વીડિઓ જુઓ: મારીની મસ્જિદ અને મકબરો

ત્રણ યુવાનો બાંધકામ સ્થળ પર કામ કરીને મારી ખાતે ગામ પરત ફરી રહ્યા હતા. તેમાંના એક એવા અજય પાસવાન યાદ કરે છે, “તે 15 વર્ષ પહેલાંની વાત છે. અમે અમારા ગામની વેરાન મસ્જિદમાંથી પસાર થઈ રહ્યા હતા, અને અમે તેને અંદરથી જોવાનું વિચાર્યું. અમે ઉત્સુક હતા.”

તેની લાદી પર શેવાળ ફેલાઈ ગઈ હતી અને આખા માળખા પર ઝાડીઓ છવાઈ ગઈ હતી.

33 વર્ષીય દૈનિક વેતન કામદાર કહે છે, “અંદર ગયે તો હમ લોગોં કા મન બદલ ગયા [જ્યારે અમે અંદર ગયા, ત્યારે અમારું મન બદલાઈ ગયું]. કદાચ અલ્લાહની જ ઇચ્છા હશે કે અમે અંદર જઈએ.”

ત્રણેય − અજય પાસવાન, બખોરી બિંદ અને ગૌતમ પ્રસાદે તેને સાફ કરવાનું નક્કી કર્યું. અજય કહે છે, “અમે ઝાડીઝાંખરા કાપી નાખ્યા અને મસ્જિદને રંગરોગાન કર્યું. અમે મસ્જિદની સામે એક મોટો ઓટલો પણ બનાવ્યો.” તેઓએ સાંજે દીવો પણ પ્રગટાવવાનું શરૂ કર્યું.

તે ત્રણેય મિત્રોએ સાઉન્ડ સિસ્ટમ લગાવી અને મસ્જિદના ગુંબજ પર લાઉડસ્પીકરનું હોર્ન લટકાવી દીધું. અજય ઉમેરે છે, “અમે સાઉન્ડ સિસ્ટમ દ્વારા અઝાન વગાડવાનું નક્કી કર્યું.” અને ટૂંક સમયમાં જ બિહારના નાલંદા જિલ્લાના મારી ગામમાં તમામ મુસ્લિમો માટે દિવસમાં પાંચ વખત અઝાન (નમાઝના સમયની હાકલ) ગુંજવા લાગી.

PHOTO • Umesh Kumar Ray
PHOTO • Shreya Katyayini

અજય પાસવાન (ડાબે) અને અન્ય બે મિત્રોએ બિહારના નાલંદા જિલ્લામાં તેમના ગામ મારીમાં મસ્જિદની જાળવણીની જવાબદારી લેવાનું નક્કી કર્યું. ગામના વડીલો (જમણે) કહે છે કે સદીઓથી ગામમાં કોઈપણ ઉજવણી, હિંદુઓની હોય તો પણ, હંમેશા મસ્જિદ અને મઝારમાં પૂજા સાથે જ શરૂ થાય છે

મારી ગામમાં મુસલમાનો છે જ નહીં. પરંતુ અહીંની મસ્જિદ અને મઝારની (મકબરાની) સંભાળ અને જાળવણી અજય, બખોરી અને ગૌતમ નામના ત્રણ હિંદુઓના શિરે છે.

જાનકી પંડિત કહે છે, “અમારી આસ્થા આ મસ્જિદ અને મઝાર સાથે જોડાયેલી છે, અને અમે તેની રક્ષા કરીએ છીએ.” આ 82 વર્ષીય રહેવાસી ઉમેરે છે, “જ્યારે 65 વર્ષ પહેલાં મારા લગ્ન થયા હતા, ત્યારે પણ મેં પહેલાં મસ્જિદમાં માથું ટેકવ્યું હતું અને પછી અમારા (હિંદુ) દેવતાઓની પૂજા કરી હતી.”

સફેદ અને લીલા રંગની મસ્જિદ મુખ્ય માર્ગ પરથી દેખાય છે; તેનો રંગ દરેક ચોમાસામાં ઝાંખો પડે છે. તેની ચાર ફૂટ ઊંચી સીમા દિવાલો મસ્જિદ અને મઝારના પરિસરને ઘેરી લે છે. મોટા, જૂના લાકડાના દરવાજામાંથી પસાર થઈને વ્યક્તિ મસ્જિદના આંગણામાં પ્રવેશ કરે છે, જેમાં કુરાનનો હિન્દી અનુવાદ અને ઈબાદતની પદ્ધતિઓ સમજાવતું પુસ્તક સચ્ચી નમાઝ રાખવામાં આવેલું છે.

સરકારી શાળાનાં એક નિવૃત્ત શિક્ષિકા પંડિત ઉમેરે છે, “ગામના વરરાજાએ પહેલા મસ્જિદ અને મઝારમાં માથું ટેકવાનું હોય છે, અને પછી જ અમારા હિંદુ દેવતાઓને નમન કરવામાં આવે છે.” જ્યારે લગ્નની વરઘોડો બહારના ગામથી આવે છે ત્યારે પણ વરરાજાને પહેલાં મસ્જિદમાં લઈ જવામાં આવે છે. ત્યાં દર્શન કર્યા પછી જ અમે તેમને મંદિરમાં લઈ જઈએ છીએ. આ વિધિનો આદર અહીંયા સૌ કરે છે.” સ્થાનિક લોકો મઝારમાં પ્રાર્થના કરે છે, અને જો કોઈ ઇચ્છા ફળે, તો તે તેના પર ચાદર ચઢાવે છે.

PHOTO • Shreya Katyayini
PHOTO • Umesh Kumar Ray

મારીની મસ્જિદને 15 વર્ષ પહેલાં ત્રણ યુવાનો દ્વારા પુનઃસ્થાપિત કરવામાં આવી હતીઃ અજય પાસવાન, બખોરી બિંદ અને ગૌતમ પ્રસાદ − જેમણે ત્યાં ઉગેલી ઝાડીઝાંખરાની કાપણી કરી, મસ્જિદ નું રંગરોગાન કર્યું , એક મોટો ઓટલો બનાવ્યો અને સાંજે દીવો પ્રગટાવવાનું શરૂ કર્યું. મસ્જિદની અંદર કુરાનનો હિન્દી અનુવાદ (જમણે) અને નમાઝ (દૈનિક બંદગી ) કેવી રીતે કરવી તે અંગેની પુસ્તિકા છે

PHOTO • Shreya Katyayini
PHOTO • Shreya Katyayini

આ મઝાર (ડાબે) સૂફી સંત હઝરત ઈસ્માઇલનું હોવાનું કહેવાય છે, જેઓ ઓછામાં ઓછી ત્રણ સદીઓ પહેલાં અરેબિયાથી અહીં આવ્યા હતા. શાળાનાં એક નિવૃત્ત શિક્ષિકા જાનકી પંડિત (જમણે) કહે છે, ‘અમારી આસ્થા આ મસ્જિદ અને મઝાર સાથે જોડાયેલી છે, એટલે અને અમે તેની રક્ષા કરીએ છીએ’

પચાસ વર્ષ પહેલાં મારીમાં મુસ્લિમ સમુદાયના લોકોની વસ્તી ઓછી હતી. 1981માં બિહાર શરીફમાં થયેલી કોમી હિંસા બાદ તેઓ ઉતાવળે ગામ છોડી ગયા હતા. તે વર્ષે એપ્રિલમાં રમખાણોની શરૂઆત તાડી (તાડી)ની દુકાન પર હિંદુઓ અને મુસ્લિમો વચ્ચેના વિવાદથી થઈ હતી અને 80 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો.

જો કે મારીમાં કંઈ નહોતું થયું, તેમ છતાં આ વિસ્તારમાં ઊભી થયેલી તંગદિલીને કારણે અહીંના મુસ્લિમો હચમચી ગયા હતા અને અનિશ્ચિત બની ગયા હતા. ધીમે ધીમે તેઓ અહીંથી દૂર ચાલ્યા ગયા અને નજીકના મુસ્લિમ બહુમતી ધરાવતા નગરો અને ગામડાઓમાં રહેવા જતા રહ્યા.

એ વખતે અજયનો જન્મ નહોતો થયો. તેઓ ગામના મુસલમાનોની હિજરત વિશે કહે છે, “લોકોએ કહ્યું કે મુસલમાનોએ તે વખતે આ ગામ છોડી દીધું હતું. તેઓ શા માટે આ ગામ છોડી ગયા અને અહીં શું શું બન્યું હતું તે તેમણે મને કહ્યું નહી. પરંતુ જે બન્યું હતું તે સારું નહોતું.”

અહીંના ભૂતપૂર્વ નિવાસી, શહાબુદ્દીન અન્સારી આ વાત સાથે સંમત થાય છેઃ “વો એક અંધડ થા, જિસને હમેશા કે લિએ સબકુછ બદલ દિયા [તે એક તોફાન હતું, જેણે કાયમ માટે બધું બદલી નાખ્યું].”

અન્સારી લોકો આશરે એ 20 મુસ્લિમ પરિવારોમાંના એક હતા જેઓ 1981માં મારીથી જતા રહ્યા હતા. શહાબુદ્દીન કહે છે, “મારા પિતા મુસ્લિમ અન્સારી તે સમયે બીડી બનાવતા હતા. જે દિવસે રમખાણો ફાટી નીકળ્યા, તે દિવસે તેઓ બીડીની સામગ્રી લાવવા બિહાર શરીફ ગયા હતા. જ્યારે તેઓ પાછા ફર્યો ત્યારે તેમણે મારીના મુસ્લિમ પરિવારોને તે અંગે જાણ કરી.”

PHOTO • Umesh Kumar Ray
PHOTO • Umesh Kumar Ray

મારીમાં અજય (ડાબે) અને શહાબુદ્દીન અન્સારી (જમણે). શહાબુદ્દીન અન્સારી યાદ કરે છે કે કેવી રીતે એક હિંદુએ તેમને ટપાલી તરીકેની નોકરી મેળવવામાં મદદ કરી હતી. શહાબુદ્દીન 1981ના રમખાણોને યાદ કરે છે, કે જેના કારણે મુસ્લિમોને ઉતાવળે આ જગ્યા છોડવી પડી હતી. તેઓ કહે છે, ‘હું મારી ગામમાં ટપાલી તરીકે કામ કરતો હતો, ત્યારથી મેં ત્યાં એક હિંદુ પરિવારના ઘેર રહેવાનું શરૂ કર્યું હતું, પરંતુ મેં મારા પિતા અને માતાને બિહાર શરીફમાં સ્થાનાંતરિત કરી દીધાં. તે એક તોફાન હતું જેણે કાયમ માટે બધું બદલી નાખ્યું’

શહાબુદ્દીન એ વખતે વીસ વર્ષના હતા, અને ગામમાં ટપાલી તરીકે ફરજ બજાવતા હતા. એક વાર તેમનો પરિવાર આ જગ્યા છોડીને જતો રહ્યો પછી, તેમણે બિહારના શરીફ શહેરમાં કરિયાણાની દુકાન ચલાવવાનું શરૂ કર્યું. તેઓ કહે છે કે તેઓ અચાનક ચાલ્યા ગયા હોવા છતાં, “ગામમાં કોઈ ભેદભાવ નહોતો. અમે બધા આટલા લાંબા સમય સુધી હળીમળીને રહેતા હતા. કોઈને કોઈનાથી કોઈ તકલીફ નહોતી.”

તેઓ વારંવાર કહે છે કે, મારીમાં હિંદુઓ અને મુસ્લિમો વચ્ચે કોઈ દુશ્મનાવટ નહોતી અને હજુ પણ નથી. મસ્જિદ અને મઝારની સંભાળ રાખવામાં આવી રહી છે તેનાથી ખુશ થયેલા 62 વર્ષીય વૃદ્ધ કહે છે, “જ્યારે હું મારીની મુલાકાત લઉં છું, ત્યારે ઘણા હિંદુ પરિવારો મને તેમના ઘરોમાં ભોજન લેવાનો આગ્રહ કરે છે. એવું એક પણ ઘર નથી કે જે મને જમવા માટે ન કહેતું હોય.”

બેન બ્લોકમાં આવેલા મારી ગામની વસ્તી આશરે 3,307 ( વસ્તી ગણતરી 2011 મુજબ ) છે, અને મોટાભાગના લોકો પછાત વર્ગના અને દલિતો છે. મસ્જિદની સંભાળ રાખનારા યુવાનોઃ અજય દલિત છે, બખોરી બિંદ EBC (અત્યંત પછાત વર્ગ) ના છે અને ગૌતમ પ્રસાદ OBC (અન્ય પછાત વર્ગ) ના છે.

મોહંમદ ખાલિદ આલમ ભુટ્ટો કહે છે, “આ ગંગા−જમુની તહઝીબ (હળીમળીને રહેવાની સંસ્કૃતિ) નું શ્રેષ્ઠ ઉદાહરણ છે.” ગામના ભૂતપૂર્વ રહેવાસી એવા આ 60 વર્ષીય વૃદ્ધ નજીકના બિહાર શરીફ શહેરમાં સ્થળાંતર કરનારાઓમાંના એક હતા. તેઓ કહે છે, “આ મસ્જિદ 200 વર્ષ કરતાંય વધુ જૂની છે, અને તેની સાથે જોડાયેલ મઝાર તો તેનાથીય જૂની હોવાની.”

તેઓ કહે છે, “આ મઝાર હઝરત ઈસ્માઈલની છે, જેઓ એક સૂફી સંત છે, જેઓ અરેબિયાથી મારી ગામમાં આવ્યા હોવાનું કહેવાય છે. એવું માનવામાં આવે છે કે તેમના આગમન પહેલાં આ ગામ પૂર અને આગ જેવી કુદરતી આફતોને કારણે ઘણી વખત તબાહ થઈ ગયું હતું. પરંતુ તેમણે અહીં રહેવાનું શરૂ કર્યું, ત્યારપછી આપત્તિ ક્યારેય નડી નથી. તેમના મૃત્યુ પછી તેમની મઝાર બનાવવામાં આવી  અને ગામના હિંદુઓએ તેમની પૂજા કરવાનું શરૂ કર્યું હતું. તે પરંપરા આજે પણ ચાલુ છે.”

PHOTO • Umesh Kumar Ray
PHOTO • Shreya Katyayini

અજય (ડાબે) અને તેના મિત્રોએ અઝાન કરવા માટે એક વ્યક્તિને નોકરીએ રાખી છે, અને તેઓ મળીને તેમને તેમના વેતનમાંથી માસિક પગાર પેટે 8,000 રૂપિયા ચૂકવે છે. જમણેઃ મારીના ભૂતપૂર્વ રહેવાસી મોહંમદ ખાલિદ આલમ ભુટ્ટો કહે છે, ‘આ ગંગા−જમુની તહઝીબ [હળીમળીને રહેવાની સંસ્કૃતિ] નું શ્રેષ્ઠ ઉદાહરણ છે’

ત્રણ વર્ષ પહેલાં કોવિડ−19 મહામારી અને તેના પછીના લૉકડાઉન પછી, અજય, બખોરી અને ગૌતમને મારીમાં કામ મળવું મુશ્કેલ બન્યું હતું, તેથી તેઓ જુદી જુદી જગ્યાએ રહેવા લાગ્યા − ગૌતમ ઇસ્લામપુરમાં (35 કિમી દૂર) કોચિંગ સેન્ટર ચલાવે છે અને બખોરી ચેન્નાઈમાં કડિયા તરીકે કામ કરે છે, જ્યારે અજય બિહાર શરીફ શહેરમાં રહેવા જતા રહ્યા છે.

ત્રણેયના જતા રહેવાથી મસ્જિદની જાળવણીને અસર થઈ હતી. ફેબ્રુઆરી 2024માં અજય કહે છે કે મસ્જિદમાં અઝાન બંધ થઈ ગઈ હતી અને  તેથી તેમણે અઝાન કરવા માટે એક મુઅઝ્ઝિનને નોકરીએ રાખ્યો હતો. તેઓ ઉમેરે છે, “મુઅઝ્ઝિનનું કામ દિવસમાં પાંચ વખત અઝાન કરવાનું છે. અમે [ત્રણેય] તેમને માસિક પગાર તરીકે 8,000 રૂપિયા આપીએ છીએ અને તેમને ગામમાં રહેવા માટે એક ઓરડો આપ્યો છે.”

અજયે જ્યાં સુધી તેઓ જીવતા છે ત્યાં સુધી મસ્જિદ અને મઝારની રક્ષા કરવાનું નક્કી કર્યું છે. “મરને કે બાદ હી કોઈ કુછ કર સકતા હૈ. જબ તક  હમ ઝિંદા હૈ, મસ્જિદ કો કિસી કો કુછ કરને નહીં દેંગે [મારા મૃત્યુ પછી જેને જે કરવું હોય એ કરે. જ્યાં સુધી હું જીવતો રહીશ, ત્યાં સુધી હું કોઈને પણ મસ્જિદને કંઈપણ [નુકસાન] નહીં કરવા દઉં.”

આ વાર્તાને બિહારમાં હાંસિયામાં ધકેલાઈ ગયેલા લોકોના સંઘર્ષોનું સમર્થન કરનારા એક ટ્રેડ યુનિયનિસ્ટની યાદમાં ફેલોશિપ દ્વારા સમર્થન આપવામાં આવ્યું છે

અનુવાદક: ફૈઝ મોહંમદ

Text : Umesh Kumar Ray

উমেশ কুমার রায় ২০২২এর পারি ফেলো। বিহার-নিবাসী এই স্বতন্ত্র সাংবাদিকটি প্রান্তবাসী সম্প্রদায়দের নিয়ে লেখালেখি করেন।

Other stories by Umesh Kumar Ray
Photos and Video : Shreya Katyayini

শ্রেয়া কাত্যায়নী একজন চলচ্চিত্র নির্মাতা এবং পিপলস আর্কাইভ অফ রুরাল ইন্ডিয়ার বরিষ্ঠ ভিডিও সম্পাদক। তিনি পারি’র জন্য ছবিও আঁকেন।

Other stories by শ্রেয়া কাত্যায়ণী
Editor : Priti David

প্রীতি ডেভিড পারি-র কার্যনির্বাহী সম্পাদক। তিনি জঙ্গল, আদিবাসী জীবন, এবং জীবিকাসন্ধান বিষয়ে লেখেন। প্রীতি পারি-র শিক্ষা বিভাগের পুরোভাগে আছেন, এবং নানা স্কুল-কলেজের সঙ্গে যৌথ উদ্যোগে শ্রেণিকক্ষ ও পাঠক্রমে গ্রামীণ জীবন ও সমস্যা তুলে আনার কাজ করেন।

Other stories by Priti David
Translator : Faiz Mohammad

Faiz Mohammad has done M. Tech in Power Electronics Engineering. He is interested in Technology and Languages.

Other stories by Faiz Mohammad