18 વર્ષના સુમિત (નામ બદલવામાં આવ્યું છે) પહેલી વાર હરિયાણાના રોહતકમાં સરકારી જિલ્લા હોસ્પિટલમાં છાતીના પુનઃનિર્માણની શસ્ત્રક્રિયા (ચેસ્ટ રિકન્સ્ટ્રક્શન સર્જરી) બાબતે પૂછપરછ કરવા ગયા ત્યારે તેમને કહેવામાં આવ્યું કે તેમણે દાઝી જવાને લીધે ઈજા પામેલ દર્દી (બર્ન પેશન્ટ) તરીકે દાખલ થવું પડશે.
એક નર્યું જૂઠાણું, ભારતમાં પરલૈંગિક (ટ્રાન્સજેન્ડર) સમુદાયની કોઈ વ્યક્તિ જો પોતે જે શારીરિક સ્થિતિ સાથે જન્મી છે તેમાંથી જેમાં તે આરામદાયક અનુભવ કરી શકે છે એવી શારીરિક સ્થિતિમાં સંક્રમણ કરવાનું પસંદ કરે તો એ વ્યક્તિને ખેડવી પડતી જટિલ તબીબી-કાનૂની સફરને ચોતરફથી ઘેરી વળેલી રેડ ટેપ (અનાવશ્યક અને વિલંબ અને મુશ્કેલીઓ ઊભી કરતી કાગજી કાર્યવાહી - તુમારશાહી) ને પાર કરવા માટેનું એક જૂઠાણું. પરંતુ આ જૂઠાણું પણ કામ ન લાગ્યું.
આખરે સુમિતને 'ટોપ સર્જરી' - રોહતકથી લગભગ 100 કિલોમીટર દૂર હિસારની એક ખાનગી હોસ્પિટલમાં બોલચાલની ભાષામાં લૈંગિક સંક્રમણ માટેની શસ્ત્રક્રિયાનો ઉલ્લેખ આ રીતે કરવામાં આવે છે - કરાવતા પહેલાં વધુ આઠ વર્ષની કાગજી કાર્યવાહી, અંતહીન મનોવૈજ્ઞાનિક મૂલ્યાંકનો, તબીબી પરામર્શોમાંથી પસાર થવું પડ્યું, એક લાખથી વધુ રુપિયા ઉપરાંતની લોનની જરૂર પડી, વણસેલા કૌટુંબિક સંબંધો અને તેના અગાઉના સ્તનો માટે સતત અણગમાનો સામનો કરવો પડ્યો.
(શસ્ત્રક્રિયાના) દોઢ વર્ષ પછી 26 વર્ષના સુમિત હજી પણ જ્યારે ચાલે છે ત્યારે તેઓ ખૂંધા (ખભા ઊંચા કરી, માથું નીચું કરી અને આગળ ઝૂકીને) ચાલે છે; આ તેમની શસ્ત્રક્રિયા પહેલાના વર્ષોની આદત છે, જ્યારે તેમના સ્તન તેમને માટે શરમ અને અસ્વસ્થતાનું કારણ હતા.
ભારતમાં કેટલા લોકો, સુમિતની જેમ, જન્મ સમયે તેમને અપાયેલ લૈંગિક ઓળખ કરતાં અલગ લિંગ સાથે જોડાયેલા હોવાનું અનુભવે છે તે અંગેના તાજેતરના કોઈ આંકડા ઉપલબ્ધ નથી. નેશનલ હ્યુમન રાઈટ્સ કમિશનના સહયોગથી કરવામાં આવેલ એક અભ્યાસ ભારતમાં 2017 માં પરલૈંગિક વ્યક્તિઓની સંખ્યા 4.88 લાખ હોવાનું જણાવે છે.
નેશનલ લીગલ સર્વિસીસ ઓથોરિટી વિ. યુનિયન ઓફ ઈન્ડિયા, 2014 ના કેસમાં સુપ્રીમ કોર્ટે એક સીમાચિહ્નરૂપ ચુકાદો પસાર કર્યો હતો, જેમાં "તૃતીય લિંગ" ને અને "સ્વ-ઓળખિત" લિંગ સાથે ઓળખાવાના તેમના અધિકારને માન્યતા આપી હતી, અને સરકારને તેમને માટે આરોગ્યસંભાળ સુનિશ્ચિત કરવાનો નિર્દેશ આપ્યો હતો. તેના પાંચ વર્ષ પછી, પરલૈંગિક વ્યક્તિ (અધિકારોનું સંરક્ષણ) અધિનિયમ, 2019 ( ટ્રાન્સજેન્ડર પર્સન્સ (પ્રોટેક્શન ઓફ રાઇટ્સ) એક્ટ, 2019 ) એ આ સમુદાયને લિંગ-સમર્થન શસ્ત્રક્રિયાઓ,અંત:સ્ત્રાવ ઉપચાર અને માનસિક સ્વાસ્થ્ય સેવાઓ જેવી સર્વગ્રાહી આરોગ્યસંભાળ સેવાઓ પૂરી પાડવામાં સરકારની ભૂમિકા પર ફરીથી ભાર મૂક્યો છે.
આ કાયદાકીય ફેરફારો પહેલાના વર્ષોમાં ઘણી પરલૈંગિક વ્યક્તિઓને શસ્ત્રક્રિયા દ્વારા લિંગ પરિવર્તનની (જેને લિંગ-સમર્થન શસ્ત્રક્રિયા અથવા લિંગ-પુષ્ટિ શસ્ત્રક્રિયા તરીકે પણ ઓળખવામાં આવે છે તેની) તક નકારી કાઢવામાં આવી હતી, આ શસ્ત્રક્રિયામાં ચહેરાની શસ્ત્રક્રિયા અને છાતી અથવા જનનેન્દ્રિય પરની પ્રક્રિયાઓનો સમાવેશ કરતી 'ટોપ' અથવા 'બોટમ' શસ્ત્રક્રિયાનો સમાવેશ થાય છે.
સુમિત એવા લોકોમાંના એક હતા જેઓ આઠ-આઠ વર્ષના લાંબા સમયગાળા સુધી અને 2019 પછી પણ આવી શસ્ત્રક્રિયાનો લાભ લઈ શક્યા ન હતા.
હરિયાણાના રોહતક જિલ્લામાં એક દલિત પરિવારમાં સ્ત્રી તરીકે જન્મેલા સુમિત તેમના ત્રણ ભાઈ-બહેનો માટે લગભગ તેમના માબાપ સમાન હતા. સુમિતના પિતા પરિવારમાં પહેલી જ પેઢીના સરકારી નોકરિયાત હતા, અને તેઓ મોટાભાગે ઘરથી દૂર રહેતા હતા. તેના માતા-પિતા વચ્ચેના સંબંધો તણાવપૂર્ણ હતા. સુમિત નાના હતા ત્યારે ખેતમજૂર તરીકે દાડિયા મજૂરી કરતા તેમના દાદા-દાદી મૃત્યુ પામ્યા હતા. સુમિત પર આવી પડેલી ખાસ્સી ઘરેલુ જવાબદારીઓ ઘરની સૌથી મોટી દીકરી પરિવારના બીજા સભ્યોની સારસંભાળની ફરજો નિભાવતી હોવાની લોકોની ધારણા સાથે જોડાયેલી હતી. પરંતુ એ સુમિતની ઓળખ સાથે સુસંગત નહોતું. તેઓ કહે છે, "મેં એ બધી જવાબદારીઓ એક પુરુષ તરીકે નિભાવી હતી."
સુમિતને યાદ છે કે તેઓ ત્રણ વર્ષના હતા ત્યારે પણ તેમને ફ્રોક પહેરવું ગમતું નહિ, જ્યારે તેઓ ફ્રોક પહેરે ત્યારે તેમને અકળામણ થતી. સદ્ભાગ્યે હરિયાણાની રમત-ગમતની સંસ્કૃતિએ થોડી રાહત પૂરી પાડી હતી; છોકરીઓ માટે (લૈંગિક રીતે) તટસ્થ અને પુરૂષો જેવા, સ્પોર્ટી કપડાં પહેરવાનું સામાન્ય છે. સુમિત કહે છે, “હું મોટો થતો હતો ત્યારે હંમેશા મેં મારે જે પહેરવું હતું એ જ પહેર્યું હતું. મારી [ટોપ] શસ્ત્રક્રિયા પહેલા પણ હું એક પુરુષ તરીકે જીવતો હતો.” તેઓ ઉમેરે છે કે તેમ છતાં હજી પણ કંઈક ખૂટતું હોય એવું લાગતું હતું.
13 વર્ષના થતા સુધીમાં તો સુમિત મનમાં ઊંડે ઊંડે એવી તીવ્ર ઈચ્છા રાખતા થઈ ગયા હતા કે તેમનો બાહ્ય શારીરિક દેખાવ તેઓ અંદરથી પોતે જે હોવાનું અનુભવે છે એ અનુભૂતિની સાથે મેળ ખાય એવો - એક છોકરાના જેવો - થાય. તેઓ કહે છે, “મારો બાંધો પાતળો હતો, પણ સુદ્રઢ અને તંદુરસ્ત હતો અને મારે ભાગ્યે જ કોઈ સ્તન પેશી હતી. પરંતુ (જે થોડીઘણી સ્તન પેશી હતી એ) અણગમો અનુભવવા માટે પૂરતી હતી." પોતાની અનુભૂતિ સિવાય સુમિત પાસે તેમના ડિસફોરિયા (પોતાની જૈવિક જાતિ (બાયોલોજીકલ સેક્સ) અને પોતે જે લૈંગિક ઓળખ (જેન્ડર આઇડેન્ટિટી) અનુભવે છે એ બે વચ્ચેની અસંગતતાને કારણે કોઈ વ્યક્તિ દ્વારા અનુભવાતી અસ્વસ્થતા) ને સમજાવી શકે એવી બીજી કોઈ માહિતી નહોતી.
એક મિત્રએ તેમની મદદ કરી.
તે વખતે સુમિત તેમના પરિવાર સાથે ભાડાના મકાનમાં રહેતા હતા અને મકાનમાલિકની દીકરી સાથે તેમની મિત્રતા થઈ ગઈ હતી. મકાનમાલિકની દીકરી પાસે ઇન્ટરનેટની પહોંચ હતી, અને તેમણે સુમિત જેની શોધમાં હતા એ, છાતીની શસ્ત્રક્રિયા વિશેની માહિતી, શોધવામાં તેમની મદદ કરી. ધીમે ધીમે સુમિતે શાળાના બીજા પરલૈંગિક છોકરાઓ, જેમણે ડિસફોરિયાના વિવિધ સ્તરોનો અનુભવ કર્યો હતો, તેમની સાથે મળીને એક સંગઠન બનાવ્યું. આ કિશોરે હોસ્પિટલમાં જવાની હિંમત એકઠી કરતા પહેલા બીજા કેટલાક વર્ષો ઓનલાઈન અને મિત્રો પાસેથી આ વિશેની માહિતી ભેગી કરવામાં વિતાવ્યા.
2014 ની વાત હતી, 18 વર્ષના સુમિતે તેમના ઘરની નજીકની કન્યા શાળામાંથી 12 મું ધોરણ પૂરું કર્યું હતું. તેમના પિતા કામ માટે નીકળી ગયા હતા, તેમની માતા ઘેર નહોતી. તેમને રોકવા, સવાલો કરવા કે મદદ કરવા માટે કોઈ ન હોવાથી તેઓ એકલા રોહતક જિલ્લા હોસ્પિટલ ગયા હતા અને ખચકાટ સાથે સ્તન દૂર કરવાની પ્રક્રિયા વિશે પૂછપરછ કરી હતી.
તેમને મળેલા પ્રતિભાવ અંગે ઘણી બાબતો ધ્યાન દોરે એવી છે.
તેમને કહેવામાં આવ્યું હતું કે તેઓ દાઝી જવાને લીધે ઈજા પામેલ દર્દી (બર્ન પેશન્ટ) તરીકે સ્તન પુનઃનિર્માણ શસ્ત્રક્રિયા (બ્રેસ્ટ રિકન્સ્ટ્રક્શન સર્જરી) કરાવી શકે છે. સરકારી હોસ્પિટલોમાં માર્ગ અકસ્માતના કેસ સહિત પ્લાસ્ટિક સર્જરીની જરૂર પડે તેવી પ્રક્રિયાઓ બર્ન્સ ડિપાર્ટમેન્ટ મારફત કરાવવામાં આવે એ અસામાન્ય નથી. પરંતુ સુમિતને સ્પષ્ટપણે કાગળ પર જૂઠું બોલવા અને બર્ન પેશન્ટ તરીકે નોંધણી કરાવવાનું કહેવામાં આવ્યું હતું, તેમને ખરેખર જે સર્જરી કરાવવી હતી તેનો કોઈ ઉલ્લેખ કરવામાં આવ્યો નહોતો. તેમને એમ પણ કહેવામાં આવ્યું હતું કે તેમણે કોઈ પણ પૈસા ચૂકવવા નહીં પડે - જોકે, કોઈ પણ નિયમમાં સરકારી હોસ્પિટલોમાં સ્તન પુનઃનિર્માણ શસ્ત્રક્રિયા માટે અથવા બર્ન સંબંધિત કોઈપણ શસ્ત્રક્રિયા માટે આવી માફી સૂચવવામાં આવી નથી.
આગામી દોઢ વર્ષ સુમિતને અવારનવાર હોસ્પિટલના ધક્કા ખાતા કરી દેવા માટે આ જ કારણ અને આશા પૂરતા હતા. એ સમય દરમિયાન તેમને સમજાયું કે અહીં - માનસિક હેરાનગતિ રૂપી - એક અલગ પ્રકારની કિંમત પણ ચૂકવવી પડશે.
સુમિત યાદ કરે છે, “[ત્યાંના] તબીબો લોકો વિષે ખૂબ ઉતાવળે અને અયોગ્ય અને ટીકાત્મક અભિપ્રાય બાંધી દેતા. તેઓ મને ભ્રમિત કહેતા, અને પૂછતા કે 'તમે શા માટે શસ્ત્રક્રિયા કરાવવા માગો છો?' અને 'અત્યારે જેવા છો તેવા રહીને તમે ધારો તે સ્ત્રી સાથે રહી શકો છો.' તેમાંના છ-સાત [તબીબો] ભેગા થઈને મારા પર સવાલોનો એવો તો મારો કરતા કે એનાથી મને ડર લાગતો."
"મને યાદ છે બે-ત્રણ વખત તો મેં 500-700 સવાલો સાથેના ફોર્મ ભર્યા હતા." એ પ્રશ્નો દર્દીના તબીબી અને કૌટુંબિક ઇતિહાસ, મનોવૈજ્ઞાનિક સ્થિતિ અને જો કોઈ વ્યસનો હોય તો એ સંબંધિત હતા. પરંતુ યુવાન સુમિતને એ સવાલો તેમની (અનિભૂતિની) અસ્વીકૃતિ જેવા લાગ્યા હતા. છેવટે તેઓ કહે છે, "તેઓ (તબીબો) સમજી શક્યા નહોતા કે હું મારા (હાલના) શરીરમાં ખુશ નથી, તેથી જ મારે ટોપ સર્જરી કરાવવી હતી."
ભારતમાં પરલૈંગિક સમુદાયની વ્યક્તિ જેન્ડર અફર્મેશન સર્જરી (જીએએસ - લિંગ-સમર્થન શસ્ત્રક્રિયાઓ) દ્વારા સંક્રમણ કરવાનું પસંદ કરે તો એ વ્યક્તિ પરત્વે સહાનુભૂતિના અભાવની તો વાત જ જવા દો, એ શસ્ત્રક્રિયા માટે એ વ્યક્તિને મદદરૂપ થવા જરૂરી તબીબી કૌશલ્યોનો અભાવ હતો - અને ઘણી હદ સુધી એ અભાવ આજે પણ યથાવત છે.
પુરુષ-થી-સ્ત્રી જીએએસમાં સામાન્ય રીતે બે મુખ્ય શસ્ત્રક્રિયાઓ (બ્રેસ્ટ ઈમ્પલાન્ટ (સ્તન પ્રત્યારોપણ) અને વેજીનોપ્લાસ્ટી) સામેલ હોય છે, જ્યારે સ્ત્રી-થી-પુરુષ સંક્રમણમાં સાત મુખ્ય શસ્ત્રક્રિયાઓની વધુ જટિલ શ્રેણીનો સમાવેશ થાય છે. આમાંની પહેલી શરીરના ઉપરના ભાગની શસ્ત્રક્રિયા અથવા 'ટોપ' સર્જરીમાં છાતીના પુનઃનિર્માણ અથવા સ્તન દૂર કરવાનો સમાવેશ થાય છે.
નવી દિલ્હીની સર ગંગારામ હોસ્પિટલના પ્લાસ્ટિક સર્જરી વિભાગના વાઇસ ચેરમેન ડો. ભીમ સિંહ નંદા યાદ કરે છે, “[2012ની આસપાસ] હું વિદ્યાર્થી હતો ત્યારે [મેડિકલ] અભ્યાસક્રમમાં આવી પ્રક્રિયાઓનો ઉલ્લેખ પણ નહોતો. અમારા પ્લાસ્ટિક્સના અભ્યાસક્રમમાં કેટલીક શિશ્ન પુનઃનિર્માણ પ્રક્રિયાઓ હતી, [પરંતુ] એ ઇજાઓ અને અકસ્માતોના સંદર્ભમાં. પરંતુ હવે પરિસ્થિતિ બદલાઈ ગઈ છે.”
2019 ના ટ્રાન્સજેન્ડર પર્સન્સ એક્ટમાં પરલૈંગિક વ્યક્તિઓની જરૂરિયાતો પૂરા કરે એવા તબીબી અભ્યાસક્રમ અને એવા સંશોધન બાબતે પુનર્વિચાર કરવાનો આદેશ આપવામાં આવ્યો હતો. પરંતુ લગભગ પાંચ વર્ષ પછી ભારતીય પરલૈંગિક સમુદાય માટે જીએએસ સુલભ અને સસ્તી બનાવવા માટે સરકાર તરફથી મોટા પાયે કોઈ પ્રયાસો થયા નથી
ટ્રાન્સજેન્ડર પર્સન્સ એક્ટ, 2019 એ એક સીમાચિહ્નરૂપ હતો, જેમાં પરલૈંગિક વ્યક્તિઓની જરૂરિયાતો પૂરા કરે એવા તબીબી અભ્યાસક્રમ અને એવા સંશોધન બાબતે પુનર્વિચાર કરવાનો આદેશ આપવામાં આવ્યો હતો. પરંતુ લગભગ પાંચ વર્ષ પછી ભારતીય પરલૈંગિક સમુદાય માટે જીએએસ સુલભ અને સસ્તી બનાવવા માટે સરકાર તરફથી મોટા પાયે કોઈ પ્રયાસો થયા નથી. સરકારી હોસ્પિટલો પણ મોટાભાગે જીએએસથી દૂર રહી છે.
પરલૈંગિક પુરુષો માટેના વિકલ્પો પ્રમાણમાં મર્યાદિત છે. તેમના કિસ્સામાં જીએએસ (લિંગ-સમર્થન શસ્ત્રક્રિયાઓ) માટે સ્ત્રીરોગતજજ્ઞ (ગાયનેકોલોજિસ્ટ), યુરોલોજિસ્ટ અને પુનઃનિર્માણ (રિકન્સ્ટ્રક્ટિવ) પ્લાસ્ટિક સર્જન સહિતના અત્યંત કુશળ વ્યાવસાયિકોની જરૂર પડે છે. તેલંગાણા હિજરા ઇન્ટરસેક્સ ટ્રાન્સજેન્ડર સમિતિના કાર્યકર અને પરલૈંગિક પુરુષ કાર્તિક બિટ્ટુ કોંડૈયાહ કહે છે, "આ ક્ષેત્રમાં તાલીમબદ્ધ અને કુશળતા ધરાવતા તબીબી વ્યાવસાયિકો આમ પણ ખૂબ ઓછા છે, અને સરકારી હોસ્પિટલોમાં તો સાવ ઓછા છે."
પરલૈંગિક વ્યક્તિઓ માટે જાહેર માનસિક આરોગ્ય સેવાઓની સ્થિતિ પણ એટલી જ નિરાશાજનક છે. કાઉન્સેલિંગ એ રોજબરોજની પરિસ્થિતિનો સામનો કરવા માટેના એક સાધન ઉપરાંત કોઈપણ લિંગ-પુષ્ટિ પ્રક્રિયાઓ કરતા પહેલાંની એક કાનૂની જરૂરિયાત છે. લિંગ-પુષ્ટિ પ્રક્રિયાઓ માટેની પાત્રતાની પુષ્ટિ કરવા પરલૈંગિક લોકોએ જેન્ડર આઇડેન્ટિટી ડિસઓર્ડર પ્રમાણપત્ર અને મનોવૈજ્ઞાનિકો અથવા મનોચિકિત્સકો પાસેથી મૂલ્યાંકન રિપોર્ટ મેળવવા પડે છે. આ પાત્રતા માટેના માપદંડમાં માહિતીપૂર્ણ સંમતિ, પુષ્ટિ કરેલ લિંગ તરીકે જીવ્યા હોવાનો સમયગાળો, લિંગ ડિસફોરિયાનું સ્તર, વય સંબંધિત જરૂરિયાતો અને માનસિક રીતે સ્વસ્થ હોવાની ખાતરી તરીકે સંપૂર્ણ માનસિક સ્વાસ્થ્ય મૂલ્યાંકનનો સમાવેશ થાય છે. આ પ્રક્રિયા મનોવૈજ્ઞાનિક અથવા મનોચિકિત્સક સાથે અઠવાડિયામાં એક એવા ઓછામાં ઓછા એક સત્રથી લઈને વધુમાં વધુ ચાર સત્રો સુધીની હોઈ શકે છે.
2014 ના સર્વોચ્ચ અદાલતના ચુકાદાના એક દાયકા પછી રોજબરોજની પરિસ્થિતિનો સામનો કરવા માટે કે લૈંગિક સંક્રમણની સફર શરૂ કરવા માટે સમાવેશક, સહાનુભૂતિપૂર્ણ માનસિક આરોગ્ય સેવાઓના મહત્વ બાબતે પરલૈંગિક સમુદાયમાં સર્વસંમતિ છે. પરંતુ તે એક સપનું જ રહ્યું છે.
સુમિત કહે છે, "જિલ્લા હોસ્પિટલમાં ટોપ સર્જરી માટે મારું કાઉન્સેલિંગ લગભગ બે વર્ષ સુધી ચાલ્યું." આખરે 2016 માં ક્યારેક તેમણે જવાનું બંધ કરી દીધું. તેઓ ઉમેરે છે, "અમુક સમય પછી તમે થાકી જાઓ."
પોતાના લિંગની પુષ્ટિ કરવાનો તેમનો દ્રઢ નિશ્ચય સામે તેમના થાકની હાર થઈ. સુમિતે પોતે શું અનુભવતા હતા, તેમનો એ અનુભવ શું સામાન્ય હતો, જીએએસ માટે શું-શું જરૂરી છે અને ભારતમાં તેઓ જીએએસ ક્યાં કરાવી શકે એ વિશે વધુ સંશોધન કરવાનું તેમણે પોતાને જ માથે લઈ લીધું.
આ બધું ગુપ્ત રીતે કરવામાં આવ્યું હતું, કારણ કે તેઓ હજી પણ તેમના પરિવાર સાથે રહેતા હતા. તેમણે મહેંદી કલાકાર અને દરજી તરીકે કામ કરવાનું અને પોતે જે ટોપ સર્જરી કરાવવાનું નક્કી કર્યું હતું તેને માટે થોડી-થોડી બચત કરવાનું શરુ કરી દીધું.
2022 માં સુમિતે ફરી પ્રયાસ કર્યો, એક મિત્ર - જેઓ પોતે પણ એક પરલૈંગિક પુરુષ હતા તેમની સાથે રોહતકથી હરિયાણાના હિસાર જિલ્લા સુધીની સો કિલોમીટરથી વધુ લાંબી મુસાફરી કરી. તેઓ જે ખાનગી મનોવૈજ્ઞાનિકને મળ્યા તેમણે બે સત્રોમાં તેમનું કાઉન્સેલિંગ પૂરું કર્યું, તેમની પાસેથી 2300 રુપિયા વસૂલ્યા અને કહ્યું કે આગામી બે અઠવાડિયાની અંદર તેઓ ટોપ સર્જરી કરાવવા માટે પાત્ર હતા.
તેમને ચાર દિવસ માટે હિસારની એક ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા અને તેમની શસ્ત્રક્રિયા સહિત તેમના રોકાણ માટે એક લાખ રુપિયાનું બિલ કરવામાં આવ્યું હતું. સુમિત કહે છે, “તબીબો અને બીજા કર્મચારીઓ ખૂબ જ દયાળુ અને નમ્ર હતા. સરકારી હોસ્પિટલમાં મેં જે અનુભવ કર્યો તેના કરતાં એ તદ્દન અલગ અનુભવ હતો."
આ આંનદ અલ્પજીવી નીવડ્યો.
રોહતક જેવા નાના શહેરમાં ટોપ સર્જરીનો અર્થ એલજીબીટીક્યુઆઈએ+ સમુદાયના મોટાભાગના લોકો માટે 'કમિંગ આઉટ ઓફ ધ ક્લોઝેટ' ના અર્થ જેવો જ છે. સુમિતનું રહસ્ય હવે દીવા જેવું સ્પષ્ટ થઈ ગયું હતું, અને એ એક એવું રહસ્ય હતું જે સ્વીકારીવા તેમનો પરિવાર તૈયાર નહોતો. શસ્ત્રક્રિયાના થોડા દિવસો પછી જ્યારે તેઓ રોહતકમાં તેમને ઘેર પાછા આવ્યા ત્યારે તેમણે જોયું કે તેમનો સરસામાન ઘરની બહાર ફેંકી દેવામાં આવ્યો હતો. તેઓ કહે છે, “મારા પરિવારે મને ત્યાંથી ચાલ્યા જવા કહ્યું, તેમણે મને કોઈ જ પ્રકારની આર્થિક કે ભાવનાત્મક મદદ ન કરી. મારી હાલતની તેમને જરાય પરવા નહોતી." ટોપ સર્જરી પછી સુમિત કાયદેસર રીતે હજી પણ એક મહિલા હોવા છતાં મિલકતના સંભવિત દાવા અંગેની ચિંતાઓ ઊભી થવા લાગી. "કેટલાકે એવું પણ સૂચન કર્યું કે મારે કામ કરવા માંડવું જોઈએ અને એક પુરુષ પાસેથી જે અપેક્ષા રખાય છે એ મુજબની જવાબદારીઓ નિભાવવી જોઈએ."
જીએએસ પછી થોડા મહિનાઓ માટે દર્દીઓને આરામ કરવાની સલાહ આપવામાં આવે છે અને જટિલતાઓ સર્જાય તો ઝડપી સારવાર મળી રહે તે માટે દર્દીઓ હોસ્પિટલની નજીક રહે એવું પસંદ કરવામાં આવે છે. પરિણામે ખાસ કરીને ઓછી આવક ધરાવતા અથવા વંચિત સમુદાયની પૃષ્ઠભૂમિમાંથી આવતી પરલૈંગિક વ્યક્તિઓ માટે તેમની પરનો નાણાકીય અને વ્યવસ્થાપન સંબંધિત બોજ વધે છે. સુમિતના કિસ્સામાં તેમને (મુસાફરી પાછળ) 700 રુપિયાનો ખર્ચો થતો અને દરેક વખતે હિસારથી ત્રણ કલાકની મુસાફરી કરવી પડતી. તેમણે આ મુસાફરી ઓછામાં ઓછી દસ વખત કરી હતી.
ટોપ સર્જરી પછી દર્દીઓને તેમની છાતીની આસપાસ બાઈન્ડર તરીકે ઓળખાતા ચુસ્ત વસ્ત્રો પણ લપેટવા પડે છે. ડો. ભીમ સિંહ નંદા સમજાવે છે, "ભારતના ગરમ વાતાવરણમાં, અને [મોટા ભાગના] દર્દીઓના ઘરમાં એર કન્ડીશનીંગ ન હોવાને કારણે, [લોકો] શિયાળામાં શસ્ત્રક્રિયા કરવાનું પસંદ કરે છે," અને ઉમેરે છે કે સર્જિકલ ટાંકાની આસપાસ પરસેવો ચેપની શક્યતા વધારે છે.
સુમિતે તેમની શસ્ત્રક્રિયા કરાવી અને ઉત્તર ભારતની મેની ગરમીમાં તેમને ઘરની બહાર ફેંકી દેવામાં આવ્યા. તેઓ યાદ કરે છે, “[પછીના અઠવાડિયાઓ] પીડાદાયક હતા, જાણે કોઈએ મારા હાડકાં ખોખલા કરી દીધા હતા. બાઈન્ડરે હલનચલન ખૂબ મુશ્કેલ બનાવી દીધું હતું." સુમિત કહે છે, "હું મારી પરલૈંગિક ઓળખ છુપાવ્યા વિના જગ્યા ભાડે લેવા માગતો હતો પરંતુ છ મકાનમાલિકોએ મને નકારી કાઢ્યો હતો. મારી શસ્ત્રક્રિયા પછી એક મહિના સુધી પણ હું આરામ કરી શક્યો નહોતો." તેમની ટોપ સર્જરીના નવ દિવસ પછી અને તેમના માતા-પિતાએ તેમને ઘરમાંથી કાઢી મૂક્યાના ચાર દિવસ પછી, સુમિત પોતે કોણ છે તે વિશે જૂઠ્ઠું બોલ્યા વિના બે રૂમના સ્વતંત્ર મકાનમાં રહેવા જઈ શક્યા હતા.
આજે સુમિત એક મહેંદી કલાકાર, દરજી, ચાની દુકાનમાં મદદનીશ અને રોહતકમાં ગીગ-આધારિત શ્રમિક છે. તેઓ મહિને કમાયેલા 5-7,000 રુપિયાથી માંડ-માંડ ગુજરાન ચલાવી રહ્યા છે, તેમની કમાણીનો મોટાભાગનો હિસ્સો ભાડું, ખાધાખોરાકી, રાંધણ ગેસ અને વીજળીના બિલ અને દેવું ચૂકવવામાં જતો રહે છે.
છાતીની શસ્ત્રક્રિયા કરાવવા માટે સુમિતે ચૂકવેલા એક લાખ રુપિયામાંથી 30000 રુપિયા 2016-2022 વચ્ચે તેમણે કરેલી બચતમાંથી આવ્યા હતા; બાકીના 70000 રુપિયા તેમણે ઉછીના લીધા હતા. કેટલાક નાણા ધીરનાર પાસેથી પાંચ ટકાના વ્યાજે અને કેટલાક મિત્રો પાસેથી.
જાન્યુઆરી 2024 માં સુમિતને માથે હજી પણ 90000 નું દેવું હતું, જેનું મહિને 4000 રુપિયા વ્યાજ ચૂકવવું પડે છે. સુમિત ગણતરી કરે છે, “હું જે થોડીઘણી કમાણી કરું છું તેમાંથી જીવનનિર્વાહનો ખર્ચ અને દેવાનું વ્યાજ શી રીતે આવરી લેવું એ મને સમજાતુંનથી. મને નિયમિત કામ મળતું નથી." તેમની લગભગ એક દાયકા જેટલી લાંબી કઠિન, એકલતાથી ભરેલી અને ખર્ચાળ સંક્રમણ સફરની તેમની ઉપર ગંભીર અસર થઈ છે, પરિણામે તેમણે કેટલીય રાતો ચિંતામાં ને ચિંતામાં અને જાગતા રહીને વિતાવી છે. તેઓ કહે છે, “આજકાલ હું ગૂંગળામણ અનુભવું છું. જ્યારે પણ હું ઘરમાં એકલો હોઉં છું, ત્યારે હું બેચેની, ડર અને એકલતા અનુભવું છું. પહેલા આવું નહોતું.”
સુમિતના પરિવારના સભ્યો - જેમણે તેમને બહાર ફેંકી દીધાના એક વર્ષ પછી હવે ફરીથી તેમની સાથે વાત કરવાનું શરૂ કર્યું છે તેઓ - જો સુમિત માગે તો ક્યારેક તેમને પૈસાની મદદ કરે છે
સુમિતે પોતે પરલૈંગિક પુરુષ હોવાનું જાહેર કર્યું નથી કે નથી તેમને એ બાબતનું અભિમાન – ભારતમાં મોટાભાગના લોકો માટે આ એક વિશેષાધિકાર હશે પણ એક દલિત વ્યક્તિ માટે તો નહીં જ. ઉઘાડા પડી જવાનો, 'હકીકતમાં એક પુરુષ નથી' એવું લેબલ લાગી જવાનો ડર તેમને સતાવે છે. સ્તન વિના હવે તેમને માટે શારીરિક શ્રમના ગમે તે કામ લેવાનું સરળ છે, પરંતુ તેમના ચહેરા પર વાળ અથવા ઊંડા અવાજ જેવી બીજી દેખીતી પુરૂષવાચી નિશાનીઓ ન હોવાને કારણે લોકો તેમને ઘણીવાર શંકાસ્પદ નજરે જુએ છે. તેમના જન્મનું નામ - જે તેમણે કાયદેસર રીતે બદલવાનું બાકી છે - એ પણ પુરુષવાચી નથી.
તેઓ હજી સુધી હોર્મોન રિપ્લેસમેન્ટ થેરપી માટે તૈયાર નથી; તેની આડ અસરો શું હોઈ શકે એ વિશે તેઓને ખાતરી નથી. સુમિત કહે છે, “પરંતુ હું આર્થિક રીતે સ્થિર થઈશ ત્યારે હું તે કરાવીશ."
તેઓ કોઈ જ પ્રકારની ઉતાવળ કર્યા વિના ધીમે ધીમે અને કાળજીપૂર્વક આગળ વધી રહ્યા છે.
સુમિતે તેમ ની ટોપ સર્જરીના છ મહિના પછી સામાજિક ન્યાય અને સશક્તિકરણ મંત્રાલય (મિનિસ્ટ્રી ઓફ સોશિયલ જસ્ટિસ એન્ડ એમ્પાવરમેન્ટ) માં પરલૈંગિક પુરુષ તરીકે નોંધણી કરાવી હતી, મંત્રાલયે તેમને રાષ્ટ્રીય સ્તરે માન્યતા પ્રાપ્ત પરલૈંગિક પ્રમાણપત્ર (ટ્રાન્સજેન્ડર સર્ટીફિકેટ) અને ઓળખ કાર્ડ પણ ફાળવ્યું હતું. હવે તેમને માટે ઉપલબ્ધ સેવાઓમાંની એક યોજના છે, સપોર્ટ ફોર માર્જિનલાઇઝ્ડ ઇન્ડિવિઝ્યુઅલ્સ ફોર લાઈવલીહુડ એન્ડ એન્ટરપ્રાઇઝ ( સ્માઈલ - એસએમઆઈએલઈ), જે ભારતની સૌથી મહત્ત્વની આયુષ્માન ભારત સ્વાસ્થ્ય વીમા યોજના હેઠળ પરલૈંગિક લોકો માટેની લિંગ-સમર્થન સેવાઓને આવરી લે છે.
સુમિત કહે છે, "હજી સુધી મને ખબર નથી કે સંપૂર્ણ સંક્રમણ માટે મારે બીજી કઈ-કઈ શસ્ત્રક્રિયાઓની જરૂર છે. હું ધીમે ધીમે એ બધી શસ્ત્રક્રિયાઓ કરાવીશ. બધા દસ્તાવેજોમાં હું મારું નામ [પણ] બદલીશ. આ તો હજી માત્ર શરૂઆત છે."
આ વાર્તા ભારતમાં લૈંગિક અને લિંગ-આધારિત હિંસા (સેક્સ્યુઅલ એન્ડ જેન્ડર-બેઇઝ્ડ વાયોલન્સ - એસજીવીબી) માંથી બચી ગયેલા લોકોની સુરક્ષા જાળવવામાં અને તેમની જરૂરિયાતો સંતોષવામાં નડતા સામાજિક, સંસ્થાકીય અને માળખાકીય અવરોધો પર ધ્યાન કેન્દ્રિત કરતા રાષ્ટ્રવ્યાપી રિપોર્ટિંગ પ્રોજેક્ટનો એક ભાગ છે. આ ડોકટર્સ વિધાઉટ બોર્ડર્સ ઈન્ડિયા દ્વારા સમર્થિત પહેલનો એક ભાગ છે.
બચી ગયેલ પીડિતાઓ અને તેમના પરિવારના સભ્યોના નામ તેમની ઓળખ છુપી રાખવા માટે બદલવામાં આવેલ છે.
અનુવાદ: મૈત્રેયી યાજ્ઞિક