2023 નું વર્ષ વ્યસ્ત વર્ષ રહ્યું.
જાન્યુઆરી અને સપ્ટેમ્બર વચ્ચે લગભગ રોજેરોજ ભારતમાં આત્યંતિક હવામાનની ઘટનાઓ જોવા મળી. લોકસભા અને રાજ્યની વિધાનસભાઓમાં વધુ મહિલાઓને લાવવા માટે લોકસભાએ સપ્ટેમ્બરમાં મહિલા અનામત બિલ પસાર કર્યું, પરંતુ તેનો અમલ છેક 2029 માં કરવામાં આવશે. દરમિયાન નેશનલ ક્રાઈમ રેકોર્ડ્સ બ્યુરો દ્વારા જારી કરાયેલા આંકડાઓ અનુસાર 2022 માં મહિલાઓ વિરુદ્ધ આચરવામાં આવેલા ગુનાઓ ની સંખ્યા 445,256 દર્શાવવામાં આવી. ઓગસ્ટમાં સર્વોચ્ચ અદાલતે લિંગ સ્ટીરિયોટાઇપ્સને નાબૂદ કરવા એક હેન્ડબુક બહાર પાડી જેમાં અમુક 'સ્ટીરિયોટાઇપ પ્રમોટિંગ' શબ્દો માટે વિકલ્પો સૂચવવામાં આવ્યા. દરમિયાન એ જ મહિનામાં એસસી (સર્વોચ્ચ અદાલત - સુપ્રીમ કોર્ટ - એસસી) ની પાંચ જજોની ખંડપીઠે સમલૈંગિક લગ્નો ને કાનૂની માન્યતા આપવા વિરુદ્ધ ચુકાદો આપ્યો. નવ રાજ્યોમાં રાજ્ય વિધાનસભાની ચૂંટણીઓ યોજાઈ અને સાંપ્રદાયિક અને કોમી હિંસાના સમાચારોનું પ્રાધાન્ય રહ્યું. માર્ચ 2022 અને જુલાઈ 2023 ની વચ્ચે ભારતમાં કુલ અબજોપતિઓ ની સંખ્યા 166 થી વધીને 174 થઈ. 15-29 વર્ષની વયના લોકો માટે સરેરાશ બેરોજગારી નો દર વર્ષના પ્રથમ નવ મહિના દરમિયાન લગભગ 17.3 ટકા રહ્યો.
*****
આખા વર્ષ દરમિયાન ઘણું બધું બનતું રહ્યું હોવાથી પારી લાઇબ્રેરીએ સંબંધિત અહેવાલો ભેગા કરી એને સંકલિત કરવાનું કામ કરવાનું બીડું ઝડપ્યું.
આમાં અધિનિયમો અને કાયદાઓ, પુસ્તકો, સંમેલનો અને ચાર્ટર (કોઈ સંગઠનના અધિકારો, માન્યતાઓ અને ઉદ્દેશ્યો અંગેના લિખિત દસ્તાવેજ), નિબંધો અને કાવ્યસંગ્રહોથી માંડીને શબ્દાવલિ, સરકારી અહેવાલો, નાની પત્રિકાઓ, સર્વેક્ષણો, લેખો - અરે, અમારી જ વાર્તાઓમાંથી એક વાર્તાના કોમિક બુક રૂપાંતરણનો પણ સમાવેશ થયો હતો!
આ વર્ષે અમારી નવી યોજનાઓમાંની એક એ લાઇબ્રેરી બુલેટિન - ચોક્કસ વિષય સાથે સંબંધિત પારી વાર્તાઓ અને સંસાધનોનો પ્રસંગોપાત સાર-સંક્ષેપ. આ વર્ષે અમે આમાંથી ચાર બુલેટિન પ્રકાશિત કર્યા, મહિલાઓના સ્વાસ્થ્ય , મહામારીથી અસરગ્રસ્ત શ્રમિકો , દેશમાં ક્વિયર સમુદાય ની પરિસ્થિતિ અને ગ્રામીણ ભારતમાં શિક્ષણ ની સ્થિતિ વિષયક.
અમારી લાઇબ્રેરીના કેટલાક અહેવાલોએ આબોહવા (પરિવર્તનનો સામનો કરવા) સંબંધિત જવાબદારીઓ નિભાવવામાં રહેલી અસમાનતા છતી કરી. આ અહેવાલોએ દર્શાવ્યું કે વિશ્વની સૌથી ધનાઢ્ય 10 ટકા વસ્તી કુલ કાર્બન ઉત્સર્જન ના લગભગ પચાસ ટકા ઉત્સર્જન માટે કેવી રીતે જવાબદાર છે અને આ ઉત્સર્જન ગ્લોબલ વોર્મિંગ ઘટાડવાનું લક્ષ્ય હાંસલ કરવા માટે જરૂરી તમામ મર્યાદાઓને વટાવી જાય છે. 2015 નો પેરિસ કરાર આત્યંતિક આબોહવાની આપત્તિજનક ઘટનાઓ નિવારવા માટે સરેરાશ વૈશ્વિક તાપમાનને પૂર્વ-ઔદ્યોગિક સ્તરોથી 1.5 ° વધારે સુધી મર્યાદિત કરવાની જરૂરિયાત બાબતે પ્રતિબદ્ધ હોવા છતાં આ પરિસ્થિતિ છે. સ્પષ્ટપણે, આપણે સાચા માર્ગ પરથી ભટકી ગયા છીએ.
વર્ષ 2000 થી ગ્રીનહાઉસ ગેસ ઉત્સર્જન 40 ટકા વધ્યું છે. સિંધુ-ગંગાના મેદાનો - આપણા દેશની લગભગ 40 ટકા વસ્તીનું ઘર - એ હવે ભારતના સૌથી વધુ પ્રદૂષિત પ્રદેશો બની ગયા છે, અને દિલ્હીની હવા સમગ્ર વિશ્વના તમામ મહાનગરોમાં સૌથી વધુ પ્રદૂષિત હવા તરીકે નોંધાઈ છે. અમે વાંચેલા ઘણા અહેવાલોએ દર્શાવ્યું કે સમગ્ર ભારત આબોહવા સંબંધિત જોખમોનો સામનો કરે છે, પરંતુ આવા જોખમો પ્રત્યે ઝારખંડ અને ઓડિશા જેવા કેટલાક રાજ્યો ખાસ વધુ સંવેદનશીલ છે
વર્ષ 2020 માં આબોહવા સંબંધિત જોખમોને કારણે દેશમાં લગભગ 2 કરોડ લોકોએ સ્થળાંતર કરવું પડ્યું હતું. ઈન્ટરનેશનલ ઈન્સ્ટિટ્યુટ ફોર એન્વાયર્મેન્ટ એન્ડ ડેવલપમેન્ટના આ અહેવાલે ઉમેર્યું હતું કે દેશની કાર્યક્ષમ જનસંખ્યાના લગભગ 90 ટકા અસંગઠિત ક્ષેત્રમાં કાર્યરત છે એ હકીકતને ધ્યાનમાં લેતા અસરકારક સામાજિક સુરક્ષાની તાતી જરૂર છે.
અસંગઠિત ક્ષેત્રમાં રોજગાર અને સ્થળાંતરના પ્રશ્નોનો સીધો સંબંધ પોતાના પરિવારો સાથે સ્થળાંતર કરતા બાળકોના શિક્ષણની સાથે છે. દિલ્હી એનસીઆર અને ભોપાલમાં સ્થળાંતરિત પરિવારોના એક સર્વેક્ષણમાં જાણવા મળ્યું છે કે સ્થળાંતરિત પરિવારોના લગભગ 40 ટકા બાળકો શાળાએ જતા નથી.
ધ પિરિયોડિક લેબર ફોર્સ સર્વેની ત્રિમાસિક પત્રિકાઓ એ શ્રમિકોની ભાગીદારી અને બેરોજગારીના દર તેમજ પ્રાથમિ ક , દ્વિતીયક અને તૃતીયક ક્ષેત્રોમાં કાર્યબળ વિતરણના ગુણોત્તરસંબંધિત માહિતી મેળવવા ઉપયોગી થવાનું ચાલુ રાખ્યું હતું.
પ્રસાર માધ્યમોની બદલાતી પ્રકૃતિ એ આ વર્ષે સામાન્ય ચિંતાનો વિષય બની હતી. એક મર્યાદિત સર્વેક્ષણ દર્શાવે છે કે તમામ ભારતીયોમાંથી એક તૃતીયાંશ લોકો દરરોજ ટેલિવિઝન જુએ છે, જોકે માત્ર 14 ટકા ભારતીયો જ દરરોજ અખબારો વાંચે છે. અન્ય એક અહેવાલમાં જાણવા મળ્યું છે કે 72.9 કરોડ ભારતીયો ઇન્ટરનેટ પર સક્રિય હતા. અને સ્થાનિક સમાચાર ઓનલાઈન વાંચતા લોકોમાંથી 70 ટકા લોકોએ ભારતીય ભાષાઓમાં સમાચાર વાંચ્યા હતા.
અ ક્વિયર પરસન્સ ગાઈડ ટુ એકસેસિંગ રાઇટ્સ જેવા દસ્તાવેજોએ ન્યાયી કાનૂની પ્રણાલીને સમર્થન આપતી ચર્ચાને પ્રોત્સાહન આપ્યું. વર્ષ દરમિયાન પ્રકાશિત ગ્લોસરીઝ અને હેન્ડબુક્સ ( શબ્દાવલિ અને લઘુ નિર્દેશ પુસ્તિકાઓ ) વિવિધ લૈંગિક ઓળખ માટે વધુ સમાવેશક શબ્દભંડોળના ઉપયોગને પ્રોત્સાહન આપતી સરળ માર્ગદર્શિકા બની રહી.
ક્લાઇમેટ ડિક્શનરી એ જટિલ વૈજ્ઞાનિક પરિભાષા અને જનસામાન્યની બોલચાલની ભાષા વચ્ચેના અંતરને દૂર કરીને અમને આબોહવા વિશે થોડી વધુ સરળતાથી વાત કરવામાં મદદ કરી. વિશ્વની ઘટતી જતી ભાષાકીય વિવિધતા તરફ ધ્યાન દોરતો અમે પ્રકાશિત કરેલ આ એટલાસ ભારતમાં લગભગ 300 ભાષાઓ (લુપ્ત થવાના) જોખમમાં હોવાનું દર્શાવે છે.
અને પારી પુસ્તકાલયમાં 'ભાષા' ને પોતાનું એક આગવું સ્થાન મળ્યું! ડઝનબંધ અહેવાલોની સાથે સાથે અહીં ફર્સ્ટ હિસ્ટ્રી લેસન્સ છે જે બાંગ્લા ભાષા અને તેની બોલીઓમાં થયેલા ફેરફારો અને તેમના ઇતિહાસને અનુસરીને ભાષા અને સત્તાના સમીકરણો સ્પષ્ટ કરે છે. પારી લાઇબ્રેરીએ ભારતના ભાષાકીય સર્વેક્ષણ ( લિંગ્વિસ્ટિક સર્વે ઓફ ઈન્ડિયા ) ના અહેવાલોનો સમાવેશ કરવાનું પણ શરૂ કર્યું, જેની શરૂઆત એક સર્વેક્ષણથી થઈ છે અને આવતા વર્ષે બીજા ઘણા સર્વેક્ષણનો પારી પુસ્તકાલયમાં સમાવેશ થશે.
2023 નું વર્ષ વ્યસ્ત વર્ષ હતું. 2024 નું વર્ષ વધુ વ્યસ્ત વર્ષ રહેશે. પારી પર નવું શું છે તે જોવા માટે (અમારી વેબસાઇટની) મુલાકાત જરૂર લેતા રહો!
જો તમે પારી લાઇબ્રેરીના કામમાં મદદરૂપ થવા માગતા હો તો [email protected] પર લખો
અમે જે કામ કરીએ છીએ તેમાં તમને રુચિ હોય અને તમે પારીમાં યોગદાન આપવા ઈચ્છતા હો તો કૃપા કરીને [email protected] પર અમને લખો. અમે ફ્રીલાન્સ અને સ્વતંત્ર લેખકો, પત્રકારો, ફોટોગ્રાફરો, ફિલ્મ નિર્માતાઓ, અનુવાદકો, સંપાદકો, ચિત્રકારો અને સંશોધકોને અમારી સાથે કામ કરવા માટે આવકારીએ છીએ.
પારી એ નફાના હેતુ વિના કામ કરતી સંસ્થા છે અને અમે (અમારા કામ માટે) અમારી બહુભાષી ઓનલાઇન જર્નલ અને આર્કાઇવની પ્રશંસા કરતા લોકોના દાન પર આધાર રાખીએ છીએ. જો તમે પારીમાં આર્થિક યોગદાન આપવા ઈચ્છતા હો તો કૃપા કરીને ડોનેટ પર ક્લિક કરો.
અનુવાદ: મૈત્રેયી યાજ્ઞિક