'આઝાદીની લડત દરમ્યાન ઘણી વખત એવું લાગતું કે ક્યાંય આશનું કિરણ દેખાતું જ નથી. અમને કહેવામાં આવ્યું હતું કે આ લડાઈમાં જીતવું તમારે માટે શક્ય જ નથી. તમે વિશ્વના સૌથી મોટા સામ્રાજ્યની સામે ઊભા છો. . . પણ અમે તો એ તમામ ચેતવણીઓ અને ધમકીઓથી ડર્યા વગર આગળ વધ્યાં. અને એ છતાંય લડ્યા. તેથી જ અમે આજે અહીં છીએ.'
આર. નલ્લકન્નુ
*****
"પીળી પેટીને મત આપો!" નારા સંભળાઈ રહ્યા હતા. "શુભ મંજલ [હળદરીયા] પેટી પસંદ કરો!"
આ મદ્રાસ પ્રેસિડેન્સીમાં બ્રિટિશ શાસન દરમિયાન યોજાયેલી 1937ની પ્રાંતીય ચૂંટણી હતી.
નારા ઢોલ વગાડતા યુવાનોના જૂથો તરફથી કરવામાં આવી રહ્યા હતા. તેમાંથી મોટાભાગના મતદાન કરી શકે એ ઉંમરના નહોતા. અને મતદાન કરવા માટે યોગ્ય હોત પણ તો ય એમાંના કોઈ મતદાન કરી શકત નહીં. તમામ પુખ્ત વયના લોકો મતદાન કરી શકે એવું શક્ય નહોતું.
મતદાનને લગતા નિયંત્રણો જમીન અને મિલકતના માલિકો અને ગ્રામીણ વિસ્તારોમાં સમૃદ્ધ ખેડૂતોની તરફેણમાં રહેતા.
મતદાનની ઉંમર પણ ના થઇ હોય એવા યુવાનોને જોરશોરથી પ્રચાર કરતા જોવા એ દ્રશ્ય જરાય નવું નહોતું.
અને આ વાતની નોંધ 1935થી શરુ કરીને જસ્ટિસ પાર્ટીનું એક અંગ, એવા વર્તમાનપત્ર -જસ્ટિસે ઘૃણા અને થોડા તિરસ્કાર સાથે લીધેલી:
તમે કોઈ પણ ગામની મુલાકાત લઈ લો, પછી એ કેટલાય અંતરિયાળ વિસ્તારોમાં કેમ ના હોય, તમને કોંગ્રેસ ખાદ્દરનો ગણવેશ અને ગાંધી ટોપી પહેરેલા અને હાથમાં તિરંગા ઝંડા પકડીને રખડતાં તોફાની બાળકોનાં ટોળાં જોવા મળશે એની ખાતરી. આમાંના લગભગ એંસી ટકા કામદારો અને સ્વયંસેવકો, સેંકડો શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાંથી ખેંચાઇ આવેલા મતવિહીન, મિલકતવિહીન, બેરોજગાર માણસો છે…
1937માં આ યુવાનોમાંના એક હતા આર. નલ્લકન્નુ, તે સમયે માંડ 12 વર્ષના. આજે [2022માં] 97 વર્ષના તેઓ અમને એમના તોફાની ટોળાંનાં પરાક્રમો વિષે હસીને વાત કરે છે. "જે કોઈ જમીનની માલિકી ધરાવતા છે અને 10 રૂપિયા કે તેથી વધુનો જમીન કર ચૂકવતા તેઓ જ મતદાન કરી શકતા," તે યાદ કરે છે. 1937ના મતદાનમાં મતાધિકારનો થોડો વિસ્તાર થતો જોવા મળ્યો હતો. પરંતુ "તેનો હેતુ ક્યારેય પુખ્તવયના 15-20 ટકા કરતાં વધારે લોકોને મત આપવા દેવાનો નહોતો," તે કહે છે. "અને કોઈપણ મતવિસ્તારમાં 1,000 થી 2,000થી વધુ લોકોએ ક્યારેય મતદાન કર્યું નહોતું."
નલ્લકન્નુનો જન્મ શ્રીવૈકુંટમમાં થયો હતો, જે તે સમયે તિરુનેલવેલી જિલ્લામાં હતું. આજે, શ્રીવૈકુંતમનો તાલુકો તમિલનાડુના તૂતકુડી જિલ્લામાં આવે છે (જે 1997 સુધી તુતીકોરીન તરીકે ઓળખાતું).
નલ્લકન્નુની ચળવળમાં જોડાવાની શરૂઆત ઘણી વહેલી થઇ.
"એ સમયે હું ખરેખર ઘણો નાનો હતો. મારા શહેરની નજીક તૂતકુડીમાં મિલ કામદારો હડતાલ પર ઊતરી ગયા હતા. હાર્વે મિલ્સનું એક જૂથ હતું. જે પછીથી પંચલાઈ [કોટન મિલ્સ]ના કામદારોની હડતાલ તરીકે ઓળખાઈ.
"તેમને ટેકો આપવા માટે, અમારા નગરના દરેક ઘરમાંથી ચોખા એકત્રિત કરવામાં આવતા અને એક ખોખામાં ભરીને તૂતકુડીમાં હડતાળ પર ઉતારેલા કામદારોના પરિવારોને બોક્સમાં મોકલવામાં આવતા. અમારા જેવા નાના છોકરાઓ ચોખા ભેગું કરવાનું કામ કરતા ઘેર ઘેર ફરતા.” લોકો ગરીબ હતા, “પરંતુ દરેક પરિવારે કંઈકને કંઈક યોગદાન આપ્યું જ હોય. તે સમયે હું માંડ 5 કે 6 વર્ષનો હોઈશ અને કામદારોના સંઘર્ષ સમયે દેખાતી આ એકતાએ મારા મન પર ભારે અસર કરી હતી. તેનું પરિણામ એ આવ્યું કે મને રાજકારણમાં મારી રુચિ બહુ વહેલી થઈ."
અમે તેમને 1937ની ચૂંટણીના સમયમાં પાછા લાવતાં પૂછ્યું: મંજલ પેટી અથવા પીળા ખોખાને મત આપવાનો અર્થ શું હતો?
“તે સમયે મદ્રાસમાં માત્ર બે મુખ્ય પક્ષો હતા," તે કહે છે. "કોંગ્રેસ અને જસ્ટિસ પાર્ટી. પક્ષો પ્રતીકોને બદલે અમુક રંગની મતપેટી દ્વારા ઓળખાતા. કૉંગ્રેસ, જેના માટે અમે એ સમયે પ્રચાર કર્યો હતો, તેને પીળી પેટીઓ આપવામાં આવેલી. જસ્ટિસ પાર્ટી માટે, એક 'પચ્ચાઈ' - લીલા રંગની પેટી હતી. તે સમયે મતદાતા માટે તે જે પક્ષને સમર્થન આપી રહ્યો છે તેને ઓળખવાનો આ શ્રેષ્ઠ માર્ગ હતો.”
અને હા, ત્યારે પણ ચૂંટણી સાથે ઘણા રંગીન કિસ્સા ને પરાક્રમો સંકળાયેલા રહેતાં. ધ હિન્દુના અહેવાલ મુજબ, “દેવદાસી પ્રચારક તંજાવુર કામુકન્નમલ . . . દરેકને “છીકણીના ખોખા”માં મત આપવાનું કહેતો! તે સમયના છીકણીના ખોખાં સામાન્ય રીતે સોનેરી અથવા પીળો રંગના રહેતાં. ધ હિન્દુની હેડલાઈન પણ વાચકોને ‘પીળા બૉક્સીસ ભરો’ એવું આહવાન કરતી હતી.
"અને અલબત્ત, હું તો 12 વર્ષની ઉંમરે મત આપી શકવા કાબેલ નહોતો," નલ્લકન્નુ કહે છે. "પરંતુ હું બહાર ગયો અને મારાથી બને એટલો મજબૂત પ્રચાર કર્યો." ત્રણ વર્ષ પછી, તેઓ ચૂંટણીની બહાર "પરાઈ [ડ્રમનો એક પ્રકાર] પીટતા અને સૂત્રોચ્ચાર કરતા" રાજકીય પ્રચારમાં સામેલ થયા.
પરંતુ તેઓ એ સમયે કોંગ્રેસના સમર્થક ન હતા. કોમરેડ આરએનકે' તરીકે તેમના મિત્રોમાં જાણીતા નલ્લકન્નુ કહે છે કે, "હું 15 વર્ષની ઉંમરથી કોમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઈન્ડિયા [CPI] સાથે હતો." જો કે પક્ષના ઔપચારિક સભ્યપદ માટે એમણે મોટા થાય ત્યાં સુધી રાહ જોવી રહી. પરંતુ RNK આગામી કેટલાક દાયકાઓમાં તમિલનાડુમાં સામ્યવાદી ચળવળની સૌથી મહત્વપૂર્ણ વ્યક્તિઓમાંની એક તરીકે તેઓ જરૂર ઉભરી આવ્યા. તે હવે મંજલ પેટી (પીળી પેટી) માટે નહીં પણ સેંગોડી (લાલ ધ્વજ) માટે - ઘણીવાર સફળતાપૂર્વક - સમર્થન માંગતા.
*****
“તિરુનેલવેલીના અમારા વિસ્તારમાં એક માત્ર શાળા હતી અને તેથી તેને ફક્ત 'શાળા' ના નામે ઓળખવામાં આવતી હતી. એ જ એનું ખરું નામ હતું.”
ચેન્નાઈમાં તેમના ઘરની અંદર એક નાની ઓફિસમાં બેઠાં નલ્લકન્નુ અમારી સાથે વાત કરી રહ્યા છે. તેની બાજુમાં ટેબલના સાઇડબોર્ડ પર, કેટલીક નાની અર્ધપ્રતિમાઓ અને નાની મૂર્તિઓનો સમૂહ છે. તેની બાજુમાં લેનિન, માર્ક્સ અને પેરિયાર તેમની બિલકુલ બાજુમાં છે. તે સૌની પાછળ આંબેડકરની એક મોટી, સોનેરી પ્રતિમા ક્રાંતિકારી તમિલ કવિ સુબ્રમણિય ભારતીના મોટા સ્કેચની બરાબર સામે ઊભી છે. નાના પેરિયાર પ્રતિમાની પાછળ ભગત સિંહ, રાજગુરુ અને સુખદેવના ફોટા પરથી દોરવામાં આવેલ બીજું એક ચિત્ર છે. અને આ બધાની બાજુમાં, એક કેલેન્ડર છે જે આપણને બધાને ‘ઓછું પાણી વાપરવાનું’ કહે છે.
આખી ઝાંખી, એક નજરમાં, આપણને જેની સાથે આપણે અત્યારે ત્રીજી મુલાકાતમાં વાત કરી રહ્યા છીએ એ વ્યક્તિના બૌદ્ધિક વિકાસ અને ઇતિહાસ વિષે ઘણું કહી જાય છે. આ 25 જૂન, 2022 છે. 2019 માં આપણે એમને પહેલવહેલા મળેલા.
નલ્લકન્નુ કહે છે, “ભારતી મારા માટે સૌથી પ્રેરણાદાયી કવિ હતા. "ઘણીવાર તેમની કવિતાઓ અથવા ગીતો પર પ્રતિબંધ મૂકવામાં આવતો." તેમણે કવિનું અસાધારણ ગીત ‘સુતંતીર પળલ્લુ ’ (સ્વતંત્રતા ગીત) માંથી કેટલીક પંક્તિઓ ટાંકી. "મને લાગે છે કે, તેમણે 1909માં આ લખેલું. એટલે એમ કહી શકીએ કે તેમણે 1947માં ભારતે આઝાદી મેળવ્યાના 38 વર્ષ પહેલાં આઝાદીની ઉજવણી કરી હતી!"
નાચીશું અમે, ગાઇશું અમે
આનંદ આઝાદીનો પામીયા અમે
બાહ્મણની હજૂરી કરવાના દિવસો ગયા
ગોરાઓ સામે ઝૂકવાના દિવસો ગયા
ભિક્ષા લેનારાઓને ભરવાના સલામન દિવસો ગયા
આપણી ઠેકડી ઉડાડનારાની સેવા કરવાના દિવસો ગયા
ઘર ઘર ચોરાહે ગાન સ્વતંત્રતાનાં થયાં
નલ્લકન્નુના જન્મના ચાર વર્ષ પહેલાં 1921માં ભારતીનું અવસાન થયું. ગીતો તો એથી પણ પહેલાં લખાયેલું. પરંતુ તે અને એના જેવાં બીજાકેટલાય ગીતોએ તેમને તેમના લડતના વર્ષોમાં પ્રેરણા આપી. આરએનકે 12 વર્ષના હતા તે પહેલાંથી એમને ભારતીના કેટલાંય ગીતો અને કવિતાઓ કંઠસ્થ હતાં. આજે પણ તેઓ ઘણાં શ્લોકો અને ગીતો શબ્દશઃ યાદ કરી શકે છે. તેઓ કહે છે, "મેં તેમાંથી કેટલાક નિશાળમાં હિન્દી પંડિત પળવેસ્સમ ચેટ્ટિયાર પાસેથી શીખ્યા." અલબત્ત, તેમાંથી એકેય સત્તાવાર રીતે અભ્યાસક્રમમાં નહોતા.
“જ્યારે એસ.સત્યમૂર્તિ નિશાળમાં આવેલા ત્યારે એમણે પણ મને ભારતીના લખાણોનું એક પુસ્તક આપ્યું હતું. તે તેમની કવિતાઓ તેસીય ગીતમનો સંગ્રહ હતો." સત્યમૂર્તિ સ્વાતંત્ર્ય સેનાની, રાજકારણી અને કલાના પુરસ્કર્તા હતા. ભારતી રશિયામાં 1917ની ઑક્ટોબર ક્રાંતિની પ્રશંસા કરનાર પ્રથમ વ્યક્તિઓમાંના એક હતા અને તેમણે તેની પ્રશંસામાં ગીત પણ લખ્યું હતું.
નલ્લકન્નુને ભારતી પ્રત્યેના તેમના પ્રેમ અને ખેડૂત અને મજૂર-વર્ગના સંઘર્ષના દ્રષ્ટિકોણથી સમજવાનો પ્રયાસ કરવો યોગ્ય છે કે જેમાં તેઓ આઠ દાયકાઓથી સહભાગી રહ્યા છે.
કારણ કે અન્યથા ‘કોમરેડ આરએનકે’ની વાર્તા કહેવી ખરેખર મુશ્કેલ છે. એમના જેવા પોતાની જાતને ભૂંસી નાખનારા આત્માઓ બહુ જૂજ છે. તેઓ આપણને જે મહાન ઘટનાઓ, હડતાલ અને સંઘર્ષો વિશે વાત કરે છે તેના કેન્દ્રમાં પોતાની જાતને મૂકવાનો તે નરમાશથી પરંતુ નિશ્ચિતપણે ઇનકાર કરે છે. જો કે તેમાંના કેટલાકમાં તેમની ભૂમિકા અત્યંત મહત્વપૂર્ણ અને કેન્દ્રિય રહી હતી. પરંતુ તમે તેમને તે રીતે એ ઘટનાઓનું ચિત્રણ, વર્ણન કરતાં ક્યારેય નહીં જુઓ.
જી. રામક્રિષ્નન કહે છે, "કોમરેડ આરએનકે આપણા રાજ્યમાં ખેડૂતો આંદોલનના પ્રણેતામાંના એક હતા." 'GR' CPI(M) ના રાજ્ય સમિતિના સભ્ય છે, પરંતુ 97 વર્ષીય CPI નેતાની ભૂમિકા અને યોગદાનને સલામ કરતાં જરાય ખચકાટ અનુભવતા નથી. "જ્યારે તે હજુ કિશોર વયના હતા ત્યારથી શરૂ કરીને દશકાઓ દરમિયાન -- એ જ હતા જેમણે શ્રીનિવાસ રાવ સાથે મળીને રાજ્યભરમાં કિસાન સભાના પાયા નાખેલા. તે આજે પણ આ સભા ડાબેરીઓ માટે એક મોટો તાકાતનો સ્ત્રોત છે. નલ્લકન્નુએ સમગ્ર તમિલનાડુમાં અથાક ઝુંબેશ અને સંઘર્ષના બળે તેને ઊભી કરવામાં મદદ કરી હતી.
નલ્લકન્નુના સંઘર્ષ ખેડૂતોની લડાઈઓને સંસ્થાન વિરોધી ચળવળ સાથે સરળતાથી સાંકળે છે. અને એ પણ, અંત્યંત મહત્વપૂર્ણ, સામંતશાહી વિરોધી લડાઈઓ સાથે જે તે સમયના તમિલનાડુ માટે ખૂબ જ નિર્ણાયક લડતો હતી. અને જે 1947 પણ એટલી જ મજબૂત રહી. તેમની લડાઈ એક માત્ર બ્રિટિશ શાસન સામેની નહીં પણ બીજી ઘણી ભૂલી ગયેલી આઝાદીઓ માટે હતી અને રહેશે.
"અમે રાત્રે તેમની સાથે લડતા, પથ્થરો ફેંકતા - એ અમારા શસ્ત્રો હતા - અને તેમનો પીછો કરતા. કેટલીકવાર ખૂંખાર લડાઇઓ પણ થતી. 1940ના દાયકાના વિરોધ પ્રદર્શન દરમિયાન આવું ઘણી વખત બન્યું હતું. અમે હજી કિશોર હતા, પણ અમે લડ્યા. દિવસ અને રાત, અમારી રીતના શસ્ત્રો સાથે!
કોની સાથે લડયા? કોને ક્યાંથી, શેનાથી દૂર ભગાડવા?
“મારા શહેરની નજીક આવેલ ઉપ્પલમ [મીઠાના અગરો]. તમામ મીઠાના અગરો અંગ્રેજોના તાબા હેઠળ હતા. કામદારોની હાલત દયનીય હતી. મિલોની આસપાસની જેમ, જ્યાં દાયકાઓ પહેલા સંઘર્ષો શરૂ થયા હતા. વિરોધ પ્રદર્શનો થતા હતા અને તેમના માટે લોકોમાં ઘણી બધી સહાનુભૂતિ અને સમર્થન હતું.
“પોલીસ ફક્ત મીઠાના અગરના માલિકોના એજન્ટ તરીકે કામ કરતી હતી. એક અથડામણમાં એક સબ ઇન્સ્પેક્ટરનું મોત થયું હતું. પોલીસ સ્ટેશન પર પણ હુમલો થયો હતો. પછી તેઓએ મોબાઇલ પેટ્રોલિંગ યુનિટ ગોઠવ્યું. તેઓ દિવસ દરમિયાન અગરમાં જતા અને રાત્રે અમારા ગામોની નજીક પડાવ પર આવતા. ત્યારે અમે તેમની સાથે અથડામણ કરી હતી.” આ વિરોધ અને અથડામણો થોડા વર્ષો સુધી ચાલ્યા અને બંધ થયા, કદાચ વધુ. "પરંતુ 1942ની આસપાસ ભારત છોડો ચળવળ દરમ્યાન એ વધી ગયેલાં."
મૂછનો દોરો પણ ફૂટ્યો નહોતો ત્યારથી નલ્લકન્નુ આ બધામાં ભાગ લેતા જે તેમના પિતા રામસામી તેવરને જરાય પસંદ નહોતું. છ બાળકોના પિતા તેવર પોતે એક ખેડૂત હતાં અને તેમની પાસે લગભગ 4-5 એકર જમીન હતી . યુવાન આરએનકેને ઘરમાં અવારનવાર સજા થતી. અને ક્યારેક તો તેમના પિતા તેની શાળાની ફી ભરવાનું બંધ કરી દેતા.
"લોકો તેમને કહેતા - 'તારો દીકરો ભણતો નથી? તે હંમેશ બહાર રખડે છે અને નારા લગાવતો ફરે છે. લાગે છે કે એ કોંગ્રેસમાં જોડાયો છે.'" નિશાળમાં ફી ભરવાનછેલ્લી તારીખ દર મહિનાની 14મી અને 24મી વચ્ચે આવતી. "જો મેં તેમની પાસે ફીની માંગણી કરી, તો એ તાડૂકતા: 'તું તારું ભણવાનું છોડી દે અને તારા કાકાઓને ખેતરમાં મદદ કરવા માંડ'."
“સમય જતા મારા પિતાની નજીકની કોઈ વ્યક્તિ તેમને શાંત પાડતી. તેઓ એમને વચન આપતાં કે હું જે રીતે બોલું છું અને જેવું વર્તન કરું છું તેવું કરીશ નહીં. ત્યારે જ તેઓ ફી ચૂકવતા.”
જો કે, “તે જેમ જેમ મારા જીવનનો, મારા માર્ગોનો વિરોધ કરતા ગયા, તેમ તેમ અમારો મતભેદ વધતો ગયો. મેં તે હિંદુ કોલેજ મદુરાઈમાં તમિળ સાથે ઇન્ટરમીડિએટ સુધી અભ્યાસ કર્યો. ખરેખર તો એ તિરુનલવેલી જંકશન પર હતી,પરંતુ તે હિન્દુ કોલેજ, મદુરાઈ કહેવાતી. હું ત્યાં બે વર્ષ સુધી ભણ્યો પણ આગળ વધી શક્યો નહીં."
એનું કારણ એ હતું કે એ ઘણો સમય વિરોધ પ્રદર્શનમાં ભાગ લેવામાં વ્યસ્ત રહેતા. અને અગત્યની વાત એ હતી કે - જે કહેવા માટે ખૂબ વિનમ્ર છે - તેમણે ધારણાઓનું આયોજન પણ શરૂ કરી દીધું હતું. આરએનકે ઝડપથી એક યુવા નેતા તરીકે ઉભરી રહ્યા હતા. પરંતુ તેમણે હંમેશ પોતાના તરફ ધ્યાન ખેંચવાનું ટાળ્યું છે.
તેમણે જે ઘટનાઓ અને કામોમાં ભાગ લીધો તેનો કર્મશ: અહેવાલ આપવો મુશ્કેલ છે ખાસ કરીને એ કારણે કે આવી ઘટનાઓનો આંકડો મોટો છે અને તે એક કરતાં વધુ મોરચે લડાતી લડાઈ હતી.
તેઓ સ્વતંત્રતા સંગ્રામ દરમિયાન તેમના માટે સૌથી મહત્વપૂર્ણ ક્ષણો વિષે એક સરળ સારાંશ: આપતાં કહે છે, "ભારત છોડો ચળવળની આસપાસની લડાઈઓ." તે સમયે તેઓ હજી માંડ 17 વર્ષના પણ નહીં હોય, પરંતુ વિરોધમાં પહેલેથી જ એક અગ્રગણ્ય વ્યક્તિ રહ્યા. 12 થી 15 વર્ષની વચ્ચેના વર્ષો પણ તેમના જીવનમાં કોંગ્રેસમેનમાંથી સામ્યવાદી વિચારધારામાં પરિવર્તિત થવાનો સમય હતો.
તેમણે કયા પ્રકારની વિરોધ પ્રદર્શનોનું આયોજન કરવામાં અથવા તેમાં ભાગ લેવામાં મદદ કરી?
શરૂઆતમાં, “અમારી પાસે ટીનથી બનેલા મેગાફોન રહેતા. અમે ગામ કે શહેરમાં ફરીને જેટલી મળે તેટલી ટેબલ અને ખુરશીઓ ભેગી કરતા અને ગીતો ગાતાં. ટેબલ ખાસ કરીને વક્તા માટે ઉભા રહીને ભીડને સંબોધવા માટે રહેતું. ધ્યાન રાખો, અને ભીડ અવશ્ય જામતી." ફરી એકવાર, તેઓ લોકોને એકત્ર કરવામાં પોતાની ભૂમિકા વિશે ખાસ કંઈ કહેતા ખચકાય છે. જો કે તેમના જેવા પગપાળા સૈનિકો જ હતા જેમણે આ શક્ય બનાવ્યું.
“પછી, જીવનાનન્દમ જેવા વક્તાઓ તે ટેબલો પર ઊભા રહેતા થયા અને ઘણી વિશાળ મેદનીને સંબોધતા થયા. કોઈ જાતના માઈક્રોફોન વગર. એમને તેની જરૂર નહોતી. “સમય જતાં, અમને યોગ્ય માઇક અને લાઉડસ્પીકર મળ્યા. એમાં કોઈ સૌથી મનપસંદ હોય તો," કહેતાં તેઓ યાદ કરે છે, "'શિકાગો માઇક્સ' અથવા શિકાગો રેડિયો સિસ્ટમ પણ કહેવાતા. અલબત્ત, અમને ઘણુંખરું એ પોસાય તેમ નહોતા."
બ્રિટિશ ક્રેકડાઉન થયું ત્યારે શું થયું હતું? એ સમયે એ લોકો એમની વાત કઈ રીતે પહોંચાડતા?
“આવી કેટલીય પરિસ્થિતિઓ હતી. જેમ કે રોયલ ઈન્ડિયન નેવી [RIN]નો વિદ્રોહ [1946] બાદ. સામ્યવાદીઓ પર પૂરેપૂરા દરોડા પડી રહ્યા હતા. જો કે દરોડા તો અગાઉ પણ પાડવામાં આવ્યા હતા. અને અંગ્રેજો ક્યારેક તો ગામડામાંની દરેક પાર્ટીની દરેક ઓફિસની તલાશી લેતા. આવું તો આઝાદી પછી પણ બન્યું હતું, જ્યારે પાર્ટી પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. અમારી પાસે બુલેટિન અને સામયિકો હતા. જનશક્તિની જેવા. પરંતુ અમારી પાસે સંદેશાવ્યવહારના બીજા માધ્યમો પણ હતા. તેમાંથી કેટલાક સદીઓ પુરાણા સરળ સંકેતો પણ હતા.
“કટ્ટબોમન [18 સદીના બ્રિટિશ વિરોધી ફાઇટર]ના સમયથી જ, લોકો ઘરના પ્રવેશદ્વાર પર લીમડાની ડાળીઓ મૂકતા હતા. અંદરની કોઈ વ્યક્તિ શીતળા અથવા અન્ય બિમારીઓથી બીમાર છે તે દર્શાવવા માટેની તે એક નિશાની હતી. પરંતુ ત્યાં મીટિંગ ચાલી રહી છે તે સંકેત આપવા માટે એક ગુપ્ત પ્રતીક તરીકે પણ તેનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.
‘જો ઘરની અંદરથી બાળકના રડવાનો અવાજ આવે, તો તેનો અર્થ એ કે મીટિંગ હજુ ચાલુ છે. પ્રવેશદ્વાર પાસે ગાયનું ભીનું છાણ હોય તો એનો અર્થ એ કે સભા ચાલુ છે. જો સૂકાઈ ગયેલું છાણ હોય તો જોખમને કારણે છૂપાઈ જવાનો સંકેત હતો. અથવા તેનો અર્થ એ કે મીટિંગ પૂરી થઈ ગઈ હતી.
આઝાદીની લડત દરમ્યાન આરએનકે નો સૌથી મોટો પ્રેરણા સ્ત્રોત શું હતો?
'કમ્યુનિસ્ટ પાર્ટી અમારી પ્રેરણાનો સૌથી મોટો સ્ત્રોત હતો.
*****
‘મારી ધરપકડ કરવામાં આવી ત્યારે મેં મારી મૂછો કેમ કાઢી નાખી?’ આરએનકે હસે છે. 'મેં ક્યારેય એવું કંઈ કર્યું નથી. સૌથી પહેલી વાત તો કે મેં વેશપલટો કરવા માટે તેને ક્યારેય ઉગાડી જ નહોતી. જો એવું હોત તો હું મૂછો રાખત જ શા માટે?
‘ના, પોલીસે તેને સિગારેટથી સળગાવી દીધી હતી. તે મદ્રાસ શહેરના ઇન્સ્પેક્ટર કૃષ્ણમૂર્તિ દ્વારા મારા પર કરાયેલી યાતનાઓનો એક ભાગ હતો. તેમણે મારા હાથ 2 વાગે બાંધ્યા હતા. બીજા દિવસે સવારે 10 વાગે જ તેમણે મારા હાથ ખોલ્યા હતા. પછી તેણે મને લાંબા સમય સુધી તેના ડંડાથી માર્યો હતો.’
બીજા આઝાદીના લડવૈયાઓની જેમ એ આ બધા બનાવો વિષે વાત કરતાં એમના અવાજમાં જરાય દ્વેષભાવ નથી. યાતના પ્રત્યે કોઈ દુશમનાવટ નથી. એમના પછીના દિવસોમાં એમણે ક્યારેય એ પોલીસ ઈન્સ્પેક્ટરને બદલો લેવા માટે શોધ્યો નહીં. એમને એવો વિચાર સરખો ના આવ્યો.
તેઓ કહે છે, 'આ ખરેખર 1948માં થયું હતું,' ભારતે આઝાદી મેળવ્યા પછી. 'મદ્રાસ સહિત ઘણા પ્રાંતોમાં પાર્ટી પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો અને 1951 સુધી તે એમનો એમ રહ્યો હતો.
‘પણ તમારે સમજવું જોઈએ કે અમારે સામંતશાહી વિરોધી લડાઈઓ પણ લડવાની હતી. જેની અમારે કિંમત ચૂકવવી પડી. અને આ 1947 ના ઘણા સમય પહેલાંથી જ શરૂ થયું હતું - અને આઝાદી પછી પણ ચાલુ રહ્યું.
'સ્વાતંત્ર્યતાની ચળવળ, સામાજિક સુધારણા, સામંતશાહી વિરોધી સંઘર્ષો - અમે આ મુદ્દાઓને જોડી દીધા. તે રીતે અમે કામ કર્યું.
અમે સારા અને સમાન વેતન માટે લડ્યા. અમે અસ્પૃશ્યતા નાબૂદી માટે લડ્યા. મંદિર પ્રવેશ આંદોલનમાં પણ અમે મોટી ભૂમિકા ભજવી હતી.
જમીનદારી પ્રથા નાબૂદ કરવાની ઝુંબેશ તમિલનાડુમાં એક મોટું આંદોલન હતું. રાજ્યમાં ઘણી મહત્વની જમીનદારીઓ હતી. અમે મીરાસદરી [વારસાગત હક હેઠળની જમીન] અને ઇનામદારી [શાસક દ્વારા વ્યક્તિઓ અથવા સંસ્થાઓને મફતમાં સોંપવામાં આવેલી જમીન] ની પ્રથા સામે લડ્યા. તે સામ્યવાદીઓ હતા જે આ બધી લડાઈમાં મોખરે હતા. અમારી લડત ઘણા મોટાગજાના મકાનમાલિકો અને તેમના ખાનગી સશસ્ત્ર ગુંડાઓ અને ઠગોની સામે હતી.
‘ત્યાં પૂણણિયોર સાંબાશિવા ઐયર, નેડુમણમ સામિયપ્પા મુડલિયાર, પૂંડી વાંડયાર જેવા લોકો હતા. એમની પાસે હજારો એકર ફળદ્રુપ જમીન હતી.’
હવે અમે એક રસપ્રદ ઇતિહાસનો પાઠ સાંભળી રહ્યા હતા. અને તે પણ એક એવી વ્યક્તિ પાસેથી જેમણે પોતે એ ઇતિહાસ ઘડવામાં મદદ કરી હતી.
'સ્વતંત્રતા, સામાજિક સુધારણા, સામંતશાહી વિરોધી લડતો - અમે આ મુદ્દાઓને જોડી દીધા. અમે સારા અને સમાન વેતન માટે લડ્યા. અમે અસ્પૃશ્યતા નાબૂદી માટે લડ્યા. મંદિર પ્રવેશ આંદોલનમાં અમે મહત્વની ભૂમિકા ભજવી હતી'
'બ્રહ્મદેયમ અને દેવદાનમની સદીઓ જૂની પ્રથાઓ પણ હતી.
‘પહેલા પ્રકારમાં, શાસકો દ્વારા બ્રાહ્મણોને મફતમાં જમીનો આપવામાં આવતી હતી. તેઓએ શાસન કર્યું અને જમીનમાંથી નફો મેળવ્યો. તેઓએ જાતે ક્યારેય ખેતી કરી નહીં, પરંતુ નફો તેમને જ જતો. દેવદાનમ હેઠળ, મંદિરોને જમીનની આવી ભેટો આપવામાં આવતી. ક્યારેક મંદિરને આખા ગામની જમીન ભેટમાં અપાતી. નાના ભાડૂત ખેડૂતો અને કામદારો તેમની દયા પર જીવતા. કોઈપણ વ્યક્તિ જો તેમની સામે માથું ઊંચકે તો એને તરત બહાર કાઢી નાખવામાં આવતું.
‘જાણવા જેવી વાત છે કે, આ સંસ્થાઓ, મેડમ્સ [મઠસ અથવા મોનાસ્ટ્રીસ] પાસે છ લાખ એકર જમીન હતી. કદાચ હજુ પણ હશે. પરંતુ તેમની સત્તામાં લોકોના નિરંતર સંઘર્ષોને કારણે જરૂર ઘડાડો થયો છે.
“1948માં તમિલનાડુ જમીનદારી નાબૂદી કાયદો અમલમાં આવ્યો. પરંતુ તેમાં વળતર મળ્યું જમીનદારો અને વિશાળ જમીનના માલિકોને, જમીન પર કામ કરનારા લોકોને નહીં. શ્રીમંત ભાડૂતોને પણ થોડું વળતર મળ્યું. પણ ખેતરોમાં કામ કરનારા ગરીબોને કશું મળ્યું નહીં. 1947-49 ની વચ્ચે, આ મંદિરોની જમીનોમાંથી મોટી સંખ્યામાં લોકોની હકાલપટ્ટી કરવામાં આવી હતી. અને એ સમયે અમે ભારે વિરોધ શરૂ કર્યો એ વાતને લઈને કે: 'જ્યારે ખેડૂતો પાસે જમીનની માલિકી હોય ત્યારે જ તેઓ સારી રીતે જીવી શકે છે'.
“આ અમારી લડાઈઓ હતી - અને એ 1948 થી 1960 સુધી આ તેમના અધિકારો મેળવવા માટેની લડાઈઓ ચાલી. સી. રાજગોપાલાચારી [રાજાજી] મુખ્યમંત્રી તરીકે જમીનદારો અને મટટ્સનો પક્ષ લીધો. અમે કહ્યું, 'ખેડે તેની જમીન'. રાજાજીએ કહ્યું કે જમીન તેમની જેમની પાસે દસ્તાવેજો છે. પરંતુ અમારા સંઘર્ષોએ આ મંદિરો અને મટ્ટોની સત્તાને લલકારી. અમે તેમના લણણીના નિયમો અને પ્રોટોકોલનો ભંગ કર્યો. અમે ગુલામી કરવાની ના પાડી.
"અને, અલબત્ત, આ બધાને સામાજિક લડાઇઓથી પણ અલગ કરવું શક્ય નથી.
“મને યાદ છે કે હું એક રાત્રે મંદિરમાં વિરોધ પ્રદર્શન જોઈ રહ્યો હતો. બધા મંદિરોમાં રથ ઉત્સવો થતા. અને ખેડૂતો જ દોરડા વડે રથને આગળ ખેંચતા હતા. અમે કહ્યું કે જો એમની હકાલપટ્ટી ચાલુ રહેશે તો તેઓ ક્યાંય પણ રથ ખેંચવા આવશે નહીં. અમે વાવણી માટે અમુક અનાજ પાછું લેવાનો અમારો હક પણ માંગ્યો.”
હવે તેઓ સ્વતંત્રતા પહેલા અને પછીના સમયગાળામાં આગળ પાછળ જઈ રહ્યા છે. એક રીતે આ બહુ મૂંઝવણ ઉપજાવે એવું છે. તો બીજી બાજુ, તે આપણા સમયની જટિલતાને દર્શાવે છે. કે આ સમયમાં એકથી વધારે આઝાદીની લડતો હતી. અને આમાંની કેટલીય લડતોની શરૂઆત અને અંતની નિશ્વિત તારીખો નથી. તેમજ આરએનકે જેવા લોકો તે બધી આઝાદીઓની શોધમાં અડગ રહ્યા.
“અમે પણ, તે તમામ દાયકાઓ દરમિયાન, કામદારોની મારપીટ અને ત્રાસ સામે લડ્યા હતા.
“1943માં, દલિત કામદારોને હજુ પણ કોરડા મારવામાં આવતા હતા. અને ચાબુકના ઘા ઉપર ગાયના છાણનું પાણી રેડવામાં આવતું. તેઓને સવારે 4 કે 5 વાગ્યે કામ પર જવું પડતું - જ્યારે પણ કૂકડો બોલતો. તેઓને મિરાસદારની જમીન પર ઢોરોને નવડાવવા, ગોબર ભેગું કરવા, પછી ખેતરોમાં પાણી પીવડાવવા જવું પડતું હતું. તિરુતુરાઈપૂંડી પાસે એક ગામ હતું, તે સમયે એ તંજૌર જિલ્લામાં પડતું. ત્યાં જ અમે તેમનો વિરોધ કર્યો.
“કિસાન સભાના શ્રીનિવાસ રાવની આગેવાની હેઠળ એક વિશાળ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. ભાવના એવી હતી કે 'જો તેઓ તમને લાલ ધ્વજ લઈ જવા માટે ફટકારે છે, તો તેમને વળતા ફટાકરજો'. છેવટે તિરુતુરાઈપૂંડી ખાતે મીરાસદાર અને મુધલિયારોએ એક કરાર પર હસ્તાક્ષર કર્યા કે આ ચાબુકથી ચાબખા મારવાની, ઘા પર ગોબરનું પાણી છાંટવાની અને અન્ય અસંસ્કારી પ્રથાઓ સંપૂર્ણ પણે બંધ કરવામાં આવે.
આરએન 1940 થી 1960 કેરદરમ્યાન અને તે પછી પણ આ મહાન લડાઈઓમાં પોતાની મોખરેની ભૂમિકા વિષે ખૂબ ઓછી વાત કરે છે. તેઓ અખિલ ભારતીય કિસાન સભા (AIKS), તમિલનાડુના વડા તરીકે શ્રીનિવાસ રાવનું સ્થાન લેશે. અને 1947 પછીના દાયકાઓમાં, ખેડૂતો અને મજૂરોની લડાઈમાં આ ઓછાબોલા આઝાદીના લડવૈયા એક મજબૂત સેનાપતિ તરીકે ઉભરી આવશે.
*****
તેઓ બંને ઉત્સાહિત અને લાગણીશીલ છે. અમે CPI(M)ના નેતા અને સ્વતંત્રતા સેનાની એન. સાંકરિયાના ઘરે અમારો એક ઇન્ટરવ્યુ લઈ રહ્યા છીએ. એટલે કે, અમે તેમની અને નલ્લકન્નુ બંનેની સાથે વાતચીત કરી રહ્યા છીએ. આઠ દાયકાના આ સાથીઓએ જે રીતે એકબીજાનું અભિવાદન કર્યું તે રૂમમાં બેઠેલા અમને સૌને સ્પર્શી ગયું.
શું એમના મનમાં કોઈ કડવાશ નથી, કોઈ ઉદાસી નથી? 60 વર્ષ પહેલા જ્યારે કોમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઈન્ડિયાના બે ભાગમાં વિભાજન થયું ત્યારે તેઓ બંને અલગ-અલગ દિશામાં ગયા હતા. તે કંઈ સૌહાર્દપૂર્ણ વિદાય ન હતી.
"પરંતુ અમે તે પછી પણ ઘણા મુદ્દાઓ પર અને ઘણા સંઘર્ષોમાં સાથે મળીને કામ કર્યું છે," નલ્લકન્નુ કહે છે. "પહેલાની જેમ એકબીજા પ્રત્યે સમાન ભાવના સાથે."
સંકરૈયા કહે છે, "જ્યારે અમે બંને મળીએ છીએ, ત્યારે અમે હજી પણ એક પક્ષમાં હોઈએ છીએ."
વર્તમાન સમયમાં વધી રહેલ સાંપ્રદાયિક હિંસા અને નફરત સામે તેમનો શું પ્રતિભાવ છે? શું તેઓ રાષ્ટ્રના અસ્તિત્વ માટે ભયભીત છે? જે રાષ્ટ્રની સ્વતંત્રતા હાંસલ કરવામાં તેઓએ ભાગ ભજવ્યો છે.
નલ્લકન્નુ કહે છે, 'આઝાદીની લડત દરમ્યાન ઘણી વખત એવું લાગતું કે ક્યાંય આશનું કિરણ દેખાતું જ નથી. અમને કહેવામાં આવ્યું હતું કે આ લડાઈમાં જીતવું તમારે માટે શક્ય જ નથી. તમે વિશ્વના સૌથી મોટા સામ્રાજ્યની સામે ઊભા છો. . . પણ અમે તો એ તમામ ચેતવણીઓ અને ધમકીઓથી ડર્યા વગર આગળ વધ્યાં. અને એ છતાંય લડ્યા. તેથી જ અમે આજે અહીં છીએ.'
તેઓ બંને કહે છે કે, પહેલાંની જેમ અન્ય લોકો સુધી પહોંચવા અને શીખવા માટેએક વ્યાપક સંગઠનની બનાવવાની જરૂર છે. "મને ખ્યાલ છે કે EMS [નંબૂદિરીપાદ] પાસે પણ તેના રૂમમાં ગાંધીનો ફોટો હતો," RNK કહે છે.
રાજકારણની આપણામાંના લાખો લોકોને ડરાવે એવી સ્થિતિ વિશે તે બંને કેવી રીતે આટલા શાંત અને સ્વચ્છ રહે છે? નલ્લકન્નુ ધખભા ઉલાળતા કહે છે,: "અમે આનાથી કંઈક ખરાબ સમય જોયો છે."
તાજાકલમ:
2022માં સ્વતંત્રતા દિવસ પર - જે સમય ધ લાસ્ટ હીરોઝ: ધ ફુટ સોલ્જર્સ ઓફ ઇન્ડિયન ફ્રીડમ પ્રકાશનમાં હતી, તમિલનાડુની સરકારે RNK ને તંગૈસલ તમિળ એવોર્ડ એનાયત કર્યો હતો. આ તમિલનાડુનો સર્વોચ્ચ પુરસ્કાર છે, જેની સ્થાપના 2021માં રાજ્ય અને તમિળ સમુદાયમાં મોટું યોગદાન આપનાર પ્રતિષ્ઠિત વ્યક્તિનું બહુમાન કરવાના હેતુથી કરવામાં આવી હતી. રૂ. 10 લાખનું રોકડ ઇનામ ધરાવતો આ પુરસ્કાર મુખ્યમંત્રી એમ.કે. સ્ટાલિનના હસ્તે ફોર્ટ સેન્ટ જ્યોર્જના કિલ્લા પર આરએનકેને એનાયત કરાયો હતો.
અનુવાદ: પ્રતિષ્ઠા પંડ્યા