દિલ્હી હમારી હૈ!
દેશ પર વોહી રાજ કરેગા,
જો કિસાન મઝદૂર કી
બાત કરેગા!
[દિલ્હી આપણી છે!
દેશમાં એનું જ રાજ હશે
જે ખેડૂત મજૂરની સાથ હશે!]
દેશની રાજધાની નવી દિલ્હીના રામલીલા મેદાનમાં ગુરુવાર 14 માર્ચ, 2024ના રોજ યોજાયેલી કિસાન મજૂર મહાપંચાયત માટે એકત્ર થયેલા હજારો ખેડૂતોનાં મોઢે બસ આ જ નારો હતો.
પંજાબના સંગરૂર જિલ્લાની મહિલા ખેડૂતોના એક જૂથે રામલીલા મેદાનમાં પારીને કહ્યું, “અમે ત્રણ વર્ષ પહેલાં [2020-21] માં, એક વર્ષ લાંબા વિરોધ પ્રદર્શન દરમિયાન ટિકરી સરહદ પર આવ્યાં હતાં. જો જરૂર ઊભી થશે તો અમે ફરી આવીશું.”
મેદાનની નજીકના રસ્તાઓ પર પંજાબ, હરિયાણા અને ઉત્તર પ્રદેશના કેટલાક ભાગોમાંથી ખેડૂતોને લાવનારી બસોની કતારો લાગી હતી. સવારે 9 વાગ્યે, આ ઐતિહાસિક મેદાન તરફ જવાના રસ્તાઓ પર આવેલા ફૂટપાથ પર, પાર્ક કરેલી બસોની પાછળ, પુરુષો અને સ્ત્રીઓના નાના જૂથો લાકડા સળગાવીને અને ઇંટોના કામચલાઉ ચૂલા પર રાંધેલી રોટલીઓનો નાસ્તો કરી રહ્યાં હતાં.
આ ધમધમતી સવારે તે ‘તેમનું’ ગામ હતું, જેના પુરુષો અને મહિલા ખેડૂતોએ ધ્વજ લઈને રામલીલા મેદાનમાં કૂચ કરી હતી. સવારે ‘કિસાન મજૂર એકતા ઝિંદાબાદ!’ ના નારાથી વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું. જમીન પર લીલી, વણેલી પોલિથીનની ચાદર વ્યવસ્થિત રીતે પાથરવામાં આવી હતી; સેંકડો ખેડૂતો અને ખેત મજૂરો કિસાન મજૂર મહાપંચાયત (ખેડૂતો અને મજૂરોની મોટી ગ્રામ સભા) શરૂ થવાની તૈયારી હોવાથી ત્યાં ગોઠવાઈ ગયા હતા.
રામલીલા મેદાનના દરવાજા માત્ર સવારે જ ખોલવામાં આવ્યા હતા, કારણ કે અધિકારીઓએ જણાવ્યું હતું કે મેદાનમાં પાણી ભરાઈ ગયું હતું. ખેડૂત નેતાઓનો આરોપ છે કે સભામાં અવરોધ લાવવા માટે મેદાનમાં પાણી ભરવાનો ઇરાદાપૂર્વક પ્રયાસ કરવામાં આવ્યો હતો. કેન્દ્રીય ગૃહ મંત્રાલય પાસેથી આદેશ મેળવનાર દિલ્હી પોલીસે સૂચન કર્યું હતું કે મેળાવડામાં 5,000 થી વધુ લોકો જમા ન થવા જોઈએ. જો કે, આ સંખ્યા કરતાં લગભગ દસ ગણા મક્કમ ખેડૂતો મેદાનમાં હાજર હતા. ત્યાં સમાચાર માધ્યમોની પણ નોંધપાત્ર હાજરી હતી.
આ સત્રની શરૂઆત ભટિંડા જિલ્લાના બલ્લોહ ગામના ખેડૂત શુભકરણ સિંહની યાદમાં એક ક્ષણ મૌન રાખીને કરાઈ હતી. 21 ફેબ્રુઆરીના રોજ પટિયાલાના ધાબી ગુજરાનમાં જ્યારે પોલીસે વિરોધ કરી રહેલા ખેડૂતો પર આંસુ ગેસના ગોળા અને રબરની ગોળીઓનો વરસાદ વરસાવ્યો હતો ત્યારે શુભકરણ સિંહનું માથામાં જીવલેણ ઈજા થતાં મૃત્યુ થયું હતું.
મહાપંચાયતના પ્રથમ વક્તા ડૉ. સુનીલમે સંયુક્ત કિસાન મોરચા (એસ.કે.એમ.) ના સંકલ્પ પત્રનું વાંચન કર્યું હતું. મંચ પર એસ.કે.એમ. અને આનુષંગિક સંગઠનોના 25 થી વધુ નેતાઓ હાજર હતા; ત્યાં હજાર ત્રણ મહિલા નેતાઓમાં મેધા પાટકર પણ હતાં. દરેક વ્યક્તિએ એમ.એસ.પી. માટે કાનૂની બાંયધરીની જરૂરિયાત તેમજ અન્ય માંગણીઓ પર 5 થી 10 મિનિટ સુધી વાત કરી હતી.
પંજાબ અને હરિયાણા વચ્ચેની શંભુ અને ખનૌરી સરહદ પર ફેબ્રુઆરી 2024માં વિરોધ કરી રહેલા ખેડૂતો પર સરકારની દમનકારી કાર્યવાહી, આંસુ ગેસના ગોળાનો ઉપયોગ અને લાઠીચાર્જ સામે ખેડૂતો ઉગ્ર બન્યા છે. આ પણ વાંચોઃ ‘શંભુ સરહદ પર મારો જીવ ઘૂંટાય છે’
ખેડૂતોને રાજધાનીમાં પ્રવેશતા અટકાવવા માટે સરકાર દ્વારા મૂકવામાં આવેલા ભૌતિક અવરોધો અને પ્રતિબંધોના જવાબમાં, એક વક્તાએ ઉગ્ર અવાજ ઉઠાવ્યોઃ “દિલ્હી હમારી હૈ. દેશ પર વોહી રાજ કરેગા, જો કિસાન મજૂર કી બાત કરેગા! [દિલ્હી આપણી છે! દેશ પર તેનું જ શાસન ચાલશે, જે કિસાનો અને મજૂરોની વાત કરશે!]”
પંજાબ, હરિયાણા, ઉત્તર પ્રદેશ, કર્ણાટક, કેરળ, મધ્ય પ્રદેશ અને ઉત્તરાખંડના ખેડૂત અને મજૂર સંગઠનોના નેતાઓએ ‘કોર્પોરેટ, સાંપ્રદાયિક, સરમુખત્યારશાહી શાસન’ ના વિરોધમાં વર્તમાન સરકારને સજા કરવાની હાકલ કરી હતી.
રાકેશ ટિકૈતે તેમના ભાષણમાં કહ્યું હતું, “22 જાન્યુઆરી, 2021 પછી સરકારે ખેડૂત સંગઠનો સાથે વાત જ નથી કરી. જ્યારે કોઈ વાતચીત જ નથી થઈ, ત્યારે મુદ્દાઓનું સમાધાન કેવી રીતે થશે?” ટિકૈત ભારતીય કિસાન યુનિયન (બી.કે.યુ.) ના રાષ્ટ્રીય પ્રવક્તા અને એસ.કે.એમ.ના નેતા છે.
અખિલ ભારતીય કિસાન સભા (એ.આઇ.કે.એસ.) ના મહાસચિવ ડૉ. વિજૂ કૃષ્ણને જણાવ્યું હતું કે, “2020-21માં ખેડૂતોના સંઘર્ષના અંતે, નરેન્દ્ર મોદી સરકારે વચન આપ્યું હતું કે C2 + 50 ટકા પર એમ.એસ.પી. (લઘુતમ ટેકાના ભાવ) ની કાનૂની બાંયધરી આપવામાં આવશે. જો કે, હજુ સુધી તેનો અમલ કરવામાં આવ્યો નથી. તેમણે ખાતરી આપી હતી કે લોન માફી આપવામાં આવશે, જેના પર હજુ સુધીય અમલ કરવામાં નથી આવ્યો.” ખેડૂત આંદોલન વિષે પારીનું સંપૂર્ણ કવરેજ વાંચો.
કૃષ્ણને મંચ પરથી બોલતી વખતે આખા વર્ષ દરમિયાન ખેડૂતોના વિરોધ દરમિયાન મૃત્યુ પામેલા 736 થી વધુ ખેડૂતો અને પરિવારોને વળતર આપવાના સરકારના હજુ સુધી પૂરા ન થયેલા વચનો અને તેમની સામેના તમામ કેસ પાછા ખેંચવાનો ઉલ્લેખ કર્યો હતો. મહાપંચાયતમાં પારી સાથે વાત કરતાં તેમણે ઉમેર્યું હતું કે, “વીજ કાયદામાં સુધારા પાછા ખેંચવાના હતા, જેના પર હજુ સુધી અમલ કરવામાં આવ્યો નથી.”
બાદમાં, કૃષ્ણને સરકારી મંત્રી અજય મિશ્રા ટેની હજુ પણ તેમના પદ પર યથાવત છે તે અંગેનો એસ.કે.એમ.નો વિરોધ પણ ઉઠાવ્યો હતો, જેમના પુત્ર આશિષ મિશ્રાએ ઉત્તર પ્રદેશના લખીમપુર ખેરીમાં પાંચ ખેડૂતો અને એક પત્રકારને કથિત રીતે કચડી નાખ્યા હતા.
ટિકૈતે કહ્યું કે દેશભરમાં ઘણા સ્થળોએ ચાલી રહેલા આંદોલન (વિરોધ) “આગામી સામાન્ય ચૂંટણીમાં કોઈ પણ પક્ષ ચૂંટાયને આવે ત્યાં સુધી ચાલુ રહેશે, જ્યાં સુધી ખેડૂતો અને મજૂરોના મુદ્દાઓનું સમાધાન નહીં થાય.”
પોતાની ટૂંકી વાતચીતના અંતે રાકેશ ટિકૈતે દરેકને મહાપંચાયતના ઠરાવો પસાર કરવા માટે હાથ ઊંચા કરવા હાકલ કરી હતી. બપોરે 2:30 વાગ્યે ત્યાં એકત્ર થયેલા હજારો ખેડૂતો અને મજૂરોએ ધ્વજ સાથે હાથ ઊંચા કર્યા હતા. ઐતિહાસિક રામલીલા મેદાનમાં તેજસ્વી સૂર્યની નીચે જ્યાં સુધી નજર પહોંચે ત્યાં સુધી બસ લાલ, પીળા, લીલા, સફેદ અને વાદળી રંગની પાઘડી, સ્કાર્ફ, ટોપીઓ જ નજરે પડતી હતી.
અનુવાદક: ફૈઝ મોહંમદ