30 મી એપ્રિલ, 2023 ના રોજ હિમાલયની ધૌલાધર પર્વતમાળાનું ધર્મશાલા (જેને ધરમશાલા પણ કહેવાય છે) નગર તેની પહેલવહેલી પ્રાઈડ માર્ચનું સાક્ષી બન્યું હતું.
'આ ઘર તમારું, મારું, તેનું, તેણીનું, તેઓનું, તેમનું છે' એવા સૂત્રો લખેલા પ્લેકાર્ડ સાથે લોકો મુખ્ય બજારથી શરુ કરીને ધર્મશાલાની તિબેટિયન વસાહત મેક્લોઈડગંજ આવેલા દલાઈ લામા મંદિર તરફ કૂચ કરી ગયા હતા. પછીથી ધર્મશાલા નગરના ધમધમતા બજાર વિસ્તાર, કોતવાલી બજાર સુધી આ કૂચ ચાલુ રહી હતી. એલજીબીટીક્યુઆઈએ+ સમુદાયને સમર્થન વ્યક્ત કરવા આયોજિત હિમાચલ પ્રદેશનો આ પહેલો જાહેર મેળાવડો હતો અને બીજા ઘણા સહભાગીઓ રાજ્યના ગામડાઓ અને નાના-નાના શહેરોના હતા.
આ કૂચના આયોજકોમાંના એક અને હિમાચલ ક્વિયર ફાઉન્ડેશનના સહ-સ્થાપક ડોન હસર કહે છે, "અમે ‘અજીબ’ શબ્દનો ઉપયોગ ગર્વથી કરી રહ્યા છીએ." તેમની પસંદગી સમજાવતા 30 વર્ષના હસર ઉમેરે છે, “વિલક્ષણતાનું વર્ણન કરવા માટે આપણે અંગ્રેજી શબ્દોનો ઉપયોગ કરીએ છીએ, પરંતુ હિન્દી અને પ્રાદેશિક બોલીઓનું શું? વિલક્ષણતા અને (લૈંગિકતામાં) પ્રવાહિતા વિશે વાત કરવા માટે પ્રાદેશિક બોલીઓમાં અમે ગીતો અને વાર્તાઓનો ઉપયોગ કરીએ છીએ.”
અહીં ભેગા થયેલા 300 લોકો દેશભરમાંથી - દિલ્હી, ચંદીગઢ, કોલકાતા, મુંબઈ અને હિમાચલ પ્રદેશના નાના-નાના નગરોમાંથી આ કૂચનો ભાગ બનવા માટે આવ્યા હતા. આ કૂચ અંગેની માહિતી તેમને થોડા સમય પહેલા જ મળી હતી. આ પ્રાઇડ માર્ચમાં હાજરી આપનાર શિમલાના યુનિવર્સિટીના વિદ્યાર્થી 20 વર્ષના આયુષ કહે છે, "અહીં [હિમાચલ પ્રદેશમાં] આ વિશે [ક્વિયર હોવા વિષે] કોઈ વાત કરતું નથી." શાળાના સમય દરમિયાન બાથરૂમ જવામાં આયુષને ખૂબ મુશ્કેલી પડતી હતી. “મારા વર્ગના છોકરાઓ મારી મશ્કરી કરીને મને ચીડવતા હતા અને મારી સાથે દાદાગીરી કરતા હતા. આ સમુદાય સાથે ઓનલાઈન જોડાવાથી મેં પહેલા કરતાં વધુ સુરક્ષિતતા અનુભવી. તેનાથી મને સમજી શકે એવા લોકોનો સાથ મેળવવાની મને તક મળી.”
સલાહકાર તરીકે એક પ્રાધ્યાપકને સાથે રાખી ઓપન ડાયલોગ સર્કલ (ખુલ્લા ચર્ચા-સત્ર) નું આયોજન કરીને આયુષ કોલેજમાં આ વિષય સંબંધિત સંવાદ શરુ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. લોકો લિંગ અને જાતિયતા વિશે જાણવા માટે આવે છે અને એ પછી પ્રશ્નો પૂછવા અથવા પોતાના વિચારો વ્યક્ત કરવા રોકાય છે.
શશાંક હિમાચલ ક્વિયર ફાઉન્ડેશનના સહ-સ્થાપક છે અને કાંગડા જિલ્લાના પાલમપુર તહેસીલના એક ગામના રહેવાસી છે. શશાંક કહે છે, “મને હંમેશા મિસફિટ જેવું લાગતું હતું. આખરે સોશિયલ મીડિયા દ્વારા હું મારા જેવા જ પડકારોનો સામનો કરી રહેલા બીજા લોકોને મળ્યો - કેટકેટલા લોકો શરમ અથવા અપરાધભાવ અનુભવે છે. હું ડેટ્સ પર જતો ત્યારે પણ અમે બધા કેટલી એકલતા અનુભવીએ છીએ એ વિષે વાતચીત થતી. આ અનુભવો પરથી જ 2020 માં શશાંકે એક સમર્પિત નંબર સાથે કટોકટીને સમયે મદદ મેળવવા માટે એક હેલ્પલાઇન શરૂ કરી.
એક મહત્વપૂર્ણ મુદ્દો ઉઠાવતા શશાંકે કહ્યું, "ગ્રામીણ ક્વિયરોનો અવાજ ક્યાં છે?" ધ ટ્રાન્સજેન્ડર પર્સન્સ (પ્રોટેક્શન ઓફ રાઈટ્સ) એક્ટ, 2019 ( ટ્રાન્સ વ્યક્તિઓ (ના અધિકારોનું રક્ષણ) અધિનિયમ, 2019 ) હેઠળની કેટલીક જોગવાઈઓ હિમાચલ પ્રદેશમાં લાગુ કરવામાં આવી નથી એ બાબતની જાણ કરતી એક અરજી પણ તેઓ શિમલા હાઈકોર્ટમાં દાખલ કરવાના છે.
હિમાચલ પ્રદેશના વિવિધ ભાગોમાંથી 13 લોકોએ સાથે મળીને હિમાચલ ક્વિયર ફાઉન્ડેશન (એચકયુએફ) ની આયોજક સમિતિની રચના કરી. એચકયુએફના સહ-સ્થાપક ડોન કહે છે, "અમે બે અઠવાડિયામાં (પ્રાઈડ માર્ચની) બધી તૈયારી કરી છે." તેઓ કોલકતાના છે. આયોજકોએ તૈયારીની શરૂઆત મેક્લોઈડગંજના સ્થાનિક જિલ્લા મેજિસ્ટ્રેટ પાસેથી રેલીની પરવાનગી મેળવવાથી કરી હતી.
એ પછી એચકયુએફ એ સોશિયલ મીડિયા પર પોસ્ટ્સ મૂકી, તેને ઉત્સાહભર્યો પ્રતિસાદ મળ્યો. આયોજકોમાંના એક મનીષ થાપા કહે છે, “પ્રાઈડમાં કૂચ કરવા માટે હિંમત જોઈએ. અમે અહીં [નાના-નાના નગરોમાં] આ મુદ્દા પર સંવાદ શરુ કરવા માગતા હતા,”
ડોન ઉમેરે છે કે આ કૂચ જાતિ અને વર્ગ (ના ભેદભાવ), ભૂમિહીનતા અને રાજ્યની બિન-નાગરિકતા વિરુદ્ધ એક થઈને કરાયેલી કૂચ હતી. જેમ કે એક પ્લેકાર્ડમાં લખ્યું હતું કે, 'નો ક્વિયર લિબરેશન વિધાઉટ કાસ્ટ એનિહિલેશન. (જાતિવ્યવસ્થાનો જડમૂળથી નાશ નહીં થાય ત્યાં સુધી સામાજિક રૂઢિઓમાંથી ક્વિયર સમુદાયની મુક્તિ શક્ય નથી.) જય ભીમ!’
રેલીના દિવસે રવિવાર હતો. તે દિવસે પ્રાઈડ માર્ચે નગરના વેપારી વિસ્તારમાંથી ફરીને 90 મિનિટમાં 1.2 કિલોમીટરનું અંતર કાપ્યું હતું. વચ્ચેવચ્ચે અવારનવાર તેઓ નૃત્ય કરવા અને ભાષણ કરવા રોકાયા હતા. તેઓએ કૂચ માટે આ જગ્યા અને આ માર્ગ કેમ પસંદ કર્યા એ પ્રશ્નના જવાબમાં મનીષ થાપાએ કહ્યું,, “[બજારમાં] લગભગ 300 નાની-નાની દુકાનો છે. મુખ્ય રસ્તાઓ પર કૂચ કરવી અમારા માટે મહત્વપૂર્ણ છે જેથી લોકો અમને જોઈ શકે."
ટ્રાન્સજેન્ડર વ્યક્તિઓ માટેનું નેશનલ પોર્ટલ દર્શાવે છે કે 2019 માં આ પોર્ટલ શરૂ થયું ત્યારથી માંડીને અત્યાર સુધીમાં હિમાચલ પ્રદેશે માત્ર 17 ટ્રાન્સ આઈડેન્ટિટી કાર્ડ (ઓળખપત્ર) જારી કર્યા છે.
ડોન કહે છે, "હિમાચલના કાંગડા જિલ્લામાં ટ્રાન્સ આઈડેન્ટિટી કાર્ડ ધરાવનાર હું પહેલી વ્યક્તિ હતો. તેઓ ઉમેરે છે, "એ કાર્ડ મેળવવામાં મને કેટકેટલી તકલીફો પડી હતી. (મને તો છેવટે કાર્ડ મળ્યું) પરંતુ જે લોકો તેમના અધિકારો શી રીતે મેળવવા એ જાણતા જ નથી તેમનું શું? નથી કોઈ રાજ્ય કલ્યાણ બોર્ડ; ક્યાં છે શેલ્ટર હોમ્સ (આશ્રય ગૃહો) અને કલ્યાણ યોજનાઓ? સરકારી અધિકારીઓ સંવેદનશીલ કેમ નથી?"
પ્રાઈડ માર્ચ જોઈ રહેલા ઘણા સ્થાનિકોમાં જાગૃતિનો અભાવ પણ જોવા મળ્યો હતો. કોતવાલી બજારમાં આકાશ ભારદ્વાજે એક દુકાન ભાડે રાખી છે, ત્યાં તેઓ ઈલેક્ટ્રોનિક્સ સામાન અને સ્ટેશનરી વેચે છે, તેઓ રેલી જોઈ રહ્યા હતા. તેઓ કહે છે, “મેં આવું પહેલીવાર જોયું અને તેઓ શું કરી રહ્યા છે એ મને બરોબર ખબર નથી, પરંતુ તેમને નૃત્ય કરતા જોઈને મને આનંદ થયો. મને એમાં કંઈ વાંધો નથી."
છેલ્લા 56 વર્ષથી ધર્મશાલામાં રહેતા નવનીત કોઠીવાલાને નૃત્ય જોવાની મજા આવતી હતી. તેઓ કહે છે, "મેં આવું કંઈક પહેલી જ વાર જોયું, અને એ જોવાની મઝા પડે છે."
પરંતુ આ કૂચ શા માટે યોજવામાં આવી છે એ જાણ્યું ત્યારે તેમણે પોતાનો વિચાર બદલી નાખ્યો. તેઓ કહે છે, "મને નથી લાગતું કે આ યોગ્ય છે, તેઓએ આ કારણસર લડવું ન જોઈએ કારણ કે તેઓ જે માંગે છે તે કુદરતી નથી છે - તેમને બાળકો શી રીતે થશે?"
ડોન કહે છે, "આ કૂચમાં મારિકો [તિબેટના પહેલા ટ્રાન્સવુમન] એ ભાગ લીધો તેનાથી અમે ખૂબ જ ખુશ હતા."
તિબેટિયન સાધુ ત્સેરિંગ કૂચને દલાઈ લામા મંદિર સુધી પહોંચતી જોઈ રહ્યા હતા. તેઓ કહે છે, "તેઓ તેમના અધિકારો માટે લડી રહ્યા છે અને બીજા ઘણા દેશોએ તેમના લોકોને આ [લગ્નના] અધિકારો આપ્યા છે, કદાચ ભારત માટે આ [લગ્નના] અધિકારો આપવાનો સમય આવી ગયો છે."
2018 માં કલમ 377 નાબૂદ કરવામાં આવી હોવા છતાં, સમલૈંગિક યુગલો માટે લગ્ન કરવા કાયદેસર નથી. ભારતની સર્વોચ્ચ અદાલતે સમલૈંગિક લગ્નને કાયદેસર બનાવવા અંગેની અરજીઓની સુનાવણી એપ્રિલ મહિનાની શરૂઆતમાં પૂરી કરી હતી અને હજી ચુકાદો આવવાનો બાકી છે.
મહિલા પોલીસ નીલમ કપૂર આ કાર્યક્રમ દરમિયાન ટ્રાફિકનું નિયમન કરી રહ્યા છે. તેઓ કહે છે, "પોતાના અધિકારો માટે લડવું એ સારી વાત છે. દરેક વ્યક્તિએ પોતાના ભલા માટે વિચારવું જોઈએ. ક્યાંકથી તો શરૂઆત કરવાની જ છે, તો અહીંથી જ કેમ નહીં?"
અનુવાદ: મૈત્રેયી યાજ્ઞિક