પૂનમ, રાનીના વાળને બે ભાગોમાં વહેંચીને તેલ લગાવે છે અને તેને ચુસ્ત રીતે બાંધીને ચોટી બનાવે છે. પરંતુ તેઓ ચોટીને રબર બેન્ડથી બાંધી શકે તે પહેલાં, તેમની દીકરી તેના ભાઈ-બહેન અને મિત્રો સાથે રમવા માટે બહાર દોડી જાય છે. પૂનમ દેવી રાત્રિભોજન તૈયાર કરતી વેળાએ તેમના બાળકો વિષે કહે છે કે, “દોસ્ત સબકે અબીતાઈ, એ સબ સાંજ હોઈતે ઘરસે ભાઈગ જઈ ખેલા લેલ [તેમના મિત્રો આવે એટલે કે તરત જ તેઓ બધા સાંજે રમવા દોડી જાય છે].” રાની તેમની બીજી દીકરી છે જેની ઉંમર આઠ વર્ષની છે.
પૂનમને ત્રણ દીકરીઓ અને એક દીકરો છે. પરંતુ તે ચારેયમાંથી સૌથી નાના એવાં તેમના દીકરા પાસે જ જન્મનું પ્રમાણપત્ર છે. તેઓ કહે છે, “હમરા લગ મેં ઇત્તે પાઈ રહિતે તા બનવાઇયે લેતીયે સબકે [જો મારી પાસે પૈસા હોત, તો મેં એ ત્રણેયના પ્રમાણપત્ર પણ બનાવી દીધા હોત.]”
તેમના કાચા મકાનની ફરતે બિહારના ગ્રામીણ વિસ્તારમાં આવેલા અન્ય ઘરોની જેમ વાંસની લાકડીઓથી વાડ કરવામાં આવી છે. તેમણે ૩૮ વર્ષીય દૈનિક મજૂર મનોજ સાથે લગ્ન કર્યા છે, અને તેઓ બિહારના મધુબની જિલ્લાના બેનીપટ્ટી બ્લોકમાં આવેલાં એકતારા ગામમાં રહે છે. મનોજ મહીને ૬,૦૦૦ રૂપિયા કમાય છે.
પૂનમ (આ વાર્તામાં બધાં નામ બદલેલ છે) કહે છે કે, “મારી ઉંમર હવે ૨૫ વર્ષથી થોડાક મહિના વધારે છે. મારું આધાર કાર્ડ મારા પતિ પાસે છે અને તેઓ અત્યારે ઘેર હાજર નથી. મારા લગ્ન થયા ત્યારે મારી ઉંમર કેટલી હતી એ મને યાદ નથી.” જો તેમની ઉંમર અત્યારે ૨૫ વર્ષ હોય, તો શક્ય છે કે એ વખતે તેમની ઉંમર ૧૪ વર્ષ જેટલી હશે.
પૂનમના બધા બાળકોનો જન્મ ઘેર જ થયો હતો. મનોજની કાકી, ૫૭ વર્ષીય શાંતિ દેવી કહે છે, “દરેક વખતે દાયણે [પરંપરાગત જન્મ પરિચારકો] મદદ કરી હતી. જ્યારે પરિસ્થિતિ ખરાબ લાગે ત્યારે જ અમે હોસ્પિટલ જઈએ છીએ.” તેઓ પૂનમના ઘરની નજીક એ જ ગલીમાં રહે છે અને પૂનમને પોતાની વહુ માને છે.
શાંતિ દેવી કહે છે કે, “અમારામાંથી મોટાભાગના લોકોની જેમ પૂનમને જન્મ પ્રમાણપત્ર બનાવવા વિષે કંઈ ખબર નહોતી. તે બનાવવા માટે જિલ્લા હોસ્પિટલ જવું પડે છે અને ત્યાં નિર્ધારિત કરેલ રકમ ચૂકવવી પડે છે. પણ કેટલાં પૈસા આપવા પડે છે એ મને ખબર નથી.”
જન્મ પ્રમાણપત્ર માટે પૈસા આપવા પડે?
પૂનમ જવાબ આપે છે કે, “તક્ખન કી [હા], તેઓ [જન્મ પ્રમાણપત્ર] મફતમાં નથી આપતા. શું તેઓ બીજે ક્યાંય મફતમાં આપે છે?” અહિં ‘તેઓ’ નો અર્થ આશા કાર્યકરો (માન્યતા પ્રાપ્ત સ્વાસ્થ્ય કાર્યકર) અને હોસ્પિટલનો સ્ટાફ છે. શાંતિ ઉમેરે છે કે, “પાઈ લાઈ છઈ, ઓહી દુઆરે નઇ બનબઇ છીયાઈ [તેઓ બધા પૈસા માગતાં હોવાથી અમે અમારી દીકરીઓનું જન્મ પ્રમાણપત્ર બનાવી શકતા નથી.]”
પૂનમ અને શાંતિ દેવી બન્ને, અને આ ગલીમાં રહેતાં બધા લોકો મૈથિલી ભાષા બોલે છે. દેશમાં આ ભાષા બોલનારા લોકોની સંખ્યા ૧૩ લાખથી પણ વધારે છે, જેમાંથી મોટાભાગના લોકો બિહારના મધુબની, દરભંગા અને સહરસા જિલ્લાઓમાં રહે છે. પાડોશી દેશ નેપાળમાં પણ આ ભાષા બીજા નંબરની સૌથી વધુ બોલાતી ભાષા છે.
રસપ્રદ વાત તો એ છે કે, એકતારાનું પ્રાથમીક સ્વાસ્થ્ય કેન્દ્ર (પીએચસી) પૂનમના ઘરથી માંડ ૧૦૦ મીટર દૂર છે. સ્થાનિક લોકો કહે છે કે, પીએચસી મોટેભાગે બંધ જ રહે છે, જો કે કોઈક દિવસે કમ્પાઉન્ડર દેખાઇ જાય છે. ૫૦ વર્ષની વયના અને પૂનમના પાડોશી એવાં રાજલક્ષ્મી મહતો કહે છે કે, “છેલ્લે તેઓ ત્રણ દિવસ પહેલાં જોવામાં આવ્યા હતા. તેઓ સામાન્યપણે અઠવાડિયામાં બે દિવસ હોસ્પિટલનું તાળું ખોલે છે, પણ ડોક્ટર તો ભાગ્યેજ દેખાય છે, અમે એમને મહિનાઓથી જોયા નથી. દુલાર ચંદ્રની પત્ની અહિં દાયણ છે અને પ્રસુતિ માટે અમે એમને જ બોલાવીએ છીએ. તેઓ નજીકના નાનકડા ગામડામાં રહે છે. તેઓ ભરોસાપાત્ર સ્ત્રી છે.”
રિસર્ચ રિવ્યુ ઇન્ટરનેશનલ જર્નલમાં ૨૦૧૯માં પ્રકાશિત થયેલા એક અહેવાલમાં નોંધવામાં આવ્યું છે: “નીતિ આયોગ અનુસાર ભારતમાં ૬ લાખ ડોકટરો, ૨૦ લાખ નર્સો, અને ૨ લાખ ડેન્ટલ સર્જનોની ભારે અછત છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (ડબ્લ્યુએચઓ) ડોક્ટર-દર્દીનો ગુણોત્તર ૧:૧૦૦૦ રાખવાની ભલામણ કરે છે, ત્યારે ગ્રામીણ ભારતમાં તે ગુણોત્તર ૧:૧૧,૦૮૨ છે અને બિહારમાં ૧:૨૮,૩૯૧ અને યુપીમાં ૧:૧૯,૯૬૨ છે.”
આ અહેવાલમાં એ પણ નોંધવામાં આવ્યું છે કે “ભારતના ૧૧ લાખ ૪૦ હાજર માન્યતા પ્રાપ્ત [એલોપથિક] ડોકટરોમાંથી લગભગ ૮૦% શહેરોમાં કામ કરે છે જ્યાં દેશની ૩૧% વસ્તી વસે છે.” પીએચસી, જિલ્લા આરોગ્ય કેન્દ્રો અને હોસ્પિટલો જેવી માળખાકીય સુવિધાઓની પણ આવી જ હાલત છે. આનાથી પૂનમના ઘરથી પીએચસીની નજદીકીને વધારે વ્યંગાત્મક લાગે છે.
અમે પૂનમના દાલાનમાં ઊભા રહીને વાત કરી રહ્યા છીએ - જે વરંડા અને ઘરના ઓરડાઓ વચ્ચેનો અર્ધો ખુલ્લો વિસ્તાર છે. બિહારમાં પુરુષો કે પછી વડીલો દ્વારા દાલાનનો ઉપયોગ રહેવા માટે પણ કરવામાં આવે છે. થોડા સમય પછી, પડોશમાંથી અન્ય સ્ત્રીઓ અમારી સાથે જોડાય છે. તેઓ કદાચ એવું પસંદ કરે છે કે અમે ઓરડામાં જઈને વાતચીત કરીએ, પણ અમે દાલાનમાં જ વાતચીત ચાલુ રાખીએ છીએ.
રાજલક્ષ્મી જણાવે છે કે, “જ્યારે મારી દીકરીની ડિલીવરી થવાની હતી, ત્યારે અમે બેનીપટ્ટી અસ્પતાલ [હોસ્પિટલ] માં દોડી ગયા હતા. એ ડિલીવરી પણ અમે ઘેર જ કરવાના હતા, પણ અમને છેલ્લી ઘડીએ ખબર પડી કે દાયણ ક્યાંક બહાર ગયેલાં છે. તેથી હું અને મારો દીકરો તેમને હોસ્પિટલ લઇ ગયા. ડિલીવરી પછી તરત જ ત્યાં હાજર નર્સે અમારી પાસે ૫૦૦ રૂપિયા માંગ્યા. મેં તેને કહ્યું કે અમે તેટલા પૈસા આપી શકીએ તેમ નથી એટલે તેણે અમને જન્મ પ્રમાણપત્ર આપવામાં મુશ્કેલી ઊભી કરી.”
સ્વાસ્થ્ય માળખાની સાંકળમાં સૌથી નીચલા સ્તરે થયેલો આ અનુભવ અહીંયાંની સ્ત્રીઓની પીડા, વિડંબના, અને દુવિધાઓ તરફ આપણું ધ્યાન ખેંચે છે.
સ્વાસ્થ્યની માળખાકીય સુવિધાઓની અછત, ડોકટરોની ગેરહાજરી, ખાનગી તબીબી સેવાઓ એવી કે જે કાં તો પરવડે નહીં કાં તો બિનકાર્યક્ષમ હોય - આવી પરિસ્થિતિમાં ગરીબ મહિલાઓએ આશા કાર્યકરોની સહાય પર ઘણો આધાર રાખવો પડે છે. ગ્રામ્ય કક્ષાએ કોવિડ સામેની લડાઈમાં જો કોઈ પ્રથમ હરોળમાં રહ્યું હોય તો તે આશા કાર્યકરો છે.
એવાં સમયે કે જ્યારે બધા લોકો સલામતી માટે ઘરોમાં ક્વોરેન્ટાઈન થયેલાં હોય ત્યારે આશા કાર્યકરો બધાના ઘેર-ઘેર જઈને પોતાનો જીવ જોખમમાં નાખીને તેમને સોંપેલા કામો ઉપરાંત રસીકરણ, દવાઓ આપવી, ડિલિવરી પહેલાં અને પછીની કાળજી રાખવી, જેવા કામો સતત કરતા રહ્યા.
આથી જ્યારે સ્થાનિક સહાયક નર્સ-મિડવાઇફ (એએનએમ) ના સ્તરે ભ્રષ્ટાચાર થાય છે, ત્યારે આશા કાર્યકરો, આંગણવાડી કાર્યકરો, અને પૂનમ તથા રાજલક્ષ્મી જેવી સ્ત્રીઓ લાચાર બની જાય છે. ભલેને તેમની પાસેથી થોડાક જ પૈસા માગવામાં આવ્યા હોય, પણ અહીંયાં રહેતી સ્ત્રીઓ માટે તે પૈસા તેમને પોસાય એના કરતાં વધારે છે.
અમુક આશા કાર્યકરો જેઓ ભ્રષ્ટ છે તેમને છોડીને મોટાભાગની બધી આશા કાર્યકરો ખુબજ દબાણ હેઠળ કામ કરે છે. દેશભરમાં લાખો આશા કાર્યકરો છે જેઓ ગ્રામીણ વસ્તીને સાર્વજનિક સ્વાસ્થ્ય પ્રણાલી સાથે જોડે છે. તેઓ પોતાના જીવની પરવા કર્યા વગર ખુબજ ઉમદા કાર્યો કરે છે. દેશમાં ઘણી જગ્યાએ ગયા વર્ષે એપ્રિલ મહિનાથી દરરોજ અને મહિનામાં ચાર વખત ૨૫ ઘરોનું કોરોનાવાયરસ માટે સર્વેક્ષણ કરવાનું કામ સોંપવામાં આવ્યું હતું. અને એ પણ સુરક્ષાની દયનીય વ્યવસ્થા સાથે.
મહામારીની શરૂઆત થઇ તેના ઘણા સમય પહેલાં, ૨૦૧૮માં બિહારમાં કાર્યરત ૯૩,૬૮૭ આશા કાર્યકરો પગાર વધારાની માંગણી સાથે એક મોટી હડતાળ પર ઉતરી ગઈ હતી. દેશભરમાં આશા કાર્યકરોનું આ બીજા નંબરનું સૌથી મોટું જૂથ હતું. રાજ્ય અને કેન્દ્ર સરકારો દ્વારા વિવિધ વચનો આપવામાં આવ્યા એટલે હડતાળ પાછી ખેંચવામાં આવી હતી. પણ પછી કંઈ થયું જ નહીં.
દરભંગાની આશા કાર્યકર મીના દેવી કહે છે: ‘અમારો પગાર કેટલો ઓછો છે એતો તમને ખબર જ છે. જો તેઓ [નવજાત બાળક જ્યાં જન્મ્યું હોય તેવા પરિવારો] અમને ખુશીથી જે પૈસા આપે એ અમે ન લઈએ તો અમારો ગુજારો કઈ રીતે થશે?
ચાલુ વર્ષે, માર્ચ મહિનામાં આશા સંયુક્ત સંઘર્ષ મોરચાની આગેવાની હેઠળ ફરીથી હડતાળ કરવામાં આવી હતી, જેમાં તેમનો નારો હતો: “એક હઝાર મેં દમ નહીં, એક્કીસ હઝાર માસિક માનદેય સે કમ નહીં. [૧,૦૦૦ રૂપિયાનો વધારો પુરતો નથી, ૨૧,૦૦૦ રૂપિયાથી ઓછા માનદ વેતન પર રાજી થશો નહીં.]” તેમણે આશા કાર્યકરોને સરકારી કર્મચારીનો દરજ્જો આપવાની પણ માગણી કરી હતી. અત્યારે, બિહારમાં આશા કાર્યકરોને મહીને વધુમાં વધુ ૩,૦૦૦ રૂપિયાની સરેરાશ આવક થાય છે - અને એ આવક પણ તેમના દ્વારા કરવામાં આવતા બહુવિધ કાર્યોના બદલામાં અનિયમિત ‘માનદ વેતન’ તરીકે આપવામાં આવે છે.
જ્યારે પણ તેઓ હડતાળ પર ઉતરે છે, ત્યારે સરકારો તેમને વચનો આપે છે - પછી તેમના વચનોથી ફરી જાય છે. સરકારી પગાર, પેન્શન, અથવા નોકરીના અન્ય લાભોથી તેઓ આજેપણ ઘણા દૂર છે. આશા કાર્યકર કે પછી આંગણવાડી કાર્યકર તરીકે જીવવું અને કામ કરવું ખુબજ કઠીન છે.
દરભંગાની આશા કાર્યકર મીના દેવી કહે છે: ‘અમારો પગાર કેટલો ઓછો છે એતો તમને ખબર જ છે. જો તેઓ [નવજાત બાળક જ્યાં જન્મ્યું હોય તેવા પરિવારો] અમને ખુશીથી જે પૈસા આપે એ અમે ન લઈએ તો અમારો ગુજારો કઈ રીતે થશે? અમે ક્યારેય કોઈને દબાણ નથી કરતા કે ન તો કોઈ ચોક્કસ રકમની માંગણી કરીએ છીએ. તેઓ જે કંઈ ખુશીથી આપે છે તે અમે લઇ લઈએ છીએ, પછી ભલે ને બાળકના જન્મ વખતે હોય કે પછી જન્મ પ્રમાણપત્ર બનાવવા માટે હોય.”
અને જો કે આવું તેઓ અને તેમના કેટલાક સાથીઓ કરતા હશે - પણ દેશમાં લાખો આશા કાર્યકરો એવાં છે જેઓ આવું ક્યારેય નથી કરતા. પણ મધુબની અને બિહારના અન્ય વિસ્તારોમાં રહેતી ગરીબ મહિલાઓ નો અનુભવ આવો નથી - તેઓ કહે છે તેમની પાસેથી તો બળજબરી કરીને પૈસા માગવામાં આવે છે.
મનોજના માતા-પિતા તેમની, પૂનમ અને તેમના ત્રણ બાળકો - ૧૦ વર્ષીય અંજલિ, ૮ વર્ષીય રાની, અને ૫ વર્ષીય સોનાક્ષીની સાથે રહેતાં હતા. પણ હવે તેઓ હયાત નથી. તેમનું ચોથું બાળક અને તેમનો એકમાત્ર દીકરો - અત્યારે અઢી વર્ષનો રાજા - તેમના ગુજરી ગયા પછી જન્મ્યો હતો. પૂનમ કહે છે, “મારી સાસુને કેન્સર હતું. જો કે, કયા પ્રકારનું એ મને ખબર નથી. ૪ કે ૫ વર્ષ પહેલાં તેમનું નિધન થયું હતું. અને ૩ વર્ષ પહેલાં મારા સસરાના નિધન પછી પરિવારમાં અમે ૬ જણ જ છીએ. તેમને હંમેશાથી પૌત્રની ઝંખના હતી, કાશ તેઓ રાજાને જોઈ શક્યા હોત.”
પૂનમે ફક્ત છઠ્ઠા ધોરણ સુધી જ અભ્યાસ કર્યો છે અને તેમના પતિ મનોજે દસમાં ધોરણ સુધી. પૂનમ કહે છે, “જુએ, મને પહેલાં આ જનમપત્રી [જન્મ પ્રમાણપત્ર] વિષે કંઈ ખબર નહોતી. મારી ત્રીજી ડિલીવરી પછી જ્યારે આશા કાર્યકરે મારી પાસે પૈસા માગ્યાં, ત્યારે મને ખબર પડી કે જન્મ પ્રમાણપત્ર નામની પણ કંઈ વસ્તુ હોય છે. મને યાદ છે ત્યાં સુધી તેમણે લગભગ ૩૦૦ રૂપિયા માગ્યાં હતા. મને લાગ્યું કે આ સામાન્ય ફી હશે. પણ પછી મારા પતિએ મને કહ્યું કે આપણે પ્રમાણપત્ર માટે કોઈને પૈસા આપવાની જરૂર નથી. હોસ્પિટલમાંથી તે મફતમાં મેળવવાનો આપણને અધિકાર છે.”
પૂનમ આગળ કહે છે કે, “કહલકાઈ અધાઈ સૌ રુપયા દિયાઉ તૌહન પત્રી બનવા દેબ [તેણીએ કહ્યું કે જો તમે ૨૫૦ રૂપિયા આપશો, તો હું જન્મનું પ્રમાણપત્ર બનાવી આપીશ.] તેણે એની કિંમત ૫૦ રૂપિયા ઘટાડી હોવાથી અમે અમારા દીકરા માટે જન્મનું પ્રમાણપત્ર બનાવી દીધું. પણ તેણે અમારી દીકરીઓના જન્મ પ્રમાણપત્રો બનાવી આપવા માટે જે ૭૫૦ રૂપિયાની માંગણી કરી હતી, તે અમને પોસાય તેમ નહોતી.”
પૂનમ કહે છે, “જો અમે [જન્મ પ્રમાણપત્ર] જાતે જ બનાવવાની કોશિશ કરીએ, તો અમારે બેનીપટ્ટી હોસ્પિટલ [બ્લોકના મુખ્યાલય] જઈને ત્યાં સફાઈવાળી [સફાઈ કામદાર] ને થોડાક પૈસા આપવા પડશે. આથી અમે આશા કાર્યકરને પૈસા આપીએ કે અમે જાતે બેનીપટ્ટી જઈએ, બંને રીતે પૈસાનો ખર્ચ તો થશે જ. અમે પછી [જન્મ પ્રમાણપત્રો બનાવાવનું] માંડી વાળ્યું. જો ભવિષ્યમાં તેમની જરૂર પડશે તો અમે જોઈશું. મારા પતિ દિવસમાં માંડ ૨૦૦ રૂપિયા કમાય છે. અમે આમ એમનો ચાર દિવસનો પગાર કઈ રીતે ખર્ચ કરી શકીએ?”
શાંતિ ઉમેરે છે, “મારે એકવાર આશા કાર્યકર સાથે દલીલબાજી પણ થઇ હતી. મેં તેણીને સ્પષ્ટપણે કહી દીધું હતું કે જો અમારે પ્રમાણપત્રો બનાવવા માટે પૈસા ચુકવવા પડશે, તો અમે તેને બનાવશું જ નહીં.”
ત્યાં સુધીમાં તો પૂનમના મોટાભાગના પડોશીઓ ગામમાં યોજાતી સાપ્તાહિક હાટ (ગ્રામીણ બજાર) માં અંધારા પહેલાં પહોંચવા માટે નીકળી ગયા હતા. તેઓ કહે છે, “હું સોનાક્ષીના પિતા [પૂનમ તેમના પતિને આ રીતે બોલાવે છે] ની વાટ જોઈ રહી છું. જેથી અમે શાકભાજી અને માછલી ખરીદી શકીએ. હું છેલ્લાં ત્રણ દિવસથી દાળ-ભાત રાંધી રહી છું. સોનાક્ષીને પણ રોહુ [માછલી] પસંદ છે.”
એવું લાગે છે કે અહિં દીકરીઓના જન્મ પ્રમાણપત્રો બનાવવા કરતાં પણ મહત્વની અને તાત્કાલિક જરૂર હોય એવી વસ્તુઓ છે.
ગ્રામીણ ભારતના કિશોરો અને કિશોરીઓ અંગેનો રાષ્ટ્રવ્યાપી અહેવાલ આપતી PARI અને કાઉન્ટરમિડિયા ટ્રસ્ટની યોજના જનસામાન્યના અભિપ્રાય અને જીવંત અનુભવ દ્વારા આ અગત્યના છતાં છેવાડાના જૂથોની પરિસ્થિતિના અભ્યાસ અંગે પોપ્યુલેશન ફાઉન્ડેશન ઓફ ઈન્ડિયા દ્વારા સમર્થિત પહેલનો ભાગ છે.
આ લેખ ફરીથી પ્રકાશિત કરવા માંગો છો? કૃપા કરી [email protected] ને cc સાથે [email protected] પર લખો
જીજ્ઞાસા મિશ્રા ઠાકુર ફેમિલી ફાઉન્ડેશન તરફથી પ્રાપ્ત થયેલ સ્વતંત્ર પત્રકારત્વ અનુદાન દ્વારા જાહેર આરોગ્ય અને નાગરિક સ્વાતંત્ર્ય અંગેના અહેવાલ આપે છે. ઠાકુર ફેમિલી ફાઉન્ડેશને આ અહેવાલની સામગ્રી પર કોઈ સંપાદકીય નિયંત્રણ કર્યું નથી.
અનુવાદક: ફૈઝ મોહંમદ