આ એક અણધાર્યો જાદુનો ખેલ છે. ડી. ફાતિમા તેમની દુકાનની પાછળના ભાગમાં એક જૂના વાદળી ખોખામાંથી ખજાનો બહાર કાઢે છે. એમાંની એકેએક ચીજ એક-એક કલાકૃતિ છે: મોટી, મજબૂત માછલી, જે તૂતુકુડીથી ઘણે દૂર ઊંડા સમુદ્રમાં રહેતી હતી, જે હવે તડકો, મીઠું અને કુશળ હાથ એ ત્રણની કમાલથી સૂકવીને જાળવવામાં આવેલ છે.
ફાતિમા કટ્ટ પાર મીન (રાણી માછલી) ઉપાડે છે અને તેને પોતાના ચહેરાની નજીક પકડે છે. માછલીની લંબાઈ ફાતિમાની ઊંચાઈ કરતા અડધી છે અને તેનું ગળું તેમના હાથ જેટલું પહોળું છે. તેના મોંથી પૂંછડી સુધી એક ઊંડો કાપો છે, તેમાંના ભરાવદાર માંસમાં ફાતિમાએ ધારદાર છરી વડે કાપા પાડ્યા છે, આંતરડાં દૂર કરી, મીઠું ભરીને કટ્ટ પારઈને ભલભલાને - જેની પર પડે તે બધાયને, પછી તે માછલી હોય, જમીન હોય કે લોકો... - સૂકવી નાખતા ધોમધખતા તડકામાં મૂકી છે.
તેમના ચહેરા અને હાથ પરની કરચલીઓ એ બળબળતી વાર્તા કહે છે. પરંતુ તેઓ શરૂ કરે છે એક બીજી વાર્તા. એક જુદા જ યુગની, જ્યારે તેમના આચી (દાદી), મીઠું ચડાવીને માછલીઓ વેચતા. એક જુદા જ શહેરની અને શેરીની, જ્યારે રસ્તાની એક બાજુથી બીજી બાજુ સુધી લંબાતું માંડ થોડા ફૂટ પહોળું નાળું (કેનાલ) તેમના જૂના ઘરની બાજુમાં જ હતું. તેઓ વાત કરે છે 2004 માં આવેલ સુનામીની, જે તેમના જીવનમાં કીચડ અને નાળાનું ગંદુ પાણી લઈ આવ્યું હતું, અને સાથે-સાથે નવા ઘરનું વચન પણ. પરંતુ તેમાં (નવા ઘરમાં) એક સમસ્યા હતી. ફાતિમા માથું એક તરફ નમાવીને અંતર બતાવવા બીજો હાથ ઊંચો કરીને કહે છે કે ચોક્કસ ઉદ્દેશ્યથી બનાવેલું ઘર “રોમ્બ દૂરમ [ખૂબ દૂર] હતું." બસમાં (દરિયા કિનારે આવતા) લગભગ અડધો કલાક જેટલો સમય લાગતો અને ગમે તે થાય માછલી ખરીદવા માટે તો તેઓને દરિયા કિનારે આવવું જ પડે તેમ હતું.
નવ વર્ષ પછી, ફાતિમા અને તેમની બહેનો તેમના જૂના પડોશમાં - તૂતુકુડી નગરને સીમાડે આવેલા વિસ્તાર તરઇસ્પુરમમાં પાછાં આવ્યાં છે. તેમના ઘર અને દુકાન, હવે પહોળા-કરાયેલ નાળાની બાજુમાં છે, નાળામાં પાણી ધીમે ધીમે વહે છે. બપોર પછીનો સમય છે, સઘળું નિ:સ્તબ્ધ છે: ચપટીક મીઠું અને ખૂબ બધો તડકો એ બેની મદદથી આ મહિલાઓના જીવન જાળવતી પેલી સૂકવેલી માછલીઓની જેમ જ.
હાલ 64 વર્ષના ફાતિમાના લગ્ન થયા ત્યાં સુધી તેઓ તેમના દાદીના માછલીના વેપારમાં હતા. બે દાયકા પહેલાં તેમના પતિનું અવસાન થયા પછી તેઓ ફરીથી એ ધંધામાં પાછા ફર્યા. ફાતિમાને યાદ છે, તેઓ આઠ વર્ષના હતા ત્યારે જ્યારે જાળ કિનારે લાવવામાં આવતી ત્યારે માછલીઓ તરફડતી હતી - પકડેલી માછલીઓ એટલી તાજી રહેતી. તેઓ જણાવે છે કે આજે લગભગ 56 વર્ષ પછી હવે 'આઈસ મીન [માછલીઓ]' રહી ગઈ છે. માછલીઓને પેક કરીને કિનારે લઈ આવવા માટે બોટમાં બરફ લઈ જવામાં આવે છે. મોટી માછલીઓનું વેચાણ લાખો રુપિયામાં થાય છે. "એ જમાનામાં અમે આના ને પૈસામાં વ્યવહાર કરતા હતા, સો રુપિયા તો બહુ મોટી રકમ ગણાતી, હવે તો હજારો અને લાખોની વાત છે."
ફાતિમાના આચીના સમયમાં મહિલાઓ બધે ચાલીને જતી હતી. તાડના પાંદડાની ટોપલીમાં સૂકી માછલીઓ માથે ઊંચકીને. "તેઓ તેમની ઉપજ વેચવા 10-10 કિલોમીટર ચાલીને પટ્ટિકાડ (કસ્બાઓ) માં જતા." હવે તેઓ સૂકી માછલીને એલ્યુમિનિયમના તગારામાં લઈ જાય છે અને એ વેચવા માટે બસમાં મુસાફરી કરે છે. તેઓ છેક નજીકના બ્લોક્સ અને જિલ્લાઓના ગામડાઓ સુધી જાય છે.
તેઓ કહે છે, “કોરોના પહેલા અમે થિરુનલવેલી રોડ પરના, તિરુચેન્દુર રોડ પરના ગામોમાં જતા." ફાતિમાના હાથ હવામાં એ પ્રદેશનો નકશો દોરી રહે છે, જ્યારે પારીની ટીમ તેમને ઓગસ્ટ 2022 માં મળી હતી. છેલ્લા કેટલાક વખતથી હવે અમે દર સોમવારે ઈરલ નગર સન્ડઈ [અઠવાડિક બજારમાં] જ જઈએ છીએ." બસ-ડેપો સુધીનું ઓટો ભાડું અને બસમાં તેમના તાગારા ની એક આખી ટિકિટ બધું મળીને તેઓ તેમનો કુલ મુસાફરી ખર્ચ 200 રુપિયા ગણાવે છે. તેઓ કહે છે, “એ ઉપરાંત હું બજારમાં પ્રવેશ ફીના પાંચસો [રુપિયા] ચૂકવું છું. અમે [ખુલ્લામાં] તડકામાં બેસીએ છીએ, તો પણ આ દર છે." તેમને લાગે છે કે એ પૈસા ખર્ચવા વસૂલ છે, કારણ કે ત્યાં તેઓ પાંચથી સાત હજાર રુપિયાની સૂકી માછલી વેચે છે.
પણ ચાર સોમવારની કમાણીથી કંઈ આખો મહિનો ન નીકળે. ફાતિમાને આ વેપારની સમસ્યાઓની સ્પષ્ટ સમજ છે. તેઓ કહે છે, “થોડા દાયકાઓ પહેલા માછીમારોને તૂતુકુડીથી ઝાઝું દૂર જવું પડતું નહોતું; તેઓ પુષ્કળ માછલીઓ પકડીને પાછા ફરતા. અને હવે? હવે તેઓ દરિયામાં દૂર-દૂર સુધી જાય છે અને તેમ છતાંય ઝાઝી માછલીઓ પકડી શકતા નથી."
પોતાના જાત-અનુભવને આધારે ફાતિમા માછલીઓની સંખ્યામાં થયેલ ઘટાડાને એક મિનિટમાં ટૂંકમાં સમજાવી દે છે. “એ વખતે તેઓ રાત્રે જઈને બીજે દિવસે સાંજે પાછા આવી જતા. આજે તેઓ 15-20 દિવસ માટે જાય છે, છેક કન્યાકુમારી સુધી, સિલોન અને આંદામાનની નજીક
તે એક વિશાળ વિસ્તાર છે અને એક વ્યાપક સમસ્યા સૂચવે છે: તૂતુકુડી નજીકના માછીમારીના વિસ્તારોમાં ધીમે ધીમે ઘટતી જતી ઉપજ. એક એવી ઘટના જેના પર તેમનું કોઈ નિયંત્રણ નથી. પરંતુ જે તેમના જીવનને અને તેમની આજીવિકાને સંપૂર્ણપણે નિયંત્રિત કરે છે.
ફાતિમા જે ઘટના વિશે વાત કરે છે તેનું નામ છે: ઓવરફિશિંગ. ગૂગલ પર શોધી જુઓ, ઘડીના છઠ્ઠા ભાગમાં તમને લગભગ 1.8 કરોડ જવાબો મળશે. એ ઘટના એટલી તો સામાન્ય છે. અને ફૂડ એન્ડ એગ્રીકલ્ચર ઓર્ગેનાઈઝેશન (એફએઓ) ઓફ યુનાઈટેડ નેશન્સના અહેવાલમાં જણાવ્યા પ્રમાણે તેનું કારણ છે "વૈશ્વિક સ્તરે 2019 માં પ્રાણી પ્રોટીનના લગભગ 17 ટકા અને કુલ પ્રોટીનના 7 ટકા જલીય ખાદ્ય પદાર્થો એ પૂરા પાડ્યા હતા." અમેરિકન કેચ એન્ડ ફોર ફિશના લેખક પોલ ગ્રીનબર્ગ કહે છે કે એનો અર્થ એ થયો કે દર વર્ષે આપણે સમુદ્રમાંથી “80 થી 90 મિલિયન મેટ્રિક ટન વાઈલ્ડ સીફૂડ બહાર કાઢીએ છીએ." અને આ આંકડા ચોંકાવી દેનારા છે કારણ કે ગ્રીનબર્ગ કહે છે કે તે " ચીનની કુલ માનવ-વસ્તીના વજન ની સમકક્ષ" છે.
પરંતુ મુખ્ય સમસ્યા અહીં જ ઊભી થાય છે. બીજા માંસ અને શાકભાજીની જેમ આ બધી માછલીઓ તાજી ખાવામાં આવતી નથી. એને ભવિષ્યના ઉપયોગમાં લેવા માટે જાળવવામાં આવે છે. અને એ માટે એને મીઠું ચડાવીને તડકામાં સૂકવવાની પદ્ધતિ એ સૌથી જૂની પદ્ધતિમાંથી છે.*****
સૂકવવા માટે ફેલાવેલા
ચરબીયુક્ત, શાર્કના માંસના ટુકડાઓ ખાવાની આશાએ આવતા
પક્ષીઓના ટોળાનો અમે પીછો કરીએ છીએ.
તમારા ગુણ અમારે શા કામના?
જતા રહો અહીંથી! અમારા (શરીર)માંથી માછલીની વાસ આવે છે!
નટ્રિનઈ 45 , નૈદલ તિનઈ (સમુદ્ર કિનારાના ગીતો)
કવિ અજ્ઞાત. નાયિકાનો મિત્ર નાયકને આ મુજબ કહે છે.
આ ઉત્કૃષ્ટ સાહિત્ય 2000 વર્ષ જૂના પવિત્ર ગ્રંથોના સંગ્રહ તમિળ સંગમનો એક ભાગ છે. ઉપરાંત તેમાં મીઠાના વેપારીઓ અને દરિયાકિનારેથી મુસાફરી કરતા તેમના જહાજોના ઘણા રસપ્રદ સંદર્ભો છે. શું બીજી પ્રાચીન સંસ્કૃતિઓમાં પણ મીઠું ચડાવીને તડકામાં સૂકવવાની આવી પરંપરાઓ છે?
ખાદ્ય અભ્યાસના વિદ્વાન ડૉ. કૃષ્ણેન્દુ રે કહે છે હા, અને ઉમેરે છે, “બાહ્યાભિમુખ, ખાસ કરીને દરિયાઈ સામ્રાજ્યોનો માછીમારી સાથે ખૂબ જ અલગ સંબંધ હતો. કેટલેક અંશે તેનું કારણ એ હતું કે વાઇકિંગ, જેનોઇઝ, વેનેશિયન, પોર્ટુગીઝ અને સ્પેનિશ કેસોમાં ઘણું પાછળથી જોવા મળે તેમ અહીં પણ આ સામ્રાજ્યો માટે ખૂબ જરૂરી નૌકાઓ બનાવવાની કલા-કારીગરી અને તેને ચલાવવા માટેની કુશળતા મોટે ભાગે માછીમાર સમુદાય પાસે હતી."
ન્યુ યોર્ક યુનિવર્સિટીના આ પ્રાધ્યાપક આગળ કહે છે, “રેફ્રિજરેશન અસ્તિત્વમાં આવ્યું તે પહેલાં મીઠું ચડાવીને, હવામાં સૂકવીને, સ્મોકિંગ દ્વારા અને આથો લાવીને (ફિશ સોસ તરીકે) આ અત્યંત મૂલ્યવાન પ્રોટીનને સાચવવામાં આવતું હશે; લાંબા અંતરના જહાજની મુસાફરી દરમિયાન માછલીઓની જોગવાઈ કરવા માટે તેને લાંબો સમય અને લાંબા અંતર સુધી જાળવી રાખવા આ પદ્ધતિઓનો ઉપયોગ થતો હતો. તેથી ભૂમધ્ય સમુદ્રની આસપાસના રોમન સામ્રાજ્યમાં ગારમ [આથાવાળો ફિશ સોસ] નું ખૂબ મહત્વ હતું, રોમના પતન સાથે તે અદૃશ્ય થઈ ગયો હતો.”
બીજો એક એફએઓ અહેવાલ નોંધે છે તેમ તમિળનાડુમાં પ્રચલિત કુશળતા માગી લેતી (માછલીની જાળવણી માટેની) આ પ્રક્રિયામાં "સામાન્ય રીતે, બગાડ કરનાર બેક્ટેરિયા અને ઉત્સેચકોનો નાશ કરવાનો અને માઇક્રોબિયલ (સૂક્ષ્મજીવોની) વૃદ્ધિ અને પ્રસાર માટે પ્રતિકૂળ પરિસ્થિતિનું નિર્માણ કરવાનો સમાવેશ થાય છે."
એફએઓનો અહેવાલ આગળ જણાવે છે કે મીઠું ચડાવેલું માછલી એ “માછલીની જાળવણી માટેનું ઓછું ખર્ચાળ સ્વરૂપ છે. મીઠું ચડાવવાની બે સામાન્ય રીતો છે : ડ્રાય સોલ્ટિંગ, જેમાં માછલીની સપાટી પર સીધું જ મીઠું લગાવવામાં આવે છે; અને, બ્રિનિંગ, જેમાં માછલીને મીઠા/પાણીના દ્રાવણમાં ડૂબાડવામાં આવે છે.” અને તે ઘણા મહિનાઓ સુધી જાળવી શકાય છે.
ઘણો જૂનો ભૂતકાળ હોવા છતાં અને પ્રોટીનનો એક સસ્તો અને સરળતાથી ઉપલબ્ધ સ્ત્રોત હોવા છતાં લોકપ્રિય સંસ્કૃતિમાં [ઉદાહરણ તરીકે, તમિળ સિનેમામાં] કરવાડ ખાસ્સા ઉપહાસનો ભોગ બને છે. સ્વાદના પદાનુક્રમમાં તે ક્યાં બંધબેસે છે?
ડૉ. રે કહે છે, “અહીં ઊંચ-નીચની વિચારસરણીના અનેક સ્તરો છે. જ્યાં પણ - બ્રાહ્મણવાદના ચોક્કસ સ્વરૂપો સાથે - પાર્થિવતાના આધિપત્યના સ્વરૂપો ફેલાયેલા છે ત્યાં પાણી, ખાસ કરીને ખારા પાણી પર આધારિત જીવન અને આજીવિકા પરત્વે ભારે અણગમો અને સૂગ જોવા મળે છે... પ્રદેશ અને વ્યવસાય સાથેના અમુક સંબંધને આધારે જાતિઓ ઊભી થઈ હોવાથી માછીમારીના વ્યવસાયને હાંસિયામાં ધકેલી દેવામાં આવ્યો હતો. "
ડો. રે કહે છે, “માછલીઓ પ્રાકૃતિક સ્વરૂપમાં મળી આવતી અને આપણા દ્વારા ઘણા મોટા પ્રમાણમાં ખાવામાં આવતી વસ્તુઓમાંની છે. તે કારણે માછલીને ખૂબ મહત્વની ગણી શકાય અથવા તેને તુચ્છ ગણી શકાય. સુસંસ્કૃત ભારતના ઘણા ભાગોમાં, જ્યાં પ્રાદેશિકતા, ઘરેલુતા અને ખેતીલાયક જમીન, મંદિર દ્વારા થતું રોકાણ અને હાઈડ્રોલિક ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં સંબંધિત રોકાણ સાથે સંબંધિત અનાજ ઉત્પાદનને આર્થિક અને સાંસ્કૃતિક દ્રષ્ટિએ ઊંચું મૂલ્ય આપવામાં આવ્યું હતું ત્યાં માછલી પ્રત્યે અણગમો જોવા મળતો.
*****
સહાયપુરણી છાપરાના નાનકડા છાયામાં બેસીને પૂમીન [દૂધ માછલી] તૈયાર કરે છે. તેમણે તરઇસ્પુરમ હરાજી કેન્દ્રમાંથી 300 રુપિયામાં ખરીદેલી ત્રણ કિલોની માછલી પર તેમની છરી ઉઝરડા કરે છે - સરર, સરર, સરર. તેમની કામ કરવાની જગ્યા ફાતિમાની દુકાનથી નાળાની સામેની બાજુએ છે. નાળાનું પાણી કાળાશપડતું છે, પાણીના વહેણ કરતાં વધુ તો કીચડ છે. માછલીમાંથી ભીંગડા ચારે બાજુ ઊડે છે - કેટલાક પૂમીન માછલીની આસપાસ પડે છે, અને કેટલાક ઊંચે ઊડી, તડકામાં ચમકીને બે ફીટ દૂર મારી ઉપર પડે છે. ભીંગડા મારા ડ્રેસને અથડાય છે ત્યારે સહાયપુરણી ઊંચું જોઈને ઝડપથી સહજ હસે છે. અને અમે બધા હસી પડીએ છીએ. સહાયપુરણી પોતાનું કામ ફરી શરૂ કરે છે. બે સુઘડ કટ અને માછલીની ઝાલર (ફિન્સ) છૂટી થઈ જાય છે. પછીથી તેઓ માછલીની ગરદનને કાપી નાખે છે, અને દાતરડાથી તેની ચીરીઓ કરે છે. છ વખત - થડ, થડ, થડ - અને માથું છૂટું થઈ જાય છે.
તેમની પાછળ બાંધેલો એક સફેદ કૂતરો આ બધું જુએ છે, તેની જીભ ગરમીમાં મ્હોંની બહાર લબડી રહી છે. એ પછી સહાયપુરણી આંતરડાને દૂર કરી માંસમાં છરી ભોંકીને માછલીને ચોપડીની જેમ ખોલે છે. તેઓ દાતરડા વડે સ્નાયુઓમાં ઊંડા ખાંચા પાડે છે. છરી વડે નાના, પાતળા કાપા પાડે છે. એક હાથ વડે મુઠ્ઠીભર મીઠું લે છે અને લાંબા ઊંડા કાપા ભરતા તેને માછલીમાં ઘસતા રહે છે, જ્યાં સુધી બધું જ ગુલાબી માંસ મીઠાના સફેદ સ્ફટિકોથી જડાઈ ન જાય ત્યાં સુધી. હવે માછલી સૂકવવા માટે તૈયાર છે. તેઓ દાતરડું અને છરી ધોઈ નાખે છે, તેમના હાથ પાણીમાં ડુબાડે છે અને હાથ પરથી પાણી નિતારી નાખી હાથ સૂકવે છે. તેઓ કહે છે, "આવો." અમે તેમની પાછળ પાછળ તેમને ઘેર જઈએ છીએ.
તમિળનાડુની દરિયાઈ મત્સ્યોદ્યોગ વસ્તીગણતરી, 2016 ( ધ મરીન ફિશરીઝ સેન્સસ 2016 , તમિળનાડુ) પરથી જાણવા મળે છે કે આ રાજ્યના માછીમારોમાં 2.62 લાખ મહિલાઓ અને 2.74 લાખ પુરુષો છે. તે એ પણ દર્શાવે છે કે 91 ટકા દરિયાઈ માછીમાર પરિવારો ગરીબી રેખાની નીચે (બિલો ધ પોવર્ટી લાઈન - બીપીએલ) જીવી રહ્યા છે.
તડકાથી આઘી બેઠેલી હું સહાયપુરણીને પૂછું છું કે તેઓ એક દિવસમાં કેટલી માછલીઓ વેચે છે. “એ બધું આંડવરે [ઈસુએ] અમારા માટે શું નિર્ધાર્યું છે તેના પર આધાર રાખે છે. તેની કૃપાથી જ અમે જીવી રહ્યા છીએ.” અમારી વાતચીતમાં ઈસુ અવારનવાર આવે છે. તેઓ કહે છે, "જો 'એ' બધી સૂકી માછલી વેચવામાં મદદ કરશે, તો તો અમે સવારે 10:30 સુધીમાં ઘેર આવી જઈશું."
જે કંઈ નસીબમાં હોય તે કોઈ જાતની ફરિયાદ કર્યા વિના સ્વીકારી લેવાની તેમની આ વૃત્તિ તેમના કામ કરવાના સ્થળ સુધી વિસ્તરે છે. માછલીને સૂકવવા માટેની તેમની નિયુક્ત જગ્યા નાળા પાસે છે. તેઓ કહે છે, એ જગ્યા કોઈ પણ દ્રષ્ટિએ આદર્શ નથી જ, પરંતુ બીજો કોઈ રસ્તો છે? સહાયપુરણીને માત્ર ધોમધખતા તડકાનો જ નહીં, તેમને અને તેમના માલસામાનને કમોસમી વરસાદનો પણ સામનો પણ કરવો પડે છે. તેઓ કહે છે, “એક દિવસ મેં માછલીને મીઠું ચડાવ્યું અને તેને સૂકવવા માટે બહાર મૂકી અને ઘેર આવીને ઘડીક વાર માટે આંખ મીંચી… ત્યાં અચાનક એક માણસ દોડતો આવ્યો અને કહ્યું કે વરસાદ પડે છે, હું ઉતાવળે બહાર નીકળી, પણ છતાં અડધી માછલીઓ ભીંજાઈ ગઈ હતી. નાની માછલીઓ બચાવી શકાતી નથી, એ બગડી જાય છે.
હાલ 67 વર્ષના સહાયપુરણી માછલી સૂકવવાની કળા તેમના ચિત્તી - તેમની માતાના નાના બહેન પાસેથી શીખ્યા હતા. પરંતુ તેઓ કહે છે કે માછલીના વેપારમાં દેખીતો વધારો થયો છે, પરંતુ સૂકી માછલીનો વપરાશ ઘટી રહ્યો છે. તેઓ કહે છે, “તેનું કારણ એ છે કે જેઓ માછલી ખાવા માગે છે તેઓ સરળતાથી તાજી માછલી ખરીદી શકે છે. ક્યારેક એ સસ્તામાં વેચાય છે. આ ઉપરાંત તમે રોજેરોજ એકની એક જ વસ્તુ ખાવા નથી માગતા, ખરું કે નહીં? તમે અઠવાડિયામાં બે વાર માછલી ખાઓ, તો એક દિવસ તમે બિરયાની, બીજે દિવસે સાંભાર, રસમ, સોયા બિરિયાની એવું કંઈક ખાશો...”
જોકે સૂકી માછલીનો વપરાશ ઘટવાનું મુખ્ય કારણ વિરોધાભાસી તબીબી અભિપ્રાય છે. “કરવાડ ન ખાઓ, તે બહુ ખારું હોય છે. તબીબો કહે છે કે તેનાથી બ્લડ પ્રેશર વધે છે. તેથી લોકો તેનાથી દૂર રહે છે." જ્યારે તેઓ વેપારમાં ઘટાડો અને તબીબોની સલાહ (વચ્ચેનો સંબંધ) સમજાવે છે, ત્યારે તેઓ ધીમેથી માથું હલાવે છે, અને તેના નીચલા હોઠને બહાર કાઢે છે. એ હાવભાવ બાળક જેવા છે, જે એકસાથે નિરાશા અને લાચારી બેય દર્શાવે છે.
જ્યારે કરવાડ તૈયાર થઈ જાય છે ત્યારે તેઓ તેને તેમના ઘરમાં, વેપાર માટે ફાળવેલ બાજુના રૂમમાં રાખે છે. તેઓ કહે છે, "સામાન્ય રીતે મોટી માછલીઓ મહિનાઓ સુધી રહે છે." તેમને પોતાની કુશળતા પર વિશ્વાસ છે; તેઓ જે રીતે ખાંચા પાડીને તેમાં મીઠું ભરે છે તેને કારણે એ (ખરાબ થયા વિના) જળવાઈ રહેશે એ નક્કી. તેઓ કહે છે, "ગ્રાહકો તેને થોડા અઠવાડિયા સુધી રાખી શકે છે. જો થોડી હળદર અને થોડું મીઠું ઉમેરીને અખબારમાં લપેટીને પછી હવાચુસ્ત કવરમાં મૂકી દો તો તમે એને લાંબા સમય સુધી ફ્રીજમાં રાખી શકો છો."
તેઓની માતાના સમયમાં લોકો વધારે વખત કરવાડ ખાતા હતા. સૂકી માછલીને તળીને બાજરીની રાબ (પોરેજ) સાથે ખાવામાં આવતી. “તેઓ એક મોટું વાસણ લેતા અને તેમાં થોડી સરગવાની શીંગો અને રીંગણ અને માછલી ઉમેરીને ગ્રેવી બનાવતા અને તેને રાબ પર રેડતા. પણ હવે બધું 'સુઘડ' છે," તેઓ મોટેથી હસે છે, "અરે, ભાત પણ 'સુઘડ' છે, અને સાથે ખાવા માટે લોકો વેજીટેબલ કૂટ [કઠોળ સાથે રાંધેલ શાક], અને ફ્રાઈડ એગ્સ બનાવે છે. આજથી 40 વર્ષ પહેલાં મેં વેજીટેબલ કૂટનું નામેય સાંભળ્યું નહોતું.
મોટાભાગના દિવસોમાં સહાયપુરણી સવારે 4:30 વાગ્યે ઘેરથી નીકળીને બસમાં બેસીને તેમના ગામથી 15-કિલોમીટરની ત્રિજ્યામાં આવેલા ગામોમાં જાય છે. 2021 માં મુખ્યમંત્રી એમ.કે. સ્ટાલિને જાહેર કરેલી તમિળનાડુ સરકારની મહિલાઓ માટે મફત બસ સવારીની યોજનાનો ઉલ્લેખ કરતા તેઓ કહે છે, "ગુલાબી બસોમાં અમને મફત સવારી કરવા મળે છે. પરંતુ અમે અમારા તગારાની આખી ટિકિટ લઈએ છીએ. એ 10 રુપિયા હોય કે પછી 24 પણ હોય. કંઈ નક્કી નહીં. ક્યારેક-ક્યારેક તેઓ કંડક્ટરને પણ દસની નોટ પકડાવે છે. "જો એ વિવેકી હોય તો," તેઓ હસીને કહે છે.
જ્યાં જવાનું હોય ત્યાં પહોંચ્યા પછી સહાયપુરણી ગામમાં ફરીને માછલી વેચે છે. તેઓ કબૂલે છે કે આ એક મુશ્કેલ અને ભારે કામ છે. અને સ્પર્ધાત્મક પણ છે. તેઓ કહે છે, “અમે તાજી માછલી વેચતા ત્યારે પરિસ્થિતિ વધુ ખરાબ હતી. પુરુષો ટુ-વ્હીલર પર માછલીની ટોપલીઓ લઈને આવતા અને અમે ચાલીને બે ઘેર જઈએ એટલા સમયમાં તો એ લોકો દસ ઘરોમાં પહોંચી વળતા. વાહનને કારણે તેમને વૈતરું ઓછું કરવું પડતું. અમારું પગપાળા ચાલવાનું તો શિક્ષા જેવું હતું, ઉપરાંત પુરુષો હંમેશા અમારા કરતા ઓછા ભાવે માલ વેચતા હતા." તેથી સહાયપુરણીએ કરવાડ વેચવાનું ચાલુ રાખ્યું છે.
સૂકી માછલીની માંગ ઋતુ પ્રમાણે બદલાય છે. “ગામમાં તહેવારો હોય ત્યારે લોકો દિવસોના દિવસો સુધી, ક્યારેક અઠવાડિયાઓ સુધી માંસ ખાતા નથી. જો ઘણા લોકો આ પ્રથા પાળે તો એનાથી ચોક્કસપણે અમારા વેચાણને અસર પહોંચે છે." અને સહાયપુરણી કહે છે આ નવું થયું છે. તેઓ કહે છે, "પાંચ વર્ષ પહેલાં મેં આટલા બધા લોકોને આ ધાર્મિક વ્રત રાખતા જોયા નહોતા." તહેવાર દરમિયાન અને પછી - જ્યારે તહેવાર માટે બકરાનું બલિદાન આપવામાં આવે છે - ત્યારે લોકો તેમના સંબંધીઓ માટે પુષ્કળ સૂકી માછલીનો ઓર્ડર આપે છે. સહાયપુરણીના દીકરી 36 વર્ષના નેન્સી સમજાવે છે, "ક્યારેક તેઓ એક-એક કિલો પણ માગે છે."
ધંધો મોળો હોય એ મહિનાઓ દરમિયાન કુટુંબ લોન પર ટકી રહે છે. નેન્સી એક સામાજિક કાર્યકર છે. તેઓ કહે છે, “દસ પૈસા વ્યાજ, દૈનિક વ્યાજ, સાપ્તાહિક વ્યાજ, માસિક વ્યાજ. ચોમાસા દરમિયાન અને માછીમારી પર પ્રતિબંધ હોય એ સમયગાળા દરમિયાન અમે આ રીતે જીવીએ છીએ. કેટલાક ઘરેણાં ગીરવે મૂકે છે. કાં તો શાહુકારની દુકાનો પર અથવા બેંકમાં. અમારે ઉધાર લીધા વિના છૂટકો નથી હોતો," નેન્સીનું અધૂરું વાક્ય તેમની માતા પૂરું કરે છે, "ખાવાનું ખરીદવા."
કરવાડના ધંધામાં મજૂરીના પ્રમાણમાં જોઈએ તેવું વળતર મળતું નથી. સહાયપુરણીએ એ દિવસે સવારે હરાજીમાં 1300 રુપિયામાં ખરીદેલી [ટોપલો ભરીને સાલઈ મીન અથવા સાર્ડિન્સ] માછલીમાંથી તેમને 500 રુપિયાનો નફો થશે. એને માટે તેઓ બે દિવસ કામ કરે, માછલી સાફ કરવાનું, એને મીઠું ચડાવવાનું અને સૂકવવાનું, એ ઉપરાંત પછીના બીજા બે દિવસ તેને વેચવા માટે બસમાં લઈને જાય. એટલે તેમની મહેનત અને સમય માટે દિવસના 125 રુપિયા, બરોબરને? હું પૂછું છું.
તેઓ માત્ર માથું હલાવે છે. આ વખતે તેઓ હસતા નથી.
*****
તૂતુકુડીમાં કરવાડના વેપારના માનવ સંસાધન અને અર્થશાસ્ત્રનું ચિત્ર ધૂંધળું છે. અમને તમિળનાડુ દરિયાઈ મત્સ્યોદ્યોગ વસ્તી ગણતરી માંથી કેટલાક આંકડા મળે છે. તરઇસ્પુરમમાં 79 લોકો માછલીની જાળવણી માટેની પ્રક્રિયા કરવામાં સંકળાયેલા છે, જે આંકડો આખા તૂતિકોરિન જિલ્લા માટે 465 સુધી પહોંચે છે. સમગ્ર રાજ્યમાં માછીમારોમાંના માત્ર નવ ટકા લોકો આ ક્ષેત્રમાં છે. જો કે નવાઈની વાત એ છે કે તેમાંથી 87 ટકા મહિલાઓ છે. જે આ એફએઓ અહેવાલ માંના વૈશ્વિક આંકડા કરતા નોંધપાત્ર રીતે વધારે છે, તેમાં "લણણી પછી, નાના પાયાના મત્સ્યઉદ્યોગનું ક્ષેત્ર એક એવું ક્ષેત્ર છે કે જેમાં અડધા શ્રમિકો" મહિલાઓ છે.
નફા-નુકસાનની ગણતરી મુશ્કેલ છે. એક મોટી, પાંચ કિલોની માછલી જે (સામાન્ય રીતે) હજાર રુપિયામાં વેચાય તે થોડી નરમ થઈ જાય તો ચારસોમાં કાઢી નાખવામાં આવે છે. આ મહિલાઓ તેને 'ગુળુગુળુ' (થઈ જાય એમ) કહે છે અને તેમની આંગળીઓને ભેગી કરી એકસાથે દબાવીને બતાવે છે, જાણે તેઓ કોઈ કાલ્પનિક પ્રાણીને દબાવી રહ્યાં ન હોય. કરવાડ બનાવનારા તાજી માછલીના ખરીદદારોએ ન ખરીદેલી આવી માછલીઓ શોધતા હોય છે. તેઓ નાની માછલીઓને બદલે આવી મોટી માછલીઓ વધુ પસંદ કરે છે, કારણ કે તેને (જાળવણી માટે) તૈયાર કરવામાં ઓછો સમય લાગે છે.
ફાતિમાની મોટી માછલી જેનું વજન લગભગ પાંચ કિલો હતું તેને તૈયાર થતા એક કલાકનો સમય લાગ્યો હતો. તેઓ નોંધે છે કે એટલા જ વજનની (પાંચ કિલો) નાની નાની માછલીઓ તૈયાર થતા બમણો સમય લાગે. મીઠાની જરૂરિયાત પણ અલગ-અલગ રહે છે. મોટી માછલીઓ માટે સામાન્ય રીતે તેમના શરીરના વજન કરતા અડધા વજન જેટલું મીઠું જોઈએ. નાની, કડક માછલીઓ માટે તેમના શરીરના વજનના આઠમા ભાગના મીઠાની જરૂર પડે છે.
સૂકી માછલીના ઉત્પાદકો સીધું ઉપ્પળમ અથવા મીઠાના અગરમાંથી જ મીઠું ખરીદે છે. તેઓ કેટલું મીઠું વાપરશે એ અંગેના તેમના અંદાજને આધારે એ જથ્થો બદલાતો રહે છે - 1000 રુપિયાની કિંમતના વજનથી લઈને એક જ સમયે 3000 ની કિંમતના વજન સુધી. તેઓ તેને ત્રણ પૈડાંની સાઈકલ (ટ્રાઈસિકલ) પર અથવા 'કુટ્ટિયાનઈ' (જેનો શાબ્દિક અર્થ થાય છે, 'નાનો હાથી', નાની ટેમ્પો ટ્રક આ નામે ઓળખાય છે) માં લઈ જાય છે. અને તેમના ઘરની પાસે પ્લાસ્ટિકના ઊંચા વાદળી પીપડામાં રાખે છે.
ફાતિમા સમજાવે છે કે તેમના દાદીના સમયથી તે આજ સુધી કરવાડ બનાવવાની પ્રક્રિયામાં ઝાઝો ફેરફાર થયો નથી. માછલીના આંતરડા કાઢી નાખવામાં આવે છે, તેને સાફ કરવામાં આવે છે અને તેને ઉઝરડીને તેના ભીંગડા કાઢી નાખવામાં આવે છે. પછી તેને મીઠું ચડાવવામાં આવે છે, તેમાં મીઠું ભરવામાં આવે છે અને તેને તડકામાં સૂકવવામાં આવે છે. તેમનું કામ એકદમ ચોખ્ખું છે તેની તેઓ મને ખાતરી આપે છે, અને મને માછલીની ઘણી બધી ટોપલીઓ બતાવે છે. એકમાં કાપીને હળદર ચડાવીને સૂકવેલી કરવાડ છે. એક કિલો કરવાડ 150 થી 200 રુપિયામાં વેચાશે. બીજા કાપડના પોટલામાં ઊલી મીન (બર્રાકુડા) છે અને નીચે, પ્લાસ્ટિકની બાલદીમાં સૂકવેલી સાલઈ કરવાડ (સૂકવેલી સાર્ડિન્સ) છે. બાજુના ખૂમચામાંથી ફાતિમાના બહેન ફ્રેડરિક મોટેથી ઘાંટો પાડીને કહે છે, “જો અમારું કામ 'નાક્રે મુક્રે' (ઢંગધડા વિનાનું અને હલકી ગુણવત્તાનું) હોત તો કોઈ ખરીદતું હોત? આજકાલ ઘણા મોટા લોકો - અરે, પોલીસ પણ - અમારી પાસેથી કરવાડ ખરીદે છે. અમે અમારા કરવાડ માટે જાણીતા છીએ.”
બંને બહેનોના હાથમાં કાપા અને ઘસરકા પણ પડ્યા છે. ફ્રેડરિક મને તેમના હાથ બતાવે છે. તેમના હાથમાં છરીના ઘણા કાપા પડ્યા છે, કેટલાક નાના, કેટલાક ઊંડા; દરેક કાપો ફ્રેડરિકના ભૂતકાળ વિશે વાત કરે છે, તેમની હથેળી પરની રેખાઓ તેમના ભવિષ્યની આગાહી કરે છે તેના કરતાંય વધુ સચોટ રીતે.
ફાતિમા કહે છે, "મારા જેઠ માછલીઓ પકડે છે, અને અમે ચાર બહેનો તેને સૂકવીને વેચીએ છીએ." ફાતિમા તેમના ખૂમચાની અંદર છાંયડામાં બેઠા છે. તેઓ કહે છે, "તેમને ચાર શસ્ત્રક્રિયાઓ થઈ છે; હવે તેઓ દરિયામાં જઈ શકતા નથી. તેથી તેઓ તરઇસ્પુરમ હરાજી કેન્દ્રમાંથી અથવા તૂતુકુડીના માછીમારીના મુખ્ય બંદરેથી - થોડા હજાર [રુપિયા] ની માછલીઓનો જથ્થો ખરીદે છે. તમામ ખરીદીઓ એક કાર્ડમાં નોંધવામાં આવે છે. હું અને મારી બહેનો તેમને થોડું કમિશન આપીને તેમની પાસેથી માછલીઓ ખરીદીએ છીએ, અને પછી તેનું કરવાડ બનાવીએ છીએ.” ફાતિમા તેમના જેઠને “માપિળ્ળઈ” કહે છે, સામાન્ય રીતે તેનું ભાષાંતર 'જમાઈ' થાય છે; અને તેઓ તેમની બહેનોને "પુણ્ણ" તરીકે ઓળખાવે છે, સામાન્ય રીતે એ યુવાન છોકરી માટે વપરાતો શબ્દ છે.
એ બધાયની ઉંમર જોકે 60 થી ઉપર છે.
ફ્રેડરિક તેમના નામના તમિળ સંસ્કરણનો ઉપયોગ કરે છે: પેટ્રી. તેમણે 37 વર્ષથી - તેમના પતિ જ્હોન ઝેવિયરનું અવસાન થયું ત્યારથી - એકલી મહિલા તરીકે કામ કર્યું છે. તેઓ પણ તેને માપિળ્ળઈ કહે છે. તેઓ કહે છે, “વરસાદના મહિનાઓ દરમિયાન અમે માછલીઓ સૂકવી શકતા નથી. અને આજીવિકા રળવી ખૂબ જ મુશ્કેલ બની જાય છે. અમે ભારે વ્યાજ દરે નાણાં ઉછીના લઈએ છીએ - દર મહિને પ્રત્યેક રુપિયા પર 5 પૈસા ને 10 પૈસા." એટલે એક વર્ષના 60 થી 120 ટકા વ્યાજ થયું.
સુસ્ત નાળાની બાજુમાં કામચલાઉ ખૂમચાની બહાર બેઠેલા ફ્રેડરિક કહે છે કે તેમને એક નવું આઈસ બોક્સ જોઈએ છે. “એક મોટું, મજબૂત ઢાંકણ સાથેનું, જેમાં અમે તાજી માછલી રાખી શકીએ અને વરસાદના મહિનાઓમાં વેચી શકીએ છીએ. જુઓ, અમે દર વખતે અમારા ઓળખીતાઓ પાસેથી ઉધાર લઈ શકતા નથી કારણ કે દરેકના વ્યવસાયને ફટકો પડ્યો છે. પૈસા છે કોની પાસે? કેટલીકવાર તો દૂધનું પેકેટ ખરીદવાનાય ફાંફા પડી જાય છે."
સૂકી માછલી વેચીને કમાયેલા પૈસા ઘર, ખોરાક અને આરોગ્ય ખર્ચમાં વપરાઈ જાય છે. તેઓ આરોગ્ય ખર્ચ પર ભાર મૂકે છે - "પ્રેશર ને શુગરની ગોળીઓ" - અને જણાવે છે કે જે મહિનાઓ દરમિયાન "લોન્ચ" (માછીમારીની હોડીઓ) પર પ્રતિબંધ હોય છે, ત્યારે તેઓ ખોરાક ખરીદવા માટે પૈસા ઉછીના લે છે. તેઓ કહે છે, “એપ્રિલ અને મે મહિના દરમિયાન માછલીઓ ઈંડા મૂકે છે અને તેથી માછીમારીની પરવાનગી હોતી નથી. ત્યારે અમારા કામને ફટકો પડે છે. અને ચોમાસામાં - ઓક્ટોબરથી જાન્યુઆરી દરમિયાન - પણ, જ્યારે મીઠું મેળવવું અને માછલીઓ સૂકવવી મુશ્કેલ હોય છે. અમે આવા નબળા મહિનાઓ માટે નથી પૈસા બચાવી શકતા કે નથી અલગ રાખી શકતા.
આશરે 4500 રુપિયાની કિંમતનું નવું આઈસ બોક્સ, લોખંડના વજનિયાંની જોડી, અને એ ઉપરાંત એલ્યુમિનિયમનું તગારું, ફ્રેડરિક માને છે કે આ ત્રણ વસ્તુઓથી જીવન બદલાઈ જશે. “હું ફક્ત મારા માટે જ માગતી નથી; હું ઈચ્છું છું કે બધાને એ વસ્તુઓ મળી રહે." તેઓ કહે છે કે જો અમારી પાસે એ બધું હોય તો "અમે મેનેજ કરી શકીએ."
*****
જે પાકની હાથેથી લણણી કરી તેની પર - મોટાભાગે વૃદ્ધ મહિલા શ્રમિકો દ્વારા - પ્રક્રિયા કરવામાં આવે છે તેની તમિળ સંદર્ભમાં - છુપીઅદ્રશ્ય કિંમત હોય છે: એ વૃદ્ધ મહિલા શ્રમિકોના સમય અને અપૂરતા વેતનવાળા શ્રમની.
માછલીઓની સૂકવણી કરવાના કામનું પણ એવું જ છે.
ડો. રે સમજાવે છે, “મહિલાઓના આ પ્રકારના અવેતન શ્રમની ઈતિહાસમાં નવાઈ નથી./આ પ્રકારનો અવેતન શ્રમ મહિલાઓ વર્ષોથી કરતી આવી છે. તેથી જ પૂજા, ઉપચાર, રસોઈ, શિક્ષણ અને જોગવાઈનું આટલું વ્યવસાયીકરણ મહિલાઓ પ્રત્યેના ભારોભાર તિરસ્કાર અથવા પૂર્વગ્રહની સાથોસાથ થતું રહ્યું છે, મેલીવિદ્યા, ઘરડી પત્નીઓની વાર્તાઓ, ડાકણોનો ઉકાળો, વગેરે જેવા વિશેષ નામો એ વાતની સાબિતી આપી રહે છે." ટૂંકમાં, મહિલાઓના અવેતન શ્રમ માટે ઢગલાબંધ રૂઢિબદ્ધ ધારણાઓ અને તર્કસંગતતાઓ મળી રહે છે. તેઓ કહે છે, “એ સાંયોગિક નથી પરંતુ ધંધા ઊભા થાય અને પડી ભાંગે એ માટે હેતુપૂર્વક થયેલ છે. તેથી જ આજે પણ વ્યાવસાયિક રસોઈયાઓ મોટેભાગે પુરૂષત્વનું પ્રતિનિધિત્વ કરતા હોય છે, તેઓ હંમેશા ઘરની રસોઈમાં સુધારા કરી તેને ઊંચા સ્તરે લઈ જતા હોવાનો દાવો કરે છે. આ જ વસ્તુ પૂજારીઓએ કરી હતી. ચિકિત્સકોએ અને પ્રાધ્યાપકોએ પણ આમ જ કર્યું હતું.
તૂતુકુડી નગરની બીજી બાજુએ મીઠું બનાવતા એક કારીગર એસ. રાનીના રસોડામાં અમે અમારી નજર સામે કરવાડ કોળમ્બ (ગ્રેવી) તૈયાર થતી જોઈએ છીએ. એક વર્ષ પહેલાં સપ્ટેમ્બર 2021 માં અમે તેમને અગરમાંથી મીઠું પકવતા, જમીનને સળગાવી દે અને પાણીને બાળી નાખે એવા ધોમધખતા તડકામાં મીઠાના ચમકતા સ્ફટિકો ઉત્પન્ન કરતા જોયા હતા.
રાની જે કરવાડ ખરીદે છે તે તેના પડોશમાં સ્થાનિક રીતે પકવવામાં આવતા મીઠાનો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે. ગ્રેવી બનાવવા માટે તેઓ લીંબુના કદના આમલીના ગોળાને પાણીમાં પલાળી રાખે છે. પછી એક નાળિયેર તોડે છે, અને દાતરડાના વળાંકવાળા ભાગ વડે અડધા ભાગમાંથી એનો ગર (કોપરું) બહાર કાઢે છે. તેના કટકા કરે છે અને તેને છોલેલી છાલવાળી નાની ડુંગળી સાથે ઇલેક્ટ્રિક મિક્સરમાં મૂકે છે. જ્યાં સુધી તે ‘રેશમ’ જેવું સુંવાળું ન થઈ જાય ત્યાં સુધી તેને પીસી લે છે. રાણી તેમનું ભોજન તૈયાર કરતા કરતા ગપસપ કરે છે. તેઓ ઉપર જોઈને કહે છે, “કરવાડ કોળમ્બનો સ્વાદ બીજે દિવસે પણ સારો લાગે છે. એ થોડી રાબ સાથે કામ પર સાથે લઈ જવા માટે એ બહુ સારું છે."
એ પછી તેઓ શાકભાજી સાફ કરે છે અને સમારે છે - સરગવાની બે શીંગો, કાચા કેળા, રીંગણ અને ત્રણ ટામેટાં. લીમડાના થોડા પાંદડા અને મસાલા પાવડરનું પેકેટ ઘટકોની સૂચિને પૂરી કરે છે. માછલીની ગંધ આવતા એક બિલાડી ભૂખથી મ્યાઉં મ્યાઉં કરે છે. રાની પેકેટ ખોલીને જાતભાતના કરવાડ - નગરા, આસલકુટ્ટી, પારઈ અને સાલઈ બહાર કાઢે છે. તેઓ કહે છે, "આ બધું થઈને મને ચાલીસ રુપિયામાં મળ્યું." અને તે દિવસની ગ્રેવી માટે તેમાંથી લગભગ અડધી કરવાડ પસંદ કરે છે.
રાની તેમને ગમતી બીજી વાનગી - કરવાડ અવિયલની તૈયારીની પ્રક્રિયા સમજાવે છે. તેઓ આમલી, લીલા મરચા, ડુંગળી, ટામેટા અને કરવાડનો ઉપયોગ કરીને આ વાનગી બનાવે છે. મસાલા, મીઠું અને ખટાશના અદભૂત સંતુલન સાથેની આ એક લોકપ્રિય વાનગી છે, અને એક એવી વાનગી જેને શ્રમિકો તેમની સાથે મીઠાના અગર પર લઈ જાય છે. રાની અને તેની સખીઓ બીજી વાનગીઓની રેસિપી પણ શેર કરે છે. જીરું, લસણ, સરસવ અને હિંગને એકસાથે પીસીને થોડા મરી અને સૂકી માછલી સાથે આમલી અને ટામેટાંના સૂપી મિશ્રણમાં ઉકાળવામાં આવે છે. રાની કહે છે, "આને મિળગતન્ની કહેવાય છે, અને એ સુવાવડી મહિલાઓ માટે ઉત્તમ ગણાય છે, કારણ કે તે ઔષધીય મસાલાઓથી ભરપૂર હોય છે." આ વાનગી પ્રસંગોચિત રીતે ધાવણ વધારતી હોવાનું કહેવાય છે. કરવાડ વિનાનું મિળગતન્નીનું સંસ્કરણ તમિળનાડુની બહાર પણ રસમ તરીકે જાણીતું છે. બ્રિટિશરો ઘણા સમય પહેલા આ રેસિપી તેમની સાથે લઈ ગયા હતા, અને ઘણા ખંડીય મેનુમાં તે 'મુલગટ્વાની' સૂપ તરીકે દર્શાવાય છે.
રાની પાણીના વાસણમાં કરવાડ નાખે છે, અને પછી માછલીને સાફ કરે છે. તેઓ માથું, પૂંછડી અને ઝાલર દૂર કરે છે. સામાજિક કાર્યકર ઉમા મહેશ્વરી કહે છે, “અહીં બધા કરવાડ ખાય છે. બાળકો તેને એમ જ ખાય છે. અને કેટલાક, મારા પતિની જેમ, તેને સ્મોક્ડ કરીને ખાવાનું પસંદ કરે છે." કરવાડને ચૂલાની ગરમ રાખમાં દાટી દેવામાં આવે છે, અને જ્યારે તે સારી રીતે રંધાઈ જાય છે, ત્યારે તેને ગરમ-ગરમ ખાવામાં આવે છે. ઉમા જણાવે છે, "એની સુગંધ એટલી સરસ હોય છે. સુટ્ટ કરવાડ એક સ્વાદિષ્ટ વાનગી છે."
કોળમ્બ ઉકળવા મૂકીને રાની તેમના ઘરની બહાર પ્લાસ્ટિકની ખુરશી પર બેસે છે. અમે વાતો કરીએ છીએ. હું તેમને સિનેમામાં સાવ સાધારણ અનાકર્ષક રીતે કરાતી કરવાડની રજૂઆત વિશે પૂછું છું. તેઓ હસીને કહે છે, “કેટલીક જાતિના લોકો માંસ ખાતા નથી. આવી ફિલ્મો એ લોકો જ બનાવે છે. કેટલાક માટે એ નાતમ [અણગમતી વાસ] છે. અમારા માટે એ મણમ છે [એક સરસ સુગંધ]." અને આ સાથે તૂતુકુડીના મીઠાના અગરોની રાણી કરવાડ વિશેની ચર્ચાનું સમાપન કરે છે...
આ સંશોધન અભ્યાસને અઝીમ પ્રેમજી યુનિવર્સિટી, બેંગલુરુ દ્વારા તેમના સંશોધન ભંડોળ કાર્યક્રમ 2020ના ભાગરૂપે ભંડોળ પૂરું પાડવામાં આવેલ છે.
અનુવાદ: મૈત્રેયી યાજ્ઞિક