હાઈ ફેશન, ફાસ્ટ ફેશન અને સેક્સ.
વૈભવી મુસાફરી, મર્યાદિત ખર્ચમાં થઈ શકતી મુસાફરી અથવા રખડપટ્ટી!
મીમ્સ, ટ્રેન્ડિંગ ડાન્સ સ્ટેપ્સ, ક્યારેક મજેદાર અને ક્યારેક તો ડરામણા ફિલ્ટર્સ.
આ એવી સામગ્રી છે જે ઓનલાઈન ધ્યાન ખેંચે છે. પારી ખાતે અમારી પાસે આમાંનું કંઈ આપવા માટે નથી, તેમ છતાં અમે સોશિયલ મીડિયાની ગૂંચવાયેલી દુનિયામાં ચોક્કસ સંખ્યામ પ્રેક્ષકોને શોધવામાં અને જાળવી રાખવામાં સફળ થયા છીએ. કેવી રીતે? એક એકદમ સ્પષ્ટ પરંતુ બહુ ઓછી ઉપયોગમાં લેવાતી તકનીક દ્વારા: માહિતીપ્રદ,અને શક્તિશાળી વાર્તા દ્વારા.
વર્ષ પૂરું થઈ રહ્યું છે ત્યારે વિવિધ પ્રેક્ષકોએ અમારા કામને કેવો પ્રતિસાદ આપ્યો છે એ અમે જણાવવા માગીએ છીએ (આ ટૂંકી ક્લિપ પણ જુઓ).
લાખો ફોલોઅર્સે ધ ટેમ્પરરી 'ચેરવુમન'ઓફ બાંસવારા પરની અમારી પોસ્ટની પ્રશંસા કરી. નીલાંજના નાંદીની આ વાર્તા રાજસ્થાનની એવી મહિલાઓ વિશે છે જે પુરુષો કે વડીલોની હાજરીમાં ક્યારેય ખુરશીઓ કે બીજા ઊંચા આસનો પર બેઠી નથી. ઇન્સ્ટાગ્રામ પરની આ રીલને લગભગ સાત લાખ વ્યુઝ મળ્યા અને તેના પર સેંકડો લોકોએ ટિપ્પણી કરી, આ જ પ્રકારના અનુભવમાંથી પસાર થનાર મહિલાઓએ, તેમજ કેટલાક લોકો જેનું સ્વપ્ન પણ જોઈ શકતા નથી એવી આ દેખીતી રીતે સાવ નાની-અમથી જણાતી વાતને સાવ સહજ ગણી લેતા બીજા લોકોએ પણ. "આવી બાબતોને ધ્યાનમાં લેવા માટે સૂક્ષ્મ નજર જોઈએ," વાચક મોલિકા કુમારની આ ટિપ્પણી એ કદાચ આપણા રોજિંદા સામાન્ય અનુભવોની વાત બહાર લઈ આવતા પત્રકારત્વની સૌથી મોટી પ્રશંસા છે.








