“પશ્ચિમ બંગાળના લોકો ડુલી બનાવવામાં અસમર્થ છે.”
બબન મહત્તો ડાંગરનો સંગ્રહ કરવા માટે છ ફૂટ ઊંચી અને ચાર ફૂટ પહોળી વિશાળ “ધાન ધોરાર ડુલી” બનાવે છે તે વિશે હકીકત બયાન કરતા હોય તે સૂરમાં આ વાત કહે છે.
જો આપણે તેમને પહેલી વાર ન સમજી શક્યા હોત, તો પડોશી રાજ્ય બિહારથી આવેલા આ કારીગર ઉમેરે છે, “ડુલી બનાવવી સરળ કામ નથી.” તેમાં ઘણા તબક્કાઓમાં કામ કરવું પડે છે: “કાંદા સાધના, કામ સાધના, ટલ્લી બિઠાના, ખાડા કરના, બુનાઈ કરના, તેરી ચઢાના [વાંસની લંબચોરસ ઊભી પટ્ટીઓ અને આડી પટ્ટીઓ તૈયાર કરવી, ગોળાકાર માળખું ગોઠવવું, ટોપલી ઊભી કરવી, તેને વણાટ કરીને પૂર્ણ કરવી, અને છેલ્લે તેમને જોડવી] થી શરૂ કરીને ઘણું કામ કરવાનું હોય છે.”
52 વર્ષીય બબન છેલ્લા ચાર દાયકાથી આ કામ કરી રહ્યા છે. “બાળપણથી જ મારાં માતા-પિતાએ મને આ જ કામ શીખવ્યું છે. તેઓ પણ આ જ કામ કરતાં હતાં. બધા બિંદ લોકો ડુલી બનાવે છે. તેઓ ટોકરી [નાની ટોપલીઓ] પણ બનાવે છે, માછલી પકડે છે અને હોડી ચલાવે છે.
બબન બિહારના બિંદ સમુદાયમાંથી છે, જે રાજ્યમાં અત્યંત પછાત વર્ગ (EBC) તરીકે સૂચિબદ્ધ છે (જાતિ વસ્તી ગણતરી 2022-23). તેઓ કહે છે કે મોટાભાગના ડુલી કારીગરો બિંદ સમુદાયના છે, પરંતુ આ કામ કાનુ અને હલવાઈ સમુદાયો (EBC) ના લોકો દ્વારા પણ કરવામાં આવે છે, જેમણે દાયકાઓ સુધી બિંદ લોકોની નજીક રહીને આ કૌશલ્ય શીખી લીધું છે.
તેઓ કહે છે, “ હું મારા હાથના અંદાજ સાથે કામ કરું છું. ભલે મારી આંખો બંધ હોય, અથવા બહાર અંધારું હોય, પણ મારા હાથની કુશળતા મને માર્ગદર્શન આપવા માટે પૂરતી છે.”
તેઓ વાંસના આડા ક્રોસ-સેક્શનને કાપીને કામની શરૂઆત કરે છે, અને તેને 104 લવચીક પટ્ટીઓમાં વિભાજિત કરે છે, જે એક ખૂબ નિપુણતા માગી લેતું કામ છે. પછી ચોક્કસ ગણતરીઓનો ઉપયોગ કરીને, વાંસનું ગોળાકાર માળખું ઇચ્છિત કદના આધારે વ્યાસમાં “છે યા સાત હાથ” (આશરે 9 થી 10 ફૂટ) જેટલું માપવામાં આવે છે. ‘હાથ’ એ વચલી આંગળીની ટોચથી કોણી સુધી હાથનું માપ છે, જેનો ઉપયોગ સમગ્ર ભારતમાં કારીગરોના જૂથો દ્વારા માપના એકમ તરીકે વ્યાપકપણે થાય છે; તે આશરે 18 ઇંચ જેટલું માપ છે.
પારી અલીપુરદ્વાર જિલ્લામાં (અગાઉ જલપાઈગુડી) બબન સાથે વાત કરી રહી છે. તે બિહારના ભગવાન છાપરામાં તેમના ઘરથી 600 કિલોમીટર દૂર છે, જ્યાંથી તેઓ દર વર્ષે કામ માટે પશ્ચિમ બંગાળના ઉત્તરીય મેદાનોમાં જાય છે. તેઓ જ્યારે અહીં ખરિફ ડાંગરનો પાક લણણી માટે તૈયાર થાય, ત્યારે કાર્તિક (ઓક્ટોબર-નવેમ્બર) મહિનામાં આવે છે. તેઓ અહીં આગામી બે મહિના સુધી રહેશે, ડુલી બનાવશે અને તેને વેચશે.
તેઓ આમાં એકલા નથી. પૂરન સાહા કહે છે, “બંગાળના અલીપુરદ્વાર અને કૂચબિહાર જિલ્લાના દરેક હાટ (સાપ્તાહિક બજાર) માં અમારા ભગવાન છાપરા ગામના ડુલી બનાવનારા હોય છે.” પૂરન પણ ડુલી બનાવે છે, અને દર વર્ષે બિહારથી કૂચબિહાર જિલ્લાના ખગરબારી નગરના ડોડિયાર હાટમાં સ્થળાંતર કરે છે. આ કામ માટે આવતા મોટાભાગના સ્થળાંતર કરનારાઓ પાંચથી 10ના જૂથોમાં ભેગા થાય છે. તેઓ કોઈ એક હાટ પસંદ કરે છે અને ત્યાં કામચલાઉ તંબુઓમાં રહે છે.
બબન જ્યારે 13 વર્ષના હતા ત્યારે પ્રથમ વખત પશ્ચિમ બંગાળ આવ્યા હતા. તેઓ તેમના ગુરુ રામ પરબેશ મહત્તો સાથે અહીં આવ્યા હતા. ડુલી કારીગરોના પરિવારમાંથી આવતા બબન કહે છે, “ હું 15 વર્ષથી મારા ગુરુની મુસાફરીમાં તેમની સાથે રહ્યો છું. પછી જ હું તેને (ડુલી બનાવવાને) સંપૂર્ણ રીતે સમજી શક્યો છું.”
*****
બબન તેમના દિવસની શરૂઆત અગ્નિ પ્રગટાવીને કરે છે. તેમના કામચલાઉ ઘરની અંદર સૂવા માટે ખૂબ ઠંડી હોય છે, તેથી તેઓ બહારના રસ્તા પર આગ પાસે બેસવાનું પસંદ કરે છે. “હું દરરોજ સવારે 3 વાગ્યે ઊઠું છું. મને રાત્રે ઠંડી લાગે છે. ઠંડીને કારણે, હું મારા પલંગમાંથી બહાર નીકળું છું, બહાર આગ પ્રગટાવું છું અને તેની બાજુમાં બેસું છું.” એક કલાક પછી તેઓ કામ કરવાનું શરૂ કરે છે, અને બહાર હજી અંધારું હોવા છતાં, મંદ સ્ટ્રીટ લાઇટના અજવાળે તેઓ કામ શરૂ કરી દે છે.
તેઓ કહે છે કે ડુલી ટોપલી બનાવવાની પ્રક્રિયાનો એક અભિન્ન ભાગ છે યોગ્ય પ્રકારના વાંસની પસંદગી છે. બબન કહે છે, “ત્રણ વર્ષ જૂનું વાંસ આ હેતુ માટે શ્રેષ્ઠ છે, કારણ કે તેના સરળતાથી ભાગલા કરી શકાય છે, અને તેની જાડાઈ માપસરની હોય છે.”
યોગ્ય ગણતરીઓનો ઉપયોગ કરીને ગોળાકાર વાંસની રચના કરવી મુશ્કેલ છે, અને તેઓ ‘દાઓ’ (દાતરડું) નામના ઓજારનો ઉપયોગ કરે છે. આગામી 15 કલાકમાં તેઓ માત્ર ભોજન કરવા અને બિડી પીવા માટે જ વિરામ લેશે.
એક લાક્ષણિક ડુલીની ઊંચાઈ 5 ફૂટ અને વ્યાસ 4 ફૂટ હોય છે. બબન તેના પુત્રની મદદથી દિવસમાં બે ડુલી ટોપલી બનાવી શકે છે અને અલીપુરદ્વાર જિલ્લામાં સોમવારે સાપ્તાહિક મથુરા હાટમાં વેચી શકે છે. “જ્યારે હું હાટમાં જાઉં છું, ત્યારે હું વિવિધ કદની ડુલી લઈ જાઉં છુંઃ 10 મણ, 15 મણ, 20 મણ, 25 મણ ડાંગરને સંઘરે તેવી.” એક ‘મણ’ 40 કિલોગ્રામ જેટલું હોય છે, તેથી 10 મણની ડુલીમાં 400 કિલો ડાંગર સંઘરી શકાય છે. બબન તેમના ગ્રાહકો માટે ડુલીના કદને તેઓ જે વજન રાખવા માંગે છે તેના આધારે કસ્ટમાઇઝ પણ કરી આપે છે. ડુલીનું કદ ઊંચાઈમાં 5 થી 8 ફૂટ સુધી બદલાઈ શકે છે.
બાળપણમાં મારાં માતા-પિતાએ મને ડુલી બનાવવાનું શીખવ્યું હતું. તેઓ પોતે પણ આ જ કામ કરતાં હતાં
તેઓ કહે છે, “જ્યારે લણણીની મોસમ શરૂ થાય છે, ત્યારે અમને એક ડુલી માટે 600 થી 800 રૂપિયા મળે છે. જ્યારે મોસમ પૂરી થાય છે, ત્યારે માંગ ઓછી હોય છે તેથી તે જ વસ્તુ સસ્તા ભાવે વેચાય છે. 50 રૂપિયાની વધારાની કમાણી માટે, હું ટોપલી ઘરે પણ પહોંચાડું છું.”
એક ડુલીનું વજન આઠ કિલો હોય છે અને બબન તેના માથા પર ત્રણ ડુલી (આશરે 25 કિલો વજન) વહન કરી શકે છે. આ કોઈ મોટી વાત નથી એમ કહીને તેઓ પૂછે છે, “શું હું થોડા સમય માટે મારા માથા પર 25 કિલો વજન ન લઈ શકું?”
બબન તેઓ જે સાપ્તાહિક હાટમાં દુકાન લગાવે છે ત્યાંથી જેમ જેમ પસાર થાય છે, તેમ તેમ બિહારના તેમના સાથી ગ્રામજનોને માથું નમાવે છે, અને તેમના સમુદાયના સભ્યોની દુકાનો તરફ ધ્યાન દોરે છે, અને સ્થાનિક બંગાળીઓ પણ મદદ કરે છે. તેઓ ઉમેરે છે, “સબ જાન પહેચાન કે હૈ. [બધા લોકો પરિચિત છે]. મારી પાસે એક પૈસો પણ ન હોય, અને મને દાળ, ભાત, અને રોટલી જોઈતી હોય, તોય તેઓ તેને આપશે. પછી ભલે મારી પાસે પૈસા હોય કે ન હોય”
તેમની વિચરતી જીવનશૈલીએ તેમને તેમની મૂળ ભોજપુરીથી વધુ ભાષાઓ શીખવી છે. તેઓ હિન્દી, બંગાળી અને આસામી બોલે છે, અને તેમના પડોશમાં અલીપુરદ્વાર જિલ્લાના દક્ષિણ ચાકોખેતીમાં (અગાઉ જલપાઈગુડી જિલ્લામાં) રહેતા મેચિયા-મેચ સમુદાયની ભાષા સમજે છે.
તેઓ કહે છે કે તેઓ દિવસમાં એક વાર 10 રૂપિયામાં દારૂના બે શોટ ખરીદે છે, “આ સખત મહેનત કરવાથી મારું શરીર દુખે છે. દારૂ પીડાને સૂન્ન કરીને રાહત આપે છે.”
તેમના સાથી બિહારીઓ સાથે રહેતા હોવા છતાં, બબન એકલા રહેવાનું પસંદ કરે છેઃ “જો મારે 50 રૂપિયામાં ખાવું હોય, અને મારી સાથે લોકો હોય, તો તેઓ કહેશે, ‘મારે તેમાંથી ખાવું છે!’ તેથી જ હું એકલો ખાવાનું પસંદ કરું છું, અને એકલો જ રહું છું. આ રીતે હું જે ખાઉં છું તે મારું છે, હું જે કમાવું છું તે પણ મારું છે.”
તેઓ કહે છે કે બિહારમાં બિંદ લોકો માટે આજીવિકાની તકો ઓછી છે અને તેથી તેઓ પેઢીઓથી આ રીતે સ્થળાંતર કરી રહ્યા છે. બબનના 30 વર્ષના પુત્ર અર્જુન મહત્તોએ પણ જ્યારે તેઓ નાના હતા ત્યારે તેમની સાથે મુસાફરી કરી હતી. હવે તેઓ મુંબઈમાં એક ચિત્રકાર તરીકે કામ કરે છે. “અમારું વતન બિહાર રાજ્ય આવક મેળવવા માટે પૂરતું નથી. ત્યાં ઉદ્યોગના નામે ફક્ત રેતીનું ખાણકામ જ થાય છે… અને આખુંને આખું બિહાર તેના પર નિર્ભર ન રહી શકે.”
બબનના આઠ બાળકોમાં સૌથી નાના એવા ચંદન આ વર્ષે (2023માં) તેમની સાથે આવ્યા છે. પશ્ચિમ બંગાળથી આસામ સુધી જતા અને ચાના બગીચાઓમાંથી પસાર થતા રાષ્ટ્રીય ધોરીમાર્ગ-17 નજીક તેમણે એક કામચલાઉ ઘર ઊભું કર્યું છે. તેમનું ઘર એક ગેરેજ છે, જેમાં ત્રણ બાજુએ ઢીલી તાડપત્રી છે, અને પતરાંની છત, માટીનો ચૂલો, એક પથારી અને ડુલી ટોપલીઓ રાખવા માટે થોડી જગ્યા છે.
આ પિતા અને પુત્ર રસ્તાના કિનારે આવેલી ખુલ્લી જગ્યાનો ઉપયોગ શૌચ કરવા માટે કરે છે; સ્નાન કરવા માટે તેઓ નજીકના હેન્ડપંપમાંથી પાણી લે છે. તેઓ કહે છે, “મને આ સ્થિતિમાં રહેવામાં કોઈ સમસ્યા નથી. મેં હંમેશા અપને કામ કે સૂર મેં રહતા હૂં [હું હંમેશા મારા કામની લયમાં રહું છું].” તેઓ આ જગ્યાના બહારના ભાગમાં ડુલી બનાવે છે અને વેચે છે, અને અંદર રસોઈ કરે છે અને સૂવે છે.
જ્યારે જવાનો અને ઘરે પાછા જવાનો સમય આવે છે, ત્યારે વાંસના આ કારીગર કહે છે કે તે એક પીડાદાયક વિદાય છેઃ “મા, મારી મકાનમાલિક, મને ઘરે લઈ જવા માટે તેમના બગીચામાંથી ઘરે ઉગાડવામાં આવેલા તેજ-પટ્ટા (તમાલપત્ર) ની ઝૂડી આપે છે.”
*****
ડાંગરનો સંગ્રહ કરવા માટે પ્લાસ્ટિકની કોથળીઓનું આગમન અને પ્રક્રિયા અને સંગ્રહની બદલાતી પદ્ધતિઓ ડુલી ઉત્પાદકોની આજીવિકાને અસર કરી રહી છે. બિહારના ડુલી બનાવનારાઓના એક જૂથે પારીને જણાવ્યું, “આ વિસ્તારમાં આગામી ચોખાની મિલોને કારણે છેલ્લા પાંચ વર્ષમાં અમારું કામ પ્રભાવિત થયું છે. ખેડૂતો તેમના ડાંગરને પહેલાંની જેમ સંગ્રહિત કરવાને બદલે આગળની પ્રક્રિયા માટે ખેતરોમાંથી સીધા મિલોને વેચે છે. લોકોએ સંગ્રહ માટે ઘણી બધી પ્લાસ્ટિકની બોરીઓનો ઉપયોગ કરવાનું પણ શરૂ કરી દીધું છે.”
અન્ય, નાના કદની ટોપલીઓ બનાવવી તેમના માટે શક્ય છે, પરંતુ તેઓ તેને બનાવનારા સ્થાનિક લોકો સાથે શાંતિ જાળવવા માંગે છે, અને તેમને વિનંતી કરી છે કે, ‘દેખો ભાઈ, યે મત બનાઓ, અપના બડા વાલા ડુલી બનાઓ… હમલોગ કા પેટ મેં લાટ મત મારો’ [ભાઈ, મહેરબાની કરીને નાની ટોપલીઓ ન બનાવો. તમે તમારી મોટી ટોપલીઓ બનાવો. અમારી પાસેથી અમારી રોજીરોટી ન છીનવી લો].
કૂચ બિહાર અને અલીપુરદ્વાર જિલ્લાના હાટમાં એક બસ્તા (પ્લાસ્ટિકની કોથળી)ના 100 નંગ 120 રૂપિયામાં વેચાય છે, જ્યારે એક ડુલીની કિંમત 600 રૂપિયાથી 1,000 રૂપિયા હોય છે. બસ્તા 40 કિલો ચોખા સંઘરી શકે છે, જ્યારે એક સામાન્ય ડુલી 500 કિલો ચોખા સંઘરી શકે છે.
સુશિલા રાય ડાંગરનાં ખેડૂત છે, જેઓ ડુલીને પસંદ કરે છે. અલીપુરદ્વારના દક્ષિણ ચાકોયાખેટી ગામનાં 50 વર્ષીય સુશિલા કહે છે, “જો અમે ડાંગરને પ્લાસ્ટિકની કોથળીમાં સંઘરશું, તો તે કાળી કીડીઓ [ચોખામાં જોવા મળતાં અળસિયાં] થી પ્રભાવિત થાય છે. તેથી, અમે ડુલીનો ઉપયોગ કરીએ છીએ. અમે આખા વર્ષ માટે વ્યક્તિગત વપરાશ માટે ચોખાનો મોટો જથ્થો રાખીએ છીએ.”
કૃષિ અને ખેડૂત કલ્યાણ વિભાગના આ અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે પશ્ચિમ બંગાળ દેશમાં ચોખાનું સૌથી મોટું ઉત્પાદક છે (ભારતના કુલ ચોખાના ઉત્પાદનનો 13 ટકા હિસ્સો), જે 2021-22 માં વાર્ષિક 16.76 મિલિયન ટન જથ્થો થાય છે.
*****
પ્રવાસી કારીગર બબન ઓક્ટોબરના મધ્યથી ડિસેમ્બર સુધીનો સમય પશ્ચિમ બંગાળમાં વિતાવશે અને પછી ટૂંકા વિરામ માટે બિહાર પરત ફરશે. ફેબ્રુઆરીમાં તેઓ આસામના ચાના બગીચાઓ માટે રવાના થશે અને ચા-પત્તિ ચૂંટવાની મોસમના આગામી છથી આઠ મહિના ત્યાં જ વિતાવશે. તેઓ મોટા મોટા નગરો અને શહેરોના નામ લેતાં કહે છે, “આસામમાં એવી કોઈ જગ્યા નથી જ્યાં હું ગયો ન હોઉં. દિબ્રુગઢ, તેજપુર, તિનસુકિયા, ગોલાઘાટ, જોરહાટ, ગુવાહાટી.”
આસામમાં તેઓ જે વાંસની ટોપલીઓ બનાવે છે તેને ધોકો કહેવામાં આવે છે. ડુલીના સંબંધમાં, ધોકો ઊંચાઈમાં ઘણો નાનો હોય છે, તે ત્રણ ફૂટનો જ હોય છે. આનો ઉપયોગ ચા-પત્તિ ચૂંટતી વખતે થાય છે. તેઓ એક મહિનામાં 400 જેટલી ટોપલીઓ બનાવે છે, જે માટે તેમને ઘણી વાર ચાના બગીચાઓમાંથી ઓર્ડર અપવામાં આવે છે. આ કામ દરમિયાન તે બગીચાના માલિકો દ્વારા તેમને રહેવાની સગવડ અને વાંસ પૂરા પાડવામાં આવે છે.
બહુમુખી પ્રતિભા ધરાવતા બબન આખા વર્ષ દરિયાન તેમના કામનું વર્ણન કરતાં કહે છે, “બાંસ કા કામ કિયા, ગોબર કા કામ કિયા, માટી કા કામ કિયા, ખેતી મેં કામ કિયા, આઈસ્ક્રીમ કા ભી કામ કિયા. [મેં વાંસનું કામ કર્યું છે, છાણનું કામ કર્યું છે, માટીનું કામ કર્યું છે, હું ખેતી કરું છું, અને આજીવિકા માટે આઈસ્ક્રીમ પણ વેચેલી છે.]”
જો આસામમાં ટોપલીના ઓર્ડર ઓછા પડે, તો તેઓ રાજસ્થાન અથવા દિલ્હી જાય છે અને શેરી વિક્રેતા તરીકે આઈસ્ક્રીમ વેચે છે. તેમના ગામમાં અન્ય પુરુષો પણ આવું જ કરે છે, તેથી જ્યારે જરૂર ઊભી થાય ત્યારે તેઓ પણ આ કામમાં ઝંપલાવે છે. તેઓ કહે છે, “રાજસ્થાન, દિલ્હી, આસામ, બંગાળ — મારું આખું જીવન આ સ્થળો વચ્ચે પસાર થયું છે.”
એક કારીગર તરીકે દાયકાઓ વિતાવ્યા હોવા છતાં, બબનની ન તો નોંધણી થઈ છે કે ન તો તેમની પાસે હસ્તકલા વિકાસ કમિશનરની કચેરી (કાપડ મંત્રાલય હેઠળ) દ્વારા જારી કરાયેલ કારીગર ઓળખ કાર્ડ (પેહચાન કાર્ડ) છે. આ કાર્ડ કારીગરોને વિવિધ સરકારી યોજનાઓનો લાભ લેવા અને લોન, પેન્શન, કારીગરીને માન્યતા આપતા પુરસ્કારો માટેની પાત્રતા, તેમજ કૌશલ્યના ઉન્નતીકરણ અને માળખાગત સહાય મેળવવા માટે ઔપચારિક ઓળખ આપે છે.
બેંક ખાતું પણ ન ધરાવતા બબન કહે છે, “અમારા જેવા ઘણા [કારીગરો] છે, પણ ગરીબોની તો કોને પડી છે? દરેક વ્યક્તિ પોતાના ખિસ્સા ભરવામાં જ લાગી છે. મેં મારા આઠ બાળકોનો ઉછેર કર્યો છે. હવે, જ્યાં સુધી મારાથી થઈ શકશે ત્યાં સુધી હું કમાવીશ અને ખાઈશ. મારે આનાથી વધારે શું જોઈએ છે? માણસ બીજું કરી પણ શું શકે?”
આ વાર્તા મૃણાલિની મુખર્જી ફાઉન્ડેશન (એમ.એમ.એફ.) ની ફેલોશિપ દ્વારા સમર્થિત છે.
અનુવાદક: ફૈઝ મોહંમદ