રમેશ દત્તા તેમના ચહેરા પર હળવા સ્મિત સાથે કહે છે, “મને નાનપણથી જ ચિત્રકામનો શોખ હતો. જ્યારે હું શાળામાં કો શ્રેની [પહેલા ધોરણ]માં હતો, ત્યારે શિક્ષકો અમને નારંગી અથવા કોળું દોરવાનું કહેતા, અને હું તેને ઝડપથી પૂરું કરી દેતો હતો. ચિત્રકામની શરૂઆત આ રીતે થઈ હતી.”
આજે તેઓ માજુલીના ગરમુર સારુ સત્રમાં રંગમંચના કાર્યક્રમો માટે પ્રાથમિક સેટ ડિઝાઇનર અને માસ્ક નિર્માતા છે, જે આસામના અનેક વૈષ્ણવ મઠોમાંનું એક છે. 52 વર્ષીય રમેશ દા, જેમને સમુદાયમાં પ્રેમથી સંબોધવામાં આવે છે, તેઓ ઓછાબોલા છે, પરંતુ બહુમુખી પ્રતિમાઓ ધરાવે છે જેનાથી બ્રહ્મપુત્રાના સૌથી મોટા ટાપુ માજુલીમાં સ્થાનિક થિયેટર, કલા અને સંગીત ખીલી ઊઠે છે.
તેઓ યાદ કરીને કહે છે, “નાનપણમાં હું કઠપૂતળીના શોથી આકર્ષિત થતો હતો. હું અન્ય લોકોને કઠપૂતળી બનાવતા જોતો હતો અને તે રીતે આ કલામાં મને રૂચિ પેદા થઈ. તે સમયે હું બીજા ધોરણ હતો. હું કઠપૂતળી બનાવીને શાળામાં બીજા વિદ્યાર્થીઓને બતાવતો.”
તેઓ હાલ જે કલાકૃતિઓ બનાવે છે, તે જ્યારે મંચ પર અથવા માજુલીની આસપાસ પ્રદર્શિત કરવામાં નથી આવતી, ત્યારે તેને તેમના ઘરની બાજુના ખુલ્લા શેડમાં સંઘરવામાં આવે છે. જ્યારે અમે તેમને મળવા જઈએ છીએ, ત્યારે અમને ત્યાં એક ઊંધી પડેલી હોડી જોવા મળે છે, જે એક પ્લેટફોર્મ પર ઊભી હતી. રમેશ દા બ્રશ અને રંગના ડબ્બાઓને તેમણે બનાવેલા માસ્કની બાજુમાં મૂકે છે. આ ડબ્બાઓમાં રાસ મહોત્સવ માટે બનાવેલ સારસના મૂખોટાનો પણ સમાવેશ થાય છે. (વાંચો: માજુલીના અનેક મહોરાં )
જો કે, તેઓ આજે વધુ માસ્ક નથી બનાવતા, પણ રમેશ દાના મનમાં કળાના આ સ્વરૂપ માટે સમર્પણ અને પદ્મશ્રી એવોર્ડ વિજેતા હેમચંદ્ર ગોસ્વામી જેવા જે લોકો આ કળાને આગળ વધારી રહ્યા છે તેમના માટે સમ્માનની ભાવના છે. તેઓ કહે છે, “તેમના બનાવેલા માસ્ક પલકારા મારી શકે છે અને તેમના હોઠ હલાવી શકે છે. તેમણે માસ્કની કળાને વિશ્વ પ્રસિદ્ધ અને લોકપ્રિય બનાવી છે. તેમની પાસે હવે ઘણા વિદ્યાર્થીઓ છે.”
રાસ મહોત્સવ દરમિયાન, દત્તા ગરમુર સારુ સત્રમાં પ્રદર્શન માટે સેટ ડિઝાઇન અને સ્ટેજ પ્રોપ્સ પર કામ કરવા ઉપરાંત માસ્કનું સમારકામ હાથ ધરે છે. તેઓ આત્મવિશ્વાસથી ભરેલા અવાજે કહે છે, “જો કાલે રાસ હોત, તો પણ હું આજે જ તેના માટે સેટ બનાવી દેતો.” (વાંચો: માજુલીના રાસ મહોત્સવ અને સત્રા )
દત્તા સત્ર ખાતે આયોજિત થતી વિવિધ વૈષ્ણવ સત્રિય પ્રદર્શનમાં પણ ભાગ લે છે, જેમ કે ગાયન-બાયન અને ભાઓના. ગાયન-બાયન એક લોક પ્રદર્શન છે જે ગાયકો (ગાયન) અને વાદ્ય વગાડનાર (બાયન) દ્વારા કરવામાં આવે છે, જ્યારે ભાઓના નાટકનું એક સ્વરૂપ છે. સત્તરીય સંસ્કૃતિના અભિન્ન અંગો સમાન આ પ્રદર્શનો 15મી સદીમાં સમાજ સુધારક અને સંત શ્રીમંત શંકરદેવ દ્વારા રજૂ કરવામાં આવ્યાં હતાં. સત્રમાં યોજાતા કાર્યક્રમોમાં સંગીત પૂરું પાડવાની જવાબદારી ગાયન અને બાયનની છે.
તેઓ અમને કહે છે, “મેં 1984માં પિતાંબર દેવ સાંસ્કૃતિક વિદ્યાલયમાં ગાયન-બાયન શીખવાનું શરૂ કર્યું હતું. તે સમયે હું 13 વર્ષનો હતો. શરૂઆતમાં મેં ગાયન અને બાયન બન્ને શીખ્યાં પણ પછી ગુરુએ મને ગાયન પર ધ્યાન કેન્દ્રિત કરવાનું કહ્યું. તેથી, હું દરરોજ તેનો જ અભ્યાસ કરતો.”
*****
અમે જે ઓરડામાં બેઠા છીએ ત્યાં મંદ અજવાળું છે. દિવાલો પર રેતી અને સિમેન્ટથી પ્લાસ્ટર કરવામાં આવ્યું છે, અને લીલો રંગ કરવામાં આવ્યો છે. રમેશ દાની પાછળ એક ચિત્ર લટકતું હતું. તેમની છ વર્ષની પુત્રી અનુષ્કા, અમને જણાવે છે કે દિવાલો પર પ્રદર્શિત તમામ ચિત્રો તેમના પિતા દ્વારા બનાવવામાં આવ્યા હતા.
ઘરમાં ગૌશાળાનો એક ભાગનો તેમના મંચ તરીકે ઉપયોગ થાય છે. અમે આખો દિવસ તેમને બે શિલ્પોની જોડી પર કામ કરતા જોઈએ છીએ, જે નામઘર [પ્રાર્થના ગૃહ]ના દરવાજા માટે જય-વિજય આકૃતિઓ છે. રમેશ દા 20 વર્ષથી આવા શિલ્પો બનાવી રહ્યા છે. તેઓ કહે છે કે તેમને એક આકૃતિ બનાવવા માટે લગભગ 20 દિવસ જેટલો સમય લાગે છે.
તેઓ જય-વિજયની મૂર્તિઓના ધડને કરણી [છીણી]ની મદદથી આકાર આપતી વખતે તેઓ કહે છે, “સૌ પ્રથમ, હું લાકડાનો ઉપયોગ કરીને ફ્રેમ બનાવું છું. પછી ફ્રેમમાં રેતી અને સિમેન્ટનું મિશ્રણ રેડવામાં આવે છે અને તેને સૂકવવા માટે છોડી દેવામાં આવે છે. થોડા દિવસો પછી, હું શિલ્પોને આકાર આપવાનું શરૂ કરું છું. નાજુક વિગતો પર છેલ્લે કામ કરવામાં આવે છે.”
મૂર્તિઓના અમુક ભાગોને, જેમ કે અંગોને, કેળાના ઝાડના થડના ટુકડાથી બનેલા કાસ્ટનો ઉપયોગ કરીને આકાર આપવામાં આવે છે. રમેશ દા આગળ કહે છે, “આ દિવસોમાં અમે મોટાભાગે પ્લાસ્ટિક પેઇન્ટનો ઉપયોગ કરીએ છીએ. અગાઉ અમે ડિસ્ટેમ્પર પેઇન્ટનો ઉપયોગ કરતા હતા, પરંતુ તે ઝાંખા પડી જાય છે.”
મૂર્તિઓના અંગોના પ્રમાણનો અંદા લગાવવા માટે તેઓ તેને દૂરથી જુએ છે. પછી, કોંક્રિટ મિશ્રણની બીજી બેચ બનાવીને તેઓ કામ પર પાછા ફરે છે. તેમના કામમાં મદદ કરતાં તેમનાં પત્ની નીતા હસીને કહે છે, “જ્યારે તેઓ કામ કરે છે, ત્યારે તેઓ વાત નથી કરતા. તેમને કોઈ વચ્ચે અટકામણ ઊભી કરી તે જરાય પસંદ નથી. જ્યારે તેઓ તેમના કામમાં વ્યસ્ત હોય છે, ત્યારે તેમનો મિજાજ અલગ જ હોય છે.”
દત્તાને ગુરુ આસન [ગુરુની બેઠક] પર ગર્વ છે, જે તેમણે ગરમુર નજીકના ખરજનપર વિસ્તારમાં નામઘર માટે બનાવ્યું હતું. તે આસન એ ચતૂષ્ફલક માળખું છે જે પ્રાર્થના ગૃહના આંતરિક ગર્ભગૃહમાં મૂકવામાં આવે છે. તેઓ ખુશીથી કહે છે, “મેં કોંક્રીટ વડે ગુરુ આસન બનાવ્યું અને તેને લાકડા જેવું દેખાડવા માટે તેના પર રંગ કર્યો. સત્રાધિકાર [સત્રના વડા] એ આસનને પવિત્ર કર્યું અને તેનું ઉદ્ઘાટન કર્યું. તેઓ પણ તેને લાકડાનું બનેલું સમજ્યા હતા.”
તેઓ પોતાના પરિવાર માટે ઘર બનાવવામાં પણ વ્યસ્ત છે. નીતા કહે છે, “આ વરસાદની મોસમ છે તેથી તેને પૂરું કરવામાં વધુ સમય લાગી રહ્યો છે.”
દત્તા ચાર ભાઈ-બહેનોમાં સૌથી મોટા અને પરિવારમાં એકમાત્ર એવા છે કે જેમણે આ કળાને 8મા ધોરણથી જ વ્યવસાય તરીકે અપનાવી લીધી છે. તેઓ કહે છે, “આ જ મારો વ્યવસાય છે. મારી પાસે ખેતીની જમીન નથી. જ્યારે કોઈ કામ ન હોય ત્યારે અમારે અમારી બચત પર નિર્ભર રહેવું પડે છે. જીવન ચાલ્યા કરે છે. ક્યારેક લોકો મને ભાઓના [પરંપરાગત નાટક] કરવા આમંત્રણ આપે છે. તેમને મદદની જરૂર હોય છે ત્યારે હું જાઉં છું.”
“કેટલાક લોકો મને 1,000 રૂપિયા ચૂકવે છે અને કેટલાક 1,500 છે. કેટલાક એવા પણ છે જે ફક્ત 300 રૂપિયા આપવાની વાત કરે છે. એમને તમે શું કરી શકો? તે રાજહુઆ કામ [સમુદાયિક સેવા] છે. હું મારો દર જણાવું છું પરંતુ લોકો તેમની ક્ષમતા મુજબ મને ચુકવણી કરે છે.”
તેઓ આવી મર્યાદાઓને સમજે છે, પણ આગળ ઉમેરે છે, “અર્થા [પૈસા] વિના કશું કરી શકાતું નથી. કોઈ કામ શરૂ કરવા માટે પણ પૈસાની જરૂર પડે છે. અને ઘણીવાર તે પૈસા મેળવવા મુશ્કેલ બની જાય છે.”
આવી સમસ્યાઓનો સામનો કરવા માટે તેમની પાસે એક રસ્તો છે: તેમણે 2014માં બનાવેલા વિષ્ણુના માછલીના અવતાર (મત્સ્યો)ના માસ્ક જેવી તેમની કલાકૃતિને ભાડે આપવી. “તે સમયે મેં સામગ્રી ખરીદવા માટે 400 રૂપિયા ખર્ચ્યા હતા અને કેટલીકવાર 400 રૂપિયા રૂપિયાની વ્યવસ્થા કરવી પણ મુશ્કેલ બની જાય છે.” ત્યારથી છ વર્ષમાં, તેમણે આને ભાડે આપીને આશરે 50,000 રૂપિયાની કમાણી કરી છે.
દત્તા જે પ્રકારનું કામ કરે છે તેના માટે કોઈ ભાવ નિર્ધારિત નથી. ઘણીવાર કોઈ મૂર્તિ કદમાં નાની હોય છે, પણ ખટની [શારીરિક મહેનત] વધારે માંગી લે છે. તેઓ કહે છે, “કેટલીકવાર, હજીરા [કામ માટે મળેલી વેતન] અપૂરતું હોય છે.”
“તે પત્તાંની રમત જેવું છે. નિરાશામાં આશા શોધવી પડે છે.”
આ વાર્તા મૃણાલિની મુખર્જી ફાઉન્ડેશન (MMF)ની ફેલોશિપ દ્વારા સમર્થિત છે.
અનુવાદક: ફૈઝ મોહંમદ