પુણેના કોળવડે ગામની બે મહિલાઓ મુંબઈ જતી વરાળથી ચાલતી ટ્રેનનું, તેમાં મુસાફરી કરવાનું અને મોટા શહેરમાં જઈને તેમને જે પ્રકારનું જીવન જીવવું પડશે તે વિશેનું ગીત ગાય છે
ટ્રેનના એન્જિનની પિત્તળની ચીમની છે
ટ્રેન બોરીબંદર, ભાયખલાથી આવે છે
આ ઓવીમાં 72 વર્ષના ગાયિકા રાધા સકપાળ "પિત્તળના ગળા" વાળી ટ્રેનનું વર્ણન કરે છે, "પિત્તળના ગળા" દ્વારા તેઓ ટ્રેનના વરાળથી ચાલતા એન્જિન (સ્ટીમ એન્જિન) ની ધુમાડાના ગોટેગોટા કાઢતી ચીમનીનો ઉલ્લેખ કરે છે. ટ્રેનને સુંદરતા અને શક્તિ આપતી આ ચીમની એકસરખા લયમાં મોટેથી અવાજ કરે છે – ભકછુક, ભકછુક, ભકછુક.
મહારાષ્ટ્રના પુણે જિલ્લાના કોળવડે ગામની રાધા સકપાળ અને રાધા ઉભેએ બે-બે પંક્તિઓના 13 પદો ગાયા છે. ઘંટી ફેરવતા ફેરવતા મહિલાઓ વરાળથી ખેંચાતી ટ્રેન, તેના મુસાફરો અને તેમની મુંબઈ શહેરની મુસાફરીનું ગીત ગાય છે. આ ઓવી નોકરી અને આવકના સ્ત્રોતની શોધમાં મોટા શહેરમાં સ્થળાંતર કરતા લોકો માટે ત્યાંનું જીવન કેવું હોય છે તેની વાત કરે છે.
એક પદમાં મહિલા ટ્રેનમાં ચઢતા પહેલા તેના પતિ પાસેથી સોડચિઠ્ઠી અથવા છૂટાછેડા માંગતો પત્ર માંગે છે. શું દંપતીમાંથી કોઈ એક કામ માટે મુંબઈ સ્થળાંતર કરવાનું હોઈ હવે તેઓ સાથે રહી નહીં શકે, બેઉને અલગ રહેવું પડશે એનું આ પરિણામ હોઈ શકે? કે પછી મોટા શહેરમાં લાંબા કલાકો સુધી સખત કામ કરવાના તણાવપૂર્ણ જીવનનું આ પરિણામ છે? કે પછી મહિલા છેતરપિંડી કરનાર લંપટ પતિ સાથે હવે રહેવા માંગતી નથી?
ઓવીમાં ધીમે ધીમે ટ્રેન આગળ વધે છે અને એક મહિલા તેના સહ-યાત્રીઓને ચિંતાથી પૂછે છે, "હવે મારો ભાઈ કઈ બોગીમાં છે?" અને "ઓ બહેન, હવે મારો દીકરો કઈ બોગીમાં છે?" આ સવાલો દ્વારા ઓવીમાં જણાવાયું છે કે મહિલા તેના ભાઈ કે દીકરા અથવા ભાઈ અને દીકરા બંને સાથે મુસાફરી કરી રહી છે. એક મહિલા તેની સાથે મુસાફરી કરેલા સહપ્રવાસીઓથી અલગ થઈ જાય ત્યારે ટ્રેનમાં થતા હંગામાનું અહીં વર્ણન છે.
એ પછીના થોડાક પદો વાચકના/શ્રોતાના મનમાં સ્પષ્ટ શબ્દચિત્ર ખડું કરતી ભાષામાં લખાયાં છે. ટ્રેનની સીટી "ગર્જના કરે છે અને ચીસો પડે છે" ત્યારે ચીમનીમાંથી "કાળા અને વાદળી" રંગોના ધુમાડાના ગોટા નીકળે છે. આ પંક્તિઓમાંના ઘોંઘાટ અને રંગની પ્રચુરતા મહિલાનો ગભરાટ દર્શાવે છે. અહીં મહિલા તેના ચિરપરિચિત વતનથી અને તેના સાથી પ્રવાસીઓથી છૂટી પડી ગઈ છે, પરિણામે તેની ચિંતા, તેની અસ્વસ્થતા વધી ગયા છે.
મરાઠીમાં દરેક વસ્તુનું લિંગ હોય છે; અને રસપ્રદ રીતે ટ્રેનને સ્ત્રીલિંગ ગણવામાં આવે છે. ઓવી સાથી પ્રવાસીઓથી છૂટી પડી ગયેલી મહિલાની તેના સાથીઓ માટેની બેચેનીપૂર્વકની શોધની સાથેસાથે ટ્રેનની મુસાફરી દરમિયાનની ભારે અરાજકતાનું વર્ણન કરે છે.
મહિલા બોરીબંદર (હાલના છત્રપતિ શિવાજી ટર્મિનસ) ને ટ્રેનનું પિયર અને સાસરું બંને કહે છે. મુસાફરો આ છેલ્લા સ્થાનક પર ઉતરી જઈને ડબ્બાઓ ખાલી કરે છે ત્યારે ટ્રેન ઘડીભર વિસામો લે છે.
થોડા વખતમાં જ નવા મુસાફરો ટ્રેનમાં ચડે છે. ટ્રેને એ બધાને ખંતપૂર્વક તેમના ગંતવ્ય સ્થાને લઈ જવા રહ્યા - સવારથી માંડીને મોડી રાત સુધી તમામ રોજિંદા કામકાજ કર્યા કરતી મહિલાની અથક અવિરત દિનચર્યા જેવો જ છે ટ્રેનનો આ નિત્યક્રમ.
બીજા એક પદમાં ગાયિકાએ ઉલ્લેખ કરે છે કે ટ્રેન બનાવવા માટે કંઈકેટલુંય લોઢું ઓગાળવું પડ્યું હશે. તેઓ કહે છે કે આ હકીકત જાણીને " જેને દીકરી નથી એવી મહિલાને ભારે નવાઈ લાગશે," અહીં તેઓ સૂચવે છે કે એક દીકરીને ઉછેરવા માટે પુરુષ-પ્રધાન સમાજ સાથે સતત ઘર્ષણમાં ઉતરવું પડે છે. મહિલા ગાય છે કે દીકરીને ઉછેરવા અને તેને સારી રીતે પરણીને સ્થાયી થયેલ જોવા માટે માબાપે ખૂબ મહેનત કરવી પડે છે, અને આનો અર્થ શું છે એ તો જેને દીકરી હોય એ જ સમજી શકે.
આગળ જતાં ઓવીમાં સ્થળાંતર કરીને મુંબઈ આવેલી એક મહિલાના જીવનનું વર્ણન છે. છેલ્લા પાંચ પદો મહિલાની ઉત્તેજના અને ગભરાટ બંને છતાં કરે છે. ઓવી વર્ણવે છે, "મુંબઈ જવા માટે મહિલા સજીધજીને તૈયાર થઈ હતી." ટ્રેન ખંડાલા ઘાટના ડુંગરાળ પ્રદેશમાંથી પસાર થાય છે ત્યારે મહિલાને પોતાના માબાપ યાદ આવે છે. ટ્રેનના માર્ગમાં આવતો દેખીતી રીતે સુરક્ષિત જણાતો પણ હકીકતમાં જોખમી એવો આ વિસ્તાર મહિલાના મનમાં પોતાના માતા-પિતાથી દૂર રહીને વ્યતીત કરવાના મુશ્કેલ ભાવિ જીવનનું ચિત્ર ખડું કરે છે.
મુંબઈમાં મહિલાને જે માછલી ખાવા મળે છે તે તેને ભાવતી નથી. તેને પોતાના ગામની જીવનશૈલી યાદ આવે છે જ્યાં તે ચિલા (પિગવીડ) ખાતી હતી. મહિલા કહે છે કે જ્યારે પણ તે તેના ગામ પાછી જશે ત્યારે તે પરિચિત ખેતરોમાં પિગવીડ શોધતી ફરશે.
ઓવી મુંબઈમાં મહિલાનું જીવન કેવી રીતે બદલાઈ જાય છે તેનું વર્ણન કરે છે. તે એક ભોજનશાળા ચલાવે છે અને આખો દિવસ રસોઈ બનાવવામાં અને તેના ગ્રાહકોને, મોટેભાગે સ્થળાંતરિત પુરુષોને, જમાડવામાં વિતાવે છે. શરૂઆતમાં તે મુંબઈની રીતરસમ સાથે અનુકૂળન સાધવા તકલીફો વેઠે છે - તે પોતાના વાળમાં તેલ નાખે છે અને કાંસકાથી ઘસીને સરસ રીતે વાળ ઓળે છે, હવે તે પોતાના ગામમાં બેસતી હતી એ રીતે જમીન પર બેસતી નથી. થોડા વખતમાં તો તે તેના કામમાં એટલી ડૂબી જાય છે કે તેની પાસે પોતાના વાળમાં તેલ નાખવાનો તો ઠીક, ખાવાનોય સમય રહેતો નથી. ભોજનશાળાના કામને પહોંચી વળવાના પ્રયત્નમાં તે પોતાના પતિની અવગણના કરવા માંડે છે, મહિલાઓ ઘંટી ફેરવતા ફેરવતા ગાય છે, "તે તેના પતિ કરતાં તેના ગ્રાહકોનું વધારે ધ્યાન રાખે છે." આ છેલ્લું પદ વૈવાહિક વિખવાદ અને ઓવીની શરૂઆતમાં જેની ભવિષ્યવાણી કરાઈ હતી તે છૂટાછેડાના પત્રનો સંદર્ભ આપે છે.
ચાલો આપણે ટ્રેનની અને જીવનની સફરના ગીતો સાંભળીએ...ભકછુક, ભકછુક
बाई आगीनगाडीचा, हिचा पितळंचा गळा
पितळंचा गळा, बोरीबंदर बाई, भाईखळा
बाई आगीनगाडीला हिची पितळीची पट्टी
पितळंची बाई पट्टी, नार मागती बाई सोडचिठ्ठी
बाई आगीनगाडीचा धूर, निघतो बाई भकभका
धूर निघतो भकभका, कंच्या डब्यात बाई माझा सखा
अशी आगीनगाडी हिचं बोरीबंदर बाई माहेयरु
बाई आता नं माझं बाळ, तिकीट काढून तयायरु
बाई आगीनगाडीचं, बोरीबंदर बाई सासयरु
बाई आता ना माझं बाळ, तिकीट काढून हुशायरु
आगीनगाडी बाईला बहु लोखंड बाई आटयिलं
बाई जिला नाही लेक, तिला नवल बाई वाटयिलं
बाई आगीनगाडी कशी करती बाई आउबाउ
आता माझं बाळ, कंच्या डब्यात बाई माझा भाऊ
बाई आगीनगाडीचा धूर निघतो बाई काळा निळा
आत्ता ना बाई माझं बाळ, कंच्या डब्यात माझं बाळ
बाई ममईला जाया नार मोठी नटयली
खंडाळ्याच्या बाई घाटामधी बाबाबये आठवली
नार ममईला गेली नार, खाईना बाई म्हावयिरं
बाई चिलाच्या भाजीयिला, नार हिंडती बाई वावयिरं
नार ममईला गेली नार करिती बाई तेल-फणी
बाई नवऱ्यापरास खानावळी ना बाई तिचा धनी
नार ममईला गेली नार बसंना बाई भोईला
बाई खोबऱ्याचं तेल, तिच्या मिळंना बाई डोईला
नार ममईला गेली नार खाईना बाई चपायती
असं नवऱ्यापरास खाणावळ्याला बाई जपयती
ટ્રેનના એન્જિનની પિત્તળની ચીમની છે
ટ્રેન બોરીબંદર, ભાયખલાથી આવે છે
ટ્રેનની બાજુમાં પિત્તળની પટ્ટી છે
મહિલા તેના પતિ પાસે છૂટાછેડા માગે છે
આ રહી ટ્રેન, ધુમાડાના ગોટેગોટા કાઢતી ભકછુક, ભકછુક!/ભક્ક ભક્ક!
મારો સાથી-પ્રવાસી, મારો ભાઈ કઈ બોગીમાં છે?
બોરીબંદર એ ટ્રેનનું પિયર છે
મારો દીકરો હવે જવા માટે તૈયાર છે, તેની ટિકિટ ખરીદાઈ ગઈ છે
બોરીબંદર એ ટ્રેનનું સાસરું છે
મારો દીકરો હવે જવા માટે તૈયાર છે, તેની ટિકિટ (તેના) હાથમાં છે
ટ્રેન બનાવવા માટે કેટકેટલું લોખંડ ઓગળવામાં આવ્યું હતું
આ હકીકત જાણીને જેને દીકરી નથી એવી મહિલાને નવાઈ લાગે છે
ટ્રેન ગર્જના કરે છે અને બૂમો પાડે છે
હવે મારો ભાઈ કઈ બોગીમાં છે?
જુઓ ટ્રેનમાંથી કાળા અને વાદળી ધુમાડાના ગોટા નીકળે છે
ઓ બહેન, હવે મારો દીકરો કઈ બોગીમાં છે?
મુંબઈ જવા માટે મહિલા સજીધજીને તૈયાર થઈ હતી
ખંડાલા ઘાટમાં તેને પોતાના માતા-પિતાને યાદ આવ્યા
મહિલા મુંબઈ જાય છે, તે માછલી ખાતી નથી
તેને ચિલાનું શાક યાદ આવે છે, અને તે ખેતરમાં ચિલા શોધે છે
મહિલા મુંબઈ જાય છે, તે તેના વાળમાં તેલ નાખે છે અને માથું ઓળે છે
તે તેના પતિ કરતાં તેના ગ્રાહકોનું વધારે ધ્યાન રાખે છે
મહિલા મુંબઈ ગઈ, તે (હવે) જમીન પર બેસતી નથી
તેની પાસે વાળમાં કોપરેલ નાખવાનો સમય નથી
મહિલા મુંબઈ જાય છે, તેની પાસે ચપાતી ખાવાનો સમય નથી
તે તેની ભોજનશાળામાં ગ્રાહકોનું ધ્યાન રાખે છે, તેના પતિની ઉપેક્ષા કરે છે
કલાકારો/ ગાયકો : રાધાબાઈ સકપાળ, રાધા ઉભે
ગામ : કોળવડે
કસ્બો: ખડકવાડી
તાલુકો : મૂળશી
જીલ્લો : પુણે
જાતિ : મરાઠા
તારીખ : આ ગીતો અને કેટલીક માહિતી 6 ઠ્ઠી જાન્યુઆરી, 1996ના રોજ રેકોર્ડ/ધ્વનિમુદ્રિત કરવામાં આવી હતી. ગાયકના ફોટોગ્રાફ 30 મી એપ્રિલ, 2017ના રોજ લેવામાં આવ્યા હતા; તે સમયે, અમે રાધા ઉભેને શોધી શક્યા ન હતા.
પોસ્ટર: ઉર્જા
હેમા રાયરકર અને ગાય પોઇટેવિન દ્વારા શરૂ કરાયેલ મૂળ ગ્રાઈન્ડમિલ સોંગ્સ પ્રોજેક્ટ વિશે વાંચો .
અનુવાદ: મૈત્રેયી યાજ્ઞિક