જો તમે 6-14 વર્ષની વય જૂથના બાળક છો, તો તમને તમારા ઘરની પડોશની શાળાઓમાં "મફત અને ફરજિયાત શિક્ષણ" મેળવવાનો (મૂળભૂત) અધિકાર છે. આ નિર્ધારિત કરતો કાયદો – બાળકોનો મફત અને ફરજિયાત શિક્ષણનો અધિકાર અધિનિયમ ( ધ રાઈટ ઓફ ચિલ્ડ્રન ટુ ફ્રી એન્ડ કમ્પલસરી એજ્યુકેશન આરટીઈ ) ભારત સરકાર દ્વારા 2009માં ઘડવામાં આવ્યો હતો.
પરંતુ ઓડિશાના જાજપુર જિલ્લામાં નવ વર્ષની ચંદ્રિકા બેહેરા લગભગ છેલ્લા બે વર્ષથી શાળાએ જઈ શકતી નથી કારણ કે સૌથી નજીકની શાળા પણ ખૂબ દૂર છે - તેના ઘરથી આશરે 3.5 કિલોમીટર દૂર.
ગ્રામીણ ભારતમાં શીખવવાની અને શીખવાની પદ્ધતિઓ સુસંગત નથી, અને કાયદા અને નીતિઓ મોટાભાગે માત્ર કાગળ પર જ હોય છે. જોકે કેટલાક કિસ્સાઓમાં કોઈ એક વ્યક્તિગત શિક્ષકના નવીન વિચારો અને દ્રઢતા પ્રણાલીગત પડકારોને દૂર કરી વાસ્તવિક પરિવર્તન લાવવામાં સફળ રહે છે.
ઉદાહરણ તરીકે, કાશ્મીરના અનંતનાગ જિલ્લાના પ્રવાસી શિક્ષક ને લો, તેઓ આ વિચરતા સમુદાયના નાના બાળકોને ભણાવવા ચાર મહિના માટે તેમની સાથે લિદ્દર ઘાટીમાં ગુર્જર વસાહતમાં સ્થળાંતર કરે છે. શિક્ષકો પણ તેમના મર્યાદિત સંસાધનોનો શ્રેષ્ઠ ઉપયોગ કરવા માટે નવીન પદ્ધતિઓ અપનાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. જેમ કે કોઈમ્બતુરની વિદ્યા વનમ શાળા ના શિક્ષકો, તેમણે પોતાના વિદ્યાર્થીઓને આનુવંશિક રીતે સંશોધિત પાકો પર ચર્ચા કરતા કર્યા છે. તેમાંના ઘણા બાળકો તેમના પરિવારમાં અંગ્રેજી બોલનાર પ્રથમ પેઢી છે પરંતુ તેઓ શુદ્ધ અંગ્રેજીમાં ચર્ચા કરી રહ્યા છે, તેઓ ઓર્ગેનિક (જૈવિક) ચોખા અને બીજા પાકોના મહત્વ સહિત વિવિધ વિષયો પર દલીલો કરે છે.
વર્ગખંડોમાં જાઓ, શિક્ષણના પરિણામોનો વાસ્તવિક, વિગતવાર અને સ્પષ્ટ ખ્યાલ મેળવો અને પારી પુસ્તકાલય ની મુલાકાત લઈ ભારતમાં શિક્ષણની સ્થિતિનું વધુ સારું અને સચોટ ચિત્ર મેળવો. (પારી પુસ્તકાલયમાં) અમે ગ્રામીણ શિક્ષણમાં સુલભતા, ગુણવત્તા અને અંતર અંગેના અહેવાલો રજૂ કરીએ છીએ. આ પુસ્તકાલયમાં દરેક દસ્તાવેજની સાથે તેનો ટૂંકો સારાંશ પણ છે જે દસ્તાવેજના મુખ્ય મુદ્દા પર પ્રકાશ પાડે છે.
તાજેતરનો (ગ્રામીણ) શિક્ષણની વાર્ષિક સ્થિતિ અંગેનો અહેવાલ ( એન્યુઅલ સ્ટેટસ ઓફ એજ્યુકેશન (રુરલ) રિપોર્ટ) જણાવે છે કે 2022 માં - દેશભરની ખાનગી અને સરકારી શાળાઓમાં - બાળકોની મૂળભૂત વાંચન ક્ષમતા 2012 ની પહેલાના સ્તરે આવી ગઈ છે. મહારાષ્ટ્રના નંદુરબાર જિલ્લાના તોરણમલ પ્રદેશમાં 8 વર્ષની શર્મિલાએ માર્ચ 2020 માં તેની શાળા બંધ થયા પછી સીવણ મશીન ચલાવતા શીખી લીધું હતી. મરાઠી મૂળાક્ષરોનો ઉલ્લેખ કરતા તે કહે છે, “ મને એ બધા તો યાદ નથી ”.
કોવિડ-19 મહામારીને કારણે રાજ્યોમાં શિક્ષણ સંબંધિત સંકટમાં વધારો થયો છે. ગમે તે રીતે માંડ માંડ શિક્ષણ મેળવવા સંઘર્ષ કરી રહ્યા હતા તેઓ શિક્ષણ ઓનલાઈન થવાની સાથે શિક્ષણ પ્રણાલીની સીમાઓથી બહાર ધકેલાઈ ગયા - ઓગસ્ટ 2021 માં હાથ ધરાયેલ આ સર્વેક્ષણ દર્શાવે છે કે શહેરી વિસ્તારોમાં માત્ર 24 ટકા અને ગ્રામીણ વિસ્તારોમાં આઠ ટકા બાળકો પાસે શિક્ષણ માટે ‘પર્યાપ્ત ઓનલાઈન એક્સેસ’ હતો.
ધોરણ 1 થી 8 સુધીના વિદ્યાર્થીઓને શાળાઓમાં મધ્યાહન ભોજન પૂરું પાડવામાં આવે છે જે લગભગ 11.80 કરોડ બાળકોને આવરી લે છે. ગ્રામીણ વિસ્તારોમાં લગભગ 50 ટકા વિદ્યાર્થીઓએ તેમની શાળાઓમાં મફત મધ્યાહન ભોજન મેળવ્યું હોવાનું નોંધાયું હતું - તેમાંના 99.1 ટકા વિદ્યાર્થીઓ સરકારી સંસ્થાઓમાં નોંધાયેલા હતા. છત્તીસગઢના મતિયા ગામની એક સરકારી પ્રાથમિક શાળાના મુખ્ય શિક્ષિકા પૂનમ જાધવ કહે છે, “બહુ ઓછા મા-બાપને તેમના બાળકો માટે ઘેર આવું મધ્યાહન ભોજન પરવડે છે. શાળાઓમાં આવી કલ્યાણકારી યોજનાઓને સતત વધુ મજબૂત કરવાની જરૂરિયાત સ્પષ્ટ છે."
બિહારના સમસ્તીપુર જિલ્લાના 19 વર્ષના શિવાની કુમાર કહે છે, “મારા પિતા કહે છે કે હવે બહુ ભણી લીધું. તેઓ કહે છે કે જો હું ભણ્યા જ કરીશ તો મને પરણશે કોણ? લિંગ એ શિક્ષણમાં એક મોટું પરિબળ છે - સંસાધન ફાળવણીના ધોરણમાં છોકરીઓ ઘણીવાર નીચા ક્રમે આવે છે. ભારતમાં શિક્ષણ ઉપર પારિવારિક સામાજિક ખર્ચના મુખ્ય સૂચકાંકો: એનએસએસ 75મો રાઉન્ડ (જુલાઈ 2017-જૂન 2018) આ વાતની પુષ્ટિ કરે છે. આ અહેવાલમાં જણાવાયું છે કે ગ્રામીણ ભારતમાં 3-35 વર્ષની વયની લગભગ 19 ટકા છોકરીઓએ ક્યારેય શાળાઓમાં પ્રવેશ લીધો જ નથી.
2020 માં ભારતમાં ઉચ્ચ શિક્ષણ માટે નોંધાયેલા 4.13 કરોડ વિદ્યાર્થીઓમાંથી માત્ર 5.8 ટકા અનુસૂચિત જનજાતિના હતા. આ આંકડા ભારતમાં વિવિધ સામાજિક જૂથોમાં શિક્ષણની પહોંચનું અસમાન સ્તર દર્શાવે છે. ઓક્સફેમ ઈન્ડિયાનો અહેવાલ જણાવે છે, "ગ્રામીણ વિસ્તારોમાં ખાનગી શાળાઓની સંખ્યામાં થયેલા વધારાએ ભારતના વંચિત સમુદાયો માટે નવી તકો ઊભી કરવાને બદલે માત્ર સામાજિક, આર્થિક અને વસ્તી વિષયક સ્થિતિ પૂર્વવત જાળવી રાખી હોવાનું જણાય છે."
સમાજનો ઝૂકાવ ખાનગી શાળાઓ તરફ હોવા છતાં હજી ઘણા તેમના શિક્ષણ માટે સરકારી સહાય પર આધાર રાખે છે. કારણો સ્પષ્ટ છે - સરકારી શાળાઓમાં પ્રાથમિક સ્તરે શિક્ષણનો સરેરાશ વાર્ષિક ખર્ચ વિદ્યાર્થી દીઠ 1253 રુપિયા હતો, તેની સામે ખાનગી બિન અનુદાનિત શાળામાં અનુરૂપ ખર્ચ 14485 રુપિયા હતો. 40 વર્ષના રાજેશ્વરી કહે છે, “ખાનગી શાળાના શિક્ષકો વિચારે છે કે અમે માત્ર રસોઈ કરવાનું અને સફાઈનું કામ કરીએ જાણીએ છીએ. તેમના મતે મને ભણાવવાનો ‘અનુભવ’ નથી." રાજેશ્વરી બેંગલુરુમાં એક આંગણવાડી માં શિક્ષિકા છે.
પીવાના પાણી અને શૌચાલય જેવી મૂળભૂત માળખાકીય સુવિધાઓનો અભાવ રાજેશ્વરી જેવા શાળાના શિક્ષકોનું કામ કંટાળાજનક અને મુશ્કેલ બનાવે છે. ઉદાહરણ તરીકે, ઉસ્માનાબાદના સાંજા ગામની જિલ્લા પરિષદની પ્રાથમિક શાળા લો. માર્ચ 2017 થી મહારાષ્ટ્રની આ શાળામાં વીજળી નથી. શાળાના પ્રિન્સિપાલ શીલા કુલકર્ણી કહે છે, "સરકાર તરફથી આવતું ભંડોળ પૂરતું નથી... શાળાની જાળવણી માટે અને વિદ્યાર્થીઓ માટે સ્ટેશનરી ખરીદવા માટે અમને વર્ષે માત્ર 10000 રુપિયા મળે છે."
આવું જવલ્લે જ જોવા મળે છે એવું નથી - 2019 સુધીમાં ભારતના લગભગ 2.3 કરોડ બાળકો ને તેમની શાળાઓમાં પીવાના પાણીની સેવાઓ ઉપલબ્ધ નહોતી અને 6.2 કરોડ બાળકો ને શાળામાં શૌચાલયની સુવિધાઓ ઉપલબ્ધ નહોતી.
ગ્રામીણ શિક્ષણ એ માત્ર વંચિતતાની વાર્તા નથી કારણ કે ભારતમાં કોલેજોની સંખ્યા વધતી જાય છે: અખિલ ભારતીય ઉચ્ચ શિક્ષણ સર્વેક્ષણ ( ઓલ ઈન્ડિયા સર્વે ઓફ હાયર એજ્યુકેશન ) મુજબ ભારતમાં કોલેજોની સંખ્યા 2019-20 માં 42343 થી વધીને 2020-21માં 43796 થઈ ગઈ છે. આ સમયગાળા દરમિયાન દેશમાં માત્ર છોકરીઓ માટેની 4375 કોલેજો હતી.
દેશભરના ગામડાઓ અને નાના શહેરોમાં છોકરીઓએ ઉચ્ચ શિક્ષણની તક મેળવવા સંઘર્ષ કર્યો છે. મહારાષ્ટ્રના બુલદાના જિલ્લાના એક કસ્બાની જમુના સોલંકે તેના નાથજોગી વિચરતા સમુદાયમાં ધોરણ 10 પાસ કરનાર પહેલી છોકરી બની છે. જમુના ભારપૂર્વક કહે છે, “લોકો કહે છે કે મારે બસ કંડક્ટર અથવા આંગણવાડી કાર્યકર બનવું જોઈએ કારણ કે તો મને ઝડપથી નોકરી મળી જાય. પણ હું મારે જે બનવું છે તે જ બનીશ .”
મુખપૃષ્ઠ ડિઝાઇનઃ સ્વદેશા શર્મા
અનુવાદ: મૈત્રેયી યાજ્ઞિક