મણિપુરના ચુરાચંદપુર જિલ્લામાં આવેલા તેમના ગામ લંગ્ઝામાં પાછા જવાનો વિચાર સુધ્ધાં ખુમા થિએકની કરોડરજ્જુને કંપાવી દે છે. આ 64 વર્ષીય ખેડૂત છેલ્લા 30 વર્ષોથી લંગ્ઝામાં વસી રહ્યા હતા. તે હૂંફની અને ઓળખીતાઓના રહેવાની જગ્યા હતી, જ્યાં તેમણે તેમના પુત્ર ડેવિડનો ઉછેર કર્યો હતો, તેને શાળાએ મોકલવા માટે તેનું ભોજન પેક કર્યું હતું, અને ત્યાં જ તેઓ તેમના ડાંગરના ખેતરમાં સાથે કામ કરતા હતા. આ જ જગ્યાએ તેઓ પ્રથમવાર દાદા પણ બન્યા હતા. લંગ્ઝા જાણે કે ખુમાની આખી દુનિયા જ હતી. એક એવી દુનિયા જેનાથી તેમને પૂરી રીતે સંતોષ હતો.
પણ 2 જુલાઈ 2023 પછી તેમની આ દુનિયા તહેસ−નહેસ થઈ ગઈ.
તે દિવસે ક્રૂર રીતે ખુમાની જીવનભરની યાદોને ભૂંસી નાખી અને ખુમાને એવી છબી સાથે છોડી દીધા જેમાંથી તેઓ બહાર આવી શકતા નથી. તે એક એવી છબી છે જેણે તેમની ઊંઘ હરામ કરી દીધી છે. તે છબીએ તેમનું જીવવું પણ હરામ કરી દીધું છે. તે છબી છે ધડથી જુદું કરીને લંગ્ઝાના પ્રવેશદ્વાર પર લટકાવેલા તેમના દીકરાના કપાયેલા માથાની છબી.
ભારતના ઉત્તરપૂર્વ પ્રદેશમાં ખુમાનું વતન મણિપુર રાજ્ય 3 મે, 2023થી વંશીય સંઘર્ષની ભયાનક આગમાં સળગી રહ્યું છે. ચાલુ વર્ષે માર્ચ મહીનાના અંતમાં, મણિપુર હાઇકોર્ટે પ્રભાવશાળી મૈતેઇ સમુદાયને “આદિવાસી હોવાનો દરજ્જો” આપ્યો હતો, જેનાથી તેઓ આર્થિક લાભો અને સરકારી નોકરીઓમાં ક્વોટા માટે પાત્ર બનશે. તેનાથી તેમને ડુંગરાળ વિસ્તારોમાં જ્યાં કુકી આદિવાસીઓ વસેલા છે, ત્યાં જમીન ખરીદવાની પણ મંજૂરી મળશે. પછી સુપ્રીમ કોર્ટે આ નિર્ણય પર રોક લગાવી દીધી હતી.
રાજ્યમાં 28 ટકા વસ્તી ધરાવતા કુકી સમુદાયનું માનવું છે કે આ નિર્ણયથી રાજ્ય પર મૈતેઇ લોકોનો ગઢ મજબૂત થઈ જતો, જેમાં પહેલેથી જ તેમની વસ્તી 53 ટકા છે.
3 મેના રોજ, કુકી સમુદાયના કેટલાક લોકોએ કોર્ટના ચુકાદાના વિરોધમાં ચુરાચંદપુર જિલ્લામાં રેલી કાઢી હતી.
વિરોધ પ્રદર્શન પછી, 1917માં ચુરાચંદપુરમાં વસાહતી બ્રિટિશ શાસન સામે કુકી લોકોએ કરેલા બળવાને ચિહ્નિત કરતા એક એંગ્લો−કુકી યુદ્ધ સ્મારકના દરવાજાને મૈતેઇ લોકો દ્વારા આગચંપી કરવામાં આવી. આનાથી વ્યાપક હુલ્લડો ફાટી નીકળ્યા, જેમાં પ્રથમ ચાર દિવસમાં 60 લોકો માર્યા ગયા.
આ આગ ફેલાઈને હિંસા અને અફરાતફરીની આગમાં પરિણમી, જેનાથી રાજ્યભરમાં બર્બર હત્યાઓ, શિરચ્છેદ, સામૂહિક બળાત્કાર અને આગચંપીની ઘટનાઓ થઈ. અત્યાર સુધીમાં, આ રાજ્યમાં લગભગ 190 લોકો માર્યા ગયા છે, અને 60,000થી વધુ લોકો બેઘર બન્યા છે − જેમાંથી મોટાભાગના કુકી સમુદાયના છે. બાદમાં રાજ્ય સરકાર અને પોલીસ પર આ ગૃહયુદ્ધમાં મૈતેઇ સમુદાયના આતંકવાદીઓને ઉશ્કેરવાનો આરોપ મૂકવામાં આવ્યો છે.
બે સમુદાયો વચ્ચે વિશ્વાસના અભાવે તેમને તેમના પોતાના ગામમાં સુરક્ષા દળો બનાવવાની ફરજ પડી છે. આ દુશ્મનો એ છે, કે જેઓ એક સમયે એકબીજાના પાડોશી હતા.
2 જુલાઇની વહેલી સવારે, ખુમાનો પુત્ર, 33 વર્ષીય ડેવિડ લંગ્ઝાના કુકી લોકોના એક ગામની રક્ષા કરી રહ્યો હતો, જ્યારે તેના પર સશસ્ત્ર મૈતેઇ લોકોના દ્વારા અચાનક હુમલો કરવામાં આવ્યો. લંગ્ઝા કુકી−પ્રભુત્વ ધરાવતા ચુરાચંદપુર જિલ્લા અને મૈતેઇ−પ્રભુત્વવાળી ઇમ્ફાલ ખીણની સરહદ પર સ્થિત છે, જે તેને સંવેદનશીલ જગ્યા બનાવે છે.
રહેવાસીઓ પાસે વધુ સમય ન હોવાનો અહેસાસ થતાં, ડેવિડ બેબાકળો થઈને પાછળ દોડી ગયો અને લોકોને તેમનો જીવ માટે દોડવા કહ્યું, જ્યારે તે પોતે સશસ્ત્ર ટોળું ખાડીમાંથી બહાર ન આવે તેનું ધ્યાન રાખવા રોકાઈ રહ્યો. ખુમા કહે છે, “અમે જે કંઈ થઈ શક્યું તે ભેગું કર્યું અને પહાડીઓના ઊંડા વિસ્તારોમાં જવા માટે દોડ્યા, જ્યાં અમારી આદિવાસીઓ કેન્દ્રિત છે. ડેવિડે વચન આપ્યું હતું કે તે ટૂંક સમયમાં ત્યાં આવી જશે. તેની પાસે સ્કૂટર હતું.”
ડેવિડ અને અન્ય રક્ષકોએ તેમના પરિવારના લોકોને ભાગી નીકળવા માટે પૂરતો સમય પૂરો પાડ્યો. પણ, તેઓ પોતે ત્યાંથી બચીને જઈ શક્યા નહીં. તેઓ તેમના સ્કૂટર પર બેસે તે પહેલાં જ તેમનો પીછો કરવામાં આવ્યો અને ગામમાં તેમનું માથું કાપી નાખવામાં આવ્યું. તેમના શરીરના ટુકડા કરી સળગાવી દેવામાં આવ્યા હતા.
હવે તેમના ભાઈ સાથે ચુરાચંદપુર જિલ્લાની પહાડીઓમાં રહેતા ખુમા કહે છે, “તે દિવસથી હું આઘાતમાં છું. હું ઘણી વાર મધ્યરાત્રિએ જાગી જાઉં છું અને ધ્રુજવા લાગું છું. મને બરાબર ઊંઘ આવી નથી. મારા દીકરાનું કપાયેલું માથું લઈને ચાલતા માણસની છબી વિષે વિચારવાનું હું બંધ કરી શકતો નથી.”
સમગ્ર મણિપુરમાં ખુમા જેવા હજારો લોકો છે, જેઓ પોતાના ઘરોથી વિસ્થાપિત થયા છે. જ્યાં પહેલા તેઓ વસવાટ કરતા હતા, એ જગ્યાને હવે તેઓ ઓળખી શકતા નથી. સંસાધનોની અછત અને આઘાતજનક સ્મૃતિઓ સાથે સંઘર્ષ કરતા, ગૃહયુદ્ધનો ભોગ બનેલા લોકોને કાં તો ઉદાર સંબંધીઓ દ્વારા આશ્રય આપવામાં આવ્યો છે અથવા તેઓને સખાવતી સંસ્થાઓ દ્વારા સંચાલિત રાહત શિબિરોમાં આશ્રય લેવાની ફરજ પાડવામાં આવી છે.
ચુરાચંદપુર જિલ્લાના લામ્કા તાલુકામાં લિંગ્સિફાઈ ગામમાં, 35 વર્ષીય બોઈશી થાંગે, કાંગપોકપી જિલ્લામાં તેમના ગામ હાઓ ખોંગ ચિંગમાં 3 મે થી તેમના 3-12 વર્ષની વયના ચાર બાળકો સાથે રાહત શિબિરમાં આશ્રય લીધો હતો. તેઓ કહે છે, “મૈતેઇ લોકોના ટોળાએ નજીકના ત્રણ ગામોને સળગાવી દીધા હતા અને અમારા પર હુમલો કરવા આવી રહ્યા હતા. અમારી પાસે વધુ સમય ન હતો, તેથી બાળકો અને મહિલાઓને પહેલા ત્યાંથી જવાનું કહેવામાં આવ્યું.”
તેમના 34 વર્ષીય પતિ લાલ ટીન થાંગ, ગામમાં અન્ય પુરુષો સાથે રોકાયા હતા, જ્યારે બોઈશી નાગા ગામમાં જંગલો ભણી નાસી છૂટ્યાં. નાગા આદિવાસીઓએ તેમને અને બાળકોને આશ્રય આપ્યો, જ્યાં તેમણે તેમના પતિની રાહ જોઈને રાત વિતાવી.
નાગા સમુદાયના એક માણસે લાલ તિન થાંગ સુરક્ષિત છે કે કેમ તે તપાસવા માટે તેમના ગામમાં જવાનો પ્રસ્તાવ મૂક્યો. પરંતુ તેઓ એવા સમાચાર સાથે પાછા ફર્યા, જેનાથી બોઈશીનો સૌથી ખરાબ ડર સાચો સાબિત થયો. તેમના પતિને પકડવામાં આવ્યા હતા, તેમના પર ત્રાસ ગુજારવામાં આવ્યો હતો તેમને જીવતા સળગાવી દેવામાં આવ્યા હતા. બોઈશી કહે છે, “મારી પાસે મારા પતિના મૃત્યુ પર શોક કરવાનો કે તેમના અંતિમ સંસ્કાર કરવાનો પણ સમય પણ નહોતો. હું મારા બાળકોને સુરક્ષિત રાખવામાં વ્યસ્ત હતી. બીજા દિવસે સવારે, નાગા લોકોએ મને કુકી સમુદાયના ગામમાં મૂકી, જ્યાંથી હું ચુરાચંદપુર આવી. મને નથી લાગતું કે હું ક્યારેય ઘરે પાછી જઈ શકીશ. આજીવિકા કરતાં જીવવું વધુ મહત્ત્વનું છે.”
બોઈશી અને તેમના પતિ પાસે ગામમાં પાંચ એકરનું ડાંગરનું ખેતર હતું, જેનાથી તેમના ઘરનું ગુજરાન ચાલતું હતું. પરંતુ તેઓ હવે ક્યારેય ત્યાં પરત ફરવાની આશા રાખતાં નથી. ચુરાચંદપુર હાલમાં કુકીઓ માટે સલામત જગ્યા છે, કારણ કે આસપાસ કોઈ મૈતેઇ લોકો નથી. પોતાનું આખું જીવન મૈતેઇ લોકોના ગામો પાસે વિતાવનાર બોઈશી, આજે તેમની સાથે હળીમળીને રહેવાના વિચાર સુધ્ધાથી ગભરાઈ જાય છે. તેઓ કહે છે, “અમારા ગામની આસપાસ મૈતેઇ લોકોના ઘણા ગામો હતા. તેઓ બજારો ચલાવતા હતા, અને અમે તેમના ગ્રાહકો હતા. તે સૌહાર્દપૂર્ણ સંબંધ હતો.”
પરંતુ આજે મણિપુરમાં આ બે સમુદાયો વચ્ચેનો વિશ્વાસ સંપૂર્ણ રીતે તૂટી ગયો છે. ઇમ્ફાલ ખીણમાં મૈતેઇ લોકો અને ખીણની આસપાસના પહાડી જિલ્લાઓમાં કુકી લોકો વસે એ રીતે આ રાજ્યનું વિભાજન કરવામાં આવ્યું છે. એકબીજાના પ્રદેશમાં પ્રવેશ કરવો એટલે જાણે કે મોતના મોંમાં જવું. ઇમ્ફાલના કુકી વિસ્તારો સાવ નિર્જન છે. કુકી પ્રભુત્વ ધરાવતા જિલ્લાઓમાં મૈતેઇ લોકોને પહાડીઓમાંથી હાંકી કાઢવામાં આવ્યા છે.
ઇમ્ફાલમાં આવેલ મૈતેઇ લોકોની રાહત શિબિરમાં, 50 વર્ષીય હેમા બાટી મોઇરાંગથેમ, જ્યારે તેમના પર કુકી લોકોના ટોળા દ્વારા હુમલો કરાયો ત્યારે તેઓ તેમના લકવાગ્રસ્ત ભાઈ સાથે કઈ રીતે નાસી છૂટ્યાં હતાં તેને યાદ કરીને કહે છે, “મારા એક રૂમના ઘરને પણ સળગાવી દેવામાં આવ્યું હતું. મારા ભત્રીજાએ પોલીસને બોલાવી હતી. અમે આશા રાખી હતી કે પોલીસ અમને સળગાવી દેવામાં આવે તે પહેલાં આવી પહોંચશે.”
ઉન્માદી કુકી ટોળાએ ભારત−મ્યાનમાર સરહદ પરના મોરેહ નગર પર હુમલો કર્યો હતો − અને હેમા તેમના ભાઈને શારીરિક તકલીફ હોવાથી તેમની સાથે દોડી શક્યાં ન હતાં. તેઓ કહે છે, “તેણે મને જવાનું કહ્યું હતું, પરંતુ જો મેં તેમ કર્યું હોત તો હું મારી જાતને ક્યારેય માફ કરી શકી ન હોત.”
હેમાના પતિનું એક અકસ્માતમાં મૃત્યુ થયા બાદ, છેલ્લા 10 વર્ષથી આ ત્રણેય એકબીજાની સાથેને સાથે જ રહ્યાં છે, અને તેથી એકને મરવાના આરે છોડીને ભાગી જવાનો તો વિકલ્પ જ ન હતો. જે પણ થવાનું હતું, તે ત્રણેય સાથે જ થવાનું હતું.
જ્યારે પોલીસ આવી ત્યારે હેમા અને તેના ભત્રીજાએ તેમના સળગતા ઘરને પાર કરીને તેમના ભાઈને ઉપાડ્યા અને તેમને પોલીસની કારમાં બેસાડ્યા. પોલીસે તેમાંથી ત્રણને સલામત રાખવા માટે, 110 કિલોમીટર દૂર ઇમ્ફાલ ખાતે ઉતારી દીધાં. તેઓ કહે છે, “હું ત્યારથી આ રાહત શિબિરમાં છું. મારો ભત્રીજો અને ભાઈ અમારા એક સંબંધી પાસે રહી રહ્યા છે.”
મોરેહમાં કરિયાણાની દુકાન ચલાવતાં હેમા, હવે તેમનું જીવન ટકાવી રાખવા માટે બીજા લોકોની મદદ પર નિર્ભર છે. તેઓ અન્ય 20 અજાણ્યા લોકો સાથે એક ડોર્મ જેવા રૂમમાં સૂવે છે. તેઓ સાર્વજનિક રસોડામાં બનેલું ભોજન ખાય છે, અને દાનમાં આપેલા કપડાં પહેરે છે. તેઓ કહે છે, “તે કાંઈ સારી લાગણી નથી. મારા પતિના મૃત્યુ પછી પણ, હું હંમેશાં આત્મનિર્ભર રહી છું. મેં મારા ભાઈ અને મારી જાતનું ધ્યાન રાખ્યું છે. મને ખબર નથી કે અમારે આ રીતે ક્યાં સુધી જીવવું પડશે.”
સમગ્ર મણિપુરના નાગરિકો ધીમે ધીમે તેમના ઘરો, તેમની આજીવિકા અને તેમના પ્રિયજનોને ગુમાવવાની ઘટનાને સ્વિકારીને આગળ વધવાની કોશિશમાં છે.
ખુમા ભલે તેમના કોઈ પ્રિય વ્યક્તિને ગુમાવવાનું દુ:ખ ઉઠાવી ચૂક્યા હોય, પણ ડેવિડનું મૃત્યુ તેમના માટે પણ સ્વીકારવું મુશ્કેલ છે. લગભગ 30 વર્ષ પહેલાં, તેમની પુત્રી બે વર્ષની વયે કોલેરાનો શિકાર થઈ હતી. તેમની પત્નીનું 25 વર્ષ પહેલા કેન્સરથી અવસાન થયું હતું. પરંતુ ડેવિડના મૃત્યુથી ઘણો મોટો શૂન્યાવકાશ સર્જાયો છે − તે યુવાન છોકરો તેમનો એકલો અટુલો જીવનનો સહારો હતો.
ખુમાએ ડેવિડને પોતાના દમ પર ઉછેર્યો હતો, અને તેની શાળાની વાલી−શિક્ષકની મીટીંગમાં હાજરી આપી હતી. તેમણે ડેવિડને હાઈસ્કૂલમાંથી ભણીને બહાર આવ્યા પછી કઈ કોલેજમાં પ્રવેશ મેળવવો તેની પણ સલાહ આપી હતી. જ્યારે ડેવિડે તેમને પહેલીવાર કહ્યું કે તે લગ્ન કરવા માંગે છે, ત્યારે પણ તેની પડખે જ ઊભા હતા.
આટલા વર્ષો એકબીજા સાથે ગાળ્યા પછી, આખરે તેમનો પરિવાર ફરી એક વાર આગળ વધવા લાગ્યો હતો. ડેવિડના લગ્ન ત્રણ વર્ષ પહેલા થયા હતા અને એક વર્ષ પછી તેને એક બાળક થયો હતો. તેમણે દાદા બનીને તેમના પૌત્ર સાથે રમવાની અને તેને ઉછેરવામાં મદદ કરવાની કલ્પના કરી હતી. પરંતુ આ પરિવાર ફરીથી અલગ થઈ ગયો છે. ડેવિડની પત્ની અને બાળક તેની માતા સાથે બીજા ગામમાં રહે છે, અને ખુમા તેમના ભાઈ સાથે છે. તેમની હવે યાદો સિવાય બીજું કંઈ છે, જેમાંની કેટલીક યાદોના સહારે તેઓ જીવન પસાર કરવા માંગે છે, જ્યારે એક યાદ એવી છે જેનાથી તેઓ છુટકારો મેળવવા માંગે છે.
અનુવાદક: ફૈઝ મોહંમદ