પ્રકાશ બુંદીવાલ પોતાની પનવારીમાં ઊભા છે. હૃદયના આકારના (નાગરવેલ) ના આ પાન પાતળી વેલ પર ગીચ હારમાં ઊગે છે; કાળઝાળ ગરમી અને પવનથી તેમનું રક્ષણ કરવા માટે તેમને સિન્થેટિક જાળીથી આવરી લેવામાં આવે છે.
જમ્યા પછી ભારતભરમાં ખવાતા પાન બનાવવા માટે આ નાગરવેલના આ પાન સૌથી મહત્વપૂર્ણ છે. પાનને મિન્ટી સુગંધ અને રસીલો સ્વાદ આપવા માટે ચૂના (ચૂનાની પેસ્ટ) અને કથ્થા (કાથા) સાથે સૌંફ (વરિયાળી), સુપારી (સોપારી) અને ગુલકંદ જેવી વિવિધ વસ્તુઓને લીલા પાનમાં લપેટવામાં આવે છે.
11956 લોકોની વસ્તી ધરાવતું આ ગામ તેના સારી ગુણવત્તાવાળા નાગરવેલનાં પાન માટે જાણીતું છે. અને કુકડેશ્વરના બીજા ઘણા લોકોની જેમ પ્રકાશનો પરિવાર તેમને યાદ છે ત્યારથી - પેઢીઓથી - આ પાનની ખેતી કરે છે. તેઓ મધ્યપ્રદેશમાં ઓબીસી (અધર બેકવર્ડ કલાસ - અન્ય પછાત વર્ગ) તરીકે સૂચિબદ્ધ તંબોળી સમુદાયના છે. હવે ઉંમરના સાઠના દાયકામાં પહોંચેલા પ્રકાશે તેઓ નવ વર્ષના હતા ત્યારથી પનવારીમાં કામ કરવાનું શરૂ કર્યું હતું.
પરંતુ બુંદીવાલના 0.2 એકરના ખેતરમાં બધું બરાબર નથી. મે 2023 માં બિપરજોય ચક્રવાતને કારણે આવેલા વાવાઝોડાએ આ નાના ખેડૂત માટે પાયમાલી સર્જી છે. તેઓ કહે છે, "અમને કોઈ વીમો આપવામાં આવતો નથી, અને વાવાઝોડામાં બધું જ બરબાદ થઈ જાય તો પણ સરકાર કોઈ જ સહાય આપતી નથી."
કેન્દ્ર સરકાર રાષ્ટ્રીય કૃષિ વીમા યોજના ( નેશનલ એગ્રિકલચરલ ઇન્શ્યોરન્સ સ્કીમ - એનએઆઇએસ) હેઠળ અનેક કૃષિ ઉત્પાદનોને હવામાન સંબંધિત વીમો પૂરો પાડે છે, જોકે તેમાં નાગરવેલનાં પાનનો સમાવેશ થતો નથી.
નાગરવેલનાં પાન ઉગાડવાનું કામ ઘણી મહેનત માગી લે છે: પ્રકાશના પત્ની આશાબાઈ બુંદીવાલ કહે છે, “પનવારીમાં એટલું બધું કામ હોય છે કે એ અમારો બધો સમય ખાઈ જાય છે." આ દંપતી દર ત્રણ દિવસે ખેતરને પાણી સીંચે છે. પ્રકાશ ઉમેરે છે, "કેટલાક ખેડૂતો [ખેતરોને પાણી સીંચવા] નવા તકનીકી રીતે અદ્યતન મશીનોનો ઉપયોગ કરે છે, પરંતુ અમારામાંના મોટાભાગના લોકો હજી પણ પરંપરાગત ઘડાથી પાણી સીંચે છે."
દર વર્ષે માર્ચ મહિનામાં પાનનું વાવેતર થાય છે. પ્રકાશ કહે છે, “ઘરમાં મળી રહેતી છાશ, ઉડદ દાલ (અડદની દાળ) અને સોયાબીનનો લોટ જેવી વસ્તુઓ માટીમાં ભેળવવામાં આવે છે. એક સમયે અમે ઘીનો ઉપયોગ પણ કરતા હતા, પરંતુ હવે એ મોંઘુ હોવાથી હવે અમે તેનો ઉપયોગ કરી શકતા નથી,”
પનવારીમાં મોટાભાગે મહિલાઓ બેલ (વેલ) કાપે છે અને રોજના લગભગ 5000 પાન ચૂંટે છે. તેઓ સિન્થેટિક જાળીનું સમારકામ પણ કરે છે અને વેલને ટેકો મળી રહે એ માટે વાંસની લાકડીઓ પણ ખોસે છે.
તેમના દીકરાના પત્ની રાનુ બુંદીવાલ કહે છે, "મહિલાનું કામ પુરૂષ કરતા બમણું હોય છે.: હાલ 30 વર્ષના રાનુ અગિયાર વર્ષના હતા ત્યારથી પાનના ખેતરોમાં કામ કરી રહ્યા છે. તેઓ ઉમેરે છે, "અમારે વહેલી સવારે 4 વાગે ઉઠીને ઘરના કામકાજ કરવા પડે છે, સાફ-સફાઈ કરવી પડે છે અને રસોઈ કરવી પડે છે." તેમણે બપોરનું ભાથું પણ ખેતરે લઈ જવાનું હોય છે.
પ્રકાશ કહે છે કે, 2000 ના દાયકાની શરૂઆતમાં પરિવારે "પાણી અને ગુણવત્તાયુક્ત માટીની અછતને કારણે તેમની પનવારી તેમના ઘરથી 6-7 કિમી દૂર બીજી જગ્યાએ ખસેડી હતી."
તેઓ બીજ, સિંચાઈ અને ક્યારેક મજૂરી પાછળ બે લાખ સુધીનો ખર્ચ કરે છે. પ્રકાશ કહે છે, "આટઆટલો ખર્ચો કર્યા પછી કેટલીક વાર [એક વર્ષમાં] 50000 રુપિયા કમાવાનું પણ મુશ્કેલ હોય છે." તેમની પાસે વધારાની 0.1 એકર જમીન છે, તેમાં તેઓ ઘઉં અને થોડા ફળો અને શાકભાજીની ખેતી કરે છે જેથી તેમની આવકની કમી પૂરી કરી શકાય.
રાનુ કહે છે કે કુટુંબ ખરાબ થઈ ગયેલા પાન અને સારા પાનને અલગ કરે છે અને મંડીમાં વેચવા માટે સારા પાનનો ઢગલો કરે છે. આશાબાઈ કહે છે, " આ પાન છૂટા પાડવામાં સામાન્ય રીતે રોજ મધરાત થઈ જાય છે, અને કેટલીકવાર તો અમે રાતના 2 વાગ્યા સુધી પણ કામ કરીએ છીએ."
આ પાન રોજ સવારે 6:30 થી 7:30 વાગ્યાની વચ્ચે મંડીમાં 100-100 ના બંડલમાં વેચાય છે. મંડીમાં પાન વેચવા આવેલ સુનીલ મોદી કહે છે, "લગભગ 100 વિક્રેતાઓ એમાં ભાગ લે છે, પરંતુ ખરીદદારોફક્ત 8-10 હોય છે." 32 વર્ષના સુનીલ ઉમેરે છે કે આ પાન સામાન્ય રીતે 2-3 દિવસ પછી ખરાબ થઈ જાય છે, તેથી "અમારે બધું જ ઝડપથી વેચી દેવું પડે છે."
સુનીલ કહે છે, "આજે દહાડો પ્રમાણમાં ઠીકઠાક હતો. એક બંડલના 50 [રુપિયા] હતા; સામાન્ય કરતાં ભાવ સારો હતો." તેઓ ઉમેરે છે, "આ પાનને શુભ ગણવામાં આવે છે તેથી લગ્નની સીઝનમાં જ્યારે આ પાનનો ઉપયોગ પૂજામાં કરવામાં આવે છે ત્યારે આ ધંધામાં નફો સારો હોય છે. એ ઉપરાંત લોકો લગ્નમાં પાન સ્ટોલ રાખવાનું પસંદ કરે છે તેથી માંગ વધે છે, તેથી કમાવા માટે ટૂંકા ગાળાની તક ઊભી થાય છે, પરંતુ તે સિવાય ધંધામાં મંદી હોય છે." અને તે મોસમ પર આધાર રાખે છે.
તમાકુના પાઉચ સરળતાથી મળી રહે છે તે કારણે પણ પાનના ધંધાને નુકસાન થાય છે. પ્રકાશ જણાવે છે, "હવે કોઈને પાન ખરીદવું નથી હોતું." એક પાનના 25-30 રુપિયા થાય અને એટલા પૈસામાં તો તમાકુના પાંચ પાઉચ ખરીદી શકાય. તેઓ ઉમેરે છે, "પાન સ્વાસ્થ્ય માટે વધુ લાભકારક હોવા છતાં લોકો (તમાકુના) પાઉચ ખાવાનું પસંદ કરે છે કારણ કે તે સસ્તા છે."
સૌરભ ટોડાવાલ પાનની ખેતી કરતા હતા પરંતુ અસ્થિર આવકથી હતાશ થઈને 2011 માં તેમને આ ધંધો છોડી દીધો અને હવે નાનકડી કિરાના (કરિયાણાની દુકાન) ચલાવે છે. તેમાંથી તેઓ, પાનની ખેતીમાંથી જે કમાણી કરતા તેનાથી લગભગ બે ગણા, વર્ષે 1.5 લાખ રુપિયા કમાય છે.
વિષ્ણુ પ્રસાદ મોદીએ 10 વર્ષ પહેલા પાનની ખેતી છોડીને કોમ્પ્યુટર ઓપરેટ કરવાનું શરૂ કર્યું હતું. તેઓ કહે છે કે પાનની ખેતીમાં ખાસ નફો નથી: “[પાનની] ખેતી માટે કોઈ યોગ્ય સમય જ નથી. ઉનાળામાં, પાન લૂ [ગરમ પવનો] થી પીડાય છે, અને શિયાળામાં, [વેલાની] ખાસ વૃદ્ધિ થતી નથી. ચોમાસામાં ભારે વરસાદ અને વાવાઝોડાથી પાનને નુકસાન થવાનો સતત ભય રહે છે."
પ્રકાશના દીકરા પ્રદીપ પણ નાગરવેલનાં પાન ઉગાડે છે. એપ્રિલ 2023 માં બનારસી પાનને જીઆઈ ટેગ (ભૌગોલિક માનાંક) મળ્યો એ જાણી તેઓ કહે છે, "અમે ઈચ્છીએ છીએ કે સરકાર અમને પણ જીઆઈ ટેગ આપે કારણ કે તેનાથી અમારા ધંધાને ખાસ્સો ફાયદો થશે."
અનુવાદ: મૈત્રેયી યાજ્ઞિક