શિલા વાઘમારે માટે રાત્રે સારી ઊંઘ આવવી એ તો એક દૂરનું સપનું છે.
૩૩ વર્ષીય શિલા કહે છે, “હું રાત્રે સૂઈ શકતી નથી... [આવું તો] વર્ષો થી થઇ રહ્યું છે.” શિલા જમીન પર પાથરેલી ગોદડી પર પલાંઠી વાળીને બેઠેલા છે, અને તેમની લાલચોળ આંખોમાં તેમની પીડા સ્પષ્ટ પણે ચમકી રહી છે. રાતના લાંબા કલાકો તેઓ ઉજાગરામાં કેવી રીતે પસાર કરે છે એની વાત કરવા જાય છે, એટલે તેઓ જેને દબાવવાની કોશિશ કરી રહ્યા છે એ ચીસો બહાર નીકળવા લાગે છે, તેઓ કહે છે, “હું આખી રાત રડતી રહું છું. મને...મારો શ્વાસ રૂંધાતો હોય એવું લાગે છે.”
શિલા મહારાષ્ટ્રના બીડ જિલ્લાના રાજુરી ઘોડકા ગામની સીમમાં રહે છે, જે બીડ શહેરથી લગભગ ૧૦ કિલોમીટર દૂર આવેલું છે. જ્યારે તેઓ તેમના બે રૂમના ઈંટ વાળા મકાનમાં સૂવે છે, ત્યારે તેમની બાજુએ સૂતેલા તેમના પતિ માનિક અને તેમના ત્રણ બાળકો, કાર્તિક, બાબુ અને રુતુજા તેમના રડવાના અવાજને લીધે ઉઠી જાય છે. તેઓ કહે છે, “મારા રડવાના લીધે તેમની ઊંઘમાં ખલેલ પડે છે. પછી હું મારી આંખો બંધ કરીને સૂવાની કોશિશ કરું છું.”
પણ ન તો ઊંઘ આવે છે, કે ન તો આંસુ રોકાય છે.
શિલા કહે છે, “મને ચિંતા હંમેશા સતાવતી રહે છે.” થોડી વાર થોભીને તેઓ કહે છે, “આ બધું ત્યારે શરૂ થયું જ્યારે મારું પીશવી [ગર્ભાશય] કાઢી લેવામાં આવ્યું. તેનાથી મારું જીવન હંમેશ માટે બદલાઈ ગયું.” જ્યારે ૨૦૦૮માં તેમને હિસ્ટેરિક્ટમિ કરવામાં આવી, ત્યારે તેમની ઉંમર માત્ર ૨૦ વર્ષની હતી. ત્યારથી તેઓ લાંબા સમય સુધી ઉદાસીનતા, અનિદ્રા, તીવ્ર ચિંતા અને શારીરિક પીડા સહન કરી રહ્યા છે.
બેબસ થઈને શિલા કહે છે, “ઘણીવાર હું બાળકો ઉપર કારણ વગર ગુસ્સો કરી દઉં છું. જો તેઓ પ્રેમથી પણ કંઈ પૂછે, તો પણ હું તેમને ધમકાવી દઉં છું. હું કોશિશ કરું છું. હું રઘવાયી ન થાઉં તેવી કોશિશ કરું છું. પણ મને સમજાતું નથી કે હું આવું શા માટે કરું છું.”
માનિક સાથે લગ્ન થયા ત્યારે તેમની ઉંમર ૧૨ વર્ષની હતી. ૧૮ વર્ષની ઉંમરે પહોંચતા પહેલાં તો તેઓ ત્રણ બાળકોની માતા બની ગયા હતા.
તેઓ અને માનિક એ ૮ લાખ ‘ઊસ તોડ કામગરો’ (શેરડી કાપનારા મજૂરો) માંના એક છે, જેઓ શેરડી કાપવાની ૬ મહિનાની મોસમ દરમિયાન મરાઠવાડ વિસ્તારમાંથી ખેતમજૂરી કરવા માટે સ્થળાંતર કરે છે, અને માર્ચથી ઓક્ટોબર મહિના સુધી પશ્ચિમી મહારાષ્ટ્ર અને કર્ણાટકના શેરડીના ખેતરોમાં કામ કરે છે અને ત્યાં જ વસવાટ છે. વર્ષના બાકીના મહિનાઓમાં એકપણ ખેતરની માલિકી વગરના શિલા અને માનિક પોતાના કે આજુબાજુના ગામોમાં ખેતમજૂર તરીકે કામ કરે છે. તેઓ નવ બુધ્ધા સમુદાયના છે.
શિલા હિસ્ટેરિક્ટમિ કરાવ્યા પછી જે જટિલતાઓ અનુભવી રહ્યા છે, તે મહારાષ્ટ્રના આ વિસ્તારમાં કંઈ નવી વાત નથી. રાજ્ય સરકારે ૨૦૧૯માં શેરડીના પાકની કાપણી કરતી મહિલાઓમાં જોવા મળતા હિસ્ટેરિક્ટમિના વધુ પડતા પ્રમાણ વિષે તપાસ કરવા માટે એક સમિતિની રચના કરી હતી. તપાસમાં જોવા મળ્યું કે પીડિત મહિલાઓમાં માનસિક અને શારીરિક બીમારીઓનું પ્રમાણ વધારે હતું.
સમિતિના અધ્યક્ષ ડૉ. નિલમ ગોર્હે હતા, જેઓ મહારાષ્ટ્ર વિધાનસભાના ઉપરાષ્ટ્રપતિ હતા. આ સમિતિએ ૨૦૧૯ના જૂન અને જુલાઈ મહિનામાં એ જિલ્લામાંથી શેરડી કાપવા માટે જેમણે ઓછામાં ઓછું એક વખત સ્થળાંતર કર્યું હોય તેવી ૮૨,૩૦૯ મહિલાઓનું સર્વેક્ષણ કર્યું હતું. તેમાં જોવામાં આવ્યું કે ૧૩,૮૬૧ મહિલાઓએ હિસ્ટેરિક્ટમિ કરાવી હતી, જેમાંથી ૪૫% કરતા પણ વધારે મહિલાઓ એટલે કે ૬,૩૧૪ મહિલાઓએ માનસિક કે શારીરિક તકલીફોનો સામનો કરવો પડ્યો હતો. તેમાં મુખ્યત્વે, અનિદ્રા, હતાશા, નિરાશાવાદી વિચારો, સાંધાના અને પીઠના દુખાવા જેવી તકલીફોનો સમાવેશ થાય છે.
મુંબઈના સ્ત્રીરોગ વિશેષજ્ઞ અને વીએન દેસાઈ મ્યુનિસિપલ જનરલ હોસ્પિટલના સલાહકાર ડૉ. કોમલ ચવન કહે છે કે, હિસ્ટેરિક્ટમિ એક જટિલ પ્રક્રિયા છે જેના લીધે મહિલાઓના શરીર પર લાંબાગાળા સુધી વિપરીત અસરો થાય છે. “તબીબી ભાષામાં અમે આને સર્જીકલ મેનોપોઝ કહીએ છીએ.”
સર્જરી કરાવ્યા પછીના વર્ષોમાં શિલા એ સાંધાનો દુખાવો, માથાનો દુખાવો, કમરનો દુખાવો, અને થાક જેવી બિમારીઓનો સામનો કરવો પડ્યો છે. તેઓ કહે છે, “દર બે-ત્રણ દિવસે મને દુખાવો થાય છે.”
દુખાવો ઓછી કરવાની દવાઓ અને ગોળીઓથી ક્ષણિક રાહત મળે છે. તેઓ ૧૬૬ રૂપિયાની ડાય્કલોફેનૈક જેલની ટ્યુબ બતાવીને કહે છે, “હું મારા ઘૂંટણના અને પીઠના દુખાવા માટે મહિનામાં બે વખત આ ક્રીમ ખરીદું છું.” આ સિવાય ડૉકટરે લખેલી કેટલીક દવાઓ પણ હોય છે. એમને મહિનામાં બે વખત થાક અને કમજોરીના કારણે ગ્લુકોઝ પણ ચડાવવામાં આવે છે.
તેમના ઘરથી એક કિલોમીટર દૂર આવેલા ખાનગી દવાખાનામાં દવાઓ અને ડૉક્ટરની સલાહ પાછળ દર મહીને ૧,૦૦૦-૨,૦૦૦ રૂપિયા ખર્ચ થાય છે. બીડ જિલ્લાની સિવિલ હોસ્પિટલ તેમના ઘરથી ૧૦ કિલોમીટર દૂર છે, આથી ખાનગી હોસ્પિટલમાં ઈલાજ કરાવવો એમના માટે સસ્તો અને સરળ વિકલ્પ બની રહે છે. તેઓ કહે છે, “એટલે દૂર જવા માં ગાડી ઘોડા [મુસાફરી] પાછળ ખર્ચ વધારે થાય છે, આવું કોણ કરે?”
દવાઓ ભાવનાત્મક બદલાવમાં મદદ નથી કરતી. “આસા સગલા ત્રાસ અસલ્યાવર કા મ્હાનૂન જગાવા વાટેલ? [આ બધી મુશ્કેલીઓ હોવાને લીધે, હું કઈ રીતે માનું કે જીવન જીવવા લાયક છે?]”
મુંબઈના મનોચિકિત્સક ડૉ. અવિનાશ ડિસોઝા કહે છે કે હિસ્ટેરિક્ટમિના લીધે હોર્મોન્સમાં જે બદલાવ થાય છે તેના લીધે શારીરિક આડઅસરો ઉપરાંત, ડીપ્રેશન અને તણાવ જેવી તકલીફો પણ થાય છે. તેમના કહેવા પ્રમાણે હિસ્ટેરિક્ટમિ કે પછી અંડાશયની નિષ્ક્રિયતાને સંબંધિત બીમારીઓની તીવ્રતા દરેક વખતે અલગ હોય છે. તેઓ કહે છે, “કેટલીક સ્ત્રીઓ પર આની અસર ગંભીર હોય છે, જ્યારે કેટલીક સ્ત્રીઓ પર આની અસર મામૂલી હોય છે.”
સર્જરી પછી પણ, શિલા માનિક સાથે શેરડી કાપવા માટે પશ્ચિમ મહારાષ્ટ્રમાં સ્થળાંતર કરે છે. તેઓ સામાન્ય રીતે તેમના પરિવાર સાથે બીડથી લગભગ ૪૫૦ કિલોમીટર દૂર કોલ્હાપુરમાં શેરડી પિલાણની ફેક્ટરીમાં જાય છે.
ઓપરેશન પહેલાના દિવસોને યાદ કરતાં શિલા કહે છે, “અમે ૧૬ થી ૧૮ કલાક કામ કરીને એક દિવસમાં લગભગ બે ટન શેરડી કાપી લેતાં હતા.” એક ટન શેરડીને કાપીને તેનું બંડલ બનાવ્યા પછી તેમને દરેક ‘કોયટા’ દીઠ ૨૮૦ રૂપિયા મજૂરી મળે છે. કોયટા શબ્દનો શાબ્દિક અર્થ એ દાતરડું થાય છે જેનાથી ૭-૭ ફૂટ ઊંચા શેરડીના છોડને કાપવામાં આવે છે. પણ પારિભાષિક રીતે, તેનો અર્થ એક સાથે શેરડી કાપતા યુગલ એવો થાય છે. મજૂર ઠેકેદારો દ્વારા ભાડે રાખેલા બે સભ્યોના એકમને અગાઉથી એક સામટી રકમ ચૂકવવામાં આવે છે.
શિલા કહે છે, “૬ મહિનામાં અમે ૫૦,૦૦૦-૭૦,૦૦૦ રૂપિયા કમાઈ લેતાં હતા.” પણ હિસ્ટેરિક્ટમિ કરાવ્યા પછી આ યુગલ માટે દરરોજ એક ટન શેરડી કાપવાનું અને તેનું બંડલ બનાવવાનું પણ કઠીન થઇ પડ્યું છે. “હું હવે ભારે વજન ઉઠાવી નથી શકતી, અને પહેલાની જેમ ઝડપથી શેરડી પણ કાપી નથી શકતી.”
પણ શિલા અને માનિકે ૨૦૧૯માં તેમના ઘરનું સમારકામ કરાવવા માટે વાર્ષિક ૩૦% ના વ્યાજદરે ૫૦,૦૦૦ રૂપિયા એડવાન્સ લીધા હતા. એ દેવાની ભરપાઈ કરવા માટે તેમણે કામ કરવાનું ચાલુ રાખવું પડશે. શિલા કહે છે, “આ તો સતત ચાલનારું ચક્ર છે.”
*****
શેરડીના ખેતરોમાં તનતોડ મહેનત કરવી માસિક સ્રાવના દિવસોમાં મહિલાઓ માથે ખુબજ કઠીન થઇ પડે છે. ખેતરોમાં શૌચાલય કે બાથરૂમ નથી હોતા, અને તેમના રહેવાની જગ્યા પણ એટલી જ દયનીય હોય છે. કોયટા, જેમની સાથે અમુક વાર તેમના બાળકો પણ હોય છે, શેરડીના ખેતરો અને ફેક્ટરીઓની નજીક તંબુમાં રહે છે. શિલા યાદ કરીને કહે છે, “પાલી [માસિકસ્ત્રાવ] દરમિયાન કામ કરવું કઠીન હતું.”
એક દિવસ રજા લેવા માટે પણ કિંમત ચૂકવવી પડે છે, કારણ કે મુકાદમ (મજૂર ઠેકેદાર) એ દિવસનું મહેનતાણું દંડ તરીકે કાપી લે છે.
શિલા કહે છે કે કાપણી કરતી મહિલા મજૂરો ખેતરોમાં સુતરાઉ કાપડના પેટીકોટ માંથી બનાવેલા કપડાના પેડ્સ પહેરીને જાય છે. તેઓ દિવસમાં ૧૬ કલાક સુધી પેડ બદલ્યા વગર કામ કરે છે. તેઓ કહે છે, “હું તેને આખો દિવસ કામ કર્યા પછી બદલતી હતી. રક્તને પૂર્ણા ભીજૂન રક્ત તપકાયચે કાપડ્યાટૂન [તે આખું પલળી ગયેલું હોય છે, અને તેમાંથી લોહી ટપકતું હોય છે.].”
સફાઈ કે સ્વચ્છતાની યોગ્ય સુવિધાઓના અભાવ અને વપરાયેલા કાપડને ધોવા માટે પૂરતા પાણી અને તેને સૂકવવા માટે જગ્યા નો અભાવ હોવાથી, તેઓ ઘણી વાર ભીના પેડ્સ પહેરતા હતા. તેઓ કહે છે, “તેમાંથી ગંધ આવતી હતી, પરંતુ તેને તડકામાં સૂકવવું કઠીન કામ હતું; આસપાસ ઘણા બધા પુરુષો હતા.” સેનીટરી પેડ્સ વિષે તેમને વધારે ખબર નહોતી. તેઓ આગળ ઉમેરે છે, “જ્યારે મારી દીકરીને માસિક આવવાનું શરૂ થયું ત્યારે જ મને આની ખબર પડી.”
તેઓ તેમની ૧૫ વર્ષની દીકરી રુતુજા માટે સેનીટરી પેડ્સ ખરીદે છે, “તેના સ્વાસ્થ્ય સાથે હું કોઈ બાંધછોડ કરવા નથી માંગતી.”
૨૦૨૦માં, મહિલા ખેડૂતોના અધિકારો માટે કામ કરતા મહિલા સંગઠનોના પુણે સ્થિત ગઠબંધન, મકામે મહારાષ્ટ્રના આઠ જિલ્લાઓમાં ૧,૦૪૨ શેરડી કાપનારાઓની મુલાકાત કરીને તેનો સર્વેક્ષણ અહેવાલ બહાર પાડ્યો હતો. અહેવાલમાં જાણવા મળ્યું કે શેરડી કાપનારી મહિલા મજૂરો માંથી ૮૩% મહિલાઓ તેમના પીરિયડ્સ દરમિયાન કાપડનો ઉપયોગ કરે છે. માત્ર ૫૯% મહિલાઓ પાસે આ કપડાના પેડ ધોવા માટે પાણી સુધી પહોંચ હતી અને લગભગ ૨૪% મહિલાઓએ ભીના પેડનો ફરીથી ઉપયોગ કર્યો હતો.
આવી અસ્વચ્છ પ્રથાઓ અતિશય રક્તસ્રાવ અને પીરિયડ્સ સમયે પીડા જેવી સ્ત્રીરોગ સંબંધી સમસ્યાઓનું કારણ બને છે. શિલા કહે છે, “મને મારા પેટના નીચેના ભાગમાં સતત દુખાવો થતો હતો અને યોનિમાર્ગ માંથી જાડા સફેદ પ્રવાહીનો સ્રાવ પણ થતો હતો.”
ડૉ. ચવન કહે છે કે અસ્વચ્છ માસિક ધર્મના લીધે ચેપ લાગવો સામાન્ય વાત છે, અને આનો ઈલાજ મામૂલી દવાઓથી પણ કરી શકાય છે. “હિસ્ટરેકટમી એ આનો પ્રાથમિક વિકલ્પ નથી પરંતુ કેન્સર, યુટેરાઈન પ્રોલેપ્સ કે પછી ફાઇબ્રોઇડ્સના કિસ્સામાં તે છેલ્લો ઉપાય છે.”
શેરડીના ખેતરોમાં તનતોડ મહેનત કરવી માસિક સ્રાવના દિવસોમાં મહિલાઓ માથે ખુબજ કઠીન થઇ પડે છે. ખેતરોમાં શૌચાલય કે બાથરૂમ નથી હોતા, અને તેમના રહેવાની જગ્યા પણ એટલી જ દયનીય હોય છે
શિલા, કે જેઓ મરાઠીમાં તેમનું નામ લખ્યા સિવાય વાંચી કે લખી શકતા નથી, તેમને ખબર જ નહોતી કે આવા ચેપનો ઈલાજ થઇ શકે છે. અન્ય શેરડી કાપનારી મહિલા મજૂરોની જેમ તેમણે પણ દુખાવો ઓછો કરવાની દવા લેવા માટે બીડની એક ખાનગી હોસ્પિટલનો સંપર્ક કર્યો. તેમનું આવું કરવા પાછળનો આશય હતો કે દુખાવો ઓછો થાય તો તેઓ તેમના પીરિયડ્સ દરમિયાન પણ કામ ચાલુ રાખી શકે, જેથી મજૂર ઠેકેદાર તેમને દંડ ન કરે.
હોસ્પિટલમાં, એક ડૉક્ટરે તેમને કેન્સરની સંભાવના વિષે ચેતવણી આપી હતી. શિલા યાદ કરીને કહે છે, “કોઈ બ્લડ ટેસ્ટ કે સોનોગ્રાફી કરવામાં નહોતી આવી. તેમણે કહ્યું કે મારા ગર્ભાશયમાં કાણું છે. અને હું પાંચ-છ મહિનામાં કેન્સરથી મરી જઈશ.” અ વાતથી ગભરાઈને, તેઓ ઓપરેશન કરાવવા માટે સંમત થઈ ગયા. તેઓ કહે છે, “તે જ દિવસે, થોડા કલાકો પછી, ડૉક્ટરે મારા પતિને મારી કાઢી નાખેલી પિશવી [ગર્ભાશય] બતાવી અને કહ્યું કે આ છિદ્રો જુઓ.”
શિલાએ હોસ્પિટલમાં સાત દિવસ પસાર કર્યા. માનિકે પોતાની બચતના પૈસામાંથી અને મિત્રો અને સગા-વહાલા પાસેથી પૈસા લઈને ૪૦,૦૦૦ ની ચુકવણી કરી.
બીડમાં શેરડીના ખેતરોમાં કામ કરતા મજૂરોની પરિસ્થિતિ સુધારવા માટે કામ કરી રહેલા સામાજિક કાર્યકર અશોક તાંગડે કહે છે, “આ પ્રકારની મોટાભાગના ઓપરેશન ખાનગી હોસ્પિટલોમાં થાય છે. ડૉકટરો કોઈ પણ માન્ય તબીબી કારણ સિવાય હિસ્ટરેકટમી જેવું ગંભીર ઓપરેશન કરી દે છે એ અમાનવીય વાત છે.”
સરકારે રચેલી સમિતિમાં એ વાતની ખાતરી આપી કે સર્વેક્ષણ કરેલી લગભગ ૯૦% થી પણ વધારે મહિલાઓએ ખાનગી હોસ્પિટલોમાં ઓપરેશન કરાવ્યું હતું.
શિલાને સંભવિત આડઅસરો અંગે કોઈ તબીબી સલાહ મળી નહોતી. તેઓ કહે છે, “હું પીરિયડ્સથી મુક્ત થઈ ગઈ છું, પરંતુ હું અત્યારે સૌથી ખરાબ જીવન જીવી રહી છું.”
વેતન કાપના ડર, મજૂર ઠેકેદારોના દમનકારી નિયમો અને નફાના ભૂખ્યા ખાનગી સર્જનો વચ્ચે ફસાયેલી, બીડ જિલ્લામાં શેરડીના ખેતરોમાં કામ કરતી મહિલા કામદારો પાસે કહેવા માટે આજ વાર્તા છે.
*****
શિલાના ઘરથી છ કિલોમીટર દૂર કઠોડા ગામના રહેવાસી લતા વાઘમારેનો અનુભવ કંઈ અલગ નથી.
૩૨ વર્ષીય લતા કહે છે, “મને જીવતા રહેવાની ઈચ્છા જ નથી.” લતાને ૨૦ વર્ષની વયે હિસ્ટરેકટમી કરાવવી પડી હતી.
તેમના પતિ રમેશ સાથે પોતાના સંબંધો વિષે વાત કરતા તેઓ કહે છે, “અમારી વચ્ચે પ્રેમ જેવું કંઈ નથી.” ઓપરેશનના એક વર્ષ પછી જેમ-જેમ તેઓ વધારે ચિડીયલ સ્વભાવના થવા લાગ્યા અને તેમના પતિથી દૂર થવા લાગ્યા તેમ-તેમ પરિસ્થિતિ બદલાવા લાગી.
લતા કહે છે કે, “જ્યારે પણ તેઓ મારી પાસે આવે, એટલે હું તેમને પાછા ધકેલી દેતી હતી. એ પછી અમારી વચ્ચે ઝગડો અને બુમબરાડા થતા હતા.” તેઓ કહે છે કે તેમની નિરંતર ના પાડવાના કારણે તેમના પતિની શારીરિક ઈચ્છાઓ પણ પૂરી થઇ ગઈ. “તેઓ હવે મારી સાથે સરખી રીતે વાત પણ નથી કરતા.”
એક ખેતમજૂર તરીકે કામ કરવાની શરૂઆત કર્યા પહેલાં તેમનો સમય એક ગૃહિણી તરીકે ઘર કામ પૂરું કરવામાં પસાર થાય છે. તેઓ પોતાના કે બાજુના ગામમાં બીજા લોકોના ખેતરોમાં મજૂરી કરીને દિવસના ૧૫૦ રૂપિયા કમાણી કરે છે. તેમને ઘૂંટણમાં દુખાવો, પીઠમાં દુખાવો, અને માથામાં દુખાવા જેવી તકલીફો રહે છે. આમાંથી રાહત મેળવવા માટે તેઓ દવા લે છે કે પછી ઘરગથ્થુ ઉપચાર કરે છે. તેઓ કહે છે, “તેમની પાસે જવાનું મને કેમ કરીને મન થાય?”
લતાના લગ્ન ફક્ત ૧૩ વર્ષની વયે થયા હતા, અને તેમણે લગ્ન થયાના એક વર્ષ પછી તેમના દીકરા આકાશને જન્મ આપ્યો હતો. તેણે ૧૨માં ધોરણ સુધી અભ્યાસ કર્યો હતો, પણ તે તેના માતા-પિતા સાથે શેરડીના ખેતરમાં કામ કરવા જાય છે.
એ પછી લતાને એક દીકરી પણ થઇ હતી, પણ જ્યારે તે પાંચ મહિનાની હતી ત્યારે શેરડીના ખેતરોમાં ટ્રેક્ટર નીચે આવી જવાથી તેનું મોત નીપજ્યું હતું. બાળકો અને નવજાત શિશુઓ માટે પાયાની સુવિધાઓની અછતના કારણે શેરડીના ખેતરમાં કામ કરતા યુગલો કામ કરતી વેળાએ પોતાના બાળકોને ખેતરોમાં જ રાખવા માટે મજબૂર છે.
લતા પોતાની વ્યથા વિષે વાત કરી શકતા નથી.
તેઓ કહે છે, “મને કામ કરવાની ઈચ્છા નથી થતી, મને થાય છે કે હું બેસી રહું અને કંઈ કરું નહીં.” કામમાં તેમની અરુચિના કારણે તેમનાથી વધારે ભૂલો થાય છે. “ઘણીવાર હું સ્ટવ પર દૂધ કે સબ્જી મુકું છું, અને તે ઉભરાય તો પણ હું કોઈ પ્રતિક્રિયા આપતી નથી.”
પોતાની દીકરીની મોત પછી પણ, લતા અને રમેશને શેરડી કાપવાની મોસમમાં ઘેર બેસવું પરવડે તેમ નહોતું.
લતાએ પાછળથી ત્રણ બાળકીઓને જન્મ આપ્યો – અંજલી, નિકિતા, અને રોહિણી. અને તેમણે તેમના બાળકોને ખેતરમાં લઇ જવાનું ચાલુ રાખ્યું. લતા ઉદાસ અવાજે કહે છે, “જો કામ નહીં કરીએ, તો બાળકો ભૂખમરાથી મરી જશે. જો અમે કામે જઈએ, તો બાળકો અકસ્માતમાં મરી જશે. બંનેમાં શું ફેર છે?”
મહામારીના કારણે શાળાઓ બંધ થવાથી ઘેર એક પણ સ્માર્ટફોન ન હોવાથી ઓનલાઈન વર્ગો દ્વારા અભ્યાસ કરવો અશક્ય છે. આ કારણે તેમની બાળકીઓનું ભણતર અચાનક જ અટકી ગયું છે. ૨૦૨૦માં અંજલીના લગ્ન થઇ ગયા હતા, અને નિકિતા અને રોહિણી માટે સારા જોડા માટેની શોધખોળ અત્યારે ચાલુ છે.
માર્ચ ૨૦૨૦ પછી ખેતમજૂર તરીકે કામ કરનારી અને તેણીના માતા-પિતા સાથે શેરડીના ખેતરોમાં જનારી નિકિતા કહે છે, “મેં [સાતમા ધોરણ સુધી] અભ્યાસ કર્યો છે. હું ભણવા ઈચ્છું છું, પણ અત્યારે ભણી શકીશ નહીં. મારા માતા-પિતા મારા લગ્ન કરવાનું વિચારી રહ્યા છે.”
નિલમ ગોર્હેની આગેવાની વાળી સમિતિ દ્વારા ભલામણો જાહેર કર્યાના ત્રણ વર્ષ પછી પણ તેના પર અમલીકરણ ખુબજ ધીમે થઇ રહ્યું છે. શિલા અને લતા કહે છે કે ચોખ્ખા પાણી, શૌચાલય, અને કામચલાઉ આવાસ આપવાના નિર્દેશો ફક્ત કાગળ પર જ છે.
તેમની કામની પરિસ્થિતિઓમાં સુધારો આવશે એ વિચારને નકારી કાઢતાં શિલા કહે છે, “કેવું શૌચાલય અને કેવું ઘર. બધું એવું જ છે.”
સમિતિની બીજી ભલામણ આશા કાર્યકરો અને આંગણવાડી કાર્યકરોના જૂથો બનાવવાની હતી, જેઓ શેરડી કાપનાર મહિલાઓની આરોગ્યની ચિંતાઓનું નિરાકરણ લાવી શકે.
વેતન કાપના ડર, મજૂર ઠેકેદારોના દમનકારી નિયમો અને નફાના ભૂખ્યા ખાનગી સર્જનો વચ્ચે ફસાયેલી, બીડ જિલ્લામાં શેરડીના ખેતરોમાં કામ કરતી મહિલા કામદારો પાસે કહેવા માટે આજ વાર્તા છે
શું ગામની આશા કાર્યકર્તા તેમની મુલાકાત લેવા આવે છે કે કેમ તે અંગે પૂછવામાં આવતા લતા કહે છે, “કોઈ ક્યારેય નથી આવતું. દિવાળી પછીના છ મહિના સુધી અમે શેરડીના ખેતરમાં છીએ. ઘર બંધ રહે છે.” કઠોડાના કિનારે ૨૦ ઘરોની દલિત વસાહતમાં નવ બૌદ્ધ પરિવારના હોવાના કારણે, ગ્રામજનો તેમની સાથે નિયમિત રીતે ભેદભાવ કરે છે, તેઓ આગળ ઉમેરે છે, “અમને કોઈ પૂછવા નથી આવતું.”
બીડ સ્થિત સામાજિક કાર્યકર્તા તાંગડે કહે છે કે બાળ લગ્નની સમસ્યાઓ અને ગામના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોમાં તાલીમ પામેલા ગાયનેકોલોજિસ્ટની અછતને જલ્દીથી ઉકેલવાની જરૂર છે. તેઓ કહે છે, “આ ઉપરાંત દુકાળ, અને રોજગારની તકોનો અભાવ પણ [જવાબદાર] છે. શેરડીના કામદારોના પ્રશ્નો માત્ર તેમના સ્થળાંતર પૂરતા મર્યાદિત નથી.”
આ દરમિયાન, શિલા, લતા અને અન્ય હજારો મહિલાઓ આ શેરડીની મોસમમાં કામે લાગી ગઈ છે અને તેમના ઘરથી હજારો કિલોમીટર દૂર દયનીય હાલત વાળા તંબુઓમાં રહે છે, અને હજુ પણ કાપડના પેડ્સનો ઉપયોગ કરે છે. તેમની પાસે હજુ પણ સ્વચ્છતા માટેની સુવિધાઓનો અભાવ છે.
શિલા કહે છે, “મારે હજુ ઘણા વર્ષો જીવવાનું છે. મને ખબર નથી કે હું કઈ રીતે જીવતી રહીશ.”
ગ્રામીણ ભારતના કિશોરો અને કિશોરીઓ અંગેનો રાષ્ટ્રવ્યાપી અહેવાલ આપતી PARI અને કાઉન્ટરમિડિયા ટ્રસ્ટની યોજના જનસામાન્યના અભિપ્રાય અને જીવંત અનુભવ દ્વારા આ અગત્યના છતાં છેવાડાના જૂથોની પરિસ્થિતિના અભ્યાસ અંગે પોપ્યુલેશન ફાઉન્ડેશન ઓફ ઈન્ડિયા દ્વારા સમર્થિત પહેલનો ભાગ છે.
આ લેખ ફરીથી પ્રકાશિત કરવા માંગો છો? કૃપા કરી [email protected] ને cc સાથે [email protected] પર લખો.
અનુવાદક: ફૈઝ મોહંમદ