતા.”
ગાયન-બાયન રજૂ કરવાની શૈલી તાલ, માન, રાગ અને મુદ્રાની સંખ્યા અને પ્રકારોના આધારે જુદા જુદા હાત્રોમાં અલગ અલગ હોય છે. આવો જ એક પ્રકાર ઢુરા, ગરમુર સારુ હાત્ર અને ગરમુર બોર હાત્ર માટે અનન્ય છે જ્યાં તે વર્ષમાં માત્ર એક જ વાર બોરખોબાહના દિવસે કરવામાં આવે છે. બોરખોબાહ આસામના અહર મહિનામાં યોજાતો વાર્ષિક સામુદાયિક તહેવાર છે, જે સામાન્ય રીતે જૂન-જુલાઈ મહિનામાં આવે છે. અન્ય બે સામાન્ય સ્વરૂપો બારપેટા હાત્રમાંથી બારપેટિયા અને માજુલીમાં કમલાબારી હાત્રમાંથી કમલાબારિયા છે. માજુલીના મોટાભાગના હાત્રો કમલાબારિયા શૈલીને અનુસરે છે. અહીં પ્રદર્શન કરતા કલાકારો દરેક જગ્યાએથી આવે છે.
ગાયન બાયન પછી સૂત્રધારી નૃત્ય કરવામાં આવે છે. તે ભાઓના (પરંપરાગત લોક નાટક) શરૂ કરતા પહેલાં રજૂ કરવામાં આવે છે. માનસ મને કહે છે, “તેમના વિના, કોઈ પણ ભાઓના ક્યારેય પૂર્ણ થઈ શકતું નથી. સૂત્રધાર ભાઓનાનો પ્રસંગ વર્ણવે છે અને વાર્તાનો સાર કહે છે. આજકાલ સૂત્રધારી અમારી માતૃભાષા આસામીમાં પણ થાય છે, પરંતુ તેની મૂળ ભાષા બ્રજવલી છે.”
‘જો હવે કોઈએ આને શીખવું હોય તો તેમને લાંબો સમય લાગશે. પણ કારણ કે અમે આ વાતાવરણમાં જન્મ્યા છીએ અને ખૂબ જ નાની ઉંમરથી [આ કલાનું] અવલોકન કર્યું છે, તેથી અમારા માટે આને શીખવું સરળ છે’
*****
હાત્રમાં, યુવાનો લગભગ ત્રણ વર્ષની ઉંમરથી જ આ કલાને શીખવાની શરૂઆત કરી દે છે. આવી જ એક શરૂઆત માજુલીના મુખ્ય તહેવારોમાંના એક એવા રાસ દરમિયાન થાય છે, જ્યારે બાળકો માતાપિતા સાથે પ્રેક્ટિસ હોલમાં જાય છે. વાંચોઃ રાસ મહોત્સવ અને માજુલીના હાત્રો
આ જૂથના સભ્ય અને 19 વર્ષીય બાયન એવા સુભાશીષ બોરાહની સફર ત્યારે શરૂ થઈ હતી, જ્યારે તેઓ ચોથા ધોરણમાં ભણતા હતા. માનસના સંબંધી સુભાશીષે પણ આ કળા તેમના કાકાઓને જોઈને શીખી છે. તેમના કાકા ખિરોદ દત્તા બોરબાયન છે. હાત્રો દ્વારા આ ખિતાબ નિષ્ણાંત બાયનોને આપવામાં આવે છે.
જો કે તેમણે રાસ ઉત્સવમાં નૃત્ય પણ કરેલું હતું અને બાળપણમાં ભગવાન કૃષ્ણની ભૂમિકા પણ ભજવી હતી, છતાં સુભાશીષ ખોલને સંગીત શાળામાં લગભગ 10 અન્ય યુવાન છોકરાઓ અને છોકરીઓ સાથે મળીને શીખ્યા હતા. 1979માં સ્થપાયેલી શ્રી શ્રી પીતાંબરદેવ હાંગસ્ક્રિતિક મહાવિદ્યાલય શાળા અમુકવાર બંધ થઈ જતી હોય છે. 2015માં શિક્ષકોની અછતને કારણે તે ફરીથી બંધ થઈ ગઈ હતી.
સુભાશીષે, 19 વર્ષીય પ્રિયબ્રત હઝારિકા અને અન્ય 27 વિદ્યાર્થીઓ સાથે 2021માં શરૂ થયેલા માનસ અને ખિરોદ દત્તાના ગાયન-બાયન વર્ગોમાં ભાગ લેવાનું શરૂ કર્યું. પ્રિયબ્રતે આ મહાવિદ્યાલય બંધ થઈ ગયું એ પહેલાં ત્યાં સુધી ત્રણ વર્ષ સુધી ખોલનો અભ્યાસ કર્યો હતો.
તેઓ કહે છે, “જો મને વધુ એક વર્ષ શીખવાની તક મળી હોત, તો હું અંતિમ તબક્કા, વિશારદ સુધી પહોંચી શક્યો હોત. મને એમ કે શાળા તો રહેશે જ ને.”
ગાયન અથવા બાયન બનવાનું શીખવા માટેનો પરંપરાગત અભ્યાસક્રમ શું તેને તેઓ આગળ સમજાવતાં કહે છે કે, વિદ્યાર્થીઓને સૌપ્રથમ વિવિધ તાલ શીખવવામાં આવે છે જેને તેઓ તાળીની મદદથી શીખે છે. આ પ્રારંભિક તબક્કામાં નૃત્ય અને ખોલ વગાડવાની મૂળભૂત બાબતો પણ શીખવવામાં આવે છે. વિદ્યાર્થીઓ માટી ખોરા પણ શીખે છે.
માનસ તેને સમજાવતાં કહે છે, “માટી અખોરા એ અમારી સંસ્કૃતિની એક રીત છે. તે કસરત જેવું હોય છે. જો કોઈ વ્યક્તિ આમાં ભાગ લે, તો તેના શરીરના તમામ 206 હાડકાં તંદુરસ્ત અને સ્વસ્થ રહેશે.” પક્ષીઓ અને પ્રાણીઓ દ્વારા કરવામાં આવતા હાવભાવોના નામ પરથી અનેક પ્રકારના અખોરાના નામ આપવામાં આવ્યા છે, જેમ કે મોરાઈ પાની ખોવા, કચાઈ પાની ખોવા, તેલટુપી, વગેરે.
આગળના તબક્કામાં વિદ્યાર્થીઓ જે વિષય શીખવા માંગતા હોય તે અનુસાર જૂથમાં વહેંચવામાં આવે છે. કેટલાક નૃત્યો શીખે છે, કેટલાક ખોલ શીખે છે તો વળી કેટલાક બોરગેટ શીખે છે. જેઓ ગાયન બનવાની યોજના બનાવી રહ્યા છે તેઓ આ તબક્કે તાલ વગાડવાનું શીખે છે.
માનસ કહે છે, “જો હવે કોઈએ આને શીખવું હોય તો તેમને લાંબો સમય લાગશે. પણ કારણ કે અમે આ વાતાવરણમાં જન્મ્યા છીએ અને ખૂબ જ નાની ઉંમરથી [આ કલાનું] અવલોકન કર્યું છે, તેથી અમારા માટે આને શીખવું સરળ છે. પણ જે લોકો આ માહોલમાં નથી ઉછર્યા તેમના માટે આને યોગ્ય રીતે શીખવામાં ઘણા વર્ષો લાગી શકે છે.”
તાજેતરના વર્ષોમાં ગાયન-બાયનની લોકપ્રિયતામાં વધારો થયો છે. આ કલા, જે અગાઉ માત્ર હાત્રોમાં જ પ્રચલિત હતી, તે આજે આસામના ગામડાઓમાં પણ રજૂ થાય છે. તેમ છતાં, ગાયન અને બાયન બનવાનું શીખતા લોકોની સંખ્યા સતત ઘટી રહી છે. યુવા પેઢી વધુ સારી આજીવિકાની શોધમાં માજુલીમાંથી બહાર સ્થળાંતર કરી રહી છે.
પ્રિયબ્રત મને કહે છે, “આ બધું ખતમ થઈ જશે એવો ડર લાગે છે.”
શંકરદેવની મોટાભાગની સંગીત રચનાઓ તેમના જીવનકાળ દરમિયાન નાશ પામી હતી. જે વારસામાં મળ્યું હતું તે બધાનો માત્ર એક નાનો ભાગ હતો, જે એક પેઢી દ્વારા બીજી પેઢીને શીખવવામાં આવ્યો હતો. માનસ આ વારસાને લઈને ઘણા સંવેદનશીલ છે.
તેઓ કહે છે, “પેઢી દર પેઢી બદલાતી રહેશે પણ શંકરદેવની રચનાઓ અમર રહેશે. આ રીતે તે અમારી અંદર જીવતા રહેશે. મારો જન્મ માજુલીમાં થયો એ મારા માટે એક મહત્ત્વપૂર્ણ બાબત છે. [આ પરંપરા] માજુલીમાં જીવંત છે અને જીવંત જ રહેશે. તે હું ખાતરીપૂર્વક કહી શકું છું.”
આ વાર્તા મૃણાલિની મુખર્જી ફાઉન્ડેશન (એમ.એમ.એફ.) ની ફેલોશિપ દ્વારા સમર્થિત છે.
અનુવાદક: ફૈઝ મોહંમદ