આપણે શ્રી ભદ્રિયા માતાજી મંદિરના લગભગ 200 વર્ષ જૂના માળખાની નીચે જેમ જેમ સીડી ઊતરતા જઈએ છીએ તેમ તેમ મંદિરના પ્રવેશદ્વાર પર ગાઈ રહેલા સંગીતકારોના અવાજો ધીમે ધીમે શમતા જાય છે. અચાનક બધા જ અવાજો સંભળાતા બંધ થઈ જાય છે - હવે આપણે જમીનથી 20 ફૂટ નીચે છીએ.
આપણી નજર સામે છે લગભગ 15000 ચોરસ ફૂટ વિસ્તારમાં ફેલાયેલ પુસ્તકાલયનો નજારો, રચનાની દ્રષ્ટિએ આ પુસ્તકાલય એક ભુલભુલામણી જેવું છે. સાંકડા કોરિડોરમાં થોડા થોડા અંતરે 562 અલમારીઓ હારબંધ મૂકેલી છે, તેમાં બે લાખથી વધુ પુસ્તકો છે. ચામડાથી બાંધેલા ગ્રંથો, (ઝાડની) છાલ પર લખેલી જૂની હસ્તપ્રત, હિંદુ, ઇસ્લામ, ખ્રિસ્તી અને બીજા ધર્મોના પુસ્તકોની જૂની આવૃત્તિઓ અને પેપરબેકથી માંડીને કાયદા અને ચિકિત્સા, ફિલસૂફી, ભૂગોળ, ઈતિહાસ વિગેરે વિવિધ વિષયો પરના નવા-નવા પુસ્તકોનો વિશાળ સંગ્રહ અહીં મળી રહેશે. ઉત્કૃષ્ટ શિષ્ટ સાહિત્ય અને આધુનિક નવલકથાઓથી સાહિત્ય વિભાગ પણ સમૃદ્ધ છે. મોટા ભાગના પુસ્તકો હિન્દીમાં છે, કેટલાક અંગ્રેજી અને સંસ્કૃતમાં પણ છે.
આ પુસ્તકાલયની સ્થાપના કરવાનો વિચાર પંજાબના ધાર્મિક વિદ્વાન હરવંશ સિંહ નિર્મલનો હતો. કહેવાય છે કે તેમણે જીવનના 25 વર્ષ મંદિરના પરિસરમાં એક ગુફામાં એકાંતવાસમાં ગાળ્યા હતા અને મંદિરની નીચે પુસ્તકાલય બનાવવાનું નક્કી કર્યું હતું. 2010 માં નિર્મલનું અવસાન થયું, પરંતુ તે પહેલા જ તેમણે તેમના હૃદયની સૌથી નજીકના બે કારણો - શિક્ષણ અને પ્રાણી કલ્યાણ માટે પૂરતું ભંડોળ એકત્ર કરી લીધું હતું.
શ્રી જગદંબા સેવા સમિતિના સેક્રેટરી જુગલ કિશોર કહે છે “તેઓ સાચા માનવતાવાદી હતા. બધા ધર્મોનો સાર એક જ છે: કે માણસની ચામડીનો રંગ અલગ-અલગ હોઈ શકે, વાળનો રંગ અલગ-અલગ હોઈ શકે, પરંતુ અંદરથી આપણે બધા એકસરખા જ છીએ.” આ ટ્રસ્ટ મંદિર અને પુસ્તકાલયનું સંચાલન કરવા ઉપરાંત 40000 થી વધુ ગાયો માટેની ટ્રસ્ટની ગૌશાળા પણ સંભાળે છે.
પુસ્તકાલયનું બાંધકામ 1983માં શરૂ થયું હતું અને 1998 સુધીમાં તેનું માળખું તૈયાર થઈ ગયું હતું. ત્યાર બાદ પુસ્તકોની શોધ શરૂ થઈ. કિશોર કહે છે, "તેઓ [નિર્મલ] આ પુસ્તકાલયને જ્ઞાનના કેન્દ્ર તરીકે, એક યુનિવર્સિટી તરીકે વિકસાવવા માગતા હતા, મહારાજા જી ઈચ્છતા હતા કે લોકો દૂર-દૂરથી આ સ્થળ શોધતા અહીં આવે, અને જ્ઞાનની શોધમાં અહીં આવતા લોકોને બીજે ક્યાંય ઉપલબ્ધ ન હોય તેવું તમામ જ્ઞાન અહીં સરળતાથી મળી રહે."
પુસ્તકાલયના સંચાલકોના કહેવા પ્રમાણે નુકસાન અને ધૂળને શક્ય તેટલા ટાળવા માટે પુસ્તકાલય માટે ભૂગર્ભમાં સ્થાન પસંદ કરવામાં આવ્યું હતું - ભારતીય સેનાની ફાયરિંગ રેન્જ, પોખરણ અહીંથી 10 કિલોમીટર દૂર છે, અને રાજસ્થાનના ઘાસના મેદાનોમાં વંટોળિયો ઊઠે છે ત્યારે ચારે તરફ ધૂળ જ ધૂળ છવાઈ જાય છે.
અશોક કુમાર દેવપાલ પુસ્તકાલયની જાળવણીની જવાબદારી સંભાળતી ટીમમાં કામ કરે છે. તેઓ કહે છે કે છ મોટા એક્ઝોસ્ટ ફેનની મદદથી પુસ્તકાલયને ભેજ-રહિત રાખવામાં આવે છે; હવાને શુષ્ક રાખવા માટે નિયમિતપણે કપૂર બાળવામાં આવે છે. ફૂગ ન થાય તે માટે “અમે સમયાંતરે પુસ્તકો ખોલીને ખુલ્લી જગ્યામાં તાજી હવામાં મૂકીએ છીએ. અમારામાંના સાતથી આઠ જણ મળીને વર્ષના બે મહિના સુધી આ કામ કરે છે.
મંદિરના ટ્રસ્ટની 1.25 લાખ વીઘા (આશરે 20000 એકર) જમીન છે જે ભદરિયા ઓરાન (પવિત્ર ઉપવન) છે, સિત્તેરેક વર્ષના કિશોર કહે છે કે અહીંની પરંપરા મુજબ, "(અહીં વાવેલા વૃક્ષોની) એક શાખા પણ કાપી શકાતી નથી." કિશોર 40000 થી વધુ ગાયો માટેની ટ્રસ્ટની ગૌશાળાનું પણ સંચાલન કરે છે. વર્ષમાં આશરે 2-3 લાખ લોકો આ સ્થળની મુલાકાત લે છે; ચાર વાર્ષિક તહેવારો દરમિયાન આવતા સમુદાયોમાં રાજપૂત, બિશ્નોઈ અને જૈન સંપ્રદાયના લોકોનો સમાવેશ થાય છે. હાલ પુસ્તકાલયનું ઉદ્દઘાટન થાય ત્યાં સુધી આ મુલાકાતીઓ પુસ્તકાલય જોવા માટે નીચે આવે છે.
પુસ્તકાલય ઉપરાંત અહીં એક વિશાળ ગૌશાળા (ગાયો માટેનું આશ્રયસ્થાન) છે, 150 કર્મચારીઓ આ ગૌશાળાની દેખરેખ રાખે છે. અહીં ગીર, થરપારકર, રાઠી અને નાગોરી - વિવિધ પ્રજાતિઓની હજારો ગાયો અને બળદ છે. ટ્રસ્ટના પ્રબંધક (એડમિનિસ્ટ્રેટર) અશોક સોદાણી કહે છે, "આ ઉપવન પશુ-પક્ષીઓ માટે છે." જન્મ આપવાની ક્ષમતા ગુમાવી દીધેલા પશુઓને અહીં લાવવામાં આવે છે અને તેમાં 90 ટકા બળદ હોય છે. સોદાણી કહે છે, "અમારી પાસે ગૌશાળા માટે 14 ટ્યુબવેલ છે, અને ટ્રસ્ટ દર વર્ષે ચારા પાછળ લગભગ 25 કરોડ [રૂપિયા] ખર્ચે છે." તેઓ ઉમેરે છે, "હરિયાણા, પંજાબ અને મધ્યપ્રદેશથી દરરોજ 3-4 ટ્રકો ભરીને ચારો અહીં આવે છે." તેઓ કહે છે કે આ ગૌશાળાના નિભાવ ખર્ચ માટેના પૈસા દાનમાંથી આવે છે.
ભૂગર્ભમાંથી નીકળી આપણે બહાર ખુલ્લા આકાશ નીચે સૂર્યપ્રકાશમાં આવીએ છીએ ત્યારે હજી પણ ઢોલી સમુદાયના પ્રેમ ચૌહાણ અને લક્ષ્મણ ચૌહાણ મંદિર અને તેની નીચે અને આસપાસના વિસ્તારો પર શાસન કરતા મુખ્ય દેવી શ્રી ભદરિયા માતાના ગુણગાન ગાતા ગાતા હાર્મોનિયમ વગાડી રહ્યા છે.
અનુવાદ: મૈત્રેયી યાજ્ઞિક