તૂફાની અને તેમની વણકરોની ટીમ સવારે સાડા છ વાગ્યાથી કામ કરી રહી છે. દિવસમાં 12 ઇંચની ગતિએ, તે ચારેયને 23*6 ફૂટનો ગલીચા (ગાલીચો) પૂરો કરવામાં 40 દિવસ લાગશે.
બપોરના સાડા બાર વાગ્યે, તૂફાની બિંદ આખરે લાકડાની પાટલી પર આરામ કરવા બેસે છે. તેમની પાછળ, જ્યાં તેઓ કામ કરે છે તે ટીનના શેડમાં, ઉત્તર પ્રદેશના પુરજાગીર મુજેહરા ગામના તેમના વર્કશોપમાં લાકડાની ફ્રેમમાંથી સફેદ સુતરાઉ દોરી લટકે છે. આ રાજ્યના ગાલીચા વણાટ ઉદ્યોગનું કેન્દ્ર છે. આ ઉદ્યોગ મુઘલો દ્વારા મિર્ઝાપુરમાં શરૂ કરવામાં આવ્યો હતો અને અંગ્રેજો દ્વારા તેનું ઔદ્યોગિકરણ કરવામાં આવ્યું હતું. 2020ની અખિલ ભારતીય હેન્ડલૂમ વસ્તીપત્રક અનુસાર ગાદલા, સાદડીઓ અને ગાલીચાના ઉત્પાદનમાં યુપીનું પ્રભુત્વ છે, જે રાષ્ટ્રીય ઉત્પાદનનો અડધો ભાગ (47 ટકા) બનાવે છે.
મિર્ઝાપુર શહેરથી ધોરીમાર્ગ પરથી ઉતરીને જેમ જેમ પુરજાગીર મુજેહરા ગામ તરફ જઈએ તેમ તેમ રસ્તો સાંકડોને સાંકડો થતો જાય છે. બન્ને બાજુએ પાકા, મોટાભાગે એક માળના મકાનો, તેમજ છાજલીવાળા કાચા મકાનો છે; ગાયના છાણને બાળવાથી નીકળતો ધુમાડો હવામાં પ્રસરી રહ્યો છે. દિવસે, પુરુષો ભાગ્યે જ બહાર જોવા મળે છે, પરંતુ સ્ત્રીઓ હેન્ડપંપ નીચે કપડાં ધોવા અથવા શાકભાજી કે શણગારની વસ્તુઓ વેચતા ફેરિયાઓ સાથે વાત કરવા જેવાં ઘરગથ્થુ કામો કરતી જોઈ શકાય છે.
આ વણકરોનો વિસ્તાર હોવાના કોઈ સ્પષ્ટ ચિહ્નો દેખાતા નથી — સ્થાનિક લોકો જેને ગાલીચો કે કહે છે તે ગલીચા ક્યાંય નજરે પડતો નથી. ઘરોમાં ગાલીચો વણવા માટે વધારાની જગ્યા ફાળવવામાં આવે છે, એક વાર તે તૈયાર થઈ જાય પછી, વચેટિયાઓ તેને ધોવા અને સફાઈ કરવા માટે લઈ જાય છે.
આરામ કરતી વખતે પારી સાથે વાત કરતાં તૂફાની કહે છે, “મેં તે [ગૂંથેલા ગાલીચાની વણાટકળા] મારા પિતા પાસેથી શીખ્યું છે અને હું 12-13 વર્ષનો હતો ત્યારથી આ કરી રહ્યો છું.” તેમનો પરિવાર બિંદ સમુદાય (રાજ્યમાં અન્ય પછાત વર્ગ તરીકે સૂચિબદ્ધ) થી સંબંધ ધરાવે છે. વસ્તી ગણતરી અનુસાર મોટાભાગના વણકરો યુપીમાં ઓબીસી તરીકે સૂચિબદ્ધ છે.
તેમના ઘરની વર્કશોપની લાદી માટીની બનેલી છે, અને તે ખૂબ સાંકડી જગ્યા છે; તેમાં એકમાત્ર બારી અને દરવાજો વેન્ટિલેશન માટે ખુલ્લા રાખવામાં આવે છે, બાકીની મોટાભાગની જગ્યા લૂમ રોકી લે છે. કેટલાંક વર્કશોપ, જેમ કે તૂફાનીનું, લોખંડની લૂમને સમાવવા માટે લાંબુ અને સાંકડું હોય છે જ્યાં એક સમયે બહુવિધ વણકરો કામ કરી શકે છે. અન્ય લોકો ઘરની અંદર હોય છે અને લોખંડ અથવા લાકડાના સળિયા પર ગોઠવેલી નાના કદની લૂમનો ઉપયોગ કરે છે; આખો પરિવાર વણાટકામમાં મદદ કરે છે.
તૂફાની કપાસની ફ્રેમ પર ઊનના દોરાથી ટાંકા લે છે — આ તકનીકને ગાંઠ (અથવા ટપકા) વણાટ તરીકે ઓળખવામાં આવે છે, ટપકા એ ગાલીચાના ચોરસ ઇંચ દીઠ લેવાયેલા ટાંકાઓની સંખ્યાનો સંદર્ભ છે. આ કામ વણાટના અન્ય સ્વરૂપો કરતાં વધુ શારીરિક મહેનત માગી લે છે, કારણ કે આમાં કારીગરે જાતે જ ટાંકા લેવા પડે છે. આવું કરવા માટે, તૂફાનીએ દર થોડી મિનિટે ઊઠીને દાંભ (વાંસનો દાંડો) નો ઉપયોગ કરીને સુત (કપાસ) ની ફ્રેમને સરખી કરવી પડે છે. સતત બેસવા અને ઉઠવાની અસરો લાંબાગાળે જણાઈ આવે છે.
ગૂંથેલા વણાટથી વિપરીત, ગાલીચાનું ટફ્ટેડ વણાટ પ્રમાણમાં નવું સ્વરૂપ છે, જેમાં ભરતકામ માટે હેન્ડહેલ્ડ મશીનોનો ઉપયોગ થાય છે. ગૂંથેલું વણાટ અઘરું છે અને તેમાં વેતન ઓછું છે, તેથી છેલ્લા કેટલાક દાયકાઓમાં ઘણા વણકરો ગૂંથેલા વણાટ છોડીને ટફ્ટેડ વણાટ (ગુચ્છાદાર વણાટ) તરફ વળ્યા છે. ઘણા લોકોએ તો આ કામ જ છોડી દીધું છે, કારણ કે તેમને આ કામથી થતી દૈનિક 200-350 રૂપિયાની કમાણી પૂરતી નથી. મે 2024માં, રાજ્યના શ્રમ વિભાગે અર્ધ-કુશળ કામદારો માટે 451 રૂપિયાનું દૈનિક વેતન નિર્ધારિત કર્યું છે, પરંતુ અહીંના વણકરો કહે છે કે તેમને તે રકમ ચૂકવવામાં નથી આવી રહી.
મિર્ઝાપુરના ઉદ્યોગ વિભાગના ડેપ્યુટી કમિશનર અશોક કુમાર કહે છે કે, પુરજાગીરના વણકરો સામે પણ સ્પર્ધા છે. ઉત્તર પ્રદેશમાં સીતાપુર, ભદોહી અને પાણીપત જિલ્લાઓમાં પણ ગાલીચા વણવામાં આવે છે. તેઓ ઉમેરે છે, “માંગમાં ઘટાડો થયો છે જેના કારણે પુરવઠાને અસર થઈ છે.”
આ સિવાય અન્ય સમસ્યાઓ પણ છે. 2000ના દાયકાની શરૂઆતમાં, ગાલીચા ઉદ્યોગમાં બાળ મજૂરીના આક્ષેપોએ તેની છબીને ખરડી નાખી છે. મિર્ઝાપુર સ્થિત નિકાસકાર સિદ્ધનાથ સિંહ કહે છે કે યુરોના આગમનથી તુર્કીના મશીનથી બનેલા ગાલીચાની કિંમત સસ્તી થઈ ગઈ હતી અને ધીમે ધીમે યુરોપિયન બજારમાં અમારી પહોંચ ઓછી થઈ ગઈ હતી. તેઓ ઉમેરે છે કે અગાઉ રાજ્ય તરફથી મળતી 10-20 ટકાની સબસિડી ઘટીને હવે 3-5 ટકા થઈ ગઈ છે.
કાર્પેટ એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ (CEPC) ના ભૂતપૂર્વ અધ્યક્ષ સિદ્ધનાથ સિંહ નિર્દેશ કરે છે કે, “10-12 કલાકની મહેનત કરીને દરરોજ 350 [રૂપિયા] કમાવાને બદલે, શહેરમાં દૈનિક મજૂર તરીકે 550 રૂપિયા કમાવવા શું ખોટા!”
એક સમયે તૂફાનીએ એક જ વારમાં 5-10 જેટલા રંગીન દોરાઓ વણવાની કળામાં નિપુણતા મેળવી હતી. પરંતુ ઓછા વેતનને કારણે તેમનો ઉત્સાહ ઘટી ગયો છે. તેઓ નિરાશ થઈને કહે છે, “તેઓ [વચેટિયાઓ] જ કામ આપે છે. અમે દિવસ-રાત વણાટકામ કર્યે રાખીએ છીએ, તો પણ તેઓ અમારા કરતાં વધુ કમાણી કરે છે.”
આજે તેઓ 10-12 કલાક કામ કરીને 350 રૂપિયા કમાય છે, તેઓ કેટલું વણાટ કરી શક્યા છે તેના આધારે તેમને વેતન ચૂકવવામાં આવે છે અને તે પણ મહિનાના અંતે. પરંતુ તેઓ કહે છે કે આ વ્યવસ્થા બંધ કરવાની જરૂર છે, કારણ કે તેમણે કેટલા કલાક કામ કર્યું તેનું આમાં ધ્યાન લેવામાં નથી આવતું. તેમને લાગે છે કે આવા કુશળતા ભર્યા કામ માટે કારીગરને વેતન પેટે દૈનિક એકસામટા 700 રૂપિયા ચૂકવવા જોઈએ.
જે વચેટિયા તેમને કરાર આપે છે તેઓ ગજના આધારે ચૂકવણી કરે છે (એક ગજમાં લગભગ 36 ઇંચ હોય છે). ગાલીચાની સરેરાશ લંબાઈ ચારથી પાંચ ગજ હોય છે, જેના માટે ઠેકેદાર આશરે 2,200 રૂપિયા કમાય છે, જ્યારે વણકર માત્ર 1,200 રૂપિયા. જોકે, કાચા માલ — કાટી (ઊનના દોરા) અને સુત (સુતરાઉ દોરા) — માટે ઠેકેદારો ચૂકવણી કરે છે.
તૂફાનીને ચાર પુત્રો અને એક પુત્રી છે, જે હજુ પણ શાળામાં છે અને તેઓ નથી ઇચ્છતા કે તેમના બાળકો તેમના પગલે ચાલે. “તેમના પિતા અને દાદાએ જેમાં તેમનું આખું જીવન વિતાવ્યું છે, તેઓ પણ તે જ કામ શું કામ કરે? શું તેઓએ ભણીગણીને કંઈક વધુ સારું કામ ન કરવું જોઈએ?”
*****
એક વર્ષમાં, તૂફાની અને તેમની ટીમ દિવસમાં 12 કલાક કામ કરીને 10-12 ગાલીચા વણે છે. તેમની સાથે કામ કરતા રાજેન્દ્ર મૌર્ય અને લાલજી બિંદ બંને પચાસેક વર્ષના છે. તેઓ વેન્ટિલેશનના એક માત્ર સ્રોત તરીકે બારી અને દરવાજાવાળા એક નાના ઓરડામાં સાથે કામ કરે છે. અહીં, ઉનાળો ખાસ કરીને મુશ્કેલ હોય છે. જ્યારે તાપમાન વધે છે, ત્યારે ઓરડાઓ ગરમ થાય છે કારણ કે આ અર્ધા પાકા માળખાની એસ્બેસ્ટોસની છત ગરમી સામે બહુ ઓછી રાહત આપે છે.
તૂફાની કહે છે, “ગલીચા [ગાલીચો] બનાવવાનું પહેલું પગલું તાના અથવા તનન્ના છે.” તેમાં લૂમ પર સુતરાઉ દોરીની ફ્રેમ લગાવવામાં આવે છે.
25*11 ફૂટના લંબચોરસ ઓરડામાં, બંને બાજુ ખાડા છે, જ્યાં લૂમ ગોઠવવામાં આવે છે. લૂમ લોખંડની બનેલી હોય છે, જેમાં ગાલીચાની ફ્રેમને જકડી રાખવા માટે એક બાજુ દોરડા જોડવામાં આવે છે. તૂફાનીએ તેને પાંચ કે છ વર્ષ પહેલાં 70,000ની લૂમ માસિક હફ્તા પર ખરીદી હતી. તેઓ કહે છે, “મારા પિતાના સમયમાં, તેઓ પથ્થરના થાંભલાઓ પર ગોઠવવામાં આવતી લૂમનો ઉપયોગ કરતા હતા.”
ગાલીચાની દરેક ગાંઠમાં ચાર્રી (સીધી લીટીના ટાંકા) હોય છે, જેના માટે વણકરો ઊનના દોરાનો ઉપયોગ કરે છે. તેને અકબંધ રાખવા માટે, તૂફાની લચ્છી (સુતરાઉ સૂતરની આસપાસ આવેલી યુ-આકારની લૂપ્સ) ની રેખા બનાવવા માટે સુતરાઉ દોરાઓનો ઉપયોગ કરે છે. તેઓ તેને ઊનના દોરાના છૂટક છેડાના આગળના ભાગમાં લાવે છે અને તેને ચૂરા — એક નાની છરી — થી કાપી નાખે છે. પછી, પંજા (લોખંડના કાંસકા) નો ઉપયોગ કરીને, તેઓ ટાંકાઓની આખી હરોળને સિવે છે. તેઓ કહે છે, “ગૂંથણ વણાટ એટલે જ કટના ઔર ટોકના [કાપવું અને ટેપ કરવું].”
આ વણાટકામથી કારીગરોના સ્વાસ્થ્ય પર અસર પડે છે. 35 વર્ષથી આ વ્યવસાયમાં કાર્યરત લાલજી બિંદ કહે છે, “વર્ષો જતાં તેનાથી મારી દૃષ્ટિને નુકસાન થયું છે.” તેમણે આ કામ કરતી વખતે ચશ્મા પહેરવા પડે છે. અન્ય વણકરો પીઠનો દુખાવો અને સાથળના દર્દની પણ ફરિયાદ કરે છે. તેમને લાગે છે કે તેમની પાસે આ વ્યવસાય કરવા સિવાય બીજો કોઈ વિકલ્પ નથી. તૂફાની કહે છે, “અમારા વિકલ્પો મર્યાદિત હતા.” વસ્તી ગણતરી અનુસાર યુપીના ગ્રામીણ વિસ્તારોમાં લગભગ 75 ટકા વણકરો મુસ્લિમ છે.
પુરજાગીરના વણકર અરવિંદ કુમાર બિંદ યાદ કરે છે, “15 વર્ષ પહેલાં લગભગ 800 પરિવારો ગૂંથણ વણાટ કરતા હતા. આજે તે સંખ્યા ઘટીને ફક્ત 100 રહી ગઈ છે.” તે પુરજાગીર મુજેહરાની 1,107 (વસ્તી ગણતરી 2011) ની વસ્તીના ત્રીજા ભાગથી વધુ છે.
નજીકની અન્ય એક વર્કશોપમાં, બાલજી બિંદ અને તેમનાં પત્ની તારા દેવી એક સૌમક (ગૂંથેલો ગાલીચો) પર સંપૂર્ણ એકાગ્રતા સાથે શાંતિથી કામ કરી રહ્યાં છે. ત્યાં એકમાત્ર અવાજ છે પ્રસંગોપાત છરીથી દોરા કાપવાનો. સૌમક એ એકસરખી ડિઝાઇન ધરાવતો એક રંગનો ગાલીચો છે, અને જે વણકરો નાની લૂમ્સ ધરાવે છે તેઓ તેને બનાવવાનું પસંદ કરે છે. બાલજી કહે છે, “જો હું એક મહિનાની અંદર આ કામ પૂરું કરીશ તો મને આ કામ માટે 8,000 રૂપિયા મળશે.”
પુરજાગીર અને બાગ કુંજલગીર બન્નેના વણાટ જૂથોમાં બાલજીનાં પત્ની તારા જેવી મહિલાઓ કામ કરે છે અને તમામ વણકરોમાં લગભગ ત્રીજા ભાગનો હિસ્સો ધરાવે છે, તેમ છતાં તેમની આસપાસના લોકો દ્વારા તેમની મહેનતને સ્વીકારવામાં આવતી નથી. બાળકો પણ શાળાથી પરત ફરીને અને ઉનાળાની રજાઓ દરમિયાન આમાં મદદ કરે છે, તેમની મહેનત આ કામને ઝડપી બનાવવામાં મદદ કરે છે.
હજારી બિંદ અને તેમનાં પત્ની શ્યામ દુલારી સમયસર ગાલીચો પૂર્ણ કરવા માટે કામ કરી રહ્યાં છે. તેમને તેમના બે પુત્રો યાદ આવે છે, જેઓ તેમની મદદ કરતા હતા પરંતુ હવે વેતનના કામ માટે સુરત સ્થળાંતર કરી ગયા છે. “બચ્ચોને હમસે બોલા કી હમ લોગ ઇસ્મે નહીં ફસેંગે, પાપા [મારા બાળકોએ મને કહ્યું, પપ્પા, અમે આમાં ફસાવવા નથી માગતા].”
ઘટી રહેલી આવક અને સખત મહેનત માત્ર યુવાનોને જ નહીં, પરંતુ 39 વર્ષીય શાહ-એ-આલમ — કે જેમણે ત્રણ વર્ષ પહેલાં વણાટકામ છોડ્યું હતું અને હવે ઈ-રિક્ષા ચલાવે છે — ને પણ આ કામથી દૂર ધકેલી રહી છે. પુરજાગીરથી આઠ કિલોમીટર દૂર નટવાના રહેવાસી એવા શાહ-એ-આલમે 15 વર્ષની ઉંમરે ગાલીચો વણવાનું શરૂ કર્યું હતું અને પછીના 12 વર્ષોમાં તેઓ ગૂંથેલા વણાટમાંથી ટફ્ટેડ વણાટમાં વચેટિયા બનવા તરફ વળ્યા હતા. ત્રણ વર્ષ પહેલાં તેમણે પોતાની લૂમ વેચી દીધી હતી.
તેઓ તેમના બે ઓરડાના નવા બનેલા મકાનમાં બેસીને કહે છે, “પોસા નહીં રહા થા [તેનાથી અમને પોસાતું નહોતું].” 2014 થી 2022 ની વચ્ચે, તેમણે દુબઈમાં એક ટાઇલ બનાવતી કંપનીમાં મજૂર તરીકે કામ કર્યું હતું, જેમાં તેમને 22,000 રૂપિયા માસિક પગાર મળતો હતો. ટાઇલ્સવાળી લાદી તરફ ઈશારો કરતાં તેઓ કહે છે, “તેનાથી ઓછામાં ઓછું મને આ ઝૂંપડી બનાવવામાં મદદ મળી. મને વણકર તરીકે દરરોજ 150 રૂપિયા મળતા હતા, જ્યારે એક ડ્રાઈવર તરીકે હું દૈનિક ઓછામાં ઓછા 250-300 રૂપિયા કમાઈ શકું છું.”
રાજ્ય સરકારની વન ડિસ્ટ્રિક્ટ વન પ્રોડક્ટ યોજના ગાલીચા વણકરોને નાણાકીય સહાય પૂરી પાડે છે, જ્યારે કેન્દ્ર સરકારની મુદ્રા યોજના રાહત દરે લોન મેળવવામાં મદદ કરે છે. પરંતુ શાહ-એ-આલમ જેવા વણકરો બ્લોક સ્તરે ચાલી રહેલા જાગૃતિ અભિયાનો છતાં તેમના અસ્તિત્વથી અજાણ છે.
બાગ કુંજલ ગીરના પડોશમાં પુરજાગીર મુજેહરાથી નજીકમાં, ઝહીરુદ્દીન ગુલતરાશ, એટલે કે ટફ્ટેડ ગાલીચાની ડિઝાઇનને સરખી કરવાની કળામાં રોકાયેલા છે. આ 80 વર્ષીય વૃદ્ધે મુખ્યમંત્રી હસ્તશિલ્પ પેન્શન યોજના માટે નોંધણી કરાવી હતી. વર્ષ 2018માં શરૂ થયેલી રાજ્ય સરકારની આ યોજનામાં 60 વર્ષથી વધુ ઉંમરના કારીગરોને 500 રૂપિયાનું પેન્શન મળે છે. પરંતુ ઝહીરુદ્દીન કહે છે કે, ત્રણ મહિના સુધી પૈસા મળ્યા પછી પેન્શન અચાનક બંધ થઈ ગયું હતું.
પરંતુ તેઓ તેમને પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના (PMGKAY) હેઠળ મળતા રેશનથી ખુશ છે. પુરજાગીર ગામના વણકરોએ પણ પારીને તેમને “મોદી કા ગલ્લા” [પ્રધાનમંત્રી મોદીની યોજનાના ભાગરૂપે મળતા ખાદ્યાન્ન] મળ્યા હતા તેમ કહ્યું હતું.
65 વર્ષીય શમ્શુ નિસા તેમના લોખંડના ચરખા પર સીધી કરેલી દરેક કિલો સુતરાઉ દોરી (સુત) માટે સાત રૂપિયા કમાય છે. જે આખા દિવસના મળીને 200 રૂપિયા થાય છે. તેમના સ્વર્ગસ્થ પતિ હસરુદ્દીન અન્સારીએ 2000ના દાયકાની શરૂઆતમાં પરિવાર ટફ્ટેડ વણાટ કળામાં સ્થળાંતર કરે તે પહેલાં ગૂંથેલા ગાલીચા વણ્યા હતા. તેમના પુત્ર સિરાજ અન્સારીને વણાટકામમાં ઉજ્જવળ ભવિષ્ય દેખાતું નથી, કારણ કે તેઓ કહે છે કે ટફ્ટેડ ગાલીચાનું બજાર પણ ઘટી ગયું છે.
ઝહીરુદ્દીનના પડોશમાં, ખલીલ અહમદ તેમના પરિવાર સાથે રહે છે. 2024માં, 75 વર્ષીય ખલીલને દારીઝમાં તેમના યોગદાન માટે પદ્મશ્રી પુરસ્કાર મળ્યો હતો. પોતાની રચનાઓ પર નજર ફેરવતાં તેઓ ઉર્દૂમાં એક શિલાલેખ તરફ ધ્યાન દોરે છે: “ઇસ પર જો બૈઠેગા, વો કિસ્મતવાલા હોગા [જે આ ગાલીચા પર બેસશે, તેનું નસીબ ચમકી જશે].”
પરંતુ જેઓ તેમને વણે છે તેમનું નસીબ તો ક્યાંય ચમકી નથી રહ્યું.
અનુવાદક: ફૈઝ મોહંમદ