હરેશ્વર દાસ કહે છે, "જ્યારે પાણી વધે છે, ત્યારે અમને ગભરાટ થવા લાગે છે." આસામના બગરીબારીના આ રહેવાસી કહે છે કે ચોમાસાના મહિનાઓ દરમિયાન ગામલોકોએ હંમેશા સાવચેત રહેવું પડે છે, નજીકની પુઠિમારી નદીમાં પાણીની સપાટી વધવાને કારણે તેમના ઘરો અને પાક બરબાદ થઈ શકે છે.
તેમના પત્ની સાબિત્રી દાસ ઉમેરે છે, “વરસાદ પડે ત્યારે અમારે અમારા કપડા બાંધીને તૈયાર રહેવું પડે છે. ગયે વખતે પૂરને કારણે અમારા બંને કાચા મકાનો ધરાશાયી થઈ ગયા હતા. વાંસ અને માટી વડે ફરી નવી દીવાલો ઊભી કરવામાં આવી હતી."
નીરદા દાસ કહે છે, "[હવે બગડી ગયેલું] ટીવી મેં એક કોથળામાં મૂકીને છત પર મૂકી દીધું છે." આની પહેલાનું ટેલિવિઝન પણ અગાઉના પૂરથી જ બરબાદ થઈ ગયું હતું.
16 મી જૂન, 2023 ની રાત હતી, અને ધોધમાર વરસાદ હતો. ગયા વર્ષે તૂટી પડેલા પાળાના એક ભાગની મરામત કરવા માટે રહેવાસીઓએ રેતીની બોરીઓ લગાવી હતી. બે દિવસ વીતી ગયા અને વરસાદ બંધ થવાના કોઈ ચિહ્નો દેખાતા નહોતા. બગરીબારી અને ધેપારગાઓં, માદૈકટા, નિઝ કાઉરબાહા, ખણ્ડિકર, બિહાપારા અને લાહાપારા સહિતના નજીકના ગામોના લોકો સાવચેત હતા, તેમને ડર હતો કે પાળાનો સૌથી નબળો ભાગ ગમે ત્યારે ફરીથી તૂટી જશે.
સદ્ભાગ્યે ચાર દિવસ પછી વરસાદ ધીમો પડ્યો હતો અને પાણી પણ ઊતરી ગયું હતું.
સ્થાનિક શિક્ષક હરેશ્વર દાસ સમજાવે છે, "જ્યારે પાળો તૂટે છે ત્યારે એવું લાગે છે કે જાણે પાણીનો બોમ્બ ફૂટ્યો હોય. એ પાણી એના રસ્તામાં આવતી દરેકેદરેક વસ્તુને બરબાદ કરી નાખે છે." હાલ નિવૃત્ત 85 વર્ષના હરેશ્વર કે.બી. દેઉલકુચી ઉચ્ચતર માધ્યમિક શાળા (હાયર સેકન્ડરી સ્કુલ) માં આસામી ભાષા શીખવતા હતા.
તેમનું દ્રઢપણે માનવું છે કે 1965માં બાંધવામાં આવેલા પાળાએ હકીકતમાં ફાયદા કરતાં વધુ નુકસાન કર્યું છે, "ખેતીની જમીનને કાંપથી ફળદ્રુપ બનાવવાને બદલે ડૂબાડીને"
બગરીબારી પુઠિમારી નદીના કિનારે આવેલું છે, આ ગામ દર વર્ષે પૂરગ્રસ્ત થતી બ્રહ્મપુત્રા નદીથી 50 કિલોમીટર દૂર છે. ચોમાસાના મહિનાઓમાં પાણીના સ્તરમાં વધારો થવાના ડરથી ગામલોકોની કંઈ કેટલીય રાતોની ઊંઘ હરામ થઈ જાય છે. અહીં બાક્સા જિલ્લામાં જૂન, જુલાઈ અને ઓગસ્ટ મહિનાઓ દરમિયાન ગામના યુવાન સભ્યો આખી રાત જાગતા રહીને પાળાના પાણી પર નજર રાખતા રહે છે. હરેશ્વર ઉમેરે છે, “અમે વર્ષના પાંચ મહિના પૂર સામે લડવામાં અથવા પૂરના ડર સાથે જીવવામાં ગાળીએ છીએ.
આ ગામના એક રહેવાસી યોગમાયા દાસ જણાવે છે કે "છેલ્લા કેટલાક દાયકાઓથી લગભગ દર બીજા ચોમાસામાં આ જ જગ્યાએથી પાળો તૂટતો રહ્યો છે."
આથી જ કદાચ અતુલ દાસનો દીકરો હિરકજ્યોતિ તાજેતરમાં જ આસામ પોલીસની નિઃશસ્ત્ર શાખામાં કોન્સ્ટેબલ તરીકે જોડાઈ ગયો છે. પાળાના બાંધકામ અને સમારકામમાં તેમને વિશ્વાસ રહ્યો નથી.
તેઓ કહે છે, "પાળો એ સોણર કરી પરા હાંહ [સોનાના ઈંડા મૂકતી મરઘી] જેવો છે. દર વખતે જ્યારે જ્યારે એ તૂટી જાય છે ત્યારે રાજકીય પક્ષો અને સંગઠનો આવે છે. ઠેકેદાર પાળો બાંધે છે. પરંતુ એ પૂરમાં ફરી તૂટી જાય છે.” 53 વર્ષના હિરકજ્યોતિ કહે છે કે જ્યારે આ વિસ્તારના યુવાનો વધુ સારા સમારકામની માંગ કરે છે ત્યારે "તેમને પોલીસ દ્વારા ધમકાવવામાં આવે છે અને મોઢું બંધ રાખવાની ફરજ પાડવામાં આવે છે."
બગરીબારીના ખેતરો, રસ્તાઓ અને ઘરો લોકોની હાલાકીની વાત કરે છે. અને લોકોને આ હાલાકીમાંથી જલ્દી છૂટકારો મળે તેમ લાગતું નથી. પુઠિમારી નદીના હાઈડ્રોગ્રાફિક સર્વેક્ષણ અંગેના ભારતીય આંતરદેશીય જળમાર્ગ પ્રાધિકરણ (ઇનલેન્ડ વોટરવેઝ ઓથોરિટી ઓફ ઈન્ડિયા) ના 2015ના અહેવાલ માં તારણ કાઢવામાં આવ્યું હતું કે "પાળાનું બાંધકામ અને સમારકામ કાયમ ચાલતું જ રહેતું લાગે છે."
*****
2022 માં પૂરના પાણી તેમના ઘરમાં ઘૂસી ગયા ત્યારે યોગમાયા દાસ અને તેમના પતિ શંભુરામને આઠ કલાકથી વધુ સમય સુધી તેમની બારીઓને વળગી રહેવું પડ્યું હતું. એ રાત્રે જ્યારે પાણી તેમના ગળા સુધી આવી ગયું ત્યારે આ દંપતી તેમનું કાચું ઘર છોડીને બાજુમાં જ પ્રધાનમંત્રી આવાસ યોજના (પીએમએવાય) હેઠળ તેઓ જે નવું ઘર બનાવી રહ્યા હતા ત્યાં જતા રહ્યા. આ પાકા મકાનમાં પણ પાણી ઘૂસી ગયાં હતાં અને ત્યારે જીવ બચાવવો હોય તો આ બારીઓ જ તેમને માટે છેલ્લી આશા હતી.
યોગમાયા કહે છે, "તે એક દુઃસ્વપ્ન હતું." એ કાળી રાતના ઓળા હજી પણ તેમના ચહેરા પર દેખાય છે.
પૂરથી તબાહ થયેલા પોતાના ઘરના દરવાજે ઊભેલા લગભગ 40 વર્ષના યોગમાયા 16 મી જૂન, 2022ની રાતના તેમના અનુભવો યાદ કરે છે. તેઓ કહે છે, “મારા માણસે [પતિએ] મને વારંવાર ખાતરી આપી હતી કે પાણી ઓસરી જશે, પાળો તૂટશે નહીં. હું ડરી ગઈ હતી, પણ મને ઊંઘ આવી ગઈ. અચાનક કોઈ જીવડું કરડતા હું ચોંકીને જાગી ગઈ અને જોયું તો પલંગ લગભગ તરતો હતો."
ગામના બીજા રહેવાસીઓની જેમ કોચ-રાજબંશી સમુદાયનું આ દંપતી બ્રહ્મપુત્રાની ઉપનદી પુઠિમારીના મુખ્ય ઉત્તરી કાંઠાથી લગભગ 200 મીટર દૂર રહે છે.
તેમની આકરી કસોટીનું વર્ણન કરતા યોગમાયા કહે છે, “મને અંધારામાં કશું દેખાતું નહોતું. તેઓ ઉમેરે છે, “ગમે તેમ કરીને અમે બારી સુધી પહોંચી શક્યા. પહેલા પણ પૂર આવ્યા છે, પરંતુ મેં મારી જિંદગીમાં આટલું બધું પાણી ક્યારેય જોયું નથી. હું મારી નજીક જીવજંતુઓ અને સાપ મંડરાતા અનુભવી શકતી હતી. હું મારા પતિ સામે જોઈ રહી હતી અને બને તેટલી ચુસ્ત રીતે બારસાખને વળગી રહી હતી." આખરે બચાવ ટુકડી આવી પહોંચતા સવારે 11:00 વાગે આ આકરી કસોટીમાંથી તેમનો છૂટકારો થયો, જે રાત્રે 2:45 વાગ્યાથી શરુ થઈ હતી.
'છેલ્લા કેટલાક દાયકાઓથી લગભગ દર બીજા ચોમાસામાં [પુઠિમારી નદી પર] આ જ જગ્યાએથી પાળો તૂટતો રહ્યો છે'
ઘરો ફરીથી બનાવવા માટેના વાર્ષિક ખર્ચથી કંટાળી ગયેલા ગામલોકો પૂર અને આ વર્ષના સતત વરસાદ પછી તબાહ થઈ ગયેલા તેમના ઘરોનું સમારકામ કરવા તૈયાર નથી. પૂરમાં તેમના ઘરો ગુમાવ્યા પછી અથવા પાછા જવાના ડરથી કેટલાક પરિવારો હવે પાળા પર કામચલાઉ તંબુઓમાં રહે છે.
42 વર્ષના માધવી અને 53 વર્ષના તેમના પતિ દંડેશ્વર દાસે અગાઉના પૂરમાં નુકસાન પામેલ તેમના ઘરની મરામત કરાવી હતી. પરંતુ તેઓ ત્યાં શાંતિથી રહી શકતા નથી. માધવી કહે છે, “જ્યારે પાણી વધ્યું ત્યારે (અમે ઘર છોડીને) પાળા સુધી આવી ગયા. આ વખતે હું જોખમ લેવા માંગતી નથી."
પાળા પર રહેતા લોકો માટે પીવાનું પાણી મેળવવું એ એક મોટી સમસ્યા છે. માધવી કહે છે કે પૂર પછી ઘણા પાતાળકૂવા રેતીની નીચે દટાઈ ગયા હતા. પ્લાસ્ટિકની ખાલી બાટલીઓથી ભરેલી ડોલ અમને બતાવતા તેઓ કહે છે, “પાણીમાં ઘણું બધું આયર્ન છે. અમે પાતાળકૂવા પાસે પાણી ગાળીને પછી ડોલ અને બાટલીઓમાં ભરીને પાળા પર લઈ જઈએ છીએ.”
અતુલની પત્ની નીરદા દાસ કહે છે, “અહીં ખેતી કરવાનો કે ઘર બાંધવાનો કોઈ અર્થ નથી. પૂરના પાણી વારંવાર બધુંય તાણી જાય છે." તેમના વરંડામાં વાંસના થાંભલા સામે ઝૂકીને તેઓ કહે છે, “અમે બે-બે વાર ટીવી ખરીદ્યું. બંને ટીવી પૂરના પાણીને કારણે બગડી ગયા હતા."
(જનગણતરી 2011 મુજબ) 739 લોકોની વસ્તી ધરાવતા બગરીબારીના રહેવાસીઓનો મુખ્ય વ્યવસાય ખેતીનો હતો. પરંતુ પૂરને કારણે અને (પૂરના) પાણી જે રેતી પાછળ છોડી જાય છે તેના કારણે બધું બદલાઈ ગયું છે, અહીંની જમીન પર ખેતી કરવાનું અશક્ય બની ગયું છે.
*****
કામરૂપ જિલ્લાના ગુઇયા ગામમાંથી બાળપણમાં જ પોતાના માતાપિતા સાથે અહીં સ્થળાંતરિત થનાર હરેશ્વર કહે છે, "અમારા વડીલો ખેતીની વધુ જમીનની આશામાં અહીં આવ્યા હતા." આ પરિવાર બગરીબારીમાં નદીના ઉપરના ભાગમાં સ્થાયી થયો હતો. તેઓ જણાવે છે, “આ લીલાછમ વિસ્તારમાં બહુ ઓછી વસ્તી હતી. તેઓએ [વયસ્કોએ] ઝાડીઓ કાપીને જમીન સાફ કરી અને ખેતી કરવા માટે તેઓને જેટલી જમીન જોઈતી હતી તેટલી જમીન મેળવી. પરંતુ હવે અમારી પાસે જમીન હોવા છતાં અમે ખેતી કરી શકતા નથી."
ગયા વર્ષે (2022 માં) હરેશ્વરે ડાંગરના બીજ વાવી દીધા હતા અને તેઓ ખેતરમાં ફેરરોપણી કરવાના જ હતા ત્યારે પૂર આવ્યું હતું. તેમની ખેતીની આઠ વીઘા (લગભગ 2.6 એકર) જમીન પાણીમાં ગરકાવ થઈ ગઈ હતી અને તેઓ ફેરરોપણી થઈ શકે એ પહેલા જ રોપાઓ ખેતરમાં સડી ગયા હતા.
હરેશ્વર નિસાસો નાખતા કહે છે, “આ વખતે પણ મેં થોડાં બીજ વાવ્યાં હતા, પણ વધતા પાણીએ બધું બરબાદ કરી નાખ્યું. હવે હું ખેતી નહિ કરું." આ વર્ષે જૂનમાં સતત પડેલા વરસાદે તેમના કિચન ગાર્ડનને નુકસાન પહોંચાડ્યું છે, મરચાંના છોડ, કંકોડા અને બીજા છોડ ખલાસ થઈ ગયા છે.'
જે ઘણા પરિવારોને ખેતી છોડી દેવી પડી છે તેમાં સમીન્દ્ર દાસનો પરિવાર પણ સામેલ છે. સમીન્દ્ર કહે છે, “અમારી પાસે 10 વીઘા [3.3 એકર] ખેતીની જમીન હતી. આજે એ ખેતરનું કોઈ નામોનિશાન નથી, રેતીના જાડા થર નીચે એ દટાઈ ગયું છે." 53 વર્ષના સમીન્દ્ર ઉમેરે છે, "આ વખતે ભારે વરસાદને કારણે અમારા ઘરની પાછળના જ પાળામાંથી પાણી લીક થઈ રહ્યું હતું. નદીમાં પાણી વધતા જ અમે તંબુ [વાંસના થાંભલા અને તાડપત્રીથી બનાવેલ કામચલાઉ આશ્રયસ્થાન] માં પાછા ફર્યા હતા."
યોગમાયા અને શંભુરામના પરિવાર પાસે ત્રણ વીઘા (આશરે એક એકર) ખેતીની જમીન હતી, તેમાં તેઓ મુખ્યત્વે ડાંગર અને ક્યારેક સરસવની ખેતી કરતા હતા. યોગમાયા યાદ કરે છે કે 22 વર્ષ પહેલાં તેમના લગ્ન થયા ત્યારે ગુવાહાટીથી 50 કિલોમીટર દૂર આવેલું આ ગામ ખેતીની લીલીછમ જમીન હતું. હવે અહીં માત્ર રેતીના ઢગલા જ રહ્યા છે.
જમીન રણ બની ગઈ ત્યારે શંભુરામને ખેતી છોડીને બીજું કામ શોધવું પડ્યું. બગરીબારીના બીજા ઘણા લોકોની જેમ તેઓ પણ દાડિયા મજૂર બની ગયા. હવે તેઓ નજીકના ગામોમાં નાના-મોટા કામ કરીને દિવસના લગભગ 350 રુપિયા કમાય છે. યોગમાયા કહે છે, "તેમને ખેતી કરવાનું ગમતું હતું."
પરંતુ હંમેશા કામ મળતું નથી. યોગમાયા એક ઘરેલુ નોકર છે અને રોજના લગભગ 100-150 રુપિયા કમાય છે. એક સમયે તેઓ ખેતરોમાં ડાંગરના ધરૂની ફેરરોપણી કરવાનું કામ કરતા હતા. કેટલીકવાર વધારાની રોકડ કમાવા માટે તેઓ બીજા કોઈની જમીન પર પણ કામ કરતા હતા. યોગમાયા ખેતી ઉપરાંત વણાટમાં પણ પારંગત છે. તેમની પાસે તેમની પોતાની હાથસાળ છે, જેની પર તેઓ ગામોચા (ગમછા - હાથવણાટના ટુવાલ) અને ચાદર (આસામી મહિલાઓ દ્વારા વીંટાળવામાં આવતું કપડું) વણે છે, તે તેમની આવકનો એક સ્ત્રોત પણ હતો.
ખેતી એ હવે વ્યવહારુ વિકલ્પ ન રહેતા તેઓ હાથસાળ પર વધુ નિર્ભર બની ગયા હતા. પરંતુ નદીએ ફરી એક વાર બાજી બગાડી છે. યોગમાયા કહે છે, “હું ગયા વર્ષ સુધી અઢિયા [માલિકને કુલ ઉત્પાદનનો અડધો ભાગ આપવાના કરાર] પર વણાટ કરતી હતી. પરંતુ હવે એ હાથશાળનું માત્ર માળખું જ બાકી રહી ગયું છે. પૂરનાં પાણી સ્પૂલ, બોબીન્સ બધું જ તાણી ગયાં છે.''
યોગમાયા કહે છે કે કામના અભાવ અને આવકની અનિશ્ચિતતાને કારણે તેમના દીકરાના શિક્ષણનો ખર્ચ ઉઠાવવાનું ખૂબ જ મુશ્કેલ બની ગયું છે - તેમનો દીકરો 15 વર્ષનો રાજીબ કાઉર બાહા નવમિલન હાઇસ્કૂલમાં ધોરણ 10 નો વિદ્યાર્થી છે. ગયા વર્ષે આ ઘટના પહેલા તેના માતા-પિતાએ તેને પાળાની નજીક રહેતા એક સંબંધીને ઘેર મોકલી દીધો હતો. આ દંપતીને બે દીકરીઓ પણ છે - ધૃતિમણિ અને નિતુમણિ. બંને પરિણીત છે અને અનુક્રમે કાટાનિપારા અને કેંદુકોનામાં રહે છે.
*****
પુઠિમારી નદીમાં વારંવાર આવતા પૂર અને એને કારણે બધુંય જળબંબાકાર થઈ જવાથી અતુલ દાસનો પરિવાર બેહાલ થઈ ગયો છે. અતુલ કહે છે, “મેં 3.5 વીઘા [1.1 એકર] પર કેળા અને એક વીઘા [0.33 એકર] જમીન પર લીંબુનું વાવેતર કર્યું હતું. એક વીઘા પર મેં કોળા અને સફેદ કોળાનું વાવેતર કર્યું હતું. આ વખતે નદીનું પાણી વધ્યું ત્યારે બધા જ પાક ખલાસ થઈ ગયા હતા." થોડા અઠવાડિયા પછી ફક્ત બે તૃતીયાંશ પાક ફરી ઊભો થઈ શક્યો.
અતુલના કહેવા પ્રમાણે ઘણા ગામલોકોએ રોડ કનેક્ટિવિટી નબળી હોવાના કારણેખેતી છોડી દેવી પડી છે. જે લોકો તેમની ઉપજ વેચવા માંગે છે તેમને માટે બજાર સુધી પહોંચવું લગભગ અશક્ય બની ગયું છે કારણ કે પાળો તૂટી જવાથી રસ્તાઓને નુકસાન પહોંચ્યું છે.
અતુલ કહે છે, “હું અમારા ઉત્પાદનોને રંગિયા અને ગુવાહાટી લઈ જતો હતો. એક સમય હતો જ્યારે હું રાત્રે કેળા અને લીંબુ જેવી અમારી ખેત પેદાશો વાનમાં લાદતો. અને બીજે દિવસે વહેલી સવારે લગભગ 5:00 વાગ્યે ગુવાહાટીના ફેન્સી બજાર પર પહોંચી જતો અને પાક વેચીને એ જ દિવસે સવારે આઠ વાગ્યા સુધીમાં ઘેર પહોંચી જતો." પરંતુ છેલ્લા પૂર પછી આ અશક્ય બની ગયું છે.
અતુલ ઉમેરે છે, “હું મારી ઉપજ હોડીમાં ધૂલાબારી સુધી લઈ જતો હતો. પણ તમને શું કહું! 2001 થી અત્યાર સુધીમાં આ પાળો અનેક વખત તૂટી ગયો છે. 2022 ના પૂર પછી તેની મરામત કરવામાં પાંચ મહિના લાગ્યા હતા."
અતુલના માતા પ્રભાબાલા દાસ પાળો તૂટી પડવાને કારણે સર્જાયેલી અરાજકતાને યાદ કરતાં કહે છે, "આ પૂરે તો અમને બધાને બરબાદ કરી નાખ્યા છે."
જો કે અમે પાછા ફરવા માટે પાળા પર ચઢીએ છીએ ત્યારે તેમનો દીકરો અમારી સામે જોઈને હસીને કહે છે, “ગયે વખતે પણ જ્યારે પૂર આવ્યું ત્યારે જ તમે આવ્યા હતા. (કોઈક વાર) સારા દિવસોમાં અમારી મુલાકાત લો. હું તમને અમારા ખેતરમાંથી શાકભાજી મોકલાવીશ."
અનુવાદ: મૈત્રેયી યાજ્ઞિક